Tuesday, 2 June 2020

આદુમાં સ્વાદ અને ઔષધીય ગુણનો દાદુ સમન્વય

આદુમાં સ્વાદ અને ઔષધીય ગુણનો દાદુ સમન્વય

 

કોરોના વાયરસ એનો વિકરાળ પંજો નિર્દયતાથી પસરાવતો જ જાય છે. આજે જગત આખું હેલ્થ કોન્સિયસ બની ગયું છે. વિડંબણા તો એ છે કે, નરી આંખે જોઈ પણ નથી શકાતો એવો આ ક્રૂર દુશ્મન રોજે રોજ લોકોને એનો કોળીયો બનાવતો જાય છે. દાયકાઓથી વિશ્વમાં એન્ટીબાયોટીક ડ્રગ્સ એટલી બધી લેવામાં આવી રહી છે કે, હવે એની રોગ પ્રતિકારક શક્તિનો ‘બ્રેકીંગ પોઈન્ટ’ આવી ગયો છે. આગામી દિવસોમાં કદાચ એવું બને કે, સુપર બેકટેરીયાને નાથવા માટે તબીબી જગત પાસે કોઈ એન્ટીબાયોટીક ઉપચાર મળશે નહીં. જો આ વાચીને તમને ફફડાટ થયો હોય તો એ કંઇક અંશે વાજબી પણ છે. કોરોનાએ આ વાતની ગવાહી આપી છે. એવુ લાગે છે કે, કોરોનારૂપી અદ્રશ્ય દુશ્મને વિશ્વના મેડિકલ વર્લ્ડ અને સાયન્ટીસને બિલકુલ ઠંડા કલેજે જણાવી દીધું છે કે, ‘ભાઈ, કોઇ દવાનું કામ નહીં ચાલે... હવે તમારા ભોજનમાં જ રહેલા ઔષધિય તત્વોને ઓળખવાનું શરૂ કરી દો.’ રોગપ્રતિકારક શક્તિના વિકાસ ઉપર આજે દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું છે. જંક ફુડ અને હોટેલ, રેસ્ટોરંટમાં ઠાઠથી જમતા લોકો ગભરાવા લાગ્યાં છે.




જગતમાં એવું કોણ હશે કે જેને દુઃખી થવું હોય ! સ્વાભાવિક છે કે, દરેકને સુખી જ થવું હોય. સુખ સ્વાસ્થ્યના માર્ગે જ આવતું હોય છે. ધનના ઢગલા કે અમાપ સત્તા એક રોગીષ્ટને ક્યારેય સુખ આપી નથી શકતા. સ્વસ્થ અને સુખી રહેવા માટેની પૂર્વ શરત છે, શરીરમાં કોઈ પ્રકારની વ્યાધિ ન હોવી જોઈએ. ચરકસંહિતાના શ્લોક ૧.૧૪માં કહ્યું છે કે, ‘धर्मार्थकाममोक्षाणाम् आरोग्यं मूलमुत्तमम्। रोगास्तस्यापहर्तारः श्रेयसो जीवितस्य च।। આની સરળ સમજ એટલી જ કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ આરોગ્યમાં રહ્યું છે. આ ચારેયની ઉપલબ્ધિનું સુખ સારા આરોગ્ય વગર શક્ય નથી.




વિશ્વની સૌથી પહેલી ચિકિત્સા પ્રણાલીના પાયામાં આયુર્વેદ છે. તદાયુર્વેદ યતીત્યાયુર્વેદઃ એટલે કે, આયુ વિશે જ્ઞાન આપે એનું નામ આયુર્વેદ. આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે, શરીરરૂપી કિલ્લામાં રોગરૂપી દુશ્મન પ્રવેશ જ ન કરી શકે એવી આહાર-વિહારની મજબૂત કિલ્લેબંધી હોવી જોઈએ. સદીઓ પહેલાં લખાયેલાં આપણાં ચારેય વેદમાં આયુર્વેદ ચિક્ત્સા પ્રણાલીનો ભરપુર ઉલ્લેખ જોવા મળે છે.  ઈ.સ. પૂર્વે ૧૬૦૦મી સદીમાં તૈયાર થયેલાં ઈજિપ્શીયન ગ્રંથ ‘એબર પપાયરસ’ ગ્રંથમાં ૭૦૦ જેટલાં દેશી ઉપચારોની રીત વર્ણવવામાં આવી છે. જો કે, આ ઉપચારોના પદ્ધતિસરના કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી પરંતુ પેઢી દર પેઢીથી આ ઉપચારો થતાં આવ્યાં છે. ઈ.સ. પહેલી સદીમાં ગ્રીક ચીકિત્સક ડાયોકોરીડેસે પશ્ચિમના દેશોમાં વિવિધ જડીબુટ્ટીઓથી ઈલાજ કરવાની પદ્ધતિ અમલમાં મૂકી હતી. એમણે ‘ડી મેટેરીયા મેડિકા’ નામનો ઔષધ વિદ્યાનો મનનીય ગ્રંથ પણ આપ્યો છે. આ ગ્રંથના આધારે ૧૬૦૦ વર્ષ સુધી જગતમાં વિવિધ રોગની દવાઓ બનાવવામાં આવી હતી.




આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આપણા જ ભોજનમાં અદભુત ઔષધિય ગુણોથી ભરપુર વિવિધ શાકભાજી, ફળ અને ધાન્ય ઉપલબ્ધ છે. આયુર્વેદમાં આદુને એક ઉત્તમ ઔષધનું સ્થાન આપવામાં આવ્યું છે. આદુમાં સ્વાદ અને ગુણનો દાદુ સમન્વય જોવા મળે છે. આયુર્વેદમાં આદુના ઔષધિય ગુણોની વિભાવના દર્શાવાઈ છે. આદુને સંસ્કૃતમાં વિશ્વૌશદ કહે છે. અંગ્રેજીમા એને જીંજર, ઈન્ડોનેશિયામાં જાહે, નેપાળમાં આદુવા, ફિલિપિન્સમાં લુયા કહે છે. નામ ભલે જુદા જુદા હોય પણ આદુની ઔષધિય પહેચાન એક છે.




પંજાબી વ્યંજન હોય કે મહારાષ્ટ્રીયન ભોજન, ગુજરાતી થાળી હોય કે બંગાળી ભાણું દરેકમાં આદુનો સ્વાદ અને સોડમ મન લુભાવન હોય છે. આદુ માત્ર સ્વાદિષ્ટ અને સુગંધીદાર નથી બલ્કે તેમાં રોગપ્રતિકારક શક્તિના ભરપુર ભંડારો છે. આદુમાં જીંજરોલ, સોગાઓલ, જીંજીબેરેન, વિવિધ વિટામીનો અને મીનરલોનો ખજાનો છે. આદુનો ભવ્ય ઔષધિય ઇતિહાસ છે. સદીઓથી આદુનો ઉપયોગ તમામ પ્રકારની બિમારીઓને રોકવા માટે અને રોગને નિર્મૂળ કરવા માટે થતો આવ્યો છે. નિયમિત રીતે આદુનું સેવન શરીરને સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. આદુમાં જીંજેરોલ નામનું બાયોએક્ટિવ તત્વ ઉબકા અને વોમીટીંગ જેવા રોગમાં ઉપયોગી છે. સાંધાના દુખાવા માટે પણ આદુનું આ તત્ત્વ રામબાણ ઇલાજ જેવું છે. આદુમાં રહેલા સોઆગોલ નામના તત્વથી મોઢાં અને ગળાના કેન્સર તેમજ હૃદયની બિમારી સામે રક્ષણ મળે છે. ઝીંગીરીન નામનું તત્ત્વ પાચનક્રિયામાં ઉપયોગી છે. આદુ એન્ટિડાયાબિટીક પણ છે. મગજના ચેતાતંતુને સક્રિય કરનારું અને રોગપ્રતિકારક શક્તિ વધારનારું આદુ ઔષધિય રાજા છે.

સારા સ્વાસ્થ્ય માટે પ્રતિદિન આદુનું સેવન ઉપકારક રહે છે. રોજે રોજ દોઢ સેન્ટીમિટર જેટલો આદુનો ટુકડો કાપીને ચામાં અથવા શાકમાં ભેળવીને લેવાથી શરીરમાં એની ચમત્કારીક અસરો થતી હોય છે. આદુ શરીરમાં થતી બળતરાનો નાશ કરે છે. સગર્ભા માતાઓને પ્રતિદિન આદુનું સેવન ઉબકા અને વોમીટીંગમાં ઘણી રાહત આપે છે. આદુ આંતરડાની  કામગીરીને વધુ સરળ અને અસરકારક બનાવે છે. કબજિયાતને અલવિદા કરવા માટે પ્રતિદિન આદુનું સેવન ગુણકારી છે. આદુ ખાવાથી શરીરમાં ક્રાઈગ્લાઈસેરાઈડ્સ નામનું ખરાબ કોલોસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આદુની ઢાલથી શરદી, ફ્લુ અને વાયરસનો શરીર પર થતો એટેક ખાળી શકાય છે. જેને ત્વચાનો કોઇ રોગ હોય કે મુત્રજનન તકલીફ હોય અથવા એસીડીટીની સમશ્યા હોય એણે આદુના વધુ પડતા સેવનને ટાળવુ હિતાવહ છે.

ઔષધિય રાજા આદુનો ઉદભવ સાઉથ ઈસ્ટ એશિયાના આઈલેન્ડમાં થયો હતો. સંભવતઃ એસ્ટ્રોનેશિયન લોકો દ્વારા તેનો સૌ પ્રથમ ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ તે ભારત અને હવાઈના દેશો સુધી પહોંચ્યું હતું. દુનિયામાં સૌથી વધુ આદુ એશિયામાંથી નિકાસ થાય છે. પ્રાચીન ગ્રીક અને રોમનો દ્વારા આદુનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોવાનું ઇતિહાસના પાને નોંધાયેલું છે. વિશ્વના કુલ ઉત્પાદન પૈકી ૩૪ ટકા હિસ્સા સાથે ભારત વિશ્વમાં સૌથી વધુ આદુનું ઉત્પાદન કરે છે. ત્યારબાદ નાઈઝીરીયા, ચીન અને ઈન્ડોનેશિયામાં આદુનું નોંધપાત્ર ઉત્પાદન થાય છે.

આદુ એક સર્વાંગી સુપર ફૂડ છે. સેંકડો-હજારો વર્ષોથી મનુષ્ય જાત પાસે આદુ સ્વરૂપે કુદરતી એન્ટિબાયોટીક ઉપલબ્ધ છે. એટલું જ નહીં તેમાં એન્ટીવાયરલ, એન્ટીફંગલ અને એન્ટી માઈક્રોબાયલના ગુણો છે. કોઈપણ પ્રકારના વાયરલ ચેપ સામે લડવા માટે આદુનો રસ ઉત્તમ રોગ પ્રતિકારક ઔષધ છે. એન્ટીબાયોટીક રેજીસ્ટન્સ મજાકનો વિષય નથી. દિન પ્રતિદિન માનવીનું શરીર એન્ટિબાયોટિકથી રેઝીસ્ટ થઈ ગયું છે ત્યારે આદુના સત્વની વિશ્વના તમામ દેશના લોકોને સમજ પડી છે. વિશ્વભરના લોકો આદુના પ્રયોગનો સ્વીકાર કરતાં થયા છે.

આયુર્વેદનો ઇતિહાસ એમ કહે છે કે, આયુર્વેદ વિદ્યાની ઉત્પતિ મહર્ષિ બ્રહ્માજી દ્વારા થઈ હતી. એમણે બ્રહ્મસંહિતાની રચના કરી. એવું કહેવાય છે કે, બ્રહ્મસંહિતામાં અંદાજે ૧૦ લાખ જેટલાં શ્લોક અને એક હજાર જેટલાં અધ્યાય હતા. આયુર્વેદના જ્ઞાનના સૌથી પૌરાણિક સ્ત્રોત વેદને માનવામાં આવે છે. ચારેય વેદ પૈકી અથર્વ વેદમાં આયુર્વેદની અનેક રુચાઓ જોવા મળે છે. મહર્ષિ ચરકજીએ આયુર્વેદને અથર્વ વેદ સાથે જોડ્યું છે. આયુર્વેદના મૂળમંત્ર અનુસાર રોગ થયા પછી એની સામે લડવા કરતાં રોગપ્રતિકારક શક્તિનો શરીરમાં સંચાર કરવાની વાતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. કોરોનાના આ કહેરના સમયમાં આદુ જેવી અકસીર ઔષધિ ઘરઆંગણે હોય ત્યારે વિહવળ બનીને આમતેમ ભટકવા કરતાં ભોજનમાં આદુનું સેવન જો કરતાં હોવ તો એની માત્રા હવે થોડી વધારી દો. અને જો આદુનું સેવન ન કરતાં હો તો આજથી જ ભોજનમાં આદુનું સેવન કરવાના શ્રીગણેશ કરવામાં સાર છે.

 

ધબકાર :

બિમાર શરીર મનને પણ બિમાર બનાવે છે.