Monday, 21 October 2019

આ દિવાળીમાં દુર્ગુણોની દિવાલ ઉપર સદગુણોનો મૂક્કો મારી દુર્ગુણોનો ભૂકો બોલાવી દો


આ દિવાળીમાં દુર્ગુણોની દિવાલ ઉપર
સદગુણોનો મૂક્કો મારી દુર્ગુણોનો ભૂકો બોલાવી દો

------------------------------

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું
સમજપૂર્વક સમષ્ટિનું સમતોલન કરી લઉં છું.
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું
મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું.
- અકબરઅલી જસદણવાલા

      જગત આંનદનો રંગમંચ છે. દીપોત્સવ ટાણે જીવનમાં મેઘધનુષી રંગોનું આકાશ રચાતું હોય છે. જગતને દિલોજાનથી ચાહવાનું હોય. મન મુકીને પતંગીયાની જેમ ઉડવાનું હોય. શરત બસ એટલી કે, માણસ બનવું પડે. જમીનના કઠણ પડને ચીરીને નાજુક કુંપળ હવામાં લહેરાય એમ દીપોત્સવીમા દુર્ગુણોની દીવાલ ઉપર સદગુણોનો મૂક્કો મારીને અનિષ્ટોનો ભૂકો બોલાવીને શુભ  સંકલ્પો લઇ લહેરાવાનું હોય. વીતેલા વર્ષમાં જેમ જીવ્યા એનાથી બહેતર જીવવાનો નિર્ધાર જોઈએ.



દિવાળી એટલે ઉમંગ, ઉત્સાહ અને ઉજાશની ત્રીવેણી. નવા સંકલ્પો લેવાનો ઉમંગ, ભૂતકાળ ભુલી સહુને ગળે મળવાનો ઉત્સાહ અને અજ્ઞાનના અંધકારને જ્ઞાનના પ્રકાશથી રોશન કરવાનો ઉજાશ. આમ પણ સૃષ્ટિ ઉપર જીવનું આગમન થવાની સાથે પ્રકાશ અને અંધકાર, સત્ય અને અસત્ય, દુર્ગુણ અને સદગુણ, જીવન અને મૃત્યુ વચ્ચે સતત સંઘર્ષ ચાલુ જ થઇ જતો હોય છે. દિવાળીના પાંચ પર્વોના સમુહ આ સંઘર્ષમાં સત્વશીલ સત્યની સમજ સ્પષ્ટ કરતો હોય એમ લાગે. દિવાળીમાં માટીના નાનકડા કોડિયામાં સકારાત્મકતાનું તેલ નાખી તેમાં નકારાત્મકતાને ભસ્મ કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવાનો હોય. દ્રઢ મનોબળ દ્વારા સોનેરી સંકલ્પોથી હિન મનોવૃત્તિ ઉપર ચક્રવર્તીની જેમ શાસન કરવાની સજ્જતા દિવાળીને સાચા અર્થમાં અજવાળવાનું કામ કરતી હોય છે.
ભારત દેશમાં તો સૌ કોઇ જાણે છે કે, ભગવાન રામે રાવણનો વધ કરીને અયોધ્યા પ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસીઓએ તેમના ઘરની આગળ અને માર્ગો ઉપર હારબંધ દિવડાઓ અને રંગોળીઓ કરીને પ્રભુ રામને સત્કારી આનંદ કર્યો હતો. આ વાતને જરા તાત્વિક રીતે વિસ્તૃત સ્વરૂપે ચિંતકો એ રીતે જુએ છે કે, દિવાળી એટલે અસત્ય અને અજ્ઞાનના અંધકારને સત્ય અને જ્ઞાનના પ્રકાશથી પ્રજ્વલિત કરતું આનંદનું પર્વ. જુદા જુદા દેશમાં નવા વર્ષના વધામણા અલગ અલગ રીતે થતાં હોય છે. હિંદુઓના હૃદયમાં ઉચ્ચ સ્થાને બિરાજતો દીપોત્સવ વિશ્વમાં ઘણી જગાએ ઉજવાય છે. ક્રિશ્ચિયનો માટે ક્રિસમસ અને બૌદ્ધો માટે ગૌતમ બુદ્ધનો નિર્વાણ દિન અત્યંત મહત્વનો હોય છે. જૈન ધર્મના છેલ્લા જૈન તીર્થંકર ઈસવીસન પૂર્વે ૫૨૭માં ઓકટોબર ૧૫માં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. કહે છે કે, મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ આ દિવસે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આચાર્ય ભદ્રબાહુએ તેમના કલ્પસુત્રમા નોંધ્યું છે કે, ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં મહાવીર સ્વામીએ અમાસના પ્રથમ પ્રહરમાં નિર્વાણની સફર આરંભી તે સમયે અનેક દૈવીપુરુષો અમાસના ઘોર અંધકારને પ્રકાશથી પોખતા ઊભા હતા. દીપોત્સવનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન ગ્રંથોમાં આ રીતે જોવા મળે છે. જો કે દિવાળીનો એકદમ પ્રાચીન સંદર્ભ દીપાલિકાયાશબ્દ જીનસેન આચાર્યએ લખેલા હરિવંશ પુરાણમાં મળે છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં દિવાળીને પારિવારિક મિલનનો મહોત્સવ ગણે છે. બધા ભેગા મળી ગીતો ગાય, નૃત્ય કરે અને દેઉસી-ભઈલોરમત રમે. યુકેના કોવેન્ટ્રી, ટ્રિનીદાદ ટોબેગો, ગુયાના, કેન્યા, મોરેશિયસ, ટાન્ઝાનિયા, થાઈલેન્ડ, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુએસએમાં દિવાળી ઉજવાય છે. જો કે ભારત અને શ્રીલંકામાંથી મોટી સંખ્યામાં લોકો અલગ અલગ દેશમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયા હોઈ દિવાળીની ઉજવણી આ દેશોમાં પણ મોટા પાયે થવા લાગી છે.
દિવાળીમાં હૃદયના ઉંડાણમાંથી સત્યના ઉજાશને બહાર ખેંચી કાઢી નબળાઈઓને ખંખેરીને આનંદના આકાશમાં ઉડવાનું હોય છે. કવિ અનિલ ચાવડા કહે છે કે,  ‘સૌની ભીતર પડ્યો હોય છે, એક ચમકતો હીરો, ચાલો શોધીએ ભીતર જઈને, ખુદની તેજ-લકીરો, ભીતર ભર્યું છે અજવાળું ન ઝળહળીએ કેમ ? આ વખતે તો સ્વયં પ્રગટીએ ચાલો દિવાળી જેમ...

ધબકાર :
જીવનને સમજવા પાછળ જોવું પડે અને જીવનને જીવવા માટે આગળ જોવું પડે.




Tuesday, 15 October 2019

‘ ડેડી, મને બર્થ ડે ગીફ્ટમાં શરાબ અને સિગારેટ ન પીવાનું તમારું વચન જોઈએ ’


‘ ડેડી, મને બર્થ ડે ગીફ્ટમાં શરાબ અને સિગારેટ ન પીવાનું તમારું વચન જોઈએ ’


એક મલ્ટીનેશનલ કંપનીમાંથી સિનિયર મેનેજર તરીકે નિવૃત્ત થયેલા વ્યક્તિની વાત છે. ચારેક દાયકા પહેલાં એ નોકરીમાં નવો નવો જોડાયો હતો. એમબીએ અને પી.એચ.ડી. થયેલાં આ યંગ અને ડેશિંગ યુવાનને મલ્ટીનેશનલ કંપનીએ હેન્ડસમ સેલેરી આપી નોકરીએ રાખ્યો હતો. આ યુવાનને સાતેક વર્ષનો ફુલ જેવો મઝાનો દીકરો. આર્થિક અનુકૂળતાઓ સારી અને સત્તાનો રૂતબો પણ ભારે. આ યુવાનને શરાબ અને સિગરેટ બન્નેનું વ્યસન હતું. દિવસની ૧૦-૧૫ સિગરેટ સહેજે ફુંકી જાય. રોજ રાત્રે શરાબ પીધા વગર એને ઉંઘ ન આવે. દિવસે દિવસે એનું આ વ્યસન ખૂબ વધી ગયું. પછી તો પત્ની સાથે વ્યસન છોડવા સંદર્ભે રોજ કકળાટ પણ થવા લાગ્યો.



એક દિવસની વાત છે. એમનો દીકરો સાંજે મિત્રો સાથે રમતો હતો. દોડતા દોડતા એ ખૂબ હાંફવા લાગ્યો. બે – પાંચ મિનિટ બેભાન પણ થઈ ગયો. માતા-પિતાનો જીવ તાળવે ચોંટી ગયો. તાત્કાલિક એને ડોકટરની પાસે લઈ ગયા. દીકરાના હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું. ડોકટરોએ કહ્યું બાળક બે-ચાર મહિનાથી વધુ નહીં જીવે. બે-ત્રણ સપ્તાહ પછી દીકરાનો જન્મ દિવસ આવતો હતો. મા-બાપે વિચાર્યું દીકરો થોડા મહિનાનો જ મહેમાન છે તો ધામધુમથી એનો જન્મદિવસ ઉજવીએ. પિતાએ કહ્યું બેટા બોલ તને આ જન્મદિવસે કઈ ગીફ્ટ જોઈએ છે...’
નાનકડા પુત્રએ પિતાને કહ્યું, ‘ડેડી મને ગીફ્ટમાં શરાબ અને સિગરેટ ન પીવાનું તમારું વચન જોઈએ છે. શરાબ અને સિગરેટથી તમને ખુબ ખાંસી આવે છે. તમે એ છોડીને મને ગીફ્ટ આપો.’



પિતાની આંખમાં આંસુ આવી ગયા અને એ દિવસથી યુવાને દારૂ અને સિગરેટને તિલાંજલી આપી. દીકરો તો ચાર મહિના પછી પ્રભુને પ્યારો થઈ ગયો. પણ પિતાને વ્યસનના ચક્કરમાંથી મુક્ત કરતો ગયો. આજે જીવનના છ સાડા છ દાયકા પછી રોજ આકાશ સામે જોઇને આ ભાઇ એમના દીકરાને યાદ કરતાં મનોમન વિચારે છે કે ‘ એ તો ગયો પણ મને સ્વસ્થ અને તંદુરસ્ત જીવનના માર્ગે ચાલતા શિખતો ગયો. ઑક્ટોબર મહિનામાં ગાંધી બાપુની ૧૫૦મી જન્મજયંતીના અવસરે આ બાળક અને પિતાની વાત સહેજે યાદ આવી ગઇ.
આમ તો એક યા બીજા કારણસર ગાંધી વિચારો માનસપટ ઉપર હમેશા છવાયેલા રહેતા હોય છે પરંતુ ઓક્ટોબર મહિનામાં સ્વાભાવિક રીતે જ બાપુ વિષેશ યાદ આવે. આ મહિનામાં બીજી તારીખ એટલે બાપુનો બર્થ ડે. આ વર્ષે બાપુની ૧૫૦મી જન્મજયંતી આખુ રાષ્ટ્ર શાનદાર રીતે ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું આખું જીવન એક આદર્શ છે. એ સ્વયં એક ઈન્સ્ટિટ્યૂશન હતા. સત્ય, અહિંસા, સ્વાશ્રય, અડગ, દ્રઢનિશ્ચય, પરિશ્રમ, અપરિગ્રહ વગેરે વગેરે લખતા થાકી જવાય એટલા સદગુણો બાપુમાં હતાં. મહાત્મા ગાંધીએ એમના આઠ દાયકા જેટલા આયખામાં ચાર દાયકા સક્રિય પત્રકારત્વ કર્યું. હજારો પાના ભરીને વિચારો લખ્યા. બાપુના પ્રત્યેક વિચાર ઉપર એક ગ્રંથનું આલેખન થાય. એમનાં વ્યસનસંદર્ભે વિચારો સમાજજીવન માટે અત્યંત ઉપકારક અને સચોટ છે. બાપુ સ્પષ્ટ કહેતા કે, એક માત્ર દારૂનો નશો જુગાર, વ્યભિચાર જેવા અનેક દુષણોની જનની છે.
એક અંદાજ પ્રમાણે ભારતમાં દર વર્ષે રૂપિયા ૧૪ કરોડથી પણ વધારેની સીગારેટ પીવાય છે. આપણા દેશના નાગરિકો પાન, મસાલા, ગુટકા ખાઈને સ્ટાઇલથી ૧૩ લાખ ટન પીચકારીઓથી પ્રતિવર્ષ આપણા દેશના માર્ગો, મકાનો, સ્થાપત્યો રંગાય છે. પ્રતિ માસ રૂપિયા ૧૫૦ કરોડ અને વાર્ષિક ૧૮ અબજની તમાકુ ચવાઇ જાય છે કે પછી ફૂંકી મરાય છે. આ આંકડાઓ કરતાં પણ વધુ ભયાનક આંકડો તો એ છે કે, કેન્સર અને ટીબીથી મૃત્યુ પામનારાઓ પૈકી ૮૦ ટકા વ્યસની હોય છે. ભારતમાં દર વર્ષે ધુમ્રપાન અને તમાકુના સેવનથી ૧૨ લાખ લોકો અકાળે મોતને ભેટે છે.
ધુમ્રપાન અને પાન-મસાલાના વ્યસન ઉપરાંત આલ્કોહોલના નશાના વ્યસનના આંકડા પણ એટલા જ દિલ દહેલાવી નાખે એવા છે. એક સર્વેક્ષણ અનુસાર વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં આલ્કોહોલનો વપરાશ સૌથી વધારે જોવા મળ્યો છે. ત્રણ મિલીયન લોકો પ્રતિવર્ષ શરાબની લતના કારણે મોતને ભેટે છે. ભારતના છત્તીસગઢ, ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને ગોવામાં ૧૬ કરોડ લોકો ચિક્કાર દારૂ પીવે છે.
દારૂ વિશે કેટલીક ખોટી માન્યતાઓનો મસમોટો અંબાર હોય છે. દારૂ પીવાથી સારી ઊંઘ આવે છે. ભૂખ ઉઘડે છે, ટેન્શન ઓછું થાય છે, ઇમ્પોર્ટેડ વાઈન કોઈ નુકસાન કરતો નથી, મર્યાદામાં પીવાતો દારૂ ગુણકારી છે વગેરે ખ્યાલો સદંતર ગેરમાર્ગે દોરનારા છે. આવા ખ્યાલો જ નશાખોરીને પ્રબળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. દારૂનું વ્યસન એક એવો મહારોગ છે કે પ્રતિવર્ષ વિશ્વમાં અંદાજે ૨૦ લાખ લોકો અને ભારતમાં બે લાખ લોકો જાન ગુમાવે છે. એવું એક તારણ છે કે દેખાદેખીથી ૨૦થી ૨૫ વર્ષ વચ્ચે દારૂ પીવાનો શરૂ થાય છે અને પછી એની લત પડી જાય છે.
તમાકુ, ગુટકા, ગાંજો, ચરસ, શરાબ જેવા ભૌતિકની સાથે સાથે માનસિક નશા પણ હોય છે. સત્તાનો નશો, સફળતાનો નશો, વાસનાનો નશો, રૂપનો નશો, સાદગીનો નશો, પૈસાનો નશો વગેરે. નશો નાશનો છડીદાર છે. નશાની સમજ પડે તો સંભાળ શક્ય છે, પણ જો સમજ ન પડે અને નશાની આદત પડે તો એ નખ્ખોદ વાળે. પણ કેટલાક નશા આબાદ પણ કરે છે જેમ કે, વાંચનનો, મિત્રો બનાવવાનો, પ્રવાસનો, નવું જાણવાનો, પ્રેમનો નશો જીવનનું નવતર બળ બની જાય છે.

ધબકાર :
આદત ઉપર અંકુશ ના આવે તો એ લતમાં પરિવર્તિત થતાં વાર નથી લાગતી. બધા માણસોનો સ્વભાવ એક જેવો જ હોય છે, આદતો જ વ્યક્તિને અકબીજાથી અલગ બનાવે છે.






Tuesday, 8 October 2019

‘મેરેથોન’ માત્ર એક ખેલ નથી સમજ પડે તો જીવન ઘડતરની જડીબુટ્ટી પણ છે


‘મેરેથોન’ માત્ર એક ખેલ નથી સમજ પડે તો જીવન ઘડતરની જડીબુટ્ટી પણ છે

‘મેરેથોન’ શબ્દનો અર્થ સામાન્ય રીતે લાંબુ, જટીલ અને મુશ્કેલીભર્યો ઉપક્રમ એવો થાય. ખરેખર તો મેરેથોન ગ્રીસનાં એક પ્રદેશનું નામ છે. એક એવી લોકવાયકા છે કે, મેરેથોનના સમરાંગણથી ગ્રીક દેશનો ફિડીપ્પીડસ નામના એક મેસેન્જરને એથેન્સ એવો સંદેશ લઈને મોકલવામાં આવ્યો હતો કે, ‘મેરેથોનના યુદ્ધમાં પર્સિયનોનો પરાજ્ય થયો છે. એવું કહેવાય છે કે, મેસેન્જર ફિડીપ્પીડસ ઈસવીસન પૂર્વે ૪૯૦ના ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આ સંદેશો લઇને એક પણ જગાએ રોકાયા વગર ૨૫ માઈલ સળંગ દોડીને એથેન્સ પહોંચી આપણે જીત્યાએવી બુમો પાડી ઢળી પડ્યો અને પછી મૃત્યુ પામ્યો.



મોટાભાગના મેરેથોન રનર ફિડીપ્પીડ્સની આ દંતકથા જાણતા જ હોય છે. આજે કોઈપણ જટીલ અને મુશ્કેલ કાર્ય હોય તો તેને મેરેથોન વર્ક કહે છે. કોઈ વ્યક્તિ કોઈ મહત્ત્વના સંશોધન માટે લાંબા સમયથી કાર્ય કરતો હોય તો એ સ્વાભાવિક રીતે જ એમ કહે કે મેરેથોન એક્સરસાઈઝ કરી. મેરેથોન શબ્દ જ જબરજસ્ત મહેનત અને લાંબી મજલનો પર્યાય બની ગયો છે.
ચાલીસી વટાવી ગયેલા ગાંધીનગરના બે ‘યુવાન’ મિત્રોની જિંદગીની જિંદાદિલી મેરેથોન રનની આસપાસ વણાયેલી છે. આ બન્ને મિત્રોનો મેરેથોન પ્રેમ કાબિલે તારીફ છે. જીવનના ચાર-પાંચ દશક પછી પણ જીવનમાં જોશ સાથે કંઈક નવું કરવાનો થનગનાટ સદાકાળ યુવાની ટકાવી રાખવાની ગુરુચાવી છે. જેના પિતા સ્પોર્ટસ ટીચર હતા અને દાદા શંકરરાવ થોરાત ૧૯૬૬માં બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતની કુસ્તીબાજોની ટીમમાં હતા એવા રમતવીર દાદાના પૌત્ર સંજય થોરાત ૪૫ હાફ મેરેથોન દોડી આવ્યા છે. બે વર્ષ પૂર્વે સતારા હિલ હાફ મેરેથોનમાં પર્વતીય વિસ્તારની ટફ હાફ મેરેથોન રન સફળતાપૂર્વક પૂર્ણ કરતા દોડના સેંકડો રનર સાથે સંજયનુ નામ પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં દર્જ થયું. ભાઈ સંજયે જીવનના ચાર દશક પછી નક્કી કર્યું કે મારે સ્પોર્ટ્સમાં કંઈક અલગ કરવું છે અને એણે દોડવાની શરૂઆત કરી.
ભાઈ સંજય જેવું જ બીજું એક મેરેથોન લવર વ્યક્તિત્વ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ગાંધીનગર શહેરમાં ઊભરી આવ્યું છે. નામ એનું જગત કારાણી. જગતભાઇને મેરેથોનનું ઘેલું ભાઇ સંજય થોરાતે જ લગાડ્યું છે. જગતભાઈએ સાડાપાંચ દાયકાનું જીવન પસાર કર્યા બાદ ૫૮ વર્ષે મેરેથોન રનમાં ભાગ લેવાનું નક્કી કર્યું. માત્ર ત્રણ વર્ષમાં આ વ્યક્તિએ ૬૨ જેટલી મેરેથોનમાં ભાગ લીધો. અને સફળતાપૂર્વક એ બધી મેરેથોન રન પૂરી કરી. જગતભાઈ માટે મેરેથોન રન જીવનનો નશો છે. ભારતમાં ક્યાંય મેરેથોન રનનું આયોજન થાય ત્યાં ભાઈ જગત જિંદાદિલીથી પહોંચી જ જાય. સંજયભાઈની જેમ જગતભાઈએ પણ સતારા હિલની મેરેથોન માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મેરેથોન રન માટે કેટલીક એવી રસપ્રદ વાતો છે કે એ જાણીને સહજ રોમાંચ પેદા થઇ જાય. મેરેથોન એ માત્ર એક ખેલ નથી, મેરેથોન વિપરીત સંજોગોમાં જીવન ઘડતર માટે ઉત્તમ શિક્ષણ આપતી જડીબુટ્ટી છે. મેરેથોનથી એથેન્સનો માર્ગ સમુદ્રી ખાડી, પર્વત અને ઉબડખાબડ જમીનવાળો લગભગ ૨૫ માઈલ લાંબો, ભયંકર, વિપરીત અને મુશ્કેલ રસ્તો છે. વર્ષ ૧૮૯૬માં જ્યારે  ઓલમ્પિક્સમાં આધુનિક ઢોળ ચડવાની શરૂઆત થઈ ત્યારે આયોજકો કોઈ અદભુત અકલ્પનીય ટેલેન્ટેડ વાતને ઓલિમ્પિક્સમાં સામેલ કરવાનું વિચારતા હતા. મિશેલ બ્રેલને ૧૮૯૬ની એથેન્સની ઓલિમ્પિક્સમાં મેરેથોન દોડને સામેલ કરવાનો વિચાર આવ્યો. મિશેલના આ વિચારને ઓલિમ્પિક્સ કમિટિના ફાઉન્ડર પિયર કુબટીન અને ગ્રીક નાગરિકોએ એક અવાજે વધાવી લીધો. ૨૨ માર્ચ ૧૮૯૬માં પ્રથમ મેરેથોન રેસ યોજાઈ હતી. આ રેસ ભાઈઓ માટેની જ હતી અને એને ૨ કલાક ૫૮ મિનિટ અને ૫૦ સેકન્ડમાં સાયરિડન લુઈસે જીતી લીધી હતી. એના લગભગ નવ દશક પછી એટલે કે, ૧૯૮૪માં લોસ એન્જેલસમાં યોજાયેલી ઓલિમ્પિક્સમાં મહિલાઓ માટે મેરેથોન દોડ યોજાઇ. આ મેરેથોનમાં જોન બેનોઈટ બે કલાક ૨૪ મિનિટ અને ૫૨ સેકન્ડમાં દોડીને વિજેતા બની હતી.
ફિડીપ્પીડસની મેરેથોનથી એથેન્સ દોડના કિલોમીટર અનુસાર આ દોડનું અંતર ૨૬.૨૨ માઈલ અને હાફ મેરેથોન ૧૩ માઈલનુ નક્કી કરવામાં આવ્યું. કેલિફોર્નિયા ડેથવેલી નેશનલ પાર્ક બેડવોટર અલ્ટ્રામેરેથોન વિશ્વની અત્યંત ટફ મેરેથોન રન કહેવાય છે. ગ્રેટ બ્રિટનના ડબલ એમ્યુઈ યુન આ મેરેથોન દોડ્યા હતા. એવી જ બીજી એક ટફ મેરેથોન ડેસ સેબલ્સ છે જે સહરાના રણમાંથી પસાર થાય છે. ન્યુયોર્ક સિટીમાં યોજાતી દોડ મેરેથોન લવર્સ માટે અત્યંત પ્રતિષ્ઠિત મેરેથોન છે. વર્ષ ૧૮૯૭માં બોસ્ટનમાં યોજાયેલી મેરેથોન સૌથી પ્રાચિન છે.
મેરેથોન રનર માટે એવું કહેવાય છે કે, એમાં ભાગ લેનારા પોતાના આનંદ અને મોજ માટે દોડતા હોય છે. ઇન ફેક્ટ આ કોઇ દોડ તો છે જ નહીં, આ એલ સમુહમાં ઝડપી ચાલનો અંદાજ છે. મેરેથોન રનર્સને મન આ કોઈ સ્પર્ધા નથી. મેરેથોન દોડતા રમતવીરો નિજાનંદ માટે મેરેથોનમાં ભાગ લેતા હોય છે. એમાં હારજીતની કોઈ ગણતરી હોતી નથી. ગ્લેડિચ બુરિલ ૯૨ વર્ષે ૨૦૧૦માં હોનાલુલુ મેરેથોનમાં દોડ્યા હતા. ગ્લેડિચ વિશ્વના સૌથી મોટી ઉમરના મેરેથોન રનર તરીકે ઓળખાય છે. જ્યારે ભારતના ઓરિસ્સાનો ત્રણ વર્ષનો બુધિયાસિંહ સૌથી નાની વયનો મેરેથોન રનર છે. ભારતમાં યોજાતી મેરેથોન રનમાં મરાઠા કિંગડમની પૌરાણિક રાજધાની સતારામાં યોજાતી દોડ ભારતના મેરેથોન રનર્સ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. ગાંધીનગરના મેરેથોન લવર સંજય થોરાત અને જગત કારાણીએ સતારા હિલ મેરેથોનમાં એકથી વધુ વખત હિસ્સો લઇને રોમાંચ તો અનુભવ્યો જ છે સાથે સાથે ગાંધીનગરને ગૌરાન્વિત પણ કર્યું છે.
જીવનમાં કોઈ આનંદનો માર્ગ નક્કી કરવો પડે. પછી ભલે એ ખેલકૂદ હોય કે વાંચન હોય, લેખન હોય કે પ્રવાસ હોય. મેરેથોન રનર માટે હાર જીત ગૌણ છે મુળ તો સ્વયંનો આનંદ એની પાછળનો મુખ્ય આશય હોય છે. મેરેથોન રનરને આ દોડમાં આનંદની અનુભુતી થતી હોય છે. મેરેથોન રનરની જેમ નિજાનંદની મસ્તી જીવનને નવો જ  ઉઘાડ આપે છે.

ધબકાર :
દુનિયામાં સૌથી સ્વચ્છ અને સુંદર નદી નિજાનંદની છે, એમાં વહેવાનો આનંદ અનેરો હોય છે.