Monday, 11 November 2019

વાત એક એવા પ્રદેશની કે જ્યાં કેમેરા ઉપરથી આંગળી હટાવવાનુ મન જ ન થાય...


વાત એક એવા પ્રદેશની કે જ્યાં કેમેરા ઉપરથી 
આંગળી હટાવવાનુ મન જ ન થાય...

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પહાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓના નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
સૂરજનો રંગ મારાં પાંદડા પિયે ને
પિયે માટીની ગંધ મારા મૂળ;
અર્ધું તે અંગ મારું પીળા પતંગિયાં ને
અર્ધું તે તમરાંનુ કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.




કેરળની ભુમિ ઉપર ફરતા કવિ જયંત પાઠકની આ રચના ઉછાળા મારી મારીને હદયમાંથી બહાર આવી જાય. એક એવા પ્રદેશમાં જવાનો અવસર મળ્યો કે જ્યાં ઇશ્વરે ખુલ્લા દિલે પ્રકૃતિની લાલ... સોરી લીલી જાજમ બીછાવી છે. સુંદર મજાનો હરિયાળો પ્રદેશ અને લાગણીભીના લોકો હોય પછી તો પુછવુ જ શું ? એક નાનકડા પણ યાદ રહી જાય એવા પ્રસંગથી કેરળની સફરે લઇ જવા છે.
સવારનો સાતેક વાગ્યાનો સુમાર હતો. આગલી રાત્રે પડેલા ધોધમાર વરસાદ બાદ થિરુવનંથપુરમની સડક, વનરાજી અને બિલ્ડિંગો સઘળુય સવારના કુમળા તડકામાં સાફ સુથરા વધુ સુંદર લાગતું હતું. હોટલમાંથી પ્રવાસીઓને પ્રેમસભર સ્મિત સાથે તેના વાહનમાં આવકારી ડ્રાયવર રાજેશ્વરે વિષ્ણુ ભગવાનનો શ્લોક બોલીને ગાડી સ્ટાર્ટ કરી. શહેરના પરા વિસ્તાર પાસે લગભગ ૮૦ની સ્પીડ ઉપર ચાલતા વાહનને રાજેશ્વરે બ્રેક મારી ધીમી કરી. વાહન થોડું સાઈડ ઉપર લઈ બે હાથ જોડી નમન કરીને એણે એક રૂપિયાનો સિક્કો બારી બહાર હવામાં પધરાવી દીધો. વાહનમાં બેઠેલા મેં પૂછ્યું, ‘આમ કેમ કર્યું ?’ એણે જવાબ આપ્યો. ‘સર, અહીં વિષ્ણુ ભગવાનનું મંદિર છે. વિષ્ણુ ભગવાન મારી અને મારા પરિવારની રક્ષા કરે એવી દુઆ માંગીને મેં પ્રભુના ચરણોમાં નાનકડી ભેટ અર્પણ કરી. હું જ્યારે જ્યારે આ રસ્તે પસાર થાઉં છું ત્યારે આમ કરું છું. મોટાભાગે અહીંથી પસાર થતાં બધા જ ડ્રાઇવર ભાઇઓ આમ જ કરે છે.



મારા આઠ દિવસના પ્રવાસ દરમિયાન ઊડીને આંખે વળગે એવી વાત મેં નોંધી છે કે, અહીંના લોકોનો મૈત્રીપૂર્ણ સ્વભાવ અને ધર્મપરાયણતા ખુબ ઉચી છે. અહીં દસમાંથી સાત લોકોના નામ વિષ્ણુ, મુકુન્દન, માધવન, મોહન, શિવ, શંકર એમ ભગવાનના હોય છે. પાંચ તારક હોટલ હોય કે રસ્તામાં કે શેરીમાં કોઈ મલયાલમીને મળો તો સ્મિત સાથે ઉષ્માસભર આવકાર આપવા તત્પર જ હોય. ભારતના સુંદર સમુદ્ર કિનારાઓ પૈકીનો એક એવો કોવલમ બીચ ઉપર હોવ કે એલપ્પીના બેક વોટરની હાઉસ બોટમાં હોવ કેરાલિયન લોકો હાથ હલાવતા સસ્મિત તમારું અભિવાદન કરતા જોવા મળે જ મળે. છીછરા પાણી અને નીચા ભરતીના મોજાના કારણે કેરળનો કોવલમ બીચ પશ્ચિમી દેશોના લોકોમાં ખાસો લોકપ્રિય છે.
દેશમાં સો ટકા શિક્ષિત પ્રજા ધરાવતા કેરાલા રાજ્યની રચના નવેમ્બર તારીખ ૧, ૧૯૫૬ના રોજ થઈ ત્યારથી અહીંના લોકોમાં તેમની મલયાલમ ભાષા પ્રતિ પ્રેમ અને ગૌરવ દાદ માગી લે એવા રહ્યાં છે. અહીં બસ કે ટૂક ટૂક ડ્રાયવર(ઑટો રીક્ષાને કેરળમા ટૂક ટૂક કહે છે) કે નાનો કોઇ કામદાર હોય, દરેક આવશ્યકતા અનુસાર અંગ્રેજી બોલે છે પણ મલયાલમ ભાષા માટે એમને ભરપુર આદર અને પ્રેમ છે. માતૃભાષા માટેનો કેરાલીયનોને પ્રતિપળ છલકાતો ભાવ જોઇએ ત્યારે જાણે અજાણે ગુજરાતી ભાષા માટે કામ કરતા યોદ્ધાઓ નજર સામે તરવરવા લાગે. કેરળની રાજધાની થિરુવનંથપુરમમાં સૌથી મોટું ટેકનો પાર્ક છે. અહીં ઇન્ફોસીસથી માંડીને દેશ-વિદેશની જાયંટ ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓની પ્રમુખ ઓફિસોમાં લાખો લોકો કામ કરે છે.



કેરળમાં ૫૬ ટકા હિન્દુ, ૨૫ ટકા મુસલમાન અને ૧૯ ટકા ખ્રિસ્તી સમુદાયની વસતી છે. થિરુવનંથપુરમમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર સૌથી અમિર મંદિર છે. બ્રહ્મા પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, પદ્મ પુરાણ, ભાગવત અને મહાભારત જેવા પૌરાણિક શાસ્ત્રોમાં આ મંદિરના ઉલ્લેખો જોવા મળે છે. ઈસ્વીસન ૬૨૯માં સૌથી પહેલી મસ્જિદ કેરળના થ્રીસુરમાં બની. ભારતમાં સૌથી પહેલું ચર્ચ પણ કેરળમાં જ બન્યું છે. કેરળની ૬૦ ટકા વસતી કૃષિના વ્યવસાય સાથે સંકળાયેલી છે. અહીં પ્રત્યેક ગામમાં હોસ્પિટલ અને પ્રાથમિક શાળા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝર(WHO) અને યુનિસેફના મતે કેરળ બાળકો માટે સૌથી અનુકુળ રાજ્ય છે. અહીં ૯૫ ટકા બાળકોનો જન્મ હોસ્પિટલમાં જ થાય છે. અહીંના મરી મસાલા વિશ્વમાં મશહુર છે. ડાંગર કેરળનો મુખ્ય પાક છે. લોકોનાં ભોજનમાં પણ ભાત મુખ્ય આઈટમ છે. અહીંનું એલપ્પી શહેર એનાં બેકવોટરની સાથે સાથે વિશાળ પેડ્ડી ફિલ્ડના કારણે જાણીતું છે. અહીંનુ યુરોપીયન એટમોસપિયર મનલુભાવન છે. ઘડીકમાં વરસાદ અને ઘડીકમાં ઉઘાડ કેરળ રાજ્યની બ્યુટીમાં ચાર ચાંદ લગાવે છે. એમ કહેવાય છે કે, પ્રેક્ટિકલી કેરળમાં બે જ રૂતુઓ છે. આઠ મહિના ચોમાસુ અને ચાર મહિના ઉનાળો.
કેરળની આયુર્વેદ મસાજ દુનિયાભરના લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. મારી સાથે આવેલા મિત્ર સુનિલભાઇ શાહને ચાલવાને કારણે પગમાં ઢીચણથી માંડીને એડી સુધી સખત દુખાવાની કમ્પ્લેન હતી. એમણે એલપ્પીના એક આયુર્વેદ કેન્દ્રમાં મસાજ કરાવી. ૪૫ મિનિટની એક મસાજ સેશન પછી સુનિલભાઇએ અત્યંત રાહત અનુભવી. કેરળમાં અદભુત કુદરતી સૌંદર્ય, સ્વચ્છ હવા, શુદ્ધ પાણી હોવાથી સ્વાભાવિક રીતે જ અહીં માણસનું આયુષ્ય લાંબુ હોય છે. કેરળની એક વિશેષતા એ પણ છે કે, અહીં મહિલાઓની સંખ્યા પુરૂષ કરતાં વધુ છે. કેરળમાં દર હજાર પુરુષે ૧૦૪૮ મહિલા છે. અહીં સાક્ષરતા વધુ છે પણ જાણીને આશ્ચર્ય થાય કે, બેરોજગારી પણ અહીં ઘણી છે. મજાની વાત એ છે કે, ગુજરાતમાં નોકરી માટે ઘણા કેરાલિયન જોવા મળ્યા એમ કેરળની હોટલોના ગ્રાઉન્ડ સ્ટાફમાં અરૂણાચલ પ્રદેશ, નેપાળી અને અસામી વધુ જોવા મળ્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના અહેવાલ પ્રમાણે વિશ્વના ૫૦ સૌથી સ્વસ્થ રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. ત્યાંના એક સ્થાનિક મિત્રએ ચોંકાવનારી હકીકત જણાવી કે, આત્મહત્યાના કિસ્સા પણ કેરળમાં વિશેષ જોવા મળે છે.
આ રાજ્યનું નામ કેરળ કેવી રીતે પડ્યું એની પાછળ તથ્ય છે. મલયાલમ ભાષામાં કેરાએટલે નાળિયેરના વૃક્ષ અને આલમનો અર્થ ધરતી થાય. ‘કેરળ એટલે નાળિયેરીના વૃક્ષોની ધરતી એમ કહેવાય છે. રામાયણ અને મહાભારતમાં કેરળના મંદિરો અને વિવિધ વિસ્તારનો ઉલ્લેખ જોવા મળે છે. વસતીની દ્રષ્ટિએ ભારતમાં ૨.૮ ટકા હિસ્સો ધરાવતું કેરળ ભારતના અર્થતંત્રમાં લગભગ ચાર ટકા જેટલો હિસ્સો ધરાવે છે. કેરળની વસતી ગુજરાત કરતાં લગભગ અડધી ૩.૪ કરોડની છે. કેરળને પરશુરામની ભૂમિ પણ કહે છે. પરશુરામજી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતારી પુરુષ છે. મલયાલમ સાહિત્ય કેરાલોલપની કથા અનુસાર ચેરાના રાજાએ કન્યાકુમારીથી હિમાલયની ભૂમિ જીતી લઈને કોઈ સમર્થ દુશ્મન ન હોવાથી ભાલા ફેંકી સમુદ્રને ઘેરી લીધો હતો. દંતકથા મુજબ પરશુરામજીએ તેમની કુહાડી દરિયા પાસે ફેંકીને સમુદ્ર હટાવી ધરતી બનાવી. પરંતુ સમુદ્રવાળી જમીન ખારી હોઈ વસવાટ યોગ્ય ન હતી. ખારાશવાળી જમીન વસવાટ યોગ્ય બનાવવા પરશુરામે સર્પરાજા વાસુકીને બોલાવી તેના પવિત્ર ઝેર દ્વારા આ ખારી જમીનને ફળદ્રુપ લીલીછમ ધરા બનાવી દીધી.
દ્રવિડ કુળના મલયાલી લોકોની નૃત્ય કલા દેશ વિદેશમાં લોકપ્રિય છે. અહીંના કથ્થકલી, થેય્યામ, કલરીપયટ્ટુ, મોહિનીયત્તમ, થિરવથીરકલી, કુડિયાત્તમ, પુલીકલ્લી જેવા સાત પારંપારિક કલા અને નૃત્ય વિશ્વપ્રસિદ્ધ છે. થિરુવનંતપુરમમાં દરરોજ ચાલતા કથ્થકલી અને કલરીયપટ્ટુ નૃત્યકલાના દરેક શૉ ટુરિસ્ટથી જામપેક હોય છે. કેરળના ઈડુક્કી જીલ્લાના થેકડ્ડીના વનવિસ્તારોને કુદરતે લખલુટ સૌંદર્ય બક્ષ્યું છે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાણી, પહાડ, પશુ, પ્રાણી અને હરિયાળી વનરાજીનો અલભ્ય નઝારાનો અદભુત સમન્વય છે. આ જીલ્લામાં પેરિયાર નદી પર મુલતાપેરિયાર ડેમના કારણે ભવ્ય કૃત્રિમ જળાશય બન્યું છે. આ જળાશય મનલુભાવન છે. ઈડુક્કી જિલ્લાનું બીજું એક દર્શનીય સ્થળ મુન્નાર છે. સમુદ્રની સપાટીથી પ૨૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું ચાના બગીચા, રોઝ ગાર્ડન, પૌરાણિક ચર્ચ, ડેમ સાઈટ વગેરે નયનરમ્ય સ્થળોથી શોભતો લશગ્રીન મુન્નાર પ્રદેશ મનભરીને આનંદ આપે છે.
કન્યાકુમારી આમ તો તામિલનાડુ રાજ્યમાં આવે પરંતુ મારા કેરળના પ્રવાસમાં એક દિવસ કન્યાકુમારી ગાળવાનો અવસર મળ્યો. બંગાળનો ઉપસાગર, હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર મા ભારતીના જ્યાં પગ પખાળે છે એ પવિત્ર ભૂમિ ઉપર જઈએ ત્યારે મા ભારતીના ચરણમાં બેઠા હોવાનું ફીલ થાય. સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં ઐતિહાસિક પ્રવચન આપ્યું એ પહેલાં વર્ષ ૧૮૯૨ના ડિસેમ્બર મહિનાની ૨૫-૨૬ અને ૨૭ તારીખે કન્યાકુમારી પાસેના દરિયામાં જે પથ્થર ઉપર બેસી ધ્યાન કર્યું હતું એ પથ્થર ઉપર રોજ હજારો પ્રવાસીઓ જઈને મનની શાંતિ મેળવે છે.
દેવોની પોતાની ભૂમિ તરીકે ઓળખાતા કેરળ રાજ્યમાં ઈશ્વરે છૂટા હાથે રમણીયતા વેરી છે. કેરળ એવો પ્રદેશ છે કે જ્યાં પણ નજર પડે એ દ્રષ્ય કોટે બાંધી ભેગુ લઇ જવાનું મન થાય. કેમેરા ઉપરથી આંગળી ખસવાનુ નામ ન લે એવો સૌદર્ય નિતરતો આ પ્રદેશ છે. લટકામાં અહીંના લોકોની સરળતા, પ્રેમાળ અને લાગણીશીલતા ભિંજવી દે એ નફામાં. અહીંના લોકો ખુદ્દાર અને મહેનતકશ પણ ખરાં. રસ્તામાં, બજારમાં, શેરીમાં ભાગ્યે જ કોઈ ભિખારી ભીખ માંગતો જોવા મળે. વનલાઈનરમાં કેરળ રાજ્યના દર્શનીય સ્થળોની રમણિયતા કંઇક આમ પ્રસ્તુત કરી શકાય. એલપ્પી એટલે ભારતની તરતી નગરી વેનીસ, મુન્નાર એટલે દક્ષિણ ભારતનું કાશ્મીર, કોવલમ એટલે બીચ હેવન ઓફ કેરળ, કોચીન એટલે ક્વીન ઓફ અરેબીયન સી, થેકડ્ડી એટલે અલૌકિક વન્યજીવનનો આહલાદ, ત્રીસુર એટલે કેરળની સાંસ્કૃતિક રાજધાની, થિરૂવનંથપુરમ એટલે દક્ષિણ ભારતનુ આઇટી હબ.

ધબકાર :
જમીન તમારા પગને અડીને ખુશ થાય છે અને હવા તમારા લહેરાતા વાળ સાથે રમવા માંગે છે, સમય મળે ત્યારે નિકળી પડો ઘરની બહાર અને પ્રકૃતીના ખોળામાં જઇને બેસી જાવ.