ડૉ. સૌમ્યાના સમર્પણભાવનું મળ્યું
શાનદાર પરિણામ
‘સૌમ્યા એક એવા તબીબ છે કે, જેમના ટીબી અને એચ.આઈ.વી. ઉપરના સંશોધનોને સમસ્ત વિશ્વએ પોંખ્યા
છે. લાગલગાટ ૩૦
વર્ષોથી તબીબી ક્ષેત્રે શોધ કાર્યમાં વ્યસ્ત એવા સૌમ્યાએ એમની અત્યંત પ્રભાવી
કારકીર્દિમાં અનેક આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં સક્રીય યોગદાન આપ્યું છે.’ વિશ્વની નંબર વન હેલ્થ ઓર્ગેનાઈઝેશન
એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ સૌમ્યા એમ. સ્વામીનાથનની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના
ડેપ્યુટી ડાયરેકટર જનરલ તરીકે નિયુક્તિ થઈ ત્યારે આવા શબ્દોથી તેમને નવાજ્યા હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં આ પદે
પહોંચનારા સૌમ્યા પ્રથમ ભારતીય મહિલા છે. આ સમાચારની જ્યારે ભારતમાં બધાને ખબર પડી ત્યારે સૌ કોઈનું માથું
ગર્વથી ઊંચું થઈ ગયું.
ડૉ. સૌમ્યા સ્વામીનાથન ભારતના ચેન્નાઈ શહેરના છે. દેશની ગ્રીન રેવોલ્યુશનના ભીષ્મ પિતામહ
તરીકે જાણીતા ડૉ. મીના સ્વામીનાથનની ડૉ. સૌમ્યા દીકરી છે. પિતા ડૉ. એમ. એસ. સ્વામીનાથનને તાજેતરમાં કૃષિ ક્ષેત્રે
કરેલા વિશિષ્ટ યોગદાન માટે મુપ્પાવરપ્પુ વૈંકયા નાયડુ નેશનલ એવોર્ડથી સન્માનિત
કરવામાં આવ્યા છે. ડૉ. સૌમ્યાની માતા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરે છે. સૌમ્યાના બે બહેનો છે. મધુરા સ્વામીનાથન ભારતી સાંખ્યિક
સંસ્થા, કોલકતામાં પ્રોફેસર છે અને નિત્યા સ્વામીનાથન યુનિવર્સિટી ઓફ ઈસ્ટ
એંગ્લિયામાં લૈંગિક વિશ્લેષણ અને વિકાસ વિષયના વ્યાખ્યાતા છે.
ડૉ. સ્વામીનાથનના ઘરમાં પહેલેથી જ વૈજ્ઞાનિકો અને પ્રબુદ્ધોની અવરજવર
રહેતી. સંશોધન કાર્યો અને મહત્વના વિષયો ઉપર ચર્ચાઓ અને વાતો બાળપણથી જ તેમના કાને
પડતી રહેતી. મજાની વાત તો એ છે કે, ડૉ. સૌમ્યાને બાળપણમાં વેટરનરી ડોકટર બનવાની
ઇચ્છા હતી. પરંતુ એમની કોલેજમાં સહઅધ્યાયીઓ દ્વારા મેડિકલ પ્રવેશની પરીક્ષા અપાતી
હતી ત્યારે તેમણે આર્મી મેડિકલ કોલેજ, પુનાની એક માત્ર કોલેજમાં એડમીશન માટે જ પરીક્ષા
આપી હતી. એ મનોમન એમ વિચારતા હતાં કે, માત્ર એક જ કોલેજમાં પ્રવેશ પરીક્ષા આપી છે
એટલે પસંદગીની સંભાવના ખૂબ ઓછી છે. એટલે એ ભવિષ્યમાં એમએસસી અને પીએચડીની દિશામાં
આગળ વધી શકશે. પરંતુ એમને આ એક કોલેજમાં પ્રવેશ મળી ગયો. પછી તો તબીબી ક્ષેત્રે
બાળરોગોના નિષ્ણાંત તરીકેની એમની કારકીર્દિ પૂરપાટ ઝડપે આગળ વધવા લાગી.
ડૉ. સૌમ્યાને ઈન્ડિયન અને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકનો ભારે શોખ છે.
તેમની એકેડેમીશીયન માતા વેસ્ટર્ન ક્લાસિકલ પીયાનો ખૂબ સરસ વગાડે છે. ડો. સૌમ્યાએ
કર્ણાટક સંગીતની તાલીમ લીધી છે. સંગીત ઉપરાંત તેમને ટ્રેકિંગનો શોખ છે. પહાડો,
નદીઓ, જંગલો, પશુ-પક્ષી વગેરે કુદરતી સૌંદર્ય ડૉ. સૌમ્યાને પ્રિય છે. એમણે સિમલા,
ભુતાન, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ વગેરે સ્થળોએ ટ્રેકીંગ કર્યું છે. હવે WHOની હેડ ઓફિસ સ્વિટ્ઝરલેંડમાં ડૉ. સૌમ્યા બેસશે. સ્વિટ્ઝરલેંડમાં
કુદરતે સૌદર્યનો મબલખ ખજાનો છુટે હાથે વેર્યો છે. ડૉ. સૌમ્યા એમની પ્રકૃતિને પોષે
એવા દેશ સ્વિટ્ઝરલેંડમાં કુદરતી નઝારાને પણ ભરપુર માણી લેશે એમાં બેમત નથી.
ડૉ. સૌમ્યા સ્વામીનાથને એક ટીવી મુલાકાતમાં કહ્યું હતું કે, દુનિયાના
દરેક દેશના લોકોને ક્વોલિટેટીવ હેલ્થ મળે એ દિશામાં નક્કર પલાં લેવાવા જોઇએ.
આરોગ્ય કવચ જ્યાં સુધી મજબુત નહીં હોય ત્યાં સુધી આર્થિક સધ્ધરતાનું શમણું સાકાર ન
થઇ શકે. ડૉ. સ્વામીનાથન દ્રઢપણે માને છે કે, જે જીવ પૃથ્વી પર આવ્યો છે એનું
મૃત્યુ તો નિશ્ચિત છે જ. પરંતુ આરોગ્યની નિષ્કાળજીથી મૃત્યુ થાય એ ન ચલાવી લેવાય.
પ્રત્યેક દેશમાં હેલ્થ કેર માટે દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ હોવી જોઈએ. હેલ્થ
પ્રોગ્રામને સૌથી વધુ મહત્વ અપાવું જોઈએ. આયુષમાન ભારત પ્રોગ્રામ WHOના સ્ટ્રેટેજીક હેલ્થ પ્રોગ્રામની પ્રાથમિકતાની ખૂબ નજીક છે. આગામી
પાંચ વર્ષમાં વિશ્વના વધુ એક બિલિયન લોકોને સુરક્ષા કવચ મળે એ દિશામાં WHOએ લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
ડૉ. સૌમ્યા સ્વામીનાથને દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો છે. સાર્વભૌમ સ્વાસ્થ્ય સુરક્ષા અને આરોગ્યલક્ષી
સુખાકારી, મહામારી વખતે
અસરગ્રસ્ત દેશની વહારે વધુ આર્થિક મદદ
આપવી, જરૂરિયાતમંદ
રાષ્ટ્રોને વહીવટી સહાય પુરી પાડવી, માનવ સંસાધન વગેરે ડબલ્યુ.એચ.ઓ.ના મુખ્ય કાર્યક્ષેત્ર છે. સૌમ્યા સ્વામીનાથન હવે સમસ્ત વિશ્વની આરોગ્ય સુરક્ષાની જવાબદારી વહન કરશે.
સૌમ્યા સ્વામીનાથનની કારકીર્દિ પહેલેથી જ તેજસ્વી રહી. એમણે સશસ્ત્ર સેનાની મેડિકલ કોલેજમાંથી
એમબીબીએસ કરીને દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાંથી તબીબી ક્ષેત્રે
અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સૌમ્યાએ નેશનલ બોર્ડ ઓફ એગ્ઝામિનેશનનો ડિપ્લોમા પણ મેળવ્યો
છે. લોસ એન્જેલસની કેકે
સ્કૂલ ઓફ મેડિસીનમાંથી તેમણે બાળ ચિકિત્સા પલ્મોનોલોજીમાં પોસ્ટ ડોક્ટોરલ મેડિકલ
ફેલોશીપ મેળવી છે. ચેન્નાઈ સ્થિત રાષ્ટ્રીય ક્ષય રોગ અનુસંધાન સંસ્થાનના નિયામક તરીકે
તેમણે સરાહનીય સેવા પ્રદાન કરી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વિશ્વ સલાહકાર એજન્સીઓ તથા સમિતિઓમાં
તેમણે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.
ટીબી અને એચઆઈવી રોગના વિવિધ પાસાઓનો ગહન અભ્યાસ કરતી પ્રયોગશાળાઓ
અને વૈજ્ઞાનિકોના સમૂહને કેળવવાની દિશામાં સૌમ્યા સ્વામીનાથને અદભુત કામ કર્યુ છે. whoમાં ડેપ્યુટી ડાયરેકટર જનરલના પદ ઉપર નિયુક્તિ સમયે તે ટીબી ઝીરો
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૧ સુધી એમણે જીનિવામાં યુનિસેફ, યુએનડીપી, વિશ્વ બેન્ક અને વિશ્વ સ્વાસ્થ્ય
સંગઠનના દુનિયાના ગરમ દેશોમાં થતાં રોગોના સંદર્ભમાં ઉલ્લેખનીય કામ કર્યું છે. બાળ ચિકિત્સા ક્ષેત્રે ડૉ. સૌમ્યા
સ્વામીનાથને વર્ષ ૧૯૧૯માં પ્રસ્તુત કરેલા સ્ટડી પેપર માટે તેમને ડો. લહીરી સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં
આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં
સૌમ્યાને એક્સ્ટ્રાજેનેકા રિસર્ચ બંદોબસ્ત પુરસ્કાર નાઈપરથી નવાજવામાં આવ્યા હતા.
સૌમ્યા સ્વામીનાથનની આ કહાની સમર્પણની ભાવનાના સત્વથી છલોછલ ભરેલી છે. તબીબી ક્ષેત્રે અભ્યાસ પછી સતત
જનહિતલક્ષી આરોગ્ય સુરક્ષા માટે તેમણે પ્રતિદિન પરિશ્રમ કર્યો છે. રોજેરોજ નિષ્ઠાપૂર્વકના સમર્પણભાવથી
તેમણે કાર્યને અંજામ આપ્યો છે. કામમાં સમર્પણનું સત્વ ભળે ત્યારે એ કામ બોજો મટી આનંદનો માર્ગ બની
જતો હોય છે.
દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક તો એવા લોકો કે જે દુનિયાની પરિભાષા
અનુસાર પોતાને એ ઢાચામાં ઢાળી દે અને બીજા એવા લોકો કે જે પોતે બનાવેલા માર્ગ ઉપર
દુનિયાને ચાલવા મજબૂર કરી દે. ડૉ. સૌમ્યા સ્વામીનાથન, ડૉં. એ.પી.જે. અબ્દુલ કલામ, સચિન તેંડુલકર, બિલ ગેટ્સ, રતન ટાટા જેવા વ્યક્તિઓએ સિદ્ધ કરી આપ્યું છે કે,
વિશ્વમાં એવું કોઈ લક્ષ્ય છે જ નહીં કે જે સિદ્ધ ન થઈ શકે. આ બધા લોકોએ અલગ અલગ ક્ષેત્રમાં તેમનો
ઝંડો ગાડ્યો છે. આ લોકોની અપ્રતિમ અને અલભ્ય લાગતી ઉંચાઈ પાછળનું સૌથી મોટું પરિબળ
એમની સમર્પણ ભાવનાનું છે.
ઉંચાઈએ પહોંચેલા લોકોએ જીવનમાં ક્યારેય એમ નથી વિચાર્યું કે, ‘આ કાર્ય મારાથી
નહીં થઈ શકે.’ આ લોકોએ હંમેશા એમ વિચાર્યું છે કે ‘આ કામ મારાથી જ થઈ શકશે. આ કામ માટે જ મારો પૃથ્વી ઉપર જન્મ થયો
છે.’ જો ખરેખર ખૂશ થવું હોય તો કામને ગમતું કરવાનો દ્રષ્ટિકોણ રાખવો પડે. જ્યારે સંપૂર્ણ સમર્પિત બનવામાં આવે
ત્યારે કામ ગમવા જ લાગે.
ધબકાર :
એટલા નાના બનીએ કે બધાની સાથે બેસી શકીએ, એટલા મોટા બનીએ
કે, જ્યારે ઊભા થઈએ તો કોઈ બેસી ન રહે.







