Wednesday, 8 February 2017

યારો, અપેક્ષા છોડો આનંદ કરો...

યારો, અપેક્ષા છોડો 
આનંદ કરો...
                                           -     પુલક ત્રિવેદી
અમેરિકાના જાણીતા ફિક્શન રાઈટર જુડી પીકોલ્ટ ખૂબ સારા તત્વચિંતક અને લેખક. ફિક્શન રાઈટીંગ માટે આખી દુનિયામાં જુડીનું નામ ખૂબ આદરથી લેવાય. ૨૦૦૩માં ‘ન્યુ ઈંગ્લેન્ડ બુક સેલર એવોર્ડ’ પણ જુડીને મળ્યો છે. એમની રચનાઓની ૧૪ મિલીયનથી પણ વધુ પ્રત વેચાઈ છે. માનવીના સંતાપ માટે જુડીએ સરસ વાત લખી છે કે, ‘માનવી પાસે તેના જીવનને પ્રફુલ્લિત રાખવા માટેના બે જ માર્ગો છે. એક તો જે પણ પરિસ્થિતિ છે એનો વાસ્તવવાદી બનીને સ્વીકાર કરી લેવો અથવા અપેક્ષાઓ બિલકુલ ઘટાડી નાખવી.’

ઝડપી અને ડિઝીટાઈઝ્ડ આજના યુગમાં દરેકને ફટાફટ ફળ જોઈએ છે. થોકબંધ અપેક્ષાઓ રાખવાની અને એ અપેક્ષાઓ અનુસાર એકદમ ઝડપથી પરિણામો મળે એવી વધારાની ઇચ્છા લટકાવવામાં રાખવાની. સ્વાભાવિક રીતે જ આના કારણે નિરાશાઓના મસમોટા વમળો સર્જાય છે. છેલ્લે સંતાપ અને દુઃખ આસપાસ ચોપાસથી ઘેરી વળે છે. જો કે ઘણીબધી નિરાશાઓ બાદ છેલ્લે શીખવા મળે છે, અપેક્ષા વગરનું મસ્ત મજાનું જીવન કેટલુ પ્રભાવક લાગે છે.
એક બહેનના દીકરાનું પરિણામ એમણે રાખેલી અપેક્ષા અનુસાર ન આવતાં ખૂબ દુઃખી થઈ ગયા. બહેનની ઇચ્છા હતી કે, એમનો એકનો એક દીકરો સીએ બને અને પરિવારનું નામ રોશન કરે. દીકરાના પરિણામ પછી આ બહેન ડિપ્રેશનમાં આવી ગયા. એમને દુનિયા ખૂબ વિરાન લાગવા માંડી. એવા તબક્કે એમના પારિવારિક મિત્રએ બહેનને સમજાવ્યા કે, ‘માત્ર સીએ બનવું એ જ જીવનની સફળતા નથી. સચિન તેંડુલકર ક્યાં સીએ હતો ? સુનિતા વિલીયમ કઈ યુનિવર્સિટીની સીએ હતી ? મહાન ફૂટ્બોલ પ્લેયર પેલે કે સદીનો મહાનયક અમિતાભ બચ્ચન સીએ ક્યાં છે ? આમ છતાં પણ સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, પેલે સફળતમ વ્યક્તિઓની શ્રેણીઓમાં આવે છે. તમારો દીકરો કદાચ બહુ મોટો સર્જક પણ બની શકે કે પછી ખેલાડી પણ બની શકે અથવા કલાકાર પણ બની શકે.’ એ મિત્રએ છેલ્લે સ્પષ્ટ સમજ પડે એમ કહ્યું કે, ‘તમને ઠાલી સાંત્વના માટે આ વાત નથી પણ સાચી વાત તમને જણાવી રહ્યો છું.’ પેલા બહેનની આંખો ઉપરથી સંતાપના વાદળો હટી ગયાં. આ બહેન ફરી પાછા આનંદ અને ઉમંગથી એના દીકરાને ભેટી અને ખૂશ રહેવા લાગ્યા.

શાંતિનો પ્રારંભ હંમેશા અપેક્ષાઓના અંત આવ્યા પછી જ થાય છે. લોકોને શા માટે દોષ આપવો પડે ? સૌથી મોટી તકલીફ તો આપણા પોતાના મનની અંદર આપણે જ ઊભી કરેલી ઇચ્છા-અપેક્ષાઓ મોટા મોટા પેકેટની જ હોય છે. જરૂર છે લોકોને તથા પરિસ્થિતિને જેવી છે તેવી રીતે સ્વીકાર કરવાની. દોષ તો એ છે કે, લોકો પાસે આપણે અપેક્ષાઓ વધારે રાખીએ છીએ. સીધી સાદી ત્રણ બાબત મનમાં ઉતારી લેવી જોઇએ. એક ક્યારેય અપેક્ષા ન રાખવી. બીજું ક્યારેય અનુમાનોમાં ન રાચવું અને ત્રીજું ક્યારેય માગણીઓ ન રાખવી. માત્ર સાક્ષી ભાવે જોવામાં મજા અનેરી હોય છે. જે થાય છે, એને તમે રોકી તો શકવાના નથી. જે થાય છે તે થઈને જ રહે છે અને એટલે જ જે ઘટના બને છે એને બનવા દો. ઘટનાની અપેક્ષા વગર મોજથી એને જોતાં રહો.
કેટલીક અપેક્ષાઓ જીવનમાં જરૂરી પણ છે. પણ અપેક્ષા કેવી હોવી જોઇએ ? સફળતા મેળવવા માટેની અપેક્ષાઓ હોવી જોઈએ. આવી અપેક્ષા વધારે માત્રામાં હોવી જોઈએ આવી અપેક્ષાઓ આનંદ અને ઉલ્લાસ આપે છે, જીવનમાં આગળ વધવાની અપેક્ષા આનંદ આપે છે. લોકો પાસેથી  અપેક્ષાઓ રાખવાનો કોઇ અર્થ જ નથી. કોઈ વ્યક્તિ મારા કાર્યના વખાણ કરશે કે, મને કોઈ વ્યક્તિ પાસેથી આ વાતનો લાભ મળશે એવી અપેક્ષાઓ રાખવાથી અપેક્ષા મુજબ વખાણ ન કરે અથવા ઉપેક્ષા કરે ત્યારે નિરાશા અને દુઃખનો જન્મ થાય છે. આનાથી વિપરીત જ્યારે સફળતાની અપેક્ષા રાખવામાં આવે તો તેની માટે પરીશ્રમ અને મહેનતના દ્વાર ખુલે છે.

એક મિત્રએ એમના ટેબલ પર ખૂબ સુંદર વાત લખી હતી, ‘સ્વયં માટેની નોંધ : અપેક્ષા રાખવાની બંધ’. કેટલીક વાર આપણે પોતે જ આપણાં હૃદયને તોડવા માટેનું સહજ કારણ બનતાં હોઈએ છીએ. આપણને ખબર જ હોય કે, આ વ્યક્તિ પાસે આવી અપેક્ષા રાખીશું તો સો ટકા દુઃખી થવાના જ છીએ. કોઈકની પાસે બે શબ્દ સ્વીકારના કે પ્રેમના બોલવાની અપેક્ષા પછડાટનું કારણ બને છે. જ્યારે પણ અપેક્ષાઓની છત્રી ખોલવામાં આવે ત્યારે મન વ્યથાના વમળોમાં અવશ્ય અટવાય જ. જ્યારે કોઈની પાસે કંઈક અપેક્ષા રાખીએ અને એ પૂરી ન થાય અને આપણે વ્યથીત થઇએ ત્યારે એ વ્યક્તિનો વાંક કાઢવા ખોટો છે. ખરેખર તો તમે સંતાપ ભોગવવા માટે પોતે જ પુષ્ટભૂમિ તૈયાર કરી છે. વિશ્વભરમાં ખૂબ આદરથી વંચાતા એવા વિલિયમ સેક્સપિયરે પણ નોંધ્યું છે કે, ‘અપેક્ષાઓ જ હૃદયમાં દુઃખાવાનું મૂળ કારણ છે.’
તમે લોકો માટે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી એમને તમારી પાસે કોઈપણ પ્રકારની અપેક્ષા નથી. સાથે સાથે એ લોકો પણ તમારા માટે ત્યાં સુધી જ સારા છે જ્યાં સુધી તમારી એમની પાસે કોઈ ઉમ્મીદ નથી. માણસ માણસને ક્યારેય છેતરતો નથી, બીજા પાસેની રાખવામાં આવેલી અપેક્ષાઓ જ માણસને છેતરતી હોય છે. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ ના શકાય. શાંત, શીતળ જળમાં સ્પષ્ટ ચહેરો દેખાય. અપેક્ષાઓના ઉકળતા પાણીમાં ખુશીઓનો ચહેરો જોવા ન જ મળે. પણ અપેક્ષા વગરના શાંત અને પ્રફુલ્લિત ચિત્તમાં આનંદનુ પ્રતિબીંબ દેખાઇ આવે. મતલબ અને અપેક્ષાઓનું વજન ખૂબ હોય છે, જ્યારે એ નીકળી જાય એટલે સંબંધ બિલકુલ હળવો ફૂલ બની જાય છે.
સામાન્ય રીતે અડધા દુઃખ તો ખોટા માણસો ઉપર ઉમ્મીદ લગાવીને બેસવાથી ઊભા થતાં હોય છે. અને બીજા અડધાં સાચાં અને સારા લોકો પર વિશ્વાસ ન રાખવાથી થતાં હોય છે. અમેરિકન તત્વચિંતક અને લેખક બેન્જામીન ફ્રેન્કલીન નોંધે છે કે, જીવનમાં સૌથી પીડાદાયક વાત તો એ છે કે, ‘આપણે મોટા તો થઈ જઈએ છીએ પણ સમજદાર બહુ પાછળથી બનીએ છીએ.’ અપેક્ષાઓના બે લગામ ઘોડા ઉપર એટલી બધી આસાનીથી આપણે સવાર થઈ જઈએ છીએ અને પછી અપેક્ષાઓ પરિપૂર્ણ ન થતાં નિશ્ચિતપણે ઉંધેકાંધ નીચે પછડાઈએ છીએ. સૌથી મોટી તકલીફ તો એ છે કે, આપણે માનીએ છીએ કે, આપણી પાસે જે કંઈ છે એ બોગસ અને નકામું છે. જ્યારે સામેવાળી વ્યક્તિ પાસે જે કાંઈ છે, એ મારા કરતાં સારું છે, મજાનું છે અને શ્રેષ્ઠ છે. મને એની પાસે જે છે એ મળે તો સારું. આવી અપેક્ષા હંમેશા દુઃખના વમળમાં ઢસડી જાય છે. નાહકનું દર્દ પેદા કરે છે. ઉપેક્ષા અને અપેક્ષા આ ત્રણ-ત્રણ અક્ષરના બે શબ્દો પાછળ આખી જિંદગીના આનંદ અને ઉલ્લાસના ખજાના માણસ ખલાસ કરી નાખતો હોય છે.
કોઈને તમારા અરમાન સંતોષવાની કે તમારી ખુશીઓની પડી નથી હોતી. એ સ્વાભાવિક પણ છે કે કોઈ તમારી ખુશીની કેમ ચિંતા કરે ? એને તો એના જ આનંદની અને સ્વાર્થની પડી હોયને ! તમારો આનંદ, તમારા સપનાં સ્વયં તમારે ખોજવાના હોય. આ માટે અન્ય ઉપર રાખવામાં આવેલી અપેક્ષા જ વધારે પડતી છે.
અપેક્ષા એટલે લેવાની વાત. અપેક્ષા એટલે માગવાની વાત. જ્યાં લેવા અને માગવાની વાત આવે ત્યાં લાગણીની વાત ન હોય. ત્યાં તકલીફો જન્મે. નદી વહેતી જાય અને આપતી જાય એટલે એનું જળ મીઠું હોય, સાગર લેતો જાય એટલે એનું જળ ખારું. કોઈ પાસેથી લેવાની અપેક્ષા હોય એટલે ખારાશ જ આવે. જીવન બીચારું બાપડું અને દયામણું જ લાગે. કોઈપણ અપેક્ષા વગર જીવવાની કેવી મજા હોય એ તો જ્યારે અપેક્ષાઓ છોડીએ પછી ખ્યાલ આવે. કોઇ પણ અપેક્ષા આકાંક્ષા વગર આનંદના આકાશમાં મુક્ત મને ઉડવાની કેવી મોજ હોય એનો અહેસાસ જ અનેરો હોય છે. ઓશો કહે છે, ‘પકડવું બહું આસાન છે છોડવું જ અઘરું છે.’ અપેક્ષાઓ છોડી જુઓ. એકવાર અપેક્ષા છોડીને જીવવાની આદત પડે પછી તો મજા છે, મસ્તીના મહાસાગરમાં મહાલવાની. અપેક્ષાઓ ન હોય તો હિમાલય જેવડી મોટી મુશ્કેલીઓ નાની અમથી રાયના દાણા જેવી લાગે. ખરેખર તો અપેક્ષાની ઉપેક્ષા એટલે આનંદ. યારો, અપેક્ષાઓ છોડો, આનંદ કરો.

ધબકાર –
‘અપરાધ જો ગણો તો એટલો જ કે, સંભવ ન હતો ત્યાં, મેં અપેક્ષાઓ કરી દીધી...’   
- ભગવતીકુમાર શર્મા

00000000000000000000