‘ હેલ્લો, હું વિજય રૂપાણી બોલું છું,
કેમ છે હવે આપની તબિયત ?’
"હેલ્લો, હું ગુજરાતનો મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલું છું."
"બોલો, સાહેબ."
"આપ કોણ ફિઝા હુસૈન બોલો છો."
"હા, સાહેબ."
"કેમ છે, હવે આપની તબિયત ?"
"સાહેબ, તબિયત એકદમ સારી થઇ ગઇ છે."
"આપને સારવાર કેવી મળી ? કોઈ તકલીફ તો નથી ને ?"
"સાહેબ, સારવાર એકદમ સરસ મળી. ખરેખર તમારી સરકારે ખૂબ સારું કામ કર્યું છે. કોઈપણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી."
"એ તો અમારી ફરજ છે અને જવાબદારી પણ છે. આ એક નાજુક સમય છે. આપણે બધાએ ભેગા મળીને આ સમયને સાચવી લેવાનો છે. આપણે બધા સાથે મળીને જેટલી કાળજી લઈશું એટલું સારું છે. તમને જે સારવાર આપવામાં આવી એ એકદમ બરાબર હતી ને ?"
"સાહેબ, એટલી સરસ સારવાર થઇ છે કે, શું કહું.
મારી પાસે એ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો જ નથી. હું બેડ પર બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો ત્યા તો એક સાથે પાંચ પાંચ ડોકટરો ઊભા થઈને મારી પાસે આવી જતા હતા."
"રહેવાની, ખાવા-પીવાની સગવડ બરાબર હતી ને ?"
"કોઈ વાતે કશું કહેવું પડે એમ નથી. તમે ખૂબ ચિંતા કરી રહ્યા છો અમારા બધાની. લોકોની ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે."
"તમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે એક રાહતના સમાચાર છે. જો કે હજુ આપણે બધાએ સાથે મળીને ખૂબ ધ્યાન રાખવાનું છે. ખાસ તો ડોકટરો, નર્સો અને બીજા તમામ સ્ટાફનો આભાર માનું છુ. એ લોકો ખડે પગે લોકોની સારવાર કરી રહ્યાં છે અને સરસ કામ કરી રહ્યા છે." (એ પછી ફિઝા હુસૈનનાં પત્ની શમશાદબહેન ફોન પર આવે છે.)
શમશાદબહેનઃ "સાહેબ, આપનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અમને કોઈ જાતની તકલીફ ના પડી. ડોકટરોએ ખૂબ જ સરસ સારવાર કરી છે. અમારા બધાનું ખૂબ જ ધ્યાન રાખ્યું. તમે ખુબ સરસ વ્યવસ્થા કરી છે સાહેબ."
"બહેન, એ તો અમારી ફરજ છે. હવે શાંતિથી ઘરે જજો. તેમને અલગ રાખજો. ખૂબ સાચવજો. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે કોઇ પણ સમયે મને ચોક્કસ કહેજો."
આ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરાના વાયરસ સંક્રમિત એક દરદી સાથે કરેલી વાતચીતનો અંશ. સમગ્ર વાતચીત તો ખૂબ લાંબી છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવી રીતે તેમના સીએમ ડેશ બોર્ડ અને જન સંવાદ કેન્દ્ર ઉપરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજે રોજ ઘણા દર્દીઓ અને તબીબી યોધ્ધાઓ સાથે વાત કરી રહ્યાં છે. સીએમ હાઉસમાં જન સંવાદ કેન્દ્ર હમણા
હમણાથી કોરોના વોર રૂમમાં તબદીલ થઇ ગયો છે એમ કહીએ તો ખોટુ નથી. શ્રી
વિજયભાઇની વાતચીતના શબ્દે શબ્દમાં જે આત્મીયતા છલકે છે તે બતાવે છે કે, ગુજરાતનુ સદનસીબ છે કે, સાચા અર્થમાં સંવેદનશીલ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. આ ઉપરથી સમજી શકાય છે કે,
આ સરકારને માત્ર બોલવામાં કે ઓળખાવામાં નહીં, વાસ્તવમાં વર્તન અને એની અનુભુતિમાં સંવેદનશીલતાનો અસ્ખલિત ધોધ વહેતો જોવા મળે છે.
ઘરનો કોઈ મોભી પોતાના પરિવારજનો સાથે અંગત રીતે વાત કરતો હોય તેવા આ બધા સંવાદો છે. વિજયભાઈ રૂપાણીનું સહજ સંવેદનશીલ વ્યક્તિત્વ છે. કરૂણા તેમનામાં ઈનબિલ્ટ ઇન્ગ્રેડિયન્ટ છે. તેમનું વ્યક્તિત્વ કોઇપણ આડંબર વિનાનું કાચ જેવુ પારદર્શક છે. વાસ્તવિક ભૂમિ ઉપરના સાચા અર્થમાં કોમન મેન જેવા જ જણ હોવાથી તેઓ તરત જ બધાની સાથે પોતાની જાતને જોડી શકે છે. સામેની વ્યક્તિ કોઈ પણ પ્રકારના સંકોચ, આચારસંહિતા, પ્રોટોકોલ કે પછી ડર વિના પોતાની વાત ખુલ્લા દિલે એમને કરી શકે છે. એવું લાગતું જ નથી કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યા છે. તેમને તો એવું જ લાગે છે કે તેઓ પોતાના ઘરના મોભી સાથે વાત કરી રહ્યા છે. સંપૂર્ણ સરળતા અને પાકી સંવેદનશીલતા હોય તો જ આવું બને.
વિજયભાઈ દરદીઓ સાથે ફોન પર વાત કરે છે તો તેમના ખબર અંતર પૂછે છે. તેમને ક્યારે શું થયું હતું, કઈ સારવાર લીધી, સારવાર બરાબર મળી કે નહીં, ડોકટરોની
ટ્રીટમેન્ટ વિશે પુછે. ખાવાની સવલત અને સ્વાદ સુધ્ધાની દરકાર લે. ઝીણી ઝીણી અનેક વાતો ફોન ઉપર વિજયભાઇ પૂછે છે. એકવાર નહીં વારંવાર ફેરવી ફેરવીને પૂછે કે, તમને કોઈ પ્રકારની તકલીફ તો નથી ને ? કોઈપણ પ્રકારની જરરૂરિયાત તો નથી ને ? જો હોય તો સહેજે સંકોચ ના કરશો. તમે મને કહી દેજો. ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે મને બેધડક કહેજો. તેમણે રોજે રોજ ઘણા દર્દીઓ સાથે આત્મિય રીતે વાત કરી.
આ વીડિયો સંવાદ જાણે કે થવા ખાતર થયો હોય તેવું બિલકુલ નથી લાગતુ આ કોઈ સરકારી વિધિ હોય તેવું પણ નથી લાગતું. આત્મીયતા અને લાગણીથી છલકાતા આ સંવાદો હતા. પરિવારના એક સભ્ય તરીકે એમણે બધાની સાથે સહહદયી વાત કરી છે.
રાજકોટના એક દર્દી સાથે વાત કરતા તેમની દુકાનનું પૂછ્યું. તરત જ તેમને યાદ આવી ગયું કે,
કયા વિસ્તારની વાત કરે છે. આ સંવાદમાં મુખ્યમંત્રીની સંવેદનશીલતા સાથે લોકાભિમુખતા પણ ઉડીને આંખે વળગી.
દરેક દર્દીનેપૂછે કે, ક્યાંથી આવ્યા હતા ? વિદેશ શા માટે ગયા હતા ? ધંધો શું કરો છો ? વિદેશથી ક્યારે આવ્યા ? વગેરે વગેરે બાબતો તેઓ વિગતવાર પૂછે અને એમાં રસ લે.
ડોકટરો સાથેની વાતચીતમાં તેઓ ડોકટરોનો ખાસ આભાર માને છે. તેમને
મુખ્યમંત્રીશ્રી કહે છે કે, ‘તમે દર્દીઓ માટે અત્યારે તો ભગવાન બનીને આવ્યા છો. તમને બરાબર સાચવવા એ અમારી પહેલી ફરજ છે.’ તેમણે રાજ્યના તબીબો સાથે અત્યંત આત્મિયતા સાથે વાત કરી અને એમનામાં આત્મવિશ્વાસ ભરી દીધો. દરદીઓની સારવામાં લાગેલા રાજ્યના
તમામ ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફને શ્રી વિજયભાઇ રૂપાણીમાં સમર્થ વહિવટકર્તા
અને લાગણીશીલ આત્મજનના કોમ્બો દર્શન થયા.
‘ડૉ. સીમાબહેન મઝામાં...’
’યસ સર, ગુડ મોર્નિંગ...’ ’
કેમ ચાલે છે બધુ હોસ્પિટલમાં ?
‘બધુ સરસ છે, સર’
’પહેલાં તો તમને બધાને ધન્યવાદ આપવા છે. તમે બધા જાતની પરવા કર્યા વગર જનતાની જે સેવા કરો છો એ બદલ તમને સૌને અભિનંદન. આ ગૌરવની વાત છે. શું પરિસ્થિતિ છે હોસ્પિટલમાં પેશન્ટની ? દરદીઓમાં અત્યારે રોગની જાગૃતિ આવી છે. તેના કારણે અગાઉના દરદીઓ કરતાં અત્યારે દરદીઓમાં કોઇ બદલાવ આવ્યો છે ખરો ?
‘ સાહેબ, અત્યારે સાત પેશન્ટ છે અને બે ત્રણ દિવસથી બધાનો ટેસ્ટ નેગેટીવ આવી રહ્યો છે.’ ’વેરીગુડ.’
હોસ્પિટલના તમામ દરદીઓની જાણકારી મેળવી એમણે ડૉ. સિમાબહેનને હોસ્પિટલના તમામ સ્ટાફની ખબર પુછીને કહ્યું કે, ‘તમે બધા તમારી તબિયત બરાબર સાચવજો. તમારા લોકોની રહેવાની વ્યવસ્થા યોગ્ય કરી છે ને ?
તમને બધાને જમવાની કોઇ અગવડ તો નથી ને ? જો કોઇ પણ તકલિફ હોય તો તરત મારૂ ધ્યાન દોરજો.’
ડોકટરો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી વારંવાર કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા. તેમની બધી સુવિધાઓ યોગ્ય છે કે કેમ તેની રજેરજની વિગતો મેળવતા હતાં. એકએક વિગત યાદ કરીને પૂછતા હતાં. વચ્ચે વચ્ચે કહેતા રહે કે, ‘કંઈ પણ તકલીફ હોય તો વિનાસંકોચે મને કહેજો. સહેજ પણ શરમાતા નહીં. અમારા માટે તમે તબીબો અને
મેડિકલ સ્ટાફના તમામ કર્મયોગીઓ એક યોધ્ધા છે. તમારી સલામતી અમારી ટોપ પ્રાયોરિટી છે. અમારે તમને સાચવવાના છે. તેઓ તમામ મેડિકલ સ્ટાફને સતત ધન્યવાદ આપતા હતા.
તાજેતરમાં એક નેશનલ ચેનલ ઉપર
કોરોનાને પરાસ્ત કરવાના જંગમાં ગુજરાતની સજ્જતાનુ વિગતવાર નિરૂપણ જોયું ત્યારે એક
ગુજરાતી તરીકે સૌ કોઇના મુખ ઉપર સરકારની અસરકારકતાનો સંતોષ ચકાઇ ઉઠ્યો. ચેનલે એના
અહેવાલમાં કહ્યું કે, એક મહિના પહેલાથી જ ગુજરાતમાં તમામ
લત્તાઓને અને પરિવહન નિગમની બસોને સેનિટાઇઝ કરવાનુ શરૂ થઇ ગયું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ અને
સુરતમાં કોરોના માટે ડેડીકેટેડ હોસ્પિટલો ઉભી કરી દેવામાં આવી. રાજ્યના તમામ
જિલ્લાઓમાં ૧૦૦ બેડની હોસ્પિટલો ચાલુ કરવામાં આવી.
આ સંવાદો માત્ર વાતચીત નથી, એક જવાબદારી અને જાગૃત મુખ્યમંત્રીની સંવેદનશીલતા, પ્રજાની ચિંતા, લોકાભિમુખતા અને કર્મનિષ્ઠાનો એ બોલતો પૂરાવો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સંવેદનશીલ છે એ સત્ય જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે ત્યારે ચરિતાર્થ થતું જોવા મળ્યું છે.




