Monday, 25 May 2020

જીવનમાં પાંચ સત્યની સમજ કેળવાય એટલે પત્યું

જીવનમાં પાંચ સત્યની

સમજ કેળવાય એટલે પત્યું

 

આજે આખું જગત ફેન્ટસીમાં જીવે છે. આપણે ભ્રાંતિ ઊભી કરે તેવા ભ્રામક ખ્યાલોને સાચા સમજવા લાગ્યા છે. લોકો વાસ્તવિકતાથી જાણી જોઈને મોં ફેરવતા થઈ ગયા છે. જીવનમાં બે જ સનાતન સત્ય છે. એક પ્રતિબિંબ ઝીલતો અરીસો અને બીજું આત્મા. ચિંતક માર્ક ટ્વેનના મતે સત્ય બોલવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે, એને બોલ્યા પછી યાદ રાખવાની કોઈ ઝંઝટ રહેતી નથી. અસત્યોની ભીડમાં સત્ય અલગ તરી આવતું હોય છે. જેના આચાર અને વિચારો સત્ય આધારિત હોય છે, એના મુખ ઉપર એક અલગ પ્રકારનું સાત્વિક તેજ હોય છે. વ્યક્તિ પોતાના વિચારો અને માન્યતાઓને સાચા ઠેરવવાની ગળાકાપ સ્પર્ધામાં હંમેશા રચ્યોપચ્યો રહે છે. એના કરતા જો એ જગતમાં જ્યાં પણ સત્ય મળે તેને પકડવાની જીદમાં લાગી જાય તો એની જીત નિશ્ચિત બની જાય છે.




જેનો ક્યારેય ઇનકાર ન કરી શકાય એવા કેટલાક સત્યોનું તથ્ય સમજવાની જરૂર છે. સામાન્ય રીતે મા-બાપ સંતાનોને ભણી-ગણીને અમીર બનવાના જ સપના બતાવતા હોય છે. ખરેખર તો માબાપે બાળકને હંમેશા આનંદમાં અને ખુશ રહેવાના પદાર્થપાઠ શીખવવા જોઈએ. જેના પરિણામે બાળક જ્યારે મોટું થાય ત્યારે કોઈ પણ વસ્તુની આર્થિક કિંમત નક્કી નહીં કરે, વસ્તુનું મૂલ્ય સમજવાની એ કોશિશ કરશે. એક સાધન સંપન્ન પરિવારના બહેને પ્રતિવર્ષ કેરીની સિઝનમાં પહેલા એક ગરીબને કેરી ખવડાવીને પછી જ પોતે કેરી ખાવાનો નિયમ રાખ્યો હતો. તેમની બાળકી નાનપણથી માતાની આ પ્રણાલી નિરખતી રહેતી. મોટી થઇને આ દીકરીએ પણ આ ટ્રેડિશનને ચાલુ રાખી. હજાર-બારસો રૂપિયે મળતી મોંઘી કેરીઓ લઈને પહેલા એક ગરીબને તૃપ્ત કરીને જ દીકરી કેરી ખાતી હતી. વાત ખૂબ નાની છે, પરંતુ આ આખી વાતમાં મૂળતઃ ‘પ્રાઈઝ’ કરતા ‘વેલ્યુ’ને સમજવાની વાતને પ્રાધાન્ય છે.

જીવનનું અન્ય એક ગંભીર સત્ય એ પણ છે કે, જો ખોરાકને દવાની જેમ લેવાની પદ્ધતિ નહીં અપનાવાય તો ભવિષ્યમાં દવા ખોરાકની જેમ લેવાનો વારો આવતા વાર નહિ લાગે. તાજા શાકભાજી, ફળો, હળદર, સૂંઠ, આદુ, લીંબુ, મીઠો લીમડો, તુલસી, કાળા મરી, અજમો વગેરેમાં મબલખ ઔષધીય ગુણો ભરેલા છે. તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખોરાકને સ્વાદ અને શરીરને સૌષ્ઠવ બંને આપશે. ખોરાકના સ્વાદ કરતાં ખોરાકની શારીરિક આવશ્યકતાઓને સમજીને ખોરાક લેનારા લોકો જીવનને વધુ આનંદમય બનાવી શકે છે. હમણા હમણા લંડનમાં ઔષધીય ગુણ ધરાવતાં ખોરાક લેવાનું ચલણ બહુ મોટા પ્રમાણમાં વિકસ્યુ છે. એક સત્ય એ પણ સમજવું પડે કે, જે વ્યક્તિ તમને ચાહતો હોય છે એ ક્યારેય જીવનમાં તમને છોડીને નહીં જાય એની ગેરંટી છે. આની પાછળનું એક સબળ તારતમ્ય એ છે કે, તમને ચાહનાર વ્યક્તિ પાસે તમને છોડવા માટેના કદાચ એક સો કારણો હશે પણ તમારો સાથ નહીં છોડવા માટેનું એની પાસે સદાય એક મજબૂત કારણ હોય છે.




માણસ અને માનવતા આ બે શબ્દો વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. માણસની કૂખે જન્મ્યા એટલે માણસનો અવતાર મળી ગયો. પણ માણસાઈ એમ જ નથી આવતી. એના માટે સભાન પ્રયાસો કરવા પડે. કોઈની તકલીફમા દુઃખી થઈને એના આંસુ લુછવા એ માનવતા છે. હ્યુમન બીઇંગ અને બીઇંગ હ્યુમન વચ્ચે આ જ સૌથી મોટો અને મજાનો તફાવત છે. આ તફાવતનું સત્ય માણસાઈનો અર્ક છે. માણસ જ્યારે જન્મે ત્યારે અને મૃત્યુ પામે ત્યારે આ બે સમયે તેને લોકો સૌથી વધુ વહાલ કરતા હોય છે. પરંતુ જન્મથી મૃત્યુ વચ્ચેના સમયને માણસે સ્વયં મેનેજ કરવાનો હોય છે. આ સમય ક્યાં, કેવી રીતે અને કોની સાથે પસાર કરવો એનો નિર્ણય વ્યક્તિએ જાતે કરવાનો હોય છે.




જીવનના સનાતન સત્યોની સાથે કોઈપણ ફી વગર સદાય સાથે રહેતા છ વિશ્વના પ્રસિદ્ધ ડોક્ટર મિત્રોને સમજવાના છે. આ ડોક્ટરોનો સાથ જીવનભર નિભાવવાનો છે. જો આ ડોક્ટરો હંમેશા પડખે રહે તો જીવન સદાય રસમય બની રહેશે. સૂર્યપ્રકાશ પહેલો ડોક્ટર છે. રોજ સવારે અને સાંજે મળતી ભરપૂર સનલાઈટ શરીરનો ઉત્તમ તબીબ છે. પ્રતિદિન નિર્ધારિત સમય માટે આરામ બીજો ડોક્ટર છે. દિવસ દરમિયાન થોડો સમય શરીરને રિલેક્સ કરવાનો નિયમ રાખવો જોઈએ. રોજ હળવી કસરત ત્રીજો ડોક્ટર છે. સમતુલિત અને આરોગ્યપ્રદ ખોરાક ચોથો, સેલ્ફ કોન્ફિડન્સ પાંચમો, અને સમજદાર મિત્રો છઠ્ઠો ડોક્ટર મિત્ર છે.




સ્વામી વિવેકાનંદ કહેતા કે, માનવીમાં મૂર્ખાઈ અને નબળાઈઓ તો રહેવાની જ છે. માનવીની અંદર પડેલા સત્યના સંસ્કારો માનવીની નબળાઇઓનો નાશ કરશે. માનવીની મૂર્ખામીઓ દૂર કરવાનો આ એક ઉત્તમ માર્ગ છે. વસ્તુની આર્થિક કિંમત નહીં અને એનું મૂલ્ય સમજવું, પ્રેમ, ખોરાક, માનવતા અને જન્મથી મૃત્યુ વચ્ચેના સમયનું સ્વયં નિયંત્રણ આ પાંચ સત્યની સમજ કેળવાય એટલે પત્યું. સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ કપરો છે, કંટકો વાગશે અને પગ પણ છોલાશે. લક્ષ્ય ઝડપથી નહીં મળે. એ પણ એટલું જ ચોક્કસ છે કે, જ્યારે લક્ષ્ય મળશે ત્યારે જગતના સર્વોત્તમ સુખની અનુભૂતિ સહજ રીતે થવા માંડે છે. સત્ય માટે કોઈ શપથની જરૂર નથી. સત્ય તો સ્વયં એક ઊર્જા છે. માનવીમાં પડેલી સ્વયંભુ શક્તિનો સ્ત્રોત સત્ય છે. પાણીને નદી બનીને ખળખળ વહેવા અને આગળ વધવા માટે કોઈ પથની જરૂર નથી હોતી.

 

ધબકાર :

સુરજ, ચાંદો અને સત્ય આ ત્રણને લાંબા સમય સુધી ક્યારેય ઢાંકી રાખી શકાતા નથી.

- ગૌતમ બુદ્ધ




Tuesday, 19 May 2020

કોરોના પછી વૈશ્વિક ઇન્ડસ્ટ્રીયલ સિનારીયો કેવો હશે ?

 

અમેરિકન સમાજશાસ્ત્રી અને ડેમોગ્રાફર કિંગ્સલી ડેવીસના સામાજિક પરિવર્તનોના વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આખી દુનિયા સલામ કરે છે. હૂવરના સિનિયર ફેલો એવા ડેવિસની સામાજિક પરિવર્તનોના તાણાવાણાની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાય છે. બદલાતા જતા સમાજ અંગેના એમના એક તારતમ્ય અનુસાર, 'સામાજિક સંસ્થાઓના માળખામાં અને કાર્ય પ્રણાલીઓમાં અન્ય વૈકલ્પિક બાબતોનો પ્રવેશ સામાજિક પરિવર્તનનું ઉદભવ સ્થાન છે.' ચિંતકો મેસીવર અને પેજના મતે, ' માનવસર્જિત રહેણી કરણી, વલણો અને ભૌતિક પરિવર્તનો એટલે જ સામાજિક બદલાવ.' આમ તો, સામાજિક પરિવર્તન સર્વસ્વીકૃત અને સાર્વત્રિક રીતે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ પણ સત્ય છે કે, દરેક સમાજમાં અને દરેક સમયે કોઇપણ અપવાદ વગર આ પ્રક્રિયાના આપણે સૌ સાક્ષી બનતાં રહ્યાં છીએ. પરિવર્તનોને કારણે સમાજની ગતિ અને દિશા નક્કી થતી હોય છે. મહદાંશે લોકો પણ પરિવર્તન હૃદયપૂર્વક ઇચ્છતા જ હોય છે. કેટલીક વાર ઈચ્છા અનુસાર તો કેટલીકવાર અનિચ્છાએ પરિવર્તન તો થતું હોય જ હોય છે. તેનો મને કે કમને સ્વીકાર પણ કરવો જ પડતો હોય છે.




આજે કોરોનાની વૈશ્વિક મહામારીએ વિશ્વ સમસ્તની સામાજિક પરિભાષામાં ધરમૂળ બદલાવી દીધી છે. હવે વિશ્વને 'કોરોના પહેલા' અને 'કોરોના પછી' એમ બે કાળખંડમાં જોવામાં આવશે. આખી દુનિયાનો સિનારિયો બદલાઈ જવા પામ્યો છે. સામાજિક વર્તણુકથી માંડીને અર્થ ઉપાર્જનના દરેક ક્ષેત્રોમાં નવા અભિગમે આકાર લીધો છે. આજે જીવન જીવવાની  જદ્દોજહદમા 'સર્વાઈવલ ઓફ ક્વિકેસ્ટ' અગત્યનું સૂત્ર બનીને ઉભરી આવ્યું છે. કોરોનાએ અમેરિકા, ચાઈના, રશિયા જેવી મહાસત્તાઓથી માંદીને ભારત જેવા વિકાસશીલ દેશો અને જાપાન, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવા ઔદ્યોગિક સંપન્ન રાષ્ટ્રોને અલગથી વિચારવા મજબુર કરી દીધા છે. કયા ક્ષેત્રો મૃતપાય થવા જ ઇ રહ્યાં છે અને કયા ક્ષેત્રો ઉભરી આવશે એની સૌ કોઇ ગણતરીઓ માંડી રહ્યાં છે. એક આકલન મુજબ કોરોનાએ દાયકાઓથી એસ્ટાબ્લિશ જાયન્ટ ઉદ્યોગોને વિનાશની ધાર ઉપર લાવી દીધા છે. એક જમાનામાં સીઇઓ અને તજજ્ઞ કર્મશીલો માટે મબલખ નાણા હતાં. હવે આ જોબ માર્કેટ અંતિમ શ્વાસો લઈ રહ્યું છે. શોપીંગ મોલ અને રિટેલ માર્કેટ લગભગ પડી ભાંગ્યા છે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ટુરિઝમનો વ્યવસાય બિલકુલ મૃતપાય બની જવાનો છે. સિનેમા અને લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સર્વાઇવલ ફાંફાં છે. ઉબર અને ઓલા જેવી ટ્રાન્સપોર્ટ સર્વિસ અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ ભૂંસાઇ જવાની છે. રેસ્ટોરન્ટ બિઝનેસથી માંડીને હોસ્પિટાલિટી સેક્ટર ખલાસ થઈ જવાનું છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ જેવી લાઇવ સ્પોર્ટસનો જમાનો પૂરો થઈ ગયો છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટર અને રિયલ એસ્ટેટનો દાયરો ખૂબ સીમિત થઈ જશે.




વર્ષોથી વિશ્વમાં જેની હાક બોલતી હતી એવા ઉદ્યોગો અને ક્ષેત્રો મરણપથારીએ છે ત્યારે એમ થાય કે, હવે લોકો કરશે શું ? કયા નવા ક્ષેત્રો ઉપર કામ થશે ? વર્ષોથી ચાલ્યા આવતા આ ઔદ્યોગિક એરીયા ઠપ કેમ થયા એની પાછળનું મુખ્ય કારણ લોકોની પ્રાથમિકતામાં ધરમૂળથી આવેલો બદલાવ છે. દુનિયાભરના લોકોમાં આરોગ્ય જાગૃતિ એક અલગ કક્ષાએ પહોંચી છે. લોકોની મનોરંજનની વિચારસરણીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વિશ્વના તમામ દેશના લોકો તેમના ખર્ચમાં ધરખમ ઘટાડો કરવા લાગ્યા છે. પર્યાવરણમાં ઉર્ધ્વગામી પરિવર્તન આવ્યું છે. શિક્ષણ વ્યવસ્થા અને બિઝનેસ મોડેલ સમૂળગા બદલાવા જઇ રહ્યાં  છે.




કોરોના મહામારી બાદની દુનિયા કેવી હશે ? ઉદ્યોગોના નવા આયામો શા હશે ? આવા પ્રશ્નો સહજ રીતે લોકોના માનસપટ ઉપર રમવા લાગ્યા છે. એ તો નિર્વિવાદ છે કે, હવેનો યુગ ડિજિટલ યુગ હશે. લોકોની જીવનજરૂરી તમામ આવશ્યકતાઓ ડિજિટલ મોડ ઉપર હશે. જોબ માર્કેટ તૂટવાની સાથે 'ગીગ ઇકોનોમિ'નો મોટા પ્રમાણમાં ઉદય થશે. આ 'ગીગ ઇકોનોમી' એટલે કામના પ્રમાણમાં વળતરની પરિભાષા. વ્યક્તિની ક્ષમતા અનુસાર તેને ‘ટાસ્ક’ આપવામાં આવશે. ‘ટાસ્ક’ મુજબ જ નાણાં ચૂકવાશે. પે-રોલનો કન્સેપ્ટ વિશ્વમાં ક્યાંય હશે જ નહીં. કોઇ પણ કંપનીના પે-રોલ ઉપર કર્મચારીઓ નહિ હોય. સ્ટોક માર્કેટ ઈન્ડસ્ટ્રીઝમાં જબરજસ્ત બૂમ આવશે કારણ કે, માર્કેટ ડાઉન થાય ત્યારે ઓછા ભાવે શેરની ખરીદી કરવાવાળા સ્ટોક માર્કેટમાં વધુ રોકાણ કરવા પ્રેરાશે.




એ પણ હકીકત છે કે, હવે લોકો ઉપભોક્તાવાદ છોડીને ઉત્પાદકીય હિસ્સો બનવા તરફ વધુ આકર્ષાશે. પોતાની આવશ્યકતા મુજબ અનાજ, ફર્નિચર, શાકભાજીનું ઉત્પાદન વ્યક્તિ પોતાની જાતે જ કરવા વિચારતો થશે. સોલાર, વિન્ડ, ટાઇડલ જેવી વૈકલ્પિક ઉર્જાનું ક્ષેત્ર વધુ વિકાસ પામશે. આયુર્વેદ હોમિયોપેથી જેવા વૈકલ્પિક તબીબી ક્ષેત્રો ઝડપથી બહાર આવશે. મેન્ટલ હેલ્થ ક્લિનિક અને સાઇકિયાટ્રિસ્ટના વ્યવસાયમાં તેજી આવવા જઇ રહી છે. ઈન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિડીયો ગેમ, હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીઝ, સ્પિરિચ્યુઅલ સાયન્સ, ડેટા સાયન્સીઝ અને નેટવર્કીંગ માર્કેટની આગામી સમયમાં બોલબાલા હશે. શિક્ષણ જગતમાં મોટું પરિવર્તન આવશે. ક્લાસરૂમ એજ્યુકેશન આગામી ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. ઓનલાઇન નેટવર્કિંગથી શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવશે. ચોક એન્ડ બોર્ડ, પેન એન્ડ પેડ મેથડોલોજીનું આગામી સમયમાં કોઇ સ્થાન નહીં હોય. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન સ્માર્ટ કોચિંગથી આગળ વધશે. ગાંધીનગરની ચેમ્પ્સ એકેડેમી, કિશોર ક્લાસીસ જેવા કોચિંગ ક્લાસિસ અને કોલેજો તથા યુનિર્વસીટીઓ ઓન લાઇન એજ્યુકેશન ઉપર સ્વીચ ઓવર થઇ ચુક્યા છે.




સામાજિક પરિવર્તનોની સંકલ્પનાના પાયામાં લોકોની રહેણીકરણી, વિચારો, માન્યતાઓ, વલણો, પરંપરાઓ અને પ્રણાલીમાં આવેલા ૩૬૦ ડીગ્રીએ બદલાવ છે. આના પરિણામે સામાજિક માળખું, ઇંટર પર્સનલ બિહેવિયર અને કર્તવ્ય ધરમૂળથી બદલાઈ રહ્યા છે. બદલાવ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. કબીર, રહીમ, તુકારામ, તુલસીદાસ જેવા જાગેલા આત્માઓ સામાજિક બદલાવનું કારણ બન્યા હતા. સત્ય, અહિંસા, સ્વચ્છતા અને સ્વદેશીના વિચારો સાથે ગાંધીજી આઝાદી કાળમાં બદલાવના નિમિત્ત બન્યા. ઇતિહાસ સાક્ષી છે કે, પરિસ્થિતિ તો હંમેશા બદલાતી જ રહે છે. માનવીના કાર્યો અને કાર્યપ્રણાલી પણ ક્રમશઃ બદલાયા જ કરતા હોય છે. તો પછી બદલાવ અને પરિવર્તનથી દુઃખી થવાની ક્યાં જરૂર છે ? કોરોનાની મહામારીથી બદલાવ આવ્યો છે એનો સ્વીકાર કરવાનો છે. એક વાત તો ચોક્કસ છે કે, ‘બદલાવ આવ્યો’ કે ‘બદલાવ લાવવો પડ્યો’ એની પળોજણમાં પડ્યા વિના હસતા મોંએ આગળ વધવાનું નામ જ જીવનનું સંગીત. જીવન ચલને કા નામ ચલતે રહો સુબહ શામ... એક દરવાજો બંધ થયો તો ચિંતા શેની ? આગળ વધવાના બીજા અનેક દરવાજા ખુલી જશે. નવી તરાહ, નવો ઉત્સાહ અને નવા વિચારો હંમેશા રાહ જોઇને બેઠા હોય છે. ‘જસ્ટ કમ  ફોરવર્ડ એન્ડ ગ્રેબ ઇટ...’

 

ધબકાર :

દરેક પરિવર્તન એક નવા અવસરને જન્મ આપે છે, પરાણે બદલાવવું પડે એ પહેલાં ચેતી જઇને બદલાઇ જવામાં સમજદારી છે.





Wednesday, 13 May 2020

રૂપેરી પરદાના રોમાંસ કિંગ ઋષિ કપૂર એમની બિન્દાસ્ત વાતો માટે પણ જાણીતા હતા.

રૂપેરી પરદાના રોમાંસ કિંગ ઋષિ કપૂર એમની

બિન્દાસ્ત વાતો માટે પણ જાણીતા હતા.

 

 

‘હેઇઇઇઇ, તુમને કભી કિસી સે પ્યાર કિયા... કભી કિસી કો દિલ દિયા... મેને ભી દિયા...’ સિત્તેરના દાયકામાં બોલિવૂડની સિલ્વર સ્ક્રીન ઉપર ઋષિ કપૂર નામના ઝુમતા, નાચતા, ગાતા, રોમાંસ કરતા ચોકલેટી ચહેરાના ગીતની ગુંજ આજે પણ કાનમાં પડઘાય છે ત્યારે રોમાંચીત થઇ જવાય છે. યુવા દિલોની હાર્ટ બીટ વધારી મુકતા આ કલાકારે એ જમાનામાં યુવાનોના રોમાંસની પરિભાષા બદલી નાખી હતી. અઢાર વર્ષની ઉંમરે રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમા રાજના બાળપણનો રોલ કરીને રૂપેરી પરદે ઋષિ કપૂરે એન્ટ્રી મારી હતી. એવું કહેવાય છે કે, કપૂર ખાનદાનની રગોમાં લોહીની જગાએ એક્ટિંગ દોડતી હોય છે. મેરા નામ જોકરમા ઋષિની એન્ટ્રીની કહાની રોચક છે. એક દિવસ સવારે ચા-નાસ્તા માટે રાજ કપૂર, પત્ની ક્રિષ્ના અને દીકરા ઋષિ સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા ત્યારે રાજે પત્ની ક્રિષ્નાને પૂછ્યું, ‘જોકરમાં મારા બાળપણના રોલ માટે ઋષિને લેવાની ઈચ્છા છે. તારો શું અભિપ્રાય છે ?’ પિતાના આ શબ્દો સાંભળતાં બટર ટોસ્ટ મોંમાં મૂકતા ઋષિની આંખો પહોળી થઈ ગઈ. પણ દેખાવ એવો કર્યો કે, જાણે આ વાતની એને બહુ ગંભીરતા નથી. પત્ની ક્રિષ્નાએ રાજને કહ્યું, ચિંટુનો અભ્યાસ ન બગડે તો મને કોઈ વાંધો નથી.’ ચા નાસ્તો પૂરો કરીને એક શ્વાસે રુષિ દોડતો એના બેડરૂમમાં ગયો અને ટેબલનુ ડ્રોઅર ખુલીને પેન-પેડ કાઢીને પેડના પાનાઓ ફટાફટ ફેરવતો જાય અને પાને-પાને ઓટોગ્રાફ આપવાની પ્રેક્ટિસ કરતો જાય. ફેન્સને ઓટોગ્રાફ આપવાની નાદાનિયત ભરેલી પ્રેક્ટિસ સાચે સાચ ચિંટુને ભવિષ્યમાં કામ લાગી.




કપૂર ખાનદાનની ત્રીજી પ્રભાવક પેઢીનું મજબૂત કિરદાર એટલે ઋષિ કપૂર. પૃથ્વીરાજ કપૂરના પુત્ર રાજ કપૂર. રાજ કપૂરના પુત્ર રીશી કપૂર. મુંબઈના ચેમ્બુરમાં ૧૯૫૨માં ઋષિ કપૂરનો જન્મ થયો. કૈંપિયન સ્કૂલ અને મેયો કોલેજ અજમેરમાં ચિંટુએ શાળાકીય અભ્યાસ કર્યો. ઋષિના પરિવારમાં ભાઇ રણધીર અને રાજીવ, મામા પ્રેમનાથ અને રાજેન્દ્રનાથ, કાકા શશી અને શમ્મી બધા જ આલા દરજ્જાના અભિનેતા. રિશીની આસપાસ-ચોપાસ એક્ટરો અને એક્ટિંગનો જ માહોલ. ભાઇ રણધીર સ્કૂલમાં ‘છેટે સે ચિંટુ મીયા, લંબી સી પૂંછ...’વાળુ ઉખાણુ સાંભળીને આવ્યા, એ સાંજથી નાના ભાઇને ચિંટુ કહેવા માંડ્યા. પછી તો આખુ પરિવાર ઋષિને લાડથી ચિંટુ જ કહેવા લાગ્યો.




આ વર્સેટાઇલ એક્ટરના વૈચારિક પ્રવાહના બદલાવને સમજવા માટે બે પ્રસંગો ખોલવા પડે. વર્ષ ૧૯૭૦માં રાજ કપૂર અભિનીત અને નિર્દેશિત ‘મેરા નામ જોકર’ જબરજસ્ત પિટાઈ ગઈ. રાજ કપૂર આર્થિક રીતે બિલકુલ બેહાલ થઈ ગયા હતા. રાજ કપૂર રીતસરના રોડ ઉપર આવી ગયા હતા. તેમનો સુપ્રસિદ્ધ આર.કે. સ્ટુડિયો પણ ગીરવે મુકવાની નોબત આવી ગઇ હતી. રાજ કપૂરને હાર સ્વીકાર ન હતી. એમણે જોકરની નિષ્ફળતા પળવારમાં ખંખેરી નાખી. એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું એમણે શરૂ કરી દીધું. આ પ્રોજેક્ટ એટલે બોબી. તેના નામ ઉપરથી જ સ્પષ્ટ થતું હતું બોબી હિરોઈન પ્રધાન ફિલ્મ હતી. હિરોઈન તરીકે ડિમ્પલની પસંદગી થઇ ચૂકી હતી. હીરો માટે એક મૂછનો દોરો ન ફૂટયો હોય એવા યુવાનની જરૂર હતી. આર્થિક તંગીના કારણે બીજે કશે ફાંફા માર્યા વગર રાજે ૧૯ વર્ષના યુવાન પુત્ર ઋષિને બોબી ફિલ્મના હીરો માટે કાસ્ટ કરી લીધો.




સ્ટાર પુત્રની ધમાકેદાર એન્ટ્રી જેવો કોઈ માહોલ ન હતો. કોઈ તામજામ કે ગ્રાન્ડ પબ્લિસિટી વગર ઋષિ કપૂર ફિલ્મોમાં આવ્યાં. હકીકત તો એ જ હતી કે, જોકરની ખોટ ભરપાઇ કરવા બનાવવામાં આવેલી ફિલ્મમા અનાયસે ઋષિ કપૂરની એન્ટ્રી હતી. વર્ષ ૧૯૭૩માં આવેલી બોબી ફિલ્મ સુપર હિટ ગઈ. બોબીએ કપૂર ખાનદાનની આર્થિક સંકડામણ એક ઝાટકે દૂર કરી નાખી. રાજને એ વખતે મિત્રોએ સમજાવ્યા કે, અત્યાર સુધી તો ચાલ્યું પણ હવે નહીં ચાલે. બાળકો મોટા થઈ ગયા છે. એક ઘર લઈ લો. રાજ કપૂરે મિત્રોની સલાહ માની અને બોબી પછી વર્ષ ૧૯૭૪માં પોતાનું ઘર લીધું. એ પણ હકીકત છે કે, વીસ વર્ષનો લબરમૂછિયો ચોકલેટી ચહેરાવાળો ઋષિ કપૂર બોબીની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયો. ૨૦ વર્ષના ઋષિ કપૂરની નાદાનિયતની વાત છે. બોબીની સફળતા બાદ એક દિવસ ઋષિના બંગલે એ જમાનાના એક સુપ્રસિદ્ધ નિર્દેશક ફિલ્મમાં સાઇન કરવા માટે આવ્યા. ફિલ્મની વાર્તા સાંભળીને ઋષિએ નિર્દેશકને કહ્યું, ‘હિરોઈનવાળો રોલ હું કરીશ.’ નિર્દેશક તો ચોંકી ગયા. હિરોઈનવાળો રોલ મેઇલ કેરેક્ટર કેવી રીતે કરી શકે ? પણ નાદાન ઋષિ કપૂરના દિમાગમાં બોબીનો નશો છવાયેલો હતો. સફળતા ઋષિ ઉપર સવાર થઇ ગઈ હતી. નાદાનિયતમા એણે નિર્દેશકને ભારે વિમાસણમાં મૂકી દીધા હતા.




જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ એક પછી એક હિટ ફિલ્મોએ ઋષિ કપૂરને મેગાસ્ટાર બનાવી દીધો. કર્ઝ, હમ કિસી સે કમ નહીં, ચાંદની, નસીબ, દામિની જેવી હિટ ફિલ્મો ઋષિ કપૂરે આપી. ફિલ્મોની સાથે-સાથે ઋષિ કપૂરના જીવનમાં પણ હવે મેચ્યોરિટી આવવા લાગી હતી. ૨૦૦૦ના દશકમાં આવેલી મુલ્ક, ડી-ડે, ૧૦૨ નોટ આઉટમાં ઋષિ કપૂરના અભિનયના ઓજસ ભૂલી શકાય એવા નથી. ૯૦થી વધુ ફિલ્મોમાં રોમેન્ટિક રોલ કરી ચૂકેલા ઋષિ કપૂરે વર્ષ ૨૦૦૦ના આરંભમાં કહ્યું હતું કે, ‘મારી કેરિયરના પ્રથમ અઢી દાયકા તો ટીશર્ટ અને રંગબેરંગી જેકેટ્સ પહેરી હિરોઈનો સાથે સ્વિટ્ઝરલેન્ડમાં ગીતો ગાવામાં કાઢી નાખ્યા અને લોકોને ખૂબ બેવકૂફ બનાવ્યા. એક્ટિંગ તો હું હવે કરી રહ્યો છું. ઋષિ કપૂર અને નીતુ સિંહે સાથે ૧૫ જેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું.

બહુ ઓછાને ખબર હશે કે ઋષિ કપૂર માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે સૌથી પહેલા કેમેરો ફેસ કર્યો હતો. રાજ કપૂર અને નરગીસની મુખ્ય ભૂમિકાવાળી શ્રી ૪૨૦ ફિલ્મના ‘પ્યાર હુઆ, ઈકરાર હુઆ...’ ગીતમાં ઋષિ કપૂર સ્ક્રીન પર દેખાયા હતા. ઋષિ કપૂર પુત્ર રણબીરથી ખાસ ખુશ ન હતા. એ કહેતા કે, ‘હું જાણું છું કે, હું એક મહાન કલાકારનો દીકરો છું પણ મને ખબર નથી કે, હું એક મહાન કલાકારનો બાપ પણ છું કે નહીં.’ પુત્ર રણબીરની ફિલ્મો વિશે એ કહેતા કે, ‘મેં રણબીરની ફિલ્મો જોઈ છે પણ મને તેની કોઈ ફિલ્મ ગમી નથી.’ રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડ’ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૭માં પ્રકાશિત થઈ હતી.




ઋષિની મેચ્યોરિટીના એક પ્રસંગની વાત છે. લિજેન્ડરી એકટર હેન્ડસમ વિનોદ ખન્નાના નિધન વેળા ઋષિ કપૂરે સોશિયલ મીડિયા ઉપર મૂકેલી પોસ્ટે લોકોના હદયને હચમચાવી મૂક્યા હતા. ૨૦૧૭માં વિનોદ ખન્નાના નિધન બાદ તેમના અંતિમ સંસ્કારમાં ખૂબ ઓછા લોકો પહોંચ્યા હતા. નવી જનરેશનનો એક પણ કલાકાર આવ્યો ન હતો. આ વાતને લઈને ઋષિ કપૂર નવી પેઢી ઉપર ખુબ નારાજ થઇ ગયા હતા અને બેક-ટૂ-બેક ટ્વીટ કરીને હૈયાવરાળ કાઢી હતી. એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘શરમજનક ! નવી જનરેશનનો એક પણ એક્ટર વિનોદ ખન્નાની અંતિમ યાત્રામાં પહોંચ્યો નહીં. કેટલાક તો તેમની સાથે કામ પણ કરી ચૂક્યા છે. સન્માન આપતાં તો શીખવું જ જોઇએ.’ બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે, ‘આવું કેમ ? જ્યારે હું મૃત્યુ પામુ ત્યારે મારે મારા મોત માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ મને કાંધ નહીં આપે. હાલના એક્ટર્સથી હું ખૂબ નારાજ છું. ગુસ્સામાં છું. ગઈ રાત્રે પ્રિયંકા ચોપરાની પાર્ટીમાં ઘણા ચમચા જોવા મળ્યા, પરંતુ વિનોદ ખન્નાને ત્યાં ખૂબ ઓછા. હું આ તમામથી અત્યંત નારાજ છું

ઋષિના કહેવાનું તાત્પર્ય એ હતું કે, દરેક પરિવારમાં વડીલે એમના કુટુંબના ૧૮થી ૨૦ વર્ષના બાળકોને સમાજમાં કોઇના નિધનના પ્રસંગે અવશ્ય લઈ જવા જોઈએ. ગુજરી જનારા વડીલ મિત્રો ઉંમરલાયક હોય છે. ગુજરી ગયેલાના વડીલ મિત્રો નનામીને એપાર્ટમેન્ટ કે બંગલાની બહાર ઊભેલી શબવાહિની સુધી લઈ જતાં હાંફી જાય છે - થાકી જાય છે. યુવાનોએ મોતનો મલાજો પાળતા શીખવું જોઇએ. સામાન્ય રીતે કોઈના મૃત્યુના સમાચારનો ફોન આવે ત્યારે પહેલો પ્રશ્ન એ જ પૂછવામાં આવે છે કે, ‘બેસણું ક્યારે છે ?’ નનામી ખભે ઉચકનાર યુવાનો હોતા જ નથી. મૃતદેહને સ્મશાને લઈ જવા માટે શબવાહિનીમાં મૂકવામાં આવે ત્યારે ભેગા થયેલા લોકો પૈકી ૭૦ ટકા હાથ જોડીને રવાના થઇ જતા હોય છે. બાકી બચેલા ૩૦ ટકા પૈકી ૮૦ ટકા દાહસંસ્કાર શરૂ થયા બાદ હાથ જોડી નીકળી જાય છે. છેલ્લે અસ્થી લેવાના સમયે પરિવારના પાંચ સાત સભ્યો જ બચ્યાં હોય છે. આ ખૂબ દયનીય સ્થિતિ હોય છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિથી વિપરીત આ વાત ઋષિ કપૂર સહન ન કરી શક્યા.

ઋષિ કપૂરના શબ્દોમાં સચ્ચાઈની સાથે ભારોભાર રોષ પણ છે. એમની વાત આંખના ખુણા ભીના કરી દે એવી છે. ચાર દાયકાની ફિલ્મી કારકિર્દીમાં ૭૦ના દાયકાની ઈમેચ્યોરીટીથી ૨૦૦૦ના દશકની મેચ્યોરિટી સુધીની ઋષિ કપૂરની સફર આ બે પ્રસંગો ઉપરથી એમના ચરિત્રમાં આવેલા પરિવર્તનનો પરિચય આપે છે. સમય એક એવો સુગંધીદાર અને ઝાગદાર સાબુ છે કે, જે ભલભલાનું ચરિત્ર ધોઇને સ્વચ્છ અને સુઘડ બનાવી દે છે.

ઋષિ કપૂર એની બેબાક વાત માટે જાણિતા હતા. એમના દિલમાં જે હોય એ સ્પષ્ટ કહી દેતા. ‘માંસ ખાનારા હિન્દુ’નું ટ્વીટ અને ‘હિટ એન્ડ રન’ કેસના ચુકાદા વખતે સલમાન ખાનને એમણે જાહેરમાં જે ટેકો આપવાનુ સ્ટેન્ડ લીધું તેની ખુબ ટીકા થઇ હતી. એમની બીજી ઇનિંગ્સમાં એમણે ‘અગ્નિપથ' ફિલ્મની રીમેકમાં નેગેટીવ ભૂમિકામાં દમદાર એક્ટિંગનો પરિચય આપ્યો હતો. ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘ધ બોડી’ હતી. બહુમુખી પ્રતિભા ધરાવતા આ વર્સેટાઈલ કલાકારે ચાર-ચાર દાયકાઓ સુધી સિલ્વર સ્ક્રીન ઉપર રાજ કર્યું. અલવિદા ઋષિ...


ધબકાર :

જવાની રોકવાની તાકાત જમાનામાં નથી, લાખ પ્રયત્નો કરે દુનિયા પ્રેમના પ્રવાહને કદી અટકાવી નહીં શકે. - ઋષિ કપૂર