Tuesday, 30 June 2020

બહારથી નકારના પોકારો ન સંભળાય ત્યાં સુધી જીવનમાં અશક્ય કશું નથી

    અનરાધાર વરસાદ વરસતો હતો. ગામની બાજુમાંથી પસાર થતી નદી બે કાંઠે ધસમસતી વહેતી હતી. ગામના સંપન્ન પરિવારના બે ભાઈઓને વરસાદી વાતાવરણમાં નદીમાં નાહવાની ઇચ્છા થઇ. વરસાદ બંધ થતા વેંત આ બન્ને ભાઇઓ નદીમા નાહવાની મજા લેવા માટે કાંઠે પહોંચી ગયા. બન્ને ભાઈઓ નદીમાં નાહવા પડ્યા. નહાવાની મસ્તીમાં એક ભાઈને સમજ ન પડી અને ઊંડા પાણીમાં દૂર તણાવા લાગ્યો. બીજા ભાઈ અને કાંઠે ઊભેલા ગામ લોકોએ એને બચાવવા ખૂબ બૂમો પાડી બચાવવાના ખુબ પ્રયત્નો કર્યા પણ કોઈ કામમાં ન આવ્યા. એનો ભાઈ વધુને વધુ દૂર તણાવા લાગ્યો. એ બહાર આવી અને ગામના લોકો સાથે તણાઈ ગયેલા ભાઈનો વિલાપ કરતો બેઠો હતો એવામાં દૂરથી એક ફકીર કોઈ યુવાન સાથે ચાલતો ટોળા નજીક આવતો દેખાયો. વધુ નજીક આવતા ખબર પડી કે એની સાથેનો યુવાન બીજો કોઈ નહીં પણ એનો ભાઈ જ હતો.




તાણાઇ ગયેલા ભાઈને જોઈને એ ખૂબ ખુશ થઈ ગયો એને ભેટીને પૂછવા લાગ્યો, ‘તું કેવી રીતે બચી ગયો ? પાણીનું વહેણ તો બહુ જબરજસ્ત હતુ.ભાઈના પ્રશ્નનો જવાબ આપે એ પહેલાં ફકીરે કહ્યું, “એ એટલા માટે બચી ગયો કે, જ્યારે એ તણાતો હતો ત્યારે આજુબાજુમાં ‘તું નહીં બચી શકે...’ એવું કહેવાવાળું કોઈ ન હતું. એટલે એણે હિંમત એકઠી કરી બચવાનો મરણીયો પ્રયાસ કર્યો. એક લાકડાના સહારે એ તરીને બહાર આવી ગયો. જ્યાં સુધી બહારથી નકારના પોકારો ન સંભળાય ત્યાં સુધી જીવનમાં અશક્ય કશું નથી.”




સામાન્ય રીતે દરેકની જિંદગીમાં આવું જ બનતું હોય છે. જ્યારે મુશ્કેલી કે તકલીફનો સમય હોય ત્યારે કોઈ કહે કે, ‘આ અશક્ય છે.’ એટલે પ્રયાસો કરવાના હથિયાર હેઠા કેમ મૂકી દેવામાં આવે છે ? આનું સીધું કારણ એટલું જ છે કે, લોકોના પ્રયત્નો, પોતાની શક્તિઓ અને સંભાવનાઓ અંગે બીજાએ કહેલા આકલનના આધારે વર્તન કરતાં જોવા મળે છે. વ્યક્તિના મનમાં દરીયો ભરીને અસિમ સંભાવનાઓ પડી હોય છે. કોઈકના નકાર માત્રથી કમજોરી આવી જતી હોય છે.

હેરી એન્ડ્રીસ રનીંગનો બ્રિટીશ કોચ. રનીંગની દુનિયામાં હેરીનું નામ બહુ આદરથી લેવાય. વર્ષ ૧૯૦૩માં એણે સ્ટેટમેન્ટ આપ્યું કે, ‘ચાર મિનિટમાં એક માઈલની દોડનો વિશ્વ વિક્રમ કોઈ તોડી શકશે નહીં.જ્યારે પ્રમાણિકપણે કોઈ સિદ્ધહસ્ત વ્યક્તિ કોઈ વાત પ્રમાણિત કરે ત્યારે લોકોના દિલો દિમાગ ઉપર એ વાત ઘર કરી જતી હોય છે. બરાબર ૫૦ વર્ષો પછી રોજર બેનીસ્ટરે વર્ષ ૧૯૫૪માં એક માઈલની દોડ ત્રણ મિનિટ ઓગણસાહીંઠ સેકન્ડ અને ચાર માઈક્રો સેકન્ડમાં દોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો. કોચ હેરી એન્ડ્રીસના સ્ટેટમેન્ટને સાચુ માની બેઠેલા લોકોને રોજરે નવું વિચારવા મજબૂર કરી દીધાં.




રોજર બેનિસ્ટર પછી એક દશકમાં જ એટલે કે વર્ષ ૧૯૬૪માં જીમ રેયોન નામના શાળામાં ભણતા નાના છોકરાએ એક માઈલની દોડ ત્રણ મિનિટ અને ઓગણસાહીંઠ સેકન્ડમાં પૂરી કરી. જીમ આ જબરજસ્ત સફળતા એટલે હાંસલ કરી શક્યો કારણ કે એના મનમાં હેરીનું અસંભવવાળુ સ્ટેટમેન્ટ હતું જ નહીં. એના મનમાં તો હતું કે જો રોજર બેનીસ્ટર આ દોડ ચાર મિનિટથી ઓછા સમયમાં પુરી કરી શકે તો તેનાથી ઓછા સમયમાં હું આ દોડ કેમ પૂરી ન કરી શકું ?

કોઈકના કહેવાથી જે કાર્ય પચાસ વર્ષો સુધી અસંભવ લાગતું હતું પરંતુ જ્યારે કોઈ નકારાત્મકતા ન નડે ત્યારે તે પૂરુ થતા માત્ર એક દશકનો જ સમય લાગ્યો. ૨૯૬૩ વન ડે ઈન્ટરનેશનલ મેચ પછી સચિન તેંડુલકરે પ્રથમ બેવડી સદી કરી એ પહેલાં વન ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી શક્ય જ નથી એમ લોકો સમજતા હતા. વર્ષ ૨૦૧૦માં સચિને લોકોની માન્યતા જ બદલી નાખી. સચિનની બેવડી સદી બાદ માત્ર ૧૬ મહિનામાં ૨૫૦ વન ડે પછી વિરેન્દ્ર સેહવાગે સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો. પછી તો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ, માર્ટીન વગેરેએ વન ડે ઈન્ટરનેશનલમાં ડબલ સદી કરી. હવે તો એવા ખ્યાલ સાથે ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે કે, ‘એ લોકો કરી શક્યા છે તો હું પણ કરી શકીશ.૫૦ વર્ષોમાં વન ડે ઈન્ટરનેશનલમાં અસંભવ લાગતી બેવડી સદી આજે દસ વર્ષ પછી બેવડી સદીઓની લાઈન લાગી ગઈ.




મૂળ વાત તો એ છે કે, જ્યાં સુધી ઘટના ઘટતી નથી ત્યાં સુધી જ એ અસંભવ લાગે. જ્યારે એક વાર ઘટના બની જાય પછી અનેકને એમાં આશા દેખાય છે. વર્ષ ૧૯૫૫માં જાણીતા વૈજ્ઞાનિક ડૉ. લી. દી. ફોરેસ્ટે છાતી ઠોકીને કહ્યું હતું કે, ‘માનવી ક્યારેય ચાંદ ઉપર નહીં પહોંચી શકે.’ વર્ષ ૧૯૬૯માં નીલ આમસ્ટ્રોંગે ચંદ્ર ઉપર નાનું ડગલું ભરી માનવ જાતની મોટી છલાંગ મારી. એવી જ રીતે લોર્ડ કેલ્વીને કહ્યું હતું કે, ‘માત્ર પક્ષી જ હવામાં ઊડી શકે માણસ ક્યારેય ઊડી ન શકે.આ પછી ૧૬ વર્ષના સમયગાળામાં રાઈટ બ્રધર્સે બાયસિકલના પુર્જાઓથી હવાઈ જહાજ બનાવ્યું હતું. શારીરિક રીતે અપંગ ફેંકલીન રુઝવેલ્ટ બાર વર્ષ સુધી વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ રહ્યાં હતા. સુધા ચંદ્રાના પગ ન હોવા છતાં અદભુત ડાન્સર બન્યા હતા. બન્ને પગે હેન્ડીકેપ અરૂણીમા સિન્હા એવરેસ્ટ ઉપર પહોંચી શક્યા.

‘અશક્ય’ નામનો શબ્દ બહારથી આવીને વ્યક્તિના મનોબળને તોડી નાખે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ હંમેશા આવે અને જાય, પરંતુ અનુકુળ ન હોય એવી પરિસ્થિતિનો વ્યક્તિ કેવી રીતે સામનો કરે છે અને અસંભવ વાત સંભવ કેવી રીતે બનાવે છે એ અગત્યનું છે. જગતના સૌથી વિનાશકારી દિવસો માનવજાતિએ જ્યારથી અસંભવ શબ્દનો પ્રયોગ કરવાનો શરૂ કર્યો ત્યારથી આરંભાયા.

 

ઘબકાર :

મન મોટું, વિચાર ઉમદા અને લક્ષ્ય ઊંચું હોય ત્યારે કશું અસંભવ ન લાગે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/june2020/30062020-4.pdf


Tuesday, 23 June 2020

આપણે સહજતાથી સાંભળતા શીખ્યા જ નથી


 

ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી દક્ષિણ ભારતની એક સંસ્થાની વાત છે. આ સંસ્થા પ્રતિવર્ષ સેંકડો ગરીબ બાળકોને અભ્યાસ કરાવે છે. સંસ્થાના ટ્રસ્ટી સુધાજીની સાથે કોલેજમાં અભ્યાસ કરતા એક મિત્રની દફતર બનાવવાની મોટી કંપની છે. આ કંપની તેના નાની-મોટી ખામીવાળા રીજેક્ટેડ દફતર સુધાજીના ટ્રસ્ટને વિના મૂલ્યે દાનમાં આપે. આ પ્રથા દસેક વર્ષથી ચાલે. દફતર બનાવતી કંપનીના મિત્રએ નિવૃત્તિ લીધી અને તેના સ્થાને એના યુવાન પુત્રએ પિતાનો કારોબાર હાથમાં લીધો. દર વર્ષની જેમ માર્ચ-એપ્રિલ મહિનામાં ચેરીટી ટ્રસ્ટના માણસો રીજેકટેડ દફતર લેવા આવ્યા. કંપનીના સ્ટાફને ખબર હતી એટલે રીજેકટેડ દફતરથી ટ્રક ભરી દેવામાં આવી. યુવાન મેનેજરે તેની કેબિનમાંથી આ દ્રશ્ય જોયું




એ ધુંઆપુઆં થતો ચેમ્બર બહાર આવ્યો. ‘ટ્રકમાં આ દફતર કોને પૂછીને ભર્યા ? કેમ આવી રીતે કંપનીનો માલ લઈ જવાય છે ?વગેરે પ્રશ્નોની ઝડી વરસાવા લાગ્યો. ટ્રસ્ટના માણસોએ વિગતે વાત કરી. ‘દસ વર્ષથી આ રીતે દફતર દાનમાં લઈ જવામાં આવે છે. સુધાજી અને તમારા પિતાજી સાથે આ સંદર્ભમાં વિગતે ચર્ચા થઈ છે. દર વર્ષે ટ્રસ્ટ આપની કંપનીને ઈ-મેઈલ કરીને દફતર લેવા આવે છે.’ યુવાન આ કોઈ વાત સાંભળવા જ તૈયાર ન હતો. અંતે સુધાજીએ આવીને સમગ્ર વાતની વિગતવાર સમજ આપી ત્યારે માંડ વાત થાળે પડી. આ આખી ઘટના જાણીતા લેખક, વિચારક અને સમાજ સેવિકા સુધા મૂર્તિએ એમની અનુભવ કથામાં વર્ણવી છે.




આ નાનકડી વાતનો નિર્દેશ શ્રવણ કૌશલ્ય તરફ અંગુલીનિર્દેશ કરે છે. જેમ સંગીત, ચિત્ર, ઈજનેરી, તબીબી, સ્પોર્ટસ જેવી કલા છે એમ સાંભળવાની પણ એક કલા છે. માણસની સૌથી મોટી તકલીફ એ છે કે, એ કોઈને પણ સાંભળ્યા પહેલાં પોતાની વાત કરવા માટે ઉતાવળો બની જાય છે. એક સારો શ્રોતા મોટા ભાગના પ્રશ્નો ઊભા થતાં પહેલાં જ સોલ્વ કરી નાખતો હોય છે.




જે. કૃષ્ણમૂર્તિજી કહે છે કે, હંમેશા સ્વાભાવિક રીતે જ સાંભળવાની આદત કેળવવી જોઈએ. જ્યારે મન કોઈ પણ વિચાર પાછળ દોડ ન લગાવતું હોય અને બિલકુલ શાંત હોય. ચિત્તમાં કોઈપણ સળવળાટ સુદ્ધા ન હોય ત્યારે આવી સ્થિતિમાં દુરનુ અને નજીકનું તમામ સ્પષ્ટ સાંભળી શકવાની ક્ષમતા વધુ હોય છે. જ્યારે સ્વાભાવિકપણે શાંત ચિત્તે શ્રવણ થતું હોય છે ત્યારે માનવીની અંદર અસાધારણ પરિવર્તનનો અનુભવ થતો હોય છે. આ પરિવર્તન કોઈપણ ધારણા કે નિર્ણય વગર હોય છે. આ સ્થિતીમાં જેની કલ્પના પણ ન કરી હોય એવું અદભુત પરિવર્તન પ્રાપ્ત થયા વગર નથી રહેતું. આ શ્રવણ પરમ સૌંદર્યવાન હોય છે.




સમાન્ય રીતે વ્યક્તિ તેને અનુકૂળ પડે એવી કલ્પના મહત્વાકાંક્ષા, ઈચ્છા, અકળામણ, ચિંતાના સંદર્ભમાં જ સાંભળતો હોય છે. જે સંતોષ આપે અથવા પોતાને ઠીક લાગે કે સગવડ ભરેલું લાગે એવું જ સાંભળવા આપણે ટેવાયેલા હોઇએ છીએ. દુઃખમાં રાહત આપે એવું કે પછી પોતાનો અહમ સંતોષાય એવું જ સાંભળવાની આદત વ્યક્તિને હોય છે. જે માન્યતાઓના આવરણો સાથે આપણે સાંભળીએ છીએ એ આવરણો હડસેલીને સાંભળવામાં આવે ત્યારે ખરેખર સંભળાય છે.

ધ્યાનપૂર્વક સાંભળવાની એક એવી કળા છે. જે સરળતાથી મળતી નથી. તેમાં અપ્રતિમ સૌંદર્ય અને સમજણની ધાર હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ તેના અસ્તિત્વના જુદા જુદા પાસાઓની આસપાસ વિંટળાયેલા ખ્યાલોના પરિપ્રેક્ષ્યમાં જ સાંભળતો હોય છે. ખરેખર તો મહદંશે લોકોનું સાંભળવાનું પૂર્વાગ્રહપિડીત અને વિશેષ દ્રષ્ટિકોણવાળું જ હોય છે. આપણે સહજતાથી સાંભળતા શીખ્યા જ નથી. સાંભળતી વખતે આપણા વિચારો, તર્કો, નિષ્કર્ષો અને પક્ષપાતો સતત હાવી થતા રહેતા હોય છે.




શબ્દો સંદેશાની આપ લે કરવાનું માધ્યમ છે. આ માધ્યમ જ્યારે ગૂંચવે ત્યારે વાંક બાહ્ય શબ્દો કરતા આંતરિક ધારણાઓનો વધુ હોય છે. વ્યક્તિ હંમેશા સર્વોપરી બનવા કે વિજેતા થવા પાછળ પાગલ હોય છે. પરિણામે શબ્દોનું સત્ય સંભળાતુ નથી. જ્યારે શબ્દોનું સત્ય સંભળાય ત્યારે શ્રવણ માત્ર સ્થૂળ અર્થમાં સાંભળવા કરતા ક્યાંય આગળ એક સંગીત બની મનમાં ઉત્સાહના ફુવારા ઉડાડે છે. આમ ન થાય ત્યારે શબ્દો માત્ર ઘોંઘાટ બનીને રહી જાય છે. ધ્યાનપૂર્વક સાંભળવું એ સ્વયં એક સંપૂર્ણ ક્રિયા છે. વ્યક્તિએ પ્રથમ તો એ વિચારવાનું રહે કે, એ જે સાંભળે છે એનો ભીતરની અશાંત સ્થિતિમાં પરિવર્તનનો ઉદ્દેશ છે કે એના સંદર્ભો અને વિરોધાભાસી વિચારોના સમાધાનના હેતુ છે.




સાંભળવાનું તો વળી કોઈ સાયન્સ હોય ? ઇશ્વરે કાન આપ્યા છે તેમાં બધું ય સંભળાય જ ને ! ના આવી ધારણામાં બિલકુલ ન ફસાવાય. સાંભળવાનું એક વિજ્ઞાન પણ છે અને કલા પણ. પશ્ચિમના દેશોમાં તો લોકોનેઆર્ટ ઓફ લીસનીંગમાં ખૂબ રસ પેદા થયો છે. વિદેશોમાં સાંભળવાની કળા ઉપર રીતસરના સેશન્સ ધૂમ મચાવે છે. ભારત વર્ષમાં પૌરાણિક ગ્રંથોથી માંડીને આધુનિક ત્રણ પ્રબુદ્ધો જે. કૃષ્ણમૂર્તિજી, ઓશો અને અરવિંદ ઘોષે શ્રવણ કૌશલ્યને અદભુત રીતે ઉજાગર કર્યું છે. સાંભળવાની વાત લાગે છે એટલી સાહજિક નથી. એના મહત્તમ લાભ માટે સૌ પ્રથમ માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે. ઘણા બધા લોકો પાસેથી ઘણું બધું શબ્દોના માધ્યમથી બોલાય છે એને ક્યાં, કેવી રીતે, કયા સંદર્ભમાં સંભળાય છે એ અગત્યનું છે.




કાન દિવા જેવા અને આંખ બેટરી જેવી છે. જેમ દિવો પ્રગટે અને ચારે બાજુ પ્રકાશ ફેલાય એમ કોઈપણ દિશામાંથી આવેલો શબ્દ કાન સાંભળે જ છે. જ્યારે આંખો જે દિશામાં હોય એ દિશાનું જ જોતી હોય છે. એટલે જ કહેવાય છે કે દર્શનશાસ્ત્ર એકાંગી હોય છે અને શ્રવણશાસ્ત્ર બહુઅંગી હોય છે.

 

ધબકાર :

સાંભળવાની ક્રિયા સૌથી ચુંબકીય અને સર્જનશીલ છતાં અણસમજમાં ચાલતી હોય છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/june2020/23062020-4.pdf


Tuesday, 16 June 2020

હવેનો સમય વાઈ-ફાઈ સાથે મજબૂતીથી જોડાઈ રહેવાનો છે બોસ...


 

સવારે ચા નાસ્તો કરીને પલાશે જેવું એનું લેપટોપ ઓન કર્યું કે, તરત એક મલ્ટીનેશનલ કંપનીનું ઈમેઈલ નોટિફિકેશન તેના ધ્યાન પર આવ્યું. એણે ઝડપથી ઈમેઈલ એકાઉન્ટ ઓપન કરીને ઈનબોક્સમાં આવેલા નોટિફિકેશનની ડિટેઈલ વાંચી. એ ખુશ ખુશાલ થઈ ગયો. એના બેડરૂમમાંથી મોટેથી બુમ પાડીને એણે કહ્યું ‘મમ્મી મારી જોબ સિક્યોર્ડ થઈ ગઈ.’ મલ્ટીનેશનલ કંપનીના ઈમેઈલમાં પલાશને ૨૦ લાખના હેન્ડસમ પેકેજ સાથે જોબ ઓફર કરવામાં આવી હતી. ઇમેઇલમાં જોબ મેળવવા બદલ કંપનીએ એને અભિનંદન પણ પાઠવ્યાં હતા. એકાદ સપ્તાહ પહેલા પલાશે યુએસ બેઈઝ આ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ માટે એનો સીવી અને વર્ક એક્સપિરિયન્સની ડિટેઈલ સાથે મેઈલ કર્યો હતો. મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાતમાં મહેસાણા જિલ્લાના નાના સરખા ગામમાં રહેતાં પલાશની ક્ષમતાને પીછાણીને જોબ ઓફર કરી હતી. ન તો કંપનીએ પલાશને ક્યારેય જોયો હતો કે પલાશે યુએસમાં આવેલી આ કંપનીની ઓફિસ જોઈ હતી.




આ કોઈ કાલ્પનીક ઘટનાનું આલેખન નથી. ખરેખર બનેલી અને બની રહેલી ઘટનાઓનો વાસ્તવિક ચિતાર છે. કોરોના પેન્ડેમિકના ભીષણ તાંડવનૃત્યએ સમાજ રચનાને હચમચાવી નાખી છે. કોરોનાએ વિશ્વ સમસ્તને નવી દિશામાં વિચારવા માટે મજબૂર કરી દીધું છે. પરિવર્તન સમાજનો વણલખ્યો સિદ્ધાંત છે. જગતમાં તમામ જીવો અને પ્રકૃતિના પાંચેય તત્ત્વો બદલાવથી બંધાયેલા છે. ભગવાન શ્રીકૃષ્ણએ કુરૂક્ષેત્રના રણ મેદાનમાં ગીતાજ્ઞાન આપતા પાર્થને કહ્યું કે, ‘સંસારમાં થઈ રહેલી ઘટનાઓ પૂર્વ નિર્ધારિત છે. તારે તો તેના નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું છે.’ એનો સીધો અર્થ એટલો સમજી શકાય કે, ભવિષ્યના પેટાળમાં જે છે અને જે બનવા જઈ રહ્યું છે તે સારું જ છે. તેમાં સૌએ નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું છે. Coming Shadows forecast the future. આ વાસ્તવિકતા છે. બે વિશ્વયુદ્ધો ખેલાઈ ચૂક્યા છે. કોરોના પેન્ડેમિકના કારણે બે મહાસત્તાઓના અહમનો ટકરાવ ત્રીજા વિશ્વયુદ્ધના ડાકલા વગાડી રહ્યું છે. દુનિયાએ કોરોના પહેલાં સ્વાઈન ફ્લ્યુ, સાર્સ, પ્લેગ જેવા પેન્ડેમિકનો સામનો કરેલો છે. પરંતુ કોરોના પેન્ડેમિકે વૈશ્વિક સમાજ રચનાના પાયા ડગમગાવીને નવી ડગર તલાશવા માટે માનવજાતને મજબૂર કરી દીધી છે. સંસારમાં આના નવતર પરિમાણો પણ ઊભરવા લાગ્યા છે.




લોકડાઉનમાં વિશ્વની હજારો લાખો ઓફિસના દરવાજા જડબેસલાક રીતે બંધ રહ્યા. આ સમયગાળા દરમિયાન નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓથી માંડીને નાનામોટા ઉદ્યોગકારોને અહેસાસ થયો કે, એમને ખરેખર મસમોટી ઓફિસોની આવશ્યકતા જ નથી. લાખો રૂપિયાના ભાડા કે પછી કરોડો રૂપિયાની ખરીદેલી ઓફિસ ખરેખર કશા કામની નથી. ઓફિસના બધા જ કર્મચારીઓ તેમના ઘરેથી બખુબી સરસ કામ કરી શકે એમ છે. ગુગલ અને ફેસબુકે ગયા મહિને જાહેર કર્યું કે, એના બધા જ એમ્પ્લોઈ હવે એમનું કામ વર્ષ ૨૦૨૧ સુધી ઘરેથી જ કરશે.

વિશ્વના ઉદ્યોગકારોને ખ્યાલ આવ્યો કે, ઘણી બધી એવી કામગીરી છે કે, ઓફિસ આવ્યા વગર એમના કર્મચારીઓ કોઈપણ સ્થળે બેસીને ઓફિસનું કામ કરી શકે છે. જરૂર છે એમના એમ્પ્લોઈ પાસે ઈન્ટરનેટ કનેકશનની. ઉપલબ્ધ આંકડાઓ ગવાહી આપે છે કે, છેલ્લા છ મહિનામાં ન્યુયોર્ક સિટીમાં કામ કરી રહેલા અનેક લોકો ન્યુયોર્ક છોડીને એમના પરિવાર સાથે ગામડે જઈને સરસ રીતે એમનું ઓફિસ કામ કર્યું છે. ભારતમાં પણ સરકારી કચેરીઓથી માંડીને વિવિધ પ્રાઈવેટ ઓફિસિસના કર્મયોગીઓએ તેમનું કામ છેલ્લા બે મહિનામાં ઘરેથી જ  બખુબી નિભાવ્યું છે.




કોરોના મહામારીના સમયમાં પોતાના ઘરેથી કામ કરનારા લોકોને સમજ પડી છે કે, વર્ષે દિવસે શહેરમાં હજારો કે લાખો રૂપિયાના ભાડા ખર્ચીને કે પછી કરોડો રૂપિયા ખર્ચીને લીધેલા એપાર્ટમેન્ટની આવશ્યકતા નથી. વળી ઓફિસે આવવા જવા માટે થકવી નાખતા ભયાનક ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. અવાજ, હવા અને પાણીના પ્રદૂષણની માઠી અસરો ઝેલવામાંથી મુક્તિ મળી ગઇ છે. લોકો કુદરતના ખોળે દરિયા કિનારે, પહાડ ઉપર, ગામમાં, કે રમણીય જંગલોમાંથી એમનું કામ કરવા માટે હવે એક્સાઈટેડ છે. સો વાતની એક વાત લોકો સ્વીકારી રહ્યા છે કે, ગામડામાંથી શહેર ભણીની દોટમાં ૩૬૦ ડિગ્રીએ બદલાવ આવ્યો છે. શહેરમાંથી ગામડા તરફ કુદરતના ખોળે માઈગ્રેશન ચાલુ થઈ ગયું છે. એટલે હવે ન્યૂયોર્ક, નવી દિલ્હી, સીડની, મુંબઈ જેવા મહાનગરો પહેલાં જેવા નહીં રહે. ઓછો ટ્રાફિક પ્રોબ્લેમ અને શહેરોમાં મકાનોના ઊંચા દરની સમસ્યા દૂર થવાનું એમનું સૌથી મોટું આકર્ષણ બન્યું છે.




જેની પાસે અક્કલ, હોંશિયારી અને ક્ષમતા છે એ લોકોએ આગામી સમયમાં ઓફિસના ચક્કરોમાં પડવાનું નહીં રહે. ગુગલે કુશળ અને પ્રતિભાવંત લોકો વિશ્વમાં જ્યાં પણ બેઠા છે ત્યાંથી એમને હાયર કરવાનું શરૂ કરી દીધું છે. ગુગલમાં જોડાતા નવા કર્મચારીઓએ એમના દેશમાંથી જ નહિં બલ્કે એમના ઘરના બેડરૂમમાંથી જ કામ કરવાની શરૂઆત કરી દીધી છે. જો તમે જિનિયસ છો અને ગુજરાતના પંચમહાલ કે દાહોદ જિલ્લાના કોઈ ગામમાં બેઠા છો કે કેનિયા, યુગાન્ડા, આઈસલેન્ડ, ઝીમ્બાબ્વેના કોઈ પરગણામાં છો ગુગલ જેવી કંપનીઓ આવા લોકોને શોધી શોધીને હાયર કરી રહી છે. આવશ્યક્તા રહેશે માત્ર ને માત્ર તમારા કૌશલ્યની. હવે યુએસ વીઝા, ઈમિગ્રેશન, રીલોકેશન કે ઓફિસ જવા-આવવાની આવશ્યક્તા નિર્મૂળ થઈ જશે.

તાજેતરમાં એક કંપની ઓનરે ગયા અઠવાડિયે તેની કંપનીમાં ૧૨થી ૧૫ લાખના પેકેજમાં ત્રણ કર્મચારીઓે નોકરી ઉપર રાખ્યા. આ કંપનીના માલિકે નવા નિયુક્ત કર્મચારીઓને જોયા સુદ્ધાં ન હતાં, એમને ક્યારેય મળ્યા પણ નહોતા. આખી ભરતી પ્રક્રિયા ક્ષમતા અનુસાર, ઓનલાઈન સીસ્ટમથી જ યોજાઈ. શક્ય છે કે, કદાચ આગામી થોડા સમયમાં કોરોના વાયરસનું નામોનિશાન મટી જશે. પરંતુ આગામી સેંકડો વર્ષો સુધી વૈશ્વિક સમાજરચના અને જોબ સિનારિયો ધરમૂળથી બદલાઈ જશે. સદીઓ સુધી એની પોઝીટીવ ઈફેક્ટ જોવા મળતી રહેશે. કોરોના પેન્ડેમિક રૂપી સાપ જતો રહેશે પણ નવા સિનારિયોના લીસોટા સેંકડો વર્ષો સુધી દેખાતા રહેશે. જોબ ગીવર્સ અને જોબ સિકર્સને એકવાર અહેસાસ થાય કે, ઓફિસ ગયા વગર ઘરે બેઠા કામ લઈ શકાય છે અને કામ આપી શકાય છે. પછી ટ્રાફિક, હાઉસિંગ, ઓફિસ ભાડા, ઈન્વેસ્ટમેન્ટ વગેરેની ઝંઝટ ઝટકામાં દૂર થઈ જશે.

કોરોના ગ્લોબલ ટ્રેઝેડી જરૂર છે પણ નવી સમાજરચનાની ઐતિહાસિક ધરોહર બનનારી મોટી ઘટના તરીકે પણ એને ભવિષ્યમાં લોકો યાદ રાખશે. આપણી જીવનશૈલીમાં આનાથી સમૂળગો બદલાવ આવી જશે. નોકરી, ઓફિસ, વ્યવહાર, કાર્યશૈલી, શહેરો અને આખેઆખા રાષ્ટ્રો બધુ જ નવા રંગરૂપ સાથે નીખરી ઊઠશે. યાદ રાખજો, હવેનો સમય મજબૂત વાઈ-ફાઈથી જોડાઈ રહેવાનો છે બોસ.

 

ધબકાર :

માણસનુ કૌશલ્ય એનો સૌથી મોટો મિત્ર છે અને મુર્ખતા સૌથી મોટો દુશ્મન.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/june2020/16062020-4.pdf