Saturday, 20 May 2017

ભારત વિશ્વના ‘ટોપ ફાઈવ FB યુઝર્સ’માં આવે છે

ભારત વિશ્વના ટોપ ફાઈવ
FB યુઝર્સમાં આવે છે
                                                                        -પુલક ત્રિવેદી
        સાઇબર વર્લડ ઉપર ન ભૂતો ન ભવિષ્યતી જેવો ખતરનાક સાઇબર હુમલો થયો છે. 150 દેશોના બે લાખ ઉપરાંત કોમ્પ્યુટર્સને તાળા મારી ભયાનક તાંડવ કરતો ખંડણીખોર દુનિયા આખીને હલબલાવી રહ્યો છે. રેન્સમવેર વાનાક્રાઇ વાઇરસ કાળોકેર વર્તાવે છે. રેન્સમવેર વાનાક્રાઇ જેવા રાક્ષસનો નગ્ન નાચ હજુ કેટલી ખાનાખરાબી સર્જશે એની ચર્ચા આખુ વિશ્વ કરી રહ્યું છે. આવા ભયાનક માહોલમાં સોશ્યલ નેટવર્કિંગની એક મોસ્ટ પોપ્યુલર સાઇટની વાત કરી મન હળવુ થોડુ કરવુ છે. બદબુ સામે ખુશ્બુની વાત મુકી વાતાવરણને હસીન બનાવવુ છે.
એક દિવસની વાત છે. રોહને ગમગીન ચહેરે સૌનકને કહ્યું યાર મારી બહેન બહુ બિમાર છે, હોસ્પિટલાઈઝ્ડ છે. મારે ૨૫ હજાર રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત છે. કોઇ વ્યવસ્થા થતી નથી. કંઈક કરને યાર ?’ સૌનક શૂન્ય મનસ્ક રોહન સામું જોઈ રહ્યો. સૌનક કોલેજના છેલ્લા વર્ષમાં ભણે, નાના-મોટા  ટ્રેડીંગ કરીને, ટ્યુશનો કરીને થોડું ઘણું કમાઈ લે. જ્યારે રોહન એક પ્રાઇવેટ કંપનીમા જોબ કરે. 



સૌનક ટ્યુશન અને અને એકેડેમિક ફિલ્ડમાંથી ઠીકઠાક કમાઈ લે. સૌનકના પિતાજી મલ્ટી નેશનલ કંપનીમા જનરલ મેનેજર અને સમાજના અગ્રણી પણ ખરા. સૌનક રોહનની વાત સાંભળીને મિત્રની પરિસ્થિતિ ઉપર ખુબ લાગી આવ્યું. એટીએમમાં જઈને ૨૫ હજાર રૂપિયા લઈને રોહનને આપ્યા. પણ રકમ મોટી હોઇ એણે રોહનને કહ્યું કે યાર પાછા જલદી આપજે. ક્યારે આપીશ ? રોહને ૨૫ હજાર લેતાં કહ્યું ચિંતા ન કર આવતા મહિને મારો પગાર થતાં તરત જ પાછા આપી દઇશ. અને હા દોસ્ત, આ વાત મારા કે તારા ઘરના લોકોને ખબર ન પડે હો. મારી ઈજ્જતનો સવાલ છે. મારું ખરાબ લાગશે. પ્લીઝ કોઈને કહેતો નહીં.’
સૌનકે રોહનને આપેલું વચન પાળ્યું. એણે ઘરમાં કોઈને કહ્યું નહીં. એકના બે અને ત્રણ ત્રણ મહિના થયા પરંતુ રોહને સૌનકને પૈસા પરત ન કર્યા. સૌનક પૈસા માટે રોહનને રોજ રોજ કહે પણ રોહન પૈસા પરત આપી શકે નહીં. બંને મિત્રો વચ્ચે વિશ્વાસનો સેતુ તૂટ્યો. અંતે કંટાળીને સૌનકે એના પિતાજીને વાત કરી. બન્ને મિત્રોના પરિવારમાં ખબર પડી. બન્ને પરિવારના વડિલો ભેગા મળ્યા ત્યારે ખબર પડી કે, રોહનની બહેન બિમાર જ ન હતી. રોહન તો ફેસબુકના કોઈ ફેક અકાઉન્ટવાળા ફ્રોડના ચક્કરમાં ખુવાર થતો હતો. જ્યારે રોહનને ખબર પડી કે એ કોઈકના ફેક એફબી એકાઉન્ટની જાળમાં ફસાયો છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સૌનકની જેમ રોહનના ઘણાં મિત્રોએ એને વત્તે ઓછે અંશે પૈસા આપ્યા હતા. આ આખી ઘટના દ્વારા સોશિયલ મીડિયાનું એક વરવું પાસું ઉજાગર થાય છે.
જેમ સિક્કાની બીજી બાજુ હોય એમ એફબીનું અન્ય એક મઝાનું પાસું દર્શાવતો કિસ્સો પણ જાણવા જેવો છે. આ કહાની છે શેરિલ સેન્ડબર્ગની. શેરિલ ફેસબુકના સીઈઓ. બે વર્ષ પહેલા પતિ ડેવ ગોલ્ડબર્ગના મૃત્યુ બાદ શેરિલ સાવ ભાંગી પડી હતી. બાળકના ઉછેરની સાથે સાથે પતિના પ્રેમને મીસ કરતી શેરિલે તેના ફેસબુક પેજ ઉપર આવી પડેલા આ દુઃખને વર્ણવતી એની મન:સ્થિતી ઉજાગર કરતી પોસ્ટ મૂકી. શેરિલના એફબી ફ્રેન્ડસે એની પોસ્ટ વાંચીને એમની જિંદગીના અનુભવો વિગતવાર વર્ણવ્યા અને એ રીતે શેરિલના દુ:ખમા સહભાગી બન્યા.



એફબીના મિત્રોની કોમેંટે શેરીલની વેદનાસભર મન:સ્થિતિને ઉપર રીતસરનો માલમ લગાવી જબરજસ્ત પોઝીટીવ અસર ઉભી કરી. શેરિલ અને એના મિત્ર એડમ ગ્રાન્ટે એફબી ફ્રેન્ડસના અનુભવો ઉપરથી ઓપ્શન-બી - ફેસિંગ એડવર્સીટી બિલ્ડીંગ રેજીલિયન્સ એન્ડ ફાઈન્ડિંગ જોય પુસ્તક લખ્યું. ગયા મહિને આ પુસ્તક પ્રકાશિત થયું. શેરિલને જીવવાનું અનોખું બળ મળ્યું. એક નવો રાહ મળ્યો.
આ બે કિસ્સા ઉપરથી એટલુ તો સ્પષ્ટ છે કે, એફબી સોશિયલ મીડિયાનું એવું ટુલ છે કે માણસની જિંદગીને સજાવી-સવારી શકે છે અને જો યોગ્ય રીતે ઉપયોગ ન થાય તો માણસને પછાડીને ખાઇમાં પણ ધકેલી શકે છે. આ એક જોરદાર માધ્યમ છે. ભારતમા પ્રતિમાસ ૧૯૫ મિલીયન એફબી યુઝર્સ છે. જે પૈકી ૧૫૫ મિલીયન કરતાં વધુ લોકો એફબી ઉપર એક્ટિવ હોય છે. ભારતમાં ૮૧ મિલીયન લોકો એવા છે જે દરરોજ એફબીનો ઉપયોગ કરતા હોય છે. જો કે સમસ્ત વિશ્વના એફબી યુઝર્સની વાત કરીએ તો આખી દુનિયામાં ૧.૪૪ બિલીયન લોકો એફબી સાથે સંકળાયેલા છે.
મેનાલો પાર્ક, કેલિફોર્નિયા સ્થિત ઓનલાઈન સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ આપી વિશ્વમાં છવાઈ ગયેલી અમેરિકન કંપની માર્ક ઝકરબર્ગ નામના લબરમુછીયા યુવાને ફેબ્રુઆરી તા. , ૨૦૦૪માં લોન્ચ કરી. શરૂઆતમાં માત્ર હાર્વર્ડ યુનિવર્સિટીના વિધ્યાર્થીઓના સંપર્ક પુરતી આ સાઇટ સિમિત હતી. પછી તો અમેરિકાની બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-યુવાનો પણ એફબીની સાઈટથી જોડાતા ગયા. જોતજોતામાં દુનિયા આખીના ડેસ્કટોપ, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટ ફોન યુઝર્સ માટે ફેસબુક જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું. એફબીના આ જોરદાર વાવાઝોડા વચ્ચે આજે એક સહજ પ્રશ્ન થાય કે, શુ શોશિયલ મિડીયા માણસને જીવંત રાખે છે...? જી હા, આ એક એવો યક્ષ પ્રશ્ન છે કે, સમજીને ઉપયોગ થાય તો શાનદાર અને નાસમજ ઉપયોગ તો ખતરનાક.
એપ્રિલ-૨૦૧૬માં થયેલા સર્વે અનુસાર એફબી સમસ્ત વિશ્વમાં સૌથી પ્રચલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટનુ બિરૂદ ભોગવે છે. ભારતમાં ફેસબુક યુઝર્સ અને નેટવર્કીંગ સાઈટની કેટલીક મજેદાર વિગતો સામે આવે ત્યારે ખરેખર એવું લાગે કે, ‘ મેરા દેશ બદલ રહા હૈ, આગે બઢ રહા હૈ...’
·           વિશ્વભરમાં ભારતમાં સૌથી વધુ એફબી યુઝર્સ છે.
·           જે દેશમાં સોશિયલ નેટવર્કીંગ સાઈટની શોધ થઈ એવા યુએસ કરતા પણ ચાર મિલીયન વધુ એફબી યુઝર્સ ભારતમાં છે.
·           ભારતમાં ૧૫૫ મિલીયન એક્ટિવ એફબી યુઝર્સ છે. જેમાંથી ૧૪૭ મિલીયન ભારતીયો તેમના મોબાઈલ ઉપરથી એફબી એકસેસ કરે છે.
·           ૭૩ મિલીયન ભારતીયો પોતાના એન્ડ્રોઈડ ઉપર પ્રતિદિન સક્રીય રીતે ફેસબુકનો ઉપયોગ કરતા હોય છે.
·           વિશ્વના ટોપ ફાઈવ એફબી યુઝર્સમાં ભારત, અમેરિકા, બ્રાઝીલ, યુકે અને જર્મની આવે છે.
·           ભારતમાં એફબીનો સૌથી વધુ ઉપયોગ કરનારાઓમાં ૧૮થી ૨૪ વર્ષ વચ્ચેની વયજુથના યુવાનો છે.
·           ભારતનો એફબી યુઝર દિવસમાં ઓછામાં ઓછો ત્રણવાર એફબીનો ઉપયોગ કરતા હોય છે.
·           અલગ અલગ ૧૨ ભાષામાં ભારતીયો ફેસબુક ઉપર પોતાના વિચારો મૂકે છે.
·           એક અંદાજ અનુસાર ભારતમાં એફબીનો ઉપયોગ કરનારા પૈકી ૭૬ ટકા પુરુષો અને ૨૪ ટકા મહિલાઓ છે.
·           સર્વે મુજબ ૧૪.૪ મિલીયન ગ્લોબલ ફેસબુક ફેન ધરાવતી મોસ્ટ પોપ્યુલર ઈન્ડિયન બ્રાન્ડઆજતક છે.
·           પ્રત્યેક ભારતીય અને વિષેશ કરીને દરેક ગુજરાતી આખી દુનિયામા કોલર ઉચા કરીને ચાલી શકે એવી વાત એ છે કે, આ વર્ષના બીજા ક્વાટરમાં થયેલી ગણતરી અનુસાર ૩૨.૯ મિલીયન લાઈક્સ સાથે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મોસ્ટ પોપ્યુલર ઈન્ડિયન છે.
·           રજનીકાંત વર્સીસ સીઆઈડીનો જોક મોસ્ટ ફોલોડ ઈન્ડિયન ફેસબુક પેજછે. જેને એક કરોડ ઉપરાંત લોકોએ લાઈક કર્યું છે.
·           ભારતમાં સામાન્ય રીતે લોકો તેમની પોસ્ટ તેમના મિત્રો જ જુએ એવું વધારે પસંદ કરતા હોય છે.
સંબંધો જેટલા શોશીય્સ મિડીયા ઉપર વહેતા જાય એટલા એ વિકસતા જાય. એક બહુ પ્રચલિત  વાત એ પણ છે કે, માણસ ફેસબુકથી એટલો બધો જોડાઇ ગયો છે કે, ફેસ ટુ ફેસ થવાનુ ભુલી ગયો છે. પણ સામે પક્ષે એફબી યુઝર્સ એમ પણ કહે છે કે ફેસ ટુ ફેસ મળળવાનો અવસર એફબી આપે છે. આ તો એવી વાત થઇ કે પહેલા મરય્ઘી કે પહેલા ઇંડુ ? ખેર, મુળ વાત તો એ છે કે, લાગણીઓ, માગણીઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, પ્રેમ, નફરત જો અભિવ્યક્ત નથી થતી તો માનવી બેબાકળો બની જતો હોય છે. સોશિયલ મીડિયા માણસને જીવંત રાખે છે. ઉર્જાવાન બનાવે છે. સાથે સાથે અતિ સર્વદા વર્જયતેના વૈદિક સનાતન સત્ય મુજબ સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ લેખના પ્રારંભે વર્ણવેલી રોહનની કહાનીની માફક ઘાતક પણ નીવડી શકે અને વિવેકપૂર્ણ ઉપયોગ શેરિલની જેમ જીવનમાં સુવાસીત ફુલો પણ ખિલવી શકે.

ધબકાર :

વિજેતા કોઈ અલગ કામ નથી કરતો એ કામને અલગ અંદાજથી કરતો હોય છે.




Wednesday, 10 May 2017

નિકિતા અને સૌમિલે ફીલ કર્યુ કે, દીકરો રાહુલ પરિવારથી દુર થતો જાય છે...

નિકિતા અને સૌમિલે ફીલ કર્યુ કે, દીકરો રાહુલ પરિવારથી દુર થતો જાય છે...
-          પુલક ત્રિવેદી
    
ઓફિસથી આવીને ફ્રેશ થઈને સૌમિલ ડ્રોઇંગ રૂમમાં ટી.વી. ઉપર સમાચાર જોવા બેઠો. રીમોટ ઉપર આંગળા ફેરવતો હતો ત્યાં નિકિતાએ ચાનો કપ સૌમિલને આપતાં કહ્યું, ‘આપણો રાહુલ હમણાં હમણાંથી બહુ ખામોશ થઈ ગયો છે.’
પરીક્ષા બરીક્ષા આવતી હશે; એટલે ઢીલો હશે યાર. ‘ સૌમિલે ચા પીતા પીતા જવાબ આપ્યો.
ના એવું નથી. કંઈક ગડબડ લાગે છે.’ કહેતા નિકિતાએ ઉદાહરણો આપી તેની વાતને થોડી વધારે મજબુતાઈ આપી.



દીકરા રાહુલ માટેની નિકિતાએ કરેલી ચિંતાસભર વાતની સૌમિલ ઉપર અસર થઈ. એણે રાહુલની વર્તણૂંક ઓબ્ઝર્વ કરવા માંડી. એકાદ સપ્તાહમાં નિકિતાના તારતમ્ય સાથે સૌમિલ કનવિન્સ થઈ ગયો. દીકરો રાહુલ એમનાથી દૂર જઈ રહ્યો છે, એવુ એને પણ સ્પષ્ટ લાગ્યું. સૌમિલ વિચારોના વમળમાં ડૂબવા લાગ્યો. હજુ એકાદ બે વર્ષ પહેલાં સ્કૂલમાં હતો ત્યારે તો રાહુલ હંમેશા એમની આગળ-પાછળ ફરતો રહેતો. સતત બડબડ કરીને નાની-નાની વાત પણ કહેતો. રાહુલ કોલેજમાં જતાં છેલ્લા એકાદ વર્ષથી ખામોશ થઈ ગયો છે. પહેલા તો નાની અમથી વાત પણ જ્યાં સુધી સાંભળીએ નહીં ત્યાં સુધી બે-ચાર વાર લવારા કરે જતો. રાહુલને અચાનક શું થયું છે ? આ પરિવર્તન ઉંમરનું છે કે પછી કંઈક બીજું છે ? જે કોઈ કારણ હોય, પણ આ પ્રકારના દીકરા રાહુલના ખામોશ વલણે સૌમિલ અને નિકીતાને વિચાર કરતા ચોક્કસ કરી મૂક્યા.
સૌમિલ અને નિકિતા રાહુલને સતત નાની નાની વાતોમાં ટપારતાં. દિવસે દિવસે મોટા થતા રાહુલને ક્રોધ કે દંડના માપથી એની દરેક વર્તણૂંકને તોલતા અને બોલતા - વઢતા રહ્યા. સૌમિલ, નિકીતા અને દીકરા રાહુલની આ કહાની જેવી કહાની ઉચ્ચ અને મધ્યમ વર્ગના લગભગ ઘણાખરા પરિવારોની છે. ઘેર ઘેર આવા પ્રશ્નો સર્જાતા હોય છે. પછી કાઉન્સિલર પાસે જઈ સમસ્યાના સમાધાનો ખોજવાની દોડધામ થતી હોય છે.
ઘર-ઘરની આ વિટંબણાના પાયામાં મુળતઃ અસ્વીકાર હોય છે. ‘સેન્સ ઓફ રીજેકશનખુબ મોટી ખાના ખરાબી સર્જતી હોય છે. પ્રત્યેક બાળકને નાનુ હોય ત્યારે દરેક વાત પરિવારમાં આવીને મમ્મી-પપ્પાને ન કહે ત્યાં સુધી એને ચેન નથી પડતું. સ્કૂલમાં આમ થયું, સ્કૂલ બસનાં ડ્રાયવર કાકાએ તેમ કર્યું વગેરે વગેરે વાતો કરતા એનું પેટ ક્યારેય ન ભરાય. બાળકની આ વાતચીતનો જાણે અજાણે સાંભળ્યું ન સાંભળ્યુંનો અંદાજ કે પછી મા-બાપનો સતત બેફિકરો એટીટ્યુડ ટર્નીંગ પોઈન્ટ બનતો જાય છે.



જ્યારે બાળકથી કોઈ ભૂલ થાય ત્યારે એની સામેનો ક્રોધ અને નકારાત્મક અભિગમ એને અન્ય માર્ગે જવા પ્રેરે છે. કોઈ વાતની તરત અસંમતિ અને અપમાન બાળમાનસને વિપરીત દિશામાં ધકેલવા માટે પૂરતા છે. દીકરો કે દીકરી નાના હોય ત્યારે મા-બાપની નાની અમથી વાત કરવા માટે પણ એમની આગળ પાછળ ફરતા હોય છે. એ જ બાળકો મોટા થાય ત્યારે એની સાથે વાત કરવા મા-બાપ એની આગળ પાછળ કેમ ફરતા થઇ જાય છે ? કારણ તદ્દન સીધુ છે. જ્યારે બાળક માટે તમે જ સૌથી અગત્યના વ્યક્તિ હતા અને વાત કરવા માટે એ સતત તમારી અપેક્ષા રાખતુ હતુ ત્યારે તમે એને ઈગ્નોર કર્યું છે. એ સમયે તમારી પ્રાયોરિટી કદાચ અલગ હતી. દુનિયાના પ્રત્યેક વ્યક્તિને ત્રણ હરહંમેશ વહાલા હોય. સન્માન, સ્વીકાર અને સંમતિ. જ્યારે પણ કોઈ ભુલ કે ખોટું કાર્ય થાય ત્યારે બાળકના સન્માનને ઠેસ પહોંચે. એની કોઈ વાતનો સ્વીકાર ન થાય. અને એની રજુઆત સતત અસંમતિથી પાછે ઠેલાય ત્યારે સેન્સ ઓફ રીજેકશનબંડ પોકારવા મજબુર બને. રીજેકશનની માત્રા જેમ જેમ વધતી જાય એમ એમ બાળકનું પરિવારથી અંતર વધતું જાય. જ્યારે પરિવારમાંથી સન્માન, સ્વીકાર અને સંમતિ નથી મળતી ત્યારે જ બાળક બહારથી દોસ્તો, અજાણ્યા લોકો જ્યા પણ એને સન્માન મળે, એની વાતનો સ્વીકાર થાય અને એના કાર્યને સંમતિ મળે ત્યાં સ્વાભાવિક રીતે જ વધારે ઢળવા લાગે. પરિવારના પ્રેમમહેલમાં ત્રીજા વ્યક્તિનો પ્રવેશ જ આ રીતે થતો હોય છે.
બાળકની કોઇ પણ વાત કે પ્રવૃત્તિની ટીકા, ધુતકાર અને એને અંકુશમાં રાખવાના દંડકીય ઉપચારો આ ત્રણ પરિબળો ભયાનક છે. જ્યારે પણ કોઈ એવી અણછાજતી માંગણી કે ભૂલનો કિસ્સો બને ત્યારે બાળકને એમ કેમ ન કહી શકાય કે, ‘બેટા, હું તારી ઉંમરનો હતો ત્યારે મેં પણ આમ જ કર્યું હતું. તું ખોટો નથી તારી ઉંમરમાં આવું થવું સહજ છે. તારો કોઈ વાંક નથી વાંક તો એ બાબતનો છે.’ આ પ્રકારનું તમારું વલણ બાળકને તમે રસ ધરાવતું મુખ્ય પાત્ર છો એવો સદાય અહેસાસ કરાવે છે. પરંતુ આપણે વર્તન કરીએ છીએ તદ્દન જુદુ. એક દિવસ એક ભાઈને એના મિત્રનો દીકરો આવીને કહે અંકલ મારાથી આ ગંભીર ભૂલ થઈ ગઈ ત્યારે એ મિત્રએ કહ્યું ઈટ્સ ઓકે બેટા. ડોન્ટ વરી આવું તો થાય.’ પેલા મિત્રના દીકરાને બળ મળ્યું અને એ વધુ તાકાતથી સમસ્યા સામે લડવા સક્ષમ બન્યો. પરંતુ આ જ ભુલ મિત્રને એના પોતાના દીકરાએ વર્ણવી હોય તો એ શું કહેત ? તું તો કપાતર છે, તારી પાસે આવી અપેક્ષા ન હતી, તે તો મારું નામ બોળ્યું વગેરે વગેરે.. બીજાના બાળકોની ભૂલ માટે આપણે નોન જજમેન્ટલહોઈએ છીએ. અને પોતાના સંતાનો સાથે હંમેશા ઓફેન્સીવ, પઝેસીવ અને જજમેન્ટલ વર્તણૂંક હોવાથી સમસ્યા સર્જાય છે. શા માટે પોતાના બાળકને સહજતાથી એમ ન કહેવાય, ‘‘ઈટ્સ ઓકે બેટા. ઈટ હેપન્સ ઈન લાઈફ...’’
કોઈ ભૂલ થાય ત્યારે તરત ઉતારી પાડવાની જગ્યાએ ભૂલ સામે સંવેદના બતાવવાથી સાચા પરિણામો સાંપડે. આપણે બિલકુલ ઊંધું કરીએ છીએ જેટલી મોટી ભૂલ એટલો મોટો ઠપકો આપીએ છીએ. પરિણામે ધીમે ધીમે બાળક વાત કરવાનું જ છોડી દે. એટલે મા-બાપ સમજે કે એની કુટેવ સુધરી ગઈ. ના, એવું હરગીઝ હોતું નથી. એણે માત્ર વાત કરવાની છોડી છે તમને જાણકારી નથી. કુટેવ છૂટી નથી. જ્યારે કોઈ પડે તો સૌથી પહેલા એને ઊભો કરવા ટેકો આપીએ પછી એને જ્યાં વાગ્યું હોય ત્યાં મલમ લગાવીએ પછી બે શબ્દ માર્ગદર્શનના કહીએ કે, ભાઈ નવો રસ્તો હોય ત્યાં થોડું જાળવીને ધીમે પસાર થઈએ. તો તેની બરાબર અસર થાય. પરંતુ સામાન્ય રીતે આપણે જ્યાં વાગ્યું હોય ત્યાં સોટીઓ મારીએ છીએ. ફિઝીકલ પેઈનમાં જેમ સલાહ કામ નથી કરતી મલમ કામ કરે છે એમ મેન્ટલ પેઈનમાં પણ ઠપકો કે ટીકાની કે સલાહની જરૂર નથી, સહકાર અને ઇમોશન જ અદભૂત કામ કરે છે.
પોતાના બાળકને જે સમયે કહેવાની જરૂર હોય કે, ‘આ તો તારી ઉંમરનો વાંક છે, ભૂલ તો થાય ચિંતા નકરીશ હું તારી સાથે છુ. આમ કહેવાની જગ્યાએ જો ક્રોધ કે ટીકા-ઉપહાસ થયો તો એનો સૌથી મોટો ખમિયાજો ભોગવા તૈયાર રહેવું પડે. જે કહેવાનું છે એ નકીધુ અને ન કહેવાનુ કીધું તો, જીવનમાં આપણું સૌથી પ્રિય પાત્ર આપણાંથી દૂર હડસેલાતુ જોવાનું દર્દ ખમવાની પીચ જાતે તૈયાર થઈ રહી છે એમ સમજી લેવું પડે.
એક ભાઈ એના યુવાન દીકરા પાસે તેમના પેન્ટ-શર્ટ ખરીદવાથી માંડીને ફ્લેટ કે કારની ખરીદી માટે પણ સલાહ લેતા હતા. આ પરિવારમાં પ્રતિદિન સવારે ચા-નાસ્તા દરમિયાન અડધો કલાક દીકરો અને મા-બાપ સૌ સાથે બેસી ચા પીતા ખુલ્લા દિલે તમામ વાતોની નિખાલસપણે ચર્ચા કરે છે. આ પરિવારમાં પિતા પુત્ર વચ્ચે સરસ મૈત્રી છે. માતા પુત્રની બેસ્ટ ગલ ફ્રેન્ડ છે. પરિવારના કોઇ પણ પહાડ જેવડા મોટા પ્રશ્નો રૈના દાણા જેવા થઇ જાય છે. પારિવારિક જીવનની સુગંધ સંવાદમાં છે. જ્યાં સંવાદમાં સન્માન, સ્વીકાર અને સંમતિની સરવાણી વહેતી હોય ત્યાં સુખ અને સમૃદ્ધિની શાતા હોય.

ધબકાર : માણસની સૌથી મોટી શક્તિ એનું પરિવાર છે.

------------------------------