Tuesday, 16 July 2019

FBના આળસુ મનોરંજનની દુનિયામાંથી બહાર આવવાનો સમય પાકી ગયો છે


FBના આળસુ મનોરંજનની દુનિયામાંથી બહાર આવવાનો સમય પાકી ગયો છે

     આજની પેઢીમાં બેશુમાર વંચાતા અને વિશ્વભરમાં લોકપ્રિય અંગ્રેજી સાહિત્યના લેખક કાજુઓ ઇશિગુરાના ઉપન્યાસોમાં માનવીય સંવેદનાઓ અને લાગણીશીલતાની અભિવ્યક્તિની તાકાતના અદભુત દર્શન થતા હોય છે. એમણે માનવીય ભ્રમણાઓ અને સંવેદનાના સ્પંદનો સુંદર રીતે રજુ કર્યા છે. ૧૯૫૪માં જન્મેલા ઇશિગુરા તેમની લઘુકથાઓ અને નવલકથાઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના જે શહેરમાં અણુબોમ્બ ઝીંકાયો હતો તે નાગાસાકીમાં જન્મેલા ઇશિગુરા પરિવાર છ વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ આવીને વસી ગયું હતું. વર્ષ ૨૦૦૮માં ધ ટાઈમ્સેએમને ૫૦ મહાન બ્રિટિશ લેખકોની યાદીમાં સમાવિષ્ટ કરેલા. ૨૦૧૭માં સાહિત્યના નોબલ પારિતોષિક માટે ઇશિગુરાને પસંદ કરવામાં આવ્યા.



     કાજુઓ ઇશિગુરા એટલે યાદ આવે છે કે, એમની લેખિનીમાં માનવીય સંવેદના અને જીવનની સફળતાના પાસા વર્તાય છે. આજનો યુગ ઝપડનો યુગ છે. દરેક વ્યક્તિને ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાની અભિવ્યક્તિને હજારો લાખો લોકો સુધી પહોંચાડવાની અજબની એક હોંશ હોય છે. વિશ્વના સૌથી યુવાન બિલિયોનર માર્ક ઝકરબર્ગે જ્યારે ફેસબુક એપ્લિકેશન બનાવી ત્યારે એને ખુદને કલ્પના પણ ન હતી કે એની આ એપ્લિકેશન આટલી જલ્દી આખી દુનિયા માટે હાર્ટથ્રોબબની જશે. આજે જો કોઈ એમ કહે કે, તે એફબી ઉપર નથી તો જાણે કે એ બે સદી પાછળ જીવતો ન હોય એમ એને લોકો આશ્ચર્યની નજરે જોવા લાગે. દુનિયામાં પ્રતિ સાત વ્યક્તિએ એક વ્યક્તિ એફબીથી જોડાયેલો છે. કદાચ વાચકબંધુઓમાંથી પણ ઘણા એફબી ઉપર હશે.



     ફેસબુક માનવીય સંવેદના વ્યક્ત કરવાનું હાથવગુ સરળ પ્લેટફોર્મ છે. વળી અભિવ્યક્તિનું એક ઉત્તમ અને ઝડપી સંસાધન પણ છે. ઇશિગુરાએ ફેસબુક વિષે વાત નથી કહી પણ ઈશિગુરાના લેખનની સાથે એફબીની વાત સહજ રીતે સંલગ્ન થતી હોય એમ લાગે છે. ફેસબુકને માનવીય સ્પંદનો ઝીલતું અને વહેવડાવતું અનોખુ આધુનિક પરિમાણ કહી શકાય. પણ શું આ હાથવગા સરળ સંસાધનના ઉપયોગમાં વિવેકપૂર્ણતા રખાય છે ખરી ? આ પ્રશ્ન પ્રત્યેક એફબી યુઝરે પોતાની જાતને નિખાલસતાપૂર્વક પુછવો જોઈએ.
     એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તાજેતરમાં કરેલા અભ્યાસના તારણોમાં જણાવ્યું છે કે, જે વ્યક્તિ દિવસમાં ૩૦ મિનિટથી વધુ ફેસબુકનો ઉપયોગ કરે છે, તો તે એફબી એડિક્ટ છે. જે વ્યક્તિ પોતાના બિઝનેસને પ્રમોટ કરવા માટે કે કચેરી કામના હિસ્સા તરીકે ફેસબુકનો બે-ચાર કલાક માટે ઉપયોગ કરે છે તે સમજી શકાય એવી બાબત છે. પરંતુ જે વ્યક્તિ ચોક્કસ ધ્યેય વગર ફેસબુક ઉપર દિવસનો ૩૦ મિનિટથી વધુ સમય પસાર કરે છે એ વ્યક્તિ એફબી એડિક્ટની વ્યાખ્યામાં આવે છે. એમ પણ કહી શકાય કે, તે કોઈ નિશ્ચિત લક્ષ્ય વગર નિરર્થક તેના મગજનો ઉપયોગી અને મહત્વની જગા એફબીથી ભરી રહ્યો છે. તેથી એવું માનવાનું સબળ કારણ બને છે કે, આવા વ્યક્તિઓ પોતાના જીવન કરતાં બીજાની જિંદગીમાં વધુ રસ લેવાવાળા પંચાતીયા લોકો છે.



     હવે પ્રશ્ન એ થાય કે સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવવામાં જેનો સિંહફાળો છે એવા ફેસબુકની નકારાત્મક બાજુ વળી કઈ છે ? તો એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે એફબી વ્યક્તિને ખુલવાનો અવસર આપતો મજાનો મંચ જરૂર છે, જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો. પરંતુ જો એનો મર્યાદા બહાર ઉપયોગ થવા લાગે તો એ ભયાવહ પરિણામોની જન્મોત્રી બની જાય છે.
     વ્યક્તિની ખુશી ફેસબુક ઉપર એણે મુકેલી પોસ્ટ કે પીકને લાઈક કરવાવાળાની સંખ્યા ઉપર અવલંબિત થતી ગઈ છે. એફબી પોસ્ટ ઉપર કેટલી કોમેન્ટ આવી, કેટલાએ એને આવકારી, કેટલાએ નેગેટીવ રિમાર્કસ આપી વગેરે આંકડાકીય માયાજાળ સુખ-દુઃખનું પેરામીટર બનવા લાગ્યું છે. કહેવાનો અર્થ એ નથી કે બધા જ એફબી યુઝર્સ સાથે આમ બને છે પણ મોટાભાગના લોકોની ખુશી ફેસબુકના લાઈક અને કોમેન્ટ બોક્સમાંથી જ વછૂટતી હોય છે.



     એક મિત્ર ફેસબુકના એવા બંધાણી થઈ ગયા છે કે, દિવસમાં જ્યાં પણ જાય ત્યાં એક સેલ્ફી પાડી એફબી વોલ ઉપર ચિપકાવે નહીં ત્યાં સુધી એમને ચેન ન પડે. જો કોઈ દિવસ ક્યાંય ન ગયા હોય તો એમના ડ્રોઈંગરૂમમાં બેઠા કોઈ પુસ્તક વાંચતો ફોટો કે વરસાદમાં પલળતા હોય એવી તસવીર પણ એ ફેસબુક ઉપર મૂકી દે છે. નાના મોટા કોઇ પણ કાર્યક્રમમાં જાય તો કાર્યક્રમમાં હાજર મંચસ્થ મહાનુભાવ સાથે તસવીર પડાવી એને ફેસબુક વોલ ઉપર અપલોડ કરી દે. કશું જ ન હોય તો બે-ચાર સુવાક્યો કલરફુલ રીતે મૂકી દે. મનોચિકિત્સકો આ પ્રકારની મનોદશાને ડિપ્રેશનની શરૂઆતનો તબક્કો માને છે. ફેસબુક ઉપર પોતાની અંગત ખુશી અને દુઃખની વાતો મૂકવી અને અન્યની અંગત જિંદગીની વાતોમાં ડોકીયા કરવાની ઉત્કંઠા અંતે તો માનસિક બિમારીને નિમંત્રણ માત્ર છે.
     એક ભાઈએ હૃદયનો ઊભરો ઠાલવતા કહ્યું કે, ‘હું તો ફેસબુક ફ્રેન્ડસમાં હવે માનતો જ નથી. મેં ફેસબુક એકાઉન્ટ આજથી બંધ જ કરી દીધું છે.’ આ ભાઈની આ અત્યાંતિક વાત પાછળની ઘટના પણ સમજવા જેવી છે. એમના પાંચ હજાર ફેસબુક ફ્રેન્ડ હતા. એમની કોઈપણ પોસ્ટને એકાદ હજાર એફબી ફ્રેન્ડસ લાઈક મળતી અને સોથી બસો એફબી ફ્રેન્ડસ એની ઉપર કોમેન્ટ આપતા. એમને હાર્ટ એટેક આવ્યો. ભાઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. એ વાત પણ એમણે એમની એફબી વોલ ઉપર મૂકી. સેંકડો એફબી મિત્રએ કોમેન્ટમાં સાજા થવાની શુભેચ્છાઓ લખી. કોઈ ફેસબુક ફ્રેન્ડે એમને મળવાની કે રૂબરૂ આવી એમની સારવારમાં દિલચશ્પી ન દાખવી. હોસ્પિટલમાં એમની સાથે એમના પત્ની અને સ્કૂલના બે મિત્રો ખડે પગે ઊભા રહ્યા. મજાની વાત તો એ હતી કે, જે બે મિત્રો હોસ્પિટલમાં એમની પડખે ઊભા રહ્યા એ એમના ફેસબુક ફ્રેન્ડ ન હતા.
     સોશિયલી કનેક્ટ છીએ એવો ભ્રામક ખ્યાલ ફેસબુકના યુઝર્સને હોય છે. સાચી વાત એ છે કે આપણે એફબીના ઓવર યુઝથી સોશિયલી ડિસકનેક્ટ થતા જતા હોઈએ છીએ. ઘણા લોકો સવારે ઊઠીને સૌથી પહેલા ગુડમોર્નિંગઅને રાત્રે સુતા છેલ્લે ગુડનાઈટપોસ્ટ મૂકવાનું ચૂકતા નથી. કવિઓ એમના હૃદયની ઉર્મિઓનો ઢગલો ફેસબુક ઉપર ઠાલવે જ જાય છે. જીવનના સૌથી રોમાંચક અને આનંદથી ભરેલા સમયને લોકો એફબીના આળસુ મનોરંજનમાં વેડફી નાખે છે. એફબી યુઝર્સની ડેમોગ્રાફીમાં ટીન્સ અને ટ્વેન્ટીસના યુવા યુઝર્સની સંખ્યા સૌથી વધુ જણાઇ છે. ટીન અને ટ્વેન્ટી યુઝર્સ  એટલે એવા લોકો કે જે સૌથી વધુ ઉર્જાવાન છે. આ ઉર્જાવાન અવસ્થાનો અમુલ્ય સમય જીવન ઘડતરનો સૌથી મહત્વનો તબક્કો છે. યુવાવસ્થામાં વ્યક્તિ સામે જીવનને શેઈપ અપકરવા માટેના ઘણા રસ્તાઓ હોય છે. એફબીના આળસુ મનોરંજનમાંથી આવા ઊર્જાથી લબાલબ ભરેલા ટીનસ અને ટ્વેન્ટીસના યુવામિત્રોએ બહાર આવવું પડશે.
     એફબી ઘોંઘાટભર્યા મોલ જેવુ છે. જેમ મોલમાં થોડો સમય ફરવા જવાય, જે વસ્તુ ગમે એ ખરીદી લેવાય પણ મોલને ઘર સમજી ત્યાં રહેવા ન જવાય. એમ ફેસબુકના મોલમાં થોડો સમય આંટો મારવા જવાય. જે પોસ્ટ ગમે એ લાઈક કે શેર કરાય. એફબીના શોર-શરાબાને ચોવીસે કલાક મનમાં ઘર બનાવી વસવા ન દેવાય. જીવન એફબી ફ્રેન્ડસના અવાજમાં દબાઈ ન જાય એનું ધ્યાન રાખવુ પડે. જીવન ફેસબુકના ઘોંઘાટમાં બહેરું ન થવા દેવાય. ઊર્જાને કશું મોટું, સારું અને શાનદાર કરવામાં લગાવવામાં આવે તો માત્ર એફબી ફ્રેન્ડસ જ નહીં આખી દુનિયા એને LIKE` કરશે અને કોમેન્ટમાં લખશેWow, you have done GR8 Job`

ધબકાર :
જીવનમાં કશું અલગ કરવું છે તો એફબીની ભીડથી જુદા ચાલવું પડે, આ ભીડ સાહસ અને ઉત્સાહ જરૂર આપે પણ ઓળખ ખૂંચવી લે છે.