Tuesday, 25 August 2020

જીવનમાં ‘ઉત્સાહ’ સૌથી બળવાન તત્વ છે

 


 

ઉત્સાહ જીવનમાં પાવર હાઉસનું કામ કરે છે. જે વ્યક્તિમાં ઉત્સાહ નથી એ વ્યક્તિ ધાણી ભરેલા કોથળા જેવો હોય છે.  બહારથી ખૂબ મોટો લાગે પણ અંદરથી બિલકુલ હલકો અને ખાલી હોય છે. આવા વ્યક્તિને કોઈ કામમાં મોજ નથી આવતી. જે હંમેશા નિરુત્સાહ અને ઉદાસ રહેતા હોય છે એ પોતે ખુશ રહી શકતો નથી કે, બીજા કોઈને પણ આનંદ આપી શકતો નથી.




જીવનમાં કોઈપણ ઉંમરે ઉત્સાહવર્ધક નવી બાબતો શોધી લેવી જોઈએ. એક જમાનાની કામિયાબ અને લોકપ્રિય અભિનેત્રી વહીદા રહેમાને ૬૫ વર્ષે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવાનું શરૂં કર્યું. વહીદા રહેમાને અગાઉ ક્યારેય પ્રોફેશ્નલ કેમેરો પકડ્યો ન હતો. ૬૫ વર્ષની ઉંમરે એમણે ફોટોગ્રાફી શીખવાની શરૂઆત કરી. એક નવો શોખ, એક નવી બાબત, એક નવી ઘટનાનો ઉત્સાહ જીવનને નવો વળાંક આપવા માટે પુરતો છે. વહીદા રહેમાને ફોટોગ્રાફીના શોખથી તેમના જીવનને ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધું. હવે તો એમના માટે ફોટોગ્રાફી એક પેશનબની ગઈ છે.




વધતી ઉંમર અને થાકને વહીદાજીએ ફોટોગ્રાફીના શોખના ઉત્સાહના ફુવારા વડે એક ઝાટકામાં અલવિદા કરી દીધો. ભારત, ટાન્ઝાનીયા, કેન્યાના જંગલોમાં ફરીને એમણે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે. વહીદાજી કહે છે કે, ક્યારેક બે મિનિટમાં અદભૂત નજારો કચકડે કંડારાઈ જતો હોય છે અને ક્યારેક તો કલાકો અને દિવસો સુધી રાહ જોયા પછી પણ સંતોષજનક ક્લિક નથી લાગતી. આજે તો વહીદાજીના આ ઉત્સાહને નવો જ આયામ મળ્યો છે. એમની ફિલ્મો લોકો માણતા એવી જ રીતે આજે એમની તસવીરોનું સોલો પ્રદર્શન લોકો રસપૂર્વક માણી રહ્યાં છે.

મૂળવાત જીવનને ઉત્સાહની ઊર્જાથી ભરી દેવાની છે. ઉત્સાહ સૌથી બળવાન છે. ઉત્સાહી વ્યક્તિ માટે સંસારમાં કોઈપણ બાબત દુર્લભ ક્યારેય નથી હોતી. જ્યારે જ્યારે જીવનમાં નિરાશાની પળ આવે છે ત્યારે ઉત્સાહ એક ઔષધિનું કામ કરે છે. જો કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્સાહ છે તો દુનિયાની કોઈ તાકાત એ કાર્યના ઉત્કૃષ્ટ પરિણામ આવતા રોકી નહીં શકે. પ્રખર ચિંતક અને લેખક બર્ટાન્ડ રસેલના મતે એક નાનું બાળક દરેક વાતને ઉત્સાહ અને ઉમંગપૂર્વક લેતુ હોય છે. એટલે એના માટે આખો સંસાર એક આનંદસભર આશ્ચર્ય જેવો હોય છે. બાળક હંમેશા ઉત્સાહ સાથે સતત તમામ બાબતોને જિજ્ઞાસા સાથે જ્ઞાન મેળવવાની દિશામાં આગળ વધતું જોવા મળતું હોય છે.




માણસનું મન જુદા જુદા સંસ્કારોના સમૂહથી ઠસોઠસ હોય છે. આ સંસ્કારો સ્વભાવ બની જતા હોય છે. પછી ધીમે ધીમે વ્યક્તિ સ્વભાવ-આદતોની પોટલી બની જતો હોય છે. મનમાં પડેલા સંસ્કારો સ્વભાવમાં પરિવર્તિત થાય એ પહેલાં એમાં ઉત્સાહના ઈન્જેકશન આપી દેવા પડે. ઉત્સાહ અને ઉમંગ ભરીને કાર્ય શરૂ કરવામાં આવે પછી એ કાર્ય પૂરુ થાય ત્યારે ધાર્યું પરિણામ મળે અથવા ન પણ મળે. જ્યારે ધાર્યું પરિણામ ન મળે ત્યારે હતોત્સાહ બની નિરાશાના અંધકારમાં જવાની બદલે ઉત્સાહના પાવર થોડો વધારી દેવામાં સાર છે. ઉત્સાહ સાથે શરૂ કરેલા કાર્યનો અંત સાનુકૂળ ન આવે ત્યારે હતોત્સાહ અને નિરાશાની હવાને પ્રવેશવાના દ્વાર જડબેસલાક રીતે બંધ કરી દેવા જોઈએ.

નિરુત્સાહને આસપાસ ફરકવા પણ ન દેવાય. નિરાશા ઉર્જાતંત્રને બેસુરુ બનાવવાનો આ સૌથી મોટો અંતરાય છે. આ મનઃસ્થિતિ તમારું મન કોઈપણ કાર્યમાં લાગવા જ નહીં દે. ઉત્સાહ વગર કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં ભલીવાર હોતો નથી. ઉત્સાહી વ્યક્તિનું જીવન પ્રેરણાદાયી હોય છે. ઉત્સાહી વ્યક્તિ સડસડાટ આગળ વધતો હોય છે. નિરુત્સાહી વલણ અવરોધક બળ છે. ઉત્સાહી એપ્રોચ પ્રગતિનો માર્ગ આસાન બનાવી દેતો હોય છે.




કોઈ પણ બાબતમાં વિશ્વાસ અને ઉત્સાહ જીવનને જીવવા લાયક બનાવી દે છે. ખરેખર તો ઉત્સાહ એક અલૌકિક શાંતિનું સ્વરૂપ માત્ર છે. ઉત્સાહી બનવાનો સાદો નિયમ છે કે, કોઈપણ કામને હૃદયપૂર્વક આનંદથી કરવું. જે વ્યક્તિના હૃદયમાં ઉત્સાહ ભરેલો હોય એ વ્યક્તિ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત નથી હારતો. કોઇપણ કામ કરવામાં, આનંદીત રહેવામાં કે સંકટોનો સામનો કરવામાં ઉત્સાહ ક્યારેય નથી હોતો, પરંતુ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો હલ નિકાળી પ્રસન્ન રહેવામાં અને કામ કરતા રહેવામાં ઉત્સાહ સમાયેલો હોય છે.

બધાને એક અનુભવ અવશ્ય થયો હશે કે, જે વ્યક્તિમાં ઉત્સાહનો અભાવ હોય છે એના મિત્રો પણ દુશ્મન બની જતા હોય છે. જે વ્યક્તિ ઉત્સાહથી ભરેલો હોય તેના શત્રુ પણ હસતા મોંએ એના મિત્રો બની જતા હોય છે. ઉત્સાહ વગર ક્યારેય કોઈ મોટા લક્ષ્ય હાંસલ થઈ શકતા નથી. ઉત્સાહસભર સ્વભાવ બનાવવા માટે ગાંભિર્યને દૂર કરી ઉત્સાહમાં રહેવાનું ખોટું નાટક પણ તમને ઉત્સાહિત કરી દેશે. જીવનને એટલા ઉત્સાહથી ભરી દેવું જોઈએ કે ગમે એટલી નિરાશાઓની આંધી આવે તો પણ છાતી ઠોકીને દરેક તકલીફો ઉપર હસતા મોંએ વિજય મળી જાય છે.

 

ધબકાર :

જીવનનો ઉદ્દેશ ખુશ રહેવામાં અને બીજાને ખુશી આપવામાં છે.




Monday, 17 August 2020

એને તો સકારાત્મકતાની ઝોળી ખોલીને સર્જનના મહાસાગરમાં ડુબકીઓ મારવી હતી

 


સકારાત્મક વિચારો કરવાવાળા વ્યક્તિઓ ક્યારેય સમશ્યાઓ વિશે વિચારતા નથી. આવા વ્યક્તિઓ સમશ્યાઓના સમાધાનની સંભાવનાઓને વિકસીત કરવાની દિશામાં વિશ્વાસ રાખતા હોય છે. એ લોકો સફળતા, ક્ષમતા, યોગ્યતા અને કૌશલ્યનો ચતુષ્કોણ રચવાની તાકાતવાળા હોય છે. આના પરિણામે સંઘર્ષોનો સ્વીકાર, સમાધાન અને સામનો કરવાની ભૂમિકા ઘડાય છે.




સકારાત્મક સોચથી આત્મવિશ્વાસ બુલંદ થતો હોય છે. આત્મવિશ્વાસ વધવાથી સાહસ પેદા થાય છે. સાહસથી શક્તિ અને શક્તિથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં માર્ગ નિકળે છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર – ચઢાવ હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા અને સિધ્ધાંતો મુજબ આગળ વધવા સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે. સંઘર્ષો અને સમશ્યાઓમાં સકારાત્મકતા આત્મવિશ્વાસ પેદા કરવાનુ પ્રેરકબળ બની જાય છે. આત્મવિશ્વાસ અવસરો અને સંભાવનાઓનું આસમાન છે.

જગતભરમાં ખુબ વંચાયેલું અને વખણાયેલું પુસ્તક ધ સીક્રેટની સીક્રેટ ફોર્મ્યુલા છે કે, આપણા પ્રત્યેક વિચાર આપણું ભવિષ્ય નિર્ધારીત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સકારાત્મક વિચારો ન માત્ર કારકીર્દિ ઘડવામાં ઉપયોગી છે, બલ્કે અંગત જીવનમાં પણ પુલકીત બહાર લાવવાનું કામ કરતા હોય છે.




સકારાત્મકતાની વાત નીકળી છે ત્યારે કરોડો દિલો ઉપર રાજ કરતા કલ્પનાશીલ ચિંતક અને લેખક આર. કે. નારાયણન યાદ આવ્યા વગર ન રહે. એમનુ પુરુ નામ શશીપુરમ ક્રિશ્નસ્વામી ઐયર નારાયણનસ્વામી. સકારાત્મક સોચની મશાલ સમા નારાયણસ્વામી, ચેન્નઇના સ્કૂલ હેડ માસ્ટરના એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છે. પિતાની નોકરીમાં વારંવાર બદલીઓ થતી એટલે નારાયણન બાળપણમાં દાદી અમ્મા પાસે રહીને ભણ્યા. ગણિત, ઇતિહાસ અને સંસ્કૃત નારાયણને દાદી પાસેથી શિખ્યા.

બાળપણથી જ નારાયણનને અંગ્રેજી સાહિત્યમાં વિશેષ રસ પડતો. સ્નાતક થયા બાદ એમની સકારાત્મક કલ્પનાઓને વાંચનના શોખથી ખુલ્લુ આકાશ મળી ગયું. અભ્યાસ પુરો કરી નારાયણને એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું. પરંતુ યુવા નાયારણના હૃદયમાં પડેલી સર્જનશીલતા ઉછાળા મારીને કહેતી હતી કે આ ક્ષેત્ર હરગીઝ તારુ નથી. એને તો સકારાત્મકતાની ઝોળી ખોલીને ફીક્શન રાઇટીંગના મહાસાગરમાં ડુબકીઓ મારવી હતી. ફીક્શન રાઇટીંગમાં આનંદ કરવો હતો.




શિક્ષકની નોકરીને ગુડબાય કરીને નારાયણન ઘરે રહીને એમની કલ્પનાઓને કાગળ ઉપર ઉતારવા લાગ્યા. એમની પ્રથમ અંગ્રેજી નોવેલ સ્વામી એન્ડ ફ્રેન્ડઝ ૧૯૩૫માં પ્રકાશીત થઇ. ત્યાર બાદ ૧૯૩૯માં બ્રિટીષ પ્રકાશક ગ્રેહામ ગ્રીને નારાયણનની બીજી નોવેલ બેચલર ઓફ આર્ટસ પ્રકાશીત કરી. બેચલર ઓફ આર્ટસનોવેલે ઇગ્લેન્ડમાં નારાયણનને ખાસ્સી લોકપ્રિયતા આપી. પ્રકાશક ગ્રીનને નારાયણનની અંગ્રેજી ભાષાએ ખૂબ પ્રભાવીત કરી દીધા હતા.

દક્ષિણ ભારતના પારંપરિક એક ગામ માલગુડીની કલ્પના ઉપર આધારીત માલગુડી ડેયઝની કથા એમણે લખી. માલગુડી ડેયઝની સકારાત્મક ફીક્શન વિચારધારાએ દેશ અને દુનિયાના કરોડો લોકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું. આ નવલકથાના આધારે એ સમયમાં દુરદર્શન ઉપર માલગુડી ડેયઝ સીરીયલે પણ જબરૂ આકર્ષણ જમાવ્યુ હતું. જો કે એ પહેલાં આર. કે. નારાયણનના ધ ગાઇડ ઉપન્યાસે ધુમ માચવી દીધી હતી. એના ઉપરથી લીજન્ડરી કલાકાર દેવાનંદ અને વહિદા રહેમાન અભિનિત ફિલ્મ ગાઇડ બની હતી. લગતા હૈ આજ હર ઇચ્છાએ પુરી હોગી, પર મજા દેખો આજ કોઇ ઇચ્છા હી નહીં...જેવા આ ફિલ્મના મશહુર સંવાદો નારાયણનની કલમમાંથી આવેલી સકારાત્મક વિચારધારાના બિંદુઓ હતા. આ ફિલ્મે દેવાનંદ અને વહિદાની અદાકારી ઉપરાંત તેના કથાનક અને ધારદાર સંવાદોને કારણે ઘણી લોકચાહના મેળવી હતી. પરંતુ માલગુડીનું કાલ્પનિક ગામડુ લોકોના દિલો દિમાગ ઉપર છવાઇ ગયું હતું. નારાયણનની સરાકાત્મક કરુણાસભર લેખનશૈલીથી વાંચકના હૃદયમાં કથાના ઘટના સ્થળો અને પાત્રો સજીવન થઇ જતાં. છ દાયકાના એમના જીવનમાં નારાયણનને અનેક સન્માનો અને પુરષ્કારોથી નવાજવામાં આવ્યાં. એકથી વધુ વાર પ્રતિષ્ઠીત નોબલ પુરષ્કાર માટે નારાયણનની સરાકાત્મક સોચ ધરાવતા લખાણોને નોમિનેટ કરવામાં આવ્યા છે.




ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અખબારના પ્રથમ પાને ડાબે ખૂણે યુ સેઇડ ઇટ કાર્ટૂનને કોણ ભુલી શકે ? એના સર્જક આર. કે. લક્ષમણ, નારાયણનના સગા ભાઇ થાય. ટીકાકારો હમેશા નારાયણનની કુથળી કરતા કહેતા હોય છે કે, એમની ભાષા અત્યંત સરળ હોય છે. ટીકાકારોની આ વાતની નારાયણન ઉપર બિલકુલ અસર નહોતી થતી. એ તો એમના સકારાત્મક વિચારોને કાગળ ઉપર ઉતારવામાં મસ્ત રહેતા. અંગ્રેજી ભાષામાં ભારતીય સાહિત્યની ત્રીમુર્તીએ દેશ વિદેશમાં હિંદુસ્તાનનું નામ ગુંજતુ કર્યું છે. એમાં નારાયણન ઉપરાંત મુલ્કરાજ આનંદ અને રાજા રાવનો સમાવેશ થાય છે.

જ્યારે વ્યક્તિના મનમાં નકારાત્મકતા હોય છે ત્યારે એના મોટા દુષ્પરિણામો આવતા હોય છે. અંદર પડેલી અચ્છાઇઓ બહાર આવી જ નથી શકતી અને પ્રતિભાનો નિખાર ક્યારેય આવી શક્તો નથી. જ્યારે બીજી બાજુ વ્યક્તિ સકારાત્મકતાના સહારે સ્વાભાવિક રીતે જ લોકો નજીક આવી સકારાત્મક સોચ સાથે જોડાઇ જતા હોય છે. જ્યારે પણ નકારાત્મક વિચારો મન મસ્તિક ઉપર સવાર થઇ જાય ત્યારે નારાયણનની જેમ સકારાત્મક વિચારોને તેની સામે મૂકી દેવાથી આગળના રસ્તાઓ આપો આપ ખુલવા લાગે છે. તણાવ ઉભા કરતા વાતાવરણને શક્ય એટલી વહેલી તકે છોડવાની તૈયારી હોવી જોઇએ. શિક્ષકની સ્ટેબલ નોકરીમાં મન ન લાગતાં તણાવ અનુભવતા નારાયણને સર્જન કરવા સારુ નોકરીને લાત મારીને સકારાત્મક સર્જનના માર્ગે આગળ વધવાનું વધુ મુનાસીબ માન્યું. સકારાત્મક વિચારોથી આગળ વધવાની અસીમ સંભવનાઓ સમજવા સજ્જ થવા માટે ખભે ઉચકેલા નકારાત્મકતાના કોથળાઓને ફેંકવા પડે. ચિત્તમાં શુ પડ્યું છે અને એ કેવી રીતે જીવનને વધુ આનંદમયી બનાવશે એ ખુલ્લા દિલે સમજાય ત્યારે જીવનમાં મસ્તીસભર વળાંક આવી જતો હોય છે.

 

ધબકારઃ

માત્ર એક સકારાત્મક વિચાર જીવન બદલવા પુરતો છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/august2020/18082020-4.pdf

Tuesday, 11 August 2020

શું તમે જાણો છો બાળકોની મુઠ્ઠીમાં વડીલોનું સ્ટ્રેસ રીલીઝ થઇ જતુ હોય છે !

 

રોજની જેમ સવારે મોર્નિંગ વોક માટે બે મિત્રો સોસાયટીના પાર્કમાં મળ્યા. ચાલતા ચાલતા એક મિત્રએ બીજાને કહ્યું યાર ગઇકાલ સાંજથી મારુ માથુ ખુબ દુઃખે છે. હજી રાહત નથી થઇ. બીજા મિત્રએ કહ્યું, મારી પાસે એક એક્યુપ્રેશરની સરસ પુસ્તિકા છે. એમાં શરીરના જુદા જુદા અંગોની વ્યાધી દુર કરવા માટે હથેળીમાં આવેલા પોઇન્ટસની વિગતવાર માહિતી છે. હું તને ઘરે જઇને અત્યારે એ આપીશ. એમાંથી આજે જ તું તારી તકલીફને લગતા પોઇન્ટ ઉપર કામ કરજે મને વિશ્વાસ છે કે, તને જરૂર રાહત થઇ જશે. પુસ્તીકામાં સૂચવ્યા મુજબ હથેળીના પોઇન્ટ દબાવતા પેલા મિત્રને માથાના દુઃખાવામાં ખાસ્સી રાહત થઇ ગઇ.




સામાન્ય રીતે હથેળી અને પગના તળીયાના પોઇન્ટને દબાવીને વ્યાધી દુર કરવાની એક્યુપ્રેશર ટેકનિકથી વિશ્વના મોટા ભાગના લોકોને જ્ઞાત છે. આની સાથો સાથ સંવેદનાસભર કોમળતાપૂર્વક આંગળીઓ દબાવવાની સ્પર્ષકળા જીન શીન જ્યુત્સુ નામની ચિકિત્સા પદ્ધતિ પણ જગતમાં ખુબ પ્રચલીત થઇ રહી છે. આ બન્ને ટેકનિકમાં હાથની હથેળીઓ મુખ્ય રોલ પ્લે કરે છે. હાથ એ ઇશ્વરે બનાવેલાં માનવ શરીર રચનાનો એન્જીનિયરીંગ કૌષલ્યની સૌથી જટીલ અને સુંદર કુદરતી કમાલનો નમુનો છે. હાથ ચીજ વસ્તુઓને પકડવા માટેનું શારીરિક ઓજાર જરૂર છે પરંતુ એથી પણ ક્યાંય વધુ માનવીના મન, મગજ, હૃદય સહીત તમામ અંગોના કંટ્રોલ પોઇન્ટ છે. પામેસ્ટ્રીના સમર્થકો હાથની હથેળીને વ્યક્તિના જીવનનો આયનો કહે છે.




જિન શિન જ્યુત્સુ પધ્ધતિની ઉત્પત્તિની કંઠોપકંઠ ચાલી આવતી એક પ્રચલિત કથા પણ છે. અત્યંત લોકપ્રિય અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા જાપાનના હિરોહિટો સમ્રાટના સામ્રાજ્યના ધજા પતાકા લહેરાતા. સમ્રાટ હિરોહિરોને એક નાનો ભાઇ. સમ્રાટને એનો ભાઇ ખુબ પ્રિય. એકવાર એનો ભાઇ એક અસાધ્ય બિમારીમાં સપડાયો. સમ્રાટે પ્રસિધ્ધ વૈદ હકીમોને બોલાવ્યા. ખુબ ઉપચારો કરાવ્યા. પરંતુ નાના ભાઇની તબિયતમાં તસુભાર પણ સુધારો ન થયો. કંટાળીને આખરે મુરૈ નામના જિન શિન જ્યુત્સુ ટેકનિકના જાણકારને સમ્રાટે ભાઇની સાર સંભાળ લેવાની જવાબદારી સોંપી. મુરૈની જિન શિન જ્યુત્સુ ટેકનિકની અસર થવા લાગી. સમ્રાટનો ભાઇ ધીમે ધીમે સાજો થવા લાગ્યો. સમ્રાટ ખુબ રાજી થઇ ગયો.




સમ્રાટે મુરૈને પુરસ્કાર માગવા કહ્યું ત્યારે મુરૈએ નમ્રતાપૂર્વક કહ્યું, સમ્રાટ મારે બીજુ કશુ નથી જોઇતુ પણ રાજમહેલના પ્રાચિન ગ્રંથોની જ્યાં જાળવણી કરવામાં આવી છે તેમાં જિન શિન જ્યુત્સુ ટેકનિકની ઉત્પત્તિ, પધ્ધતિ અને ઉદારહણોના નોંધની જાળવણી કરવામાં આવે એવા આપ આદેશો આપો તો આગામી પેઢીઓને આ પધ્ધતિનો લાભ મળે. સમ્રાટ મુરૈની માંગણી સાથે સંમત થયા. રાજમહેલના સંગ્રહીત દસ્તાવેજોમાં જિન શિન જ્યુત્સુ ચિકિત્સા પધ્ધતિની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો.




જિન શિન જ્યુત્સુ સ્પર્શકલાના જનક જિરો મુરૈ 20મી સદીના કાળમાં અસાધ્ય બિમારીમાં પટકાયા હતા. યુવાનીમા મુરૈની ખાનપાન, રહેણી કરણી અત્યંત અસ્ત વ્યસ્ત હતી. અસાધ્ય બિમારીને કારણે તેના પરિવારજનોએ મુરૈને એક પર્વત ઉપર પરિવારની અસ્ક્યામતની એક કોટડીમાં એકલા રહેવા મોકલી દીધા. મુરૈને એકલતામાં શારીરિક ચેતના અને હથેળીના કોમળ સ્પર્શ અને સ્પંદનોની આધ્યાત્મિક ચેતનાના દર્શન થયા. મુરૈને તેની નાદુરસ્ત તબિયતમાં આંગળીઓના સ્પર્શની પદ્ધતિથી સાત દિવસમાં ચમત્કારિક સુધારો જણાયો. ત્યારે પછી એણે જિન શિન જ્યુત્સુ ટેકનિકને પોતાનું જીવન અર્પણ કરી દીધું.




એલીસ બર્સેઇસ્ટર અને ટોમ મોન્ટેએ જીન શિન જ્યુત્સુ ટેકનિક ઉપર ધ ટચ ઓફ હીલીંગ, એનજોયીંગ બોડી, માઇન્ડ અને સ્પિરીટ વીથ ધ આર્ટ ઓફ જિન શિન જ્યુત્સુ નામનું સુંદર પુસ્તક પ્રકાશીત કર્યું છે. પુસ્તકમાં લેખકોએ કહ્યુ છે કે, શરીરની ઉર્જા ચેનલ્સને યોગ્ય રીતે સમજવામાં આવે તો સ્ટ્રેસ, એંગર, ફીઅર, નેગેટીવનેસ, સેડેશન, નર્વસનેસ, ડિપ્રેશન જેવા તત્વો આસાનીથી દુર કરી શકાય છે. આ તમામ વ્યાધીઓના ઉપચાર વ્યક્તિની હથેળીમાં જ છે અને એ પણ બિલકુલ નિશુલ્ક, સરળ અને સહજ. વ્યક્તિની હથેળીની આંઠ આંગળીઓ, અને બે અંગુઠાઓમાં પાંચ પ્રકારની નકારાત્મકતા બ્લોક થઇ જતી હોય છે. જિન શિન જ્યુત્સુની કોમળ સ્પર્ષની ટેકનિક આ પાંચ નકારાત્મકતાઓને રીલીઝ કરવાનું કામ કરે છે.

સામાન્ય રીતે વ્યક્તિને કોઇ પારિવારિક સમશ્યાને કારણે કે પછી નોકરી, ધંધા કે વ્યયસાયના ઉતાર ચડાવને કારણે કે પછી આર્થિક બાબતોના કારણે ચિંતા થતી હોય છે. આ ચિંતાને કારણે સ્ટ્રેસનું લેવલ વધી જતું હોય છે. વ્યક્તિના હાથનો અંગુઠો સ્ટ્રેસ બ્લોકેજનું ક્ષેત્ર છે. ડાબા હાથના અંગુઠાને જમણા હાથની હથેલીમાં મુકી એને ફરતે મુઠ્ઠીમાં બે મિનિટ પકડી રાખવાથી સ્ટ્રેસ રીલીઝ થઇ જાય છે. યાદ રહે મુઠ્ઠીને જોરથી પકડી અંગુઠો ભીસવાનો નથી. કોમળતાથી મુઠ્ઠીમાં અંગુઠો પકડવાનો છે. વારાફરથી ડાબો અંગુઠો જમણા હાથની મુઠ્ઠીમાં અને જમણો અંગુઠો ડાબા હાથની મુઠ્ઠીમાં બેથી ત્રણ મિનિટ કપડવાનો છે. દિવસમાં ત્રણથી ચાર વાર આમ કરવાથી સ્ટ્રેસ દુર થઇ શકે છે એમ જિન શિન જ્યુત્સુ ટેકનિક કહે છે.

કોઇ અજાણ્યો ભય કે ખોફ સતાવતો હોય ત્યારે પહેલી આંગળીને બેથી ત્રણ મિનિટ પકડી રાખવાથી ફાયદો થાય છે. એ જ પ્રમાણે જ્યારે ગુસ્સો આવે ત્યારે વચ્ચેની એટલે બીજી આંગળી પકડી રાખવાથી ગુસ્સો ઓસરી જશે. ત્રીજી આંગળી એટલે કે રીંગ ફિંગર પકડી રાખવાથી સેડેશન અને દુઃખની લાગણી ઓછી થવા લાગે છે. ટચલી આંગળી, પીન્કી ફિંગર પકડી રાખવાથી નર્વસનેસ દુર થઇ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે, નાના બાળકો બહાર નિકળે ત્યારે મમ્મી–પપ્પા કે દાદા–દાદીની આંગળી કોમળતાથી પકડી ચાલતા હોય છે. વડીલો વારા ફરથી આંગળીઓ બદલતા રહે છે. બાળકોની મુઠ્ઠીમાં મોટેરાઓના સ્ટ્રેસ, નર્વસનેસ, સેડેશન, એંગર અને નર્વસનેસના બ્લોકેજ જાણે અજાણે સહજતાથી ખુલી જતા હોય છે. વિશ્વના ઐતિહાસિક, અને સાંસ્કૃતિક દસ્તાવેજોમાં હેન્ડ્સ ઓફ હિલીંગ અને એનર્જી બેઝડ ઇન્ટરવેન્શનના પુરાવાઓ મળી આવ્યા છે. વર્ષ 1980માં નર્સિંગ ક્ષેત્રે વિવિધ ઉપચારોમાં આ ટેકનિકનો ખાસ્સો વિસ્તાર થતો જોવા મળ્યો. હથેળીમાં મન અને મગજના કંટ્રોલ પોઇન્ટ છે. આ પોઇન્ટનો સમજપૂર્વક ઉપયોગ નિઃસંદેહપણે ઉમદા પરિણામો આપે છે.

 

ધબકારઃ

હથેલીમાં સ્વાસ્થ્ય અને લાગણીઓનો મુશળદાર વરસાદ વરસે છે, એ ઝીલવા માટે યોગ્ય પાત્ર બનવુ પડે.


https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/august2020/11082020-4.pdf