Wednesday, 15 November 2017

એ ૫૬ મિનિટ તો આખી દુનિયાના ૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા

૫૬ મિનિટ તો આખી દુનિયાના
૧૩૦ કરોડ લોકો બેબાકળા બની ગયા
-     પુલક ત્રિવેદી
નવેમ્બર ૩,૨૦૧૭. શુક્રવારનો એ દિવસ. બપોરના લગભગ દોઢથી અઢી વાગ્યાના સમયગાળામાં વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકો સાવ ઓશિયાળા બની ગયા. ૫૫-૬૦ મિનીટ માટે દુનિયા જાણે કે થીજી ગઈ. ભારત, અમેરિકા, બ્રિટન, વિયેતનામ, મ્યાનમાર, શ્રીલંકા, સાઉદી અરેબીયા સહિત વિશ્વના અનેક દેશના લોકો આ સમયગાળામાં હતપ્રભ બની ગયા. આની પાછળનું મુખ્ય કારણ બે કલાક માટે વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ગયું હતું. લોકો વોટ્સએપ સેવાનો ઉપયોગ કરી શકતા ન હતાં.
વોટ્સ એપ વિનાની એ ૫૬ મિનિટમાં તો આખા વિશ્વમાં ઊહાપોહ મચી ગઈ. ભારતીય સમય અનુસાર નવેમ્બર ૩ના રોજ બપોરે ૧.૩૦ કલાકે લોકો બાઘા બનીને એકબીજાની સામું ડાફોળીયા મારતા હતા. સેલ ફોનના કી પેડ મચડી મચડીને એકબીજાને પૂછતા હતાં કે, ‘ યાર, તારે કનેક્ટીવીટી છે? વોટ્સ એપ ચાલે છે? ’ કોઈ ઉત્સાહીએ ગુગલ ઉપરથી શોધી કાઢ્યું કે, વોટ્સએપ સર્વર ઠપ થઈ ગયું છે. ગણતરીની સેકંડોમાં આ સમાચાર વાયુ વેગે વિશ્વ સમસ્તમાં ફરી વળ્યા. મોં વકાસીને બેઠેલા કોઈ કહેતાતા કે, ‘ વોટ્સએપ ખલાસ થઈ ગયું...વોટ્સએપ હેક થઈ ગયું...તો વળી કોઈએ કહ્યું કે, ઓવર મેસેજીંગને કારણે વોટ્સએપ સેવા ક્રેશ થઈ ગઇ...’ ઘણાં તર્કો અને ગપ્પાઓ આ છપ્પન મિનીટમાં પ્રારંભની પાંચ-સાત મિનિટમાં વહેતાં થઈ ગયાં. અને પછી એકાદ કલાકમાં વોટ્સએપ મેસેજીસથી એન્ડ્રોઇડ ફરી ધમધમવા લાગ્યાં ત્યારે લોકોના જીવમાં જીવ આવ્યો. જાણે કે ઉગતા સુરજના પહેલાં કિરણોથી કળી ખીલીને પુષ્પ થઈને સુગંધ પ્રસરાવતી હોય એમ લોકોના મોઢા પર હાશકારો આવ્યો. ‘ ફૂલ ઓફ ઓકસીજન થી ફેફસાં ભરાય અને શરીર આનંદ અનુભવે તેમ લોકો પાછા મોજમાં આવી ગયા.
આ સમગ્ર ઘટનાનું જરા અલગ રીતે મુલ્યાંકન કરી જોઇએ. વાતના મૂળમાં એ છે કે, માનવીને માનવી સાથે હંમેશા કનેકટેડ રહેવું ગમે છે. સંબંધો માનવીનો સહજ સ્વભાવ છે. હજુ હમણાં એટલે કે, એક દસકો પણ નથી થયો વોટ્સએપને એન્ડ્રોઈડ ફોનમાં આવ્યાને. અને સંબંધોની પરિભાષા શીખવતી વોટ્સએપની દુનિયા લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગઇ છે. બ્રાયન એકટોન અને જેમ કાઉમે યાહુમાંથી છૂટા થઈને ૨૦૦૯માં વોટ્સએપનો પ્રારંભ કર્યોસંબંધોને સાચવાના મૂળ સ્વભાવને બહેલાવતી અને સહેલાવતી આ એપ્લિકેશને જોતજોતામાં દુનિયાભરના ૧૩૦ કરોડ લોકોના મનમસ્તિસ્કમાં સંબંધોની સુવાસ ભરી દીધી છે. વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે, માનવી અનાજ લીધા વગર ૨૧થી ૨૫ દિવસ જીવી શકે. પાણી પીધા વગર ૩થી ૪ દિવસ રહી શકે. હવા-ઓક્સિજન વગર પાંચથી દસ મિનિટ જીવી શકે. પણ પૌરાણિક કાળથી આજના આધુનિક સમયમાં પણ અને કદાચ ભવિષ્યમાં યુગો સુધી વાસ્તવિકતા એ છે અને રહેશે કે માનવી સંબંધ વગર રહી શકતો નથી. માનવી માનવી વગર જીવી શકતો નથી. સંબંધો વગર પ્રતિ પળ એ ગુંગળાય છે. પાણી વગર માછલી તડપે એમ એ એક એક ક્ષણ છટપટાય છે.
વોટ્સએપ સંબંધો અને લાગણીઓને વહેવડાવતું જોરદાર માધ્યમ બની ગયું છે. કદાચ એટલે જ એ ૫૬ મિનિટનો વોટ્સએપ સેવા વગરનો સમય લોકોને ૫૬ યુગ જેવો અહેસાસ કરાવી ગયો. મજાની વાત એ છે કે, કઈ બાબતને કયા એંગલથી મુલવવામાં આવે છે. વોટ્સએપના દૂષણો અને વોટ્સએપના ફાયદાઓ બંને પાસા છે. સંબંધોની પરિભાષાને શબ્દોથી, તસવીરોથી, ઓડિયો-ઓડિયો વિઝ્યુલથી સજાવતી, સવારતી સુવાસિત કરતી વાતનો વિકાસ વોટ્સએપનો એક દ્રષ્ટિકોણ છે અને વોટ્સએપથી સમયનો દૂરૂપયોગ થાય ફેસ ટુ ફેસ ન મળી એન્ડ્રોઈડમાં જ ખૂંપ્યા રહેવાની વાત વગેરે વગેરે બીજો દ્રષ્ટિકોણ છે. સવાલ દ્રષ્ટિકોણનો છેવોટ્સએપ મેસેઝીસ સેવા કયા એંગલથી જોવાય છે એ અગત્યનું છે.
વિશ્વના ૧૩૦ કરોડ વોટ્સએપ યુઝર્સ અને એમાં પણ પ્રતિદિન ૧૦ લાખ યુઝર્સનો વધારો ઝીંકાતો જાય છે. રોજેરોજ ૬૨૦૦ કરોડ જેટલા મેસેજીસ અને ૪૨૦૦ કરોડ જેટલી તસવીરો વોટ્સએપ ઉપર સંબંધોને મજબૂતાઈ આપે છે. આ ઉપરાંત સંવેદનાને વાચા આપતાં ૧૨૫ કરોડ ઉપરાંત વિડીયો વોટ્સએપમાં પ્રતિદિન લાગણીઓનો ધોધ વહેવડાવે છે. પછી વિચારી જૂઓ કે એક મિનિટ પણ વોટ્સએપ અટકે તો શ્વાસ અટક્યા જેવું ન લાગે ? જીવ ગભરાવા ન લાગે ? માણસ બેબાકળો ન થઈ જાય?
જો કે વિશ્વના કેટલાક રાષ્ટ્રો એવા પણ છે કે, જેમણે વોટ્સએપની સેવાઓ અટકાવી પણ દીધી છે. જોકે એમણે પોતાની અલગ મેસેજીસ સિસ્ટમને પ્રોત્સાહન આપવાની કોશિષશ પણ કરી છે. પણ એમાં માનવીય સંવેદના અને સંબંધોની સજાવટનું મૂળ તત્ત્વ જ રહેલું છે. ન્યુયોર્ક ટાઈમ્સના અક અહેવાલ અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭માં ચીનમાં વોટ્સએપ સર્વિસિસ લોક કરી દેવામાં આવી હતી. ઝીઓનીસ્ટ અમેરિકન ઝૂકર બર્ગે ફેસબુક સેવા સાથે વોટ્સએપ સેવાનુ ગઠબંધન કર્યું એટલે ઇરાન સરકારે મે ૯, ૨૦૧૪ના રોજ વોટ્સએપ સેવાનો ઉપયોગ ઇરાનમાં બંધ કરાવી દીધો. ટર્કીમાં રશિયન એમ્બેસેડર પર થયેલા હુમલાને કારણે ટર્કીમાં ટેમ્પરરી બેઈઝ ઉપર ૨૦૧૬માં વોટ્સએપ મેસેઝીસને બેનકરવામાં આવ્યા હતાં. બ્રાઝીલના મોબાઈલ પ્રોવાઈડર્સને ૪૮ કલાક માટે વોટ્સએપ મેસેજીસ રોકવા માટે ૧૭ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો. ખેર વોટ્સએપ સેવા ઉપર કોઇ પણ રાષ્ટ્ર પ્રતિબંધ લગાવી શકે છે પણ માનવીય લાગણી અને સંવેદના વ્યક્ત કરતી મેસેજીસ સેવા તો ચાલશે જ કારણ કે માનવીનો મુળત: સ્વભાવ ઇશ્વરે એકબીજાની સાથે કનેક્ટેડ રહીને ખુશ રહેવાનો બનાવ્યો છે. માનવી માનવી સાથે જોડાયેલો રહી હસવા માંગે છે. ખુશ રહેવા માગે છે. લાગણી વહેવડાવવા માગે છે. દુ:ખ વહેચવા માગે છે. એટલા માટે જ વોટ્સએપ હોય કે વાઇબર હોય મેસેજીસ દ્વારા સંદેશા વ્યવહાર અને પ્રત્યાયન(કોમ્યુનિકેશન)ની પરિભાષા અટકશે નહીં વિકસતી રહેશે.
કોમ્યુનિકેશનની દુનિયા મઝાની દુનિયા છે કોમ્યુનિકેશન વગર વિશ્વની પ્રગતિ શક્ય નથી. વોટ્સ એપ મેસેજીસ કમ્યુનિકેશનની દુનિયામાં એક વિરાટ પગલું છે. વોટ્સએપે માનવીના જીવનમાં અને કોમ્યુનિકેશનની દુનિયામાં સમુળગી ક્રાંતિ આણી છે. વિશ્વ પ્રસિધ્ધ લેખક વિલિયમ સેક્સપીયરે કોમ્યુનિકેશન માટે સરસ વાત કરી છે કે, લાઘવતાપૂર્ણ લખાણ એ પ્રત્યાયનનો પરમાત્મા છે. સેક્સપીયરની સંક્ષિપ્તિકરણમાં લખાણની વિચારધારાને અદભૂત અને સચોટ રીતે વોટ્સએપ દ્વારા ઉજાગર થતી હોય એમ લાગે છે. વોટ્સએપીયા મિત્રોને મોજ આવે એવુ જાણીતા લિખક જેમ્સ હ્યુમે કહ્યું છે કે, સંદેશાવ્યવહારનુ કૌશલ્ય નેતૃત્વ અને સંબંધો વિકસાવવાની અદભૂત કલા છે.

ધબકાર :

સાચા કોમ્યુનિકેશનની નિશાની... સમજી શકાય એવુ લખાણ અને ગળે ઉતારી શકાય એવી ચર્ચા



નવા નવા સોફ્ટવેર્સ આવ્યા અને દુનિયા આખી ઝડપી અને જોરદાર બની ગઈ

નવા નવા સોફ્ટવેર્સ આવ્યા અને દુનિયા આખી ઝડપી અને જોરદાર બની ગઈ

વીસ-પચીસ વર્ષ પહેલાં દોરડા વગરના એટલે કે મોબાઈલ ફોન, ૨૪ કલાકની ટીવી ચેનલો કે પછી આકાશવાણી રેડિયો સિલોન સિવાય અન્ય રેડિયો વગેરે વાતની કલ્પના પણ સામાન્ય માનવી નહોતો કરતો. પણ આજે હવે ટેકનોલોજીકલ બુમના જમાનામાં એ વાસ્તવિકતા બની ગઇ છે. ૧૫-૨૦ વર્ષ પછીના કોઈ પરિવારની કાલ્પનિક દ્રષ્ય આવુ પણ હોઇ શકે છે. પાંચ-સાત વર્ષનો ટેણીયો જો બા કે દાદાની આંખમાં આંસુ જોશે તો આશ્ચર્યચકિત બનીને ભાઈને કે બહેનને કે મિત્રોને બુમો પાડીને કહેશે કે, ‘‘ હેઈ લુક, ધેર ઈઝ સમ વોટર ડ્રોપ ફ્રોમ માય ગ્રાન્ડમધર ઓર ગ્રાન્ડ ફાધર... સમ ડીફેક્ટ ઇઝ ધેર ઇન આઇ શટર ’’ જી, હા ટેકનોલોજીના વપરાશે દુનિયાને ઈમોશન અને ફીલીંગ્સની સમજ કદાચ બુઠ્ઠી કરી નાખી હશે કે પછી વધુ સચેત પણ કરી દીધી હશે... ખેર એ તો સમય જ કહેશે.
      એકાદ બે દાયકા પૂર્વે જે વાતો અસંભવ અને અશક્ય લાગતી હતી એ પૈકીની પાંચ વાતો આજે  જીવનના અભિન્ન અંગો બની ગઈ છે. જેમાં સૌથી પહેલો નંબર મોબાઈલ ફોનનો આવે. -માર્કેટ સર્વે મુજબ ૨૦૧૬માં વિશ્વમાં ૪.૩૦ બિલીયન લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. જે વિશ્વની ૫૮.૭ ટકા વસ્તી થવા જાય છે. આ આંકડો ૨૦૨૦માં ૪.૭૮ બિલીયન ઉપર પહોંચશે. એવો અંદાજ છે. બીજો કરીશ્મા છેલ્લા બે-એક દાયકામાં એ થયો કે મોબાઈલ ફોન ઉપર ૨૪ x ૭ ચાલનારા એફએમ રેડિયોનો લોકો ઉપયોગ કરતા થયા. માણસ ૨૪ કલાક ચાલતી ટેલીવિઝન ચેનલ્સ જોતો થઈ ગયો છે એ ત્રીજી અજાયબ બાબત છે. ૧૯૯૧ સુધી માત્ર દૂરદર્શન મુખ્ય ચેનલ હતી આજે ૮૦૦થી વધુ ટીવી ચેનલો છે. ધર્મ, સ્પોર્ટ્સ, ન્યુઝ, મનોરંજન, સંગીત, નૃત્ય, ફૂડ, મુવી વગેરે અનેક વિષયને લગતી અલગ અલગ ચેનલો આજે ભરપૂર માત્રામાં જોવય છે. તમે બેંકીંગ અવર્સ સિવાય જે સમયે ઇચ્છો ત્યારે બેન્કમાં નાણા જમા કરાવી શકો અને નાણા બેંકમાંથી ઉપાડી શકે એ બે-ત્રણ દાયકા પહેલા કોઈ કલ્પી પણ નહોતું શકતું. ૧૯૮૭માં મુંબઈમાં HFBCનું પહેલું ATM મુકાતાં બેંકીંગ ક્ષેત્રે એકદમ નવા પ્રકારના યુગનો પ્રારંભ થયો. આ ચોથી ર્વોલ્યુશનરી બાબત બની. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)ના જણાવ્યા અનુસાર આજે ભારતમાં અંદાજે ૧,૦૪,૫૦૦ જેટલા ATM  ઉપર નાણાકીય વ્યવહાર થાય છે. સેકંડોમાં સંદેશાની અને ચિત્રોની આપલે આજના યુગનો સૌથી મોટો બદલાવ છે. વોટ્સએપ, એફબી, ઈન્સ્ટાગ્રામ, ટબલર, -મેઈલ, યુ-ટ્યુબ જેવા સોશ્યલ મીડિયા દ્વારા વ્યક્તિ આજે હજારો માઈલોના ભૌગોલિક અંતરને અતિક્રમી ગયો છે.
આજે કોમ્પ્યુટર કે ઈન્ટરનેટ પાંચ મિનિટ પણ અટકે છે તો વ્યક્તિનો જીવ ગુંગળાવા લાગે છે. જેમ શરીરનું સંચાલન આત્મા કરે છે એમ કોમ્પ્યુટર-મોબાઈલ શરીરનું સંચાલન સોફ્ટવેર રૂપી આત્માથી થાય છે. અલગ અલગ પ્રકારના સોફ્ટવેરની અલગ અલગ કિંમત હોય છે. કોમ્પ્યુટરને સ્માર્ટ વર્કીંગ કરતા કરવા માટે દીવાળી પછીના સમયમાં મોંઘા મોંઘા સોફ્ટવેર ખરીદવાનો વિચાર કરતા હોવ તો એકવાર ઓનલાઈન ફ્રીમાં મળતા આ પાંચેક સોફ્ટવેર ઉપર નજર કરી લેવા જેવી ખરી.
·        પ્રોફેશનલ મ્યુઝિક સ્ટુડિયોમાં જે સોફ્ટવેર ઉપયોગમાં લેવાય અને સાઉન્ડ ઈફેક્ટ મળે એવા અદભુત અવાજની ફ્રિકવન્સી આપતુ સાઉન્ડેશન સોફ્ટવેર છે. આમાં ૬૦૦ થી વધુ ફ્રી ઓડિયો લુપ્સ છે. એક ફ્રી એકાઉન્ટ દ્વારા ગીતો સેવ કે પબ્લીશ કરી શકાય છે. આ માટે www.soundation.com વેબસાઈટની મુલાકાત લેવી પડે.
·        pdfની કેટલીક મર્યાદાઓ હોય છે. આ મર્યાદાઓ www.pdfunlock.com ની મદદથી દૂર કરી શકાય છે. ફાઈલો એક સાથે જોડી શકાય છે. વોટરમાર્કિંગ, કંપ્રેશન, રોટેશન કરી શકાય છે.
·        નવી ઈમેજ બનાવવી, અપલોડ કરવી, એક સાથે ઘણી છબી ખોલવી, વગેરે માટે http://pixir.com/editor સોફ્ટવેર ઉપલબ્ધ છે.
·        www.zoho.com  ઓફિસ વર્કને આસાન બનાવે છે. Ms office, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન, ડેટાબેઝ, અને રીપોર્ટસ જેવા કચેરી કામો માટે આ સોફ્ટવેર ઉપયોગી છે. આ ઉપરાંત મેઇલ, ચેટ, કેલેન્ડર, પ્લાનિંગ વગેરે જેવી સુવિધા સિંગલ એકાઉન્ટ ઉપરથી આ સોફ્ટવેર આપે છે.
·        એગેવના ઓનલાઈન ફોટો એડિટર બેસિક ઈમેજ એડજસ્ટમેન્ટ માટે http://photoshop.com/editor ઉપયોગી છે. આ સોફ્ટવેરથી બેસિક એડિટિંગમાં ફોટા રીસાઈઝ, રોટેડ વગેરે જેવા કામ આસાનીથી કરી શકાય છે.
પહેલા કોમ્પ્યુટર પછી ઈન્ટરનેટ પછી મોબાઈલ અને એ પછી મોબાઈલ એપ એટલે કે નવા નવા સોફ્ટવેરથી દુનિયા આખી ખૂબ ઝડપી અને જોરદાર બની ગઈ છે. બારી ઉપર બેસીને ચકલીનું ચીંચીં કે કોયલનું કુકુ કે મોરના ટેહુંક ટેહુંક સાંભળવા રૂબરૂ જવાની જરીર નથી. મોબાઈલમાં રીંગટોન કે કોમ્પ્યુટરમાં વિડીયો કે ઓડિયો ફિલ્મ આનો આનંદ પીરસી દે છે. બદલાતા જતા ત્રીજા વિશ્વમાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટ ત્રિદેવની શક્તિઓ આખી દુનિયાને ધમરોળી રહી છે.

ધબકાર :

એક ખૂબ મોટા મગજના એક બીજાથી જોડાયેલા ચેતા કોષોની જેમ આપણે બધા ઈન્ટરનેટ દ્વારા જોડાઈ ગયા છીએ - સ્ટીફન હોકિંગ