Sunday, 17 December 2017

રોજ સમયનો એકાદ નાનકડો ખૂણો સપના જોવા માટે અનામત રાખવો જોઈએ

રોજ સમયનો એકાદ નાનકડો ખૂણો સપના જોવા માટે અનામત રાખવો જોઈએ
-     પુલક ત્રિવેદી
અમેરિકાની સ્વીમીંગ ટીમમાં દારા ટોરેસને છેક ૪૧ વર્ષની ઉંમરે સ્થાન મળ્યું. સ્વીમીંગ વર્લ્ડ ચેમ્પિયન દારા ટોરેસે મનમાં ગાંઠ વાળી હતી કે, ‘મારે દુનિયાને બતાવી આપવું છે કે હું વર્લ્ડ ચેમ્પિયન બની શકું છું. ‘ દારા કહેતી કે, ‘ સપના જોવા માટે કોઈ ઉમરની મર્યાદા હોતી નથી. ’ ઓલિમ્પિક્સની દુનિયામાં દારા ટોરેસનું નામ આદરપૂર્વક લેવાય છે. ૧૯૬૭માં લોસ એન્જેલેસમાં જન્મેલી આ છોકરી વેસ્ટલેક સ્કૂલ ફોર ગર્લ્સ કે જે અત્યારે હાર્વર્ડ વેસ્ટલેક સ્કૂલ તરીકે ઓળખાય છે, એમાં ભણી છે. શાળા જીવનથી જ દારા તેના ભાઈ સાથે સ્વીમીંગ કરતી. દારાના પીતાજી અમેરિકામાં રીયલ એસ્ટેટ ડેવેલપર્સનો વ્યવસાય કરતાં. તેની માતા મારીલુ અમેરિકાની મોડલિંગની દુનિયાનો જાણીતો ચહેરો.



વેસ્ટલેક સ્કૂલની બાસ્કેટ બોલ, જીમ્નેસ્ટિક અને વોલીબોલની ટીમમાં દારા રમી ચૂકી છે. ઓલિમ્પિકના ૪ ગોલ્ડ મેટલ, ૪ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ મળીને જે છોકરીનું ગળું ૧૨-૧૨ ઓલિમ્પિક મેડલથી શોભે છે એવી દારા ટોરેસને કોઈએ એના અનુભવ વિશે પૂછ્યું તો એણે હસતાં હસતાં ખૂબ સાહજિકતાથી કહ્યું કે, ‘ પાણીને તમારી ઉંમર કેટલી છે એની સાથે ક્યાં લેવા દેવા હોય છે.’     ‘ એઈઝ ઈઝ જસ્ટ અ નંબર ‘ પુસ્તકમાં દારા ટોરેસે એના જીવનના અનુભવો વર્ણવ્યા છે. જીવનમાં ઉતારવા જેવા દારા ટોરેસની અનુભવ વાણી આ પુસ્તકમાં વર્ણવાઇ છે. કેટલી અદભૂત વાત પુસ્તકના નામમા જ છે, ‘ઉમર એ તો એક આંકડો માત્ર છે’.  આ આત્મકથાત્મક પુસ્તકમાં આશાઓનું એક રંગીન આકાશ છે. સપનાઓથી ભરેલા ગગનમાં વિહરવાનો આ પુસ્તક આનંદ કરાવે છે.



       થોડા દિવસ પહેલાં જ એક મિત્રએ ત્રણ શબ્દનો એક સુંદર મેસેજ મોકલ્યો. સવારનો સમય હતો. ખુશનુમા વાતાવરણમાં મોબાઈલમાં આ ત્રણ શબ્દનો મેસેજ વાંચતા જ મોજ આવી ગઈ. મેસેજ હતો ‘Dream the impossible` અર્થાત અસંભવ લાગતા સપનાઓ જુઓ. આ મઝાનો મેસેજ વાંચીને માનસ પટ ઉપર ધનાધન વિચારોની હારમાળા સર્જાતી ગઈ.
       કોઈપણ સપનું શરૂઆતમાં અશક્ય જ લાગે. જેમ જેમ સમય પસાર થાય એમ ધીમે ધીમે એ સોણલુ અસંભવ લાગવા લાગે. પરંતુ એ સપનામાં જ્યારે દ્રઢ ઇચ્છાઓ ભળે ત્યારે એ સપનું મટીને જીવનનું અનિવાર્ય અંગ બની જતું હોય છે. એક ચિંતકે તો ત્યાં સુધી કહ્યું છે કે, વાસ્તવિકતા આડંબરથી લબાલબ હોય છે જ્યારે સપનાઓ સાચા હોય છે.
       એક નાનકડી દીકરીનો અકસ્માતમાં પગ કપાઈ ગયો છે. આખું કુટુંબ વિલાપમા ડુબી ગયું છે. બધા એવું વિચારવા લાગ્યા કે, આ હોનહાર દીકરીનું ભવિષ્ય રોળાઇ ગયું. ૧૨-૧૩ વર્ષની આ દીકરીના મનમાં કંઈક જુદી જ વાત આકાર લેતી હતી. ભારત નાટ્યમમાં શ્રેષ્ઠ ડાન્સર બનવાનું તેનું સપનું આ કુદરતી થાપટે થોડુંક ડગમગાવ્યું જરૂર પણ લક્ષ્ય સુધી પહોંચતા એને અટકાવી ના શક્યું. આ દીકરીને ‘આર્ટીફિશ્યલ લેગ’ ફીટ કરવામાં આવ્યો. દિવસ રાત મહેનત કરીને એણે ભારત નાટ્યમની પ્રેલ્ટિસ ચાલુ રાખી. એણે  ભારત નાટ્યમમાં ખૂબ નામના મેળવી. દેશ વિદેશમાં એના ભારતનાટ્યમના શો ખૂબ વખણાવા લાગ્યા. તેણે સેવેલા સ્વપ્ન મુજબ ભારત નાટ્યમમાં એણે ડંકો વગાડ્યો. દુનિયાને ખબર જ ન પડી કે, આટલું અદભુત ભારત નાટ્યમ કરતી આ છોકરીને એક પગ નથી. ખરેખર તો ભવિષ્ય એનું જ હોય છે જે સ્વપ્નાઓની સુંદરતાને દ્રઢ ઇચ્છાશક્તિથી સજાવતાં હોય છે.



       દરેક વ્યક્તિએ રોજ સમયનો એકાદ નાનકડો ખૂણો સપના જોવા માટે અનામત રાખવો જોઈએ. સપના જોઈને એને પંપાળવા જોઈએ. એને જતનપૂર્વક ઉછેરવા જોઈએ. અને વિકસાવવા જોઈએ. લાઓત્સેનું જાણીતું ચિંતન છે કે, હજારો માઈલોની સફર એક પગલાંથી શરૂ થાય છે. આ પહેલું પગલું એટલે એકાંતમાં સેવેલું અસંભવ લાગતુ સપનું. 
       સપના જોવાની મજા છે. જોએલા સ્વપ્નાની દિશામાં હિંમતપૂર્વક ચાલવાની પણ મજા છે. જે ધાર્યું હોય, વિચાર્યું હોય, એ રાહ પર ચાલીને જિંદગીનો આનંદ માણવાનો હોય. સપના ન જોવાની ક્રૂરતા માણસે પોતાની સાથે ન કરવી જોઈએ. ખૂબ સપના જોવા જોઈએ અને અશક્ય લાગતાં સપના તો ખાસ જોવા જોઈએ. મોટા મોટા સપનાઓની શરૂઆત નાની નાની વાતોથી થતી હોય છે. સપનાઓ જોવાની કોઈ લિમિટ ન હોય. સપના જોવાની કોઈ ઉંમર ન હોય. જે સપનુ ડરાવતાં નથી તો સમજી લેવાનું કે એ સપનાની સાઈઝ મોટી નથી.  
       સપના જોવાની વાત આવે એટલે બે વ્યક્તિત્વ અવશ્ય યાદ આવે, એક અમેરિકાના વોલ્ટ ડીઝની અને બીજા ભારતના ધીરૂભાઈ અંબાણી. વર્લ્ડ એનિમેશન ઈન્ડસ્ટ્રીના પ્રણેતા વોલ્ટ ડિઝની કહેતા કે, ‘સપના સિદ્ધ કરવાની ધૂન હોય તો સપના સાચા પડ્યા વગર રહેતા નથી.’ કોર્પોરેટ વર્લ્ડની વ્યાખ્યા બદલી નાખનાર હિન્દુસ્તાનના ધીરૂભાઈ અંબાણી કહેતા કે, ‘જે વ્યક્તિ મોટા સપના જોવાની હિંમત કરે છે એના માટે દુનિયા જીતવી આસાન છે.’ જીવનમાં બે દિવસ સૌથી મહત્વના હોય છે. પહેલો દિવસ એ કે જે દિવસે આપણો જન્મ થયો હોય અને બીજો દિવસ કે જે દિવસે સમજ પડે જન્મ શા માટે થયો છે. જોયેલા સપના સાચા કરવા મારે શું કરવાનું છે એની સમજ પડે એ દિવસ ઉત્સવ મનાવવાનો દિવસ કહેવાય. સપના જ જીવનમાં મીઠાશ ઘોળીને આપે છે.સપના સત્ય છે. સપના છે તો જીવનમાં સુવાસ છે.

ધબકાર – સપના ઈશ્વરે ઘડેલા આપણા કિરદારના સોનાને ચકાસવા માટેનો કસોટી પથ્થર (ટચસ્ટોન) છે.  – હેનરી ડેવિડ થોરો



Thursday, 7 December 2017

દુનિયામા કોઇ ઓછા આત્મવિશ્વાસથી જન્મતો નથી કે પેદાયશી ડરપોક હોતો નથી

દુનિયામા કોઇ ઓછા આત્મવિશ્વાસથી 
જન્મતો નથી કે પેદાયશી ડરપોક હોતો નથી.

-     પુલક ત્રિવેદી
           
એડસન અરેન્ટીંસ ડો નાસ્કીમેન્ટો એટલે કે પેલે. ભયંકર ગરીબીમાં પેલેનું બાળપણ વીત્યું. ઓકટોબરની ૨૩મી તારીખે ૧૯૪૦માં જન્મેલો આ બાળક બ્રાઝીલનુ બ્લેક પર્લ તરીકે વિશ્વમાં મશહુર થયું. કોઈ મોટા રેગ્યુલર કોચીંગ ક્લબમાં તાલીમ લઈ શકે એવી એની આર્થિક ક્ષમતા નહતી. એટલે પેલે એના પિતાજી પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવી આગળ વધ્યો. સોકર રમતાં ઝડપાતા ૧૧ વર્ષની ઉંમરે એને શાળામાંથી કાઢી મૂકાયો. ડી બ્રીટો નામના રમત પારખુ ઝવેરીએ ૧૫ વર્ષના પેલેમાં હીર જોયું અને એ જમાનાની બ્રાઝીલની શ્રેષ્ઠ ક્લબ ટીમ ‘સેન્ટોઝ’ના ડાયરેકટર મંડળ સામે પેલેને પેશ કરીને કહ્યું કે, ‘ આ છોકરો એક દિવસ વિશ્વનો મહાન સોકર પ્લેયર બનશે. ‘ પેલેને સેન્ટોઝ ક્લબ તરફથી રમવાનું નિમંત્રણ મળ્યું અને પ્રતિમાસ ૬૦ ડોલરનો પગાર મળવાનો શરૂ થયો. દિવસ રાત પરસેવો પાડીને મહેનત અને લગનથી પેલેએ ફૂટબોલ જગતમાં ન ભૂતો ભવિષ્યતિ બની ગયો. ૧૩૬૩ ગેઇમમા  ૧૨૮૧ ગોલ જેના નામે છે એવા પેલેને બ્રાઝીલીયન સરકારે ૧૯૬૨ની વર્લ્ડ કપ પછી ‘ ઓફિશિયલ નેશનલ ટ્રેઝર ‘ અર્થાત ‘ સત્તાવાર સરકારી સંપત્તિ’ તરીકે જાહેર કર્યો. ૧૦ નંબરની ટી શર્ટ પહેરતા પેલેને આખું બ્રાઝીલ અદકેરું સન્માન આપતાં. બ્રાઝીલમાં કોઈપણ વ્યક્તિ ‘ બ્લેક પર્લ ‘ તરીકે ઓળખાતા પેલેના ૧૦ નંબરની ટી શર્ટ પહેરતાં નહીં. ૧૦ નંબર આખા બ્રાઝીલમાં પેલેનો ‘ ટ્રેડમાર્ક ‘ હતો.



બાળપણમાં આપવામાં આવેલું ‘ નીક નેમ ‘ પેલે એને ગમતું નહીં. એ નામને એ ધિક્કારતો. એના મિત્રોએ એ જમાનાના એમના મિત્ર વર્તુળમા પ્રિય એવા ફૂટબોલ ખેલાડી વાસ્કોડ ગામા પિલના નામે એને ‘ પિલ ‘ એવુ હુલામણુ નામ આપ્યું. પણ પાછળથી આ નામ અપભ્રંશ થઇને ‘ પેલે ‘ થઇ ગયું. આમ તો હિબ્રુ ભાષામાં પેલેનો અર્થ ચમત્કાર થાય. રાતોરાત મળેલી કામયાબી પાછળ કેટલીય રાતના ઉજાગરા હોય છે. પેલે વિશ્વપ્રસિદ્ધ સોકર ફૂટબોલર તરીકે મશહૂર થયો તે પહેલાં કેટલાય દિવસ અને રાત અથાગ મહેનત કરી પસીનો પાણીની માફક પાડ્યો છે.
વિશ્વના આ મહાન સોકર પ્લેયર પેલેએ એકવાર તેના જીવનની સફળતાનો અર્ક આપતી ખૂબ મજાની વાત કરી હતી. એણે કહ્યું કે, ‘દુનિયામાં દરેક લોકોને આદર આપતાં શીખવું જોઈએ, અને સખત પરિશ્રમ કરતાં રહેવું જોઈએ. મને ખ્યાલ છે કે જ્યારે મારા સાથી ખેલાડીઓ ટ્રેનિંગ દરમિયાન સેશન પૂરી થઈ ગયા પછી દરિયા કિનારે મોજમસ્તી કરતાં હતાં. ત્યારે હું ‘ડ્રીબલીંગ’ અને ‘કીકીંગ’ કરીને બેસુમાર પસીનો વહેવડાવતો હતો.’



પાણી ૧૦૦ સેંટીગ્રેડ ડિગ્રી સુધી ગરમ થાય ત્યાં સુધી ફરક પડતો નથી પણ જેવો ૧૦૦ પછી ૧ ડિગ્રી વધે અને ૧૦૧ ડિગ્રી પાણી ગરમ થાય એટલે એ ઉકળવા માંડે અને એમાંથી વરાળ નીકળે. વરાળમાં જબરજસ્ત તાકાત હોય છે. આ વરાળમાં જ મોટા ભીમકાય એન્જિન ચલાવવાની જબરી શક્તિ હોય છે. આ શક્તિ એક ડિગ્રીના ફર્કથી આવતી હોય છે. આ એક ડિગ્રીનો ફર્ક આખી દુનિયા બદલી નાખે છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા અને વિજયી બનનારાનો તફાવત માત્ર થોડી સેકન્ડ કે સેકન્ડના થોડા ભાગ જેટલો જ હોય છે. પણ આ થોડી સેકન્ડના અંતરથી સફળ થવા માટે એ એથલીટે વર્ષો સુધી સખત પરિશ્રમ કર્યો હોય છે. એક સુપરહીટ ફિલ્મ ઝંજીર અમિતાભ બચ્ચનને સ્ટારડમ અને પછી સુપરસ્ટારડમ કક્ષા સુધી પહોંચાડે જરૂર પણ ઝંજીરની સફળતા પહેલાં અમિતાભ બચ્ચને વર્ષો સુધી જબરજસ્ત પરિશ્રમ અને સ્ટ્રગલ કરી. ધીરૂભાઈ અંબાણીનું રિલાયન્સ એમ્પાયર ઊભું થયું એ પહેલાં ધીરૂભાઈએ જબરી મહેનત અને પરસેવો પાડ્યો હતો. ઇંફોસીસના નારાયણ મુર્તી ગજબની મહેનત કરી એમ્પાયર ખડુ કરી શક્યા.



ઘણી વાર ખૂબ જ મહેનત પછી પરિણામ ન મળે ત્યારે કંટાળીને મહેનત કરવાનું છોડી દેવામાં આવે છે. પણ જ્યારે મહેનત કરવાનું મૂકી દેવાતુ હોય છે ત્યારે એ અંદાજ નથી હોતો કે, આ પરિશ્રમનું પાણી ૯૯ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. માત્ર એક કે બે ડિગ્રી જેટલી જ મહેનત બાકી છે. ‘ સ્ટીમ ‘ બની તાકાત ઉભી થવાની છેલ્લી એક કે બે ડિગ્રી જ બાકી બચી હોય છે. અને ત્યારે પરિશ્રમ જો અટકે નહીં તો ૧૦૧ ડિગ્રીનો ફર્ક જીવનમાં આવતાં વાર લાગતી નથી. એ એક ડીગ્રીનો ફર્ક આવતા સમય ચોક્કસ લાગે, ખુબ કપરો કાળ અનુભવાય પણ જેવો એ એક ડીગ્રીનો ફર્ક આવે એટલે સમય બદલાઇ જાય.
જીવનમાં જે લક્ષ્ય નિર્ધારિત કર્યું હોય ત્યાં પહોંચવા માટેનો માર્ગ લાંબો અને કપરો ચોક્કસ હોય છે. પણ રોજ કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે. જીવનમાં ૧૦૧ ડિગ્રીનો તફાવત લાવવા લક્ષ્ય સુધી પહોંચવા ‘સ્ટીમ’ જેવી શક્તિ પેદા કરવા પાંચ મહત્વના પગલાં છે. પહેલું પગલું છે, રોજ પ્રયાસ કરતા રહેવાનુ છે. બીજું પગલું, રોજ આપણા મન અને હદયમાં હિંમતનું ઇંધણ ભરતા રહેવાનુ છે. ત્રીજું પગલું મનલુભાવન પણ લક્ષ્યથી અલગ અન્ય બાબતોની મોજ મારવાની જતી કરવાની કુરબાની આપવાની શક્તિ હોવી જોઇએ. લક્ષ્યથી ભટકે નહીં એ રીતે મનને મજબુતાઇથી પકડી રાખવાનુ ચોથુ પગલું છે. પાચમું અને અંતિમ મહત્ત્વનુ પગલું છે, લક્ષ્ય સુધી પહોંચવા માટે મુળ વિચારને સપ્લીમેન્ટ કરી સપોર્ટીંગ સ્ટ્રેંથ આપતા નિર્ણયો લેવાંનું.



સફળતાની એક ક્ષણ માટે કેટલીયે ક્ષણો, મિનિટો, કલાકો, દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી પરિશ્રમનું પાણી ઉકળે છે ત્યારે ૧૦૧ ડિગ્રીની ક્ષણ મળે છે. જ્યારે પણ મન પાછું પડે, ડગી જાય, ત્યારે મૂઠી વાળીને મનને સમજાવવું પડે છે કે, ‘ ચાલવું જરૂરી છે. ‘ માર્ગ છોડનારાને મંઝીલ મળતી નથી. જે માર્ગ છોડી દે છે એમને તો મંઝીલે પહોંચેલા લોકોએ રસ્તામાં છોડી દીધેલી જુઠ્ઠન જ નસીબમાં હોય છે. મનને કેળવવું જોઈએ કે, આજ એ
આવતી કાલની સફળતાનો એક મજબૂત હિસ્સો છે. પરિણામ આવતાં સમય ચોક્કસ લાગે પણ પરિણામ આવ્યા પછી સમય બદલાઈ જાય છે. હટી જાય એ ખતમ થઈ જાય, પણ મચી પડે એ સફળ થઈ જાય. કોઈપણ ઓછા આત્મવિશ્વાસ સાથે જન્મતો નથી. કોઈપણ માણસ પેદાયશી ડરપોક હોતો નથી. પ્રત્યેક જીવમાં શિવે અખૂટ હિંમતનો ખજાનો ભર્યો છે. આત્મવિશ્વાસના પરિશ્રમનુ પાણી ૧૦૧ ડિગ્રી સુધી ઉકાળવાની જરૂર છે.


ધબકાર :
’ સફળ થવા માટે જોયેલુ એક સ્વપ્ન જાદુ દ્વારા સાકાર નથી થતું એના માટે દ્રઢ નિશ્ચય, કઠોર પરિશ્રમ અને મુશ્કેલીઓ સામે લડવુ પડે છે. ‘ કોલિન પોવેલ





Friday, 1 December 2017

એ યુવાને જીજ્ઞાસાપૂર્વક પુછ્યું જીવન આટલું જટીલ કેમ થઈ ગયું છે ?

એ યુવાને જીજ્ઞાસાપૂર્વક પુછ્યું જીવન
 આટલું જટીલ કેમ થઈ ગયું છે ?
-     પુલક ત્રિવેદી

કલમ, કલા અને ક્રાંતિના ભવ્ય વારસાથી જ કોલકતા શહેર ઓળખાય. ૧૮મી સદીના કોલકતા શહેરની વાત છે. કોલકતા ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ વિશ્વભરમાં જાણીતું છે. અનોખી ઉજવણીઓના સાક્ષી કોલકતાના પ્રત્યેક પરાં રહ્યાં છે. કોલકતાના દરેક પરાની એક આગવી ઓળખ છે.
૧૮મી સદીના ઉતરાર્ધમાં કોલકતામાં કોટીસ ચર્ચ કોલેજના શિક્ષણ અને શિક્ષકોની ખૂબ બોલબાલા. ડો. વિલિયમ હેસ્ટી કોલેજના પ્રિન્સિપલ. એક દિવસ સવારની સેસનમાં પ્રિન્સિપલ હેસ્ટી તેમના ક્લાસમાં વર્ડ્ઝવર્થની ‘ધ એક્સરસન’ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવેલા ‘ટ્રાન્સ’ શબ્દની ચર્ચા કરતાં હતાં ‘ટ્રાન્સ’નો સામાન્ય અર્થ ધ્યાન થાય. ડો. વિલિયમ હેસ્ટીએ એ વખતે કહ્યું કે, ‘ટ્રાન્સ’ શબ્દની સાચી અને ચોંટદાર સમજ દક્ષિણેશ્વરના રામકૃષ્ણ જેવી કોઇ ન આપી શકે.



પ્રિન્સિપાલ હેસ્ટીની આ વાત ક્લાસમાં બેઠેલા વિદ્યાર્ઓથીઓ પૈકી નરેન્દ્રનાથ દત્ત સહિત કેટલાક વિદ્યાર્થીઓને જબરજસ્ત રીતે મગજમાં ઉતરી ગઈ. ત્યારબાદ થોડા જ સમયમાં ૧૮૮૧ના અરસામાં સુરેન્દ્રનાથ મિત્રાના ઘરે રામકૃષ્ણ પરમહંસની એક ચર્ચા બેઠક યોજાઈ. આ ચર્ચા બેઠકમાં નરેન્દ્રનાથ દત્ત પણ હતા. યુવાન નરેન્દ્રનાથનો અવાજ ગહેરો, પહાડી અને સુરીલો. રામકૃષ્ણ પરમહંસની બેઠકમાં નરેન્દ્રનાથને ગીત રજૂ કરવા કહેવામાં આવતા નરેન્દ્રનાથે સુરીલા અવાજમા એક મઝાનું ગીત પ્રસ્તુત કર્યું. રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રનાથના આ ગીતને સાંભળીને પ્રભાવિત થઈ ગયા. એમણે નરેન્દ્રનાથને દક્ષિણેશ્વર આવવાનું નિમંત્રણ આપ્યું. નરેન્દ્રને તો ‘ભાવતુ હતુ અને વૈદે કહ્યું’ એવો ઘાટ થયો. એના મગજમાં પ્રિન્સિપલ હેસ્ટીની વાત સતત ઘુમરાતી હતી. એણે તરત જ રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણેશ્વર આવવાનું નિમંત્રણ સ્વીકારી લીધું.  



થોડાક જ દિવસોમાં આ યુવાન દક્ષિણેશ્વર પહોંચી ગયો. જ્યારે નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયો ત્યારે એના યુવા માનસમાં રામકૃષ્ણ પરમહંસને મળવા પાછળ અને વાત કરવા પાછળ વર્ડ્ઝવર્થની કવિતામાં પ્રયોજાયેલા ‘ટ્રાન્સ’ શબ્દની ચર્ચાની અભિલાષા હતી. એ વખતે આ સિવાય અન્ય કોઈ બીજો ખાસ હેતુ જ નરેન્દ્રનાથના મનમાં ન હતો. આમ તો નરેન્દ્રનાથ ખૂબ પ્રતિભાશાળી, પ્રબુદ્ધ પરંતુ નાસ્તિક પ્રકૃતિનો યુવાન. દક્ષિણેશ્વરમાં જઈને પહેલા તો એણે વર્ડ્ઝવર્થની કવિતાના સંદર્ભમાં ચર્ચા કરી. નરેન્દ્રનાથની રામકૃષ્ણ પરમહંસ સાથેની આ પહેલી મુલાકાતમાં કોઈપણ પ્રકારનો પ્રગાઢ સેતુ રચાયો ન હતો પરંતુ, એક વાત ચોક્કસ હતી કે, ૧૮૮૨નું એ વર્ષ નરેન્દ્રનાથના જીવનમાં ‘ટર્નીંગ પોઈન્ટ’ તરીકે દુનિયા આખી જોઈ રહી છે. મુલાકાતોના દોર વધતાં ચાલ્યાં. રામકૃષ્ણ પરમહંસે આ નાસ્તિક યુવાન નરેન્દ્રનાથ દત્તના જીવનને આધ્યાત્મિક ચેતના અને જ્ઞાનથી નવતર ઓપ આપવાનું શરૂ કર્યું. એમ કહી શકાય કે, નરેન્દ્રનાથ દત્તમાંથી સ્વામી વિવેકાનંદની યાત્રાનો ૧૮૮૨ના વર્ષથી આરંભ થયો.
એક સમયની વાત છે. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને સાહજિકતાથી પ્રશ્ન પૂછ્યો કે, ‘ સારા લોકોના જીવનમાં જ દુઃખના ઘનઘોર વાદળાં કેમ ઘેરાય છે ? ‘ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને ખૂબ સરળતાથી જીવનની ફિલોસોફીને સમજાવતાં કહ્યું હતું કે, ‘ હીરો ચારે બાજુથી અલગ અલગ રીતે ઘસાઈને અદભુત ચમક મેળવે છે. સોનાને પણ શુદ્ધ બનવા માટે ભયંકર આગની ભઠ્ઠીમાં તપવું પડે છે. સારા લોકોને દુઃખ નથી આવતું પરંતુ આ લોકો આ પરીક્ષામાંથી પસાર થઈને, અનુભવોનું ભાથું બાંધી, તેમનું જીવન વધુ સમૃદ્ધ અને રળિયામણું બનાવતાં હોય છે. આવા લોકો દુઃખથી ડરતા નથી. દુઃખનો મુકાબલો કરી એમાંથી માર્ગ કાઢીને આગળ વધે છે. કિસ્મતને કોસવાથી જીવન કષ્ટમય જ બને છે. ‘



સ્વામી વિવેકાનંદે સમયાંતરે પુછેલા પ્રશ્નોના રામકૃષ્ણ પરમહંસજીએ આપેલા ઉત્તરો જીવનઘડતર માટેના મુલ્યવાન સૂત્ર બની ગયા છે.
પ્રશ્ન –   જીવન આટલું જટીલ કેમ થઈ ગયું છે ?
ઉત્તર – જીવનમાં શું ભલું અને શું બુરું એનું વિશ્લેષણ કરવાનું બંધ કરી દો, જીવનને માત્ર જીવો.
પ્રશ્ન –   આપણે દુઃખી કેમ હોઈએ છીએ ?
ઉત્તર – દુઃખી હોવું, અને બતાવવું એ બે બિલકુલ ભિન્ન બાબત છે.
પ્રશ્ન –  સમસ્યાઓ આવે ત્યારે ખબર નથી પડતી આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ ?
ઉત્તર – સમસ્યાના સમયે બહાર ફાંફા મારવાથી માર્ગ મળે જ નહીં, અંતરમાં ડોકીયું કરવું જોઈએ તરત જ રાહ મળશે.
પ્રશ્ન – સફળતાની અને સંતોષની પરિભાષા શું છે ?
ઉત્તર - સફળતાની પારાશીશી દુનિયા નક્કી કરે છે જ્યારે સંતોષની માત્રા આપણે સ્વયં નક્કી કરતાં હોઈએ છીએ.
પ્રશ્ન – જીવનનો સંપૂર્ણ સંતોષ શો છે ?
ઉત્તર – જે મેળવ્યું છે એનો સંતોષ રાખવો અને જે નથી મેળવ્યું એની ગણતરી માંડવાની મૂકી દો.
પ્રશ્ન – ફરિયાદના સ્વરૂપ કેવા અને કેટલા છે ?
ઉત્તર – આપણે કષ્ટમાં ફરિયાદો કરીએ છીએ કે, ‘ હું જ કેમ ? ‘ અને સુખમાં બીજાને યાદ પણ નથી કરતાં. સૌથી સ્પષ્ટ આ જ સ્વરૂપ છે.
પ્રશ્ન – જીવનનું તાત્પર્ય શું છે ?
ઉત્તર – જીવનમાં કોઈપણ પ્રાર્થના બેકાર નથી જતી. જીવન એક રહસ્ય છે, અને આ રહસ્ય ઉકેલવાનું છે. જીવન એ કોઈ સમસ્યા નથી, કે તમારે એનુ સમાધાન કરતા રહેવાનું હોય.
પ્રશ્ન – જીવનનો અર્થ શો છે ?
ઉત્તર –જીવન અતિ સંભાવનાઓથી ભરેલું આશ્ચર્યજનક અને સુખદ તત્ત્વ છે.
             જાન્યુઆરી તારીખ ૧, ૧૮૬૩માં જન્મેલા નાસ્તિક પ્રકૃતિના નરેન્દ્રનાથ દત્ત આગળ જતાં સ્વામી વિવેકાનંદના નામે એક મેઘાવી હિન્દુસ્તાની સંત તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા. રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન અને વેદાંત સોસાયટીના પાયા નાખનાર અને ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વ ધાર્મિક સંમેલનની સભા ગજવનાર સ્વામી વિવેકાનંદના દસ ચોંટદાર વિચારો ઉપર દેશ – વિદેશોમાં ખુબ ચર્ચાઓ થઇ છે અને એ વિચારો ઉપર થોકબંધ પૃથ્થકરણો થયાં છે.
·                     ભણવા માટે એકાગ્રતા જરૂરી, એકાગ્રતા માટે ધ્યાન જરૂરી અને ધ્યાનથી ઈંદ્રિયો ઉપર સંયમ કેળવાય છે અને એના દ્વારા એકાગ્રતાના પાઠ મળે છે.
·                     જ્ઞાન સ્વયં વર્તમાન છે. મનુષ્ય માત્ર એનો આવિષ્કાર કરે છે.
·                     ઊઠો જાગો અને ત્યાં સુધી ન અટકો કે જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય.
·                     જીવો ત્યાં સુધી શિખો, અનુભવ જ આ જગતનો સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.
·                     મિત્રતા, ધૈર્ય અને ઉદ્યમ આ ત્રણ ગુણ એક સાથે અને એક સમાન હોવા જરૂરી છે.
·                     લોકો ટિકા કરે કે પ્રશંસા લક્ષ્યથી ચલિત ન થવું.
·                     જે કામ જ્યારે કરવાનું નક્કી કરો ત્યારે એ કામ થવું જ જોઈએ.
·                     જ્યાં સુધી તમે તમારા ઉપર વિશ્વાસ ન કરી શકો ત્યાં સુધી ભગવાન ઉપર વિશ્વાસ નથી કરી શકાતો.
·                     એક સમયે માત્ર એક જ કામ કરવાનું રાખો.
·              જીવનમાં જેટલો મોટો સંઘર્ષ હોય જીત એટલી જ શાનદાર હોય છે.

ધબકાર :
જ્યારે પ્રયાસ કરવામાં આવે ત્યારે તમામ બાબતો આસાન થઇ જતી હોય છે, પણ પ્રયાસ જ કરવામાં ન આવે ત્યારે દરેક બાબત અત્યંત કપરી બની જતી હોય છે.



મારા ખજાનામાં રોજ ચક્રવૃદ્ધિ વ્યાજથી વધારો થતો રહે છે...

મારા ખજાનામાં રોજ ચક્રવૃદ્ધિ 
વ્યાજથી વધારો થતો રહે છે...
-     પુલક ત્રિવેદી
        એક નાનકડા ગામમાં ભણી ગણીને આગળ વધેલા બે મિત્રો પ્રશાંત અને રોહનની વાત છે. ગામની પતરાવાળી શાળામાં ગણવેશની ખાખી ચડ્ડી અને સફેદ શર્ટ પહેરીને આ બે મિત્રોએ એક જ પાટલી ઉપર સાથે બેસીને પ્રાથમિક શિક્ષણ લીધું. ભણીગણીને બેમાંથી એક મિત્ર પ્રશાંત ગામમાં જ શિક્ષક તરીકે નોકરીમાં જોડાયો અને બીજો મિત્ર રોહન આગળ અભ્યાસ કરવા વિદેશ ગયો.



ભણીને વિદેશની કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં રોહનને સીઈઓની મોભાદાર જોબ મળી. લાખો ડોલરમાં એની સેલેરી. વર્ષો પછી એક દિવસ સાંજે વિદેશમાં બેઠા બેઠા રોહનને તેના બાળપણના દોસ્ત પ્રશાંતની ખૂબ યાદ આવી. બે-પાંચ જગ્યાએ ફોન કરીને શાળા જીવનના એ ગોઠીયાનો ફોન નંબર મેળવ્યો. ફટાફટ અધિરાઈથી રોહને બાળપણના મિત્ર પ્રશાંતને ફોન જોડ્યો. પહેલી બે-પાંચ મિનિટ તો બન્ને જણાંએ બાળપણના સંસ્મરણો વાગોળ્યા. પછી રોહને કહ્યું કે, ‘ હું અહીં એક મલ્ટી નેશનલ કંપનીનો સીઈઓ છું અને ન્યુયોર્કમાં પોશ વિસ્તારમાં વેલ ફર્નિશ બંગલો છે. મારે બે બાળકો પત્ની છે. ‘વગેરે વગેરે જાણકારી આપી.
પછી એણે પ્રશાંતને પૂછ્યું કે, ‘ યાર તું હજી ગામમાં જ રહે છે ? ’
પ્રશાંતે કહ્યું, ‘ હા, બિલકુલ. ’
રોહને સવાલ કર્યો, ‘ ગામમાં તું શું કરે છે? ’
‘હું ગામમાં અત્યંત અમીર અને વૈભવશાળી જીવન જીવી રહ્યો છું.’ પ્રશાંતે કહ્યું.
એણે આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, ‘એમ ? બહુ સરસ કહેવાય. આપણાં ગામનો સરસ વિકાસ થઈ ગયો છે ?’
‘હા ચોક્કસ, એ વાત તો છે જ દોસ્ત.’ પ્રશાંતે કહ્યું.
પ્રશાંતને રોહને પુછ્યું, ’ તારી પાસે અસ્ક્યામતો અને રોક્કડ કેટલી ? ’
‘ મારી પાસે અબજો રૂપિયાની અસક્યામતો અને કરોડો રૂપિયાની મિલકતો છે ? ’ ગામડામાં રહેતા પ્રશાંતે કહ્યું.
રોહન ખૂબ જ આનંદિત થઈ ગયો. ભાવવિભોર બનીને પૂછ્યું કે દોસ્ત, ‘તું આ મિલકત વ્યવસ્થિત રીતે સચવાય અને વૃદ્ધિ પામે એ રીતે આયોજન તો કર્યું છે ને ? સિક્યોરિટી એજન્સીને બુક કરી છે ને ?’
પ્રશાંતે કહ્યું, ‘ અરે ના યાર ડર શેનો ? અને સિક્યોરિટી વળી શેની ?
રોહન તો ચોંકી ગયો એ બોલ્યો ‘ અરે યાર આવું જોખમ ના લે... ફુલપ્રુફ સિક્યોરિટી વ્યવસ્થા રાખજે. ’
પ્રશાંત ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, ‘યાર મારી પાસે અલભ્ય પુસ્તકોનો ખજાનો છે. આ વાંચીને હું ઘડાયો છું. મારા વિચારો પરિપક્વ થયા છે. મને એ ચોરાવાનો કે એમાં ઘટાડો થવાનો ડર જ નથી...’
બે મિત્રો પ્રશાંત અને રોહનના આ ટેલિફોનિક સંવાદના પાયામાં વાંચન અને જ્ઞાનમાં રોકાણનો મહિમા છે. વાંચન-જ્ઞાન માટે કરેલું સમય અને શક્તિનું રોકાણ જીવનપર્યંત ફાયદો આપતું રહે છે. સંઘરેલા રૂપિયા, દ્રવ્ય, કિમતી સામાન ચોરી થવાનો ભય સતાવે છે. અસ્ક્યામતમાં છેતરપીંડીનો ડર લાગે. પણ જ્ઞાન અને વાંચનમાં ચોરી, છેતરપીંડીની કોઈ જગ્યા જ નથી. જ્ઞાન અને વાંચનના મારા એ ખજાનામા પ્રતિદિન ચક્રવૃદ્ધિ વ્યાજથી વધારો જ થતો જાય છે.



અમેરિકાના જાણીતા બાસ્કેટ બોલ પ્લેયર અને બિઝનેસમેન માઈકલ જોર્ડન કહે છે કે, દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે. એક તો એવા પ્રકારના લોકો છે, જે કાર્ય કરવા ખાતર કરે છે. બીજા એવા પ્રકારના લોકો છે જે કાર્યને પૂર્ણ કરવા માટે કરતા હોય છે. અને ત્રીજા એવા પ્રકારના લોકો હોય છે જે કાર્યને અનોખો ઓપ આપે છે, કાર્યને ગતિ આપે છે, કાર્યને પૂર્ણ કરી નવા ઓજસ પાથરવાનું કામ કરે છે.  આ ત્રીજા પ્રકારના લોકો નાચતા-ગાતા આનંદ કરતાં કામ કરતાં હોય છે. આવા લોકો હોંશ અને જોશથી કાર્યને સજાવતા-સવારતા હોય છે. આ લોકો આપોઆપ ભીડથી અલગ તરી આવતા હોય છે.
જ્યારે વ્યક્તિ પોતાનું ઘર બનાવે છે ત્યારે એક-એક ઈંટ જોડીને દિવાલો બનાવી ઘર ઊભું કરે છે. કોઈપણ ઈંટ આડી અવળી મૂકાય અને ઇમારત કઢંગી બને અથવા તૂટી પડે તો એનો ઇલ્જામ બીજા કોઈ ઉપર એ કેવી રીતે મૂકી શકે ? બરાબર આ જ ઈકવેશન આપણા જીવન સાથે જોડાયેલુ છે. પ્રતિદિન વ્યવસાય, પ્રોફેશન, આરોગ્ય, સંબંધો, આર્થિક, સામાજિક વગેરે બાબતોની એક એક ઈંટ જોડીને જીવનની ઈમારત બનતી હોય છે. આપણા જીવનની ઈમારત ગમે કે ન ગમે, એ સફળ હોય કે નિષ્ફળ એની પાછળનો સંપૂર્ણ હાથ માત્ર ને માત્ર તમારો પોતાનો જ છે. જીવન નિષ્ફળ ગયું કે યોગ્ય રીતે ન વિકસ્યું તેનો આરોપ માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર-ગુરુ અન્ય કોઈની ઉપર કેવી રીતે મૂકી શકાય. હા, આ લોકો જીવનમાં પથદર્શક અને સહાયકની ભૂમિકા ચોક્કસ ભજવે, પણ જીવનની ઈમારતના ઘડવૈયા તો આપણે સ્વયં જ છીએ. વાંચન અને જ્ઞાનરૂપી ખજાનાને યોગ્ય રીતે ન સમજી શકનાર લોકો હંમેશા સમય વીત્યા પછી ફરિયાદ કરતાં હોય છે કે ચારપાંચ વર્ષ પહેલાં મને જો ખ્યાલ હોત કે આ વિષયની આજે આટલી જરૂર પડવાની છે તો મેં એને યોગ્ય રીતે ન્યાય આપીને તૈયાર કર્યો હોત. મેં કોલેજમાં ને શાળામાં આ વિષય બરાબર તૈયાર કર્યો હતો. ખરેખર તો આ પ્રકારની માનસિકતા એ ખોખલી વિચારધારા છે. આ લોકો પોતાની નિષ્ફળતાનું ઠીકરૂં બીજા કોઇના માથે ફોડી રહ્યા હોય છે. આવા માણસોથી ખરેખર ચેતવા જેવુ હોય છે.
ઘણાં લોકો એમ કહેતા જોવા મળે છે કે, હું સમય નથી કાઢી શકતો. હું ખૂબ વ્યસ્ત રહું છું. કામકાજથી મારું જીવન ઘેરાયેલું રહે છે. સાચી વાત તો એ છે કે, આવા વ્યક્તિઓ જરૂરી અને બીનજરૂરી વસ્તુઓ વચ્ચેનો તાત્વિક ભેદ સમજી શકતા નથી. જે કામ જરૂરી નથી અને જેનાથી માનસિક, શારીરિક કે આત્મિક વિકાસ થવાનો જ નથી તેવા કામને અલગ તારવીને એની પાછળ ક્યારેય સમય ન વેડફાય એ નક્કી કરી લેવુ જોઇએ. જે કામથી ચોક્કસ રીતે પરિણામ મળવાનું હોય તેવા કામ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવે તો જીવનમાં સમયની કમીની ફરિયાદ જ ન રહે. જ્યાં, જ્યારે અને જેટલો સમય મળે એ સમયને શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાનો સંન્નિષ્ઠ પ્રયાસ કરવો પડે. જીવન જો સંગ્રામ છે તો એમાં જીત મેળવવાની જ છે. જીત મેળવવા માટેના બે અમોઘ શસ્ત્ર છે. અને એ છે, વાંચન અને જ્ઞાન. વાંચનથી અનુભવ મળે છે, અનુભવથી જ્ઞાનનું પીંડ બંધાય છે અને જ્ઞાનથી જીવનનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે.

ધબકાર :
જે ઘરમાં પાંચ સારા પુસ્તક નથી એ ઘરમાં કન્યાદાન કરવાની ભૂલ ન કરવી.

– ગુણવંત શાહ (જાણિતા ગુજરાતી ચિંતક-લેખક)



Wednesday, 15 November 2017

એ ૫૬ મિનિટ તો આખી દુનિયાના ૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા

૫૬ મિનિટ તો આખી દુનિયાના
૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા
-     પુલક ત્રિવેદી
નવેમ્બર ૩,૨૦૧૭. શુક્રવારનો એ દિવસ. બપોરના લગભગ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકો સાવ ઓશિયાળા બની ગયા. ૫૫-૬૦ મિનીટ માટે દુનિયા જાણે કે થીજી ગઈ. ભારત, અમેરિકા, બ્રિટન, વિયેતનામ, મ્યાનમાર, શ્રીલંકા, સાઉદી અરેબીયા સહિત વિશ્વના અનેક દેશના લોકો આ સમયગાળામાં હતપ્રભ બની ગયા. આની પાછળનું મુખ્ય કારણ બે કલાક માટે વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ગયું હતું. લોકો વોટ્સએપ સેવાનો ઉપયોગ કરી શકતા ન હતાં.
વોટ્સ એપ વિનાની એ ૫૬ મિનિટમાં તો આખા વિશ્વમાં ઊહાપોહ મચી ગઈ. ભારતીય સમય અનુસાર નવેમ્બર ૩ના રોજ બપોરે ૧.૩૦ કલાકે લોકો બાઘા બનીને એકબીજાની સામું ડાફોળીયા મારતા હતા. સેલ ફોનના કી પેડ મચડી મચડીને એકબીજાને પૂછતા હતાં કે, ‘ યાર, તારે કનેક્ટીવીટી છે? વોટ્સ એપ ચાલે છે? ’ કોઈ ઉત્સાહીએ ગુગલ ઉપરથી શોધી કાઢ્યું કે, વોટ્સએપ સર્વર ઠપ થઈ ગયું છે. ગણતરીની સેકંડોમાં આ સમાચાર વાયુ વેગે વિશ્વ સમસ્તમાં ફરી વળ્યા. મોં વકાસીને બેઠેલા કોઈ કહેતાતા કે, ‘ વોટ્સએપ ખલાસ થઈ ગયું...વોટ્સએપ હેક થઈ ગયું...તો વળી કોઈએ કહ્યું કે, ઓવર મેસેજીંગને કારણે વોટ્સએપ સેવા ક્રેશ થઈ ગઇ...’ ઘણાં તર્કો અને ગપ્પાઓ આ છપ્પન મિનીટમાં પ્રારંભની પાંચ-સાત મિનિટમાં વહેતાં થઈ ગયાં. અને પછી એકાદ કલાકમાં વોટ્સએપ મેસેજીસથી એન્ડ્રોઇડ ફરી ધમધમવા લાગ્યાં ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. જાણે કે ઉગતા સુરજના પહેલાં કિરણોથી કળી ખીલીને પુષ્પ થઈને સુગંધ પ્રસરાવતી હોય એમ લોકોના મોઢા પર હાશકારો આવ્યો. ‘ ફૂલ ઓફ ઓકસીજન થી ફેફસાં ભરાય અને શરીર આનંદ અનુભવે તેમ લોકો પાછા મોજમાં આવી ગયા.
આ સમગ્ર ઘટનાનું જરા અલગ રીતે મુલ્યાંકન કરી જોઇએ. વાતના મૂળમાં એ છે કે, માનવીને માનવી સાથે હંમેશા કનેકટેડ રહેવું ગમે છે. સંબંધો માનવીનો સહજ સ્વભાવ છે. હજુ હમણાં એટલે કે, એક દસકો પણ નથી થયો વોટ્સએપને એન્ડ્રોઈડ ફોનમાં આવ્યાને. અને સંબંધોની પરિભાષા શીખવતી વોટ્સએપની દુનિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે. બ્રાયન એકટોન અને જેમ કાઉમે યાહુમાંથી છૂટા થઈને ૨૦૦૯માં વોટ્સએપનો પ્રારંભ કર્યોસંબંધોને સાચવાના મૂળ સ્વભાવને બહેલાવતી અને સહેલાવતી આ એપ્લિકેશને જોતજોતામાં દુનિયાભરના ૧૩૦ કરોડ લોકોના મનમસ્તિસ્કમાં સંબંધોની સુવાસ ભરી દીધી છે. વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે, માનવી અનાજ લીધા વગર ૨૧થી ૨૫ દિવસ જીવી શકે. પાણી પીધા વગર ૩થી ૪ દિવસ રહી શકે. હવા-ઓક્સિજન વગર પાંચથી દસ મિનિટ જીવી શકે. પણ પૌરાણિક કાળથી આજના આધુનિક સમયમાં પણ અને કદાચ ભવિષ્યમાં યુગો સુધી વાસ્તવિકતા એ છે અને રહેશે કે માનવી સંબંધ વગર રહી શકતો નથી. માનવી માનવી વગર જીવી શકતો નથી. સંબંધો વગર પ્રતિ પળ એ ગુંગળાય છે. પાણી વગર માછલી તડપે એમ એ એક એક ક્ષણ છટપટાય છે.
વોટ્સએપ સંબંધો અને લાગણીઓને વહેવડાવતું જોરદાર માધ્યમ બની ગયું છે. કદાચ એટલે જ એ ૫૬ મિનિટનો વોટ્સએપ સેવા વગરનો સમય લોકોને ૫૬ યુગ જેવો અહેસાસ કરાવી ગયો. મજાની વાત એ છે કે, કઈ બાબતને કયા એંગલથી મુલવવામાં આવે છે. વોટ્સએપના દૂષણો અને વોટ્સએપના ફાયદાઓ બંને પાસા છે. સંબંધોની પરિભાષાને શબ્દોથી, તસવીરોથી, ઓડિયો-ઓડિયો વિઝ્યુલથી સજાવતી, સવારતી સુવાસિત કરતી વાતનો વિકાસ વોટ્સએપનો એક દ્રષ્ટિકોણ છે અને વોટ્સએપથી સમયનો દૂરૂપયોગ થાય ફેસ ટુ ફેસ ન મળી એન્ડ્રોઈડમાં જ ખૂંપ્યા રહેવાની વાત વગેરે વગેરે બીજો દ્રષ્ટિકોણ છે. સવાલ દ્રષ્ટિકોણનો છેવોટ્સએપ મેસેઝીસ સેવા કયા એંગલથી જોવાય છે એ અગત્યનું છે.
વિશ્વના ૧૩૦ કરોડ વોટ્સએપ યુઝર્સ અને એમાં પણ પ્રતિદિન ૧૦ લાખ યુઝર્સનો વધારો ઝીંકાતો જાય છે. રોજેરોજ ૬૨૦૦ કરોડ જેટલા મેસેજીસ અને ૪૨૦૦ કરોડ જેટલી તસવીરો વોટ્સએપ ઉપર સંબંધોને મજબૂતાઈ આપે છે. આ ઉપરાંત સંવેદનાને વાચા આપતાં ૧૨૫ કરોડ ઉપરાંત વિડીયો વોટ્સએપમાં પ્રતિદિન લાગણીઓનો ધોધ વહેવડાવે છે. પછી વિચારી જૂઓ કે એક મિનિટ પણ વોટ્સએપ અટકે તો શ્વાસ અટક્યા જેવું ન લાગે ? જીવ ગભરાવા ન લાગે ? માણસ બેબાકળો ન થઈ જાય?
જો કે વિશ્વના કેટલાક રાષ્ટ્રો એવા પણ છે કે, જેમણે વોટ્સએપની સેવાઓ અટકાવી પણ દીધી છે. જોકે એમણે પોતાની અલગ મેસેજીસ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની કોશિષશ પણ કરી છે. પણ એમાં માનવીય સંવેદના અને સંબંધોની સજાવટનું મૂળ તત્ત્વ જ રહેલું છે. ન્યુયોર્ક ટાઈમ્સના અક અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭માં ચીનમાં વોટ્સએપ સર્વિસિસ લોક કરી દેવામાં આવી હતી. ઝીઓનીસ્ટ અમેરિકન ઝૂકર બર્ગે ફેસબુક સેવા સાથે વોટ્સએપ સેવાનુ ગઠબંધન કર્યું એટલે ઇરાન સરકારે મે ૯, ૨૦૧૪ના રોજ વોટ્સએપ સેવાનો ઉપયોગ ઇરાનમાં બંધ કરાવી દીધો. ટર્કીમાં રશિયન એમ્બેસેડર પર થયેલા હુમલાને કારણે ટર્કીમાં ટેમ્પરરી બેઈઝ ઉપર ૨૦૧૬માં વોટ્સએપ મેસેઝીસને બેનકરવામાં આવ્યા હતાં. બ્રાઝીલના મોબાઈલ પ્રોવાઈડર્સને ૪૮ કલાક માટે વોટ્સએપ મેસેજીસ રોકવા માટે ૧૭ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો. ખેર વોટ્સએપ સેવા ઉપર કોઇ પણ રાષ્ટ્ર પ્રતિબંધ લગાવી શકે છે પણ માનવીય લાગણી અને સંવેદના વ્યક્ત કરતી મેસેજીસ સેવા તો ચાલશે જ કારણ કે માનવીનો મુળત: સ્વભાવ ઇશ્વરે એકબીજાની સાથે કનેક્ટેડ રહીને ખુશ રહેવાનો બનાવ્યો છે. માનવી માનવી સાથે જોડાયેલો રહી હસવા માંગે છે. ખુશ રહેવા માગે છે. લાગણી વહેવડાવવા માગે છે. દુ:ખ વહેચવા માગે છે. એટલા માટે જ વોટ્સએપ હોય કે વાઇબર હોય મેસેજીસ દ્વારા સંદેશા વ્યવહાર અને પ્રત્યાયન(કોમ્યુનિકેશન)ની પરિભાષા અટકશે નહીં વિકસતી રહેશે.
કોમ્યુનિકેશનની દુનિયા મઝાની દુનિયા છે કોમ્યુનિકેશન વગર વિશ્વની પ્રગતિ શક્ય નથી. વોટ્સ એપ મેસેજીસ કમ્યુનિકેશનની દુનિયામાં એક વિરાટ પગલું છે. વોટ્સએપે માનવીના જીવનમાં અને કોમ્યુનિકેશનની દુનિયામાં સમુળગી ક્રાંતિ આણી છે. વિશ્વ પ્રસિધ્ધ લેખક વિલિયમ સેક્સપીયરે કોમ્યુનિકેશન માટે સરસ વાત કરી છે કે, લાઘવતાપૂર્ણ લખાણ એ પ્રત્યાયનનો પરમાત્મા છે. સેક્સપીયરની સંક્ષિપ્તિકરણમાં લખાણની વિચારધારાને અદભૂત અને સચોટ રીતે વોટ્સએપ દ્વારા ઉજાગર થતી હોય એમ લાગે છે. વોટ્સએપીયા મિત્રોને મોજ આવે એવુ જાણીતા લિખક જેમ્સ હ્યુમે કહ્યું છે કે, સંદેશાવ્યવહારનુ કૌશલ્ય નેતૃત્વ અને સંબંધો વિકસાવવાની અદભૂત કલા છે.

ધબકાર :

સાચા કોમ્યુનિકેશનની નિશાની... સમજી શકાય એવુ લખાણ અને ગળે ઉતારી શકાય એવી ચર્ચા