રોજ
સમયનો એકાદ નાનકડો ખૂણો સપના જોવા માટે અનામત રાખવો જોઈએ
-
પુલક ત્રિવેદી
અમેરિકાની સ્વીમીંગ ટીમમાં દારા ટોરેસને છેક ૪૧ વર્ષની
ઉંમરે સ્થાન મળ્યું. સ્વીમીંગ વર્લ્ડ ચેમ્પિયન દારા ટોરેસે મનમાં ગાંઠ વાળી હતી
કે, ‘મારે દુનિયાને બતાવી આપવું છે કે હું વર્લ્ડ ચેમ્પિયન બની શકું છું. ‘ દારા
કહેતી કે, ‘ સપના જોવા માટે કોઈ ઉમરની મર્યાદા હોતી નથી. ’ ઓલિમ્પિક્સની દુનિયામાં
દારા ટોરેસનું નામ આદરપૂર્વક લેવાય છે. ૧૯૬૭માં લોસ એન્જેલેસમાં જન્મેલી આ છોકરી
વેસ્ટલેક સ્કૂલ ફોર ગર્લ્સ કે જે અત્યારે હાર્વર્ડ વેસ્ટલેક સ્કૂલ તરીકે ઓળખાય છે,
એમાં ભણી છે. શાળા જીવનથી જ દારા તેના ભાઈ સાથે સ્વીમીંગ કરતી. દારાના પીતાજી
અમેરિકામાં રીયલ એસ્ટેટ ડેવેલપર્સનો વ્યવસાય કરતાં. તેની માતા મારીલુ અમેરિકાની
મોડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો.
વેસ્ટલેક સ્કૂલની બાસ્કેટ બોલ, જીમ્નેસ્ટિક અને વોલીબોલની ટીમમાં
દારા રમી ચૂકી છે. ઓલિમ્પિકના ૪ ગોલ્ડ મેટલ, ૪ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ
મળીને જે છોકરીનું ગળું ૧૨-૧૨ ઓલિમ્પિક મેડલથી શોભે છે એવી દારા ટોરેસને કોઈએ એના
અનુભવ વિશે પૂછ્યું તો એણે હસતાં હસતાં ખૂબ સાહજિકતાથી કહ્યું કે, ‘ પાણીને તમારી
ઉંમર કેટલી છે એની સાથે ક્યાં લેવા દેવા હોય છે.’ ‘
એઈઝ ઈઝ જસ્ટ અ નંબર ‘ પુસ્તકમાં દારા ટોરેસે એના જીવનના અનુભવો વર્ણવ્યા છે. જીવનમાં
ઉતારવા જેવા દારા ટોરેસની અનુભવ વાણી આ પુસ્તકમાં વર્ણવાઇ છે. કેટલી અદભૂત વાત
પુસ્તકના નામમા જ છે, ‘ઉમર એ તો એક આંકડો માત્ર છે’. આ આત્મકથાત્મક પુસ્તકમાં આશાઓનું એક રંગીન આકાશ
છે. સપનાઓથી ભરેલા ગગનમાં વિહરવાનો આ પુસ્તક આનંદ કરાવે છે.
થોડા દિવસ પહેલાં જ એક મિત્રએ ત્રણ શબ્દનો
એક સુંદર મેસેજ મોકલ્યો. સવારનો સમય હતો. ખુશનુમા વાતાવરણમાં મોબાઈલમાં આ ત્રણ
શબ્દનો મેસેજ વાંચતા જ મોજ આવી ગઈ. મેસેજ હતો ‘Dream the impossible` અર્થાત અસંભવ લાગતા
સપનાઓ જુઓ. આ મઝાનો મેસેજ વાંચીને માનસ પટ ઉપર ધનાધન વિચારોની હારમાળા સર્જાતી ગઈ.
કોઈપણ સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે. જેમ
જેમ સમય પસાર થાય એમ ધીમે ધીમે એ સોણલુ અસંભવ લાગવા લાગે. પરંતુ એ સપનામાં જ્યારે દ્રઢ
ઇચ્છાઓ ભળે ત્યારે એ સપનું મટીને જીવનનું અનિવાર્ય અંગ બની જતું હોય છે. એક ચિંતકે
તો ત્યાં સુધી કહ્યું છે કે, વાસ્તવિકતા આડંબરથી લબાલબ હોય છે જ્યારે સપનાઓ સાચા
હોય છે.
એક નાનકડી દીકરીનો અકસ્માતમાં પગ કપાઈ ગયો
છે. આખું કુટુંબ વિલાપમા ડુબી ગયું છે. બધા એવું વિચારવા લાગ્યા કે, આ હોનહાર
દીકરીનું ભવિષ્ય રોળાઇ ગયું. ૧૨-૧૩ વર્ષની આ દીકરીના મનમાં કંઈક જુદી જ વાત આકાર
લેતી હતી. ભારત નાટ્યમમાં શ્રેષ્ઠ ડાન્સર બનવાનું તેનું સપનું આ કુદરતી થાપટે
થોડુંક ડગમગાવ્યું જરૂર પણ લક્ષ્ય સુધી પહોંચતા એને અટકાવી ના શક્યું. આ દીકરીને ‘આર્ટીફિશ્યલ
લેગ’ ફીટ કરવામાં આવ્યો. દિવસ રાત મહેનત કરીને એણે ભારત નાટ્યમની પ્રેલ્ટિસ ચાલુ
રાખી. એણે ભારત નાટ્યમમાં ખૂબ નામના મેળવી.
દેશ વિદેશમાં એના ભારતનાટ્યમના શો ખૂબ વખણાવા લાગ્યા. તેણે સેવેલા સ્વપ્ન મુજબ
ભારત નાટ્યમમાં એણે ડંકો વગાડ્યો. દુનિયાને ખબર જ ન પડી કે, આટલું અદભુત ભારત નાટ્યમ
કરતી આ છોકરીને એક પગ નથી. ખરેખર તો ભવિષ્ય એનું જ હોય છે જે સ્વપ્નાઓની સુંદરતાને
દ્રઢ ઇચ્છાશક્તિથી સજાવતાં હોય છે.
દરેક વ્યક્તિએ રોજ સમયનો એકાદ નાનકડો ખૂણો
સપના જોવા માટે અનામત રાખવો જોઈએ. સપના જોઈને એને પંપાળવા જોઈએ. એને જતનપૂર્વક ઉછેરવા
જોઈએ. અને વિકસાવવા જોઈએ. લાઓત્સેનું જાણીતું ચિંતન છે કે, હજારો માઈલોની સફર એક
પગલાંથી શરૂ થાય છે. આ પહેલું પગલું એટલે એકાંતમાં સેવેલું અસંભવ લાગતુ સપનું.
સપના જોવાની મજા છે. જોએલા સ્વપ્નાની
દિશામાં હિંમતપૂર્વક ચાલવાની પણ મજા છે. જે ધાર્યું હોય, વિચાર્યું હોય, એ રાહ પર
ચાલીને જિંદગીનો આનંદ માણવાનો હોય. સપના ન જોવાની ક્રૂરતા માણસે પોતાની સાથે ન
કરવી જોઈએ. ખૂબ સપના જોવા જોઈએ અને અશક્ય લાગતાં સપના તો ખાસ જોવા જોઈએ. મોટા મોટા
સપનાઓની શરૂઆત નાની નાની વાતોથી થતી હોય છે. સપનાઓ જોવાની કોઈ લિમિટ ન હોય. સપના
જોવાની કોઈ ઉંમર ન હોય. જે સપનુ ડરાવતાં નથી તો સમજી લેવાનું કે એ સપનાની સાઈઝ
મોટી નથી.
સપના જોવાની વાત આવે એટલે બે વ્યક્તિત્વ અવશ્ય
યાદ આવે, એક અમેરિકાના વોલ્ટ ડીઝની અને બીજા ભારતના ધીરૂભાઈ અંબાણી. વર્લ્ડ એનિમેશન
ઈન્ડસ્ટ્રીના પ્રણેતા વોલ્ટ ડિઝની કહેતા કે, ‘સપના સિદ્ધ કરવાની ધૂન હોય તો સપના
સાચા પડ્યા વગર રહેતા નથી.’ કોર્પોરેટ વર્લ્ડની વ્યાખ્યા બદલી નાખનાર હિન્દુસ્તાનના
ધીરૂભાઈ અંબાણી કહેતા કે, ‘જે વ્યક્તિ મોટા સપના જોવાની હિંમત કરે છે એના માટે
દુનિયા જીતવી આસાન છે.’ જીવનમાં બે દિવસ સૌથી મહત્વના હોય છે. પહેલો દિવસ એ કે જે
દિવસે આપણો જન્મ થયો હોય અને બીજો દિવસ કે જે દિવસે સમજ પડે જન્મ શા માટે થયો છે.
જોયેલા સપના સાચા કરવા મારે શું કરવાનું છે એની સમજ પડે એ દિવસ ઉત્સવ મનાવવાનો
દિવસ કહેવાય. સપના જ જીવનમાં મીઠાશ ઘોળીને આપે છે.સપના સત્ય છે. સપના છે તો
જીવનમાં સુવાસ છે.
ધબકાર –
સપના ઈશ્વરે ઘડેલા આપણા કિરદારના સોનાને ચકાસવા માટેનો કસોટી પથ્થર (ટચસ્ટોન)
છે. – હેનરી ડેવિડ થોરો















