Tuesday, 3 March 2020

પોતાની જાત ઉપર વિશ્વાસ એટલે જીતનો શ્વાસ


પોતાની જાત ઉપર વિશ્વાસ 
એટલે જીતનો શ્વાસ

સદાય હસતા ખેલતા વ્યક્તિની કહાનીથી વાતનો ઉઘાડ કરવો છે. એની મુશ્કુરાહટ પાછળ દર્દીલા ભયાનક જીવનની દાસ્તાન છે. દુઃખ અને મુશ્કેલીઓને આ વ્યક્તિ એની હાસ્યની કિલકારીઓમાં ઘોળીને પી ગયો હતો. એ હંમેશા હસતો અને લોકોને હસાવતો રહેતો. નામ એનું સ્લિટઝી. જેટલું અટપટુ નામ છે એટલી જ અટપટી એની જિંદગી હતી.
અમેરિકાના એક ધનાઢ્ય પરિવારમાં સ્લિટઝીનો જન્મ થયો હતો. જન્મ સમયે એનું નામ હતું સિમોન મેટ્ઝ. એના જન્મની ચોક્કસ તારીખનો કોઈને ખ્યાલ નથી પણ માનવામાં આવે છે કે, સપ્ટેમ્બર ૧૦, ૧૯૦૧માં એનો જન્મ થયો છે. એ જન્મ્યો ત્યારે નોર્મલ બાળક હતો પરંતુ એ જન્મજાત માઈક્રોસેફલી બિમારીનો ભોગ બન્યો હતો. આ એવી બિમારી છે કે જેમાં વ્યક્તિનું મોઢું અને શરીર તો બરાબર વિકાસ પામે પણ માથું અને કપાળ પ્રમાણમાં ઓછા વિકસે છે. સામાન્ય વ્યક્તિની સરખામણીમાં આવા વ્યક્તિનું માથુ અને કપાળ અડધુ હોય છે. માઈક્રોસેફલી બિમારીથી પીડાતા વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતા પણ ઘણી ઓછી હોય છે. આવા વ્યક્તિને ચોઝ, રેડ પીપલ કે પીનટ્સ પણ કહેવામાં આવે છે.



બાળક ગર્ભમાં હોય ત્યારે માતાનું અતિશય શરાબ સેવન આવી બિમારી પાછળનું એક કારણ હોઈ શકે છે અથવા જીનેટિકલી પણ આ રોગ થઈ શકે છે. વિટંબણા એ છે કે આ રોગ લાઈલાજ છે. આ બિમારીના કારણે વ્યક્તિનો દેખાવ કદરૂપો અને વિચિત્ર લાગતો. અમિર મા-બાપને સ્લિટઝીના માઈક્રોસેફલી રોગથી શરમ આવતી. એ લોકો સતત ભયના ઓથાર નીચે જીવતા કે, મિત્રો અને સગા આ કદરૂપા બાળકના કારણે એમની મજાક ઉડાવશે. સ્લિટઝીને એમણે હંમેશા લોકોથી દૂર રાખ્યો. સ્લિટઝીને એક બહેન પણ હતી તે પણ માઈક્રોસેફલી બિમારીનો શિકાર હતી. માતા-પિતાએ આ બન્ને બાળકોને નાનપણમાં જ વેચી નાખ્યા હતાં.
મા-બાપે તરછોડ્યા પછી આ બન્ને બાળકોની જિંદગીની નવી ઇનિંગ્સ ડ્રીમલેન્ડ સર્કસના પ્રાંગણમાં શરૂ થઈ. માણસને જ્યારે સૌથી વધુ પ્રેમ, લાગણી, હૂંફ અને સંભાળની જરૂર હોય એવી બાલ્યાવસ્થામાં સ્લિટઝી સર્કસમાં કામ કરતો થઇ ગયો. સ્લિટઝીનું શરીર તો વિકાસ પામતું ગયું પણ એનું મગજ ત્રણ વર્ષના બાળક જેટલું હતું. એ નાના નાના શબ્દો જોડી ટૂંકા ટૂંકા વાક્યો બોલતો.
સર્કસમાં મંકી ગર્લનું પાત્ર એ ભજવતો. સ્લિટઝી હંમેશા છોકરી જેવા ડ્રેસ પહેરતો. એ સદાય હસતો અને લોકોને એની એકટીંગથી હસાવતો રહેતો. સ્લિટઝી ચાલતા બરાબર સમતોલન ન જાળવી શકતો એટલે હંમેશા તેની સાથે એક કેરટેકર રહેતો. ધીમે ધીમે ફની નેચરએનો સાચો મિત્ર બની ગયો. દિન બદિન એ અત્યંત લોકપ્રિય બની ગયો. લોકોના હૃદયમાં સ્લિટઝીનું અદકેરું સ્થાન ઉભું થઇ ગયું. જે પણ એના સંપર્કમાં આવતા એ એની સાદગી અને માસુમિયતના દિવાના બની જતા.
સર્કસના પ્લેટફોર્મ ઉપર સ્લિટઝીની ધજા પતાકા એટલી જોરશોરથી ફરકી કે એને હોલીવુડમાંથી ઓફરો મળવા લાગી. વર્ષ ૧૯૩૨માં એણે ફ્રીકનામની એક હોરર ફિલ્મમાં પહેલ વહેલું કામ કર્યું. આ ફિલ્મ અનેક વિવાદોમાં ફસાઈ હતી. ફિલ્મ ખાસ ચાલી પણ નહીં. પરંતુ સ્લિટઝીને તો એનાથી જબરજસ્ત ફાયદો થયો. આ ફિલ્મથી એને સ્ટારડમ મળી. ત્યાર પછી એણે હોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું.
વર્ષ ૧૯૩૬માં સર્કસમાં ચિંપાઝીના ટ્રેઈનર જ્યોર્જે સ્લિટઝીને દત્તક લીધો. એણે સ્લિટ્ઝીની ખૂબ સંભાળ પણ લીધી. જ્યોર્જના મૃત્યુ પછી એની દીકરીએ સ્લિટ્ઝીને લોસ એન્જેલસની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દીધો. મેન્ટલ હોસ્પિટલમાં એ ત્રણ વર્ષ રહ્યો. હોસ્પિટલમાં તેનું ધ્યાન બરાબર ન રખાતુ. વળી લોકોથી દૂર થતા સ્લિટઝીની તબિયત બગડવા લાગી. એવામાં સર્કસમાં જાદુના ખેલ કરતા એના એક મિત્રને સ્લિટઝીની નાદુરસ્ત તબિયતની ખબર પડી. એ સ્લિટઝીને પોતાની સાથે લઈ ગયો, અને એ જીવ્યો ત્યાં સુધી સ્લિટઝીની સાથે રહ્યો.
લોકોના હૃદયમાં રહેતો, હસતો હસાવતો અને નામના મેળવ્યા પછી પણ સ્લિટઝીએ જ્યારે ૭૦ વર્ષની ઉંમરે દુનિયાને હસતા હસતા અલવિદા કહ્યું ત્યારે એની પાસે પોતાનું ઘર પણ ન હતું. શારીરિક અક્ષમતાને અતિક્રમીને એણે એક અલગ જ રાહ કંડારી હતી. માણસની આંતરિક શક્તિ સૌથી અગત્યની છે. સ્લિટઝી જેવા વ્યક્તિઓ પીંજરાના એવા પંખી જેવા હોય છે કે જે, આખે આખું પીંજરૂ લઈને ઉડી જતાં હોય છે.
સ્વયં ઉપરનો ભરોસો હંમેશા જીતતો હોય છે. ભરોસો માગવાની વસ્તુ નથી. ભરોસો એવી દોલત છે કે જે, ખુદબખુદ પેદા થતી હોય છે. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને જે એકલો ચાલે છે એ જ જીતે છે. સ્લિટઝી જેવા વ્યક્તિઓએ દુનિયાને બતાવી આપ્યું છે કે, ખુશ રહેવામાં શરીર કરતાં મનની સ્વસ્થતા વધુ ભાગ ભજવે છે. એ જરૂરી નથી કે આજે જે વ્યક્તિ તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે રહેશે જ. જીવન જેમ આસાન નથી એમ મુશ્કેલ પણ નથી. સારો સમય ક્યારેય સામે ચાલીને આવતો નથી. સારો સમય પોતે જાતે બનાવવો પડે છે. જીવનમાં આવતી બધી મુશ્કેલીઓના વાવાઝોડા તમને તહસનહસ કરવા નથી આવતા. કેટલાક તમારા લક્ષ્યનો માર્ગ સાફ પણ કરી આપતા હોય છે.

ધબકાર :
મન ખુશ તો બુંદ પણ મુશળધાર વરસાદ લાગે અને મનમાં દુઃખ તો સાગર પણ પાણીનું એક ટીપું લાગે.