Tuesday, 31 December 2019

અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે


અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે

આજે વર્ષનો છેલ્લો દિવસ. વર્ષ ૨૦૧૯ને ‘ગુડબાય’ અને ૨૦૨૦ને ‘વેલકમ’ કરવાનો અવસર. આજના દિવસની ઉજવણીનો સાર એટલો કે, ૨૦૧૯માં મળેલી સફળતાઓ આનંદ કરવાનો અને નિષ્ફળતાઓની સામે તમારી પ્રતિક્રિયા કેવી હતી એનુ વિશ્લેષણ કરવાનો સમય. માણસનું જીવન સફળતાઓ અને ઘણી બધી નિષ્ફળતાઓથી ભરેલું હોય છે. શક્તિશાળી હોય કે નિર્બળ વ્યક્તિનું જીવન હોય, એ હંમેશા નિષ્ફળતાના અનેક પ્રસંગોથી જ ઘડાયેલું હોય છે. સામાન્ય રીતે એક એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે, સારું અને અનુકૂળ પરિણામ હોય એટલે સફળતા. ખરાબ કે પ્રતિકૂળ અસર જન્માવતું પરિણામ મળે એટલે નિષ્ફળતા. ખરેખર તો સફળતા હોય કે નિષ્ફળતા બન્ને વ્યક્તિની ક્ષમતાને ઉજાગર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.



        સૌ કોઈનો અનુભવ હોય છે કે, નિષ્ફળતા મળે એટલે હતાશાના વમળમાં ઘેરાઈ જઈને ડિપ્રેસનનો ભોગ બનતા હોય છે. જ્યારે સફળતા મળે ત્યારે વ્યક્તિ મનોમન ફૂલાઈ જઈને એવું માનવા લાગે કે, દુનિયામાં સૌથી અગત્યનો અને મહાન વ્યક્તિ એ જ છે. આ પ્રકારની અસરો બહુ ખતરનાક છે. પ્રગતિમાં અવરોધરૂપ બને છે. નિષ્ફળતામાંથી પદાર્થપાઠ લઈને કંઈક શીખીને આગળ વધવાનું હોય. સફળતા હોય કે નિષ્ફળતા એ કાયમી હોતી નથી. સૂર્યપ્રકાશ સારો લાગે અને ચિત્તમાં આનંદ પણ આપે. પરંતુ સુર્ય પ્રકાશ ચોવીસે કલાક અને બારેમાસ ન રહી શકે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ કુદરતનો ક્રમ છે. એ જ પ્રમાણે નિષ્ફળતા પછી સફળતા અને સફળતા પછી નિષ્ફળતા સ્વાભાવિક ક્રમ છે.



        નિષ્ફળતા મળે ત્યારે વ્યક્તિની પોતાની અને તેની આસપાસના લોકો એ નિષ્ફળતાને કેવી રીતે ટ્રીટ કરે છે એની ઉપર વ્યક્તિના ઘડતરનો બહુ મોટો આધાર હોય છે. શાળામાં ભણતાં એક વિદ્યાર્થીનું બોર્ડનું રીઝલ્ટ આવ્યું. એના માતા-પિતાએ એને કહ્યું ‘ચલ દીકરા, આજે આપણે બધા હોટલમાં જઈને જમીએ’. ત્રણેય જણા શહેરની સારામાં સારી અને મોંઘી હોટલમાં પહોંચ્યા ત્યારે પુત્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. એને એમ થયું કે, આજે કેમ મમ્મી-પપ્પા હોટલમાં જમવાનું કહે છે. અને તે પણ આવી મોંઘી હોટલમાં ? એ લોકો સામાન્ય પરિવારના હતા અને આવી મોંઘી હોટલમાં ક્યારેય જમવા ગયા ન હતા. એમની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી એટલે સ્વાભાવિક રીતે જ આવી મોંઘી હોટલમાં જતાં દીકરાને ખૂબ આશ્ચર્ય થયું.



        હોટલમાં જઈને પિતાએ પુત્રને ભાવતી વાનગીઓનો ઓર્ડર કર્યો. ત્રણેય જણા પેટ ભરીને મોજથી જમ્યા. પછી પિતાએ પુત્રને હળવેથી કરહ્યું ‘બેટા તને ખ્યાલ છે તું બોર્ડની પરિક્ષામાં ફેઈલ થયો છે ?’ દીકરાને તો કાપો તો લોહી ન નીકળે. એ સ્તબ્ધ બની ગયો. હક્કોબક્કો થઈને પિતાની સામે શુન્યમનસ્ક રીતે જોઈ રહ્યો. પિતા એની ખુરશીમાંથી ઊભા થયા એની બાજુમાં બેસીને એના ખભે હાથ મૂકીને કહ્યું, ‘બેટા આ પરીક્ષા તારા જીવનની છેલ્લી પરીક્ષા થોડી છે ? એટલું સમજી લેજે કે, કાલથી તું ભણવામાં મહેનત કરીને સારા માર્કસ સાથે સફળ પણ થઈ જઈશ. પરંતુ જીવનમાં આવનારી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને સફળતાઓનો હિંમત અને ધીરજપૂર્વક સામનો કરીશ તો તું જરૂર સુખી થઈશ. સુખ, સફળતા અને નિષ્ફળતાઓ ઉપર મોહતાજ ન રહેવું જોઈએ.’
આ નાના બાળકને આજે આખું ભારત મોટા ગજાના કલાકાર અનુપમ ખેર તરીકે ઓળખે છે. પિતાજીએ બોર્ડની પરીક્ષા વખતે આપેલી અણમોલ વર્તનભેટે એમને જીવનને બદલીને અસફળતાની પણ ઉજવણી કરતા કરી દીધા. નાપાસ થયેલા કે ઓછા ટકા આવેલા બાળકને કરડવા દોડતાં વાલીઓને મહાન કલાકાર અનુપમ ખેરના પિતાજીનો વર્તનસંદેશ અર્થપૂર્ણ પદાર્થપાઠ પૂરો પાડે છે.
        વિંન્સ્ટન ચર્ચીલ હંમેશા કહેતાં કે, સફળતા અંત નથી હોતો અને અસફળતા ક્યારેક ઘાતક નથી હોતી. નિષ્ફળતા એક એવો અવસર પૂરો પાડે છે કે જ્યાંથી ફરી પાછી નવી શરૂઆતનો મજાનો મોકો મળે છે. વ્યાકુળતાના ગર્ભમાં અસંતોષ હોય છે અને અસંતોષ જ પ્રગતિની પહેલી શરત છે. અસફળતાનો અર્થ એ નથી કે, તમે નિષ્ફળ ગયા છો. અસફળતાનો અર્થ માત્ર એટલો જ છે કે, તમારે હજી સફળ થવાનું બાકી છે.
થોડા મહિના પહેલાં દેશ અને દુનિયાએ એક અદભુત દ્રશ્ય ટીવીના પડદે જોયું. ભારતનું ચંદ્રયાન–૨ મિશન નિષ્ફળ જતાં ઇસરોના વૈજ્ઞાનિક કે. સિવન ભાંગી પડ્યા હતા. ભારતના વડાપ્રધાન સ્પેસ સેન્ટર પહોંચી જઇને કે. સિવનને ઉષ્માથી ભેટીને કહ્યું કે, ‘ આ મિશનની નિષ્ફળતાના અનુભવને આધારે આનાથી પણ વધુ બહેતર બીજું મિશન થવાનું છે. તમારી લોકોની મહેનત ક્યારેય એળે નહીં જાય. ’ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ‘હીલીંગ થેરેપી’ અને વિચક્ષણતાએ વૈજ્ઞાનિક સિવન સહિત ઈસરોના સેંકડો વૈજ્ઞાનિકોના દિલો દીમાગમાં નવો ઉત્સાહ અને નવું જોમ ભરી દીધું. ઇસરોના બધા જ વૈજ્ઞાનિકો ફરી પાછા કામે લાગી ગયા. નિષ્ફળતા ખરેખર તો સફળતા માટેનો અનુભવ તેજપૂંજ છે. જે વ્યક્તિ જીવનનો આનંદ લઈ રહ્યો હોય એને ક્યારેય અસફળતાની આંચ લાગી શકતી નથી. મોટાભાગે સફળતા અસફળતાની ઠોકરોમાંથી જ પેદા થતી હોય છે.
        કેન્સરથી પીડાતા એપલ કંપનીના સ્ટીવ જોબ્સે એમના અનુભવ તારવતાં કહ્યું છે કે, ‘ હું જલ્દી મરી જવાનો છું એ સતત યાદ રહેતાં મોટા નિર્ણયો લેવામાં મને ખૂબ અનુકૂળતા રહી છે. જ્યારે મોત વિશે વિચારું છું પછી ઘમંડ, અસફળતાનો ડર, આશાઓ, અપેક્ષાઓ બધું જ ગાયબ થઈ જાય છે. પછી એટલું જ બાકી બચે છે જેની ખરેખર આવશ્યકતા હોય છે. ’
        જે વ્યક્તિ એના જીવનકાળના ૪૦ વર્ષો સુધી કોઈ દિવસ નિષ્ફળ જ ગયો નથી તો એમ સમજી લેવું પડે કે એ વ્યક્તિ જીવનના ઉતાર-ચઢાવના રસથી વંચિત રહ્યો છે. વિશ્વ વિખ્યાત કાર્ટુનિસ્ટ સ્કોટ એડમ્સ એક એક્ઝિક્યુટિવ ઓફિસર બનવાના લક્ષ્યમાં નિષ્ફળ ગયા પછી પીંછી અને કલમ પકડી સફળતાની સીડી સડસડાટ ચડી ગયા. વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન ૧૫ વર્ષના હતા ત્યારે શ્રવણશક્તિ ગુમાવી હતી. એમના શિક્ષકો, સંબેધીઓ અને સાથીઓ માનવા લાગ્યા કે હવે એડિસન જીવનમા કશું પ્રાપ્ત કરી શકશે નહીં, પરંતુ સાંભળવાની ક્ષતિને અતિક્રમીને એડિસન વિશ્વના મહાન વૈજ્ઞાનિક બન્યા. નિષ્ફળતાને ગળે લગાવીને ફરવા કરતાં એમાંથી પ્રેરણા મેળવી આગળ વધવામાં જ જિવનનો આનંદ છે. સફળતાના નશામાં છકી ન જવાય અને નિષ્ફળતાનાં ગમમાં વહી ન જવાય.

ધબકાર :
એક નિષ્ફળતા સફળતાના હજાર દ્વારા ખોલી નાખે છે.



Friday, 27 December 2019

જે છોકરો શાળામાં વારંવાર નપાસ થતો એના જ્ઞાન ઉપર આજે દુનિયા પીએચડી કરે છે


જે છોકરો શાળામાં વારંવાર નપાસ થતો એના જ્ઞાન ઉપર આજે દુનિયા પીએચડી કરે છે


ફ્રાન્સિસ બેકનના લખાણો યુરોપીયન દેશોમાં લોકો ખૂબ રસપૂર્વક વાંચે છે. આમ તો બેકન એક ચિંતક હોવા ઉપરાંત રાજનિતીજ્ઞ પણ હતા. એ કહે છે કે, ‘જ્ઞાન એ જ સાચી શક્તિ છે.’ બેકનની વાતમાં દમ છે. જ્ઞાની વ્યક્તિ જ સાચા અર્થમાં શક્તિશાળી હોય છે. પોતાની દરેક સમસ્યાઓ અને સમાજની આસપાસના લોકોની સમસ્યાઓ જ્ઞાનના બળથી ઉકેલી શકાય છે. જ્ઞાન એક એવો પ્રકાશ છે કે, જેને પૃથ્વી પરનો કોઈપણ પ્રગાઢ અંધકારથી દબાવી શકાતો નથી. જ્ઞાનની શક્તિને  ડિગ્રીઓથી ક્યારેય તોળી શકાતી નથી. જ્ઞાનને અભ્યાસની જુદી જુદી ડિગ્રીઓ સાથે બહુ સંબંધ હોતો નથી.



        જ્ઞાન એટલે અનુભવ અને અધ્યયન બન્નેનો સમન્વય. વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટન તેના શાળાકીય અભ્યાસકાળમાં હંમેશા નપાસ થયા કરતા. ન્યુટનને ક્યારેય ૩૦-૩૫ ટકાથી વધુ માર્ક્સ મળ્યા જ નથી. શાળાના શિક્ષકોએ કંટાળીને એમને સ્કૂલમાંથી રૂખસદ આપી દીધી. શાળાના દરવાજા બંધ થયા, એ પછી ન્યુટનના દિમાગના દરવાજા ખુલી ગયા. એણે ઝાડ ઉપરથી પડતું સફરજન જોયું અને વિશ્વને ગુરુત્વાકર્ષણનો પાયાનો સિદ્ધાંત મળ્યો. જે વ્યક્તિને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો એ વ્યક્તિના જ્ઞાન અને વિજ્ઞાન ઉપર આજે દુનિયામાં સેંકડો પ્રબુદ્ધો પીએચડીનો અભ્યાસ કરી રહ્યાં છે. અભ્યાસમાં ફેલ થવું કે સારા માર્કસ મેળવવા ઉપર જ્ઞાનની પરિભાષાને ઝાઝો સંબંધ નથી.



        આવી જ કહાની આઈન્સ્ટાઈનની પણ છે. આઈન્સ્ટાઈન નવમા ધોરણથી આગળ અભ્યાસ કરી શક્યા નથી. તેમને પણ શાળા રાસ ન આવી. શાળાકીય અભ્યાસમાં આઈન્સ્ટાઈનનું મગજ ન ચાલતું પણ સતત નવા વિશિષ્ટ વિચારોના વમળમાં એમનુ મગજ વિચરતું રહેતું. e=mc2 (ઇ ઇઝ ઇક્વોલ ટુ એમસી સ્ક્વેર)નો  સિદ્ધાંત આપીને આઈન્સ્ટાઈને દુનિયાને એક નવી દિશા આપી. જે વ્યક્તિ અભ્યાસમાં નવમા ધોરણથી આગળ વધ્યો જ નહીં, દુનિયા આજે એની પાછળ પાગલ થઈને એના ગુણગાન ગાય છે.



        ભારતના ધીરુભાઈ અંબાણીની વાત પણ અજાણી નથી. નવમી ચોપડી પાસ ધીરુભાઈએ તરુણ અવસ્થામાં પેટ્રોલ પંપ પર નોકરીથી જીવનની શરૂઆત કરી. સમય જતાં સાડા ચાર લાખ કરોડનું રિલાયન્સ એમ્પાયર ઊભું કરીને પાવરફુલ વ્યક્તિ તરીકે દુનિયામાંથી વિદાય થયા. ભારતના એક બીજા વિરલા ઘનશ્યામદાસ બિરલાની કથા પણ એવી જ છે. ચાર ચોપડી પાસ બિરલા ગામ અને શાળા છોડીને દોરી-લોટો લઈ કલકત્તા પહોંચી ગયા હતાં. ત્યાં નવા ખ્યાલો સાથે બિઝનેસ શરૂ કર્યો. એમણે બિરલા બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું. ઘનશ્યામદાસ બિરલા કહેતા હોય છે કે, ‘જીવનની સફળતામાં શાળા-કોલેજની ડિગ્રીઓનું ખાસ મહત્વ નથી હોતુ.’ ડિગ્રીઓ કરતાં જ્ઞાનનું મહત્ત્વ વિશેષ હોય. પરીક્ષાનું મહત્વ ન હોય. મહત્વ તો શીખવાનું હોય. જેમાંથી જીવનને જીવવાનો અર્થ અને માર્ગ મળે એ સાચું શિક્ષણ.



        મનુષ્ય પાસે જ્ઞાનથી ભરેલું મસ્તિષ્ક છે. એટલે જ એ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ અને શક્તિશાળી છે. જ્ઞાન જ મનુષ્યને જીવનના ઉતાર-ચઢાવમાં સફળ બનાવે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વય કે ઉંમરના કોઈ સીમાડા હોતા નથી. લગન, ધૈર્ય અને નિયમિતતા જ્ઞાનના પાયાના ત્રણ પીલર છે. ઇશ્વરે દરેક મનુષ્યના મસ્તિષ્કમાં એક સરખી ક્ષમતાવાળું હજારો હોર્સપાવરનું મન આપ્યું છે. પૃથ્વી પર જન્મ લેતાંની સાથે જ આ પાવરહાઉસ એક્ટિવેટ થઈ જાય છે.
        મહાન ચિંતક અને દાર્શનિક સીગમન્ડ ફ્રોઈડ મનની ત્રણ અવસ્થાઓ આઈડેન્ટીફાઈ કરે છે. પ્રથમ ચેતન મન, બીજું અર્ધચેતન મને અને ત્રીજું અવચેતન મન. જાગૃત અવસ્થામાં જે ઊર્જા અને શક્તિ વપરાય છે, એ ચેતન મનનો પ્રકાર છે. જેમાં કેટલીક વાત યાદ રહે છે અને કેટલીક વાત ભૂલી જવાય છે. આ ભૂલેલી વાત મગજના જે ભાગમાં જાય છે, એ ભાગને ફ્રોઈડ અર્ધચેતન મન કહે છે. મગજના જે ભાગમાં ગયેલી વાત ક્યારેય ભૂલી શકાતી નથી. એ વિચારો મગજના અવચેતન ભાગમાં વિકાસ પામતા હોય છે. સુતી વખતે આવતાં સપનાઓ અવચેતન મનમાં સંગ્રહાયેલી વૈચારિક પ્રક્રિયા જ હોય છે. સીગમન્ડ ફ્રોઈડ અવચેતન મન પર વિશેષ ભાર મૂકે છે. ફ્રોઈડ કહે છે કે, મનુષ્યના મગજમાં ૯૦ ટકા ભાગ અવચેતન મનનો હોય છે. અવચેતન મનમાં ઈદમ, અહમ અને વિશિષ્ટ અહમની ત્રણ પરિભાષા હોય છે. અવચેતન મનના ‘ઇદમ’માં સુખવાદી વિચારો વિકસતા હોય છે. ફ્રોઈડ કહે છે કે, ‘ઈદમ’ કામવૃત્તિનો ભંડાર છે. ફ્રોઈડના મતે કામ(સેકસ) માનવીના સુખનો સ્ત્રોત છે. મનુષ્ય તેની કામવૃત્તિને ન્યાય આપવા માટે જ જીવનભર પ્રવૃત્ત રહેતો હોય છે.
        જ્યારે ‘અહમ’ એટલે કે ‘ઈગો’. ‘અહમ’ હમેશા ઘટનાનો પૂર્વ વિચાર કરી વાસ્તવિક ઘટના ઉપર અમલ કરતો હોય છે. જેમ કે, કોઈ સંપન્ન વ્યક્તિ રસ્તા ઉપર રૂપીયાથી ભરેલું પાકીટ જુએ, આજુબાજુ કોઈ ન હોય ત્યારે એક સેકન્ડ માટે એ પાકીટ લઈને ગજવામાં મૂકવાનો વિચાર કરે. પરંતુ તરત જ બીજી ક્ષણે એને એવો વિચાર આવે કે, મને કોઈ જોઈ જશે તો, મારી પ્રતિષ્ઠાનું શું ? આ વિચારથી એ પાકીટ ન ઉઠાવે અને પોતે સારો-સજ્જન લાગે એવા વર્તાવ કરે એ આખી પ્રક્રીયા ‘અહમ’ છે.’ ‘વિશિષ્ટ અહમ’ એટલે કે ‘સુપર ઈગો’. નૈતિક ગુણોની વાત મનને સમજાવીને આદર્શવાદી સિદ્ધાંતો અનુસાર મનુષ્યનું ઘડતર ‘સુપર ઈગો’ કરે છે.
        જ્યારે કોઈ વ્યક્તિ મોટી મોટી વાતો કરે ત્યારે એ સમજદાર છે એમ માનવું ભૂલભરેલું છે. માણસ જ્યારે નાની વાતો બરાબર સમજે ત્યારે એ સમજદાર કહેવાય. સાચો જ્ઞાની કહેવાય. બહુ બધી વાતો જાણતો હોય એને જ્ઞાની સમજવું ભૂલભરેલું છે. જે મહત્ત્વની વાત સમજે અને એની ઉપર અમલ કરે એ જ્ઞાની છે. જે વ્યક્તિ પર દુનિયાએ શરૂઆતમાં ઉપહાસ કર્યો છે, ભવિષ્યમાં એણે જ ઇતિહાસ રચ્યો છે. મોટા ભાગના લોકો માહિતીને જ્ઞાન સમજતા હોય છે. માહિતી અને જાણકારી એ જ્ઞાન નથી. પોતાને શું નથી સમજ પડતી એની સમજ પડે એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગલું છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની ચાહત ધન મેળવવાની લાલસા જેવી હોવી જોઈએ. એમાં સતત વધારો થતો હોવો જોઈએ. ચાઈનીઝ ચિંતક કોન્ફ્યુસીયસના મતે વ્યક્તિ શું નથી જાણતો એ જ્યારે જાણી લે એમાં જ સાચું જ્ઞાન સમાયેલું છે. ન્યુટન હોય કે ધીરુભાઈ અંબાણી, આઈન્સ્ટાઇન હોય કે ઘનશ્યામદાસ બિરલા એમણે ડિગ્રી કરતાં જ્ઞાનને ઉજાગર કરીને દુનિયામાં દાખલો પ્રસ્થાપિત કર્યો. કહેવાનું તાત્પર્ય એ નથી કે શિક્ષણ અને ડિગ્રી મેળવવા નિરર્થક છે અને શાળા કોલેજમાં જવાનો કોઇ અર્થ નથી. શિક્ષણ અને ડિગ્રી તેના સ્થાને યોગ્ય જ છે. જરૂર છે ડિગ્રી અને શિક્ષણ સાથે તેનાથી પણ ઉપર ઊઠીને અનુભવ, વાંચન અને શ્રવણના આધારે કંઈક વિશેષ કરવાની. જ્યારે આ વિશેષ શોધ સાર્થક થાય ત્યારે એ જ્ઞાનનો પ્રકાશ બની જતો હોય છે.

ધબકાર :
એક નવા વિચાર સાથે ડગલું માંડીને પાકા ઈરાદાઓ સાથે આસમાનની ઊંચાઈ સર કરનારા લોકો મનમાં સમેટાયેલા સપનાઓ જ્ઞાનના ઉજાશથી સાકાર કરતાં હોય છે.




Monday, 16 December 2019

હૈદરાબાદના એ સીધાસાદા યુવાને ઇન્ટરનેશનલ જાયન્ટ કંપનીના વર્કકલ્ચર કેવી રીતે બદલ્યું ?


હૈદરાબાદના એ સીધાસાદા યુવાને ઇન્ટરનેશનલ જાયન્ટ કંપનીના વર્કકલ્ચર કેવી રીતે બદલ્યું ?

દરેક વ્યક્તિની એક અલગ કહાની હોય છે. દરેકની સંવેદનાના સ્તર જુદા જુદા હોય છે. સંવેદના સફળતાની ગુરુચાવી છે. ભારતીય મુળના સત્યા નડેલાએ શીખેલા સંવેદનાના પદાર્થપાઠની વાત અસરકારક તો છે જ સાથે સાથે એટલી જ રોમાંચથી ભરેલી છે. જ્યારે માઈક્રોસોફ્ટ કંપની તેના ચાર દાયકાના સૌથી કપરા કાળમાંથી પસાર થતી હતી એવા સમયમાં સત્યા નડેલાએ માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે જવાબદારી સંભાળી હતી.



વર્ષ ૧૯૯૨ની વાત છે. માઈક્રોસોફ્ટ કંપનીમાં ટેકનોક્રેટ્સની ભરતી કરવામાં આવતી હતી. મેનેજર રિચાર્ડ ટૈડ યુવાન ટેકનોક્રેટ્સના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. સત્યા નડેલા પણ એક ઉમેદવાર તરીકે એમાં હતાં. ઈન્ટરવ્યૂ વખતે ટૈડે સત્યાને પૂછ્યું કે ‘તમે રસ્તા પર ચાલતા જતાં હોવ અને ફૂટપાથ ઉપર કોઈ બાળક ચોધાર આંસુએ રડતું હોય, તો એ સમયે તમારી શું પ્રતિક્રિયા હોય ?’ સત્યાએ તરત જવાબ આપ્યો. ‘હું આપતકાલિન તત્કાલ સેવાને ફોન કરીને વાહન બોલાવી રડતું બાળક એમને સોંપી દઉ.’ ઈન્ટરવ્યૂ લેનાર ટૈડે સત્યાને વિનમ્રતાપૂર્વક કહ્યું ‘ મિત્ર, આવા વખતે સંવેદના બહુ મોટું કામ કરતી હોય છે. તમે ભારોભાર સંવેદનાથી છલકતા હોવા જોઈએ. તમારે એ બાળકને ઊંચકીને એની સાથે સંવેદનાસભર લાગણીપૂર્વક વર્તન કરવું જોઈએ એવું મને લાગે છે.’
સત્યા નડેલાને એમની ટેકનિકલ હોંશિયારી અને ક્ષમતા અનુસાર માઈક્રોસોફ્ટ કંપનીએ જોબ ઓફર કરી. પરંતુ તે દિવસથી યુવા સત્યા સમજી ગયા કે, એમણે તેમના માટે અને પોતાના અંગત જીવનમાં સહાનુભૂતિથી સંવેદનાના પદાર્થપાઠ શીખવાની તાતી જરૂર છે. સત્યાના પોતાના જીવનમાં પણ અનેક વિડંબનાઓ રહી છે.  સત્યાનો દીકરો જૈન ગંભીર બિમારીથી પીડાય છે. વળી પરિવારમાં બીજી બે દીકરીઓ પૈકી એક દીકરીની પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. આ વાતનો ઉલ્લેખ સત્યા નડેલાએ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એમના પુ્સ્તક ‘હીટ રિફ્રેશ’માં ઉલ્લેખ કર્યો છે. એ તો સર્વસ્વીકૃત છે કે, સત્યા નડેલાને એમની સમજદારી, અક્કલ-હોંશિયારીને કારણે કામ મળ્યું અને ત્યાર પછી માઈક્રોસોફ્ટની પ્રગતિનો ઇતિહાસ દુનિયા જાણે છે. આજે માઈક્રોસોફ્ટમાં સંવેદના અને સહાનુભૂતિ કાર્યસંસ્કૃતિ બની ગઈ છે. કદાચ એટલા માટે જ આ કંપની ૫૯૩.૧૫ અબજ ડોલરની માર્કેટ વેલ્યુ સાથે ગ્લોબલ ટેક કંપની તરીકે આળસ મરડીને ફરી પાછી બેઠી થઈ છે. વર્ષ ૨૦૧૪માં સત્યા નડેલા માક્રોસોફ્ટના જ્યારે સીઈઓ તરીકે આવ્યા ત્યારે સૌથી પહેલું કામ તેમણે માઈક્રોસોફટ કંપનીની કાર્યસંસ્કૃતિને બદલીને સંવેદનાસભર સંસ્કાર આપવાનું કર્યું. સવા લાખ જેટલા કર્મયોગીઓની ફોજ સાથે આજે માઈક્રોસોફ્ટની સંવેદનાસભર સંસ્કૃતિ વિશ્વભરમાં ટોપ પરફોર્મર તરીકે જાણીતી છે.  
સવાલ એ થાય કે હૈદરાબાદથી આવેલો મૃદુભાષી સીધોસાદો એક નવયુવાન માઈક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીમાં આ કક્ષા સુધી કેવી રીતે પહોંચ્યો ? એવું તો શું કારણ છે કે, સત્યાને વિશ્વભરમાં એક અલગ ઓળખ મળી છે. આજે સમસ્ત વિશ્વમાં સત્યાની સંવેદનાને સમજવાની કોષિશ થઇ રહી છે. સત્યાનું બાળપણ એક અત્યંત સામાન્ય પરિવારમાં પરંતુ ખુશહાલ રીતે વીત્યું. નૈતિકતા અને મૂલ્ય આધારિત જીવન એના પરિવારનું સૌથી મહત્વનું અંગ હતું. સત્યાનો સનદી પિતા બુક્કાપુરમ અને સંસ્કૃતના જાણકાર માતા પ્રભાવતિ દેવીની છત્રછાયામાં વિકાસ થયો. સત્યાને તેની માતા હંમેશા કહેતી કે, ‘ બેટા, હૃદય કહે એ પ્રમાણે કામ કરજે. પોતાની ક્ષમતા મુજબ ગતિ અનુસાર કામ કરજે. કામ ત્યાં સુધી કરજે કે જ્યાં સુધી એ કામમાં મજા આવે. મન લગાવીને કામ કરજે. હેતુ માટે કામ કરને. પછી જોજે જીવનમાં ક્યારેય તું નિષ્ફળ નહીં જાય. ‘ સત્યાએ માતાના આ વચનો હૃદયમાં કંડારીને રાખ્યા છે.
સત્યા સંવેદનાના એવા મુકામ પર પહોંચ્યા છે કે, સૌ કોઈને એના આ ચરિત્રને સમજવા માટે રસ પડે. માઈક્રોસોફ્ટ સીઈઓ તરીકે નડેલાની હંમેશા એવી કોશિષ હોય છે કે, તે દરેક લોકોના વિચાર, તેમની ભાવના અને કાર્યયોજનાઓ હૃદયપૂર્વક સમજી શકે. બિમાર પુત્રના સંવેદનાસભર પિતા હોવાના નાતે પણ સત્યાને હરપળ એવો અહેસાસ થયા કરતો હોય છે કે, માઈક્રોસોફ્ટ ટેકનિકલી એવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકે કે, લોકોના જીવનમાં ઊર્ધ્વગામી બદલાવ આવી શકે. સત્યા નડેલાનું વ્યક્તિત્વ એટલું બધું સૌમ્ય અને સરળ છે કે, પહેલી મુલાકાતમાં એ કોઈને એવો અહેસાસ પણ નથી થવા દેતા કે, એ વિશ્વની કોઈ બહુ મોટી કંપનીના સીઈઓ છે. નડેલા હંમેશા માને છે કે, સમસ્યાઓને દૂર કરવા માટે અને લોકો સાથે જોડાવા માટે ‘ ઈમોશનલ ઈન્ટેલિજન્ટ ‘ સૌથી વધારે કારગત નીવડે છે.
કોઈપણ ઘટના કે વ્યક્તિની વર્તણૂંકના પ્રતિભાવમાં સંવેદનાનું તત્વ સફળતાનું પ્રથમ પગલું છે. સાથે સાથે કોઇ પણ બાબત કે ઘટના ઉપર તરત જ પ્રતિભાવ આપવો પણ યોગ્ય નથી. પરિસ્થિતિનું પૃથક્કરણ કરી વાતને સમજવામાં થોડોક સમય લેવામાં આવે તો ઘટના સાચા અર્થમાં સમજી શકાય. એક વખત ટ્રેનમાં એક ભાઈ એના ૧૫-૧૭ વર્ષના દીકરાને લઈને મુસાફરી કરતાં હતાં. બારીની બહાર જોઈને એમનો યુવાન દીકરો મોટે મોટેથી બોલવા લાગ્યો ‘ જૂઓ પપ્પા, ઝાડ પાછળ દોડે છે ? આ પહાડ પણ કેવા પાછળ રહી ગયા છે...’ યુવાનની આવી વર્તણૂક જોઈને સામે બેઠેલા એક પ્રવાસી ભાઈએ કહ્યું, ‘ મિત્ર, મને લાગે છે કે, તમારા દીકરાની માનસિક સ્થિતિ યોગ્ય નથી. એને કોઈ સારા તબીબને બતાવવું જોઈએ તેવું હું માનું છું. એ કેવી વીચિત્ર વર્તણૂક કરી રહ્યો છે ? ‘
પેલા ભાઈએ પણ બહુ જ વિનમ્રતાથી જવાબ આપ્યો. ‘ હા દોસ્ત. તમારી વાત બિલકુલ સાચી છે એ બહુ અલગ રીતે વર્તી રહ્યો છે. પરંતુ હમણાં પંદરેક દિવસ પહેલાં જ એની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એ જન્મથી જોઈ જ શકતો નહતો અને હવે એ દુનિયા જોઈ શકે છે અને પહેલીવાર ટ્રેનમાં બેસીને મુસાફરી કરી રહ્યો છે એટલે ખુબ એક્સાઇટેડ છે. ‘ આ સાંભળીને સાથી પ્રવાસીના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને અત્યંત ગ્લાની થઈ. એણે દિલગીરી વ્યક્ત કરીને આ ભાઈ અને તેના દીકરા સાથે બેસીને ભોજન કર્યું. આખી આ ઘટનાનું તાત્પર્ય એ છે કે, યુવાનની વર્તણૂંક જોઈને ઘટનાને સમજ્યા વગર કોઈ અભિપ્રાય ઉપર આવી જઈને પ્રતિક્રિયા આપવાથી આખી વાતનું સ્વરુપ બદલાઇ ગયું.
વિશ્વના ટોપ ટેન સીઈઓમાં નવમા સ્થાને છે એવા માઈક્રોસોફટના સત્યા નડેલાની સંવેદનશીલતા તેમને પોતાને અને માઈક્રોસોફ્ટને એક નવી જ ઊંચાઈ આપી છે. મહદઅંશે લોકો સંવેદનસીલ હોય છે. એવું કહેવાય છે કે, સંવેદનશીલ લોકો નબળા મનના હોય છે. જે પોતાની જાતને સમર્થ અને શક્તિશાળી માને છે એ મોટા ભાગે અસંવેદનશીલ હોય છે. એવું પણ જોવા મળે છે કે, કેટલાક લોકો પોતાના માટે ખૂબ સંવેદનશીલ હોય છે. પરંતુ બીજા માટે એ એટલા સંવેદનશીલ નથી હોતા. એનાથી વિપરીત ઘણા લોકો બીજા માટે સંવેદનશીલ હોય છે પણ પોતાના માટે સંવેદનશીલ નથી હોતા. ખરેખર તો જે વ્યક્તિ સંવેદનશીલ નથી એ હૃદયની ઉષ્મા, મનનો આનંદ અને પ્રેમની પરિભાષાથી અજાણ છે. સાચી વાત તો એ છે કે, ભરપુર સંવેદનશીલ બનવું પડે. સંવેદનશીલતા કરૂણાનો પર્યાય છે. કરુણા બે રીતની હોય છે. એક સમજદાર વ્યક્તિની કરૂણા અને બીજી અણસમજુની કરૂણા. કરેલા કાર્યોના પરિણામમાં અણસમજુ કરૂણા ડોકાતી હોય છે. જ્યારે સમજદાર વ્યક્તિની કરૂણાના પાયામાં અજ્ઞાન સામેની કરૂણા હોય છે. સંવેદનામાં વિશ્વાસ હોવો જોઇએ. સંવેદના એ એક એવી શક્તિ છે કે, જે વિરાન થઈ ગયેલી દુનિયામાં પણ આનંદનો પ્રકાશ રેલાવી શકે છે. સંવેદના પથ્થરમાં પણ ભગવાન પેદા કરી શકે છે. સંવેદનહીનતા ભગવાનના બનાવેલા હાડમાસના આ શરીરને પણ પથ્થરદિલ બનાવી નાખે છે.

ધબકાર :
જે વ્યક્તિ પોતાની સમસ્યાઓનું ઠીકરું બીજાના માથા ઉપર ફોડવા તત્પર હોય છે એ અસંવેદનશીલ છે, એ પોતાની મુશ્કેલીઓ ક્યારેય દૂર કરી શકતો નથી.





Friday, 13 December 2019

૨૦મી સદીની બેસ્ટ સેલર બુકની લેખિકા રોલીંગના સંઘર્ષમય જીવનની દિલચશ્પ કહાની


૨૦મી સદીની બેસ્ટ સેલર બુકની લેખિકા રોલીંગના સંઘર્ષમય જીવનની દિલચશ્પ કહાની

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------






જે પુસ્તકની વિશ્વમાં ૪૦૦ મિલિયન નકલો ચપોચપ વેચાઇ ગઇ અને જેના ઉપરથી
આઠ ફિલ્મો બની એને પ્રસિધ્ધ કરવા માટે પહેલાં ૧૨ પ્રકાશકોએ ઇન્કાર કર્યો હતો

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

મારા જીવનમાં જેનો સૌથી મોટો મને ડર હતો એ સાચો પડ્યો. હવે હું આઝાદ થઈ ગઈ છું. આગળ વધવા માટે મારી પાસે ત્રણ જ અમુલ્ય કારણો હતાં. પહેલું કારણ જેને હું અનહદ પ્રેમ કરતી હતી એવી મારી દીકરી જેસીકા, બીજું કારણ મારું ટાઈપરાઈટર અને ત્રીજું કારણ એક મજબૂત વિચાર. આ ત્રણ દમદાર કારણોના પાયા ઉપર મેં મારી મુશ્કેલ જિંદગીને સજાવી અને સવારી અને આગળ વધારી. ’ આ શબ્દો વિશ્વની બેસ્ટ સેલર હેરિ પોટર બુક સીરીઝ લખનાર જે. કે. રોલીંગના છે. એનું આખું નામ જોન કેથલીન રોલીંગ. આખી દુનિયા એને એક અત્યંત સફળ નવલકથાકારના રૂપમાં જુએ છે. પરંતુ રોલીંગનું બાળપણ અને યુવાની ભયાનક મુશ્કેલીઓ અને સંકટોમાં પસાર થયું છે એ બહું ઓછા લોકો જાણે છે.



રોલીંગ કહે છે કે, મહેનત, હિંમત અને લગનથી કલ્પનાઓ સાકાર થઈ શકે છે. ભાગ્ય સાહસિકોના ખોળામાં રમતું હોય છે. એક સંકલ્પ મનુષ્યની સાચી તાકાત બની જતો હોય છે. રોલીંગે પોતાની જાતને બખુબી સમજી છે. એણે સંકટોનો તાકાતથી સામનો કરીને સફળતાની સીડી ચઢી છે. બીજાને જાણવા કરતાં પોતાનામાં પડેલી શક્તિઓને રોલીંગે સુપેરે સમજી છે. જ્યારે વ્યક્તિ બીજાના દમ ઉપર ઉડતો હોય છે ત્યારે પોતાની શક્તિઓથી આસમાન સર કરવાનું હુનર એ ભૂલી જાય છે. હોંશિયાર વ્યક્તિ પોતાના અનુભવોથી તાકાત મેળવે છે. એનાથી પણ વધારે અકલમંદ તો એ કહેવાય કે, જે બીજાના અનુભવો ઉપરથી પણ પદાર્થપાઠ પ્રાપ્ત કરીને આગળ વધે.



જે. કે. રોલીંગે પોતાના દમખમ પર આસમાન સર કર્યું છે. રોલીંગના સંઘર્ષમય જીવનની કહાની ખૂબ દિલચશ્પ અને રોમાંચક છે. ૩૧ જુલાઈ, ૧૯૬૫માં ઈંગ્લેન્ડમાં જોનનો જન્મ થયો. માતા-પિતાના રોજે રોજના કજીયા અને ઝઘડા જોનના બાળમાસન પર શૂળની જેમ ચૂભતા રહેતાં. રાતોની રાતો એ સૂઈ શકતી ન હતી. ટુટીયું વળીને એ ચોંધાર આંસુએ રાતભર રડતી રહેતી. ૧૭ વર્ષે જોને ઘર છોડી દીધું. ઓક્ષફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એણે એન્ટરંસ ટેસ્ટ આપી. અહીં પણ એની કમનસીબીએ એને બરાબર સાથ આપ્યો. એન્ટરંસ ટેસ્ટમાં એ રીઝેક્ટ થઈ. પરિણામે એણે એકસીટર યુનિવર્સિટીમાં અભ્યાસ શરુ કર્યો. ત્યારબાદ એણે માન્ચેસ્ટરના ચેમ્બર ઓફ કોમર્સમાં કામ કરવાનું શરૂ કર્યું.



એક વખત રોલીંગ માન્ચેસ્ટરથી લંડન જઈ રહી હતી. ટ્રેન ચાર કલાક મોડી હોવાથી તે રેલવે પ્લેટફોર્મમાં પર બેઠી હતી. એના મનમાં જાદુગરીનો અભ્યાસ કરતાં એક નાનકડા બાળકની વાર્તાના પ્લોટે આકાર લીધો. લંડન પહોંચીને એણે આ વાર્તાના પ્લોટને કાગળ ઉપર ઉતારવાની શરૂઆત કરી. લેખન કાર્ય શરૂ કર્યું એના થોડા સમયમાં જ રોલીંગની માતાનું મૃત્યું થયું. એ અત્યંત દુખી થઈ ગઈ. લેખન કાર્ય અટકી ગયું. માના મૃત્યુના દુખને ભુલવા માટે એણે ફરી પાછી કલમ ઉપાડી લખવાની શરૂઆત કરી.



આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ હતી. એણે પોર્ટુગલ જઈને અંગ્રેજીની શિક્ષિકા તરીકે નોકરી કરીને જીવન નિર્વાહ શરૂ કર્યો. નોકરીનો સમય સાંજનો રાખ્યો અને દિવસ દરમિયાન લેખન કાર્યમાં એ વ્યસ્ત રહેતી. એ જ સમયગાળામાં એને પોર્ટુગલમાં જ્યોર્જ નામના એક જર્નાલિસ્ટ સાથે પ્રેમ થઈ ગયો. ૧૬, ઓકટોબર ૧૯૮૨માં જ્યોર્જ અને જોને લગ્ન કર્યા. વર્ષ ૧૯૯૩માં એક દીકરી જન્મી. જોન બાળપણમાં જેસીકાની આત્મકથા વાંચીને ખૂબ પ્રભાવિત થઈ હતી. એણે જેસીકાના તમામ ઉપન્યાસ વાંચ્યા હતા. એણે દીકરીનું નામ પણ જેસીકા જ રાખ્યું. મુશ્કેલીઓ રોલીંગનો પીછો જ છોડતી ન હતી. જ્યોર્જ સાથે સહજીવન બરાબર ન ચાલતાં એણે જેસીકાના જન્મ બાદ ૧૯૯૩માં જ્યોર્જ સાથે છૂટાછેડા લઇ લીધાં. જોન જસીકાને લઈને એની બહેનના ઘરે જતી રહી. જો કે આ સમગ્ર સમયગાળા દરમિયાન રોલીંગે હેરી પોટરના ત્રણ પ્રકરણો તો પુરા કરી દીધા હતાં.



એક બાજુ લગ્ન વિચ્છેદ, બીજી બાજું કામનો અભાવ વળી નાનકડી દીકરીની જવાબદારી અને આર્થિક મુશ્કેલીઓ. ચારેબાજુથી ઘેરાયેલી રોલીંગ અત્યંત ડિપ્રેસ થઈ ગઈ હતી. એક તબક્કે તો આપઘાત કરવાનો કુવિચાર પણ તેને આવી ગયો. ફૂલ જેવી જેસીકાને જોઈને એનું મન પાછું પડી ગયું. લેખન કાર્ય તો સતત ચાલતું જ રહ્યું. હેરી પોટર સીરીઝનું પહેલું પુસ્તક ‘ હેરી પોટર એન્ડ ધ ફીલોસોફર્સ સ્ટોન ’નું લેખન કાર્ય પૂર્ણ થયું. એના જુના ટાઈપરાઈટર ઉપર ટાઈપ કરીને આ પહેલી નવલકથા પ્રસિદ્ધ કરવા માટે પહેલાં ૧૯૯૫માં એણે ૧૨ પ્રકાશકો પાસે મોકલી. કમનસીબીની ચરમસીમા તો એ હતી કે આ તમામ પ્રકાશકોએ એના પુસ્તકને છાપવાનો સોય ઝાટકીને ઈનકાર કરી દીધો. બરાબર એક વર્ષ પછી બ્લુમ્સ બેરી પ્રકાશન હાઉસે ‘ હેરી પોટર એન્ડ ધ ફીલોસોફર્સ સ્ટોન ’નું પ્રકાશન કરવાનું નક્કી કર્યું. પરંતુ પ્રકાશન કરતાં પહેલાં પ્રકાશકે રોલીંગને સલાહ આપી કે, ‘ તું લેખન કાર્ય છોડીને કોઈ બીજું કામ શરૂ કરી દે તો સારું. ‘ ૨૬ જૂન ૧૯૯૭માં આ પુસ્તક રીલીઝ થયું. અને પછી તો આ પુસ્તકે ઇતિહાસ સર્જ્યો. ૨૦૦૧માં રોલીંગે ડો. નીલ મુરે સાથે બીજા લગ્ન કર્યાં. ૨૦૦૩માં પુત્ર ડેવીડ ગોર્ડનને જન્મ આપ્યો. રોલીંગના બીજા લગ્ન પણ સફળ ન રહ્યાં.



રોલીંગે જિંદગીની ઝંઝાવાતોની સામે બાથ ભીડીને પણ તેનું લેખન કાર્ય સતત ચાલુ રાખ્યું. એક પછી એક હેરિ પોટરના સાત પુસ્તકોની સીરીઝ લખાઈ. એની ઉપરથી આઠ બ્લોક બસ્ટર ફિલ્મો બની. હેરી પોટર સીરીઝની ૪૦૦ મિલિયનથી વધુ નકલો વેચાઇ. ૨૦મી સદીમાં સૌથી વધુ વેચાયેલા પુસ્તકમાં હેરી પોટરની ગણના થાય છે. જોકે ડેન બ્રાઉનની ‘ધ વિંચી કોડ’ હેરી પોટર કરતા એક કદમ આગળ છે. એક બિલિયન ડોલર રોલીંગને હેરિ પોટર સીરીઝમાંથી પ્રાપ્ત થયાં. રોલીંગ ઈંગ્લેન્ડની મહારાણી કરતાં પણ વધુ સંપત્તિવાન બની ગઈ. રોલીંગ ગરીબાઈમાંથી આગળ આવી હોવાને કારણે ગરીબોના દુ:ખ દર્દને એણે સુપેરે અનુભવ્યાં હતાં. એણે ૧૬ કરોડ ડોલર ચેરીટીમાં આપી દીધા. સફળ બનવા માટે માત્ર એક ટેલેન્ટ કાફી છે. રોલીંગ પાસે લખવાની કળા હતી. આ કળાને ઓળખવાની એનામાં શક્તિ હતી. જેને પોતાની ટેલેન્ટ પર વિશ્વાસ છે એને લક્ષ્ય સુધી પહોંચતા કોઇ રોકી શકતું નથી. રોલીંગની કહાની જોઇને પેલી પ્રચલિત પંક્તિ યાદ આવે કે, ‘મંજીલ ઉસી કો મિલતી હે, જીન કે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોંસલે સે ઉડાન ભરી જાતી હૈ...’
સફળ થવાવાળો વ્યક્તિ હંમેશા પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ રાખતો હોય છે. જ્યારે હારવાવાળો વ્યક્તિ નકારાત્મકતાના ઘેરામાં સપડાયેલો હોય છે. કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોય એ એટલા માટે આશીર્વાદરૂપ હોય છે કે, વ્યક્તિ એનામાં પડેલી શક્તિઓના આધારે કોઈપણ કામ કરી શકે છે. મેડિકલનો અભ્યાસ કરનારો વ્યક્તિ તબીબ જ બને અને એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો વ્યક્તિ એન્જિનિયર જ બને. પરંતુ કોઈપણ ડિગ્રી વગરનો યુવાન કદાચ ઉત્કૃષ્ટ ફોટોગ્રાફર, સફળ ચિત્રકાર કે પ્રસિધ્ધ લેખક પણ બની શકે. હારવાવાળા લોકો સામાન્ય રીતે ભાગ્યમાં વિશ્વાસ રાખે પણ પાક્કા ઇરાદાવાળા લોકો પરિણામમાં વિશ્વાસ રાખતા હોય છે. સફળતા એ માત્ર એક સંયોગ નથી, સફળતા તો વ્યક્તિના પોતાના દ્રષ્ટિકોણ ઉપર અવલંબિત હોય છે. દ્રષ્ટિકોણ વ્યક્તિ પોતાની જાતે પસંદ કરતો હોય છે. મરેલી માછલીઓ પાણીના વહેણમાં તણાઈ જતી હોય છે પરંતુ જીવીત માછલીઓ ધસમસતા પ્રવાહમાં પણ પોતાનો માર્ગ જાતે શોધી કાઢે છે. વ્યક્તિએ પોતાની ક્ષમતાઓને જાતે જ ઓળખવાની હોય છે. રોલીંગ જેવા વ્યક્તિઓમાં એકલા ચાલવાની અને મુશ્કેલીઓ સામે બાથ ભીડવાની હિંમત હતી એટલે એક દિવસ એવો આવ્યો કે એની પાછળ હજારો લાખો લોકો જોડાતા ગયાં.
ચાઈનીઝ તત્વચિંતક કન્ફ્યુસીએસ કહે છે કે, ક્યારેય ન પડવામાં મહાનતા નથી પણ જેટલી વાર પડીએ એટલી વાર બમણી તાકાતથી ઊભા થઈને આગળ વધવામાં મહાનતા છે. સફળ થવાની રાહ જોવા કરતાં જ્યાં બેઠા છીએ ત્યાંથી ઊભા થઈને એક ડગલું મંડાય એ સાચી સમજ છે. કોઈપણ કામ શરૂ કરતા પહેલા પોતાની જાતને વ્યક્તિએ ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ. આ કામ હું શા માટે કરું છું ? આ કામનું શું પરિણામ આવશે ? આ કામમાં હું સફળ થઈશ કે કેમ ? અને જો આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર સંતોષકારક મળે તો આંખો મીંચીને આગળ વધી જાવું જોઈએ. એક સફળ બીઝનેસમેન અને એક સારા વિચારક ડેલ કંપનીના સીઈઓ માઈકલ ડેલે સફળ થવાની ચાવી આપતાં કહ્યું છે કે, સફળ થવા માટે અત્યંત ગુણવાન, દિવ્યતાપૂર્ણ શક્તિઓ અથવા બહુ વધારે ઉચ્ચ અભ્યાસની જરૂરી નથી. સફળ થવા માટે તો એક સારી સમાયોજન અને સપનાની જરૂર છે.

ધબકાર :
ખબર નથી પડતી કે લોકો દુઃખથી કેમ ડરે છે ? જીવનની શરૂઆત જ રડવાથી થઈ છે.



Thursday, 5 December 2019

જ્યારે પત્નિ કે પતિ નમે છે ત્યારે એમાં લાચારી કરતાં ખાનદાની વધુ હોય છે


જ્યારે પત્નિ કે પતિ નમે છે ત્યારે એમાં લાચારી કરતાં ખાનદાની વધુ હોય છે

જેફ બેઝોસ. આ નામ પડે એટલે બીઝનેસ વર્લ્ડના બીગ ટાયફુનની આર્થિક તાકાત કહાની યાદ આવે. એમેઝોનના માલિક જેફ બેઝોસ મલ્ટી બિલિયોનર છે. હમણાં હમણાં જેફ બેઝોસ બિજનેસ કરતાં એના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. મેકેન્ઝી સાથે જેફના લગ્નનો અઢી દાયકા પછી અંત આવ્યો. મેકેન્ઝીને જેફની સંપત્તિનો એક ચતુર્થાંસ ભાગ મળ્યો. લગભગ ૩૫ બિલિયન ડોલર મેકેન્ઝીને મળ્યાં. ભારતીય ચલણમાં જો એને કન્વર્ટ કરવામાં આવે તો આ આંકડો ૨૪ ટ્રીલીયન રૂપિયાથી પણ વધારે થાય. સ્વાભાવિક રીતે જ મેકેન્ઝીની રાતોરાત વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં ગણતરી થવા લાગી. મેકેન્ઝી અત્યારે ૪૮ વર્ષની છે. મેકેન્ઝીએ એમેઝોનના મસ મોટા એમ્પાયર પાછળ પણ મજબૂત ભૂમિકા ભજવી છે.
વાત કરવી છે લગ્નવિચ્છેદથી મેકેન્ઝીને મળેલાં રૂપિયા કરતાં બે વ્યક્તિની સંવેદના વચ્ચે પડેલી તિરાડની. કહે છે કે, લગ્ન સાત જન્મોનું બંધન છે. ઘણીવાર એવું પણ બને કે, સાત મહિનામાં જ સહજીવન જેલ જેવું લાગવા લાગે છે. આની પાછળ સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ સંયુક્ત પરિવારની ભુસાતી પરિભાષા છે. સંયુક્ત પરિવાર એક બીજાને એક સાથે બાંધી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. પતિ અને પત્નિ સિવાય પરિવારના અન્ય સભ્યોની લાગણી, માગણી અને સાથ અસર કરતાં હોય છે. નાની નાની વાતોમાં થતાં ડિફરન્સ ઓફ ઓપિનીયન સંયુક્ત પરિવારને કારણે નગણ્ય બની જતાં હોય છે. વધારે પડતી અપેક્ષાઓ એકલતામાં ફુલીને  મોટી બની જતી હોય છે. જવાબદારી અને એકબીજા પ્રતિ સન્માનનો અભાવ છુટાછેડાના પાયામાં હોય છે.
લગ્નવિચ્છેદ, તલાક, છૂટાછેડા, ડિવોર્સ આ શબ્દો જ અત્યંત પીડાદાયક અને ત્રાસ આપનારા હોય છે. તેનાથી કોઈને પણ આનંદ ન જ મળે. એવું તો શું કારણ હોઈ શકે કે કોઈની પણ હસતી ખેલતી જિંદગીમાં તલાકનું ઝહેર ફેલાઈ જાય. ડિવોર્સના વધતા જતાં કિસ્સા ચિંતાજનક છે. છેલ્લા ૧ દાયકામાં વિશ્વમાં છૂટાછેડાના કિસ્સાઓમાં ૫૬ ટકા જેટલો વધારો નોંધાયો છે. ગામડાં કરતાં મહાનગરોમાં છૂટાછેડાની સમસ્યા વધુ વિકરાળ બની છે. દિલ્હી, કલકત્તા, મુંબઈ જેવા મેટ્રો સિટીઝમાં પ્રતિદિન ૧૦ હજાર લગ્નવિચ્છેદના કિસ્સા જોવા મળે છે. દેશમાં પ્રતિ ૧૦૦ લગ્ને એક લગ્નનો વિચ્છેદ થતો હોય છે. રશિયામાં સૌથી વધુ છૂટાછેડા થતાં હોય છે. બીજા ક્રમે બેલારુસ અને ત્રીજા ક્રમે યુક્રેન આવે છે. મજાની વાત એ છે કે, સ્વીડનમાં વાર્ષિક ફક્ત ૧૫ છૂટાછેડાના કિસ્સા નોંધાય છે. પણ એની પાછળનું કારણ ૫૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓએ લગ્ન જ નથી કર્યાં.
એકમેકનો સાથ છોડવાના કિસ્સાઓમાં વર્ષ ૨૦૧૩ની સરખામણીએ આજે જબરજસ્ત ઉછાળ આવ્યો છે. બૌદ્ધ ધર્મીઓમાં ૩૪ ટકા છુટાછેડાના કિસ્સા વધ્યા છે. જ્યારે હિન્દુઓમાં ૪૦ ટકા અને મુસ્લિમોમાં ૩૯ ટકા તલાકના કિસ્સા વધ્યા છે. વ્યક્તિના વિકાસ માટે સંબંધ અને લાગણી બે મહત્વના અંગો છે. કોઈપણ સંબંધ વિશ્વાસ કરતાં સમજણ ઉપર વધુ ટકેલો હોય છે. સંબંધને સાચવવા માટે પત્નિ કે પતિ નમે છે ત્યારે એમાં લાચારી કરતાં ખાનદાની વધુ હોય છે. સંબંધો સંભાળાય ત્યારે જ તે વિકાસ પામી મોટા બનતાં હોય છે. વ્યક્તિ, વસ્તુ અને વાતનો સહજ સ્વિકાર થાય ત્યારે સંબંધોની સુવાસ વધુ મહેકતી હોય છે.
આર્થિક તાકાતથી ક્યારેય સમજ પેદા થતી જોવા નથી મળી. મેકેન્ઝી અને જેમ્સ જેવા સંપન્ન પરિવારમાં થયેલા વિચ્છેદ જેવા જ ઋતિક રોશન અને સુઝાન ખાન, પ્રભુ દેવા અને રામલતા, કરિશ્મા કપુર અને સંજય, સ્ટીવ અને એલેઈન, રુપર્ટ મર્ડોક અને એન્ના ટોર્વ જેવા અનેક પ્રતિષ્ઠિત  ડિવોર્સ કેસ છેલ્લા દાયકામાં જોવા મળ્યા છે. આવા કિસ્સાઓમાં સંપત્તિ કરતા સમજનો અભાવ વધુ કારણભુત હોય છે.
ફિલિપીન્સ દેશની વાત અનોખી છે. આ દેશમાં નાગરિકોને  ડિવોર્સ લેવાની પરવાનગી નથી. ફિલિપીન્સ કેથલીક દેશના જૂથનો એક ભાગ છે જ્યાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. લોકો મજાકમાં એવું પણ કહેતાં હોય છે કે ફિલિપીન્સ માને છે કે, અહીં લાસવેગાસ જેવી સ્થિતિ ન હોવી જોઈએ કે જ્યાં સવારે લગ્ન થાય અને સાંજે ડિવોર્સ થાય. જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક પ્રદેશના મૂળ નિવાસીઓમાં મહિલાઓની પાસે છૂટાછેડા લેવા માટે એક અનોખી રીત હોય છે. જો મહિલા અન્ય કોઈ સાથે ભાગીને લગ્ન કરી લે તો અગાઉ લગ્ન આપોઆપ રદ થઈ જાય. મીસીસીપ્પીમાં પતિ અથવા પત્ની ઉપરાંત કોઈ ત્રીજી વ્યક્તિને તેમના લગ્ન તૂટવામાં જવાબદાર માનવામાં આવે તો તેને ભારે દંડ ભરવો પડે છે. ન્યુ મેક્સિકો અને મીસીસીપ્પી સહીત અમેરિકાના સાત રાજ્યોમાં આ વાત લાગુ પડે છે.
બ્રિટનમાં રહેતાં માર્કને જ્યારે એની પત્નીની બેવફાઈની ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે જો એ ફરી વખત આવું કરશે તો હું એનું દુખ સહન નહીં કરી શકું. તેથી તેણે ડિવોર્સ લઈ લીધા પરંતુ તે તેની પત્ની સાથે ગાળેલાં સમયને ભૂલી ન શક્યો. એ કહે છે કે, ‘સામાન્ય રીતે મારા મિત્રો અને લોકો મને સાંત્વના આપવા માટે મારી પત્ની વિશે કંઈને કંઇ ખરાબ બોલે જેથી મને દિલાસો મળે એવું એ લોકો વિચરતા. પરંતુ ખરેખર તો એ સાંભળીને મને દિલાસો મળવા કરતાં દુખ વધારે થતું.’ આનો મતલબ એ થાય કે, બે વ્યક્તિઓની સંવેદના અને સાથે ગાળેલા સમયની યાદોનું મોટું ચક્ર ક્યારેય તુટતું નથી બલ્કે એ છૂટા થયા પછી વધુને વધું મોટુ બનતું હોય છે.
સંબંધોનું પોત પાતળું પડી રહ્યું હોય એવું કેમ અને ક્યારે લાગે છે. લગ્નજીવનના સંબંધો વિખરાઇ જવાં પાછળના કેટલાક પરિબળો સમજવાં જેવાં છે. આજના જમાનામાં પુરુષ અને મહિલા બન્ને વધુ પ્રોફેશનલ બન્યા છે. વળી મહિલાઓ આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર અને વધુ સંપન્ન બની છે. પરિણામે આપસી મતભેદનું પ્રમાણ વધતું જાય છે. આર્થિક શક્તિઓ વધતાં સ્વાભાવિક રીતે જ મોડર્ન લાઈફ સ્ટાઈલ અને આઝાદ રહેવાની ચાહત વિસંવાદિતતાનું કારણ બનતાં હોય છે. મોડર્ન લાઈફ સ્ટાઈલમાં સહનશિલતા અને સમજ દિન-પ્રતિદિન ઘટતા જાય છે. સંબંધોમાં જ્યારે આર્થિક કે સામાજિક ફાયદો જોવામાં આવે ત્યારે તેમાં અવશ્ય વિક્ષેપના બીજ રોપાય વગર ન રહે છે. સંબંધો વિશ્વાસ અને ભરોસાના પોત ઉપર પનપતાં હોય છે. પતિ-પત્નીના સંબંધ અણમોલ છે. પૈસા વગર જ્યાં સુખ પ્રાપ્ત થતું હોય એ ક્ષેત્ર સંબંધોની સુવાસ ફેલવાનું કામ કરતું હોય છે.
પોતાના સેન્સેસન, ઈમોશન, બોડી વગેરે જેની સાથે દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી શેર કર્યા છે. એનાથી અલગ થવાનો નિર્ણય કરતી વખતે યાદોનું બહુ મોટું જંગલ ઊભું થઈ જતું હોય છે. એવું કહેવાય કે મૃત્યુ માણસની મેમરીને વધુ સ્ટ્રોંગ બનાવે છે. છૂટાછેડા પણ માણસની એકબીજાની સાથેના સહવાસની યાદોને વધુ મજબૂતાઈથી જકડતી હોય છે. ડિવોર્સ એ યાદોની માયાજાળને વધુ વકરાવવા વ્યક્તિએ જાતે સ્વીકારેલુ સ્વૈચ્છિક મૃત્યુ છે. જ્યારે વ્યક્તિ એના પાર્ટનરથી અલગ થવાનું વિચારે ત્યારે એની સ્મૃતિઓની તસવીરને પીંખવાનું એ પોતે જાતે નક્કી કરે છે.
લાગણીઓની મીઠાશ પ્રેમમાં ચરમસીમા પર હોય. વ્યક્તિ જ્યારે પ્રેમમાં હોય ત્યારે એવું લાગે કે, પંખી એમના માટે જ ગાય છે, રંગબેરંગી ફૂલ એમના માટે જ ખીલીને સુવાસ પ્રસરાવે છે. આસમાનના વાદળો એમના અરમાનો સાથે દોડે છે. ખરેખર તો વ્યક્તિની અંતરમનઃસ્થિતી પ્રેમસભર છે એટલે આ બધુ સુંદર અને આહલાદક લાગે છે. સો વાતની એક વાત એ છે કે, પ્રેમ વ્યક્તિના હૃદયમાં છે. એના પરિણામે બહારની તમામ વસ્તુમાં આનંદ આવે છે. વ્યક્તિના મન અને હૃદયમાં વિકસતા પ્રેમનું અંકુર દુનિયાને વધુ રંગીન અને હસીન બનાવે છે. બીજી કોઇ વ્યક્તિ તમારા હૃદયની સંવેદનાઓ જગાડવાની ચાવી તરીકે કામ કરતી હોય છે. જો ખરેખર વ્યક્તિ જાગૃત બનીને વિચારે કે, જ્યારે કોઈ તાળું જ નથી તો આવી બાહ્ય ચાવીઓની જરૂર જ ક્યાં છે ? રોજ સવારે આંખ ખુલે ત્યારે ઉત્સાહ, આનંદ અને મોજનો મહાસાગર ઉમડે તો બહારના કોઈ અવલંબનની જરૂર જ ક્યાં છે ? જ્યારે ખુશી બીજાઓ પાસેથી પ્રાપ્ત કરવાની આદત પડી જાય ત્યારે લાંબા સમયે આવો ‘લવ અફેર’ કંટાળાજનક અને ત્રાસદાયક બનવા લાગે છે. આનંદ કે દર્દ બીજી કોઈ વ્યક્તિ પાસેથી ક્યારેય મળતું નથી. એનું ઉદભવ સ્થાન વ્યક્તિના પોતાના હૃદયમાં જ હોય છે.
એક સાદી વાત છે કે, બે વ્યક્તિ વચ્ચેની સમજને તોડવી એટલે ડિવોર્સ. આમ પણ સંબંધો ક્યારેય સ્થાયી નથી હોતાં. સંબંધોમાં સતત બદલાવ આવતો હોય છે. પ્રતિદિન એમાં પરિવર્તનો થતાં હોય છે. પરિવર્તનશીલતા એ સંબંધોની વાસ્તવિકતા છે. સંબંધો ક્યારેય સ્થાયી રહી શકતા નથી. સ્થાયી સંબંધો માત્ર નિર્જીવ સાથે હોય છે. સંબંધો તો ખળખળ વહેતા ઝરણાંના પાણી જેવા પ્રતિપળ બદલાતા રહે છે. એમાં મોજથી વહેવાનું હોય. એક વાર સંબંધ બંધાય પછી એ ક્યારેય ભૂલી શકાતો નથી. કદાચ વાત કરવાનું અટકે તો પણ આંખના એક ખૂણામાં એ સદાય ખટકતો રહે છે અને કદાચ આંખમાંથી ખટકવાનું છટકે તો યાદોમાં તો હંમેશા રહે છે.

ધબકાર :
ખુલાસો કરવો ગુનો નથી, ખોટી સમજણના પડળોમાં પડ્યા રહેવું એ ગુનો છે.