Saturday, 10 June 2017

જીદ કરવાવાળો જ જીતતો હોય છે...

જીદ કરવાવાળો જ
જીતતો હોય છે...
-     પુલક ત્રિવેદી

દુનિયા બે પ્રકારના લોકોથી ભરેલી છે. એક એવા લોકો છે કે જે ઇતિહાસ બનાવે છે. અને એક એવા લોકો છે કે, જે ઇતિહાસને વાંચતા હોય છે. ભીડથી અલગ હટીને કંઈક નવું કરવાવાળા લોકોના માથા ઉપર ઇતિહાસ ઘડનારાનો મુગટ શોભતો હોય છે. ઇતિહાસ બનાવનારા લોકોમાં એવું તો કયું તત્વ હોય છે કે, એ ઇતિહાસ રચી નાખે છે. ઇતિહાસ રચવાવાળાની થીંકીંગ પ્રોસેસ આઉટઓફ બોક્ષ હોય છે. કંઈક જુદુ કરવાની આગ એમના દિલોદીમાગમાં સતત પ્રજવળતી હોય છે. આવા લોકો જીદ્દી હોય છે. અનોખું અને આગવું કરવાની એમની જીદની પરાકાષ્ઠા ઇતિહાસ રચી નાખે છે.
કંઈક જુદુ કરવાની તમન્નાવાળા લોકો મનમાં જીદને પાળતાં હોય છે અને દિવસે દિવસે એમની આ જીદને સખત પરિશ્રમ અને અનુભવના ખાતરથી પોષીને મોટી કરતાં હોય છે. રતન ટાટાના જીવનમાં બનેલી એક બહુ જાણીતી ઘટના યાદ આવે છે. શરૂઆતના તબક્કામાં ૧૯૫૮માં રતન ટાટાએ પહેલવહેલી પેસેન્જર કાર ઈન્ડીકા કાર માર્કેટમાં લોન્ચ કરી. આ કાર બદનસીબે ખાસ ચાલી નહીં. અને ટાટા મોટર્સ ભારે ખોટમાં ચાલવા લાગી. રતન ટાટાને એમ લાગ્યું કે, ટાટા મોટર્સ વેચી નાખું અને અન્ય બીઝનેસમાં રોકાણ કરું. રતન ટાટા તેમની ટીમ સાથે ડેટ્રોઈટ જવા રવાના થયા અને ફોર્ડ કંપનીના બીલ ફોર્ડ સાથે ટાટા અને એની ટીમે ટાટા મોટર્સની પેસેન્જર વેહીકલ વેચવા સંદર્ભે ચર્ચા વિચારણા કરી. આ ચર્ચા વિચારણા ત્રણ કલાકથી પણ વધુ ચાલી અને વાતમાં ને વાતમાં બીલ ફોર્ડે રતન ટાટાને ટોણો મારતાં કહ્યું, ‘અમે ટાટા મોટર્સ પેસેન્જર વેહીકલ ખરીદીને તમારા પર અહેસાન કરીએ છીએ. તમને પેસેન્જર વેહીકલ બનાવવાની સુઝ નથી, આવડત નથી તો પછી આ બીઝનેસમાં શા માટે પડ્યા ?’



બીલ ફોર્ડની આ વાત રતન ટાટાના હૃદય સોંસરવી ઉતરી ગઈ. આખી રાત રતન ટાટા ઉંઘી ન શક્યા અને બીજા દિવસે સવારે ફોર્ડ કંપનીને કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વગર એમની ટીમ લઈને ડેટ્રોઈટથી હિન્દુસ્તાન પાછા આવી ગયા. પાછા આવીને રતન ટાટાએ ટાટા મોટર્સ ઉપર ખૂબ ધ્યાન કેન્દ્રીત કર્યું. ખંતપૂર્વકની મહેનત અને સંશોધન-પૃથક્કરણ દ્વારા ટાટા પેસેન્જર વેહીકલને આગળ વધારી. અને એક તબક્કે ખોટ કરતી કંપનીમાંથી નફો રળતી ટાટા પેસેન્જર વેહીકલ કંપનીમાં પરિવર્તિત કરી.
કાળ ચક્ર એવું ફર્યું કે, ફોર્ડ કંપની લોસમાં ગઈ. દિનપ્રતિદિન ફોર્ડ નુકસાનીના ખપ્પરમાં વધુ ને વધુ હોમાતી ચાલી. રતન ટાટાએ બીલ ફોર્ડને સામેથી ફોર્ડ કંપની ખરીદવા મેસેજ મોકલ્યો. જે રીતે મુંબઈથી ડેટ્રોઈટ ટાટાની ટીમ ગઈ હતી બિલકુલ એ રીતના હવે ડેટ્રોઈટથી બીલ ફોર્ડ અને એની ટીમ મુંબઈ આવી. ટાટાએ રૂપિયા ૯૬૦૦ કરોડમાં ફોર્ડની બે પેસેન્જર વેહીકલ બનાવતી કંપની ખરીદી અને ત્યારે બીલ ફોર્ડે ટાટાને કહ્યું, ‘જગુઆર અને લેન્ડરોવર પેસેન્જર વેહીકલ બનાવતી મારી કંપની ખરીદીને તમે અમારી ઉપર ઉપકાર કર્યો છે. અમે તમારું અહેસાન નહીં ભુલી શકીએ.’ આ છે એક પેશનની કમાલ. એક જીદથી થયેલી જીતની કમાલ.  



જીદ કરવાવાળો જ જીતતો હોય છે. પોતાની જાતને પ્રશ્ન પુછવો પડે કે મારી જીદ કઇ છે ? પોતાની જાતને ચેલેન્જ આપવી પડે. તમારું ગાંડપણ શેમાં છે એ તમારે જ સમજવું પડે. ગાંડપણ જ ઇતિહાસ બનાવે છે. માઈક્રોસોફટ કંપનીના સીઈઓ સત્યનારાયણ નડેલા જ્યારે અમેરિકામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતાં હતાં તે સમયની વાત છે. લેબમાં સત્યનારાયણના પ્રોફેસરે સ્લીપીંગ બેગ જોઈ. પ્રોફેસરને આશ્ચર્ય થયું કે લેબમા સ્લીપીંગ બેગ ક્યાંથી આવી ! તપાસ કરી તો ખબર પડી કે આ તો સત્યનારાયણની સ્લીપીંગ બેગ છે. સત્યનારાયણ લેબમા જ્યારે કામ કરતાં કરતા થાકતા ત્યારે સ્લીપીંગ બેગ ખોલીને થોડો સમય આરામ કરી લેતાં અને ફ્રેશ થઇને ઊભા થઈને ફરી પાછા એમના સંસોધન કાર્યમાં ગુંથાઈ જતાં. ઇતિહાસ રચવાવાળા હંમેશા ખુલા આસમાનમાં ઉડવાની ચાહત રાખતાં હોય છે. સદાય દોડવાની તમન્ના એમનામાં ઠસોઠસ ભરેલી હોય છે. અટકવાનું, રોકાવાનું, ઝૂકવાનું કે પાછું વળવા જેવા શબ્દો આ જીદ્દી માણસોની ડિક્ષનરીમાં હોતા જ નથી. ઇતિહાસ રચવાવાળા માર્ગની પરવા ક્યારેય નથી કરતાં. એ લોકો હંમેશા વિચારતાં હોય છે કે જો માર્ગની પરવા કરીશું તો લક્ષ્યરૂપી સુન્દરીને માઠું લાગી જશે.
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યનારાયણ નડેલાને કોઈકે એમ પૂછ્યું કે માઈક્રોસોફ્ટમાં ભરતી કરતી વેળા તમે શું ધ્યાન રાખો છો. ત્યારે નડેલાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમે વ્યક્તિમાં બે પ્રકારની બાબતોને ચકાસીએ છીએ. એક તો એમની વૈચારિક સ્પષ્ટતા (ક્લેરીટી) અને બીજું કાર્ય કરવા માટે એમનામાં રહેલી ઉર્જા (એનર્જી). જે વ્યક્તિમાં એનર્જી અને ક્લેરીટીનો સમન્વય હોય એ પહાડની ચોટી ઉપર જ બીરાજતો હોય. આવા લોકો જ ઇતિહાસ બનાવતા હોય. ભારતીય હોકી ટીમના સીતારા ધ્યાનચંદ માટે લોકો કહેતાં કે એમની હોકીમાં કોઈ ચુંબક તો નથી ને કે બોલની એમની હોકી સ્ટીકથી આટલો ચીપકેલો રહે છે. કરાટે ચેમ્પિયન બ્રુસ-લીના પંચને કેમેરામાં કંડારવા માટે કેમેરા સ્પેશ્યલ સ્લો મોશનમાં ચલાવવા પડતાં હતાં. પાબલો પીકાસો પેઈન્ટીંગ કરવા બેસતાં ત્યારે ઘણીવાર ૭૨-૭૨ કલાક સુધી કશું જ બોલતાં ન હતાં. ગુગલના સીઈઓ સુન્દર પીચાઈ હાલતાં, ચાલતાં, રીક્ષામાં બેસતાં, જમતાં, કોલેજ જતાં આવતાં સતત અવિરત હંમેશાં વાંચતા. એક લક્ષ્ય કેન્દ્રીત વ્યક્તિ જ ઇતિહાસ બનાવી શકે. જેના સ્પષ્ટ વિચારો હોય અને જેનુ ઉર્જાવાન વ્યક્તિત્વ છે એ આપોઆપ ભીડથી અલગ તરી આવે છે.  
જીવનમા હમેશા બે રસ્તાઓ હોય છે. એક તો જે થાય છે એને થવા દો અને સહન કરતાં રહો. અથવા સ્પષ્ટતાપૂર્વક ઊર્જા પ્રાપ્ત કરીને જવાબદારી ઉપાડો અને પરિસ્થિતિને પલટાવો. જ્યાં સુધી હારતો નથી ત્યાં સુધી માણસ જીતેલો હોય છે. અને એ પણ એટલું જ સાચુ છે કે, જે હારે છે એ જ તો ભવિષ્યમાં જીતે છે. જ્યારે કોઈ ચીજ મેળવવા માટે હૃદયના ઊંડાણથી જનૂનપૂર્વક એની જીદ કરો તો એ જીદને પૂરી કરવા માટે આખું બ્રહ્માંડ તમારી પાછળ તાકાત બનીને ઊભું હોય છે. જરૂરિયાત છે કૌશલ્ય કેળવવાની. કૌશલ્ય નિર્માણ થશે તો કામિયાબી પાછળ દોટ મુકીને આવશે. થ્રી ઇડિયટ ફિલ્મના રેન્ચો બાબા(આમિર ખાને ભજવેલુ કેરેક્ટર) પણ આ કહે છે, ‘ કામિયાબી કે પીછે મત ભાગો, ખુદ કો કાબીલ બાનાઓ... કામિયાબી તો જખ મારકે પીછે પીછે ચલી આયેગી...’ માણસનો ડર અને જીદની ઉમ્મીદ આ બે વચ્ચેનો સમય બહુ કમાલનો હોય છે. જે આ સમજે છે એની જીદ જીત સુધી પહોંચી શકે છે. ઇતિહાસ વાંચીને ગોખવાનો વિષય નથી. જીદ કરીને જીત મેળવવાની છે. ક્લેરીટી અને એનર્જીના સમન્વયથી ઇતિહાસ બનાવવાનો છે. તમારો બનાવેલો ઇતિહાસ દુનિયા વાંચશે એવો દ્રઢ સંકલ્પ જ જીતનો પાયો હોય છે. મુક્કદર હાથની રેખાઓ કરતા મનમાં વાળેલી ગાંઠ એટલે કે જીદમા સમાયેલુ હોય છે. ગાંડપણની હદ સુધીની જીદ જીવનનો આહલાદ છે... જીદમા હમેશા ‘વાહ’ હોય એમા ક્યારેય ‘આહ’ ન હોય.


ધબકાર – “ મેરે સીનેમેં જો જખમ હૈ વો તો ફૂલ કે ગુચ્છે હૈ, હાં હમ પાગલ હૈ પાગલ હી રહને દો, કેવલ પાગલ હી અચ્છે હૈ. “ – ભગતસિંહ