Monday, 26 October 2020

દિવસભર કામ કર્યા પછી પણ અમુક લોકોનુ એનર્જી લેવલ કેમ જોરદાર હોય છે ?

 



અસફલતા એક ચુનોતી હે
, સ્વીકાર કરો,

કયા કમી રહ ગઈ, ઉસ કા સુધાર કરો,

જબ તક ના સફલ હો, નીંદ ચૈન કો ત્યાગો તુમ,

સંઘર્ષ કા મૈદાન છોડ મત ભાગો તુમ,

કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી,

હિંમત કરનેવાલો કી કભી હાર નહીં હોતી...

 

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા ડૉ. હરિવંશરાયજીની કવિતાનો આ અંશ હંમેશા હૃદયમાં રાખવા જેવો છે. આત્મવિશ્વાસની પ્રેરણાથી ચિક્કાર ભરેલા આ શબ્દો આગળ વધવા માટે બુસ્ટર ડોઝ જેવા છે. વ્યક્તિ ગમે એટલો પ્રતિભાવંત અને કાબેલ હોય પણ જો આત્મવિશ્વાસની કમી હશે તો એ કશું પ્રાપ્ત કરી નહીં શકે. જ્યારે આત્મવિશ્વાસ ડગુમગુ હોય ત્યારે પોતના દરેક કાર્યો ઉપર સંદેહ અને સંશય રહેવાનો. પોતાનાથી સંતુષ્ટ, દ્રઢ નિશ્ચય અને લગનપૂર્વકની મહેનત આ ત્રણ બાબતો આત્મવિશ્વાસના પાયામાં છે.





થોડા સમય પહેલા ઊરીનામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મના નાયક વીકી કૌષલ દ્વારા બોલાયેલોહાઉ ઈઝ ધ જોશડાયલોગ બહુ પોપ્યુલર થયો. મુળતઃ આ સંવાદ લોકપ્રિય થયો એની પાછળ પ્રત્યેક વ્યક્તિની આત્મવિશ્વાસની ભાવના જોડાયેલી છે. આત્મવિશ્વાસના કારણે આનંદ અને ઉત્સાહ વધે છે. કોઈપણ કાર્ય સારી રીતે પાર પાડવા માટે ઉત્સાહ અને ઉલ્લાસ અત્યંત આવશ્યક છે. પણ પ્રશ્ન એ છે કે, જોશઆવે છે ક્યાંથી ? કેટલાક લોકોનુ દિવસભર ૧૨ કલાક કામ કરીને પણ એમનું એનર્જી લેવલ કાબિલે તારીફ હોય છે. જ્યારે કેટલાક થોડું કામ કરીને પણ ઢીલા ઢફ થઈ જતા હોય છે.





જો આગળ વધવાની, સફળતાના શિખરો સર કરવાની ઇચ્છા હોય તો વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી પડશે. પોતાના મન અને હૃદયના જોશને પકડી પાડવો પડશે. શેમાં રસ પડે છે એ બાબતને ઓળખી લેવી પડે. પછી એ દિશામાં આગળ વધવાનું નક્કી કરવું પડે. અથવા તો જે કામ હાથ ઉપર હોય એમાં હૃદયપૂર્વક રસ પેદા કરવો જોઇશે. જીવનમાં આગળ આવવા માટેનું ટોનિક જ જોશછે. આપણે એ સમજી લેવાનું રહે છે કે, જે કામ કરીએ છીએ એમાં આપણો સો ટકા રસ છે કે નહીં ? સંભવ છે કે, કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળે પરંતુ અંદર ઉત્સાહ અને ઉમંગ હશે તો એ કાર્ય સફળ થતા દુનિયાની કોઈ તાકાત રોકી નહિં શકે.





એક પિતા એના આઠ દસ વર્ષના દીકરા સાથે રજાઓમાં હીલ સ્ટેશન ઉપર ફરવા ગયા. બન્ને સવારે ખુશનુમા વાતાવરણમાં એક ઊંચા પહાડ ઉપર ટ્રેકીંગ કરવા નીકળી પડ્યા. અચાનક દીકરાનો પગ લપસી પડ્યો અને એ પડી ગયો. ઘુંટણ છોલાઈ ગયા. પડતી વખતે દીકરાના મ્હોમાંથી ચીસ નીકળી ગઈ, ‘ઓહ મા...’ પહાડની વાદીઓમાંથી પણ એવો જ અવાજ આવ્યો ઓહ મા...’ બાળક તો અચંબામાં પડી ગયો. એણે જોરથી પ્રશ્નો પૂછ્યો કોણ છો તમે ?’ સામેથી એવો જ પ્રત્યુતર મળ્યો. હવે બાળકે કહ્યું, ‘તું ડરપોક છેજવાબમાં પણ તું ડરપોક છેસંભળાયું. બાળકની આ ક્રિયાઓ જોઈ રહેલા પિતા નજીક આવ્યા અને એને કહ્યું બેટા, એમ કહે કે, હું વિજેતા છું’. બાળકે પિતાએ કહ્યા મુજબ બુમ પાડી. સામેથી પણ જવાબ મળ્યો. ‘હું વિજેતા છું.’





બાળક તો ખુશ થઈ ગયો એનો ઉત્સાહ વધી ગયો. આ નાનકડી વાતમાં પિતાએ એ દિવસે પુત્રને જીવન જીવવામાં આત્મવિશ્વાસના ટોનિકના ટીન એના દીકરાને ભેટ આપી દીધા. વ્યક્તિને જીવનમાં જે કોઈ સફળતા મળે છે એની પાછળ એના કૌષલ્ય ઉપરાંત આત્મવિશ્વાસનો મોટો હાથ હોય છે. લાઓત્સે કહે છે કે, ‘સ્વસ્થ શરીર મોટી દોલત, ‘સંતોષ કુબેરનો ખજાનો અને આત્મવિશ્વાસ સૌથી પાક્કો મિત્ર હોય છે. ડર લાગતો હોય એવા જીવનના તમામ અનુભવોમાં વ્યક્તિની શક્તિ, સાહસ અને આત્મવિશ્વાસ વધતો હોય છે.

પૈસાનું સંચાલન અને આયોજન કરતા આત્મવિશ્વાસનું સંચાલન વધુ સારા પરિણામો આપે છે જ્યારે અંતર આત્મવિશ્વાસથી ભરેલું હોય ત્યારે હૃદયમાં અપાર આનંદ ઊઠતો હોય છે. આનંદસભર ચિત્તથી અદભુત કામ થતા હોય છે. ચાલતી ટ્રેનમાંથી ફેકવામાં આવેલી, એક પગ કપાઈ ગયા બાદ પણ આત્મવિશ્વાસ સાથે એવરેસ્ટ સર કરનારી અરૂણીમા સિન્હાની આઈકોનિક કહાની કોણ ભૂલી શકે ? એ અમિતાભનો પ્રબળ આત્મવિશ્વાસ તો હતો કે, એ રૂપેરી પડદે મહાનાયક બનશે. બાકી ૭૦ના દાયકામાં કોલકતા રેડિયો સ્ટેશને જેના અવાજને રીજેક્ટ કર્યો અને અસંખ્ય નિર્દેશકોએ જેની લાંબી સુકલકડી કાયા તથા સામાન્ય ચહેરાને જોઈને એને ફિલ્મોમા કામ આપવાનો નનૈયો ભણ્યો ત્યારે કલ્પના હતી કે, આ વ્યક્તિ ભવિષ્યમાં વન મેન ઈન્ડસ્ટ્રીતરીકે મશહુર થશે.

આત્મવિશ્વાસ પાછળ એક સાયંટિફિક પ્રક્રિયાને સમજવા જેવી છે. મનુષ્યના મગજમાં એક ડોપામીન નામનું કેમિકલ હોય છે. મગજમાં ડોપામીન સપ્રમાણ એટલે કે બેલેન્સમાં રહે તે ખૂબ જરૂરી છે. ડોપામીન જરૂરથી વધે કે ઘટે તો વ્યક્તિ નાસીપાસ થઈ જાય. વાતવાતમાં ગુસ્સો કરવા લાગે. કોઈપણ કાર્ય માટે મુડ ન આવે. અને જો ડોપામીન બેલેન્સ હોય તો વ્યક્તિમાં ઉત્સાહ જોવા મળે. દરેક કામમાં એને આનંદ પડે.





પ્રશ્ન એ થાય કે, ડોપામીનનું લેવલ જાળવવું કઈ રીતે ? તજજ્ઞો કહે છે કે, ડોપામીન ડીપ બ્રિધિંગથી બેલેન્સ રહે છે. ઊંડા શ્વાસ લેવાથી મગજમાં ડોપામીન કેમિકલનું સ્તર જળવાઈ રહે છે. ઊંડા શ્વાસ શારીરિક ઊર્જાની સાથે માનસિક ચેતનાઓ અને આત્મવિશ્વાસ વધારાવાનું મહત્વનું કામ કરે છે.  એટલે જે લોકો ઊંડા શ્વાસ લેવાની ચમત્કારિક શક્તિનો પ્રયોગ નથી કરતા એમણે સત્વરે આ દિશામાં આગળ વધવું જોઈએ અને હા, પીત્ઝા, પાસ્તા, સેન્ડવીચ, દાબેલી જેવા જંક ફુડ લેવાનું છોડી દેવું હિતાવહ છે. જંકફૂડ ડોપામીનનું પ્રમાણ ખૂબ વધારી દેતા હોય છે.

વિશ્વના માંધાતાઓના મત અનુસાર આજના યુગમાં માનવીની સરેરાશ ઉંમર ૭૮ વર્ષની છે. જેમાં ૨૯ વર્ષ ઉંઘવામાં, ત્રણથી ચાર વર્ષ અભ્યાસમાં, ૧૦ થી ૧૨ વર્ષ ધંધા રોજગાર માટે, ૧૦ થી ૧૨ વર્ષ રોજીંદી ક્રિયાઓ માટે, નવથી દસ વર્ષ મનોરંજન માટે ખર્ચ થઈ જતા હોય છે. એટલે એનો સીધો અર્થ એ થાય કે, આપણા આનંદ અને સપના સાકાર કરવા માટે આપણી પાસે ૧૩૨ જેટલા મહિના માત્ર બચે છે. તો પછી નિરાશા અને હતાશા માટે જીવનમાં કોઈ સ્થાન જ ન હોવુ જોઇએ. જીવન આત્મવિશ્વાસથી છલોછલ ભરેલું હશે તો ઉત્સાહ અને આનંદ આપોઆપ છવાતા રહેશે.

 

ધબકાર :

મુશ્કેલીમાં મને માર્ગ મળી જશે કે પછી હું માર્ગ શોધી કાઢીશવાળો એટીટ્યુડ જ આત્મવિશ્વાસ છે.






4 comments: