Tuesday, 28 July 2020

સરખામણીના સાંઠીકડા સમજદારીપૂર્વક હટાવી લેવા

 

બે યુવાન મિત્રોની વાત છે. બન્ને એક મલ્ટીનેશનલ કંપનીમાં એક્ઝિક્યુટીવ કક્ષા ઉપર સરસ કામ કરે. ઉંમર પણ બન્નેની લગભગ સરખી. એક મિત્ર રોજ ઓફિસમાં બ્રાન્ડેડ કંપનીના સુઝ, વોચ, ગ્લાસ, કપડા પહેરીને વેલ ડ્રેસ થઇને આવે. બીજો મિત્ર આ જોઈને લઘુતાગ્રંથીથી પીડાતો. જો કે બન્ને વર્ક પરફોર્મન્સમાં અવ્વલ હતાં. બ્રાન્ડેડ કપડાં અને અન્ય બ્રાન્ડેડ વસ્તુઓથી જાણે અજાણે ઇન્ફિરિયારિટી કોમ્પલેક્સનું જાળું બનતું ગયુ. સમય જતાં જે મિત્ર પોતાને નીચો હોવાનું ફીલ કરતો હતો એના કામમાં ઉપર અસર વર્તાવા લાગી. એના ‘યરલી પરફોર્મન્સ રીપોર્ટ’માં પણ ‘ડાઉન ફોલ’ જોવા મળ્યો.




આ ઘટનાના પાયામાં સરખામણીનું તત્વ છે. અજાણતા જ એવી કોઈ અગમ્ય ઈન્ફિરિયારીટી મન ઉપર હાવી થઈ જાય છે કે, એના દુષ્પરિણામો પ્રાપ્ત વિના રહેતા નથી. ‘મારાથી એ આગળ નીકળી જશે’ એવી ઇન્ફિરિયારિટીની ભાવના અસલામતી ઊભી કરવાનું મૂળ હોય છે. દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં આવી લાગણી ન જન્મી હોય. નીચા હોવાની મનની ભાવના પાછળ સરખામણીનું તત્વ સૌથી મોખરે હોય છે. દેખાવ, રૂપ, રંગ, પૈસા, સત્તા, હોંશિયારી વગેરે જેવા પાસાઓની બીજા સાથેની તુલના વિનાશ નોતરે છે.




ક્યારેક શાંત ચિત્તે વિચારવામાં આવે તો સ્પષ્ટ થાય કે, કોઈપણ વ્યક્તિ સરખામણી અંદરખાને ચીસો પાડીને કહેતી હોય છે કે, ફલાણી બાબતમાં હું એનાથી ચડિયાતો છું. જ્યારથી પણ સામેવાળી વ્યક્તિની વાત ઊંચી લાગે અને પોતાની વાત નીચી લાગે ત્યારથી ઇન્ફિરિયારિટી કોમ્પલેક્સની શરૂઆત થઈ જાય છે.

આપણે આપણું ‘ધ બેસ્ટ’ બતાવવામાં મશગુલ હોઈએ છીએ. જો કે એ જ સાચી રીત છે. પરંતુ જ્યારે જે નથી હોતું તે બતાવવાની મથામણ કરવામાં આવે છે ત્યારે અનર્થ સર્જાય છે. આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ધુમ મચાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર હેન્ડલ ઉપર ભાઈઓ રણવીર, વરૂણ કે ટાઈગર શ્રોફ જેવી સ્ટાઈલની તસવીરો મૂકે છે તો બહેનો આલીયા, કેટરીના, દિપિકા જેવી સ્ટાઈલોમાં તસવીરો અપલોડ કરતી જોવા મળે છે. અઢી ત્રણ દાયકા પૂર્વે સોશિયલ મીડિયાનું ચલણ ન હતું તે વખતમાં પેન ફ્રેન્ડનો જબરો ટ્રેન્ડ હતો. એક મિત્રએ એની ઓસ્ટ્રેલિયન પેન ફ્રેન્ડને ઋષિકપુરનો ફોટો મોકલી પોતાની ઓળખ આપી હતી. કેવું પાગલપન ! જે નથી એ બતાવવાની ઘેલછા દુઃખને નોતરે છે.




કંપેરીઝન પાછળ કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. ક્યારેક નક્કર હકીકતો ઉપર પણ સરખામણી થઈ હોય એવી પ્રબળ સંભાવનાઓને પણ નકારી ન શકાય. જ્યારે સરખામણી પાછળ કોઈ સચ્ચાઈનું આવરણ ન દેખાય ત્યારે એ સરખામણીથી માઠું નથી લાગતું. દરેક વ્યક્તિની પોતાની અલગ તાકાત હોય છે અને સાથે સાથે પોતાની અલગ નબળાઈ પણ હોય છે. નબળાઈ સંતાડીને તાકાતનું પાસુ વધુ જોરશોરથી બતાવવાનો સૌ કોઈ પ્રયાસ કરે છે.




જ્યારે સરખામણીમાં સત્યનું તત્વ જણાય ત્યારે જ  જલસ ઊભી થતી હોય છે. રિયાલિટીઅને વર્ચ્યુઅલ રિયાલિટીબન્ને વચ્ચે આસમાન જમીન જેટલું અંતર છે. વર્લ્યુઅલ રિયાલિટીએટલે જે ખરેખર સાચું નથી હોતુ. આભાસી ચિત્રને સાચુ માનવાની ભુલ એટલે વર્લ્યુઅલ રીયાલીટી. ખોટી વાતનું સત્ય એ છે કે એ નકલી હોય છે. રીયાલીટીઅને વર્ચ્યુઅલ રિયાલિટીનો ભેદ સમજવાની જરૂર છે. અસલીઅને નકલીબાબતોની પહેચાન હોવી જોઈએ. જગતમાં કોઈપણ પ્રાણી કે પક્ષી ક્યારેય દંભ કે નકલી દેખાવ કર્યો હોય એવું યાદ છે ? રિયાલિટીને અનુસરવા કુદરત અને જાનવરોનું શાંત ચિત્તે અવલોકન કરી જુઓ. કોઈ વાનર કે ઘોડાને ‘એઈટ પેક’ જોયો છે ખરો ? સોશિયલ મીડિયાની કોપી પોસ્ટની આભાસી અને નકલી દુનિયાની ચુંગાલમાંથી જેટલા જલ્દી મુક્ત થઈ જવાય એટલું સારું. એક સારી જિંદગી જીવવા માટે બહારથી ‘અપ-ટુ-ડેટ’ હોવાની ફીલીંગ કરતાં અંદરથી પરફેક્ટહોવાની ફીલીંગ અગત્યની છે.

જીવનમાં ખરેખર આગળ વધવું છે અને કંઈક કરી બતાવવું છે તો સૌથી પહેલાં વર્લ્યુઅલ રિયાલિટીના આવરણની બહાર નીકળી જવું પડે. વર્લ્યુઅલ રિયાલિટીની સચ્ચાઈ એ છે કે, એ આભાસી અને ભ્રામક ખ્યાલોની દુનિયા છે. સુખ તો એમાં છે જે આપણી પાસે છે. દુઃખનો જન્મ ત્યારે થાય છે જ્યારે જે નથી એની અપેક્ષા રાખવામાં આવે. બીજા પાસે જે છે, એની સરખામણી કરવામાં આવે ત્યારે તકલિફ્ને આમંત્રણ અપાય છે. સરખામણીનો કેડો છૂટે એમાં સાર છે.




વિશ્વની તમામ સર્વશ્રેષ્ટ તાકાત ઈશ્વરે પ્રત્યેક વ્યક્તિમાં આપેલી છે. પરંતુ મુશ્કેલી એ  છે કે, આપણે શાહમૃગીયા મનોવૃત્તિ અપનાવી આંખ ઉપર હાથ મૂકીને ‘અંધારું અંધારું...’ કહેતા ફરીએ છીએ. દુનિયા સદાય અદભુત પ્રકાશથી ઝળહળે છે. જ્યારે આંખ ઉપરથી હાથ હટાવી લઇએ ત્યારે પ્રકશ દેખાય. સરખામણીના સાંઠીકડા સમજદારીપૂર્વક હટાવી લઇએ પછી જીવન ઊર્જામય લાગે. મૈથિલીશરણ ગુપ્ત કહે છે, હીનતાનો ખ્યાલ હિંસાથી પણ બદતર છે. હીનતાનો વિચાર આવે છે, સરખામણીના વિષચક્રમાંથી. જ્યાં સુધી અન્યને જોઈને જીવતા રહીએ છીએ ત્યાં સુધી સરખામણીનું જાળું તૂટવાનું નથી. આપણે જે છીએ અને આપણી પાસે જે છે એનો આનંદ કરતા આવડવું જોઈએ. સરખામણી કરવી જ હોય તો પોતાની જાત સાથે કેમ ન કરીએ ? સ્વયં સાથે સંવાદ સૌથી વિકટ હોય છે. જાત સાથે વાત થાય ત્યારે નકલીપણાના પડળો આપોઆપ ઓગળવા લાગે છે.

 

ધબકાર :

’જે મને સમજી નથી શક્યા, એમને હક્ક છે મને ખરાબ સમજવાનો.’





Monday, 20 July 2020

એક ડાઇહાર્ડ પ્રવાસીની ચેતના...

 

એક સાહિત્ય સર્જકની ઊર્જા એનો પ્રવાસ કેવી રીતે બને એ સાહિત્યકાર અને કવયિત્રી પ્રજ્ઞા પટેલે પ્રસ્થાપિત કર્યું છે. પિતા આત્મારામ પટેલના પાંચ સંતાનો પૈકીના એક પ્રજ્ઞાબહેનને બાળપણથી જ કુદરતના ખોળે મહાલવામાં અજબનો આનંદ મળતો. અમરનાથ યાત્રાથી માંડીને કૈલાસ માનસરોવર, આંદામાનથી માંડીને એવરેસ્ટ બેઝ કેમ્પ, દુબઈથી માંડીને યુરોપને એમણે ધમરોળી નાખ્યા છે. પ્રજ્ઞાબહેનની કલમમાં અદભુત વાસ્તવિકતા અને અનુભૂતિની ઝલક જોવા મળે છે. પણ આજે વાત કરવી છે એમની પ્રવાસ પ્રિય ચેતનાની.




છેલ્લા ત્રણ-ચાર મહિનાથી હું એમનું ફેસબુક પેજ ફોલો કરતો હતો. ‘નર્મદે હરમથાળા હેઠળ એમણે ૩૦ જેટલી પોસ્ટમાં એમની નર્મદા પરિક્રમાનો અર્ક પીરસ્યો છે. કહેવાય છે કે, મા નર્મદાની પરિક્રમાની યાત્રા લગભગ ૩૫૦૦ જેટલાં કિલો મીટરની થાય છે. ગુજરાતની આદરણીય મા નર્મદાનું પૌરાણિક શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. નર્મદા પરિક્રમાના માર્ગમાં મૂર્તિઓ, મંદિરો, સંતોના આશ્રમો, સ્થાપત્યોનો વિપુલ ખજાનો છે. પ્રજ્ઞાબહેન ડાઈહાર્ડ પ્રવાસી ઉપરાંત સાહિત્ય સર્જક હોવાથી તેમની દરેક મુલાકાતો અને પ્રવાસના વર્ણન વાંચતા એમ જ થાય કે આપણે સ્વયં એ સ્થળે છીએ. એમની સરસ વર્ણનશક્તિ અને શબ્દો હૃદયમાં સોંસરવા ઉતરી જાય એવા હોય છે.




નર્મદા પરિક્રમા અમરનાથની યાત્રા કરતા પણ કપરી અને હદયને હચમચાવી મૂકે એવી હોય છે. વળી જે સમયમાં એમણે પરિક્રમા આરંભી એ સમયે કોરોનાનો ડોળો ગુજરાત અને ભારત ઉપર મંડરાયેલો હતો. લોકડાઉન અને બિમારીના ભયના ઓથારમાં લોકો હતા. પરંતુ પ્રજ્ઞાબહેનની લગન અને આધ્યાત્મિક ચેતનાને દાદ આપવી ઘટે. એમણે તમામ મસમોટા અંતરાયોને આઘા હડસેલી દીધા. એમના નિશ્ચયમાં અડગ રહ્યા. એટલું જ નહીં જે વિચાર્યું હતું એ કાર્ય સત્યનિષ્ઠાથી પૂર્ણ કરીને જંપ્યા. પ્રજ્ઞાબહેન કહે છે કે, એકાદ દાયકા પહેલાં ઓમકારેશ્વરમાં માતૃશ્રી સાથે કોઈ સંતના ભંડારા પ્રસંગે જ્યારે એ ગયા ત્યારે એમને નર્મદા મૈયાનો પરિક્રમા પથ મનમાં વસી ગયેલો. એ વખતે મનમાં એમને એક પ્રશ્ન થયેલો કે મીની પરિક્રમા પથ આટલો અદભુત અને અલૌકિક છે તો આખો પરિક્રમા પથ કેટલો મનલુભાવન અને ચેતનાસભર હશે ? ઐશ્વરીયની ખોજ અને આંતરિક અવાજ બુલંદ હોય ત્યારે વ્યક્તિને તેણે ધારેલા માર્ગો અકલ્પનીય રીતે ખુલી જતા હોય છે. વિકટ અને મુશ્કેલ એવી નર્મદા પરિક્રમા એમણે વર્ષ ૨૦૨૦ના મે મહિનાની ૨૪મી તારીખે નર્મદે હરના નાદ સાથે આરંભી દીધી.




આખા જગતમાં નર્મદા પરિક્રમાનું અદકેરું મહાત્મ્ય છે. પૂર્વ ભાષા નિયામક અને લેખક, વિચારક સ્વ. કાલીદાસભાઈ ત્રિવેદીએ નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ એમની અનુભૂતિ અને અનુભવોને શબ્દે કંડારી મઝાનું પુસ્તક તૈયાર કર્યું હતું. મા નર્મદાની વાત નીકળે ત્યારે સર્જક અમૃતલાલ વેગડ અને ધ્રુવ ભટ્ટના મા નર્મદાના સર્જન માનસપટ ઉપર તરવરવા લાગે. ભવિષ્યમાં બહેન પ્રજ્ઞાની અનુભૂતિ પણ પુસ્તક સ્વરૂપે જોવા મળશે જ.




પ્રજ્ઞાબહેન વિનયન ક્ષેત્રે ડબલ માસ્ટર્સ ડિગ્રી ધરાવવા ઉપરાંત રાજય સરકારમાં વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. એમની સાથે ફરજ બજાવતા જીવનના અભિગમ વિશેના એમના વાસ્તવવાદી દ્રષ્ટિકોણને જાણવા સમજવાનો અનાયાસે અવસર મળતો રહ્યો. જ્યારે ફરજ ઉપર હતા ત્યારે પણ ક્યારેય એમણે એમના ઉચ્ચ હોદ્દાનો રૂઆબ ઝાડ્યો હોય કે સત્તાનો ઉન્માદ છલકાવ્યો હોય એવું સ્મરણમાં નથી. હંમેશા તાજગીસભર વિચારો સાથે વાસ્તવિક તળથી જોડાયેલી એમની વાતો સાથી ઉપર ચુંબકીય અસર છોડી જતી.

પરિક્રમા દરમિયાન એ સાધુ, સંત, ફકીર, મહાત્માઓ સહિત અનેક લોકોને મળ્યા. એમના જ શબ્દોમાં કહીએ તો આ બધા જ મા અન્નપૂર્ણાના સીધા અવતાર જેવા હતા. કોઈ પરિચય વગર ભોજન અને ચા-નાસ્તાનો અનહદ આગ્રહ અને તેમ છતાં પણ પોતે કંઈક કરી રહ્યા છે એવો લેશ માત્ર ભાવ નહીં.




ક્યારેક ઉબડ ખાબડ રસ્તો તો ક્યારેક સીધું ચઢાણ, ક્યાંક પ્રગાઢ જંગલ તો ક્યાંક રમણીય સપાટ મેદાન. આવા જીબો ગરીબ પથ ઉપર આનંદ કરતા, અનેક લોકોને મળતા અને અમુલ્ય અનુભવોનું ભાથું બાંધતા પ્રજ્ઞાબહેને નર્મદા પરિક્રમા પરિપૂર્ણ કરી ત્યારે એમણે કહ્યું કે, ‘પરિક્રમા પૂર્ણ થઈ અને ભીતરમાં હજુ એ ચાલુ જ છે. ‘મા’નું સાનિધ્ય છૂટવાનું દુઃખ પણ થયું.કેટલી સુંદર આધ્યાત્મિક ચેતનાની વાત આ નાના વાક્યમાં એમણે કરી દીધી. જીવનની સાચી મોજ તો એ જ છે કે, પરમ આનંદની ખોજ ક્યારેય ન અટકે. મનોમન સહેજે પ્રશ્ન થાય કે, કદાચ પ્રજ્ઞાબહેન એમના નિજાનંદને ટટોળવા માટે જ સતત, સઘન આવા દુર્ગમ પ્રવાસો કરતા નહીં હોયને ?

આમ જોવા જઈએ તો જીવનનો ઉદ્દેશ્ય શું છે ? આ પ્રશ્ન અણમોલ છે. પ્રત્યેક વ્યક્તિને હંમેશા મનમાં આ સવાલ ઉઠતો જ હોય છે. દરેક વ્યક્તિના જીવનનો હેતુ અને લક્ષ્ય અલગ અલગ હોય છે. પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા માર્ગે પ્રયાસ કરતો હોય છે. પ્રજ્ઞાબહેન જેવા લોકો જીવનના ઉદ્દેશને જાણે છે. એ લોકો પોતાની જાગૃતિ અને ચેતનાનો આત્મશ્લાધા માટે ક્યારેય ઉપયોગ કરતા જોવા નહીં મળે. જો કોઈ વ્યક્તિને તમામ સુખ સાહેબી અને સવલતો આપી દેવામાં આવે પણ એ નિજાનંદને પારખી નહીં શકે તો એ નિશ્ચિતપણે દુઃખી જ હશે. પ્રજ્ઞાબહેન કહેતા હોય છે કે, યાત્રા અને પ્રવાસોથી માહ્યલાનું ઘડતર થતું જાય છે એમ જીવન પથ ઉપર કુદરતના ખોળે નિજાનંદમાં મહાલવાની મોલાત પામે એને દુનિયાના બીજા બધા પાસા ફીકાફસ લાગે.

 

ધબકાર :

આપણા વિચારો આપણા સંસ્કારનો આયનો છે.





Tuesday, 14 July 2020

‘કમ્ફર્ટ ઝોન’ છોડવાનો ખોફ લોકોને ખાઈ જતો હોય છે



‘લૉ ઓફ એટ્રેક્શન’માં ગજબની શક્તિ હોય છે. આકર્ષણના સિધ્ધાંતની વાત નિકળે એટલે આયર્લેન્ડના કોનર મેકગ્રેગોર યાદ આવ્યા વગર ન રહે. ઉત્તર-પશ્ચિમી યુરોપનું એક રમણીય રાષ્ટ્ર આયર્લેન્ડ. લગભગ પોણા પાંચ મિલીયન વસતી ધરાવતા આ દેશની એક સીમા યુનાઈટેડ કિંગડમ સાથે જોડાયેલી છે. જ્યારે અન્ય ભુભાગમાં એટલાંટિક મહાસાગર, સેલ્ટિક સાગર, સેંટ જ્યોર્જ ચેનલ અને આઈરિસ સાગર એના પગ પખાળે છે. આ ટચૂકડા રાષ્ટ્રના એક અનોખા ફાઈટર કોનર મેકગ્રેગોરે વિશ્વમાં આયર્લેન્ડ દેશનું નામ ગુંજતુ કરી દીધું. આયરલેન્ડના અત્યંત ગરીબ પરિવારમાં કોનરનો જન્મ થયો હતો. નાનપણથી એ અભાવોમાં ઉછરેલો. પડકારો અને મુશ્કેલીઓમાં પણ એ વિશ્વમાં અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય એવી યુએફસી ચેમ્પિયનશીપના વિજેતા બનવાના મનોરથો સેવતો. યુએફસી ચેમ્પિયન બનવાનું તો દૂરની વાત છે, યુએફસીમાં ક્વોલીફાય થાય એ ફાઈટર પણ પોતાની જાતને સદનસીબ સમજે. કોનર એક નહીં બે-બે વાર યુએફસી ચેમ્પિયન બન્યો.




લો ઓફ એટ્રેકશનના સિદ્ધાંતને જીવનમાં આત્મસાત કરીને કોનરે આ જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી છે. બાળપણમાં કોનર માન્ચેસ્ટર યુનાઈટેડમાં રમી રહ્યો છે એવું સપનું જોયા કરતો. આખુ સ્ટેડિયમ માનવ મેદનીથી ખીચો ખીચ ભરેલું છે. લોકો એની જીતને ચીચીયારીઓ પાડી વધાવી રહ્યા છે એવું એને સતત લાગ્યા કરતું. જ્યારે એ યુએફસી ચેમ્પિયન બન્યો ત્યારે એણે બાળપણમાં જોયેલા શમણાંનું દ્રશ્ય આબેહૂબ એની નજર સામે ખડું થઈ ગયું હતું. યુવાનીમાં કોનર પ્લંબરનું કામ કરતો હતો. એ સમયે એની મોટી બહેને એને લૉ ઑફ એટ્રેકશન આકર્ષણના સિધ્ધાંત વિશે કહ્યું. શરૂઆતમાં કોનરને બહેનની વાતમાં ખાસ કોઈ રસ ન પડ્યો. પરંતુ એણે આ વિશે વાંચવાનું અને સાંભળવાનું શરૂ કર્યું.



એણે અનુભવ્યું કે, હૃદય અને મનમાં ચાલતી વાત અને બહારના વાતાવરણ વચ્ચે બહુ મોટું અંતર છે. ત્યારબાદ એણે ‘વિઝ્યુલાઈઝેશન’ સિસ્ટમના પદ્ધતિસરના પ્રયોગો શરૂ કરી દીધા. આનો આધાર લઈને જ્યારે એણે આયર્લેન્ડ માર્શલ આર્ટસ ક્ષેત્રે પગરણ માંડ્યા ત્યારે પહેલા દિવસથી જ એ યુએફસીમાં રમતો હોય એવો એટિટ્યૂડ રાખ્યો. આયર્લેન્ડમાં યુએફસીમાં રમવાનું કોઈ વિચારતું પણ ન હતું ત્યારે કોનરે પોતાની જાતને યુએફસી ચેમ્પિયન તરીકે જોવા લાગી. એસે એન્ડો છેલ્લા દસ વર્ષથી યુએફસીનો અપરાજિત યોદ્ધા હતો. એને કોનરે ૧૩મી સેકંડે નોકઆઉટ કર્યો.



વિશ્વની સૌથી શક્તિશાળી બાબત લૉ ઑફ એટ્રેકશનછે. વ્યક્તિ એની કલ્પના અને વિચારોના બળે દુનિયાની કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકે છે. ભવિષ્યમાં વ્યક્તિ જે પ્રાપ્ત કરવા માગે છે, એ વર્તમાનમાં તેણે મેળવી લીધું છે એ પ્રકારનું ‘વિઝ્યુલાઈઝેશન’ કરવા લાગવું જોઇએ. એનું પરિણામ એ આવે છે કે, તે જે બનવા માગે છે તે દિશામાં તેના પ્રત્યેક પગલાં હિચકિચાટ વગર ભરાવા લાગે છે. અંતે એનો વિશ્વાસ સાચો સાબિત થાય છે. નાનું બાળક ક્યારેય કંટાળતું  જોવા મળ્યું છે ખરું ? ચાદર અને ગોદડાનો ડુંગર બનાવે, ઓશિકાનું ઘર બનાવે. કોઈપણ ખચકાટ વગર જે ધારે એ કરવા મથતું જાય. થોટ, ઈમેજીનેશન અને વિજ્યુલાઈઝેશન આ ત્રણેય પાસા સબ કોન્શિયસ માઈન્ડ સાથે સીધા જોડાયેલા હોય છે. વ્યક્તિ જેમ જેમ મોટો થતો જાય એમ સબ કોન્શિયલ માઈન્ડની શક્તિને એ ભુલતો જાય છે.



જો જીતની ખેવના જાહેર કરવાની હિંમત રાખવામાં આવે તો જ વિજેતા બની શકાય. તકલીફ એ છે કે, લોકો સપના જરૂર જુએ છે પણ એને પૂરા કરવા બોલી શકતા નથી. સામાન્ય રીતે મોટા કાર્યો અને અપ્રતિમ સિદ્ધિના વિચારો કરતા લોકો એટલા માટે ડરે છે કે, કદાચ સપનું સાચું નહીં પડે તો ? અથવા જો એ સાકાર થશે તો સખત મહેનત કરવી પડશે તો ? ‘કમ્ફર્ટ ઝોન’ છોડવાનો ખોફ લોકોને ખાઈ જતો હોય છે. એક વાર વિઝ્યુલાઈઝેશનમનમાં આકાર લે, એ પછી ઉત્સાહ ઠંડો પડી જતો હોય છે. માત્ર સફળતાનું દ્રશ્ય જોવું અને એના માટેની ચાહત પ્રગટ કરવાથી પતી નથી જતું. જીતની ચાહત લાગણીઓમાં ઓળઘોળ થવી જોઈએ. પ્રતિપળ હૃદય અને મનમાં લક્ષ્ય હાજરા હજૂર હોવું જોઈએ.



ભાવનાઓ અને લાગણીઓ જ્યારે અનુભવાય ત્યારે તેના આધારે વ્યક્તિના કાર્યો આકાર લેતા હોય છે. સામાન્ય રીતે મનમાં અનેક વિચારોનું ઘુમરાતા હોય છે. જો બીજા અસંગત વિચારો છોડી ફાઇટર કોનરની જેમ વિજેતા થવાના વિચારોને દ્રઢતાપૂર્વક વળગી રહેતા આવડી જાય તો ત્યાર પછીના તમામ પગલાં જીતની દિશામાં જ ઊઠશે. આ માટે સજાગપણે વિચારોની પેટર્ન બદલવી પડે. જ્યારે પણ સબ કોન્શિયસ માઈન્ડ લક્ષ્યને અપનાવી લે છે ત્યારે ચમત્કાર થતો હોય છે. સફળ થવાનો વિચાર મન ઉપર હાવી થઈ જાય છે. ઉંઘ ઊડી જાય છે. સૌની પાસે ક્ષમતા એક સરખી છે, પરંતુ જે વિચારો અને ઇચ્છાને પાગલપનની કક્ષાએ લઈ જઈને અથાક પરિશ્રમ કરે છે એને ‘ચેમ્પિયન’ બનતા રોકી શકવાની કોઈની તાકાત નથી.
જ્યારે વૈચારિક દ્રઢતા સાથે સાચી દિશામાં કદમ ઊઠાવાય છે ત્યારે અંદરની રૂકાવટો અને વિટંબણાઓ સમાપ્ત થતી જાય છે. વર્ક અને સ્માર્ટ વર્કમાં ફરક છે. મનમાં લક્ષ્યનું દ્રશ્ય સ્પષ્ટ હોય ત્યારે ‘વર્ક’ ‘સ્માર્ટ વર્ક બની જતું હોય છે. સવાલ એ છે કે, શું વ્યક્તિ આકર્ષણની શક્તિને પિછાણે છે ખરો ? શું એ સફળ થવાના આ રામબાણ ઇલાજને સમજવા માંગે છે ખરો ? વ્યક્તિએ સ્પષ્ટ થઈ જવું પડે કે કોઈપણ વિષયમાં એના વિચાર જ એના લક્ષ્યની પ્રાપ્તિનું મુખ્ય શસ્ત્ર બની જતું હોય છે. આકર્ષણનો સિદ્ધાંત સૌથી વધુ ત્યારે કામ કરે છે જ્યારે કોઈ બાબતનો વિચાર કરવામાં આવે અને એ વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આકર્ષણનો સિદ્ધાંત મુળભુત રીતે ત્રણ બાબત ઉપર અવલંબિત હોય છે. એક જે પ્રાપ્ત કરવા માગતા હોઈએ એ વિચારને હૃદયપૂર્વક વારંવાર વાગોળવામાં આવે. બીજું લક્ષ્યને આંખોથી ક્યારેય ઓજલ ન થવા દેવામાં આવે. ત્રીજું સૌથી અગત્યનું પરિબળ છે જીવનના તમામ નકારાત્મક વિચારોના પાસાને દૂર હડસેલી દેવામાં આવે. લૉ ઑફ એટ્રેકશન જીત માટેની હાથવગી ચાવી છે.

ધબકાર :
ઇમોશનએટલે એનર્જી મોશન’.





Monday, 6 July 2020

ફાઈલ તો કંઈ બોલતી હોય...!



સંબંધોની ઈંટોના ટોળાથી જીવનની ઈમારતની દીવાલ રચાતી હોય છે. ઘણીવાર એવું લાગે કે, સંબંધોની ઈંટો ઉપર ખાર લાગતા જિંદગીની આ દીવાલ બોદી બની ગઇ છે. ટેલીવુડની ભારાડી પ્રોડ્યુસર અને અદાકાર જિતેન્દ્રની ક્રિએટીવ પુત્રી એકતા કપૂરે માનવીય સંબંધોની સુવાળપ અને પારિવારિક સંઘર્ષોની દાસ્તાન ટીવીના ટચૂકડે પડદે બખુબી પ્રસ્તુત કરી છે. કાકા-ભત્રીજા, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, માસા-માસી, પતિ-પત્ની વગેરે સંબંધોની શક્તિ અને વિવાદોના વંટોળીયાથી જીવન હંમેશા ઘેરાયેલું રહેતું હોય છે. આ વાતને એણે ટીવીની સ્ક્રીન ઉપર મુકી ઘરે ઘરે જાગૃતી આણી દીધી છે. એની કેટલાક અંશે ટીકાઓ પ્પણ થઇ છે.




આજે એકતા કપૂરની વાત સાથે જોડીને મહેસુલ વિભાગમાં દાયકાઓ સુધી સેવા આપી નિવૃત્ત સનદી અધિકારી જે. બી. વોરા લિખિત પુસ્તક ફાઈલ બોલે છેમાં પારિવારિક સંબંધોમાં થતા વિવાદની પરાકાષ્ટાને સુપેરે દર્શાવાઈ છે એની વાત માંડવી છે. લેખક શ્રી વોરાનો ગામડા ગામમાં સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ થયો. ગ્રામ્ય ઉછેરના કારણે ગામડાની સુવાસ અને શહેરી વિસ્તારોમાં જોબ કરી હોવાથી શહેરોની સંસ્કૃતિ બન્ને પ્રકારની જીવનશૈલીએ લેખકનું ઘડતર કર્યું હોય એમ લાગે છે. બાળપણમાં ઘણા સંઘર્ષો, અનેક મુશ્કેલીઓનો એમણે સામનો કર્યો છે. કદાચ એટલે જ એમની કલમમાં આટલી ધાર મહેસુસ થાય છે.




ફાઈલ બોલે છેપુસ્તક જ્યારે જોયું ત્યારે પુસ્તકના ટાઈટલને વાંચતા જ આશ્ચર્યની સાથે થોડું હસવું પણ આવી ગયું. પુસ્તકનું આવું તો નામ થોડું હોય ? પણ સાચું કહું તો આ નોખા-અનોખા નામથી જ પુસ્તકનું મુખપૃષ્ઠ ખોલવાની તાલાવેલી પણ થઈ. પુસ્તકની પ્રસ્તાવના વરિષ્ઠ સનદી અધિકારી શ્રી મનોજકુમાર દાસે લખી છે. એમણે લખ્યું છે કે, સમાજજીવનની નાડ પારખીને આ મૂલ્યવાન પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાંથી પસાર થતા દાસ સાહેબના આ શબ્દો અક્ષરસઃ સાચા લાગ્યા. ઋગવેદની રુચા જ્ઞાની જ સત્યને જોઈ શકે છે, અજ્ઞાની નહીંથી આરંભ થતું આ પુસ્તક કુલ ૪૦ પ્રકરણમાં વિસ્તરેલુ છે. પ્રત્યેક પ્રકરણ સંબંધોની માયાજાળના પ્રશ્નનો સંવેદનશીલતાપૂર્વક ઉઘાડ કરે છે.




પુસ્તકના પ્રારંભે ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ શ્રી કે. એ. પૂજે પુસ્તક વિષે તલસ્પર્શી વાત કરી છે. પુસ્તક વાંચતા પહેલાં શ્રી પૂજની ૧૯ પાનાની વિભાવનામાં પુસ્તકના મર્મનો નિચોડ આવી જાય છે. પુસ્તકનું સૌથી સબળ પાસું એ લાગ્યું કે, એમાં રજુ થયેલી તમામ ઘટનાઓની પુષ્ટભુમિ વાસ્તવિક છે. ખરેખર બનેલી હકીકતો તેમાં વર્ણવાઇ છે. જો કે લેખકે પાત્રોના નામ બદલીને માનવીય મૂલ્યોને સુપેરે સાચવ્યા જરૂર છે. વળી સાચા નામ ન દર્શાવીને વ્યક્તિના આત્મસંમાનને પણ એમણે બરકરાર રાખ્યું છે.

જર, જમીન અને જોરૂ કજીયાના છોરૂ. આપણા વડવાઓ અને શાસ્ત્રોમાં આ બ્રહ્મ વાક્ય નિર્દેશાયેલું છે. મિલ્કત, જમીન, વિધવા, ત્યકતા, અનાથ વગેરેની આસપાસ સમાજ જીવનમાં પારાવાર કજીયાના કિસ્સાઓ બનતા હોય છે. પુસ્તકમાં આવા કજીયાઓની બોલકી ફાઈલોનો મર્મસ્પર્શી ચીતાર છે.




દિયરવટુ, પ્રેમલગ્નની પીડા, પુનઃલગ્ન, બીજવર, અનાથ બાળકની કથા, અપરણિત પુરુષની સંપત્તિ, વાંજણીની કથા, દત્તક પુત્ર, કામનો ઉકેલ કે નિકાલ, મહિલાનો ભાગ, વારસાઈ, સાળા બનેવીની તકરાર, આંગળીયાત સંતાન જેવા વિવિધ સંબંધોના ઉડેલા ચિથરાના સુખદ ઉકેલની વાતો પુસ્તકમાં અદભુત રીતે વર્ણવાઈ છે. પુસ્તકમાં લેખકની સંવેદના ફાઈલ બોલે છે સાંભળો સાંભળોમાં માર્મિક રીતે અભિવ્યક્ત થતી જોવા મળે છે. ફાઈલને વાચા આપીને લેખકે તેમના જીવનમાં અનુભવેલી, સાંભળેલી અને નિર્ણય કરેલી બાબતોને સહજતાથી પ્રસ્તુત કરી છે. પુસ્તકમાંથી પસાર થતા સહજ અનુભવ થાય કે, બીજાની વિટંબણાઓ અને તકલીફોની લેખકના અંતરમન ઉપર થયેલી અસર એમના શબ્દે શબ્દમાં ટપકે છે.

પુસ્તકમાં એક જગાએ લેખક સ્વીકારે છે કે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો આત્માનંદ મેળવતાં મેળવતાં કેટલાક હિતશત્રુઓની ખોટી ખટપટ, કાન ભંભેરણી અને બેનામી અરજીઓથી જીવનના નૈતિક મૂલ્યો સામે જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે ત્યારે એક પ્રકારની હતાશા અને નિરાશા અનુભવાય છે. આમ છતાં લેખક ફાઈલને એક પરમતત્વ ગણી સત્યની શક્ય એટલું નજીક રહેવાના નિર્ણયનો શંખનાદ તો કરે જ છે.

ફાઈલ બોલે છેપુસ્તકનો બહુઆયામી કોન્સેપ્ટ ગમી જાય એવો છે. મજાની વાત તો એ છે કે આખા પુસ્તકમાં લેખક પડદા પાછળ રહ્યાં છે અને પ્રત્યેક તબક્કે ફાઈલ જ છાપરે ચડીને બોલતી જણાય છે. આખા પુસ્તકના તમામ પાત્રો આપણી આસપાસના જ છે. ક્યાંય કોઈ વાર્તા કે કલ્પનાઓ નથી. પાત્રના જીવનમાં ઘટેલી ઘટનાઓને સમજી પાત્રની ભાવનાઓને સર આંખો ઉપર રાખીને લેખકે ઘટનાઓને શબ્દ દેહ આપ્યો છે.




પુસ્તકના હે ફાઈલ સાંભળ... સાહેબ બોલે છે ?’ પ્રકરણમાં લેખકે સરકારના નીતિ-નિયમો અને સમાજના કાયદાઓનો સુભગ સમન્વય સાથે લોક સંવેદનાને પારખવાની હૃદયસ્પર્શી વાતને ઉજાગર કરી છે. લેખક શ્રી જે. બી. વોરાના વિચારો, અનુભવો અને દ્રષ્ટિને જાણીતા કોલમિસ્ટ અને લેખક મિત્ર રાજ ભાસ્કરે એમની નિવડેલી કલમે મઝાનો શબ્દદેહ આપ્યો છે. ફાઈલ બોલે છેપુસ્તકનું પ્રકાશન રન્નાદે પ્રકાશને કર્યું છે. સરકારી ફાઈલો બેજાન ક્યારેય નથી હોતી. જો સંવેદનાસભર સ્પર્શ મળે તો એ ખીલીને ગુલમહોર બનતી હોય છે. સંવેદનાસભર સ્પર્ષ ‘સરકારી’ ફાઈલોને ‘અસરકારી’ બનાવી દેતી હોય છે.

 

ધબકાર :

પોતાની ખુશી જેટલી મહત્ત્વની છે એટલી જ પોતાનાથી ખુશ થતાં લોકોની ખુશી મહત્ત્વની છે.