Tuesday, 28 August 2018

‘રોકેટ મેન’ ઇલોન મસ્કના રૂપમાં દુનિયાની નવી ઉમ્મીદ


‘રોકેટ મેન’ ઇલોન મસ્કના રૂપમાં
દુનિયાની નવી ઉમ્મીદ

ઈલોન મસ્ક. એક એવું નામ છે કે, જેણે પોતાની આગવી શૈલીથી બિઝનેસ વર્લ્ડને ૩૬૦ ડીગ્રીએ બદલી નાખીને નવી દિશા આપી. સ્કવાયર મેગેઝીને મસ્કને ૨૧મી સદીના વિશ્વના ટોપ મોસ્ટ ૭૫ પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું છે. પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન મેગેઝીને પણ ઈલોન મસ્કને વર્ષ ૨૦૧૩માં ‘બિઝનેસ પર્સન ઓફ ધ ઈયર’નો એવોર્ડ આપી નવાજ્યા હતા. આ વ્યક્તિમાં એવું તો શું છે કે, છેલ્લ એક દશકમાં જ વિશ્વભરના ઉદ્યોગપતિઓ અને વ્યાપાર સાહસિકો માટે એ આઈકોનિક ઈમેજ બની ગયો. દુનિયા બદલી નાખવાની વાત તો દરેક કરતા હોય પણ બહુ ઓછા લોકો ખરેખર દુનિયા બદલી શકતા હોય છે. ઇલોન એ પૈકીનો જણ છે. ભીડથી અલગ વિચારવાની મસ્કની શક્તિ કાબિલે તારીફ છે. જ્યારે ઠીકઠાક સફળ વ્યક્તિ સપ્તાહના ૩૮થી ૪૦ કલાક કામ કરી પોતાને સફળ સમજતા હોય છે ત્યારે મસ્ક જેવા વ્યક્તિ સપ્તાહના ૮૦ થી ૧૦૦ કલાક કામ કરીને જેટ સ્પીડે આગળ વધતા હોય છે.
દુનિયાનો સનાતન નિયમ છે કે, નિષ્ફળતાના ખોળામાં જ સફળતાનું બાળક ઉછરતું હોય છે. જીવનમાં જે હાર્યો નથી એને અસલી જીતનો સ્વાદ જ ખબર નથી. પછડાટ વગર આગળ વધવાની વાતમાં કોઇ દમ હોતો નથી. ટીકા અને નકારાત્મક અભિપ્રાયોથી ઘણા લોકો નાસીપાસ થઈ જતા હોય છે. ટીકાઓના કારણે હતાશ થઈ પોતાના લક્ષ્યથી ભટકી જનારાઓની દુનિયામાં કમી નથી. મસ્કે એકવાર તેના સાથીઓને કહ્યું હતું કે, ટીકાઓ અને નકારાત્મક અભિપ્રાયોને સોનાની જેમ સમજવાની વૃત્તિ કેળવો. અંતિમ લક્ષ્ય સુધી પહોંચતા પહેલા બધા નકારાત્મક અભિપ્રાયો અને ટીકાઓનું એક પછી એક સમાધાન શોધી લેવું જોઈએ અને પછી જે અંતિમ સર્જન થાય તે સર્વોતમ બની જતું હોય છે.
સામાન્ય રીતે શું કરવું છે અને કઈ દિશામાં દોડવું છે, એની જ મોટાભાગના લોકોને સ્પષ્ટતા નથી હોતી. પરિણામે આવા લોકો અડધી પડધી વાતને સફળતાનો આખો લાડવો સમજી સંતોષ માની લેતા હોય છે. કોઈપણ ક્ષેત્રે પહેલા સંપૂર્ણ રીતે વૈચારિક સ્પષ્ટતા હોય તે જરૂરી છે. પછી દુનિયા આખી ભલે એ વિચારનો વિરોધ કરે એની ફીકર કરવાની જરૂર જ નથી. મસ્ક કહે છે કે, સૌથી પહેલાં તો વ્યક્તિએ પોતાની જાત સાથે સંવાદ કરતા શિખવું પડે. પહેલા પોતે સંપૂર્ણ રીતે કોઇ એક વિચાર સાથે સંમત થાય તો જ પોતાની જાતને નવા વિચારને મૂર્તિમંત કરવા તૈયાર કરી શકાય. મસ્કની મંગળ ઉપર માનવ વસાહત બનાવવા માટે રોકેટ લોંચીંગની વાતને શરૂ શરૂમાં વિશ્વના ટેકનોક્રેટ્સે હવાઇ કિલ્લા કહીને ખુબ ખિલ્લી ઉડાવી હતી. આજે વિશ્વ ઇલોનના વિચારને સલામ મારે છે. આ છે વૈચારિક સ્પષ્ટતાની તાકાત. કોઈપણ વિચાર અમલમાં મૂકતા પહેલાં ધ્યેય નક્કી કરી મનમાં પાક્કી ગાંઠ મારવી પડે. ઈલોન મસ્ક કૉલેજ કાળથી સતત વિચારતો કે, એક દિવસ એવું કામ કરીને બતાવીશ કે દુનિયા બદલાઈ જશે. આજે દુનિયા આ બિઝનેસ ટાયફૂનને ‘રોકેટ મેન’ તરીકે નવાજે છે.
મસ્કનું જીવન પણ કોઇ ફેરી ટેલથી કમ નથી. એનુ બાળપણમાં અત્યંત કપરી પરિસ્થિતિ વિત્યું. ઈજનેર પિતા અને મોડેલ માતાનું સંતાન ઈલોન મસ્ક ૧૯૭૧ની ૨૮મી જૂને આફ્રિકાના પ્રિટોરીયા શહેરમાં અવતર્યું ત્યારે કોને ખબર હતી કે, આ બાળક ભવિષ્યમાં રોકેટ મેનના રૂપમાં આધુનિક દુનિયાની નવી ઉમ્મીદ બનીને ઉભરી આવવાનું છે. બાળપણથી જ ઈલોનને વાંચવાનો જબરો શોખ. ઈલોન દસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો એવા પુસ્તકો વાંચી જતો જેને વાંચતા ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને ફાંફા પડતા. વૈચારિક મતભેદના કારણે ઈલોનના માતા-પિતાનું લગ્નજીવન તૂટી ગયું. માતા કેનેડા જતી રહી. ઇલોનના જિવનમાં આવેલો આ પહેલો ઝટકો હતો.
હાઈસ્કૂલ શિક્ષણ બાદ આગળ અભ્યાસ માટે ઇલોન માતા પાસે કેનેડા જતો રહ્યો. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી ઈલોને ફિઝિક્સમાં પીએચડી થવા અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. પણ આ જિનિયસ બ્રેઈનને ખબર પડી ગઈ કે, આગામી યુગ ઇન્ટરનેટનો છે. માત્ર બે જ દિવસમાં પીએચડીના અભ્યાસને ટાટા બાય બાય કરી એણે ભાઈ સાથે મળી ઓનલાઈન સોફ્ટવેર કંપની શરૂ કરી. કંપની સ્ટેબલ કરીને એણે આ કંપની વેચી મારી. એમાથી મળેલા ભાગમાંથી એણે એક વેબસાઈટ બનાવી અને એને એક મલ્ટી મિલિયોનીયર કંપનીને વેચી. એમાંથી એ ૧૬૫ મિલિયન ડોલર કમાયો. પણ મસ્કનો ઇરાદો જુદો જ હતો. એના તો દુનિયા બદલી નાખવાના મનસુબા હતા. મસ્કને તો મંગળના ગ્રહ ઉપર ધરતીવાસીઓ માટે ઘરનું ઘર બનાવવુ હતું. સસ્ટેનેબલ એનર્જીનો ઉપયોગ કરીને ગ્લોબલ વોર્મીંગ સાથે બાથ ભીડવી હતી. ટ્રાફિક મેનેજમેન્ટ માટે હાઈપર લીંકથી વિશ્વને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવુ હતું. માનવજાતના કલ્યાણ માટેના આવા મેગા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની દિશામાં ઇલોનનુ મગજ સતત દોડતુ હતુ.
મસ્કનું દિમાગ જરા હટકે કેવી રીતે રીતે વિચારે છે એનું એક સેમ્પલ એ છે કે, આપણે જાણીએ છીએ કે, સામાન્ય રીતે સેટેલાઈટ અવકાશમાં તરતા મૂકતા રોકેટ ફરી પાછા ઉપયોગમાં નથી લઈ શકાતા. જ્યારે મસ્કના જીનીયસ માઇન્ડે ‘રીયુઝેબલ રોકેટ’ બનાવવાનુ નક્કર કામ કર્યું છે. ફરી ઉપયોગમાં લઇ શકાય એવા મસ્કના રોકેટ આજે વિશ્વની વાસ્તવિકતા છે.
કંઈક અલગ કરવા માટે આવા વ્યક્તિઓના હૃદયમાં સદાય એક બાળક ધબકતું હોય છે. આવા લોકો બાળકની જેમ સતત પ્રશ્નો પૂછતા રહેતા હોય છે. એક સામાન્ય વ્યક્તિની અસામાન્ય બનવાની સફર ત્યારે જ શરૂ થઈ કહેવાય કે, જ્યારે એ શોર્ટકટ અને આસાન રસ્તાઓ છોડી પરિશ્રમવાળા મુશ્કેલ માર્ગે ચાલવાનું પસંદ કરે. દરેક માણસ એમ જ વિચારે છે કે, હું ક્યારેય દુઃખી ન થાઉં પણ શું એ શક્ય છે ? મુસિબતો અને પ્રશ્નો પ્રતિપળ માર્ગમાં મોઢું ફાડીને તમને ગળચવા ઊભા જ હોય છે. આની સામે બાથ ભીડવાની હોય છે. ઇલોન મસ્ક બનવા ‘સમથીંગ ડીફરન્ટ’ કરવુ પડે. પરિશ્રમના પ્રસવેદમાં નહાવુ પડે. તકલિફોમાં માર્ગ કાઢવા હમેશા તૈયાર રહેવુ પડે.
જે વ્યક્તિ સ્વયં મેદાનમાં કુદી પડે એ જીતવા માટે પૂરી તાકાતથી મુકાબલો કરે છે. કોઇના ભરોસે વિશ્વાસ રાખીને બેસી ન રહેવાય. શસ્ત્રો લઈને મુઠ્ઠીઓ વાળીને રણમેદાનમાં ઉતરી જવું પડે. યુદ્ધનાં તમામ દાવપેચ આવડવા જોઈએ. મસ્ક જેવા સફળ બિઝનેસ ટાયફૂનની જેમ ટેલીફોન ઓપરેટરની માફક ફોન રીસીવ કરવાથી માંડીને સ્ટાફ કિચનમાં ચા બનાવવા જેવી નાની નાની બાબતથી માંડીને ભીમકાય મશીન ચલાવવાની તમામ કામગીરી આવડવી જોઈએ. ‘ક્યોં આસમા મેં સુરાખ (કાણું) નહી હો સકતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો...’ દુષ્યંત કુમારજીની આ પંક્તિ દમદાર કરતા સમજદાર લોકો માટે વધુ બંધ બેસતી છે.

ધબકાર :
પ્રત્યેક અક્ષરમાં મંત્ર હોય છે, દરેક વનસ્પતિમાં ઔષધિના ગુણ હોય છે, બધી વ્યક્તિ કામની હોય છે માત્ર એનો યોગ્ય કાર્યમાં ઉપયોગ કરનાર માણસ મળવાની જ વાર હોય છે.






ક્યાં સુધી થોકબંધ નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ?


ક્યાં સુધી થોકબંધ નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ?


બ્રેઈન ડ્રેઈન પુસ્તક ચિંતક ચાર્લ્સ એફ. ગ્લાસમેનનું સુંદર સર્જન છે. નકારાત્મક ખ્યાલોની અસરો અંગે પુસ્તકમાં રસપ્રદ વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ગ્લાસમેન કહે છે કે, નકારાત્મક વિચારોમાં વિશ્વાસ રાખવો એટલે સફળતાના રાહમાં સ્વયં અવરોધો ઊભા કરવા. મનમાં નકારાત્મક ખ્યાલોને વિસ્તાર આપવામાં કેટલાક લોકો બહુ પારંગત હોય છે. ઉગતા સૂરજના કિરણોને આવકાર આપવાનું છોડીને સૂર્યોદય પહેલાના અંધકારને વાગોળીને બેસી રહેનારા ક્યારેય આગળ વધી નથી શકતા.
નકારાત્મક વિચાર એટલે અંધકાર. જો એમ લાગે કે, વિશ્વ અંધકારથી ભરેલું છે તો પહેલા પોતાનામાં પડેલા પ્રકાશને જોવો જોઈએ. જો એમ લાગે કે, દુનિયામાં દુષ્ટતા ભરેલી છે તો પોતાનામાં પડેલી ભલાઈને બહાર લાવવી જોઈએ. વ્યક્તિએ આગળ વધીને જ્યાં પહોંચવુ છે ત્યાં જવા માટે સકારાત્મક વિચારો વાહક બનતા હોય છે. મનનાં નબળા વિચારો દૂર સુધી જવાનો માર્ગ રોકે છે.
વિસ્ટન ચર્ચિલ જેટલા મુત્સદી શાસક હતાં એટલા જ સબળ ચિંતક હતા. ચર્ચિલ કહેતા કે, ‘એક નિરાશાવાદી અને નકારાત્મક વ્યક્તિને પ્રત્યેક અવસરમાં અવરોધ દેખાતો હોય છે. જ્યારે આશાવાદીને દરેક કઠણાઈઓમાં આગળ વધવાનો નવો અવસર દેખાતો હોય છે. સકારાત્મક દ્રષ્ટિકોણવાળો વ્યક્તિ હંમેશા ભાવિના પેટાળમાં છુપાયેલી અદ્રષ્ય ઘટનાને ચિત્રપટની જેમ જોઈ લેતો હોય છે. આવા વ્યક્તિઓ અસંભવ લાગતી વાતને સંભાવનાઓમાં પલટાવી નાખવાનું સામર્થ્ય ધરાવતા હોય છે.
સામાન્ય રીતે જ્યારે એમ વિચાર આવે કે, આ ઘટનામાં મેં કેટલું બધું ગુમાવ્યું છે ત્યારે સમજી લેવુ પડે કે, આગળ વધવાની ક્ષમતા ગુમાવી દીધેલી વ્યક્તિ છે. જ્યારે એમ વિચારવામા આવે કે, આ ઘટનામાં મેં કેટલું મેળવ્યું છે તો પરિસ્થિતિનો  દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. જ્યારે બે વ્યક્તિ સામ સામે ભેગા થાય છે, ત્યારે બન્ને વચ્ચે બહુ થોડુ જ અંતર દ્રષ્ટિકોણનું હોય છે. એમની વચ્ચેનુ અંતર વધારે છે કે ઓછુ એ એમના સકારાત્મક અને નકારાત્મક વિચારો ઉપરથી નક્કી થતું હોય છે.
એક મિત્રએ સરસ વાત કરી. શાળામાં ટીચરે મલ્ટીપલ ચોઈસનો સવાલ લખી કહ્યું, આ સવાલ બે માર્કસનો છે. આ પ્રશ્ન હલ કરીને આગળ વધી શકાશે. જેને આવડે એ બોર્ડ ઉપર આવી સાચો જવાબ લખે. બધા વિદ્યાર્થીઓ મથવા લાગ્યા. એવામાં એક વિદ્યાર્થી આગળ આવ્યો અને આખો સવાલ ભૂસી નાંખ્યો. શિક્ષકને ગુસ્સો આવ્યો અને પૂછ્યું આમ કેમ કર્યું ? વિદ્યાર્થીનો જવાબ સાંભળીને શિક્ષક રાજી થઈ ગયા. વિદ્યાર્થીએ કહ્યું, સર જે સવાલ નથી જ આવડતો એની પાછળ સમય બગાડવા કરતાં બાકીના ૯૮ માર્કસ મેળવવા અસરકારક પ્રયાસ કેમ ન આદરું ? આ એપ્રોચ નકારાત્મકતાને હડસેલી સકારાત્મકતાના આવિષ્કારનો છે.
એક કહેવત હંમેશા લોકો ટાંકતા ફરતા હોય છે. આપણે જેવું વિચારીએ છીએ એવું જ બને છે. અંગ્રેજીમાં આના માટે શબ્દ ટેલીપથીછે. જ્યારે કોઈપણ કામ શરૂ કરવામાં આવે ત્યારે મનોમન દ્રઢ વિચાર કરવામાં આવે કે, આ કાર્યમાં હું સફળ જ થઈશ. તો કાર્યના આરંભે જ અડધી સફળતા પ્રાપ્ત થઈ જાય છે.
ઘણીવાર માનવી અજાણતા જ નેગેટિવ ખ્યાલથી અન્ય વ્યક્તિનું મૂલ્યાંકન કરી દેતો હોય છે. એક સમારંભમાં અતિથિવિશેષ કાર્યક્રમના સ્થળે આવ્યા ત્યારે કાર્યક્રમના આયોજક મંડળના એક વરિષ્ઠ સભ્યએ મુખ્ય મહેમાનની આગતા સ્વાગતા કરી, એમને ડાયસ સુધી દોરી જવાની કામગીરી ખૂબ નિષ્ઠાથી કરી. પરંતુ મુખ્ય મહેમાને આ આયોજક મંડળના સભ્ય સામે નજર સુદ્ધા ન નાખી. સત્કારવા આવેલા ભાઈના મનમાં તો મુખ્ય મહેમાન માટે મોટી નકારાત્મક છબી કંડારાઈ ગઈ. એ મનમાં વિચારવા લાગ્યા કે, આ મુખ્ય મહેમાન ખુબ ઘમંડી છે. પણ ૧૫-૨૦ મિનિટમાં જ એમને ખબર પડી કે, કાર્યક્રમના ચીફ ગેસ્ટ જોઈ શકતા નથી. અને સાંભળી પણ શકતા નથી. એક મિનિટમાં એ મિત્રનો મુખ્ય મહેમાન માટેનો નેગેટીવ એપ્રોચ સંવેદનામાં પલટાઈ ગયો.
આપણે કેટકેટલા નેગેટીવ શેડ મનમાં લઈને ચાલતા રહીશુ ? અને ક્યાં સુધી આ થોકબંધ નેગેટીવ શેડના પ્રભાવમાં રહીશુ ? આ નકારાત્મકતાના બીજને આપણે ખોટી ધારણાઓનુ ખાતર અને અહમના પાણીથી વિસ્તાર આપતા રહીએ છીએ. પિતા - પુત્રનો એક પ્રસંગ યાદ આવે છે. દીકરાની વૈભવશાળી ઓફિસમાં પિતાજી અચાનક જઈ ચડે છે. અને બેટાના ખભે હાથ મૂકી પૂછે છે, ‘બેટા દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે.’ દીકરો જવાબ આપે છે હું’. પિતાને પુત્રના જવાબથી થોડો અફસોસ થયો. એમનું માનવું હતું કે પુત્ર કહેશે પિતાજી તમે સૌથી શક્તિશાળી છોપણ દીકરાએ કહ્યું ‘ હું શક્તિશાળી છું ‘ પિતાજીને લાગ્યું કે, પુત્રને પાંખો આવી ગઈ એટલે એને મારુ મહત્વ નથી રહ્યું. થોડીવાર રહીને પિતાએ કહ્યું હવે હું જાઉં છું.’ કેબિનના દરવાજે પહોંચી પિતાએ પુત્ર સામે જોઇને કહ્યું, દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે ? પુત્રએ એક જ સેકન્ડમાં જવાબ આપ્યો, ‘પિતાજી તમે.
હવે પિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો બે-પાંચ મિનિટ પહેલાં પુત્રએ જે પ્રશ્નના જવાબમાં હુંકહ્યું હતું એ જ પ્રશ્નના જવાબમાં હવે તમેકહે છે. પિતાએ આ મૂંઝવણ દીકરાને કહી. ત્યારે પુત્રએ સરસ જવાબ આપ્યો. ‘પિતાજી તમે પહેલા આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તમારો હાથ મારી પીઠ ઉપર હતો. એનો અર્થ દુનિયાની સૌથી મોટી તાકાત મારી પાછળ હતી એટલે મેં કહ્યું હુંઅને હવે એ હાથ મારી પીઠ ઉપર નથી એટલે મેં કહ્યું તમે’. મારી શક્તિ તો તમે છો.’ બે પાંચ મિનિટ માટે નકારાત્મક વિચારોના જાળામાં સપડાયેલા પિતાને નકારાત્મકતાની ભયાનકતા સમજાઈ ગઇ.
પ્રત્યેક નકારાત્મક વિચાર અસફળતા અને દુઃખના વમળોના મોટા સ્ત્રોત હોય છે. નકારાત્મક વિચારો ધસમસતા પુરના પાણી જેવા હોય છે અને એ સંબંધોની સુસંસ્કૃત હરિયાળીને ખેદાનમેદાન કરી નાખે છે. નકારાત્મક વિચારોના માર્ગે જવાનું ટાળવુ પડે. એને વધારે સમય આપી મનમાં ઉછરવા ન દેવાય. જરા હટકે અલગ વિચારવાનું શરૂ કરી દેવુ પડે. ‘હું છલોછલ હકારાત્મકતાથી ભરેલો વ્યક્તિ છું. હું બધું જ કરી શકુ છું. આવી રહેલી ક્ષણ મારા માટે સારા સમાચાર અને શુભત્વના સંકેત લઈને ઊભી છે.’ આવા વિચારો મનમાં અને હૃદયમાં ઊર્જા ભરી દે છે.
એક તળાવમાં ઉગેલા કમળની આસપાસ કાદવને જોવામાં આવે તો એ નિરાશાવાદનો અંધકાર છે. પણ તળાવના કાદવમાં સુંદર મઝાના કમળના ફૂલ, એના આકર્ષક રંગ અને આસપાસ ફરતા ભ્રમરને જોવામાં આવે તો એ સકારાત્મકતાના આનંદનો આશાવાદ છે. એ જ જીવનમાં હકારનો ઉત્સવ છે. સકારાત્મક વિચારોના બીજ વાવીએ તો સુસંસ્કૃત આનંદના ફળથી લદાયેલુ વૃક્ષ મળશે. સકારાત્મક સ્વભાવ સંસ્કારી ચારિત્ર્ય ધડશે અને એનાથી જ ભાગ્ય ઘડાશે. આપણા મનમાં જ સમસ્ત આનંદનુ વિશ્વ સમાયેલુ પડ્યુ છે, માત્ર એને જોવાની અને સમજવાની જરૂર છે. સકારાત્મક વિચારોની માસ્ટર કીથી આનંદના કમાડ ખોલવા સજ્જતા સ્વયં કેળવવાની હોય છે.

ધબકાર :
સુખનુ એક દ્વાર બંધ થતુ હોય છે ત્યારે બીજા અનેક ઉઘડેલા દ્વાર સામે જ હોય છે, પણ આપણે બંધ દ્વાર જોવામાં જ એટલા વ્યસ્ત રહીએ છીએ કે અન્ય ખુલેલા દ્વાર સામે આપણે જોતા જ નથી.





સાત અજુબે ઈસ દુનિયા કે આઠવી લેરી-બ્રિન કી જોડી...


સાત અજુબે ઈસ દુનિયા કે આઠવી લેરી-બ્રિન કી જોડી...

ભાસ્કરાચાર્યજીનું નામ પ્રખર ગણિતશાસ્ત્રી અને જ્યોતિષગુરુ તરીકે આખી દુનિયામાં ખૂબ આદરથી લેવાય છે. એક વેપારી એમના પુત્ર લઈને એક દિવસ ભાસ્કારાચાર્યજીના ઘરે સવારના પહોરમાં પહોંચી ગયા. વેપારીએ ભાસ્કરાચાર્યજીને કહ્યું, ‘મારો દીકરો આવતી કાલથી મારી સાથે વેપારમાં જોડાવાનો છે. એને સફળતા મળે એવો શુભ સમય અને સારું મુહૂર્ત જોઈ આપોને. મારી પાસે એની જન્મકુંડળી તો નથી.’ ભાસ્કારચાર્યજીએ વેપારીના પુત્રને નજીક બોલાવી એકાદ બે મિનિટ એની આંખોમાં ધારીને જોયું. વહેપારીને કંઈ સમજાયું નહીં. એણે કુતુહલવશ ભાસ્કરાચાર્યજીને પૂછ્યું, ‘મારા દીકરાની આંખો ઉપરથી તમે શી રીતે મુહૂર્ત કાઢશો ?’ ભાસ્કરાચાર્યજી બોલ્યા, ‘મુહૂર્ત કાઢવા એની આંખોમાં નથી જોયું. મેં તો એની આંખોમાં જોઇને આત્મવિશ્વાસ, ખંત, ઉત્સાહ અને હિંમતના ચાર ખૂણાનો સરવાળો સમજવાની કોશિષ કરી છે.’ જો માણસની આંખોમાં કાર્ય શરૂ કરતાં પહેલાં જ કાર્ય માટેનો જબરજસ્ત ઉત્સાહ હોય અને સંપૂર્ણ કાર્યનિષ્ઠા સાથે ખંતપૂર્વક મહેનતની હિંમત દેખાય તો એ વ્યક્તિને કામ શરૂ કરવાના પહેલાં દિવસથી જ સફળતા મળી છે એમ માની લેવું જોઈએ. સફળ બનવા માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોવી જોઈએ.


જે વ્યક્તિને સમાન વિચારધારાવાળી વ્યક્તિ સાથે ચોક્કસ ધ્યેય માટે જ્યારે દોસ્તી બંધાતી હોય છે ત્યારે એ યારી સફળતાના મેઘધનુષી રંગ લાવતી હોય છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં બે લબરમુછીયા યુવાનોનો પરિચય થયો. બંન્ને જણા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના અભ્યાસ માટે આવેલા. બન્નેનું લક્ષ્ય વર્લ્ડ વાઈડ વેબ ઉપર સંશોધન કાર્ય કરવાનું હતું. એકનું નામ લેરી પેજ અને બીજાનું નામ સેરગીન બ્રિન. બંને યુવાનોની આંખોમાં દુનિયા જીતી લેવાની ગજબની ચમક. આગળ વધવાનું એકસરખું પેશન અને એક સમાન લક્ષ્યના તત્વો બન્ને યુવાનોને એકબીજાની નજીક લાવવાનું મુખ્ય કારણ હતું. લેરી અને બ્રિન  દોસ્ત બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતાં ગયાં તેમ તેમ આ બન્ને જણાની દોસ્તી પરવાન ચડી. બન્ને જણાં જીગરજાન મિત્રો બની ગયા.


સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લેરી અને બ્રિને ચાર વર્ષ સુધી દિવસ-રાત જોયા વગર ખૂબ મહેનત અને લગનથી સંશોધનકાર્ય કર્યું. લેરીના માતા - પિતા આ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર હતાં. કદાચ એટલે જ બાળપણથી લેરીને ઘરમાં કોમ્પ્યુટર સાયન્સ સંબંધી વાતાવરણ સહજ મળી ગયું હતું. નાનકડો લેરી પાના પક્કડ લઈને નાની મોટી ઈલેક્ટ્રોનિકની ચીજવસ્તુ ખોલીને એને સમજવાની કોશિષ કરતો. ૧૨ વર્ષના થતાં સુધીમાં તો બાળ લેરીએ મનોમન નક્કી કરી લીધું કે, મોટો થઈને એ બિઝનેસમેન બનશે. આ બાજુ બ્રિનના પિતાજી યુનિર્વસિટી ઓફ મેરીલેન્ડમાં ગણિત વિષયના પ્રોફેસર હતા. બન્ને મિત્રોનુ જોરદાર એકેડેમિક ફેમિલી બેકગ્રાઉન્ડ. 


નાવ, બેક ટુ ફ્રેન્ડશીપ એન્ડ સકસેસ ફંડા... ચાર વર્ષની મહેનત પછી સપ્ટેમ્બર ૧૯૯૬માં આ બંને મિત્રોએ એક એવા ઓલગોરીધમને શોધવામાં સફળતા મેળવી કે જેનાથી આખી દુનિયા ટૂંક સમયમાં બદલાઈ જવાની હતી. આ ઓલગોરીધમનું નામ એટલે ‘પેજરેન્ક ઑલ્ગેરિધમ’. ગુગલ નામ ગણિતના ‘ગુગોલ’ શબ્દ ઉપરથી આવ્યું. ગુગલનો અર્થ એક અંક પાછળ સો શૂન્ય થાય છે. લેરી અને બ્રિને સંશોધિત કરેલું ગુગલનું વર્ઝન આજે પણ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ‘એઝ ઇટ ઇઝ’ રાખવામાં આવ્યું છે. આજે પણ એ બંને યારોની જાનદાર યારીની પહેલી નિશાની એવું પહેલું ઓલગોરીધમ દોસ્તીની શાનદાર મિસાલ આપતું સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અડીખમ છે.
૧૯૯૬માં ગુગલ લોન્ચ કર્યાના બે વર્ષ બાદ આ બન્ને મિત્રોએ કુટુંબના સભ્યો, મિત્રો, નાણાં ધીરતી એજન્સીઓ પાસેથી ૧૦ લાખ ડોલર ઉધાર લઈને એક મિત્રના ગેરેજમાં ‘ગુગલ ઈન્ક’ કંપનીની સ્થાપના કરી. જોરદાર કોન્સેપ્ટ અને યુનિક ઓલગોરિધમને કારણે ગુગલ દુનિયાભરના લોકોના હૃદયમાં વસી ગયું. જોત જોતામાં તો ગુગલ આખા વિશ્વમાં સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન બની ગયું. વર્ષ ૨૦૦૪માં ગુગલના આઈપીઓ શેર માર્કેટમાં લોન્ચ થયા. ગુગલના આઈપીઓ ઉપર લોકો રીતસર વરસી પડ્યા. વિશ્વના લાખો લોકોએ ગુગલના શેરમાં અત્યંત દીલચશ્પી બતાવી. જોતજોતામાં તો ગુગલ વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ કંપની બની ગઈ. અને લેરી-બ્રિન બંને યુવાન મિત્રો વિશ્વના બિલિનિયરોની યાદીમાં આવી ગયા. આજે યુએસના કેલિફોર્નિયામા માઉન્ટેન વ્યુ જેવા પોશ એરીયામા ગુગલની અલ્ટ્રા મોર્ડન ઓફિસ છે. એવુ કહેવાય છે કે, કેલિફોર્નિયામા આવેલી ગુગલની આ હેડ ઓફિસ વિશ્વની અત્યંત આધુનિક અને કાર્યસંસ્કૃતિને વધુ વિકસાવે એવી શાનદાર ઓફિસ છે. ગુગલના એમ્પ્લોઇઝ કહે છે કે, ગુગલની ઓફિસમાં એટલુ અદભુત વર્ક એન્વારોન્મેન્ટ મળે છે કે, અહીં કામ કરતા લોકોની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો થાય છે. આજથી દસ વર્ષ પહેલાંના આકડા જોઇએ તો એ વખતે ૧૦૦૦થી વધુ કર્મચારીઓ ગુગલમાં કામ કરતા હતા. વર્ષ ૨૦૦૭ -૦૨૦૦૮મા ફોર્ચ્યુન મેગેઝીને કામ કરવા માટે વિશ્વની ટોચની ૧૦૦ શ્રેષ્ઠ કંપનીઓમા ગુગલને સ્થાન આપ્યું હતું.
દીર્ઘદ્રષ્ટિ અને પરિશ્રમના પ્રસવેદે સફળતાની એવી મજાની સુવાસ ફેલાવી કે ન પૂછો ને વાત. લેરી અને બ્રિને નવેમ્બર-૧૪, ૨૦૦૮માં એક બીજો મોટો ધડાકો કર્યો. ઇંટરનેટના ઓડિયોવિજ્યુલ પ્લેટ ફોર્મ યુ-ટ્યુબને ગુગલે ખરીદી લીધું. પછી તો એપ્રિલ ૨૦, ૨૦૦૯માં લેરી અને બ્રિનની ટીમે વિશ્વની પહેલી એન્ડ્રોઈડ મોબાઈલ સીસ્ટમ લોન્ચ કરી. ગુગલની મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમે દુનિયાભરમાં તહેલકો મચાવી દીધો. આજે દુનિયાના અબજો મોબાઈલમાં ગુગલની ઓપરેટીંગ સીસ્ટમ શાનથી રાજ કરે છે.
        ગુગલ સર્ચ એન્જિન, યુ ટ્યુબ, મોબાઈલ ઓપરેટીંગ સીસ્ટમ ઉપરાંત ગુગલ પ્લસ, ગુગલ ક્રોમ, ગુગલ મેપ જેવા ૫૦થી વધુ પ્રોડક્ટ ગુગલે માર્કેટમાં લોન્ચ કર્યા છે. આજે ‘ગુગલ ગુરુ’ ન્યુ જેનરેશનની જાન છે. લેરી અને બ્રિનની આંખોમાં બાળપણથી સજાવાયેલુ કોમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિનું સપનુ સાકાર થતાં આખી દુનિયા બદલાઇ ગઇ. આ બંને મિત્રોના વર્લ્ડ વાઈડ વેબના કન્સેપ્ટે વિશ્વના પ્રત્યેક માનવીના મનમાં આસમાની અરમાન સાથે જ્ઞાન અને માહિતીનો જાનદાર જુસ્સો ભરી દીધો. ‘વર્લ્ડ ઈઝ ઓન માય ફીંગર ટીપ્સ’નું સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ ગયું. લેરી અને બ્રિનની મજબૂત યારીને જોઈને વર્ષો પહેલા આવેલી ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની ફિલ્મ ‘ધરમ-વીર’નું પેલું ગીત ગાવાનું મન થઈ જાય. ‘સાત અજુબે ઈસ દુનિયા કે આઠવી લેરી બ્રિન કી જોડી... તોડે સે ભઈ ટૂટે ના યે લેરી બ્રિન કી જોડી...’

ધબકાર :
તમે જ્યારે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોવ છો ત્યારે એક સૂરીલી વાંસળી જેવા હોવ છો. તમારા કાર્યમાંથી સતત મીઠું સંગીત વહેતુ હોય છે. – ખલીલ જિબ્રાન

Monday, 13 August 2018

રાજેષ વ્યાસ આમ પણ ‘મિસ્કીન’ અને તેમ પણ ‘મિસ્કીન’...


રાજેષ વ્યાસ આમ પણ મિસ્કીનઅને તેમ પણ મિસ્કીન’...

કૈંક દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા
શ્વાસ મારાથી સહજ લેવાય છે ? આભાર માન
કૈંક મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં,
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન
જ્ઞાનતંતુની બિમારી ને હૃદયની કોઈને,
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન
કૈંક ઉબાઈ ગયાં છે કૈંક પાગલ થઈ ગયા
જીવવાનું મન પળેપળ થાય છે, આભાર માન
એક સરખુ હશે જો કૈં પણ તો કંટાળી જઈશ
વત્તુ ઓછું જો હૃદય હરખાય છે, આભાર માન
જીભમાં લોચા નથી વળતા ન દદડે આંસુઓ
હોઠ આ ફફડે છે તો બોલાય છે, આભાર માન
વ્હેણ સુકાયા નથી ને અવસર શોભે હજી
આંસુઓ પણ પાંચમાં પુછાય છે, આભાર માન
કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત
આજ આ આભાર વશ થઈ જાય છે, આભાર માન



થોડી લાંબી રચના જરૂર છે પણ આ રચનાનો આગવો ઇતિહાસ છે. એકાદ-બે મહિના પહેલાં સુરતનાં સ્મૃતિઓડિટોરિયમમાં જ્યારે ગઝલકાર રાજેશ વ્યાસ, ‘મિસ્કીનેતેમની આ ગઝલ રજૂ કરી ત્યારે ખીચો ખીચ ભરેલા હોલમાં પીનડ્રોપ સાયલંસ વચ્ચે એક માણસ ઊભો થયો અને બુલંદ અવાજે બોલ્યો, ‘મિસ્કીન સાહેબ, આ ગઝલ ફરી એકવાર રજૂ કરોને... વન્સ મોર પ્લીઝ...’ એક મિનિટ માટે આખા ઓડિટોરીયમમાં સન્નાટો છવાઈ ગયો. સેંકડો મુશાયરા કરી ચૂકેલા મિસ્કીન માટે પણ આ પ્રકારની એક વ્યક્તિની દિલથી, ‘વન્સ મોરની માગણી કંઈક અલગ ભાવ જન્માવતી હતી. કવિએ એકાદ મિનિટના સન્નાટાના પડદાને પ્રેમપૂર્વક ઉઠાવતા આભાર માન...’ ગઝલ ફરી પ્રસ્તુત કરી. પેલો ભાવક મિત્ર રસ તરબોળ બની ઝૂમી ઊઠ્યો.


વાત કંઈક આમ હતી. એ દિવસે સુરતની એક જાણીતી સંસ્થાએ મિસ્કીન અને સૂર્યભાનુ ગુપ્ત હિન્દી અને ગુજરાતી બે દિગ્ગજ સર્જકો એક મંચ ઉપર ભેગા કરી તેમના સંવાદનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. આ સૂર્યભાનુ ગુપ્ત એટલે ખ્યાલ આવ્યોને, હિન્દી સાહિત્ય જગતનું દુષ્યંતકુમાર પછી બડા આદરથી લેવાતુ નામ. ગોધુલી અને આક્રોશ ફિલ્મના સંવાદ લેખક. સલીમ જાવેદની જોડીવાળા જાવેદ અખ્તરના જીગરી મિત્ર. આ કાર્યક્રમમાં સુરતના આઝમભાઇ ઘડિયાળી સાથે સરવા કાનનો શ્રોતા અને સાહિત્યજગતનો ભાવક રઝાકભાઈ મિસ્કીન અને સૂર્યભાનુના સંવાદને માણવા આવ્યા હતા. સંવાદ દરમિયાન વાતમાંથી વાત નીકળતા મિસ્કિને એમની જાણીતી ગઝલ આભાર માન...’ રજૂ કરી. ઓડિટોરીયમમાં શ્રોતાઓ ગઝલ સાથે વહેવા લાગ્યા. પણ ગઝલ સાંભળતા વેંત આ ગઝલ સાથે જોડાયેલો રઝાકભાઈનો ભુતકાળ સળવળીને બેઠો થઈ ગયો.
થોડા સમય પહેલા રઝાકભાઈ અગમ્ય કારણોસર જબરજસ્ત રીતે ડિપ્રેશનમાં સપડાઈ ગયા હતા. એ સમય દરમિયાન રઝાકભાઈને આભાર માન...’ ગઝલ અચાનક સાંભળવા મળી. રઝાકભાઈ પછી તો આ ગઝલ વારંવાર સાંભળતા ગયા અને ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવવા લાગ્યા. કેવી અદભુત તાકાત હોય છે, વૈચારિક વિશ્વની અને શબ્દોની ગુંથણીની ! ઇસ્લામમાં આ પ્રકારની ગઝલોને ઇલહામી ગઝલો કહે છે. ઈલહામી એટલે કુરાને શરીફ વાંચીને એમાંથી ઉતરી આવેલી અલૌકિક સંકેત.
આભાર માનગઝલના અવતરણનો ઇતિહાસ પણ ભારે રોમાંચક છે. આજથી દોઢ-પોણા બે દાયકા પહેલાં મિસ્કીન મુંબઈમાં એક મુશાયરામાં તેમના ગઝલપઠન બાદ ઓડિયોરિયમ બહાર તેમની કાર પાસે જતા હતા. ત્યાં અચાનક એમની નજરે રસ્તા ઉપર એક માજીને વાહનો પસાર થતાં જોઈ રહ્યાં હોવાનું દ્રશ્ય નજરે પડ્યું. મિસ્કીન કાર પાસે જવાને બદલે માજી પાસે પહોંચી ગયા. એમણે માજીનો હાથ પકડી પૂછ્યું. ‘‘રસ્તો ક્રોસ કરાવું ? તમે કોઈની રાહ જૂઓ છો ?’’ ત્યારે માજીએ મિસ્કિનને જવાબ આપ્યો, ‘હા, હું ઓક્સિજનની રાહ જોઉં છું...’ અને ઓડિટોરિયમથી હોટલ સુધી પહોંચતા રસ્તામાં મિસ્કિનની કલમે આભાર માન...’ સરી પડી.
કમાલની વાત તો એ છે કે, જેમ વર્ષો ભોયમાં ધરબાઈને પડી રહે તો પણ સોનાને કાટ ન ચડે એમ લખાયા પછી દોઢ-પોણા બે દાયકા આભાર માન...’ મિસ્કિનની ડાયરીના પાને અકબંધ પડી રહી. ઘણા વર્ષો પછી સાત આઠ વર્ષો પહેલાં અખંડ આનંદના દીપોત્સવી અંકમાં હરિકૃષ્ણભાઇ પાઠકે આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરી. ત્યાર બાદ છેક વર્ષ ૨૦૧૮માં મહેન્દ્રભાઈ મેઘાણીએ મિસ્કિનને ફોન કરી અડધી સદીની વાંચન યાત્રામાં આભાર માન...’ ગઝલ પ્રસિદ્ધ કરવા મંજૂરી માગી. અડધી સદીની વાંચનયાત્રામાં બે જ કવિ સિતાંષુ યશયંદ્ર અને રાજેશ વ્યાસ મિસ્કીનની આખે આખી ગઝલ પ્રસિદ્ધ થઈ. મહેન્દ્રભાઈ મેઘાણીના આ પ્રકાશન વિષે જે મિત્રોને ખ્યાલ છે એમને ખબર છે. અડધી સદીની વાંચન યાત્રામાં આખે આખી ગઝલ પ્રસિદ્ધ થવાનું શું ગૌરવ હોઈ શકે. સામાન્ય રીતે મહેન્દ્રભાઇનો આખી ગઝલમાંથી એકાદ બે ચોટદાર શેર જ પ્રસિધ્ધ કરવાનો ઉપક્રમ રહેતો હોય છે. પછી તો વર્ષ ૨૦૧૮માં ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૧ના ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આભાર માન...’ને સ્થાન આપવામાં આવ્યું.
સુરતમાં એક અનોખા સંવાદકાર્યક્રમમાં મિસ્કીન દ્વારા રજૂ થયેલી આભાર માન...’ ગઝલ બાદ રઝાકભાઇનુ ઉભા થઇને વન્સ મોરકહેવાની ઘટનાએ આભાર માન...’ ગઝલનો રોમાંચક ઇતિહાસ ખોલવાનો સાહજિક ઉપક્રમ ઉભો કરી આપ્યો. કુરાનમાં મિસ્કીનશબ્દનો અર્થ અનોખી રીતે રજુ થયો છે. કુરાન કહે છે કે, ખરેખર ખુંવાર થઇ ગયો હોય પણ ખુદાના બંદા જેવો તેજસ્વી દેખાવ કોઇને એની આર્થિક ફકીરીનો લેશ માત્ર ખ્યાલ ન આવવા દે એવો વ્યક્તિ એટલે મિસ્કીન’. જાણીતા શાયર જલન માતરીએ મિસ્કિનનો અર્થ આપતા એકવાર કહ્યું હતું કે, જેને બીજા ટંકના ભોજનની ખબર નથી એવો મુફલીસ એટલે મિસ્કીન. મરીઝ સાહેબે કવિ રાજેશ વ્યાસને મિસ્કિનનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું હતું  કે, ‘મસ્કન એટલે ખૂણો અને મિસ્કિન એટલે ખૂણામાં બેસીને અલ્લાહની બંદગી કરનારો ઓલીયો ફકીર. એક અલ્લાહના બંદાએ મિસ્કિન શબ્દને એના આગવા અંદાજમાં રજૂ કરતાં કહ્યું હતું કે, ‘અગર એક ભી રોઝા ન રખ્ખા તો કીસી મિસ્કિન કો ખિલાયા જાય...’
સાચી ભાવનાથી રચાયેલા શબ્દાકાશમાં અસંખ્ય લોકોના અરમાનોના તારાઓ ચમકતા હોય છે. શબ્દો દ્વારા રચાતા ભાવ વિશ્વમાં સચ્ચાઇ અને અચ્છાઇનો ટંકાર મિસ્કિનના ગઝલ વિશ્વનો આગવો અંદાજ હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીનની ગઝલોમાં ઐશ્વરીય સચ્ચાઇ હોય છે. મરીઝ સાહેબે કહ્યા મુજબ કવિ રાજેશભાઇ વ્યાસ વ્યક્તિ તરીકે ખૂણામાં બેસીને દિલથી અલ્લાહની બંદગી કરનારો ઓલીયા ફકીર જેવો મિસ્કીનછે. સાચૂ પુછો તો મિસ્કિન આમ પણ મિસ્કીનઅને તેમ પણ મિસ્કીનછે.

ધબકાર :
આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી
અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી
                   રાજેશ વ્યાસ મિસ્કીન