Thursday, 29 August 2019

બેચેની ભયનો સગો ભાઈ છે

બેચેની ભયનો સગો ભાઈ છે

બે એક સરખી ઘટનાઓ સાથે વાત ઉઘાડવી છે. એક આપણા નગરની વાત છે અને એક બ્રાઝીલના શહેર સાઉ પોલો શહેરની છે.
સમી સાંજનો સાડા છ વાગ્યાનો સુમાર હતો. ઓફિસો છૂટતા માર્ગો ઉપર વાહનોની ભારે ભીડ હતી. એવામાં નગરના એક ચાર રસ્તા પર બે કાર અથડાતા લોકોનું ટોળું ભેગુ થઈ ગયું. માર્ગની બન્ને બાજુ બબ્બે કિલોમીટર લાંબી વાહનોની હકડેઠઠ લાઈનો થઈ ગઈ. કાર તો શું ટુ વ્હીલર પણ તસુભાર ખસી શકે એમ ન હતું.



આ મહા ટ્રાફિક જામમાં અનેક લોકો સાથે વિશાલ પણ તેની કારમાં ‘સ્ટક’ થઈ ગયો હતો. બધા તેમની કારના હોર્ન બેફામ વગાડે જતા હતા. વિશાલ પણ સતત દર બે મિનિટે કારનું હોર્ન વગાડતો હતો. આસપાસનું પાંચેક કિલોમીટરનું વાતાવરણ હોર્નના અવાજોથી જબરજસ્ત કર્કશ બની ગયું. કોઈની પાસે આગળ વધવાનો માર્ગ ન હતો. વ્યગ્રતાપૂર્વક હોર્ન વગાડવા સિવાય એમની પાસે કોઈ ઉપચાર ન હતો.



આવો જ પણ એનાથી થોડો વધુ મોટા ફલક ઉપર બ્રાઝીલનો ટ્રાફિક જામનો કિસ્સો એક મિત્રએ વોટ નોનસેન્સનો વિડીયો વોટ્સએપ ઉપર મોકલીને એના મિત્રને કહ્યું, શું આવી વ્યગ્રતા અને બેચેનીથી કોઈ અર્થ સરે ખરો ?’ વાત જાણે એમ હતી કે થોડા સમય પહેલા બ્રાઝીલના સાઉ પોલો શહેરમાં એકવાર કોઈ કારણસર ત્રણ સો કિલોમીટર લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ. એ દિવસે બ્રાઝિલનું આસમાન હોર્નના અવાજોથી ભરાઈ ગયું હતું. લોકો ગાંડાની જેમ સતત કારના હોર્ન વગાડતા જતા હતા.



આ બે ઘટનાઓના પાયામાં માનસિક વ્યગ્ર પરિસ્થિતિ છે. આપણે માનીએ છીએ કે દુનિયા આપણી મરજી મુજબ ચાલે. પણ દુનિયાની ગતિ અને અંદાજ અલગ છે. જાણીતા અમેરિકન પત્રકાર ઓલિવર બર્કમેન માનસિક બેચેનીનો હલ શોધતા લખે છે કે, રોજીંદા કામને ઝડપથી પુરુ કરવામાં ઉપયોગી થાય અને વ્યક્તિને થોડો આરામ મળે એટલે આધુનિક સમયમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે. વોશીંગ મશીન કપડા જલ્દી ધોઈ નાખે, ડીશ વોશર વાસણો વહેલા ધોઈ નાખે, કાર ઝડપથી પહોંચાડે અને સમય મળે એમા મનને મોજ આવે એવુ કાર્ય કરી શકાય. ટેકનોલોજીએ સાધનો શોધાયા જરૂર પણ બચેલા સમયમાં શાંતિથી મનગમતી પ્રવૃત્તિ થાય છે ખરી ?



ટેકનોલોજીએ કરેલા આવિષ્કારથી જીવન ફાસ્ટ જરૂર બન્યું છે પણ સાથે સાથે વ્યક્તિની બેસબરી પણ બેશુમાર વધતી ગઈ છે. પહેલા સ્કૂટર ઉપર પરિવાર સાથે સામાન્ય રેસ્ટોરંટમાં દૂર સુધી ડીનર માટે જતો વ્યક્તિ આજે પીત્ઝા ડિલીવરી બોય પાંચ મિનિટ મોડો પડે તો અકળાઈ જાય છે. પહેલા બસમાં કે ટ્રેઈનમાં બે-ચાર દિવસે ગામડે પહોંચતા હતા તેમને હવે પ્લેનના બે કલાક પણ વધુ લાગે છે. લેખક જેમ્સ ગ્લિકફાસ્ટરપુસ્તકમાં લખે છે કે, આપણે ઝડપની બિમારીથી પીડાતા લોકો છીએ. લીફ્ટની રાહમાં વારંવાર કોલ બટન દબાવનારા આપણને ખબર છે એકવાર બટન પ્રેસ કરવાથી પણ લીફ્ટ આવી જશે.
વ્યગ્રતા અને બેચેની સામે શરીરના તણાવ સહન કરતા હોર્મોન્સ પણ હથિયાર હેઠા મૂકી દેતા હોય છે. પરિણામે હાર્ટ એટેક અને મેન્ટલ ડિસઓર્ડરના ચાન્સિસ વધી જતા હોય છે. ઉતાવળ અને બેચેની મહેસૂસ કરો ત્યારે બે મિનિટ થોભીને વિચારવું હિતાવહ છે. ટ્રાફિક જામમાં પોતાની જાતને પ્રશ્ન પુછો કે શું આ પરિસ્થિતિમાં આગળ વધી શકાય એમ છે ખરૂ ? જો જવાબમાં નામાં આવે તો હોર્ન મારી મારીને બેચેન થવા કરતાં ઈયર ફોન લગાવી શાંતિથી મનગમતું મ્યુઝિક સાંભળવામાં જ ભલાઈ છે.
અજંપો, અશાંતિ, અસ્વસ્થતા, બેચેની, તણાવ જે શબ્દ સમજાય તે વ્યક્તિના મનની કૂખમાંથી જ જન્મે છે. મનના સાગરમાં બેચેનીની લહેરોના હિલોળા શાંત થાય તો આપોઆપ વ્યાકુળ સ્થિતિ શમી જાય છે. વ્યગ્રતા અને ઉચાટ એક ભાવનાત્મક સ્થિતિ હોય છે. બેચેની ભયનો સગો ભાઈ છે. નોર્મન કઝીન્સ કહે છે કે, યુનાઈટેડ સ્ટેટ્સમાં હૃદયરોગથી મૃત્યુ પામતા લોકોમાં અડધોઅડધ લોકો હૃદયરોગ થયાના ફફડાટ અને વ્યગ્રતાના માર્યા મરતા હોય છે.
માનવીનું જીવન પ્રશ્નોથી ઘેરાયેલું જ રહેવાનું. પ્રત્યેક નવી ઘટના મનઃસ્થિતિને ડહોળતી હોય છે. નવા પ્રશ્નોની હારમાળ ખડી થતી રહેવાની. પ્રશ્નોનો ક્રમ અટકતો જ નથી. એ ક્રમ નિરંતર ચાલતો જ જાય છે. જરૂર છે જ્યારે મનમાં પ્રશ્ન સર્જાય ત્યારે પ્રતિપ્રશ્ન પૂછવાની સજ્જતા કેળવવાની. પોતાની જાતની પ્રતિપ્રશ્ન પૂછવા માટે પહેલી આવશ્યકતા છે ઈગોછોડી વિનમ્રતાપૂર્વક જિજ્ઞાસા ભાવ જગાડવાની. પ્રશ્નો જેટલા વધુ, ગહેરા અને વિશાળ હોય એટલી અકળામણ, ઉચાટ અને અજંપાની પરિસ્થિતિ વિકરાળ બનવાની છે. ટ્રાફિક જામ જેવી નાની નાની વાતને મોટો પ્રશ્ન ન માની લેવાય. આ સમજણ કેળવવી પડે. એકવાર નાની નાની વાતમાં પ્રતિપ્રશ્ન પૂછવાની સાચી સમજણની આદત પડી જશે તો મોટા પ્રશ્નો પણ ફટાફટ હલ થતા વાર નહીં લાગે.

ધબકાર :
ભય અને વ્યગ્રતા વગર લીધેલું કોઈપણ પગલું પ્રશ્ન હલ કરે અથવા ન પણ કરે પરંતુ એ શરીર અને ચિત્તને જરૂર સ્વસ્થ રાખશે, ચોઈસ ઈઝ યોર્સ...