સદગુણ વગરની ષડયંત્રકારી બેપનાહ સુંદરતા
બહુ ખતરનાક નિવડે
ક્લિયોપેટ્રા. સૌંદર્યનો સરતાજ. ખુબસુરતીના પર્યાય. ઈસવીસન પૂર્વે ૪૦મી સદીના યુવાનોના
દિલની ધડકન અને સપનાની પરી એટલે ક્લિયોપેટ્રા. જેના સૌંદર્યની ચર્ચા એના મૃત્યુના
૨૦૦૦ વર્ષ પછી પણ અટકવાનું નામ નથી લેતી એવુ અપ્રતિમ સૌંદર્ય. વીસમી સદીના ત્રણ મહારથી લેખકો સેક્સપીયર, ડ્રાઇડન
અને બર્નાડ શૉએ પણ ક્લિયોપેટ્રાની સુંદરતાને તેમની કલમને હુશ્ન અને ઇશ્કની શાહીમાં
ડબોળી ડબોળીને નાટકોમાં ભરપૂર આલેખી છે. એવું કહેવાય છે કે, બેહદ ખુબસુરત ક્લિયોપેટ્રા એવી હુશ્નની
મલિકા હતી કે, એકવાર એને જે જોઇ લે પછી એના સૌંદર્યને જીવનભર ભૂલી ન શકે.
ખૂબસુરતી ચહેરા ઉપર નહીં હૃદયમાં હોય છે. ચહેરાની ચમક તો સમય સાથે ઓસરી જાય. સુંદરતાની ઉણપ હોય તો સદગુણ એને પુરી
શકે પણ સદગુણોની કમી સુંદરતાને ન પુરી શકે. સદગુણ વગરની સુંદરતાની અધુરપ તોફાની સાગરમાં
સુકાન વગર ભટકતી નાવ જેવી છે. સૌંદર્ય સામ્રાજ્ઞી ક્લિયોપેટ્રાએ મધ્યપૂર્વ
યુરોપ, ઈજીપ્ત
અને ઉત્તર આફ્રિકાની રાજનીતિમાં પ્રાણઘાતક પ્રભાવક અસર છોડી છે. આ નારી જેટલી સુંદર હતી એના કરતાં વધુ
ચતુર, ષડયંત્રકારી
અને ખતરનાક નાગણ જેવી હતી.
સુંદરતા જેની આર્મી હતી એવી ક્લિયોપેટ્રા માટે
કહેવાય છે કે, સુંદરતા
ટકાવી રાખવા આ નારી જુદા જુદા પ્રાણીઓના દૂધનું મિશ્રણ કરીને સ્નાન કરતી. સદા યુવાન દેખાવા અને ચામડીની ચમક
જાળવી રાખવા એ જંગલોમાં સૈનિકોને મોકલી વિવિધ જડીબુટ્ટીઓ મંગાવી એનો ભરપૂર ઉપયોગ
કરતી. ક્લિયોપેટ્રા
મેલીવિદ્યાનો પણ ઉપયોગ પણ કરતી. સુંદરતાનો હથિયાર તરીકે ઉપયોગ કરી એણે સૌંદર્યની
આડમાં અનેક અનૈતિક ખેલ ખેલ્યા.
ઈસવીસન પૂર્વે ૬૯માં ઈજીપ્તના એલેકઝાન્ડ્રીયા
શહેરમાં એનો જન્મ થયો હતો. પિતા એક રાજા હતા. ક્લિયોપેટ્રા ગ્રીક નામ છે. ગ્રીક ભાષામાં ‘ક્લિયોપેટ્રા’નો અર્થ ‘પિતાનું
ગૌરવ’ થાય છે. એ
૧૭ વર્ષની યુવાન થઈ અને સૌંદર્ય સોળે કળાએ ક્લિયોપેટ્રા ઉપર મન મૂકીને વરસી પડ્યું. સ્વિટ સેવેન્ટિનમાં જ ક્લિયોપેટ્રાના
પિતાનું મૃત્યુ થયું. કાયદેસર રીતે ક્લિયોપેટ્રા અને એનો ભાઈ પિતાજીના રાજપાઠ અને
ધન દોલતના બે વારસદાર બન્યા. પ્રાચિન મિસ્ત્રની પરંપરા અનુસાર ક્લિયોપેટ્રા
એના ભાઈની પત્ની બનવાની હતી. સત્તા અને સામ્રાજ્યના ખેલની અહીંથી શરૂઆત થઈ. સૌંદર્યની સામ્રાજ્ઞીના દિલ દહેલાવી
નાખે એવા ષડયંત્રો ચાલુ થયાં. ક્લિયોપેટ્રાને પિતાની મિલકતથી હાથ ધોવા પડ્યા અને એ
મિસ્ત્ર છોડીને સીરીયા પલાયન થઈ ગઈ.
આ સૌંદર્યની પ્રતિમાની સત્તા લોલુપતા અને
ધનદોલત મેળવવાની લાલચનું વરવું સ્વરૂપ સદાય એના હદયમાં ધબકતું હતું. એ બરાબર સમજતી હતી કે, સૌંદર્ય હૃદયની પાસે હોય એના કરતાં
આંખો પાસે હોય અને એ વાસના બની બે ભ્રમર વચ્ચે રમતું રહે તેમાં જ એની જીત છે. અજ્ઞાતવાસ દરમિયાન ક્લિયોપેટ્રાની
મુલાકાત રોમન એમ્પાયરના પ્રતાપી રાજા જુલીયસ સીઝર સાથે થઈ. સીઝરે પહેલીવાર ક્લિયોપેટ્રાને જોઈ
ત્યારથી એનો દિવાનો બની ગયો હતો. આ બાજુ ક્લિયોપેટ્રાએ પણ એના સૌંદર્યની મોહજાળ
એવી પાથરી કે સીઝર એમાં ફસાતો જ ગયો. હવે તો સીઝર ક્લિયોપેટ્રાની આંખે જોવા લાગ્યો.
લાગ જોઈને ક્લિયોપેટ્રાએ સીઝરને મિસ્ત્ર ઉપર
હુમલો કરવા તૈયાર કર્યો. સીઝરે ક્લિયોપેટ્રાના ભાઈ અને મિસ્રના રાજા દોલેમીરને ક્લિયોપેટ્રાના
ઇશારે રહેંસી નાખ્યો. સીઝરે ક્લિયોપેટ્રાને મિસ્રની મહારાણી બનાવી દીધી. જહેરીલી સુંદર નાગણની રાજનીતિની આ
પહેલી શાનદાર જીત હતી. મિસ્રની મહારાણી બનતા મિસ્રના રીવાજ અને પરંપરા અનુસાર એણે તેના
બીજા નાનાભાઈ સાથે વિવાહ કર્યા. સત્તા અને સામ્રાજ્ય માટે સૌંદર્યનું લીલામ
કરવા ઉતરી આવેલી ક્લિયોપેટ્રાએ એના પતિ એટલે કે બીજા નાના ભાઈને મરાવી નાખ્યો અને
નાની બહેનને પણ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી. હવે મિસ્ત્રમાં ક્લિયોપેટ્રાનું એક
હથ્થું શાસન હતું.
આ બાજુ જુલીયસ સીઝર ક્લિયોપેટ્રાના સૌદર્ય અને હુશ્ન
પાછળ એટલો પાગલ હતો કે, મિસ્રની રાણી ક્લિયોપેટ્રા સાથે વિવાહ કરી એને રોમની મહારાણી બનાવવાના
પ્લાનમાં હતો. પણ રોમન
પ્રજાને ક્લિયોપેટ્રા સાથે સીઝરના વિવાહ મંજૂર ન હતા. ક્લિયોપેટ્રા અને સીઝરના અનૈતિક
શારીરિક સંબંધોની નિશાની સ્વરૂપે એક પુત્ર પણ થયો હતો. ખતરનાક નારી ક્લિયોપેટ્રાને રોમન
પ્રજાનો ચૂકાદો મંજૂર ન હતો. એણે સીઝરના એક જનરલ એન્થોનીને કુનેહપૂર્વક
એની મહોબતની માયાજાળમાં ફસાવ્યો. એન્થોની સાથે એણે લગ્ન પણ કર્યા. એન્થોનીના ત્રણ બાળકોની એ માતા બની. એણે એન્થોનીને હાથો બનાવી જુલીયસ
સીઝરની હત્યા કરાવી નાખી. સીઝરના મોત બાદ એનો દીકરો ઓકટેવિયન સીઝર રોમની રાજગાદી ઉપર આવ્યો. ઓક્ટેવિયનને મહારાજા ન બનવા દેવા
એન્થોની અને એના સાથીઓએ પ્રચંડ વિરોધ કર્યો. ક્લિયોપેટ્રાએ એન્થોનીને સાથ આપી રોમ સાથે
યુદ્ધ કર્યું. ઓક્ટેવિયનના
સમર્થ યોદ્ધા અને વિશાળ સૈન્ય સામે એન્થોની - ક્લિયોપેટ્રાનું સૈન્ય ટકી ન શક્યું. ક્લિયોપેટ્રા પાછી મિસ્ર ભાગી ગઈ. એન્થોની પણ એની પાછળ પાછળ મિસ્ર આવી
ગયો.
આ બાજુ ઓક્ટેવિયન સીઝર કોઈપણ ભોગે ગદ્દાર
એન્થોનીને છોડવા માગતો ન હતો. એણે ક્લિયોપેટ્રાનો કુનેહપૂર્વક ઉપયોગ કર્યો. ક્લિયોપેટ્રાને ચારિત્ર્ય અને સંસ્કાર
સાથે બાર ગાંવનું છેટું હતું. એણે સિફતપૂર્વક પાર્ટી બદલી નાખી. એણે ઓક્ટેવિયન સાથે મળી મિસ્ત્રના શહેર
એલેકઝાન્ડ્રીયામાં એન્થોનીની હત્યા કરી નાખી. એન્થોનીની હત્યા બાદ ક્લિયોપેટ્રાની
માયાજાળનો નવો શિકાર ઓક્ટેવિયન સીઝર હતો. ઓક્ટેવિયનને ફસાવી રોમની મહારાણી બનવાનું
સ્વપ્ન સાકાર કરવા એ દાવ ખેલવા લાગી. ઓક્ટેવિયન સીઝર એના પિતા જુલીયસ સીઝરની જેમ
ચહેરા અને ચામડીની ચમકથી ન અંજાયો. ઓક્ટેવિયન શાણો નીકળ્યો. એણે ક્લિયોપેટ્રાને દુશ્મન નંબર વન ગણી
મિસ્ર ઉપર ચડાઈ કરી. મિસ્ત્ર જીતી લીધું.
કેટલાક સાથીઓને લઈને ક્લિયોપેટ્રા મિસ્ર છોડી
ભાગી ગઈ. દરબદર
ભટકવા લાગી. લપાતી
છુપાતી એ આમ તેમ રખડવા લાગી. એ કેવી રીતે મૃત્યુ પામી આજે પણ એક રહસ્ય છે. ઇતિહાસકારોના મતે ઓક્ટેવિયન સીઝરે
ક્લિયોપેટ્રાની હત્યા કરાવી નાખી હતી. જ્યારે કેટલાકનું મંતવ્ય છે કે આ સુંદરતાની
શહેજાદીએ સ્વયં સર્પદંશથી આત્મહત્યા કરી હતી. તો વળી કેટલાક કહે છે કે, એણે અતિશય
માત્રામાં માદક દ્રવ્યોનું સેવન કર્યું એટલે મૃત્યુ પામી. કારણ ગમે તે હોય પણ લગભગ ચાર દાયકા
જીવેલી આ સૌંદર્ય સામ્રાજ્ઞી, હુશ્નની દેવીનું મોત અત્યંત દયનીય હતું. જેણે સુંદરતા ઐશ્વરીય બક્ષીસ સમજીને
સંસ્કાર અને સદગુણોના સમન્વય વગર બેફામ દુરુપયોગ કર્યો. જેમ સમુદ્રના પાણી કિનારા તોડી સુનામી
સ્વરૂપે શહેરો-નગરોમાં
ઘુસી ખાનાખરાબી સર્જે એમ મિસ્ત્ર સહિત રોમ અને મધ્યપૂર્વીય યુરોપમાં સૌંદર્યની
સામ્રાજ્ઞીએ જબરજસ્ત ઉથલપાથલ કરી નાખી. સંસ્કાર, સદગુણ અને શરમ સૌંદર્યના સાચા ઘરેણાં
છે. સૌંદર્યનું
સન્માન શાનથી ત્યારે જ થાય જ્યારે એને સદગુણો સાથે ચારિત્ર્યનું મજબૂત આવરણ મળ્યું
હોય. સૌંદર્ય
તો હૃદયની પાસે વસવું જોઈએ. આંખો પાસેનું સૌંદર્ય હંમેશા દગો આપે છે. જે હૃદયમાં કટુતા હોય તે ક્યારેય સુંદર
ન હોય.
ધબકાર :
એક યુવાન વ્યક્તિ અને ખૂબસુરત સ્ત્રી
સંસારની સૌથી મોટી તાકાત છે. – ચાણક્ય

