Tuesday, 4 June 2019

પત્રના શબ્દોની સુગંધ પાસે ઇ-મેઇલના ડિજીટલ શબ્દો ફીકા લાગે


 પત્રના શબ્દોની સુગંધ પાસે ઇ-મેઇલના ડિજીટલ શબ્દો ફીકા લાગે


ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યાને ગત સપ્તાહમાં અનયસે મળવાનું થયું. વિષ્ણુભાઈની રૂમમાં દક્ષિણ ગુજરાત યુનિર્વસીટીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ કોઈ કાર્યક્રમ માટે ચર્ચા કરતા હતાં. એમણે એમની સાથે મારો પરિચય કરાવ્યો. સ્વાભાવિક રીતે જ પરમ શ્રદ્ધેય વિષ્ણુભાઈને મળવાનું થાય ત્યારે સાહિત્ય અને વિવિધ પ્રકાશનોની વાતોમાં એકાદ કલાકનો સમય ક્યાં પસાર થઈ જાય એનો ખ્યાલ ન જ રહે.



        વિષ્ણુભાઈએ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. અજયસિંહજી ચૌહાણ સાથે મારી ઓળખાણ કરાવી. ડો. અજયસિંહજી ચૌહાણનું નામ મેં ઘણીવાર સાંભળ્યું હતું પરંતુ એમનો સાક્ષાત્કાર પહેલી વાર થયો. ડો. અજયસિંહજીને મળતાં વેત મારા માનસપટ ઉપર અકાદમીના બે પૂર્વ મહામાત્રના નામો તરવરવા લાગ્યા. શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, ડો. દલપતભાઇ પઢિયાર. આ બન્ને માહામાત્રોએ અકાદમીના મુખપત્રને અલગ પહેચાન આપવામાં ખુબ પરિશ્રમ કર્યો છે. શ્રી વિષ્ણુભાઈએ ઉમળકાથી મને ‘‘શબ્દસૃષ્ટિ’’નો ૨૦૧૮નો પત્ર વિશેષાંક ભેટ આપ્યો. ‘પત્ર’ના વિષય ઉપર શબ્દસૃષ્ટિનો વિશેષાંક એ અકાદમીનું અભિનવ ઘરેણું લાગ્યું. આ અનોખા વિષય ઉપરના વિશેષાંકને જોઇને મનોમન આ વિષય ઉપરની છણાવટને પોખવા લાગ્યો. મને સર્જક અને કવિ મિત્ર પૂર્વ મહામાત્ર હર્ષદભાઈ ત્રિવેદીનું સ્મરણ એટલે ઉભરી આવ્યું કે, અકાદમીના મુખપત્ર ‘‘શબ્દસૃષ્ટિ’’ના રંગ, રૂપ અને સ્વરૂપને ઘડવામાં તેમણે વર્ષો સુધી જબરજસ્ત મહેનત કરી છે. હર્ષદભાઈ એક સંપાદક તરીકે અત્યંત ચીવટવાળો, સજાગ અને કલમના રખોપા કરનારો જણ. વળી સાહિત્ય સર્જક, જાણિતા કવિ ડો. દલપત પઢિયાર એટલે યાદ આવે કે, સાહિત્ય જગતના આ ખેરખાંએ પણ અકાદમીના મહામાત્ર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ‘‘શબ્દસૃષ્ટિ’’ના પ્રત્યેક અંકોમાં વિશેષ પ્રાણ પૂર્યા છે.



        વર્ષ ૧૯૮૩થી ચાલતા ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર ‘‘શબ્દસૃષ્ટિ’’ની ગરીમા સાહિત્ય જગતમાં એટલી બધી છે કે, ‘‘શબ્દસૃષ્ટિ’’ના અંકમાં કોઈ નવોદિત સાહિત્યકારની પદ્ય કે ગદ્ય રચના પ્રસિદ્ધ થાય તો સાહિત્યકાર એની ગૌરવપૂર્વક છાતી ફૂલાવીને નોંધ લેતો હોય છે. અને લોકોને કહેતો હોય છે કે, ‘મારી રચના ‘‘શબ્દસૃષ્ટિ’’માં સ્થાન પામી છે.’



        બેક ટુ ધ પોઈન્ટ ‘‘પત્ર વિશેષાંક’’. વર્તમાન ડિઝીટલ યુગમાં માનવી એટલો બધો ડિઝીટલાઇઝ્ડ થઈ ગયો છે કે, કાગળ ઉપરના શબ્દોની સુગંધને સંપૂર્ણપણે વિસરી ગયો છે. વોટ્સ એપ, ઈમેઈલ, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં એટલો બધો એ અટવાઈ ગયો છે કે, પત્રમાં અભિવ્યક્ત થતાં સંવેદનાના ભાવવિશ્વની મોજને જ ખોઈ બેઠો છે.  સમયાંતરે અભિવ્યક્તિના માધ્યમો બદલાય તેને ચોક્કસ આવકાર પણ સેંકડો હજારો વર્ષોથી લોક હૃદયની ઉર્મિઓને વાચા આપતાં પત્રોના પમરાટને કેમ વિસરી શકાય ?
        વોટ્સ એપ અને ઇ-મેઇલમાં આવેલો મેસેજ ગમે એટલો ઉત્કૃષ્ટ હોય પણ તે હૃદયના દરવાજે દસ્તક આપી અંતરના ઉંડાણ સુધી પ્રવેશ નથી કરી શકતો. જ્યારે કાગળ ઉપરના અંકિત થયેલા શબ્દો સંવેદનાના આખેઆખા મહાસાગરને ઉલેચીને હૃદયમાં ઓરી દેતા હોય છે. એક પ્રેમીનો પ્રેમિકાને લખેલો પત્ર હોય કે, દીકરાએ માને લખેલો પત્ર હોય, પિતાની પુત્ર પ્રતિ સંવેદના વ્યક્ત કરતો પત્ર હોય કે, કોઈ બેનીએ તેના વીરાને લાડ લડાવતો લખેલો કોઈ પત્ર હોય એ માત્ર કાગળ ઉપરના અક્ષરો નથી. આવા પત્રો હૃદયની ભૂમિ પર સંવેદનાપૂર્વક અમિટ છાપ છોડતા અદભુત ચાસ છે.  



        શબ્દસૃષ્ટિના કલેકટર વેલ્યુવાળા પત્ર વિશેષાંકમાં અલગ અલગ ક્ષેત્રના ૫૬ જેટલાં દાદુ લેખકોના લેખોનો ‘છપ્પન ભોગ’ વાચકોને પિરસવામાં આવ્યો છે. આ વિશેષાંકમાં ગુરુશિષ્ય પત્ર, પિતાપુત્રીનો પત્ર,  બે મિત્રોનો પત્રાલાપ, આધ્યમના યાત્રીનો પત્ર, ભાવકનો પત્ર જેવા પત્ર વૈવિધ્યનો અદભુત ખજાનો છે. વળી, મજાની વાત તો એ છે કે, આકર્ષક લેઆઉટમાં પત્રોની હસ્તપ્રત સ્કેન કરીને મૂકવામાં આવી છે અને પત્ર લેખકે એ પત્રનો અનુપમ ઇતિહાસ પણ એની સાથે ટૂંકમાં વર્ણવ્યો છે. આના પરિણામે પત્રની ગરિમા અને ગૌરવ બન્ને અદભુત રીતે ઉજાગર થયા છે.
        પત્ર વિશેષાંકમાં તેમની અધ્યક્ષિય વાતમાં શ્રી વિષ્ણુભાઈએ સમયદેવતાના સાક્ષીરૂપ કટોકટી કાળના પત્રોથી માંડીને ખુશવંતસિંહ, મીનુ મસાણી, અટલબિહારી વાયપેયીજી જેવા કલમના કસબીઓ અને ચિંતકોના પત્રવ્યવહારને સુપેરે વણી લીધા છે. મહામાત્ર ડો. અજયસિંહજી ચૌહાણની સંપાદકીય ચિવટ દાદ માંગી લે એવી છે. ગુણવંતભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ મહેતા, દીનકરભાઈ જોષી, નટવર આહલપરા, ડો. દલપત પઢીયાર, મધુ રાય, ભદ્રાયુ વચ્છરાજાની જેવા છપ્પન શબ્દોશહેનશાહોએ પત્રસંવેદનાની સરવાણી આ વિશેષાંકમાં વહેવડાવી છે. કહેવાની જરૂર નથી કે, એકવાર પત્ર વિશેષાંક હાથમાં લીધા પછી તેમાંથી સંપૂર્ણ રીતે પસાર થયા વગર પાછો ટેબલ કે રેકમાં મૂકવાની ઇચ્છા ન જ થાય.
         ‘‘શબ્દસૃષ્ટિ’’ સાહિત્ય અકાદમીનો શ્વાસ છે તો એની સાથે સાથે સાહિત્ય સંવર્ધન, શબ્દ સંસ્કાર વિસ્તરણની વિવિધ પ્રવૃત્તિઓ એનો પ્રાણ છે. સાહિત્ય સંસ્કારને વધુ વ્યાપક બનાવી એને અંતરીયાળ વિસ્તારોમાં પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાનો પ્રતિઘોષ ગુજરાત સાહિત્ય અકાદમીની વિવિધ સાહિત્ય સંવર્ધનની પ્રવૃત્તિઓમાં પડે છે. ગુજરાતી ઉપરાંત હિન્દિ, ઉર્દુ, સિન્ધી, સંસ્કૃત અને કચ્છી સાહિત્યનું સંવર્ધન કરતી ૬-૬ અકાદમીઓ ગુજરાતમાં સાહિત્ય સૌરભ ફેલાવવાનું ઉમદા કામ કરી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમીની ગયા વર્ષની પ્રવૃત્તિઓની આછેરી ઝલક જોઈએ તો લેખન શિબિરો, કવિ સંમેલનો, સ્મરણ વંદનાઓ, વાંચન શિબિરો જેવા ૨૦ જેટલાં કાર્યક્રમો રાજ્યભરમાં યોજવામાં આવ્યા. પુ્સ્તક પ્રસિદ્ધિની વાત કરીએ તો છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ ૫૦ જેટલા પુસ્તકો એકાદમીએ ગયા વર્ષે પ્રકાશિત કર્યા. ૨૦૧૪માં ૨૦ પુસ્તકો, ૨૦૧૫માં ૧૧ પુસ્તકો, ૨૦૧૬માં ૩૨ પુસ્તકો, અને ૨૦૧૭માં ૨૨ પુસ્તકો અકાદમી દ્વારા પ્રકાશિત થયા છે. આ ઉપરાંત અકાદમીએ ગત વર્ષે વિવિધ ૭૮ જેટલાં સાહિત્યિક કાર્યક્રમો યોજવા માટે અને ૧૭૫ લેખકોને પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપી છે.
        ઇ-મેઇલ અને વોટ્સએપનો ઉપયોગ કરતી આજની જનરેશન પત્રમાંથી ટપકતી શબ્દોની સુગંધના સ્પર્ષને કેવી રીતે સમજશે ? ડિજીટલ અક્ષર અને કાગળ ઉપર કલમથી અંકિત થયેલા અક્ષરની લાગણીઓમાં આસમાન જમીનનો તફાવત છે. ‘પત્ર વિશેષાંક’ જેવી નવતર વિચારધારાને સંપાદીત કરીને પ્રસ્તુત કરવા માટે અધ્યક્ષશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને મહામાત્ર અજયસિંહ ચૌહાણને પ્રસન્નતાપૂર્વક પોંખતા આનંદ થાય. પત્ર વિષેશાંકમાંથી પસાર થતાં એમ લાગે કે આપણા હદયનુ ભાવવિશ્વ ઉઘાડી રહ્યું છે. ‘‘શબ્દસૃષ્ટિ’’નો ‘પત્ર વિશેષાંક’ પત્રલેખનમાં વહેતી સંવેદનાઓને માયાળુ હાથ ફેરવીને હળવેકથી જગાડે છે. મનના કાગળ પર ઉતરેલા ભાવ વિશ્વને જાનદાર અને શાનદાર રીતે ખડું કરવામાં પત્ર વિશેષાંક સફળ રહ્યો છે. એક ક્ષણ માટે ઈમેઈલ અને વોટ્સએપને વિલન ગણવા માટે આ પત્ર વિશેષાંક ચોક્કસ મજબૂર કરી મુકે છે.

ધબકાર :
‘ પત્રો જૂના અણમૂલ ખજાનો ગણી સાચવેલા, પાને પાને ઉકલતી કશી લાગણીની ગડીઓ ’
– શ્રી જયંત પાઠક (‘શબ્દસૃષ્ટિ’ નવેમ્બર-૨૦૧૮)





3 comments:

  1. આ અંક મેં પણ વાંચ્યો છે . . . અજયસિંહઓ નજરીયો ખુબ સુંદર છે. મને પણ તમારી જેમ જ આશા છે કે "અજયસિંહ જે રીતે સાહિત્યના વેચાણને ઉંચે લઈ શક્યા તે જ રીતે સાહિત્ય તત્વને પણ ઉન્મુક્ત અને ઉર્ધ્વગામી બનાવશે" . . .

    બાકી . . . લેખ સુંદર થયો છે, ગાંધીનગર સમાચારમાં સવારની ચાય સાથે વાંચ્યો. . . મજા પડી . . . એક બે વાતો કરવાની છે પણ એ રૂ-બ-રૂ . .

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Regularly, I am going through all most all of your writings (which are in the digital form). I found of reading beyond the language boundaries. I do like the style of your writings, methodology and the the literature words. I wish you all the success for incoming writings and books.
    Mukundan Kurup

    ReplyDelete