Saturday, 25 May 2019

સમય વિત્યા પછી આવતી સમજ કોઇ કામની નથી


સમય વિત્યા પછી આવતી સમજ કોઇ કામની નથી

પ્રતિ વર્ષ મે અને જૂનના મહિનાઓ એટલે આપેલી પરીક્ષાઓના પરિણામ પ્રાપ્ત કરવાના મહિનાઓ. આખુ વર્ષ કરેલી મહેનત કેટલી ઊગી નીકળી તેનો ક્યાસ મેળવવાનો સમય. આ સમયગાળામાં યુવાન મિત્રો સ્વાભાવિક રીતે જ ખૂબ એકસાઈટેડ રહેવાના. કેટલાક લોકો એવુ કહેતા જોવા મળે કે, ‘ અપેક્ષા મુજબ તારૂ પરિણામ નથી આવ્યું યાર ! ‘ આવા લોકોના અભિપ્રાયથી ક્યારેય નાસીપાસ ન થવાય. કામિયાબી ક્યારેય હાથની રેખાઓમાં કે કોઇની ટીકા ટીપ્પણીઓમાં હોતી જ નથી. સફળતા તો માથા ઉપરથી ટપકતા પસીનાની પછવાડે હોય છે. જેટલી દમદાર મહેનત એટલી શાનદાન સફળતા. જીવનમાં હારવું કે જીતવું જરૂરી નથી. જીવન એક રમત છે. એને આનંદથી રમવાની છે. સમજ એક એવી શક્તિ છે કે જે સમયસર સમજ આવે તો જ કામની. જો સમય વિત્યા પછી સમજ આવે તો એ કોઇ કામની નથી.



એસએસસી, એચએસસી, સ્નાતક, અનુસ્નાતક કોઈપણ પરીક્ષાનુ પરિણામ ભૂલેચૂકે પણ નબળું આવે તો એવું માનવાની ભૂલ ક્યારેય ન કરવી કે, જીવનમાં હવે કશું થઈ નહીં શકે. સાથે સાથે જો થોડું ઘણું સારું પરિણામ આવે તો એવું પણ ન માની બેસવું કે, આપણે સર્વગુણ સંપન્ન છીએ. આ બન્ને વિચારો ઘાતક છે. આ બે વિચારોની મધ્યમાં એક વિચાર એવો પણ છે કે, તમારી પાસે કંઈપણ કરી શકવાની ઐશ્વરીય શક્તિ છે. તમારી આંતરિક શક્તિઓ અમર્યાદ છે. તમે કશું પણ હાંસલ કરી શકો એમ છો. આ વિચારમાં જ સાચુ સામર્થ્ય રહેલું છે. આવા વિચારોમાં આત્મવિશ્વાસનો ખજાનો છે.



ઘણા મિત્રોને નસીબને દોષ દેવાની આદત હોય છે. કેટલાક એમ કહેતા ફરતા હોય છે કે, ‘હું ગમે તેટલું કરું પણ મારું નસીબ જ વાંકુ છે.’ આ માત્ર પલાયનવાદ છે. પરિસ્થિતિથી ભાગીને સમાધાન ક્યારેય ન થાય. નસીબને ટોકવાથી કશું ન વળે. પોતાની ક્ષમતા અનુસારનો દિવો તમારે પોતે જ પ્રગટાવવો પડે. માત્ર સપનાઓ જોવાથી સફળતાના ફુલોનો ખોળામાં વરસાદ ન થાય. એના માટે તો મહેનતની ડાળીને બરાબર હચમચાવવી પડે.



યુવાનીમાં એક વાત સ્પષ્ટ સમજી લેવી પડે કે, જ્યારે મુશ્કેલીથી દૂર ભાગવામાં આવે ત્યારે મરી તો નથી જવાતું પણ જીવવાનું ભારરૂપ જરૂર લાગવા લાગે છે. કોઈ નાનકડી ખુશામત કરે અને ખુશ થઈ જનારા અને કોઈ થોડી ટીકા કરે ત્યારે નાખુશ થઈ જનારાએ સમજી લેવું પડે કે એ કઠપુતળીથી વિશેષ કંઈ નથી. આવી વ્યક્તિઓની સુખ-દુઃખની દોર બીજાના હાથમાં હોય છે. અંતઃકરણપૂર્વક ખુશ રહેવું હોય તો ક્યારેય બીજાની ખુશામત કે ટીકાને તમારા ઉપર સવર જ ન થવા દેવી જોઇએ. દુનિયામાં એવા ઘણા લોકો પણ છે કે, તરબુચ ખરીદતા પુછે કે. ‘ ગળ્યું છે ને ? ‘ અને પછી એની ઉપર મીઠું ભભરાવીને ખાય.
એક વાસ્તવિકતા એ પણ છે કે, જ્યારે તમે પરીક્ષાનો સામનો કરવા જાવ ત્યારે સફળ થાવ એવી શુભેચ્છા આપનારા જ્યારે તમે ખરેખર સફળ થઇને બહાર આવો ત્યારે તમારી સફળતા એ લોકોને સૌથી વધુ વ્યથીત કરી મુકતી હોય છે. હૃદયમાં કંઈક અલગ હોય અને જીભથી જુદું નાટક ભજવાતું હોય ત્યારે એવી પરિસ્થિતિ અત્યંત વરવી અને ભદ્દી લાગે. આગળ આવવા માટે આપણું હૃદય અને મન જે કહે એ જ સાચું માનવું. આપણો મિજાજ જ એવો હોવો જોઈએ કે કોઈના હોઠો ઉપર ગમે તે વાત હોય આપણા હોઠો ઉપર માત્ર આત્મવિશ્વાસ મુસ્કાન જ હોય.
સરખામણી હંમેશા અળખામણી હોય છે. પોતાની જાતની સરખામણી બીજા સફળ કે અસફળ વ્યક્તિ સાથે કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. ચંદ્ર અને સુરજ બન્નેમાં તેજ છે. બન્નેની ચમક છે પણ બન્નેના સમય અલગ અલગ છે. બન્નેની તીવ્રતામાં ફર્ક છે. બધા લોકો એક જ પ્રયાસમાં સફળ ન પણ થઇ શકે. જ્યારે નિષ્ફળતા મળે ત્યારે જ સમયની સાચી ગતાગમ પડી જતી હોય છે. દુનિયા ખૂબ ઝડપથી બદલાતી જાય છે. બદલાતી દુનિયા સાથે આપણે પણ ઝડપથી બદલાવું પડે. જુની પુરાણી રીતે સફળતાના માપદંડો ન રાખી શકાય.
નિષ્ઠાપૂર્વકની મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. હૃદયની ઉર્મિ ક્યારેય તમને કમજોર નહીં થવા દે. એક નાનો બદલાવ મોટી કામિયાબીનો ટર્નીંગ પોઈન્ટ બની જતો હોય છે. અસફળતા એટલે તમે હજુ સફળ નથી થયા. લક્ષ્ય પ્રાપ્ત નથી થવાનું એમ લાગે ત્યારે લક્ષ્ય ન બદલાય. લક્ષ્ય સુધી પહોંચવા માટે બીજો માર્ગ શોધવા પ્રયાસ કરવો પડે. નવા રસ્તા ઉપર હિંમતપૂર્વક આગળ વધવાની નવેસરથી શરૂઆત કરવી પડે.
આપણી ક્ષમતાઓ અને શક્તિઓ આપણે જાતે જ શોધવી પડે. આપણી ખામીઓ તો કોઈપણ શોધી કાઢશે. કેટલાક લોકો ખામીઓ શોધવામાં ડોક્ટરેટ થયેલા હોય છે. હંમેશા કશું નવું અને મોટા ગજાનું કરવા તત્પર રહેવાની આવડત મોટી પૂંજી છે. મોટી છલાંગ મારવાની તૈયારી હોય એ જ સાચી સ્પિરિટ છે. સિંહનાદ કરી હિંમતપૂર્વક તમારે સફળ બનવાનુ છે, તમારા પોતાના માટે નહીં તો એમના માટે કે જે તમને નિષ્ફળ જોવા માગે છે. એમના માટે કે જે તમારી પ્રગતિ નથી જોઈ શકતા. યાદ રહે કે, લહેરો કી ફીતરત હૈ શોર મચાને કી, મંજીલ ઉસી કી હોતી હૈ જો નજરો મેં તુફાન દેખતા હૈ. બીજાને સફાઈ આપવામાં સમય ક્યારેય ન બગાડવો જોઇએ. લોકો તો એટલું જ સમજશે જેટલું એ સમજવા માગતા હોય છે અથવા જેટલું સમજી શકવાની એમની શક્તિ હશે એટલુ જ એ લોકો સમજશે. હકીકત તો એ છે કે, સાચુ જ્ઞાન તમને ક્યારેય ભયભીત નહીં થવા દે. હૃદયમાં પડેલું સત્ય ક્યારેય તમને કમજોર નહીં થવા દે.

ધબકાર :
એક નિરાશાવાદીને હંમેશા મુશ્કેલી દેખાતી હોય છે. એક આશાવાદીને મુશ્કેલીમાં આગળ વધવાનો અવસર દેખાતો હોય છે.






લો, દિન આ ગયે ‘મેંગો રોમાંસ’ કે...


લો, દિન આ ગયે ‘મેંગો રોમાંસ’ કે...


સાચું કહેજો પીત્ઝા, બર્ગર, મંચુરિયન ગમે એટલું ખાવ પણ જ્યારે હાફુસ કે કેસર કેરીની સુવાસ આવે તો મનોમન ડોલી નથી ઉઠતા ? મેંગો નામ પડતા ઉનાળાનો પસીનો સુકાઇ જાય અને મેંગોના રોમાંસની શીતળતા મહેસુસ થવા લાગે. મે-જુન મહિનામાં અમદાવાદના કાલુપુર ફ્રુટ માર્કેટ અથવા મુંબઈ, વલસાડ કે તાલાલાના કેરી બજારમાંથી પસાર થાવ અને મોઢામાં બંને ગલોફામાં પાણીનો ફુવારો ન છૂટે એવું બને ખરું ? ૪૨ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં આમ્રફળ આનંદનું સરનામુ છે. કેરી એટલે સ્વાદ અને સુગંધના મસ્ત મઝાના આકાશમાં વિહરવાની નૈસર્ગિક મોજ. 'આમ્ર' મુળત: સંસ્કૃત શબ્દ છે. ‘આમ્ર’ એટલે આંબો. ‘આમ્રફળ’ એટલે આંબાનું ફળ. મે મહિનો આવતાની સાથે કેરીની અનેક જાત માર્કેટમાં કિલ્લોલ કરતી શાનથી ગોઠવાઈ જાય.



ભારતમાં ૨૪ જાતની કેરીઓ જોવા મળે છે. જેમાં કેસર અને હાફુસ ઉપરાંત કાગડા, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દશેરી, પાયરી, સરદાર, નીલમ, આમ્રપાલી, બેગમ, પલ્લી, વનરાજ, નીલફાન્સો, જમાદાર, મલ્લિકા, રત્ના, બદામ, નિલેશ, દાડમિયો વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ જાતની કેરી હોય, કેરીનું નામ માત્ર મનલુભાવન છે. આ તમામ જાતો પૈકી ગુજરાતના સુરત-વલસાડની ‘હાફૂસ’ અને તાલાળા-જુનાગઢની ‘કેસર’નો દબદબો અનોખો છે.
ભારતમાં સૌથી વધુ સવા લાખ એકર વિસ્તારમાં આંબા ઉત્તર પ્રદેશમાં છે. એના પછી તામિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં થતી ‘આલ્ફાંસો’ અને ‘પાયરી’ જાતની કેરી અત્યંત સ્વાદિષ્ટ હોય છે. સમગ્ર વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો ભારત ૨૧.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં આંબાના વાવેતર સાથે પ્રથમ ક્રમે આવે છે. જ્યારે ૪.૪૫ લાખ હેક્ટર આંબાના વાવેતર સાથે ચીન બીજા ક્રમે છે. થાઈલેન્ડમાં ૨.૮૫ લાખ હેક્ટર, પાકિસ્તાનમાં ૨.૧૫ લાખ હેક્ટર, મેક્સિકોમાં બે લાખ હેક્ટર, બ્રાઝિલમાં ૮૯ હજાર હેક્ટર અને વિયેતનામમાં ૫૨૦૦૦ હેક્ટર વિસ્તારમાં આંબાનું વાવેતર થાય છે.



ઉત્પાદનની રીતે જોઈએ તો ૧.૩૫ લાખ ટન કેરીના ઉત્પાદન સાથે દુનિયામાં ભારત સૌથી આગળ છે. ૩૭.૫૨ હજાર ટન ઉત્પાદન કરીને ચીન બીજા ક્રમે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં ચીન કરતા ચાર ગણા કરતાં વધુ કેરીનુ ઉત્પાદન થાય છે. પાકિસ્તાનમાં ૨૨ હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે.
કેરી ન ભાવતી હોય એવા લોકો દિવો લઇને શોધવા પડે ! દુનિયામાં મળતા તમામ ફળોમાં કેરી એક એવું સર્વગુણ સંપન્ન ફળ છે કે જેમાં સ્વાદ, વિર્ય, વર્ણ અને આરોગ્યવર્ધક એમ ચારેય ગુણો છે. તજજ્ઞ વૈદ મહારાજો આજે પણ પેટ અને આંતરડાના રોગોમાં પંચકર્મની પ્રક્રિયામાં માત્ર કેરીનો રસ અને દૂધ આપીને અકસીર ઉપચાર કરે છે. આ વીધિને ‘આમ્રકલ્પ’ કહે છે. આયુર્વેદના જાણકારો છાતી ઠોકીને કહે છે કે ગેસ, સંગ્રહણી, કબજિયાત, આંતરડાંની નબળાઈ, અપચો, લીવરના રોગો જેવા અનેક ત્રાસદાયક દર્દમાં ‘આમ્રકલ્પ’ વિધિથી અત્યંત પ્રભાવક પરિણામો પ્રાપ્ત થાય છે.
કેરી એકમાત્ર એવું ફળ છે કે જેનું સમગ્ર અસ્તિત્વ સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટછે. કેરીની ગોટલીથી માંડીને છાલ સુધી ઉપયોગમા લઇ શકાય છે. કાચી કેરીના ઝીણા કટકા કરીને કાંદા-કેરીનું કચુંબર ભોજનની થાળીમાં શોભતું હોય છે. અથાણાનો આત્મા કાચી કેરી છે. જેને લૂ લાગી હોય તેને કાચી કેરી શેકીને તેના રસમાં ખાંડ ભેળવીને પીવડાવવાથી લૂ ઉપર અક્સિર અસર કરે છે. એક કાચી કેરીમાં ૩૫ સફરજન, નવ લીંબુ, ત્રણ સંતરા જેટલું વિટામિન ‘સી’ હોય છે. કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાઈબર હોવાથી વધારાની ચરબી દૂર કરવામાં તે ઉપયોગી થાય છે. કાચી કેરીના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
આયુર્વેદ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ મહર્ષિ ચરકે ‘ચરક સંહિતા’માં માનવ શરીર માટે અત્યંત ઉપયોગી એવા ૧૦ ઉત્તમ ઔષધ સમાન ફળની યાદી આપી છે. આયાદીમાં કેરી પણ છે. મહર્ષિ ચરક કહે છે કે, કેરી ઉપરાંત આમળા, બહેડા, કરમદા, અમ્લવેતસ, દાડમ, બોર, જાંબુડી, લીંબુ, વૃક્ષામ્બ ફળ શરીર માટે અત્યંત ગુણકારી છે. મહર્ષિ વાગ્ભટ્ટ અને સુશ્રુતે કેરીને લોહી વધારતી અને રક્તના વિકારને દૂર કરતી એક ઉત્તમ ઔષધિ તરીકે મૂલવી છે.
જેનું વજન ઓછું હોય અને શરીર વધારવું હોય તેમના માટે પાકી કેરી આરોગવી આશીર્વાદ સમાન છે. કેરીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ તત્વો વિપુલ માત્રામાં હોય છે. શરીર માટે ઉપયોગી એવા ક્વારસીટીન, બીટાકેરોટીન અને એસ્ટ્રાગાલીન તત્વો કેરીમાંથી મળે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વોમાં ફ્રીરેડિકલ્સને નિષ્ક્રિય કરવાની તાકાત પડેલી હોય છે. કેરી બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખવા માટેનું ઉત્તમ પ્રાકૃતિક ઔષધ છે. કેરીમાં ફાઇબર પેકિટન નામનુ તત્વ પણ હોય છે. ફાઇબર પેકિટનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે અને ગ્રંથિઓમાં કેન્સર સેલ્સને વિકાસ પામવા દેતુ નથી. અપચો અને એસીડીટીની સમસ્યામાં કેરી રામબાણ ઉકેલ છે. કેરીમાં આવતુ આયર્નનું તત્વ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક છે.
પચાસે પહોંચેલા કાન ખોલીને સાંભળી લે... સોરી આંખો પહોળી કરીને વાંચી લે. કેરીમાં વિટામિન ‘એ’ અને ‘સી’ હોવાથી તે શરીરમાં કોલાજન પ્રોટીનના સર્જનમાં અત્યંત ઉપયોગી થાય છે. જેના પરિણામે લોહીની નળીઓ ખુલે છે અને ચામડીના છીદ્રો સુરક્ષિત રહે છે. પરિણામે ચામડી વધુ તેજવાન બને છે. એટલે સ્વાભાવિક રીતે જ યુવાની બરકરાર રહે છે.
એક એવી માન્યતા છે કે કેરી ખાવાથી ડાયાબીટીસ વધે છે. આધુનિક શોધકર્તાઓના અહેવાલો એવો નિર્દેશ કરે છે કે, માત્ર કેરી ખાવામાં આવે તો ડાયાબિટીસમાંથી પણ છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. જોકે આ વિષય પર હજુ શોધકર્તાઓના અભ્યાસ અને પરિક્ષણોની પ્રક્રિયા ચાલુ છે. કેરીમાં વિટામિન '' પૂરતા પ્રમાણમાં હોવાથી આંખોનું તેજ વધે છે. કેરીની ગોટલી મુખવાસના કામમાં આવે છે. શોધકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે, કેરીની ગોટલી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
ભગવાને બળબળતો ઉનાળો આપ્યો છે તો તેની સાથે આમ્રફળ સ્વરૂપે અનેરું આકર્ષણ પણ આપ્યું છે. કેરી સ્વાદની મહારાણી તો છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્યની સિપાઈ સલાર પણ છે. સ્વાદની મહારાણી અને સ્વાસ્થ્યની પહેરેદાર એવી કેરીને મન ભરીને માણી લો. પેસ્ટિસાઇડ અને કાર્બાઇડનો બેફામ ઉપયોગ કરી ખતરનાક ખેલ ખેલતા લોકોથી બચીને ઓર્ગેનિક કેરીનો સ્વાદ માણવાનો આગ્રહ સ્વાદ સાથે શરીરને સાચવશે. કેરી એટલે સૌનું ગમતું, સૌનુ પ્યારૂ ઉનાળાનું અમૃત. લેખિકા કુસુમ બુધવાર લિખિત અને પેંગ્વિન બુક્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત ‘રોમાન્સ ઓફ મેંગોઝ’ પુસ્તકના ૨૯૦ પાનામા કેરીને લગતી માહિતીનો વિપુલ ખજાનો છે. પ્રત્યેક ભારતવાસીનુ પ્રિય અને દિલે અઝીઝ ફળ કેરી કાપીને, ચૂસીને, ઘોળીને, રસ બનાવીને જેમ અનુકૂળ પડે તેમ આત્મસાત કરવામાં ભારે મોજ છે.

ધબકાર : સંયમપૂર્વક ખવાય તો ‘આમ્રફળ’ ‘અમૃતફળ’ છે.




Tuesday, 14 May 2019

જાદુની ઝપ્પીની શક્તિને ઓળખવામાં મોડું કરવા જેવું નથી


જાદુની ઝપ્પીની શક્તિને ઓળખવામાં મોડું કરવા જેવું નથી

એક સાત આઠ વર્ષના બાળકને એની માતાએ પૂછ્યું, ‘ બેટા હોસ્પિટલમાં દાખલ થયેલા તારા મિત્રની મમ્મીને મળીને તે શું કર્યું ? ‘ ત્યારે નાનકડા પુત્રએ સાહજિકતાથી કહ્યું, ‘ કશું ખાસ નહીં મમ્મી, મેં પહેલા તો આંટીના ખોળામાં બેસીને એમને રડવામાં મદદ કરી. પછી એમને ભેટીને એમના આંસુ લૂછવાનું કામ કર્યું. ‘ આ નાના બાળકે કોઇ મનોવૈજ્ઞાનિક ઇકવેશનનો અભ્યાસ કર્યો ન હતો. પણ એણે માનવ સહજ સ્વભાવમાં પડેલી જાદુની જપ્પીની શક્તિનો અસરકારક ઉપયોગ કર્યો. એણે અકસ્માતમાં ગંભિર રીતે ઘવાયેલા પુત્રની માતાને દરિયો ભરીને વહાલનુ બળ આપ્યું.



કોઈ જ્યારે લાગણીપૂર્વક ગળે મળે છે ત્યારે સૌથી શક્તિશાળી હકારાત્મક ઊર્જા પેદા થતી હોય છે. ઉષ્માપૂર્વક ‘હગીંગ’ કરવાથી હૃદયમાં પડેલી નકારાત્મક વિષમતાના વાદળોને ઝડપથી વીખરાવાનો અવસર મળે છે. મનમાં શાતા વળે છે. મન-મસ્તિષ્કમાં જ્ન્મેલા ઉદ્વેગોને આનંદના નવા માર્ગો દેખાવા માંડે છે. એક પણ શબ્દની આપ-લે વગર જ્યારે પોતાની જગા ઉપરથી ઉભા થઈને બે હાથ પહોળા કરી બીજાને જાદૂની જપ્પી આપવામાં આવે ત્યારે દુઃખમાં ડૂબેલા વ્યક્તિમાં હુંફનો અનેરો અનુભવ થતો હોય છે. એક ઉષ્માસભર આલિંગન હજારો શબ્દોની ગરજ સારતું હોય છે. એવું જરૂરી નથી કે માત્ર દુઃખમાં જ કોઈને ‘હગ’ કરીને એની મુશ્કેલીમાં શાતા આપવી જોઈએ. ગમે તે સમયે, આકસ્મિક રીતે પણ જ્યારે બે વ્યક્તિ ખુલ્લા મને એકમેકને ગળે મળે ત્યારે હકારાત્મક ઊર્જા બેવડાઈને ખુશીઓનુ સપ્તરંગી આકાશ બનાવી દે છે.
એક ભાઈ એના યુવાન પુત્રને સપ્તાહમાં બે-ત્રણ વાર કોઈને કોઈ પ્રસંગે ઉષ્માથી બાહોમાં લઈને ‘હગ’ કરી જ લે. દીકરાને પણ પિતાની આ પેટર્ન ખૂબ ગમતી. બાપ-દીકરાની ઉષ્માસભર વર્તણૂક એમના પ્રેમ અને વાત્સલ્યને ટનબંધ વધારવા માટેનું ઈંધણ બની રહેતી. માણસ કમાવાની લ્હાયમાં અને મોટપણની ઠાલી ઈમેજને કારણે આટલી તદ્દન સાહજિક અને મોસ્ટ ઇફેક્ટિવ વર્તણૂક નથી કરી શકતો. મનમાં પડેલા પ્રેમના પંખીને પાંખો ફફડાવીને બહાર લાવવા એક નાનકડી શરૂઆત કરવી પડે. આના માટે કોઇ બહુ મોટા સઘન પ્રયાસો ક્યાં કરવાના છે ? માત્ર એક વાર એક નાનકડી વાતનો સ્વીકાર કરી આગળ આવીને કોઇને ગળે મળી જવાનું છે. ઇમાનદારીપૂર્વક મનથી નક્કી કરવુ પડે કે, મારે શબ્દોથી પણ આગળ જવું છે. મારે અહેસાસની પરિભાષાને વધુ બળવાન બનાવવી છે. પછી જુઓ હકારાત્મક વિચારની તાકાત નકારાત્મક વિચાર કરતા પરિસ્થિતિને કેવો મઝાનો વળાંક આપે છે.
જો વ્યક્તિ નક્કી કરે કે આખા દિવસ દરમિયાન તેને મળતા લોકોને તે એનામાં પડેલી ઉષ્માસભર ઊર્જાનો અહેસાસ કરાવશે તો સ્વભાવિક રીતે તે પોતે અંદરથી પ્રફુલ્લિત બનશે. સાથોસાથ સામેવાળા વ્યક્તિને પણ આનંદનો અહેસાસ કરાવી શકાશે. સામેવાળી વ્યક્તિ પુત્ર, પુત્રી, પત્ની કે પતિ હોય, મિત્ર હોય કે પછી સાથી કર્મયોગી કે પછી કોઇ પણ હોય. એકવાર ઉષ્માસભર વર્તનનો સંદેશો વહેવડાવવાની કોશિષ તો કરી જુઓ ! એક પહેલ કરી તો જુઓ ! કોઇની મુશ્કેલી કે નિષ્ફળતામાં એની પડખે ઉભા રહી હિંમત આપવાની ફીલ જુદી હોય છે. નિષ્ફળતા એ કોઈ જીવંત વ્યક્તિ નથી. નિષ્ફળતામાં કોઇની સાથે લાગણીપૂર્વક ગળે મળીને નિષ્ફળતાનો ભાર દૂર કરવાનો પ્રયાસ એક નવતર ઊર્જાનો સ્ત્રોત બની જતો હોય છે.
જ્યારે વ્યક્તિ મિત્રોની શોધ કરવા નીકળી પડે ત્યારે એને અહેસાસ થતો હોય છે કે એના દોસ્તો તો બહુ ઓછા છે. માત્ર આંગળીને વેઢે ગણી શકાય એટલા જ મિત્રો છે. જો વ્યક્તિ પોતે જ મિત્ર બનવાની ક્વોલિટિ ડેવલપ કરે તો એના હજારો મિત્રો બનતા જાય છે. એક ભાઈની મિત્રો બનાવવાની કુનેહની ખુબ સરસ. આ ભાઈ શહેરમાં એમના પરિચિત પૈકી જેનો પણ જન્મદિવસ હોય એમને ત્યાં પહોંચી જાય. એક ફુલ આપે અને ખૂબ ઉષ્માપૂર્વક દિલથી ગળે મળે. આ ભાઈમાં જન્મદિવસે ફૂલ આપીને ગળે મળવા ઉપરાંત એક બીજી પણ ક્વોલિટી છે. તેમના પરિચિત વ્યક્તિના જીવનમાં કોઈ મુશ્કેલી આવે કે પછી બિમાર હોય ત્યારે તો અચૂક પહોંચી જઈ લાગણીપૂર્વક ભેટે. આમ કરવાથી તેમના પરિચિતનું દુઃખ સ્વાભાવિક રીતે હળવું બની જાય. આ ભાઈ તેમના જીવનમાં ‘હગીંગ ટેકનિક’થી ખૂબ મોટી માત્રામાં મિત્રોનો પ્રેમ સંપાદિત કરી શક્યા છે.
સામાન્ય રીતે વ્યક્તિની સૌથી મોટી નબળાઈ નવું ન સ્વીકારવાની હોય છે. પહેલું ડગલું માંડવાની જ મુશ્કેલી છે. શરૂઆત કરવાની જ કઠણાઈ હોય છે. જ્યારે વ્યક્તિ ખૂબ વિચાર કરે ત્યારે બહુ થોડું અમલમાં મૂકી શકે છે. વ્યક્તિ પાસે અભિવ્યક્તિની બહુ મોટી તાકાત છે. એને કેવી રીતે નજરઅંદાજ કરી શકાય ? કોઈના જીવનમાં ઉષ્માસભર પ્રેરણા પૂરી પાડવા માટે માનવીય સંવેદના જેવું શક્તિશાળી મધ્યમ બીજું એકેય નથી. કર્તવ્યની ભાવના કાર્યને સારી રીતે કરવામાં ચોક્કસ ઉપયોગી થતી હોય છે. એક ઉષ્માસભર આલિંગન જોમ અને ઉત્સાહ સાથે કાર્યમાં હૂંફનો હાશકારો ભરી દે છે.
કોઈપણ વ્યક્તિ એના જીવનમાં કેવી પછડાટ ખાય છે કે કેટલો નીચે પડે છે એ અગત્યનું ક્યારેય નથી હોતું. પરંતુ એની પછડાટના સમયે કોણ આગળ આવીને એને ગળે લગાવે છે, પ્રેમસભર ઊર્જા આપે છે, એને ફરી પાછો બેઠો કરે છે એ જ સૌથી અગત્યનું છે. થોડા સમય પહેલા આવેલી બોલીવુડની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસનો પેલો સીન યાદ છે ? કોલેજના કોરિડોરમાં સ્વીપર પોતું કરતો હતો. મુન્નો એણે સાફ કરેલી જગા ઉપર ચાલતાં એ સ્વીપર ભયંકર ગુસ્સે થઈ જાય છે. મુન્નો એને ભેટી પડે છે. એ ગુસ્સેલ સ્વીપર ભાવવિભોર બની જાય છે. બસ એ સીન બાદ ગળે મળવાની રસમને 'જાદૂની જપ્પી' એવુ મઝાનું નવું નામ મળી ગયું.
મનોચિકિત્સકો અને સંશોધકો જાદુની ઝપ્પીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અકસીર ઈલાજ માને છે. ચિકિત્સકોએ સમર્થન આપ્યું છે કે, હાઇ બ્લડપ્રેશરના દર્દી માટે જાદુની જપ્પી ખૂબ અસરકારક છે. હૃદયમાં પડેલા છુપા ડરને પણ એ દૂર કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે, તકલિફના સમયમાં મિત્રોને, પત્નીને, પતિને, બાળકોને સગાને કે પછી પાલતુ જાનવરને કોઈને પણ ગળે મળવાથી ટેન્શનની માત્રામાં ખુબ ઝડપથી ઘટાડો થતો હોય છે. ડિપ્રેશન દૂર કરવામાં ‘હગીંગ થેરેપી’ ઉત્તમ ઈલાજ છે. આજે આખા વિશ્વમાં ‘હગીંગ ટેકનિક’ને ‘પોઝિટિવ એનર્જી બુસ્ટર’ તરીકે લોકો સ્વીકારી રહ્યા છે. નર્વસ સિસ્ટમ બેલેન્સ કરવામાં ‘જાદુની જપ્પી’ અકસીર ઈલાજ છે. કેવિન ઝાબોર્ની નામના અમેરિકને પ્રતિ વર્ષ જાન્યુઆરીની ૨૧મીને ‘નેશનલ હગીંગ ડે’ તરીકે ઉજવવાની ૧૯૮૬માં પહેલ વહેલી દરખાસ્ત રજુ કરી. જોકે કેવિન નિખાલસતાથી સલાહ આપતા એ પણ કહે છે કે, જપ્પી આપતાં પહેલા સામેવાળાની સંમતી ચકાસી લેવી હિતકારી છે. જાદુની ઝપ્પીની શક્તિને ઓળખવામાં હવે બહુ મોડું કરવા જેવું નથી. શારીરિક અને માનસિક બંને એંગલથી આ એક અત્યંત ફાયદાકારક સોદો છે. ખુલીને ખુલ્લા દિલે જાદૂની જપ્પી આપો અને મેળવો. પણ હા, એટલું ચોક્કસ ધ્યાન રાખજો કે જાદુની જપ્પીમાં સચ્ચાઈ અને અચ્છાઈ હોવી જરૂરી છે. જો એમાં એક ટકો પણ લુચ્ચાઈ હશે તો ફાયદા કરતાં નુકસાન થવાની સંભાવના વધુ છે.

ધબકાર :
વિનિંગ લાઈન પછી વધારાના માઇલેજ ઉપર ક્યારેય કોઈ સ્પર્ધા કે ટ્રાફિક જામ નથી હોતો.







Tuesday, 7 May 2019

હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી...


હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી...

મે મહિનાના પહેલા દિવસ સાથે વિશ્વભરની અનેક ઘટનાઓની યાદો જોડાયેલી છે. ૧લી મે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદજીએ કલકત્તા નજીક બારાનગરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. ૧લી મે, ૧૯૦૮માં પ્રફુલ્લચંદ ચાકીએ મુઝ્ઝફરપુર બોમ્બ કાંડને અંજામ આપી પોતાની જાત ઉપર ગોળી મારી હતી. જેણે એના જીવન કાળ દરમિયાન ૩૫૦૦થી વધુ ગીતો ગાયા છે એવા પાશ્વગાયક મન્નાડેનો જન્મ ૧લી મે, ૧૯૨૦ના રોજ થયો હતો. ૧લી મે, ૨૦૧૧ના રોજ વિશ્વ સમસ્તને આતંકવાદના ભરડામાં લેનારા ઓસામા બિન લાદેનને અમેરિકન સી ઇગલના જવાનોના હાથે માર્યો ગયો હોવાના સમાચાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વિશ્વને આપ્યા. ૧લી મે, ૧૯૯૯ના રોજ નેપાળ દેશે મૃત્યુદંડની સજા સમાપ્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ૧લી મે, ૧૮૪૦માં બ્રિટનમાં પહેલ વહેલી ડાક ટિકિટ રીલીઝ થઇ હતી. પણ ગુજરાતી બાંધવો માટે ૧લી મે સાથે જોડાયેલી અનેક જાણી અજાણી ઘટનાઓમા શીરમોર ઘટના એટલે ગરવા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ.
અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૫૯ વર્ષ પૂર્ણ થયાં. ભવ્ય ઇતિહાસ સાથે પ્રગતિની છડી પોકારતું ઉન્નત મસ્તકે ઉભેલું ગુજરાત અડિખમ રાજ્ય છે. છેક ચૌલુક્ય વંશથી ગુજરાતનો ઇતિહાસ છે. ૧૯૪૭માં હિન્દુસ્તાન આઝાદ થયું. આ સમયે પશ્ચિમ વિસ્તારમાં આવતાં રજવાડાઓ એકત્રિત કરી સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ ત્રણ રાજ્યો બનાવાયા. ૧૯૫૬માં મુંબઈ રાજ્યનો વિસ્તાર વધારી કચ્છ, સૌરાષ્ટ્ર, હૈદરાબાદ અને મધ્ય પ્રદેશનો કેટલોક ભુભાગ તેમાં જોડવામાં આવ્યો. આ નવા મુંબઈ રાજ્યના ઉત્તરનાં વિસ્તારમાં ગુજરાતી બોલતા અને દક્ષિણમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, વિદ્યાગૌરી નીલકંઠ જેવા આગેવાનોએ ઓગસ્ટ તા. , ૧૯૫૬થી મહાગુજરાત આંદોલન છેડીને ચાર-ચાર વર્ષ સંઘર્ષમય અહિંસક લડત આપ્યા બાદ ૧લી મે, ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ગુજરાત રાજ્યનો પરચમ લહેરાયો.
      ગુજરાત એટલે ગરબા. ગુજરાત એટલે વેપાર. ગુજરાત એટલે સ્વાદ. ગુજરાત એટલે સાહસ. ગુજરાત એટલે સંસ્કાર. ગુજરાત એટલે સૌજન્ય. સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ભોમકા એટલે ગરવું ગુજરાત. ગુજરાત રાજ્યની યશગાથા કાવ્યમાં વર્ણવવા બેસીએ તો હજારો પાનાનું મહાકાવ્ય બને અને ગદ્યમાં લખવા બેસીએ તો મહાનવલના ૧થી ૧૦૧ ભાગ રચાય. ગુજરાતના સારસ્વતોએ ગુજરતનો મહિમા એમના શબ્દોમાં ગાયો છે એની થોડી ઝલક માણવા જેવી છે.
ગુજરાતી જણ અને ગુજરાતી ભાષાને બે લીટીમાં ખબરદારે અદભુત રીતે અભિવ્યક્ત કર્યા છે.
      જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત,
      જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરી મહોલાત.
કવિવર ઉમાશંકર જોષી નોંધે છે કે,
      તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
      નાત-જાત-ભાત તારી કોઈપણ હજો.
રમેશ ગુપ્તા ગુજરાતની યશગાથા આલેખતા કહે છે...
      જય સોમનાથ, જય દ્વારકેશ,
      જય બોલો વિશ્વના નાથની,
      સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ
      યશગાથા ગુજરાતની...
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતના જોમ અને જુસ્સાને અભિવ્યક્ત કરતાં લખ્યું છે કે,
      નથી જાણ્યું અમારે પંથ શી આફત પડી છે,
      ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે.
શૂન્ય પાલનપુરી ગુજરાતની ગરીમા માટે લખે છે કે,
      વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
      સૂર્ય પણ જો તો રહ્યો જયોતિકલા ગુજરાતની
કવિ ન્હાનાલાલ લખે છે કે,
      ધન્ય હો ! ધન્ય હો પુણ્યપ્રદેશ,
અમારો ગુણિયલ ગુર્જર-દેશ.
કવિ મનિષ ભટ્ટની કલમે ગુજરાતનું ખમીર ટપક્યું કંઇક આ રીતે.
ઝૂક્યા પહાડો, ને ઝૂકી આ નદીયું,
પણ ઝૂક્યું ના કોઈ દીગુજરાત,
હો રાજ મારું જીત્યું હંમેશ ગુજરાત
પ્રત્યેક ગુજરાતીની જીભે રમતી રહે છે, નર્મદની લાડકવાયી મશહુર રચના,
      જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત,
      ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
પદ્મશ્રી રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે,
      તું આવકારનો ભાવ સદા ગુજરાત,
      વિભુની કૃપારૂપે લહેરાય નર્મદા માત.
ગઝલકાર રાજેશ વ્યાસ મિસ્કીન ગુજરાતની ગાથા વર્ણવતા લખે છે કે,
      ઝીલતી પડકાર સઘળા વીરતા ગુજરાતની,
      છે લખાઈ આમ સોનેરી કથા ગુજરાતની.
વિનોદભાઈ જોષીના શબ્દોમાં બળુકા ગુજરાતીની વાત ગૌરવપૂર્ણ રીતે છલકે છે.
      હું એવો ગુજરાતી, જેની
      હું ગુજરાતીએ જ વાતથી ગજ ગજ ફુલે છાતી
હરિકૃષ્ણભાઈ પાઠક ગુજરાતીઓ માટે લખે છે કે,
      ગરવી ગૂર્જરની ધરા, ગરવા નર ને નાર,
      સાગર કાંઠે સહેલતી, છલતી અપરંપાર.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અમે ગુજરાતીમાં ગુજરાતીઓની તાકાતને અભિવ્યક્ત કરતાં લખે છે કે,
      ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
      અમે ભીંત ફાડીને ઊગી જવાના
યુવા કવિ હરદ્વાર ગોસ્વામી ગુજરાતીના સ્વભાવને ઉજાગર કરતાં લખે છે કે,
      આખુ ય જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.
જ્યારે કવિ કૃષ્ણ દવેએ એમના દમદાર શબ્દોમાં ગુજરાતને કંઈક આમ પ્રસ્તુત કર્યું છે...
નવી સવારે નવું કિરણ લઈ આવ્યું નવલી વાત,
અમારું નવું નવું ગુજરાત...
ગુજરાતના ઉત્કર્ષની ભાત ઉપસાવતા રસિક મેવાણી કહે છે કે,
      તું વિશ્વ ગુર્જરી છે, આ જ ગુર્જરીની વાત કર,
      નવા યુગોના રંગથી, નવી નવી તું ભાત કર...
માધવ ચૌધરી રઢિયાળી ગુજરાતની વાત કરતા લખે છે કે,
      રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત
      વીર નરોની માત, અમારી રઢિયાળી ગુજરાત.
જુનાગઢના કવિ યોગેશ પંડ્યા સ્વજનગુર્જર માતના આદરમાં લખે છે...
      ગુણવંતી ગુર્જર ભૂમિને, ઝૂકી ઝૂકીને નમવું છે,
વિશ્વ શાંતિનો મંત્ર જપીને, સકલ વિશ્વને કહેવું છે.
તો કવયત્રિ દેવિકા ધ્રુવ લખે છે કે,
      છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત,
      વેષભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત.
ગુજરાતની પ્રગતિને કંડારતા કવિ કિશોર જીકાદરા લખે છે...
નંબર વન ગુજરાત મારું, નંદનવન ગુજરાત !
ક્રોડ સાડા પાંચ સ્વજન છે, બહોળો છે પરિવાર,
સમરસ થઈ એ કિલ્લોલે છે, સુખમાં અપરંપાર,
માંડે છે પ્રગતિના પંથે, કદમ દિવસ રાત
સાંઈરામ દવે એમના આગવા અંદાજમાં આપે છે ગુજરાતની ઓળખ...
      હું ડાલામથ્થો ગુજરાતી, હું દરિયાબેટો ગુજરાતી,
      આત્મગૌરવી કરુણાગામી, સાગરબેટો ગુજરાતી.
ભરત કવિ ઉર્મિલ ગુજરાતની ભૂમિની વિષે લખે છે કે,
      સંતો-મહંતો ભક્તોની સૌગાત આ ગુજરાત છે,
      અણમોલ વલ્લભ-ગાંધીની સૌગાત આ ગુજરાત છે.
ગુજરાતનું ગૌરવગાન કરતા ડૉ. કનૈયાલાલ ભટ્ટ લખે છે કે,
              ‘હું ગુજરાતી તું ગુજરાતી, આપણ સહુનું તળ ગુજરાતી,
શાંતિ અને સાહસથી જીવવું, જગ આખે ઝળહળતો ગુજરાતી’ 
ગરવા ગુજરાતની ગરવી વાતોને તેમના શબ્દોમાં કંડારીને અનેક નામી અનામી કવિઓ, ગઝલકારો અને ગીતકારોએ ગુજરાતના અલગ અલગ અનેક સ્વરૂપોને પ્રસ્તુત કર્યા છે. આ બધા સ્વરૂપોને પ્રસ્તુત કરવા અશક્ય છે પણ આ સારસ્વતોના અનેક શબ્દસુમન પૈકી કેટલાક શબ્દપુષ્પોને ચૂંટીને ગુલદસ્તો બનાવી ગુજરાત ગૌરવદિને સૌ વાચક બિરાદરોને શબ્દસુગંધ આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં એ ઉલ્લેખનીય રહેશે કે, માત્ર સાહિત્યકારો જ નહીં બલ્કે એકે એક ગુજરાતી ૧લી મેના રોજ ગૌરવ અનુભવે છે. તેના હૃદયના તાર ઝંકૃત થતા હોય છે. ગુજરાત એ સંસ્કારોની ભૂમિ છે. પડકારોની ભૂમિ છે. ગુજરાત હૃદયના ધબકારની ભૂમિ છે. સૌ ગુજરાતી બાંધવોના હદયમાં ગુજરાત સ્થાપના દિને આ સંસ્કાર, પડકાર અને ધબકાર આદરપૂર્વક ઝીલાતો હોય છે.

ધબકાર :
‘‘જે પ્રદેશની સીમા ઉત્તરે આબુ આગળ હતી અને દક્ષિણે પહેલાં મહિને કાંઠે, પછી નર્મદાના તીરે ને ત્યાર બાદ દમણ ગંગાના તટ પર આવીને અટકી એ પ્રદેશ ગુજરાતનામે ઓળખાવા લાગ્યો.’’
  કનૈયાલાલ માણેકલાલ મુનશી (ચક્રવર્તી ગુર્જરો, ૧૯૬૫)