Sunday, 23 July 2017

અભાવો અને મુશ્કેલીઓના તાપમાં તપીને તૈયાર થયેલા સિવિલ સોલ્જર વોરાનો અનોખો અંદાજ

અભાવો અને મુશ્કેલીઓના તાપમાં તપીને તૈયાર 
થયેલા સિવિલ સોલ્જર વોરાનો અનોખો અંદાજ
                        
                              -     પુલક ત્રિવેદી


તે મનોરથ જીતનો પ્રારંભથી રાખ્યો હતો,
એ પ્રમાણે જિંદગીને ઘાટ પણ આપ્યો હતો,
સાદગી સાથે વિચારો ઉચ્ચ તું રાખી શક્યો,
એ હદે ગાંધી, કહે તો શી રીતે વાંચ્યો હતો ?
વાન ઉઘડ્યો કઈ દવાથી એટલું પૂછ્યું અને..
ખુદ ઘસાયાનો પછી તેં મર્મ સમજાવ્યો હતો !
એટલે ખરવા વિશે લવલેશ શંકા ના રહી,
તારલાનો હાથ જાદવ, તેં સ્વયં ઝાલ્યો હતો !
એ બહાને ચાંદની રીઝી જતી ઓ નાસમજ !
કેમ તડકો તેં ઉલટથી છાંતીએ ચાંપ્યો હતો ?
લાભ શંકાનો મળ્યો છે, એક કારણથી તને,
આયનો તેં ગામ ભાળે એમ ટિંગાડ્યો હતો !
દિન-દહાડે માણસાઈ ઉંઘતી ઝડપાઈ તો,
એક માણસ તું હતો કે રાતભર જાગ્યો હતો !
આપમેળે એમ કૈં આવું સરોવર ના બને,
યાદ કર, રણમાં કશે તેં વીરડો ગાળ્યો હતો ?
એટલે તો ભાર પીંછાનો તને લાગ્યો નથી,
તેં ગયા જન્મે કદાચિત મોરલો પાળ્યો હતો !
એક અરસા બાદ ત્યાં થોડીઘણી હિલચાલ છે,
તેં કદી વિશ્વાસનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો !
આગમન તારું થયું તો, દી પછી સુધરી ગયો,
આમ તો પંચાગમાં એ દુઃખભર્યો છાપ્યો હતો !


તાજેતરમા પ્રકાશિત થયેલા મઝાના પુસ્તક સિવિલ સોલ્જરમાં કવિ મિત્ર કિશોર જીકાદરાની કલમે લખાયેલી આ ગઝલના પ્રત્યેક શબ્દમાં એક અનોખા વ્યક્તિની સંવેદના, સંસ્કાર અને સંનિષ્ઠાના ભાવ ભારોભાર નીતરે છે. આ ગઝલમાં એક એવા વ્યક્તિત્વના પાસાને ઢાળ મળ્યો છે કે, જેની વિશે વાત કરતાં જીભ ન સુકાય. પુસ્તકમા જ વર્ણવાયેલી ૧૯૮૧ના સપ્ટેમ્બર મહિનાની એક ઘટનાની વાત યાદ આવી ગઈ...



માંગરોળમાં યુવાન મામલતદારની નિમણૂક થઈ. દરિયા કાંઠે આ યુવાન મામલતદાર એ દિવસે મુલાકાતે આવ્યા હતા. દરિયાઈ તોફાન અને વાવાઝોડાનો લેશમાત્ર આ યુવાનને અંદાજ ન હતો. હિલોળા મારતો દરિયો જોઈને મામલતદાર સાહેબ રાજી થતાં હતાં. પણ થોડીક જ મિનિટોમાં દરિયાના મોજાની સાઈઝ એમને કંઈક અસાધારણ રીતે વધતી જણાઈ. પરિસ્થિતિ થોડી અલગ લાગવા લાગી. ખારવાઓ એમની બોટ લઈને ઝડપથી કિનારે પાછા વળતાં હતાં. એક ખારવાએ તેની અનુભવી વાણીમાં કહ્યું કે, દરિયામાં જોરદાર કરંટ છે અને મોડી રાત કે કાલ સુધીમાં દરિયામાં મોટું તોફાન આવશે. ખારવાની આ વાત યુવાન મામલતદારે નજરઅંદાજ ન કરી. તરત કલેકટરશ્રીને જાણ કરી. કલેકટરે પણ મામલતદારને કહ્યું તમે ખૂબ સરસ આગોતરી જાણ કરી છે. લોકોને સાથે રાખીને જાનમાલની સલામતીના જરૂરી પગલાં લેજો. જિલ્લા કક્ષાએથી પણ આવશ્યક મદદ મોકલાવી રહ્યા છીએ. મુંઝાયા વગર કામ કરજો.
બીજા દિવસે સવારે માંગરોળના દરિયા કાંઠે માધોપુર-ઘેડ વિસ્તારમાં ભયાનક દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું. એક અધિકારીએ યુવા મામલતદારને સમાચાર આપ્યા કે ઘેડ વિસ્તારમાં ૧૦-૧૫ ફૂટ પાણી ભરાઈ ગયા છે. ઢોર-ઢાંખર અને લોકો ડુબી રહ્યા છે. આ યુવા મામલતદાર એક સેકન્ડ પણ વિચાર કર્યા વગર ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને કહ્યું કે એક પણ મિનિટનો સમય બાગવો નથી ચાલો આપણે ઘેડ વિસ્તારમાં લોકોની મદદે પહોંચી જઇએ. જે અધિકારી સમાચાર લાવ્યો હતો એ તો આભો બનીને આ મામલતદાર સામે જોઈ જ રહ્યો. વિનમ્રતાપૂર્વક બોલ્યો, સાહેબ તમારે ના આવવાનું હોય અમે લોકો જઈને બચાવ રાહત કામગીરી શરૂ કરી દઈએ છીએ. તેજીલા તોખાર જેવા આ યુવા મામલતદારે એક સ્માઈલ આપીને કહ્યું કે, મિત્ર જીવ તમારો હોય કે મારો એક જ વાત છે, આ તબક્કે તો માંગરોળના નાગરિકોની મદદે આપણે બધાએ એક સાથે દોડવાનું છે.
યૂવા મામલતદારની આ સ્પીરીટ જોઈને આખી મામલતદાર કચેરીમાં સેવા કરવાનું અનેરું જોમ અને ઉત્સાહ વ્યાપી ગયો. જેમ ક્રિકેટ મેચમાં ખેલાડીઓ એક બીજાના ખભા પકડી રમતની શરૂઆત પહેલાં એકમેકને હિંમતથી મુકાબલો કરવા સજ્જ બને એમ આખી મામલતદાર કચેરી માંગરોળના ભાઈઓ-બહેનોને બચાવવા મેદાને પડી. જાણે કે કોઈ પવિત્ર શંખનાદ ના થતો હોય એમ ચારેકોર આ યુવા મામલતાદરની અને એની કચેરીની સેવાકીય સુવાસ પ્રસરવાની શરૂ થઈ ગઈ. ભારે જહેમત અને સતત-અવિરત ૪૮ કલાક સુધી પરિશ્રમ બાદ આ મામલતદારે ઘેડ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં સફળતા મેળવી.
પુસ્તકમાં રૂવાડા ખડા કરી દે તેવી કાંકીડી ગામની ધુળીયા શેરીમાં જન્મેલા જાદવ ભગવાનદાસ વોરાની જવામર્દીની આવી તો અનેક દાસ્તાન સુપેરે રસાળ શૈલીમાં પ્રસ્તુત કરાયેલી છે. ખેતમજૂરી કરતાં માંડ માંડ પેટયું રળતાં ભગવાનભાઈને ત્યાં જન્મેલું જાદવ નામનું રતન. મહેનત અને હોંશિયારીથી કલેકટર અને કમિશનરની કક્ષા સુધી પહોચ્યું. કાંકીડી ગામના જાદવમાંથી સનદી અધિકારી જે. બી. વોરાનું ટ્રાન્ફોર્મેશન કંઈ રાતોરાત એક દિવસમાં નહોતું થયું. અનેક અભાવો વચ્ચે ઉછરેલું બાળપણ અને યુવાની જ્યારે મુશ્કેલીઓના તાપમાં તપીને ખરું સોનું બનીને નીખરી આવે છે ત્યારે એનો અંદાજ જ અનોખો હોય છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે આંઠ-આંઠ કિલોમીટર ચાલીને અભ્યાસ કરવો, કોલેજના અભ્યાસ માટે શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણવું અને એ પણ આર્થિક તંગીમાં ખૂબ મુશ્કેલીઓ વચ્ચે માર્ગ કાઢીને આગળ વધવાની વાત બહુ સહજ ન હતી. પણ જાદવ વોરાના નસીબમાં મહેનતની સાથે સાથે મુઠ્ઠી ઊંચેરા માનવીઓનો સહયોગ પણ ઈશ્વરે નિર્માણ કર્યો હતો. શાળા જીવનમાં પ્રતાપભાઈ અને કોલેજ જીવનમાં રતિલાલ બોરીસાગર જેવા શિક્ષકોએ જાદવભાઈ નામના હીરાને પાસા પાડી મૂલ્યવાન બનાવ્યો. કોલેજ અભ્યાસ દરમિયાન જાણીતા પ્રોફેસર, સાહિત્યકાર અને કેળવણીકાર રતિલાલ બોરીસાગરે જાદવભાઈને કહ્યું હતું કે, દીકરા તારામાં સનદી અધિકારી બનવાના લક્ષણો છે. તું મહેનતમાં પાછી પાની ન કરતો. જાદવભાઈના મનમસ્તિસ્કમાં આજે પણ  રતિલાલ બોરિસાગર સાહેબના આ શબ્દો એટલાં જ તરોતાજા છે.
જૂનાગઢ હોય કે પાટણ, માધોપુર હોય કે મહેસાણા કે પછી રાજકોટ, હોદ્દો મામલતદારનો હોય કે કલેકટરનો, અધિક કલેકટરનો હોય કો જિલ્લા વિકાસ અધિકારીનો કે પછી કમિશનરનો જે. બી. વોરાનો સદા-સર્વદા એક મંત્ર ‘ સરકારી નિયમો જનતાની સેવા માટે છે. ‘ લોકોને તેમના પ્રશ્નો હલ કરવા માટે ક્યારેય ધક્કા ખાવા ન પડે એ જ સરકારી સેવાનું મહત્વનું અંગ કહેવાય. જે વિસ્તાર-જિલ્લામાં નોકરી પર જાય ત્યાં જે. બી. વોરા તેમના સેવકને કહેતાં કે, મને મળવા આવતાં લોકોમાં સૌથી પહેલાં એવો લોકોનો મોકલવા કે જેમના પગમાં સ્લીપર કે ચપ્પલ ન હોય. પછી સ્લીપર ચપ્પલ વાળાને મોકલવા અને છેલ્લે સુટબુટ પહેરેલા લોકોને. આવી સૂચના પાછળ પણ જે. બી. વોરાની હૃદયની ભાવના ખૂબ સ્પષ્ટ હતી કે, જેની પાસે નાણાં નથી એને વારંવારના ધક્કા તેની શારીરિક અને આર્થિક પરિસ્થિતિને વધુ વણસાવે છે. જે મુશ્કેલીઓ એમણે અને એમના પરિવારે ભોગવી એ મુશ્કેલીઓ બીજા લોકોને ન પડે એની સતત કાળજી એ લેતા.
ગુજરાત રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ એક જમાનામાં જે. બી. વોરાના કલેકટર હતાં. સિંહ સાહેબે જે. બી. વોરા માટે કહ્યું છે કે, ‘શ્રી વોરા લાગણીના માણસ... વહીવટ લાગણીથી થતો નથી એ ઉક્તિ એમણે ખોટી પાડી છે. પોતાની જાત પાસેથી કામ લેવા આ માણસ દિમાગનો ઉપયોગ કરે છે અને બીજા પાસેથી કામ લેવા માટે પોતાના દિલો ઉપયોગ કરે છે. ‘ પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી. કે. લહેરી સાહેબે જે. બી. વોરા માટે કહ્યું છે કે, ‘હોદ્દાઓ કરતાં કામગીરીનું અને સત્તા કરતાં સહજતાનું વિશેષ મહત્વ જે. બી. વોરાના જીવનમાં રહ્યું છે.’
લોકાભિમુખ, સંવેદનશીલ અને ઉમદા સનદી અધિકારી જે. બી. વોરાના અનુભવોના નીચોડને સિવિલ સોલ્જર જે. બી. વોરા (કાંકીડી ગામની કેડીથી કલેકટર કમિશનર સુધીની સફર) નામના ૨૬૭ પાનાના દળદાર પુસ્તકમાં રસપ્રદ રીતે રીતે અભિવ્યક્ત કરાયો છે. કોઈ સનદી અધિકારી સનદી-સેવાના નામને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય ત્યારે ‘ સિવિલ સોલ્જર ‘ શબ્દથી આગળ વધીને માનવીય સંવેદનાને ઝંઝોડીને ‘ સિવિલ સંત ‘ની કક્ષા સુધી એ પહોંચી જાય છે. લોકોની વચ્ચે, લોકોની માટે અને લોકો વડે સરકારી નિયમોનો સદુપયોગ જ્યાં નિષ્ઠાથી થતો હોય ત્યાં ‘સંત તત્વ‘ની સુવાસ જ હોય. સિવિલ સોલ્જર પુસ્તક એક સનદી અધિકારીની સેવાકીય સુવાસને ઉજાગર કરે છે. રાજ ભાસ્કર અને કનુભાઈ આચાર્યની નિવડેલી કલમે આ પુસ્તકને અદભૂત ઉઘાડ આપ્યો છે. આખા પુસ્તકમાં ક્યાંય શબ્દાડંબર કે વૈયક્તિક ભાટાઇ કર્યા વગર ખૂબ સરળતાપુર્ણ અને સાહજિકતાથી સનદી અધિકારીની જીવનકથા આલેખી છે. નથી ક્યાંય કોઈ વખાણ કે મર્યાદાનો લોપ. પુસ્તકના શબ્દેશબ્દમાં મૂલ્યસભર વાતને વણી લેવાઈ છે. શ્રી જે. બી. વોરાના બાળપણના પ્રસંગો, યુવાનીની વાતો, સનદી અધિકારી તરીકેના કાર્યો દરેક પ્રસંગને પુસ્તકમાં ખુબ સાહજિકતા અને રસપ્રદ રીતે વર્ણવવામાં લેખકોની કાળજી દાદ માગી લે એવી છે. પુસ્તકમાં આલેખાયેલી એમના લગ્નની વાતના ઉલ્લેખ વગર અધુરપ રહેશે. જે કન્યા સાથે એમના લગ્નની વાત પરિવારે ચલાવી ત્યારે બીજી બધી રીતે બન્ને પરિવારની વાત બરાબર જામતી હતી પણ કન્યાને એક આંખ ન હતી, બધાએ કહ્યું, ‘ જાદવ તો હીરો છે અનેક કન્યાઓ મળશે આપણે આ સબંધ નથી બાંધવો. ‘ જાદવે કહ્યું, ‘ મારી બહેનને પણ એક આંખ નથી. શું એને પણ બધા આમ જ કહેશેને... હું તો આ છોકરીની સાથે જ સંબંધ બાંધીશ... ‘ આજે સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમય થઇ ગયો, જાદવભાઇ અને સવિતાબહેનના સુખી દાંપત્ય જિવનના લોકો સાક્ષી છે.  
હિરેન ભોગીલાલ શાહ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું ‘ સિવિલ સોલ્જર ‘ પુસ્તક બુકસેલ્ફમાં રૂ. ૩૦૦ની કિંમતે પ્રાપ્ત થઈ શકે છે. આ પુસ્તકમાંથી પસાર થઈને એટલું અવશ્ય લાગે કે, સિવિલ સોલ્જરમાં એક સેવાકીય ફાઈટીંગ સ્પીરીટ છે અને લોકોની મૂંઝવણોનું સમાધાન આપી એમની પડખે ઉભા રહેતા સંત તત્વ પણ છે. સિવિલ સોલ્જર-સનદી અધિકારી જે. બી. વોરાને રૂબરૂ મળવાનો ઉપક્રમ બન્યો ત્યારે ૧૦ મિનિટ માટે ચર્ચા કરવાની માનસિકતા હતી પરંતુ તેમની સાદગી, સરળતા, સંન્નિષ્ઠતા અને સંસ્કારિતાના સમન્વયથી કલાકો સુધી એમના અનુભવોને ખોબલે ખોબલે પીતો રહ્યો... સનદી સેવાના અધિકારી જે. બી. વોરાની કાર્યશૈલીમા સોલ્જર જેવી ફાઇટીંગ સ્પિરિટ અને સંત જેવી સૌજન્યતાનો સહજ સમન્વય દેખાય અને જ્યાં આવો સમન્વય સર્જાય ત્યાં દિવ્યતા અને પ્રભુતાનો અહેસાસ થયા વગર ન રહે.

ધબકાર :  
સંસ્કાર અત્યંત સહજ પ્રક્રિયા છે, પણ તકલીફ એ છે કે, આપણે સંસ્કારી વર્તનની અપેક્ષા હમેશા સામેના માણસ પાસે રાખીએ છીએ.
  

Friday, 14 July 2017

જન્મની સાથે મૃત્યુ નક્કી છે પણ મરતાં પહેલાં ખુલ્લા આકાશમાં મનભરીને ઉડવાનું છે

જન્મની સાથે મૃત્યુ નક્કી છે પણ મરતાં પહેલાં ખુલ્લા આકાશમાં મનભરીને ઉડવાનું છે
-     પુલક ત્રિવેદી

ઘણાં સમય પછી બે મિત્રો મળ્યા. ઉત્સાહપૂર્વક ભેટીને એકબીજાના હાલચાલ પૂછ્યાં. કલાકો બેસીને મનભરીને વાતો કરી. વર્ષો પછી મળેલા મિત્રની બૌદ્ધિક પ્રગતિ અને વાંચન જોઈને એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, ‘ યાર, તું તારા આ અનુભવ અને વાંચનને આધારે એક સરસ પ્રોજેક્ટ પ્રોફાઈલ તૈયાર કરી શકે એમ છે અને એ પ્રોજેક્ટ જો તું તારી કંપનીના ચીફને પ્રસ્તુત કરી શકે તો કંપનીને ખૂબ ફાયદો થશે. સ્વાભાવિક રીતે જ કંપની તને રાઈઝ આપશે. મને લાગે છે કે, તારી પ્રગતિ એક ઝાટકે થાય એમ છે.’



પેલા મિત્રએ કહ્યું ‘ ભઈલા, હું જે જગ્યા પર છું ત્યાં ખુશ છું. મારું સ્થાન અને મારું વેતન બંન્ને મને યોગ્ય લાગે છે. જીવનમાં શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના છીએ ? જે કાંઈ પણ મળ્યું છે એ મારી ક્ષમતા કરતાં પણ ઘણું વધારે છે. હું તો ઈશ્વરનો પાડ માનું છું કે, મને આ સ્થાન પર પહોંચાડ્યો છે.’
મિત્રએ ફરી આગ્રહપૂર્વક જણાવ્યું ‘દોસ્ત, તારામાં ક્ષમતા છે. તારી પાસે આ દિશામાં કામ કરવાની શક્તિ છે. સંજોગો પણ સાનુકૂળ જણાય છે. પછી શા માટે તું તારી જાતને બાંધીને બેસી રહ્યો છે ?’
પેલા મિત્રએ  ફરી પાછો ખોખારીને દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો, ‘આ ધન-દોલત કે સત્તા ક્યાં સાથે આવવાની છે. જે મળ્યું છે એનો જ આનંદ છે...’ આવા લોકો એક વાયરસ જેવા છે. જંગલની ભયાનક આગ જેવા છે. બને ત્યાં સુધી આવા લોકોથી હંમેશા છેટા રહેવું સારું. પ્રત્યેક વસ્તુની અને ઘટનાનો એક ચોક્કસ સમય હોય છે. તમામ શક્તિને કામમાં ઓતપ્રોત કરીને આનંદ મેળવવાનો હોય છે. શ્રેષ્ઠતમ સ્થિતિ સુધી પહોંચવાનું હોય. માત્ર કામ જ શું કામ, પરિવારમાં પણ શ્રેષ્ઠ પતિ, શ્રેષ્ઠ પત્ની, શ્રેષ્ઠ પુત્ર કે પુત્રી બનીને રહે એ જ મસ્તીના મહાસાગરમાં મહાલી શકે.  
સામાન્ય રીતે ઘણાં લોકો એમ કહેતા હોય છે કે, હું ‘ગમે એટલી મહેનત કરીશ, મને આનું પરિણામ તો નહીં જ મળે. હું જેની માટે આટલી બધી કુરબાની આપી રહ્યો છું પણ એ મને સાચી રીતે નહીં જ સમજે...’ આવા ડાયલોગ મારીને આગળ વધવાનો પ્રયાસ ન કરીને પલાયનવાદને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. મરતી વખતે નેપોલિયન બોનાપાટ જેવા મહારથીનો જનાજો બે હાથ ખુલ્લા રાખીને નિકળ્યો હતો. આવું કહેવાવાળા કામચોર, આળસુ અને થર્ડ કેટેગરીના લોકો હોય છે. એક વાત સમજી લેવી પડે કે, પતંગનો જન્મ જ આસમાનમાં ઉડવા માટે થયો છે. પતંગનું ડેસ્ટીનેશન આકાશમાં ઉડવાનું હોય. એનો અંત તો કપાઈને કે ફાટીને કચરાના ઢગલામાં જ છે, પણ કપાવાની કે કચરામાં પડવાની ચિંતા સાથે પતંગનો જન્મ થતો નથી.
જે કોઈ પણ ક્ષેત્ર પસંદ કરીએ એ ક્ષેત્રમાં સૌથી ઉપર બેસવાની તમન્ના રાખવી જોઈએ. ક્ષેત્રના શ્રેષ્ઠ માણસો સાથે રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શિખર પર બેઠેલા લોકો સાથે બેસવાથી મન અને હૃદય કેળવાય છે. મારે પણ આજે નહીં તો કાલે એક દિવસ આ શિખર પર બેસવાનું છે એવા નક્કર વિચારોના મૂળીયા નંખાવા જોઇએ.. મારે પણ ખતમ થવાનું છે અને બીજાએ પણ એક દિવસ ખતમ થવાનું છે. શા માટે ખોટી હાય-વોય કરવી ? એવી માનસિકતાવાળા લોકોથી હંમેશા બચતા રહેવું જોઈએ. આવા લોકો, કેન્સર જેવા છે. ન પોતે આગળ વધે, ન બીજાને આગળ વધવાની પ્રેરણા આપી શકે. વેપાર કરો તો સંબંધિત ક્ષેત્રના શ્રેષ્ઠ વેપારી સાથે બેસવાનું રાખો. વ્યવસાય કરો કે નોકરી કરો કે પછી અભ્યાસ કરો, શિખર પર બેસેલા વ્યક્તિ સાથે સંપર્ક રાખવાની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.



જે લોકો એમ કહે કે, વધુ ધનદોલત લઈને શું કરવું છે ? આખરે તો એક દિવસ ખાખમાં જ મળવાનું છે ને ? આવા લોકો અત્યંત ખતનાક આડાસર પેદા કરતાં હોય છે. આવા લોકો આખા સમાજમાં નકારાત્મકતાનું નરક ફેલાવે છે. આવા લોકોને કહેવુ પડે કે ભાઇ, તું મહેનત કરવાનુ ચાલુ રાખ. તુ જે વાધારે સમજે છે એવા તારા વધારાના રૂપિયા દાનમાં આપવાનો વિકલ્પ છે તારી પાસે. માઈક્રોસોફ્ટ કંપનીના બીલ ગેટ્સે તેની સંપત્તિ દાનમાં આપી પણ પુરુષાર્થ, મહેનત અને શ્રેષ્ઠતા સાઈડ પર ન મૂકી. વોરેન બફેટ, હિન્દુસ્તાનના અજીમ પ્રેમજી, ફેસબુકવાળો તરવરીયો યુવાન માર્ક ઝુકરબર્ગ કેટ કેટલા મજબૂત દાખલાઓ છે કે, જેમણે કામની ગતિને ઓછી ન કરી અને જરૂરતથી વધારે સંપત્તિ સમાજના ઉત્કર્ષ માટે દાનમાં આપી અલગ તારવી છે.
વિચાર એ કરવાનો રહે કે, જેટલી  યોગ્યતા અને ક્ષમતા છે અને જેટલી સફળતા મળવી જોઇએ, તેટલી સફળતા મળી છે ખરી  ? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’માં મળે છે, તો એ વ્યક્તિ માનસિક રીતે બિમાર છે. સફળતા માટે તો આકાશ પણ ઓછું પડે. આ તો એવી વાત થઈ કે, ૧૦ કિલોમીટર દોડવાની તાકાત છે પણ ૨ કિલોમીટર દોડીને ઊભા રહી જવાય. પાછળ જોઈએ તો અડધા કિલોમીટર દોડીને હાંફી ગયેલો અને ઊભો રહી ગયેલો વ્યક્તિ પણ છે. એના કરતાં તો બે કિલોમીટર દોડેલો વ્યક્તિ આગળ છે જ. પાછળ ઉભેલા વ્યક્તિને જોઈને એનાથી તો આગળ છું એમ વિચારવુ જ હોનારત સર્જનારી અને એલાર્મિંગ પરિસ્થિતિ છે.  આ પછાડનારી માનસિકતા છે. એમાંથી બહાર આવવું પડે. જે જન્મ્યો છે તેણે મરવાનું છે એ નક્કી છે પણ મરતાં પહેલાં આસમાનમાં ઊડવાનુ છે. પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડે કે, જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં શ્રેષ્ઠ બની શક્યા છીએ કે નહીં ? પૃથ્વી પર જન્મ શા માટે લીધો છે ? ધરતી પર બોજ બનવા માટે જન્મ લીધો છે કે પછી ટાઈમ પાસ કરવા માટે સમયના વહેણની ઉપર હલેસા મારીને વર્ષો પસાર કરી રહ્યાં છીએ...!
ત્રણ કક્ષાના લોકો હોય. એક માત્ર ટકી રહેવા જેટલું જ કામ કરતાં હોય. જેને ‘સર્વાઈવલ ગ્રેડ’ના એટલે કે, સાચવીને ચાલવાવાળા લોકો કહેવાય. બીજા એવા લોકો હોય કે, જે જરૂર જેટલી જ મહેનત કરે. થોડી પણ વધારે કે ઓછી મહેનત ન કરે. આવા લોકો ‘પોઝીશન મેઈન્ટેઈનીંગ ગ્રેડ’ના એટલેકે પોતાનુ સ્થાન જાળવી રાખવાની કક્ષાના હોય છે. અને ત્રીજા એવા લોકો હોય છે કે, જે આવશ્યકતા કરતાં અને સરેરાશ કામ કરવાવાળા કરતાં ઘણાં આગળ હોય અને ઘણું વધારે કામ કરતાં હોય આવા લોકો ‘ટોપ ગ્રેડ’માં એટલે કે અવ્વલ કક્ષામાં આવતા હોય છે.



મહાન બનેલા પાંચ-સાત વ્યક્તિઓની આત્મકથા વાંચો તો દરેક આત્મકથાનું સારતત્વ એક સરખુ જ લાગશે. શ્રેષ્ઠતા ભણી પહોચવાની દોડના માર્ગમાં આવતી મુશ્કેલીઓ લગભગ એક સરખી જણાશે. પારિવારિક તકલીફો, મિત્રોની મજાક, સાથીઓની ખેંચતાણ વગેરે વગેરે પ્રશ્નો એક સમાન જ હોય. પણ સ્વરૂપ કદાચ જૂદા હોય. વ્યક્તિની ઉંચાઈ આસપાસના લોકોની કક્ષા ઉપરથી નક્કી થતી હોય છે. પ્રત્યેક ઉંમરની એક અલગ મોજ હોય છે. દરેક અવસ્થામાં અનુભવના નીચોડનો આનંદ અને કાર્ય કરવાનો તરવરાટ હોય છે. પ્રત્યેક ઉમર અનુભવની અબજ રૂપિયાની ગલીમાંથી પસાર થતી હોય છે. મુસીબતો જીવનની સચ્ચાઈ છે. અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વિત્યું. એવી જ રીતે ભારતના જાણીતા ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની આર્થિક સ્થિતિ પણ અત્યંત નબળી હતી. નેલ્સન મંડેલા, કર્નલ એન્ડર્સ, વોલ્ટ ડિઝની જેવા ઘણા સફળ લોકોએ પોતાના જીવનમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ગરમ ચાની ઉપર જામેલી તોર જોઇ છે ને ! તોરને ફૂંક મારો અને પછી મોજથી ચાનો ઘુંટડો ગળા નીચે ઉતારો. મુસીબતોનું પણ એવું જ છે ચા પર જામેલી તોરને મારવામાં આવતી ફૂંકની જેમ મુસીબતોને ફૂંક મારો, એને દૂર હડસેલો અને પછી સફળતાની ગરમા ગરમ ચાની ચૂસકી મારો...

ધબકાર :

લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જરૂર છે, દમદાર સંકલ્પની. ઉડવા માટે પાંખો કરતાં વધુ જરૂર હોય છે દ્રઢ સંકલ્પની.



કેટલીક દાદુ એપલિકેશન્સથી વિન્ડોઝ ઓએસનો વધુ સ્માર્ટલી ઉપયોગ થઇ શકે છે

કેટલીક દાદુ એપલિકેશન્સથી વિન્ડોઝ ઓએસનો વધુ સ્માર્ટલી ઉપયોગ થઇ શકે છે
-      પુલક ત્રિવેદી 
આજના આધુનિક યુગમાં મેન, મશીન અને મિશન આ ત્રણનું ગજબનું કોમ્બિનેશન હોવુ જોઇએ. માત્ર અઢી-ત્રણ દાયકા પહેલાં કોઈપણ કાર્ય માટે જે ગાણિતિક પ્રક્રિયાઓ માટે કલાકો, દિવસો અને વર્ષો પસાર થતાં તે આજે ઘડીના છઠ્ઠા ભાગમાં સેકંડો અને મિનિટોમાં પુરું થઈ જાય છે. જેમ જેમ ટેકનોલોજીકલ આવિષ્કારો વધતાં જાય એમ  કામની સરળતા અને સફળતાના ઈક્વેશનો પલટાતાં ગયા.  બીલ ગેટ્સ અને પોલ એલેન નામના બે તરવરીયા યુવાનોએ ૧૯૭૫માં માઈક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરી. માઈક્રોસોફ્ટની ટીમે ત્રણ દાયકા પહેલાં ૧૯૮૮માં આઈબીએમના સહયોગથી ‘NTOS/2’ નામથી ઓળખાતી ઓપરેટીંગ સીસ્ટમ-૨નો આવિષ્કાર કર્યો. ત્યારે બીલના મગજમાં દુનિયાની ઓપરેટીંગ સીસ્ટમમાં આમૂલ પરિવર્તનનો મજબૂત કોન્સેપ્ટ આકાર લઈ ચૂક્યો હતો. અત્યારે માઈક્રોસોફ્ટ કંપનીના કી પર્સન એટલે કે ચેરમેન જ્હોન થોમસન અને પ્રેસિડેન્ટપદે બ્રાડ સ્મિથ છે. માઈક્રોસોફોટના સીઈઓ હિન્દુસ્તાનના ભડવીર સત્ય નડેલા છે.



માઈક્રોસોફ્ટ કંપનીની વાર્ષિક નેટ ઈન્કમ ૧૬.૭૬ બિલિયન ડોલર છે. કંપનીની કુલ અસ્ક્યામત ૧૯૩.૬૯ બિલિયન ડોલર છે. માઈક્રોસોફોટ કંપનીમાં કુલ ૧,૧૪,૦૦૦ માણસો કામ કરી રહ્યા છે. કંપનીનું કુલ ઈકવિટી ભંડોળ ૭૧.૯૯ બિલિયન ડોલર છે. માઈક્રોસોફ્ટની સોફ્ટવેર, હાર્ડવેર, કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક અને ડિઝિટલ ડીસ્ટ્રીબ્યુશનમાં દહાડ છે. માઈક્રોસોફ્ટ કંપનીની કમાણી, કામગીરી, ઉપયોગિતા, કર્મચારીઓ વિશે ઘણું લખાયું છે. પણ આજે વાત કરવી છે, માઈક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમને વધુ બહેતર કરતી ઉપયોગી એપ્લિકેશન અને સીસ્ટમની.
ઓકટોબર ૨૫, ૨૦૦૧માં માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-XP ઓપરેટીંગ સીસ્ટમ દુનિયા સમક્ષ મુકી. વિન્ડોઝની XP હોમ એડિશન અને પ્રોફેશનલ એડિશન બન્નેએ જબરું કાઠું કાઢ્યું અને પછી એપ્રિલ-૧૪, ૨૦૦૯માં ટેબલેટ પીસીમાં પણ એક્ષપી વર્ઝને ધુમ મચાવી.  ત્યારબાદ ૨૦૦૭માં વિસ્ટા લોન્ચ થયું. જોકે કોઇ કારણસર વીસ્ટા માર્કેટમાં એટલું સ્થાન ન જમાવી શક્યું. ત્યાર પછી ૨૦૦૯માં વિન્ડોઝ-૭, અને ૨૦૧૨માં વિન્ડોઝ-૮ અને ૮.૧ માઈક્રોસોફ્ટે લોન્ચ કર્યા. અને છેલ્લે ૨૦૧૪ની ૩૦મી સપ્ટેમ્બરે માઈક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦ માર્કેટમાં મૂક્યું. ૨૦૧૫માં વિન્ડોઝ-૧૦ને વર્ઝન ૧૫-૧૧થી અપડેટ પણ કર્યું.
માઈક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનો આટલો ટૂંકો ઇતિહાસ સમજવો જરૂરી છે. હવે મહત્વપૂર્ણ વાત એ છે કે, પીસી, લેપટોપ, ટેબલેટ કે પછી મોબાઈલમાં વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમનો આજે જે ઉપયોગ થઈ રહ્યો છે, એને વધારે ઉપયોગી અને પરિણામલક્ષી બનાવવા માટે શું કરી શકાય ? એમાં કયા નવા વધારાની એપ્લિકેશન કે પ્રોગ્રામને જોડીને વધુ ઉપયોગી બનાવી શકાય.



‘વર્ડ વેબ’ નામની એક એવી મજેદાર ફેસેલિટી છે કે, જે કોઈપણ શબ્દના અર્થને સરસ રીતે સમજાવી શકે છે. આ શાનદાર એપ્લિકેશનમાં શબ્દનો અર્થ તો જાણવા મળે જ છે પણ સાથે સાથે એના સમાનાર્થી શબ્દો પણ આ સોફ્ટવેર એપ્લીકેશન પુરા પાડે છે. સાહિત્યકારો અને શબ્દથી જોડાયેલા મિત્રો માટે આ યુટિલિટી ખૂબ ઉપકારક પૂરવાર થાય છે. આનો ઉપયોગ કરવા માટે hptt//www.wordweb.info/free/ ઉપર જઈને આનંદથી શબ્દોના સાથિયા સજાવી શકાય. પણ એટલુ યાદ રાખવુ જોઇએ કે કોમ્પ્યુટર આખરે તો મશીન છે. માણસની મર્યાદાઓ હોય તો મશીનની પણ મર્યાદાઓ હોય જ. ક્યારેક અપેક્ષા મુજબના શબ્દો ન પણ સાંપડે પણ બાય એન્ડ લાર્જ મઝાની એપ્લીકેશન છે.
‘સુમો’ એક એવું અપડેટ મોનીટર છે કે જે પીસીમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા તમામ પ્રોગ્રામને એની નજર હેઠળ રાખે છે. જ્યારે પણ એ પ્રોગ્રામનું અપડેશન ઉપલબ્ધ હોય ત્યારે એની જાણકારી આપે છે. જ્યારે પણ પીસી ઓન કરો ત્યારે સોફટ્વેર અપડેશન માટે વારંવાર જે સૂચનાઓ આવતી હોય છે અને સમય બગડે તથા મગજ પણ છટકે. આમાંથી આ સોફ્ટવેર દ્વારા મુક્તિ મળે છે. વારંવાર આવતી અપડેશનની સૂચનાઓ કામ કરતી વખતે ઈરિટેશન પેદા કરતી હોય છે. આ માટે hptt//www.kcsoftwares.com/?sumo ઉપરથી ‘સુમો’ની વિગતો ઉપલબ્ધ થઈ શકે છે અને અપડેશન ઇન્ડીકેશનના હથોડામાંથી મુક્તિ પ્રાપ્ત થઇ શકે છે.  
ઘણીવાર પીસી ઉપર ઈન્સ્ટોલ કરવામાં આવેલા પ્રોગ્રામ જ્યારે અનઈન્સ્ટોલ કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણ રીતે પીસીની જગ્યા ખાલી કરતાં નથી. તેનો અમુક એરિયા પીસીમાં જગ્યા રોકીને પડ્યો પાથર્યો રહેતો હોય છે. આવા સંજોગોમાં કોઈ એવી એપ્લિકેશન હોય કે જે ન જોઈતા પ્રોગ્રામને માથાના વાળથી પગના નખ સુધી ઉખાડીને દુર કરી દે. આવી મજબૂત એપ્લિકેશન સીસ્ટમ કારગત નીવડે તો કામ થાય. ‘ રેવો અનઈન્ટોલર ‘ પેલી અનચાહે બાલોકો મનચાહે તરીકે સે નીકાલો... એડવર્ટાઈઝની જેમ ‘ અનચાહે પ્રોગ્રામ્સ કો મનચાહે તરીકે સે નીકાલ દેગા...’ રજીસ્ટ્રીમાં કરેલા બદલાવ અને બનાવાયેલા ફોલ્ડર્સને પણ રેવો અનઈન્ટોલર ઘડીના છઠ્ઠા ભાગમાં સંપૂર્ણ રીતે ઉડાડી દે છે. hptt//www.revouninstoller. com/revo_uninstoller_free_download.html ઉપર જઈને આ એપ્લિકેશનનો બિન્દાસ ઉપયોગ કરી શકાય.
‘ વિસ્ટા સ્વીચર’ ની મદદથી ઓલ્ટર+ટેબનો વિકલ્પ વધુ મજેદાર અને સરળતાથી થઈ શકે છે. ‘ વિસ્ટા સ્વીચર’ના મલ્ટીટાસ્કીંગ પેન ખોલેલા તમામ પ્રોગ્રામ્સ અને ફોલ્ડર્સનું સ્માર્ટ લીસ્ટ બનાવી દે છે. જેને પરિણામે એક સાથે જેટલાં પણ કામ ચાલતા હોય એ તમામની કામગીરી ખૂબ આસાન બની જાય છે. hptt//www.ntwind.com/software/vistawitcher.html ઉપરથી ‘ વિસ્ટા સ્વીચર ’ એપ ડાઉન લોડ કરી સમયનો સ્માર્ટ ઉપયોગ થઈ શકે છે.
પીસી પર – ડેસ્કસ્ટોપ પર અવ્યવસ્થિત ફાઈલ અને ફોલ્ડરોના આઈકોન્સને ‘ ફેન્સ ‘ એપ્લિકેશનથી સુવ્યવસ્થિત રીતે રાખીને સ્પેસનો બચાવ કરી શકાય. ‘ ફેન્સ ‘ આઈકોન્સમાં ગ્રુપ બનાવીને વધારે વરચ્યુઅલ સ્ક્રીન સ્પેસ આપવા માટે ઉપયોગી બની શકે છે. ‘ ફેન્સ ‘ની મદદ લેવા માટે hptt//www.stardock.com/ product/fences/ ઉપર જવાનુ રહે.
‘ ઈરફાનવ્યૂ ‘ એપ્લિકેશન પીસીના ફોટોઝને ખૂબ સરસ રીતે મેનેજ કરે છે. ફોટોના સ્લાઈડ શો, તસવીરોનું ક્રોપીંગ, રીસાઈઝીંગ વગેરે ‘ ઈરફાનવ્યૂ ‘ એપ્લિકેશન સાથે સરળતાથી અને ઝડપથી થઈ શકે છે. પરિણામે સ્ટોરીઝ સાથે એને અનુરૂપ તસવીરોની સાઈઝ અને વ્યૂ અનુકૂળતા મુજબ ગોઠવી શકાય છે. hptt//www.irfanview.com/main_download_engl.htm ઉપર જઈને ઈનફાનવ્યૂ દ્વારા મજેદાર તસવીરોનો રોમાંચ મેળવી શકાય.
એક સાથે અનેક વિષયો ઉપર જ્યારે કામ કરવાનું હોય ત્યારે જુદી જુદી ફાઈલો ખોલવાની આવશ્યકતા રહે છે. આ માટે ‘ ફાઈલ ઓપનર ‘ એપ્લિકેશન ઉપયોગી થઈ પડે. આ સોફ્ટવેર ૮૦થી વધારે પ્રચલિત ફાઈલ ટાઈપ્સને સપોર્ટ કરે છે. ‘ ફાઈલ ઓપનર ‘ની મદદથી ઓફિસ ફાઈલ, ઈમેજ ફાઈલ, વિડીયો ફાઈલ, પીડીએફ ફાઈલ, કોડ ફાઈલ, વેબ પેજીસ વગેરે આસાનીથી ખોલી શકાય છે. ફાઈલ ઓપનર માટે hptt//www.free_opener.en.softonic.com/ ઉપરથી વિગતો મેળવી શકાય.
‘ એવરીથીંગ ‘ નામની સુપરચાર્જ સર્ચ યુટિલીટી પીસીના બેકગ્રાઉન્ડમાં ચાલતી હાર્ડડ્રાઈવ પર ઉપલબ્ધ તમામ ફાઈલનું ઈન્ડેક્ષિંગ તૈયાર કરે છે. માત્ર ફાઈલનું નામ ટાઈપ કરીએ એટલે ફટાફટ એના રીઝલ્ટ આ એપ્લિકેશન આપવા માંડે છે. આ એપ્લિકેશનના કારણે સર્ચિંગ પ્રોસેસ ખૂબ આસાન થઈ જતી હોય છે. આનો ઉપયોગ કરવા માટે hptt//www.voidtools.com/download.htm ઉપરથી ડાઉનલોડ કરી શકાય.
ડાઉનલોડ કેપેસીટી જેટલી ઝડપી એટલો કામનો આનંદ વધુ. ‘ ઈગલ ગેટ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે ડાઉનલોડ મેનેજર તરીકે અદભુત ભૂમિકા ભજવે છે. ઈગલ ગેટ ડાઉનલોડ કરાતી તમામ ફાઈલ્સની સ્પીડ વધારી શકે છે. સામાન્ય રીતે ‘ ઈગલગેડ ‘ બ્રાઉઝર્સની સાથે ઈન્ટિગ્રેટ થઈ જતું હોય છે. પરિણામે ઓનલાઈન ટ્રીમીંગ વિડિયોઝ ડાઉનલોડ થઈ શકે છે. ઈગલગેટનો ઉપયોગ કરવા માટે hptt//www. eagleget.com/download/ ઉપર જવાનું રહે.
આખો દિવસ સતત કોમ્પ્યુટર પર બેસીને જે મિત્રો કામ કરતાં હોય છે તેમની આંખોનું તેમણે ધ્યાન રાખવું જોઈએ. ‘ ફ્લ્ક્સ ‘ એક એવી એપ્લિકેશન છે કે જે થોડા થોડા સમયને અંતરે આંખોની અનુકૂળતા મુજબ સ્ક્રીનનો કલર બદલવાનું કામ કરે છે. જેને પરિણામે આંખો પર થતી નકારાત્મક અસર અટકે છે. ‘ ફ્લક્સ ‘ની મદદ લેવા માટે વેબ એડ્રેસ છે, hptt//www.justgetflux.com/.


ધબકાર – ટેકનોલોજી અને વિજ્ઞાન પ્રકૃતિમાં જ વ્યાપ્ત છે, એ કોઇ બહારથી આવેલો પદાર્થ નથી, એટલે જ એ પૃથ્વીને વધુ બહેતર બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે.



હજારો હાર પછી પણ મજબૂત આત્મબળનો નોખો થનગનાટ હોવો જોઇએ...

હજારો હાર પછી પણ મજબૂત આત્મબળનો નોખો થનગનાટ હોવો જોઇએ...
-     પુલક ત્રિવેદી
૭૦ના દાયકાની હોલીવુડની બ્લોક બસ્ટર ફિલ્મ રૉકી. આ ફિલ્મ આજે પણ આધેડવયના લોકો અને ૨૦-૨૫ વર્ષના યુવાનો બંને વર્ગને આકર્ષિત અને રોમાંચીત કરે છે. ૧૯૭૦ના દાયકામાં રીલીઝ થયેલી હોલીવુડની આ બ્લોક બસ્ટર ફિલ્મે હોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા ટ્રેન્ડ સેટર માઈલ સ્ટોન છે. વેસ્ટર્ન અને એશિયન દર્શકોમાં ટ્રેન્ડ સેટર માઇકલ સિલ્વેસ્ટર ગાર્ડેન્ઝીઓ સ્ટેલોનની રોકીએ એક ફિલ્મ તરીકે અદભુત કાઠુ કાઢ્યું. આ ફિલ્મનો રોમાંચક ઇતિહાસ રુવાંડા ઊભા કરી દે તેવો છે.



સિલ્વસ્ટર સ્ટેલોન એ જમાનામાં સ્ટ્રગલર તરીકે હોલીવુડના એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં કામ કરવા માટે રખડપટ્ટી કરતાં. સ્ટેલોન જે પણ સ્ટુડિયોમાં જાય અને જે પણ નિર્દેશકને મળે ત્યારે નિર્દેશકો એને કહેતાં કે, તે ખૂબ વિચિત્ર લાગે છે અને  તેની વાતચીત કરવાની શૈલી અને હાવભાવ પણ ખૂબ કઢંગા છે. લગભગ રોજેરોજ સ્ટેલોનનું કોઈને કોઈ સ્ટુડિયોમાં અપમાન થતું. જેવી રીતે હિન્દુસ્તાનના મિલેનિયમ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને શરૂઆતના સમયમાં એક નિર્દેશકે એનો અવાજ ખૂબ ગહેરો છે એમ કહીને અપમાનિત કરીને ફીલ્મમાં નહોતા લીધા. સ્વર્ગસ્થ સુનિલ દત્તે પણ આ જ કારણસર મિલેનિયમ સુપર સ્ટારને એમની ફિલ્મ રેશમા ઔર શેરામાં મુંગા કેરેકટરનો રોલ આપ્યો હતો.
સ્ટેલોન એમના જવાનીના દિવસોમાં એક પેરેડાઈઝ વેલી નામની ફિલ્મ બનાવેલી આ ફિલ્મ ખરીદવા કોઈ ખરીદાર જ નહોતો. થાકીને સિલ્વેસ્ટરે આ ફિલ્મ માત્ર ૧૦૦ ડોલરમાં વેચી. સિલ્વેસ્ટર સવારે ખાય તો સાંજે શું ? એવી કંગાળ આર્થિક સ્થિતિ હતી. પણ એના હૃદયમાં કંઈક કરી છૂટવાની જબરજસ્ત તમન્ના હતી. એક તબક્કે તો સ્ટેલોને એની પત્નીના ઘરેણાં પણ ગીરવે મૂક્યા. પણ એના લક્ષ્યમાંથી એ પાછો ન ફર્યો. કારમી આર્થિક તંગીને કારણે સિલ્વેસ્ટર એના પ્રિય કૂતરાને પણ ખવડાવી શકે તેટલાં પૈસા નહોતાં. પરિણામે હૃદય પર પત્થર મૂકીને સ્ટેલોને કૂતરાને વેચવાનો નિર્ણય કર્યો. માત્ર ૨૫ ડોલરમાં એણે એનું પ્રિય ડોગી વેચી નાખ્યું. ડોગી વેચ્યા પછી પહાડ જેવો સ્ટેલોન ઘરે આવીને પોક મૂકીને ખુબ રડ્યો. દિવસો સુધી એ એના કૂતરાની યાદમાં રડતો રહ્યો.
એક દિવસ સમી સાંજે કોઈપણ કારણ વગર ફૂટપાથ પર સ્ટેલોન ટહેલતો હતો. ઠંડી કહે મારું કામ. કડકડતી શિયાળાની એ મોસમ. એ ફૂટપાથના કિનારે આવેલી એક લાયબ્રેરીમાં ગયો ત્યાં તેણે ‘પો’ નામનું પુસ્તક જોયું એક જ બેઠકે તે પુસ્તક સ્ટેલોને વાંચી કાઢ્યું. પુસ્તકની સ્ટેલનના દિમાગ પર એવી તો જબસજસ્ત અસર થઈ કે, એણે વિચાર્યું મારે મારી આર્થિક પરિસ્થિતિ ઉપર તરસ ખાવાનું છોડી દઈને આગળ વધવું જોઈએ. પુસ્તક વાંચીને એક નવો આઈડીયા આવ્યો. આ નવા વિચારથી સ્ટેલોનના જીવનમાં ૩૬૦ ડિગ્રીએ પરિવર્તન આવ્યું. પૈસા તો નહતા પણ પુરુષાર્થમાં જોમ આવ્યું. નાણાંની તંગી ચોક્કસ હતી પણ મન અને હૃદયની અમીરાતના દરવાજા નવી રીતે ખૂલ્યાં હતાં. બીજા દિવસે કોઈક કામે સ્ટેલોન જઈ રહ્યો હતો ત્યારે એણે સડકના કિનારે મહંમદ અલીની બોક્ષીંગની મેચ ચાલતી હતી ત્યાં લોકોની ભીડ જોઈ. કાંઈ પણ વિચાર્યા વગર સ્ટેલોન મહંમદ અલીની બોક્ષીંગની મેચ જોવા બેસી ગયો. આ બોક્ષીંગની મેચ જોતાં જોતાં સ્ટેલોનના મગજમાં ‘રોકી’ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો.



        આખી રાત બેસીને સ્ટેલોને રૉકી ફિલ્મની સ્ક્રીપ્ટના મુદ્દા અને આઇડીયા લખી નાખ્યા. એને વિશ્વાસ હતો કે આ ફિલ્મ બનવી જ જોઈએ. સ્ટેલોનને એવો ગજબનો વિશ્વાસ બેસી ગયો હતો કે, આ ફિલ્મ એક અદભુત સફળ ફિલ્મ બનશે. ફિલ્મની સ્કીપ્ટ લઈને સ્ટેલોન એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયોના ચક્કર મારવા લાગ્યો. લગભગ એકાદ હજારવાર જુદા જુદા સ્ટુડિયોમાં એણે અનેકવાર ચક્કરો માર્યા પણ તેને એક જ જવાબ મળતો કે, આ વાર્તા ઉપરથી અમે ફિલ્મ બનાવવા માંગતા નથી. છેલ્લે એક સ્ટુડિયોને સ્ટેલોનની રૉકીની સ્ટોરી ખૂબ ગમી. આ સ્ટુડિયો સ્ટેલોનની રૉકી વારતા ઉપરથી ફિલ્મ બનાવવા માટે સ્ટેલોનને ૧.૨૫ લાખ ડોલર આપવાની ઓફર કરી પણ ફિલ્મમાં હીરો તરીકે સ્ટેલોનને નહીં બીજાને હીરો તરીકે લેવાનું કહ્યું. સ્ટેલોને વાર્તા વેચવાની સ્પષ્ટ ના પાડી અને કહ્યં કે, આ વાર્તાની ફિલ્મમાં હીરો તો હું જ રહીશ. સ્ટુડિયોએ ૨.૫ લાખ સુધી ઓફર કરી પણ સ્ટેલોન એકનો બે ન થયો. અંતે સ્ટુડિયોએ સ્ટેલોનને કહ્યું કે, અમે તને હીરો લઈને જોખમ તો ખેડીએ પણ તને ૩૦૦૦૦ ડોલર આપીશું. સ્ટેલોને તરત સંમતિ આપી દીધી.
ફિલ્મ સાઈન કરીને જે સાઈનીંગ એમાઉન્ટ આવી તે લઈને સ્ટેલોન મુઠ્ઠીઓ વાળીને દોડ્યો ડોગી જેને વેચ્યો હતો એની પાસે.  સ્ટેલોને એ વ્યક્તિને ૨૫ ડોલરના કૂતરાની સામે ૧૦૦ ડોલર આપવાનું કહ્યું પણ પેલો વ્યક્તિ સ્ટેલોનની મજબૂરીનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માગતો હતો. તે ન માન્યો. સ્ટેલોને ૨૦૦, ૫૦૦, ૧૦૦૦ ડોલર સુધી ઓફર કરી પણ એ વ્યક્તિ ન માની. ફાઈનલી ૭૦૦૦ ડોલરમાં એણે એનો કૂતરો પાછો આપ્યો અને શરત પણ રાખી કે રોકી ફિલ્મમાં એને એક કિરદાર આપવું પડશે. સંભવતઃ રૉકી ફિલ્મમાં રેફરીનું જે કેરેકટર છે. એ જ આ કુતરો ખરીદનાર વ્યક્તિ છે.
આખરે રૉકી ફિલ્મ બની અને આ ફિલ્મે એક મિલિયન ડોલરથી પણ વધુ કમાણી કરી. ઓસ્કર એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ. સમગ્ર વિશ્વમાં રૉકી ફિલ્મનો ડંકો વાગ્યો. ચારે બાજુ સિલ્વેસ્ટેર સ્ટેલોનની અદાકારી, શરીર સૌષ્ઠવ, ફિલ્મની વાર્તા, સંગીત, અભિનય તમામ પાસાના ખૂબ વખાણ થયા. અને પછી રોકી-૨, રોકી-૩ એમ એની સિરીઝ બનવા લાગી.




સ્ટેલોનના સંઘર્ષની આ કથા કહે છે કે, હાર અને જીત સિક્કાની બે બાજુ છે. એક હાર એ જીવનની સમાપ્તિ નથી. કે પછી એક જીત એ જીવનની ચોટી નથી. હજારો હાર સામે પણ મજબૂત પ્રયાસોનું આત્મબળ રંગ લાવતું હોય છે. કંઈપણ થાય પછડાટ નહીં અનુભવનાર એક દિવસ આગળ આવે છે. પછડાટનો સ્વીકાર  ન કરવાની વાત વિજયનો માર્ગ ખોલતી હોય છે.
એક વાર નિષ્ફળતા પછી એકના એક માર્ગે ચાલવું એ મોટી મુર્ખામી છે. એક શસ્ત્ર કારગત ન નીવડે પછી એના એ જ શસ્ત્રથી ફરી યુદ્ધના મેદાનમાં ઉતરવું એ નર્યું ગાંડપણ છે. હંમેશા નવા માર્ગો, નવા શસ્ત્રો અને નવા આઈડિયા સાથે નવા જોમ અને નવા જુસ્સાથી ફરી પાછા રણમેદાનમાં ઉતરવું એ જ સાચા યોદ્ધાની નિશાની છે. મનમાં લક્ષ્યની સ્પષ્ટતા અને અંતરમાં પુરુષાર્થની દ્રઢતા આ બેનું સામંજસ્યજ હારને જીતમાં પલટાવી નાખે છે. કોઈપણ હાર કાયમી નથી. જેમ પ્રત્યેક કાળી ડિબાંગ રાત્રી પછી સૂરજના સોનેરી કિરણો રેલાતાં હોય છે, એમ દરેક હારને છેડે હસતી ખેલતી એક જીત ઊભી જ હોય છે.

ધબકાર –

માત્ર મોટા મોટા સપના જોઇને બેસી રહેવાથી માત્ર બરબાદીને નિમંત્રણ આપવામા આવે છે. સોણલા સાકાર કરવા આયોજનબધ્ધ પરિશ્રમની નક્કર પુષ્ટભૂમિ હોવી જોઇએ.