Wednesday, 14 June 2017

પલાઠી વાળીને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી...


પલાઠી વાળીને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી...

-     પુલક ત્રિવેદી
-      
સો સવાસો વર્ષ પહેલાંની એક સત્ય ઘટના છે. શીઝુઓકા જાપાનનું એક નાનું અમથું ગામ. આ ગામમાં ગીહેઈ હોન્ડા નામનો લુહાર રહે. નાનુ-મોટું લુહારી કામ કરીને ગીહેઈ એના પરિવારનું ગુજરાન ચલાવે. જુની પુરાણી સાઈકલો સસ્તા ભાવે ખરીદી, લુહારી કામથી રીપેર કરી વેચવાનું પણ એ સાઈડ બાય સાઈડ કામ કરી લેતો. ૧૭ નવેમ્બર, ૧૯૦૬માં ગીહેઈને ત્યાં પારણું બંધાણુ. ફુલ જેવું મજાનું બાળક જોઈને ગીહેઈ પરિવારનો હરખ સમાતો ન હતો.
ગીહેઈએ બાળકનું નામ સોઈચોરો રાખ્યું. સોઈચોરોને રમત-ગમત વધુ રસ. ભણવાને અને સોઈચોરોને બાર ગામનું છેટું રહેતું. નાનપણથી જ પિતા સાથે લુહારી કામ કરવામાં એને આનંદ આવે. ૧૬ વર્ષની ઉંમર થતાં સુધીમાં તો સોઈચોરોએ અભ્યાસ બિલકુલ છોડી દીધો. એ અરસામાં અખબારમાં આર્ટ શોકાઈ કંપનીમાં મિકેનીકની જગા માટેની વિજ્ઞાપન સોઈચોરોએ જોઈ. અરજી કરી અને પસંદ પણ થઈ ગયો. સોઈચોરો આર્ટ શોકોઈ કંપનીમાં મિકેનિક તરીકે નોકરી કરવા ગામડેથી ટોકીયો પહોંચી ગયો.



સોઈચોરોને આર્ટ શોકાઈ કંપનીએ નોકરી ઉપર તો રાખ્યો પણ એને માત્ર કાર ધોવાનું કામ આપ્યું. પ્રમાણમાં નાની કંપનીમાં સોઈચોરો સૌથી નાની વયનો મિકેનિક હતો. થોડા જ દિવસો કાર સફાઇનુ કામ ક્ર્યા પછી સોઈચોરોએ કંપનીના માલિકને મિકેનિકનું કામ કરવા માટે વિનંતી કરી. માલિકે આ નાનકડા છોકરાની આંખોમાં કામનું ઝનુન જોયું. એમણે સોઈચોરોને કંપનીના રેસીંગ કાર સેકશનમાં જુનિયર મિકેનિકની જગા ઉપર કામગીરી સોંપી. સોઈચોરોને દોડવું’તું ને ઢાળ મળ્યો. એણે ખૂબ લગન અને મહેનતથી કામ કર્યું અને થોડા જ સમયમાં સારા મિકેનિક તરીકે એ ઉભરી આવ્યો.
૧૯૨૪માં જાપાનમાં ખૂબ પ્રતિષ્ઠિત એવી પાંચમી કાર ચેમ્પિયનશીપ રેસ યોજાવાની હતી. આર્ટ શોકાઈ કંપનીએ આ કાર ચેમ્પિયનશીપમાં એની રેસીંગ કાર ઉતારી. અને આર્ટ શોકાઈ કંપનીની કાર આ રેસમાં સૌથી પહેલી આવી. સોઈચોરો આ કારની મિકેનીક ટીમનો અગત્યનો હિસ્સો હતો. કાર ચેમ્પિયનશીપમાં વિજેતા થયા પછી આર્ટ શોકાઈ કંપની જાપાનની સૌથી લોકપ્રિય કાર મેન્યુફેકચરીંગ કંપની બની ગઈ. અને પછી તો કંપનીએ ઘણીબધી એની શાખાઓ પણ ખોલી. એ પૈકી એક શાખા સંભાળવાની જવાબદારી સોઈચોરોને આપવામાં આવી. ૧૯૨૨થી ૧૯૨૮ સુધીની ૬ વર્ષની સોઈચોરોની આ યાત્રામાં એણે ઘણું બધું પામી લીધું. સોઈચોરોએ ૧૯૨૮માં આર્ટ શોકાઈ કંપની છોડી પોતાનું ગેરેજ ખોલ્યું. થોડા જ સમયમાં એણે કાર માટે સસ્તા અને ટકાઉ પીસ્ટન રીંગ બનાવવાનો નિર્ણય કર્યો. ટોકસાકી કંપની બનાવી સંશોધન કરી પીસ્ટન વેચવા માટે સોઈચોરોએ મોટી મોટી કંપનીના સંપર્ક કર્યા. ટોયોટો કંપનીમાં સોઈચોરોને પીસ્ટન રીંગ સપ્લાય કરવાનો કોન્ટ્રેક્ટ મળ્યો. બરાબર એ જ અરસામાં એક રેસમાં સોઈચોરોને અકસ્માત થયો. સોઈચોરો ખાસ્સો જખમી થયો. ત્રણ સાડાત્રણ મહિના હોસ્પિટલના બીછાને રહ્યો. દરમિયાનમાં ટોયોટો કંપનીએ સોઈચોરોની પીસ્ટન રીંગ ડીસક્વોલિફાય થઇ અને રિજેક્ટ કરવામાં આવી. સોઈચોરોને જબરજસ્ત પછડાટ લાગી. એની તમામ કમાણી ડુબી ગઈ. ફરી સોઈચોરોએ મહેનત કરી અને પીસ્ટન રીંગની ક્વોલિટી ઇમ્પ્રુવ કરી. મહેનત કરીને ઉભા થતાં થતાં ફરી પાછી સોઈચોરો ઉપર બીજી એક આફત આવી. ૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ સમયે બી-૨૯ હુમલામાં સોઈચોરોની ફેકટરી આગમાં સંપૂર્ણપણે નષ્ટ થઈ. સોઈચોરો ભાંગી પડ્યો... પણ અટક્યો નહીં.
જબ આંખો મેં અરમાન લીયા, મંઝીલકો અપના માન લીયા,
હૈ મુશ્કીલ ક્યાં, આસાન ક્યાં, જબ ઠાન લીયે તો બસ ઠાન લીયા...
યુદ્ધની સમાપ્તિ બાદ સોઈચોરોએ ૪.૫૦ લાખ યેનમાં કંપનીના અવશેષો વેચી નાખ્યા. અને એ પૈસાથી ઓકટોબર-૧૯૪૬માં ટેકનિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખોલી યુદ્ધમાં ખતમ થઈ ગયેલી જાપાનની આર્થિક હાલતના સમયે જાપનીઝ લોકો સાઈકલ ઉપર ફરતા. એમની સાયકલ ઉપર નાનકડું એન્જિન બનાવી એને ફીટ કરવાનો વિચાર સોઇચોરોને આવ્યો.
જાપાનીઝ લોકોને સોઈચોરોનો આ આઈડિયા ખૂબ ગમ્યો. અને આમ જોવા જઈએ તો બાઈસિકલ ઉપરથી બાઈકના જન્મ થવાની આ પ્રથમ ઘટના હતી. બસ અહીંથી સોઈચોરોની સફળતાના માર્ગ મોકળા થવા લાગ્યા. આ બાઈકનું નામ હતું સુઝુવા જેની કિંમત એ જમાનામાં ભારતીય કરન્સી મુજબ લગભગ ૧૫૦૦ રૂપિયા જેટલી હતી. ૧૯૪૯માં સોઈચોરોએ એની કંપનીનું નામ ‘હોન્ડા’ રાખ્યું. અને પછી સોઈચોરોએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
૧૯૬૧માં સોઇચોરોની હોન્ડા કંપની પ્રતિમાસ એક લાખ મોટરસાઈકલનું ઉત્પાદન કરતી.  તે વધીને ૧૯૬૮માં ૧૦ લાખ મોટરસાયકલનું ઉત્પાદન કરવા સુધી પહોચ્યું. થોડા જ વર્ષોમાં જાપાન દેશની આર્થિક પરિસ્થિતિ સુધરતાં સોઈચોરોએ ટુ વ્હીલર ઉપરથી ફોર વ્હીલર ઉપર પણ હાથ અજમાવ્યો. હોન્ડા કંપની સમગ્ર વિશ્વ ઉપર છવાઈ ગઈ. એની પાછળનું મુખ્ય કારણ એ હતું કે સોઈચોરો એવા વ્યક્તિ હતા કે, મુશ્કેલીના વાવાઝોડા સામે પણ એ ઝૂક્યા નહીં. ટૂટ્યા પણ મહેનત અને લગનથી ફોનોનેક્ષ પક્ષીની માફક ફરી ઊઠ્યા. કંપનીના નાના કામદારો સાથે મળીને સોઈચોરો રોજેરોજ કામ કરે. નાના કર્મચારીઓને પણ એ મોટા અધિકારીઓ જેટલું સન્માન આપતાં. ૫ ઓગસ્ટ, ૧૯૨૧માં સોઈચોરો આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા. પણ સોઈચોરોએ દુનિયાને સંઘર્ષ દ્વારા સુલતાન બનવાની કરામત શીખવી. તેમની આ કહાનીમાં સંઘર્ષ છે, તકલીફ છે, પ્રશ્નો છે, અને મુશ્કેલીઓ છે. પણ એની સામે મુકાબલો કરવાની હિંમતની વાત છે. લક્ષ્ય નક્કી કરી આગળ વધવાની તમન્નાની તાસીરની તસવીર છે.
ન સંઘર્ષ ન તકલીફ તો ક્યાં મજા હે જીને મેં, બડે બડે તુફાન થંભ જાતે હૈ, જબ આગ લગે સીને મેં... સોઈચોરોના દિલમાં આગળ વધવાની એક આગ હતી. તોફાન સામે મુકાબલો કરવાની હિંમત હતી. અને એટલે જ ‘ હોન્ડા ધ પાવર ઓફ ડ્રીમ્સ ‘ સુત્ર ચરિતાર્થ થયું. મુશ્કેલીઓ આવે ત્યારે મુઠ્ઠીઓ વાળીને ભાગી જઈને પલાયનવાદનો આશરો લેવો એ તો સૌથી સહેલો માર્ગ છે. જીવનના પ્રત્યેક ડગલે એક પરીક્ષા થતી હોય છે. ડરવાવાળાને કશું મળતું નથી. દુનિયા હિંમતપુર્વક લડવાવાળાની હોય છે. કામયાબી લડવૈયાને ઘુંટડીએ પડે છે. લેખક, ચિંતક અને ફિલોસોફર થોમસ ટેન કહે છે કે, જીવનમાં જેટલો મોટો સંઘર્ષ હોય એટલી જ ભવ્ય જીત હોય છે. જીવન હારવા માટે નથી, જીતનું બીજુ નામ છે જીવન. મુશ્કેલી અને સમસ્યાઓના ડરથી જીતી ન શકાય. ‘ હાઉ ટુ વીન ફ્રેન્ડ્સ એન્ડ ઇંફ્લુએંસ પીપલ ‘ બેસ્ટ સેલર બુકના રચયિતા ડેલ કાર્નેગીના મતે, ડર નામની વસ્તુ દુનિયામાં ક્યાંય અસ્તિત્વ ધરાવતી જ નથી. એ તો માત્ર ને માત્ર માણસના દિમાગના કોઈક ખૂણે પોષાઈ રહેલો શેતાન છે. કોઈ દિવસ એવું સાંભળ્યું છે ખરૂં કે, મહેનત કરી હોય અને મંજીલ ન મળી હોય. ઊભા થઈને ચાલ્યા નહીં પણ દોડ્યા હોઈએ અને લક્ષ્ય સુધી ના પહોંચ્યા હોય એવું શક્ય છે ખરું ? કવિએ સરસ વાત કરી છે કે,
એ રાહે લેહી જાયેગીં મંઝીલ તક, હોંસલા રખ,
કહીં સુના હૈ કી અંધેરેને સવેરા હોને ન દીયા...
સ્વામી વિવેકાનંદ કહેતાં કે, પોતાની જાતને નિર્બળ અને અસમર્થ સમજવુ એ જીવનમાં સૌથી મોટું પાપ છે. દુનિયા તો તમારા પર આંગળી ઉઠાવવા, ટીકા કરવા માટે તૈયાર થઈને જ બેઠી છે, એવી ભ્રાંતિ મગજમાં લઈને ચાલવાથી જ પ્રગતિ અટકે છે. મહેનત ન કરનારા અને બેસી રહેલા લોકો માટે દુનિયા પાસે સમય જ નથી. દુનિયા તો સફળ થયેલા લોકોની વિશે વિચારતી હોય છે. લોકો ટીકા ત્યારે જ કરશે કે જ્યારે તમે કંઈક બની ગયા હશો. જીવન પોતાની જાતને શોધવા કરતા પોતાની જાતને બનાવવામાં છે.

ધબકાર –

મેદાનમાં હારેલો વ્યક્તિ ફરીથી લડીને જીતી શકે છે, પણ મનથી હારેલો વ્યક્તિ ક્યારેય જીતી શકતો નથી.