Monday, 23 November 2020

બસ એટલી સમજ મને પરવરદીગાર દે, સુખ જ્યારે મળે, બધાનો વિચાર દે

 



દિવાળીના તહેવારો રંગેચંગે પૂરા થયાંને આજે એકાદ અઠવાડીયા જેટલો સમય થઇ ગયો. સૌ કોઇ રજાઓ માણીને તરોતાજા થઈને ફરી પાછા કામ ઉપર લાગી ગયા છે. પૂર્વ ગોળાર્ધનું સૌથી મોટું અને લાડકું પર્વ એટલે દીવાળી. લંકા વિજય બાદ રાજા રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક, સમુદ્ર મંથન વેળા લક્ષ્મીજીનું પ્રાગટ્ય, કૃષ્ણલીલા જેવી ચાર-પાંચ ધાર્મિક કહાનીઓ ભારતવર્ષમાં દિવાળીના તહેવાર સાથે જોડાયેલી છે. દિવાળીનું ન માત્ર ધાર્મિક બલ્કે સાઅમાજિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. હિન્દુસ્તાનના વિવિધ રાજ્યોમાં આ તહેવાર અલગ અલગ નામથી ઓળખાય છે. આસામમાં ‘દીપાવોલી’, બંગાળમાં ‘દીપાબોલી’, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘દિવાળી’, ઓરિસ્સામાં ‘દીપાબલી’, સિંધમાં ‘દિયારી’, તામિલનાડુમાં ‘તિપાવલી’ જેવા નામથી દિવાળીનો ઉત્સવ ઉજવાય છે પરંતુ એનો મહિમાઅ એક રહે છે.




એક મધ્યમ વર્ગીય પરિવારના દસ બાર વર્ષના દીકરાની વાત યાદ આવે છે. એક આધેડ વયના ધોબી આ પરિવારના કપડાં ઈસ્ત્રી કરીને દર બે દિવસે આપી જાય. કપડાં આપવા આવે ત્યારે મોટાભાગે આ પરિવારનો આઠ દસ વર્ષનો દીકરો કપડાં લેવા અને બીજા કપડાં આપવા આવે. આ નિત્ય ક્રમ રહેતો. આ દીકરો જ્યારે કપડાં લેવા-આપવા આવતો ત્યારે મોટા ભાગે આધેડ વયના ધોબી કાકાને સફેદ ખમીસમાં જ જોતો. આધેડના સફેદ ખમીસ ઉપર એકાદ થીગડું હંમેશા હોય. છોકરો હંમેશા આધેડના ખમીસ ઉપરના થીગડાંને વિસ્મયપૂર્વક તાકી રહેતો.

ધનતેરસના દિવસે ઈસ્ત્રી કરેલા કપડાં લઈને આધેડ પરસાળમાં આવીને બેઠો. દીકરાએ કપડાં લીધા અને બીજા કપડાં આપીને બોલ્યો, ‘ધોબી અંકલ, બે મિનિટ બેસજો હોં... હું હમણાં આવું છું.’ એમ કહીને એ ઘરમાં ગયો. આધેડ વિચારતો હતો કે, કદાચ બીજા કપડાં ઇસ્ત્રીમાં આપવા માટે એ લેવા ગયો હશે. બે-પાંચ મિનિટમાં આ છોકરો હાથમાં સરસ મજાનું ગીફ્ટ પેપરમાં રેપ કરેલું એક બોક્સ લઈને ધોબી કાકાના હાથમાં મૂકીને બોલ્યો, ‘હેપ્પી દિવાલી, અંકલ...’ આધેડે કહ્યું, ‘બેટા તું તો મારાથી નાનો છે. મારે તારી પાસેથી બક્ષીસ ન લેવાય, આ પાછી લઈ જા.’ બાળકે  કહ્યું, ‘દિવાળીમાં મમ્મી પપ્પા સાથે મારી નવી ચીજ-વસ્તુઓ ખરીદવા ગયો ત્યારે જ મેં તમારી માટે આ લઈ લીધું હતું. તમે ના ન પાડશો. ઘરે જઈને આ ગીફ્ટ પેપર ખોલજો.’




આમ કહીને એ છોકરો ઘરમાં દોડી ગયો. આધેડ તો ઈસ્ત્રીના કપડાં સાઈકલ પર મૂકીને વિચાર કરતો ઘરે પહોંચ્યો. ઘરે જઈને રેપર ખોલીને જોયું તો એમાંથી બે નવા નક્કોર સફેદ શર્ટ નીકળ્યાં. બે નવા ખમીસ જોઈને ધોબી કાકા, પોતે પહેરેલા થીગડાવાળું ખમીસ જોઈ રહ્યો. એની આંખોમાંથી હર્ષના આંસુ દડદડ વહેવા લાગ્યાં. દિવાળી એટલે ફટાકડા ફોડવા, સ્વાદિષ્ટ મીઠાઈઓ, મઠીયા, મોહનથાળની મોજની સાથે એકબીજાની સંવેદનાઓના સુંવાળા સ્પર્શનો સુહાનો અવસર. મરીઝ સાહેબનો એક અમર શેર આ ઘટના સાથે યાદ આવી જાય. ‘બસ એટલી સમજ મને પરવરદીગાર દે, સુખ જ્યારે મળે, બધાનો વિચાર દે.’

‘દિવાળી’ દીપાવલી શબ્દનું લઘુ રૂપ છે. દીપાવલી શબ્દમાં બે શબ્દોની સુગંધ છે. દીપ અને આવલી. ‘દીપ’ એટલે દિવો અને સંસ્કૃત તત્સમ શબ્દ ‘આવલી’ એટલે હરોળ. દિવડાઓની હારમાળાને દિપાવલી કહેવાય. પ્રતિવર્ષ દિપાવલી જ્ઞાનના પ્રકાશનું અને સંવેદનાની સુવાસનું સ્મરણ કરાવે છે. દીપાવલીમાં મનને માંજીને ચમકાવવાનું મહત્વ છે. જીવન ભૌતિકતાનો મહાસાગર છે. એમાં ગળાડૂબ રહેવાથી સાચો આનંદ શું છે એનો લગીરે ખ્યાલ ન આવે. દીપાવલીમાં મુકવામાં આવતાં હારબંધ દિવડાઓનો એક સુંદર મેસેજ છે. કોડિયામાં રાખેલા ઘીમાં રૂ ની વાટ આખે આખી ડૂબાડી દેવામાં આવે તો શું એ પ્રજવલિત થઈને પ્રકાશ પાથરી શકે ખરી ? પ્રકાશ માટે તો વાટનો એક છેડો ઘીથી ભીનો કરી કોડિયાની બહાર રાખવામાં આવે તો જ જ્યોત પ્રકાશ પાથરી શકે. આવી જ રીતે ભૌતિક સુખના મહાસાગરમાં ડૂબી રહેવા કરતાં સંવેદનાસભર ડોકુ એમાંથી બહાર કાઢી જ્ઞાનની જ્યોત પ્રગટાવવા પ્રયાસ કરવાનુ સ્મરણ દિવાળી કરાવે છે.

દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડાં પાછળ પણ એક મજાનો કોન્સેપ્ટ છે. જીવનમાં ધરબાઈને પડી રહેલી ભાવનાઓ, હતાશાઓ, ક્રોધ અને વૈમનશ્યના પીંડલાના ફટાકડા ફોડીને માનસિક રીતે હળવા બનવાનો અદભુત સંદેશ એમાંથી મળે છે. આપણા પૂર્વજોએ કલુશીત ભાવનાઓને બહાર વહેવડાવી દેવા માટે ફટકડા ફોડવાની પ્રવૃત્તિને મનોવૈજ્ઞાનિક અભ્યાસના રૂપમાં રજૂ કર્યો હોય એમ લાગે છે. જ્યારે બહાર ફટાકડાઓનો વિસ્ફોટ થાય ત્યારે અંતરમાં ધરબાઈને પડી રહેલી નકારાત્મક સંવેદનાઓ ફૂટીને ધુમાડો થઈ જતી હોય છે. જ્યારે મનમાં રહેલી અનિષ્ઠ ભાવનાઓનો ધુમાડો થાય ત્યારે મન હળવું ફૂલ બની જાય અને પછી જ જ્ઞાનના પ્રકાશનો સહજ ઉદય થાય.




જીવનમાં જ્યારે પણ જ્ઞાન પ્રગટે એ સમયે ઉત્સવ હોય છે. ઉત્સવમાં ઉત્સાહ સાથે હોશ ન ખોવાય એટલે પ્રાચીન ઋષિ મુનિઓએ આપણાં શાસ્ત્રોમાં પર્વ સાથે ધાર્મિકતા અને પવિત્રતાની પૂજાને સુપેરે સાંકળી લીધી છે. બ્રહ્માંડમાં અગણિત અણુ-પરમાણુઓ, અસંખ્ય આકાશ ગંગાઓ છે. પૃથ્વી નામના આપણા ઉપગ્રહમાં પણ જીવનનો ન કોઈ આરંભ છે કે ન કોઈ અંત. જીવન તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તહેવારોમાં અવિરત ચાલતાં જીવનને એક નવતર મોડ આપીને વધુ સોહામણું બનાવવનો સોનેરી અવસર મળે છે.




દિવાળી એટલે આગળ વધવા માટેના સંકલ્પો લેવાનો તહેવાર. આ વખતે દિવાળીમાં કયા સંકલ્પો લીધા એનું હવે સ્મરણ કરવાનો સમય છે. સંકલ્પો પરિપૂર્ણ કરવાના માર્ગો અને પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે આજે ઉગેલા સૂર્યોદયનું ઇજન છે. જે દુનિયા જોઇ રહ્યાં છીએ એ બદલી નાખવાનો નિશ્ચય કરવો છે કે પછી ઘરમાં બેસી રહેવું છે ? નક્કી આપણે જાતે કરવાનુ છે. બદલાવ લાવવા માટે એક નવો માર્ગ બનાવવો પડશે. માનવતાપૂર્ણ સંવેદના આનંદનો સૌથી મોટો ખજાનો છે. આવો આનંદ અને સારું કામ તો સારા અને સાચા લોકોની સોબતમાં જ શક્ય બને. એક નવી સીસ્ટમ ડેવલપ થાય એ માટે તત્પર રહેવાથી પરંપરાઓમાંથી મુક્તિનો આનંદ મળવાનો છે.

 

ધબકાર :

પોતાની શરત ઉપર જીવવાવાળાના આનંદ કરતાં બીજાની ખુશી માટે પોતાની શરતો બદલી નાખનારાઓના જીવનમાં આનંદની બહાર હોય છે.

                                                                                  




Monday, 9 November 2020

પપ્પાને ક્યારેય પ્રેમથી ગળે નથી મળ્યા તેનો વસવસો એ ભાઇને જીવનભર રહ્યો



 

મેરા સાહસ, મેરી ઇજ્જત, મેરા સંમાન હૈ પિતા,

મેરી તાકત, મેરી પુંજી, મેરી પહેચાન હૈ પિતા,

ઘર કી ઇક ઇક ઇંટ મે શામિલ ઉન કા ખૂન પસીના,

સારે ઘર કી રોનક ઉન સે, સારે ઘર કી શાન હૈ પિતા,

મેરી શોહરત, મેરા ઇમાન, મેરા રૂતબા હૈ પિતા,

મુજ કો હિંમત દેનેવાલે, મેરા અભિમાન હૈ પિતા,

સારે રિશ્તે ઉન કે દમ સે, સારે નાતે ઉન સે હી હૈ,

સારે ઘર કે દિલ કી ધડકન, સારે ઘર કી જાન હૈ પિતા,

શાયદ રબ ને દેખ કર ભેજા ફલ યે અચ્છે કર્મો કા,

ઊસ કી રહમત, ઊસ કી નેમત, ઊસ કા વરદાન હૈ પિતા...


 

ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરતાં અચાનક સર્જકના ઉલ્લેખ વગરની આ હિન્દી કવિતા ઉપર નજર પડી. હદયના તાર રણઝણી ઉઠ્યા અને થોડા સમય પહેલાં બનેલી સત્ય ઘટનાના સંવાદ માનસપટ ઉપર તરવરવા લાગ્યાં. વાત કંઇક આમ હતી. એ દિવસે પચાસની આસપાસ પહોંચેલા એક ભાઈ ખૂબ વ્યગ્ર હતા. એમના મિત્રએ પૂછ્યું, ‘આજે કેમ આટલા દુઃખી જણાવ છો.’ એ ભાઈ બોલ્યા, ‘મારા પિતાજીના દેહાવસાનને ૨૦ વર્ષો વીતિ ગયા. આજે એમની પુણ્યતીથિ છે. સવારે એમની તસવીર આગળ અગરબત્તી કરીને નમન કર્યા.’ મિત્ર બોલ્યો, ‘પિતાજી તો તમને સુખી સંપન્ન જોઈને અને સરસ મજાની લીલી વાડી મૂકીને ગયા છે. તમારા ઉપર એમને અપાર સ્નેહ હતો. મને એની ખબર પણ છે, પછી કેમ આટલા વ્યથીત થાવ છો ?’ એમણે કહ્યું, ‘બાપની પુણ્યતીથિએ એમનું સ્મરણ થાય અને એમની યાદ આવે એ સ્વભાવિક છે પણ એથી પણ વધારે હૃદયના એક ખૂણામાં ખૂબ ઊંડો વસવસો છે કે, એ હયાત હતા ત્યારે મારા પિતાને હું હેતથી ભેટીને, હું તમને ખૂબ પ્રેમ કરું છું, મારા હૃદયમાં તમારો બહુ આદર છે. એમ ક્યારેય બોલી શક્યો ન હતો.’




જીવનના મધ્યાહને પહોંચેલા આ ભાઈની દમદાર વાત છે. જિંદગીમાં આ નાની લાગતી વાત આગળ જતા મોટો વસવસો ઊભો કરી દેતી હોય છે. જીવન આગળ વધતું જતું હોય ત્યારે ક્યારેક પાછા વળીને જોતા આવી નાની વાતો ખુશીઓનું કે તકલિફોનુ મોટું કારણ બની જતી હોય છે. સાચું પૂછો તો જીવન જીવવાનું બળ આવી ઘટનાઓ બની જતી હોય છે. એ વાત પણ એટલી જ સાચી છે કે, બે ત્રણ દાયકા પહેલાનો જમાનો જરા જુદો હતો. વડીલોનો આદર, માન અને મરતબો એવો હતો કે, યુવાન બાળકો એમને ભેટવાનું તો દૂર, વડીલ બેઠા હોય એ પલંગ ઉપર બેસવાની પણ હિંમત નહોતા કરી શકતા. આજે કૌટુંબિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. યુવાન બાળકો વધારે વાચાળ અને અભિવ્યક્ત થઇ રહ્યાં છે.




સ્પર્શની આખી પરિભાષા અનોખી હોય છે. ઉંમર લાયક પિતાને પ્રેમ અને લાગણીથી ગળે મળવાથી એક હજાર પ્રેમના શબ્દો બોલાયા હોય એવું લાગે. એકવાર આઠ દસ વર્ષના બાળકે દાદાને સહજ સવાલ કર્યો કે, ‘દાદા તમે નાના હતા ત્યારે મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર તો નહોતા તો તમે આ બધા વગર કેવી રીતે કામ કરતા હતા ? કેવી રીતે જીવતા હતા ?’ નાનકડા પૌત્રના પ્રશ્નનો દાદાએ સ્માઈલ સાથે જવાબ આપ્યો કે, ‘બેટા આજે જેમ લોકો લાગણી, વિશ્વાસ, સમર્પણ વિના જીવી રહ્યાં છે એમ.’ દાદાના જવાબમાં બાળકને બહુ સમજ ન પડી અને ટેબ ઉપર ટેરવા ફેરવતો એના રૂમમાં દોડી ગયો.




ઉંમરલાયક થવાની સાથે કુટુંબના બધા સભ્યો જોડે તાદાત્મ્ય વધે ત્યારે આયુષ્ય આપોઆપ વધી જતું હોય એવું લાગે. વૃદ્ધ અને ઘરડા શબ્દ વચ્ચેનો ફરક છે. નવી વાત, નવા વિચારો, નવી દિશાની વૃદ્ધિ સાથે તાલમેલ સાચવી આગળ વધે એ વૃધ્ધ. ઘરેડ જીવે, ભૂતકાળને વાગોળ્યા કરે એ ઘરડો. વૃદ્ધ પાસે અનુભવ, ડહાપણ, વ્યવહાર કુશળતા અને સમજશક્તિની સાચી સમૃદ્ધિનો ભંડાર હોય છે. નિવૃત્તિ પછી મળેલા સમયને ભરપુર આનંદ કરે, પરિવાર સાથે પ્રતિપળને ઉત્સવની જેમ ઉજવે એ વૃદ્ધ કહેવાય. પરંપરાઓમાં પરોવાઅયેલો રહે એ ઘરડો કહેવાય. બદલાયેલી કોઈપણ પરિસ્થિતિમાં સેટ થઈ જવાની માનસિકતા વૃદ્ધને વધુ સન્માનિય, આદરણીય અને મિત્રનો દરજ્જો આપે છે. બાળકોને વડીલને મળવાની મોજ આવે એ વૃદ્ધત્વનો અસલી આનંદ છે.




સામાન્ય રીતે આપણા સંબંધો બે ભાગમાં વહેંચાયેલા હોય છે. એક તો કુદરતી રીતે મળેલા અને બીજા સમજ સાથે બાંધેલા સંબંધો. મળેલા સંબંધોમાં મા, બાપ, બહેન, ભાઈ, કાકા, મામા, માસી વગેરે આવે. આ સંબંધો સચવાય કે ન સચવાય જીવનપર્યંત સાથે જ રહેવાના. મળેલા સંબંધો કોઇપણ અપેક્ષા વગર પ્રેમ અને લાગણીની ધરી ઉપર વિકસતા હોય છે. ઘણીવાર એવું પણ જોવા મળતું હોય કે, મળેલા સંબંધો છાના ખૂણે પનપતા જતા હોય. સંબંધોની લંબાઈ અને પહોળાઈ ન જોવાય. સંબંધની તો ઊંડાઈ જોવાય.

બાળક યુવાનીના ઉંબરે પગ મૂકે. ભણી ગણીને પોતાના પગ ઉપર ઊભો રહે. એ પછી હું શ્રેષ્ઠ છુંએવો આત્મવિશ્વાસ પેદા થાય એ જરૂરી છે. પરંતુ હું જ શ્રેષ્ઠ છુંએવો અહંકાર સંબંધોની સુવાળપને મિટાવી દે છે. આવા તબક્કે મનની આંખો ખોલીને વ્યક્તિએ જાગવું પડે. સમજવું પડે કે, હું જે છું એ તો બરાબર છે પણ હું શું હતો ? અને આજે જે છું એ બનવાની આખી ઘટમાળ શું હતી ? આ હંમેશા મનમાં રહે તો વડીલના ગયા પછી હૃદયમાં વલોપાત કરવાનો વખત જ નહીં આવે.

એક મુરબ્બી હંમેશા કહેતાં કે, જીવતા હોય ત્યારે પ્રેમ, લાગણી, ઉમળકો ન બતાવી શકનારા મર્યા પછી તસવીર ઉપર ફુલોના હાર બદલે કે ઘીના દિવા અને સેન્ટેડ અગરબત્તીઓના ધુમાડાઓ કરે એનો કોઇ અર્થ નથી. રૂપિયા-પૈસા, સત્તા, હોંશીયારીનો અહંકાર બતાવીને મોટા દેખાવા કરતાં વડીલોની સાથે બાળક બની માયાળુ વર્તન જીવનને વધુ જીવવા જેવું બનાવે છે. શબ્દોનો વૈભવ હંમેશા ઉપરછલ્લો હોય છે. વ્યક્તિનું મૂળ જીવન તો એની વૈચારિક ચેતનામાં રહેલું છે. શબ્દો નહીં, વિચારો વ્યક્તિનું સાચું ઘડતર કરતા હોય છે. જો જીવનમાં ક્યારેય ખાલીપો ન અનુભવવો હોય તો પ્રેમ, લાગણી અને ત્યાગ નામના ત્રણ સાથીઓ સાથે ઘનિષ્ટતા કેળવી લેવાય. પોતાના જીવનમાં અને વડીલોના જીવનમાં એકલતાનો અહેસાસ ન લાવવા માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ શીખી લેવી પડે.





એક યુવાન દીકરાએ સરસ વાત કરી કે, ‘મારા પિતાએ મને જગતની સૌથી કિમતી અને નાયાબ ભેટ એ આપી કે, એમણે મારા ઉપર વિશ્વાસ રાખ્યો. કદાચ આજે હું જે પણ છું એ મારા પિતાના વિશ્વાસનું જ પરિણામ છું.’ જેના ગુસ્સામાં પોતાનાપણું અને ફટકારમાં પણ પ્યાર દેખાય એ પિતા. દરેકના મનમાં એક વાત કોતરાયેલી હશે કે, મોજ તો પિતા પાસે માંગીને લીધેલા સિક્કાઓથી ખરીદેલી વસ્તુઓમાં આવતી હતી, પોતાની આમદાનીથી જીવનની જરૂરીયાતો માંડ પુરી થતી હોય છે. એક વાર યુવાનને કોઇએ પુછ્યું કે, ‘બેટા, વિશ્વમાં એવી કઇ અદાલત છે કે જ્યાં બધી ભુલો અને ગુના માફ થઇ જતાં હોય છે ?’ યુવાને મજાનો જવાબ આપ્યો, ‘અંકલ, મારા પપ્પાનું દિલ...’

 

ધબકાર :

ખાલી ખીસુ હોવા છતાં કોઇ પણ વસ્તુ લેવા માટે ના નહીં પાડતા પપ્પાથી અમીર વ્યક્તિ કોઇ બાળકે નહીં જોયો હોય.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/nov2020/10112020-4.pdf

Tuesday, 3 November 2020

જેનું મન મસ્ત હોય એની બાહોમાં દુનિયા સમસ્ત હોય




સ્મીત અને સહાય આ બે એવા જોરદાર પરફ્યુમ છે કે, જેટલા વધારે બીજા ઉપર છાંટવામાં આવે એટલા વધારે સ્વયં સુગંધીત થવાય. ફુલોની સુગંધ તો કેવળ હવાના રૂખ પ્રમાણે એક જ દિશામાં ફેલાય પરંતુ નિસ્વાર્થ સૌજન્યપૂર્ણ સેવાકીય કાર્યની સુવાસ ચોમેર ફેલાય. પૈસા અને સત્તા કમાવવા સૌ મહેનત કરે છે પરંતુ જ્યારે વ્યક્તિ પોતાની ક્ષમતા અને આવડતનો આસપાસના લોકો અને સમાજને આગળ લાવવા માટે ઉપયોગ કરે છે ત્યારે અનેરો સંતોષ અનુભવે છે. ભોજન અને પારિવારિક આનંદ માટે પશુઓ પણ મહેનત કરતા જ હોય છે. જીવન ઈશ્વરે આપેલી અણમોલ બક્ષિસ છે. ખુશી, ગમ અને સ્મીત તો હોય એનું નામ જ જિંદગી છે. જીવનને જે અંદાજથી જોવામાં આવે એ જ દ્રષ્ટિકોણથી જીવન પણ આપણને જુએ છે.





બનાસકાંઠાના નાના એવા લવાણા ગામના એક યુવાનની વાત છે. નામ એનું વખતસિંહ રાજપૂત ગરીબ ખેડૂત માનસુંગજીના પરિવારમાં જન્મેલા આ યુવાને બાળપણથી જ અભાવો અને મુશ્કેલીઓ સામે ઝીંક ઝીલી છે. પરિસ્થિતિ સામે ઝૂક્યા વગર તકલીફોમાં માર્ગ કાઢી એ આગળ આવ્યો. આ યુવાને પોતે આગળ આવીને બેસી રહેવાને બદલે આખા સમાજ માટે કંઈક કરવાનું નક્કી કર્યું. એની નોકરી કચ્છ જિલ્લામાં પરંતુ એના વિસ્તારના યુવાનોના વિકાસ માટે એનું મન સતત વિચારતું રહેતું. એણે ટેકનોલોજીના સહારે કચ્છમાં બેઠા બેઠા બનાસકાંઠાના રાજપૂત નવયુવાનો માટે સરસ આયોજન કરી લીધું.





કોરોના મહામારીના કપરા કાળમાં શૈક્ષણિક સંસ્થાઓની કામગીરી થતી નહતી ત્યારે આ યુવાને બનાસકાંઠાના હિંદવાણી રાજપુત સમાજના યુવાનો માટે ખાસ યોજના તૈયાર કરી અમલમાં મૂકી. સૌ પ્રથમ એણે જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા સમાજના હોનહાર યુવાનોના સેલ નંબર મેળવી એક ગ્રુપ બનાવ્યું. ત્યારબાદ ગ્રુપના તમામ યુવાનમિત્રોને પરીક્ષા સંબંધી વાચવાનું ઉપયોગી સાહિત્ય પુરું પાડવાની શરૂઆત કરી. અને પછી છેલ્લા ત્રણ મહિનામાં વખતસિંહે ૨૦ જેટલા વેબિનારો યોજી માર્ગદર્શન આપવાનું સતકાર્ય કર્યું છે.

આમ તો ગામની શાળામાં પ્રાથમિક અભ્યાસ કરનારા વખતસિંહ પાસે પૂરતા પૈસા ન હોવાથી રાત્રે ખેતમજૂરી કરે અને દિવસે શાળાએ ભણવા જાય. કોલેજમાં જઈ સ્નાતક બન્યા બાદ એણે બી.એડ. પણ કર્યું. પછી માસ્ટર્સ કરી પીએચડી પણ થયો. અનુસ્નાતક અને પીએચડીના અભ્યાસ માટે એણે રાત્રે સિક્યોરિટીની નોકરી પણ કરી. હવે એ ડૉ. વખતસિંહ રાજપુત છે.





સમયનું ચક્ર ફર્યું. ચારેક વર્ષ પહેલા ભાઈ વખતસિંહને કચ્છની શાળામાં શિક્ષકની સરકારી નોકરી મળી. નોકરી મળતા વખતસિંહને એવો વિચાર આવ્યો કે, હું તો ગરીબાઈ સામે લડીને જંગ જીતી ગયો પરંતુ મારા સમાજના બીજા ગરીબ યુવાન મિત્રોનું શું ? એને આ ખ્યાલ સુવા દેતો ન હતો. એના ઉજાગરા રંગ લાવ્યા. બનાસકાંઠાના હિંદવાણી રાજપુત સમાજના યુવાનો માટે એણે રીતસર શૈક્ષણિક યજ્ઞ આરંભ્યો.

ડૉ. વખતસિંહ સાથે દાનાભાઈ, પઢિયારજી જેવા બીજા યુવાન મિત્રો ખભે ખભા મિલાવી જોડાતા ગયા. ધીમે ધીમે આ મિત્રોથી સમાજ સેવાની સુગંધ બનાસકાંઠા હિંદવાણી રાજપુત સમાજના ઘેર ઘેર ચોમેર પ્રસરવા લાગી. વાત કોઈ એક વ્યક્તિ વિશેષની સ્નથી. વાત છે, સારું કામ કરવાની ઇચ્છા રાખતા અને કામને અંજામ આપવાના પરિશ્રમની. સારું કામ કરવાવાળા લોકોને કોઈ દિવસ પ્રસંશાની જરૂર નથી હોતી. ખીલેલા તાજા પુષ્પોને અત્તરની જરૂર નથી પડતી.





તકલીફો, મુશ્કેલીઓ અને આફતો હંમેશા કંઈક શીખવી જતી હોય છે. યુવાન વખતસિંહને જીવનમાં જો તકલીફો અને મુશ્કેલીઓ ન આવી હોત તો કદાચ એને આ દિશા ન સાંપડી હોત. ભાગ્યનું પુસ્તક પહેલાથી ક્યારેય લખાયું નથી હોતું એમાં પ્રતિદિન એક પાનુ સ્વાનુભવની શાહીથી લખાતુ જાય છે. જેનું મન મસ્ત હોય એની બાહોમાં દુનિયા સમસ્ત હોય. જીવન તો બધાનું એક સરખું હોય છે, વખતસિંહ જેવા કેટલાક હૃદયપૂર્વક જીવતા હોય છે તો કેટલાક જીવવા ખાતર જીવતા હોય છે.

વ્યક્તિની ઇચ્છાશક્તિ અને દ્રઢ સંકલ્પશક્તિ એને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે છે. લોકો માને છે કે જીવન ખૂબ ટુંકું છે. એક જ વાર જીવન મળે છે, પરંતુ જો એ સમાજ અને આસપાસના લોકો માટે જીવાય તો પર્યાપ્ત છે. શિક્ષણનું અંતિમ લક્ષ્ય નોકરી હશે ત્યાં સુધી સમાજમાં માત્ર નોકરો જ પેદા થતા રહેશે પરંતુ જ્યારે માલીક બનવાનો અને અન્યને આગળ લાવવાનો ધ્યેય હશે ત્યારે એ શિક્ષણ નહીં જ્ઞાન બની જશે. કારણો હશે તો સારા બનીને બધા ફરતા જોવા મળશે પણ અકારણ સૌની પડખે ઊભા રહેનારા ભીડથી અલગ તરી આવતા હોય છે.


ધબકાર

મંઝીલ ભી જીદ્દી હૈ, રાસ્તે ભી જીદ્દી હૈ, દેખતે હૈ કલ ક્યા હો, હોંસલે ભી જીદ્દી હૈ..’    ગુલઝાર સાહેબ