Tuesday, 21 January 2020

એ ભાઇ દીકરીના માંગુ આવતા સૌથી પહેલાં પાત્રના મિત્રવર્તુળની સાથે વાત કરવાનો ઉપક્રમ રાખતા


એ ભાઇ દીકરીના માંગુ આવતા સૌથી પહેલાં પાત્રના મિત્રવર્તુળની સાથે વાત કરવાનો ઉપક્રમ રાખતા


દોસ્ત મેં તાકાત હોતી હૈ,
અપનો કો ઝુકાને કી,
વરના સુદામા મેં કહાં તાકાત થી,
શ્રીકૃષ્ણ કે પૈર ધુલવાને કી...


દોસ્તી વજનદાર હોય. મિત્રનો ક્યારેય ભાર ન હોય. મિત્ર માત્ર સાથી નહીં પણ સારથી જેવો હોવો જોઈએ. એક મિત્ર સાથે ઘોર અંધકારમાં ચાલવું અજવાળામાં દોડવા કરતાં વધુ મજેદાર અને અર્થપૂર્ણ હોય છે. શહેરમાં રહેતાં એક ભાઈની વાત છે. એમની દીકરી ગ્રેજ્યુએટ થઈ. યુવાનીના ઉંબરે દસ્તક દેવા લાયક થઈ એટલે એમણે એના વિવાહ માટે યોગ્ય પાત્રની શોધખોળ શરૂ કરી. સગાવહાંલા અને ભાઈબંધોમાં દીકરી માટે યોગ્ય મુરતીયો મેળવવા એમણે વાત વહેતી મૂકી. ધીમે ધીમે લોકોને જાણ થતાં માગા પણ આવવા લાગ્યા. આ ભાઈ જ્યારે પણ માગુ આવે ત્યારે પરિવાર અને સાધન સંપત્તિની તપાસ કરતાં પહેલાં છોકરાંના મિત્રોને આડકતરી રીતે મળવાનો આગ્રહ રાખતાં. છોકરાના ભાઈબંધો પાસેથી ટેકફુલી એના ચરિત્ર અને ચાલચલગતની માહિતી મેળવતાં. આ ભાઈની વાતમાં દમ છે. માત્ર છોકરા માટે નહીં છોકરી માટે પણ અ વાત એટલી જ અગત્યની છે. વ્યક્તિની સાચી ઓળખ એના મિત્ર વર્તુળ ઉપરથી જ થતી હોય.



માણસના જન્મની સાથે જ અનેક સંબંધો પેદા થઈ જતાં હોય છે. માત્ર દોસ્તીનો સંબંધ જ એવો સંબંધ છે કે, વ્યક્તિ પોતાની મરજીથી બાંધતો હોય છે. સાચું પુછો તો દોસ્તી અને શિષ્ટાચાર વ્યક્તિને એવી ઉંચાઈ પર લઈ જતો હોય છે કે જ્યાં દુનિયાની કોઈ દોલત એને પહોંચાડવા માટે સક્ષમ નથી. મિત્રતાની ભાષા શબ્દોના શણગારમાં નથી હોતી. દોસ્તી જીવનનો સંપૂર્ણ અર્થ હોય છે. સાચો મિત્ર યોગ્ય સલાહ આપતો હોય છે. મુશ્કેલીમાં સહજતાથી ખભે ખભો મિલાવીને પડખે ઊભો રહેતો હોય છે. હસતાં હસતાં જોખમ ઉઠાવવા મિત્ર હંમેશા તૈયાર હોય છે. ખોટા માર્ગે પડતાં કદમ પાછા વાળનારો સાચો મિત્ર છે.
એક મિત્રના ઘરે એની ગેરહાજરીમાં એનો અંગત મિત્ર આવ્યો. એને આવશ્યકતા હતી એટલે દોસ્તની પત્ની પાસે રૂ. ૨૫૦૦૦ની માગણી કરી. પતિનો ઘનિષ્ટ મિત્ર હતો એટલે પત્નીએ કોઇ પણ પ્રશ્ન પુછ્યા વગર તિજોરીમાંથી ૨૫ હજાર રૂપિયા કાઢીને પતિના મિત્રને આપી દીધા. સાંજે ઓફિસેથી પતિ ઘરે આવતાં પત્નીએ બપોરે ઘટેલી ઘટના વિશે પતિને જાણકારી આપી. પતિ એકદમ ઉદાસ અને ખિન્ન થઈ ગયો. પત્નીએ પૂછ્યું, ‘ તમને ન ગમ્યું કે, મેં તમને પૂછ્યા વગર તમારા મિત્રને ૨૫ હજાર રૂપિયા આપી દીધા ? ‘ પતિએ ઉદાસ વદને ધીમા અવાજે કહ્યું, ‘ ના. તેં તો બહુ સારુ કામ કર્યું કે મારા મિત્રને જરૂર હતી અને તે પળનોય વિલંબ કર્યા વગર એની મુશ્કેલીમાં મદદ કરી. મને અફસોસ તો એ વાતનો છે કે, મારા મિત્રની આર્થિક કટોકટીનો એ માગવા આવ્યો ત્યાં સુધી મને ખ્યાલ જ ન આવ્યો. કેટલી મજબુરી હશે કે એને તારી પાસે ૨૫ હજાર રૂપિયા માગવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. ‘
આ આખી ઘટનામાં મિત્રતાની સંવેદનાસભર મહેક છે. દોસ્તી બનાવી શકાતી નથી, દોસ્ત અકસ્માતે નથી બનતાં. મિત્રતા એટલે બે શરીરમાં રહેતો એક આત્મા. દોસ્ત એવો ન હોવો જોઈએ કે, સમય સાથે બદલાઈ જાય. માથું હલાવે તો મિત્ર પણ માથું હલાવે તો એ દોસ્તી નથી એ તો માત્ર દેખાવ છે. આવું કામ તો વ્યક્તિનો પડછાયો વધુ સારી રીતે કરી શકે. સમાન વિચારધારા દોસ્તીની ધરોહર હોય છે. મિત્રતા રેલવેના બે પાટા જેવી છે. હંમેશા એકમેકની સાથે રહે છે. સમાન વિચારધારાથી મિત્રતા બની જતી હોય છે. મિત્ર તો ચેલેન્જ કરે, ઈન્સ્પાયર કરે અને ઇમોશનથી સાથે જોડાયેલો રહે.
વ્યક્તિની અંદરની દુનિયાના દર્શન એક સાચો મિત્ર જ કરાવી શકે. એ દુનિયા એવી દુનિયા હોય કે જેનો વ્યક્તિના જીવનમાં મિત્રના પ્રવેશ પહેલાં પરિચય જ ન હોય. અયોગ્ય અને જુદી વિચારસરણીવાળા ચરિત્ર વગરના દુષ્ટ મિત્ર જંગલી જાનવરથી પણ વધુ ખતરનાક હોય છે. કોઈપણ વ્યક્તિના ચરિત્ર અને સફળતા પાછળ એના મિત્રવર્તુળનું બહુ મોટું યોગદાન હોય છે. સાચા દ્રષ્ટિકોણવાળા મિત્રોનો ચરિત્ર નિર્માણમાં હાથ હોય છે. વ્યક્તિએ પોતે નક્કી કરવાનું હોય કે, કેવું મિત્રવર્તુળ એના માટે યોગ્ય છે.
દોસ્તી ભરોસાની બુનિયાદ ઉપર નિષ્ઠાનાં ચણતરથી બનતી મજબૂત સંબંધોની ઇમારત છે. મિત્રતા વય, જાતિ, પદ કે વ્યક્તિ સુધી કયારેય સિમિત નથી હોતી. દોસ્તી બે પુરુષ વચ્ચે કે પુરુષ સ્ત્રી વચ્ચે કે પછી માનવી અને જાનવર વચ્ચે પણ હોઈ શકે છે. ધન-દોલતના ઢગલાં કરતાં મિત્રતાનું મૂલ્ય વધુ છે. દોસ્તી એક સમર્પિત સંબંધ છે. મિત્રતાનું સૌથી મહત્વનું પાસુ સમર્થનનું છે. મિત્રની વાતને સચ્ચાઈ અને અચ્છાઈથી સમર્થન આપવાનો અનોખો આનંદ હોય છે. સાથીને સાચી દિશામાં માર્ગદર્શકની ભૂમિકા ભજવે એ મિત્ર સાચો. જીવનના આનંદનું કારણ મિત્રની હાજરી છે.
પહેલાના જમાનામાં સંયુક્ત પરિવારની મજબુત પરિભાષા હતી. વ્યક્તિ પરિવારના સભ્યો સાથે રહેતો અને પ્રત્યેક અવસરનો કુટુંબ સાથે આનંદ લેતો. ક્રમશઃ પારિવારિક ભાવના ભુલાતી જાય છે. અલગ અલગ રહેવાની પ્રણાલીમાં મિત્રોના મહત્વનો અહેસાસ વધુ બળવત્તર બનતો જાય છે. બાળકો અભ્યાસ અને વ્યવસાય માટે વિદેશ જવા લાગ્યા છે. વયસ્કો એકલા પડવા લાગ્યા છે. વયસ્કોને મિત્રમંડળીના કારણે પાછલી અવસ્થામાં જીવન જીવવા જેવું લાગે છે. અન્યથા એક બુઝુર્ગ મિત્રો વગર બિમારીઓના નામ ગણતો થઈ જાય છે. મિત્ર શિક્ષક પણ છે અને સમર્થક પણ છે. મિત્ર પરિવારમાં નથી પણ પરિવારના સભ્ય જેવો છે.

ધબકાર :
દુશ્મનને દોસ્ત બનવાના હજાર અવસર આપવા જોઈએ પણ દોસ્તને દુશ્મન બનવાનો એક પણ મોકો અપાય.





શિકાગોની ધર્મ પરિષદમાં ‘અમેરિકાના બહેનો અને ભાઇઓ’ સંબોધન બાદ સ્વામી વિવેકાનંદે શું કહ્યું ?


શિકાગોની ધર્મ પરિષદમાં અમેરિકાના બહેનો અને ભાઇઓ
સંબોધન બાદ સ્વામી વિવેકાનંદે શું કહ્યું ?

આજે ઉતરાયણનુ પર્વ. ગાંધીનગર સહિત આખુ ગુજરાત આ તહેવાર રંગેચંગે મનાવી રહ્યું છે. પરંતુ આજથી બે દિવસ પહેલા ૧૨ જાન્યુઆરીનો એક અવિસ્મરણીય દિવસ હતો. આ દિવસ એટલે ન ભુલી શકાય કે, ભારતની આધ્યાત્મિક ચેતના અને જ્વલંત ષ્ટ્રપ્રેમનો પંથ કંડારનારા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીનો એ પ્રાગટ્ય દિન છે. સંવત ૧૯૧૯ના પોષ વદ સાતમ એટલે જાન્યુઆરી તા. ૧૨, ૧૮૬૩ સોમવારના રોજ સૂર્યોદયની છ મિનિટની વાર હતી ત્યારે નરેન્દ્ર નામનો આધ્યાત્મિક ચેતનાનો સૂર્યોદય થયો. ચાળીસ વર્ષથી પણ ઓછા જીવનકાળ દરમિયાન દેશદાઝની પ્રચંડ શક્તિનો નાદ જગાવવાનું અને ભારત સહિત પશ્ચિમી દેશોમાં હિન્દુસ્તાનની આધ્યાત્મિક ચેતનાનો શંખ ફૂંકવાનું ભગીરથ કાર્ય સ્વામીજીએ કરી બતાવ્યું છે. કોલકતાના સિમુલિયા નામના પરામાં રહેતા દત્ત પરિવારમાં નરેન્દ્રનાથનો જન્મ થયો. દત્ત કુટુંબ ગર્ભશ્રીમંત તો હતું જ સાથે સાથે સમાજમાં સારી પ્રતિષ્ઠા પણ ધરાવતું હતું. સિમુલિયાનું આ દત્ત પરિવાર દાનવીરતા, સ્વતંત્ર ક્યાલો અને શિક્ષણમાં અગ્રેસર હતું.



વિશ્વની વિચાર ચેતના જાગૃત કરવા જે આત્મા અવતરતો હોય છે એની પ્રતિભા બાલ્યાવસ્થાથી પરખાઇ જતી હોય છે. પ્લેટો, એરિસ્ટોટલ, સિકંદર કે સીઝરની માફક નરેન્દ્રનાથની ભાવિ મહત્તાની ઝાંખી શૈશવકાળમાં જ સૌને થવા લાગી હતી. બાળ નરેન્દ્રને નાનપણથી જ સન્યાસીઓ પ્રત્યે સદભાવ અને અગમ્ય ખેંચાણ રહ્યું. ઘણી વાર એમના મિત્રોને એ કહેતા કે, ‘ એક જ્યોતિષીએ મારો હાથ જોઈને કહ્યું છે કે, હું ભવિષ્યમાં સન્યાસી બનવાનો છું.’ આમ કહી એ પોતાની હસ્તરેખાઓ ઉત્સાહપૂર્વક મિત્રોને બતાવતાં. મનુષ્ય જાતિએ આધ્યાત્મિક અને તત્વજ્ઞાનની દિશામાં સાધેલી પ્રગતિનો સર્વગ્રાહી ચિતાર આપતી ચર્ચા સભાઓ અને પરિસંવાદોના આયોજનની વિચારધારા ૧૮૮૯ની ગ્રિષ્મ ઋતુમાં ચાર્લ કેરોલ બોનીના મગજમાં ઉદભવી. આ વિચારને અમેરિકનોએ આનંદથી આવકાર્યો. ચાર્લ્સના અધ્યક્ષપદે એક કમિટીની રચના થઈ. વર્ષ ૧૯૯૦માં તડામાર તૈયારીઓ આરંભાઈ. આખી દુનિયા દરેક ધર્મના પ્રતિનિધિઓને પરિસંવાદમાં ભાગ લેવા આમંત્રણો મોકલાયા. તારીખ ૧૮ ઓકટોબર, ૧૯૯૩ સુધીમાં જુદા જુદા વિષયો ઉપર વિશદ ચર્ચા-વિચારણા કરતી વીસ જેટલી પરિષદો યોજવામાં આવી.
અંતે શિકાગોની આર્ટ ઈન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં  હોલ ઓફ કોલમ્બસનામના ભવ્ય ખંડમાં તારીખ ૧૧મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ સવારે ૧૦ વાગે વિશ્વ ધર્મ પરિષદનું વિધિવત ઉદ્ઘાટન થયું. પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત એવા ચાર હજાર પ્રેક્ષકો હોલ ઓફ કોલમ્બસમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી શાંતિથી બેઠાં હતાં. ૧૦૦ ફૂટ લાંબા અને ૧૫ ફૂટ પહોળા મંચ ઉપર ચાર્લસ બોની અને કાર્ડિનલ ગીબન્સના નેતૃત્વમાં બબ્બેની હારમાં વિશ્વભરમાંથી પોત પોતાના દેશના પોષાકમાં સજ્જ થઈને આવેલા અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ મંચ ઉપર દાખલ થયા. મંચ ઉપર મૂકવામાં આવેલી ખુરશીઓમાં પ્રતિનિધિઓએ તેમનું આસન ગ્રહણ કર્યું. આ દ્રશ્ય ખૂબ અદભુત અને રમણીય હતું. આ ભવ્ય સભામાં સ્વામી વિવેકાનંદજીએ વક્તવ્ય આપવાનું હતું. બપોર સુધીની પ્રથમ બેઠકમાં આઠ પ્રતિનિધિઓએ ટૂંકા પ્રવચનો કર્યા. સવારની બેઠક પૂરી થઈ ત્યારબાદ બપોરની બેઠકમાં ચાર પ્રતિનિધિઓએ તેમના વિચારો વ્યક્ત કર્યાં. બધા જ પ્રતિનિધિઓ તૈયાર કરેલા ભાષણો જ વાંચી ગયા હતાં.
સ્વામી વિવેકાનંદે કાગળમાં કોઈ વિચારો લખ્યા ન હતાં. હૃદયના ઊંડાણમાંથી સ્વામીજી એમના ગહેરા અને પહાડી અવાજમાં જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે સભામાં સન્નાટો વ્યાપી ગયો. ડો. બેરોઝે સ્વામીજીનો પરિચય આપી વક્તવ્ય માટે નિમંત્રીત કર્યા. સ્વામીજીએ દેવીની સ્તુતિ કરીને એમના વક્તવ્યની શરૂઆતમાં સૌથી પહેલાં અમેરિકાના બહેનો અને ભાઈઓ...’ સંબોધન કરીને તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે આખી સભાએ તાળીઓના ગડગડાટથી તેમના આ શબ્દોને વધાવી લીધાં. સામાન્ય રીતે અમેરિકન સજ્જનો અને સન્નારીઓના સંબોધનથી ટેવાયેલા હોય ત્યારે સ્વામીજીના આ શબ્દોથી બધાં પ્રભાવિત થઈ ગયા. શિકાગોની ધર્મ પરિષદમાં લગભગ સવાસો વર્ષ પહેલાં સ્વામીજીએ આપેલા પ્રવચનની અક્ષરશઃ વિગતો જાણવી રસપ્રદ એટલા માટે થઈ પડે કે, પશ્ચિમના દેશમાં વિશ્વભરના પ્રબુધ્ધો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભારતીય હિન્દુ સનાતન ધર્મની વિચારધારાનો સૌપ્રથમ ઝંડો સ્વામી વિવેકાનંદે શિકાગોની ભૂમિમાં ગાડ્યો હતો. શિકાગોની ધર્મપરોષદમાં સ્વામીજીના પ્રથમ વક્તવ્યના ભાવાનુંવાદને માણવા જેવું છે.
અમેરિકાનાં બહેનો અને ભાઈઓ !
તમે અમારું જે ઉમળકાભર્યું અને હાર્દિક સ્વાગત કર્યું છે તેનો પ્રત્યુતર આપવા માટે ઊભા થતાં મારુ હૃદય એક અવર્ણનીય આનંદથી ભરાઈ જાય છે. જગતના પ્રાચીનમાં પ્રાચીન સન્યાસી સંઘને નામે હું તમારો આભાર માનું છું. સર્વધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું. તમામ વર્ગો અને સંપ્રદાયોના લાખો હિન્દુઓ વતી હું તમારો આભાર માનું છું.
આ વ્યાસપીઠ ઉપર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ હું આભાર માનું છું, કેમ કે પૂર્વમાંથી આવેલા પ્રતિનિધિઓના ઉલ્લેખ કરતાં તેઓએ તમને કહ્યું કે દૂર દૂરના દેશોમાંથી આવેલા આ લોકો જુદા જુદા દેશોમાં સહિષ્ણુતાની ભાવના પહોંચાડવાનું માન મેળવવાનો દાવો સબળ રીતે આગળ ધરી શકે એમ છે. જે ધર્મો જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું ગૌરવ હું અનુભવી રહ્યો છું. સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં અમે માનીએ છીએ. એટલું જ નહીં, પરંતુ સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. મને ગર્વ થાય છે કે, હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે, જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. મને એ વાત કહેતાં અભિમાન થાય છે કે, યહૂદી લોકોના એક પરમશુદ્ધ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે. જે વર્ષે અત્યાચારી રોમન લોકોએ એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા, તે જ વર્ષમાં એ વર્ગ દક્ષિણ ભારતમાં આવ્યો અને અમારી વચ્ચે વસ્યો. મને ગર્વ થાય છે કે મારો એક એવા ધર્મમાં જન્મ થયો છે કે જેણે મહાન જરથોસ્તી પ્રજાના અવશેષને આશ્રય આપ્યો છે અને હજી તેઓ સ્વમાન સાથે ત્યાં વસી રહ્યા છે. બંધુઓ ! તમારી સમક્ષ હું એક સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું ઉચ્ચારણ કરું છું કે જે સ્તોત્રનું હું છેક બાળપણથી પારાયણ કરતો આવ્યો છું અને ભારતના લાખો મનુષ્યો દરરોજ એનું પારાયણ કરી રહ્યા છે - ‘જે પ્રમાણે ભિન્ન ભિન્ન મૂળમાંથી ઉદભવ પામેલી જુદી જુદી સરિતાઓના પ્રવાહો અંતે એક સાગરમાં એકત્રિત થાય છે, તેવી રીતે હે પ્રભો ! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકાચૂંકા ભાસે, છતાં એ બધા તારી પાસે જ પહોંચે છે.’
અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્યતમ સભાની આ બેઠક, ગીતાએ પ્રબોધેલા પેલા અદભુત સિદ્ધાંતનું જગત સમક્ષ સ્વતઃ એક સમર્થન એક ઉચ્ચારણ બની રહેલ છે કે મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા મારી પાસે આવવાનો પ્રયત્ન કરે છે તે તે માર્ગો અંતે મને મળે છે.’ પંથવાદ, ધર્માન્ધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હિંસાથી ભરપૂર કરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો માનવ સમાજે આજના કરતાં અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઈ ચૂક્યો છે. અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ આત્યાચારોનો અને સમાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો.’
સામાન્ય રીતે સ્વામીજીના શિકાગોમાં અપાયેલ આ અવિસ્મરણીય વ્યાખ્યાનના પ્રથમ ચાર શબ્દો અમેરિકાના ભાઈઓ અને બહેનો...’ અને ત્યારબાદ હોલમાં ગૂંજેલી તાળીઓ સિવાય એમણે હૃદયની સ્પર્શતી સચ્ચાઈ અને દ્રષ્ટિબિંદુની વિશાળતા જે શબ્દોમાં અભિવ્યક્ત કરી તેનો મોટાભાગના લોકોને ખ્યાલ નથી. સ્વામીજીના આ પ્રથમ પ્રવચન પછી શિકાગોમાં એ હોલ ઓફ કોલમ્બસમાં ક્રમશઃ ભીડ સતત વધતી ગઈ હતી. તારીખ ૧૯મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામીજીએ હિન્દુ ધર્મ વિશે પોતાના ખ્યાલો અભિવ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તેમણે ભારત વર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી એ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. ૨૬ સપ્ટેમ્બરના રોજ એમણે બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિએ વિષય પર વ્યાખ્યાન આપ્યું.
સ્વામીજીના ધર્મ પરિષદમાં અપાયેલા વ્યાખ્યાનો બાદ ધ ન્યૂયોર્ક હેરોલ્ડ વર્તમાન પત્રએ લખ્યું હતું કે, ‘સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મપરિષદની સૌથી મહાન વ્યક્તિ છે તેમાં શંકા નથી. એમનું વક્તવ્ય સાંભળ્યા પછી એવું લાગે છે કે, ભાવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મુર્ખાઈ ભર્યું છે.’ ‘ધી બોસ્ટન ઈવનીંગ ટ્રાન્સપોર્ટના શબ્દો હતાં, ‘એમના વિચારોની ભવ્યતા તેમજ એમના વ્યક્તિત્વથી પાર્લામેન્ટમાં તેઓ ખૂબ પ્રિય થઈ પડ્યાં. વ્યાસપીઠ ઉપરથી તેઓ માત્ર પસાર થાય તો પણ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવતાં હતાં.  હજારો લોકોના પ્રાપ્ત થતાં સન્માનને કોઈપણ મિથ્યાભિમાન વગર બાળસહજ પ્રસન્નતાથી તેઓ સ્વીકારે છે.’ વિશ્વ ધર્મપરિષદના વિજ્ઞાન શાખાના પ્રમુખ મેરવિન મેરી નેલ લખે છે કે, ‘ધર્મ પરિષદ ઉપર તેમ જ મોટાભાગના અમેરિકનો ઉપર હિન્દુ ધર્મના જેટલો ઊંડો પ્રભાવ બીજા કોઈ ધર્મએ પાડ્યો નથી. અને તેમાં પણ હિન્દુ ધર્મના સૌથી વિશેષ અગત્યના અને લાક્ષણિક પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ હતાં. હકીકતની દ્રષ્ટિએ તો ધર્મ પરિષદમાં સૌથી વધુ પ્રિય અને પ્રભાવશાળી પુરુષ સ્વામી વિવેકાનંદ હતાં એમાં કોઈ શંકા નથી.

ધબકાર :
જો તમે પવિત્ર હોવ, જો તમે સુદ્રઢ હોવ તો તમે એકલા પણ આખી દુનિયા બરાબર છો. સર્વશક્તિ તમારી અંદર છે એમાં તમે શ્રદ્ધા રાખો. ઊઠો, જાગો, ઊભા થાવ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો.’ – સ્વામી વિવેકાનંદ.