શહેરમાં રહેતા
એક જાણીતા ચિત્રકારની વાત છે. આ ચિત્રકારની ચિત્રોની અલગ પહેચાન હતી. એકવાર શહેરની પ્રસિધ્ધ આર્ટ ગેલેરીમાં એના ચિત્રોનું ‘સોલો’
પ્રદર્શન યોજાયું. લોકોએ ખૂબ વધાવ્યું. આ
ચિત્રકાર ઘરે આવ્યા અને સાંજે પરિવાર સાથે ડાઈનીંગ ટેબલ ઉપર જમવા બેઠા. ચિત્રકારના પિતાને ફોટો કોપી આપવામાં આવે તો
એનું પણ પ્રુફ વાંચન કરી ભૂલો કાઢવા બેસી જાય એવા પ્રખર ટીકાકાર. ચિત્રકારે જમતી વેળા પરિવારના સભ્યોને
જણાવ્યું કે, ‘શહેરની પ્રતિષ્ઠિત આર્ટ ગેલેરીમાં આજથી શરૂ
થયેલા મારા સોલો ચિત્ર એક્ઝિબિશનને સરસ આવકાર મળ્યો છે. એમાં
પણ મારું યુવાન યુગલના ‘નિર્મળ પ્રેમ’વાળુ
ચિત્ર લોકોએ ખૂબ વખાણ્યું.’
પુત્રની વાત શાંતિથી સાંભળી પિતાએ કહ્યું, ‘તું જે ચિત્રની વાત કરે છે એનો ફોટો જો તારા
મોબાઈલમાં હોય તો મને બતાવ’.
પિતાની વાત સાંભળીને ચિત્રકાર પુત્ર તો રાજી થઈ
ગયો. તરત જ મોબાઈલમાં પિતાજીને એ યુગલનું ‘નિર્મળ પ્રેમ’ નામનુ ચિત્ર બતાવ્યું. પિતાજીએ બે મિનિટમાં ચિત્રનું ગંભીરતાથી નિરીક્ષણ કરી કહ્યું, ‘યુગલમાં બતાવેલી છોકરીની આંખમાં ઉષ્માનો અભાવ
છે અને છોકરાના ચહેરા ઉપરના શેડ એની તાજગી ઉપર જાંખપ લાવી દે છે.’
પિતાજીના અભિપ્રાય બાદ પુત્રએ કહ્યું, ‘પણ આ ચિત્રને તો યુવાનોએ ખૂબ પસંદ કર્યું છે. તમે આમ વાત કરી રહ્યા છો ! ત્યારે પિતાએ કહ્યું ‘બેટા, પાબ્લો પીકાસોને ચિત્રો યુવાનો માટે દોરવા નહોતા પડ્યા. પિકાસોના ચિત્રોના રંગ, કલ્પના, હાવભાવ
અને આસપાસનું વાતાવરણ યુવાનો, વયસ્કો, મહિલાઓ વગેરે કરોડો લોકોને
મંત્રમુગ્ધ કરી દેતા. એમણે ક્યારેય કોઈ ચિત્ર માત્ર યુવાનોને આકર્ષવા
માટે બનાવ્યું હોય એમ નથી બન્યું.’ પિતાની આ એક ટકોરે ચિત્રકારનો સમગ્ર
દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. ત્યાર પછી એણે કોઈ એક ખાસ વર્ગને ધ્યાનમાં
રાખીને ચિત્રો ક્યારેય ન બનાવ્યા. એના દરેક ચિત્રો જાણે હમણાં જ બોલી
ઊઠશે એવા વાસ્તવિક બનવા લાગ્યા.
જીવનમાં કોઈ એક વાક્ય, એક ઘટના, એક ક્ષણ, એક અકસ્માત, એક
નવો સંબંધ બંધાય કે એક સંબંધ તુટે ત્યારે એ ‘ટર્નીંગ
પોઈન્ટ’ બની જતો હોય છે. સાઉથ
આફ્રિકામાં બેરીસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને રેલ-વેના
ડબ્બામાંથી પ્લેટફોર્મ ઉપર ફેંકી દેવામાં આવ્યા અને મોહનમાંથી મહાત્મા બનવાની નવી
સફર આરંભાઈ. પ્લેટફોર્મ ઉપર ફેંકાયેલો મોહનદાસ તત્કાળ મૃત્યુ
પામ્યો અને ત્યાં મહાત્માનો જન્મ થયો. એક એવી ક્ષણની જરૂર છે કે, જે જીવનનો ‘ટર્નિંગ પોઈન્ટ’ બની જાય. દરેક
વ્યક્તિએ આવી ઘટના, વાક્ય કે ક્ષણને પકડવાની છે. એટલું બધું એકધારું બન્યા કરે છે કે,
એને જ વ્યક્તિ જીવન સમજી લેતો હોય છે. ખરેખર તો વિપરીત પરિસ્થિતિ અને અભાવો
જીવનને નવો વળાંક આપતા હોય છે. સલવતોને સુખ સમજવાની ભૂલ નવા
સિમાડાઓથી વંચિત રાખે છે.
નિર્ણાયક પરિવર્તનની પાછળ ‘ટર્નિંગ પોઈન્ટ’ હોય છે. ટર્નિંગ
પોઈન્ટનો સમય એવો અદભુત હોય છે કે, તે જીવનમાં કંઈક આપી જાય છે અને કશુક
છીનવી પણ જાય છે. આ એવો સમય હોય છે, જેમાં
જીવનની દિશા અને દ્રષ્ટિ બન્નેમાં બદલાવ આવતો હોય છે. ‘ટર્નિંગ
પોઈન્ટ’ વાસ્તવમાં એક શક્તિશાળી તાકાતના સ્વરૂપે
જીવનમાં આવતો હોય છે. ત્યાર બાદ પ્રત્યેક વિચારો અને માન્યતાઓ વધારે
સ્પષ્ટ બની જતી હોય છે.
એ જરૂરી નથી કે હંમેશા પ્રત્યેક
કાર્યમાં સફળતા જ મળે. બદલાવ માટે ધૈર્યપૂર્વક પ્રતિક્ષા કરવાની હોય
છે. પછી જે પરિવર્તન આવે અને વૈચારિક સ્પષ્ટતા થાય
એ ‘ટર્નિંગ પોઈન્ટ’. પ્રત્યેક
પરિવર્તન આપણા મન ઉપર મનોવૈજ્ઞાનિક અસર પેદા કરે છે. જ્યારે
કોઈ વ્યક્તિ બેહુદગીપૂર્વક અપમાન કરે ત્યારે સ્વાભાવિક રીતે જ ખિન્ન બની
પ્રતિષ્ઠાનો ડર મનમાં હાવી થઈ જતો હોય છે. પરિણામે પરિસ્થિતિ વધુ વણસતી જાય છે. આની સામે બીજો એક વિચાર એ પણ બળવત્તર છે કે,
કોઈ નવા આશાના કિરણ પ્રતિ હૃદયપૂર્વકનો ઉત્સાહ પરિસ્થિતિને વધુ સારી બનાવી શકે છે.
એક વાત મનમસ્તિષ્કમાં સ્પષ્ટ સમજી
લેવાની આવશ્યકતા છે, આપણી ભાવિ યોજનાઓ, લક્ષ્યો, મૂળભૂત માન્યતાઓ અને સંપર્કમાં આવતા લોકો માટે આપણે વધારે ઈમાનદારીપૂર્વક
સજ્જ બનવું પડશે. ‘ટર્નિંગ પોઈન્ટ’ હંમેશા
એક શક્તિશાળી વિચારના સ્વરૂપમાં કાર્ય કરતો હોય છે. આ એક
એવી મોટી ઘટના હોય છે કે, જે જીવનને અકલ્પનીય રીતે બદલી નાખે છે. પ્રશ્ન એ થાય કે, શું બધા ટર્નિંગ પોઈન્ટ જીવનમાં બદલાવ
લાવી દેતા હોય છે ? આ પ્રશ્નનો જવાબ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ માટે ટર્નિંગ પોઈન્ટ કશુંક નવો બદલાવ લઈને આવે છે. એ કદાચ સુખદાયક કે પછી દુઃખદાયક પણ હોઈ શકે. કોઈના
માટે એ જીવનનો નવતર પથ કંડારવાનું કામ કરતો હોય એવું પણ બને. તો
કોઈના માટે માર્ગ બંધ પણ કરનારો નીવડે. પરિણામ ગમે તે હોય જ્યારે લક્ષ્ય સ્પષ્ટ
હોય અને ટર્નિંગ પોઈન્ટને સમજવાની ક્ષમતા કેળવાયેલી હોય ત્યારે આ પરિવર્તનકારી
ઘટના માર્ગોને બદલી શકે છે.
ધબકાર :
બદલાવ સામે આંખ મીંચામણા નહીં, તેની
સાથે સામે ચાલીને ઉષ્માસભર હસ્તધુનન કરી ભેટવુ પડે.





