Monday, 12 October 2020

નાની નાની ખુશીઓ જીવનનો મજબુત સહારો બની જાય છે

 


નાનકડા ગામડા ગામની એક હોસ્પિટલનો એક સવારનો સીન છે. દસ પંદર કિલોમીટર દૂર એક શહેરમાંથી ડૉક્ટર રોજ સારે વહેલા આ હૉસ્પિટલ પહોંચીને સાંજ સુધી દર્દીઓની સેવામાં રત રહે. બે પેરા મેડિકલ સ્ટાફને પોતાની સાથે કારમાં લઈ જાય. સવારે સાડા દસનો સુમાર હશે. ૭૦ની આસપાસ પહોંચેલા એક માજી ડૉકટર સાહેબના કન્સલ્ટીંગ રૂમમાં એમની દીકરીને લઈને આવ્યા. ડૉકટરે માજીને એમની બાજુમાં રાખેલા સ્ટૂલ ઊપર બેસાડી પ્રેમથી પૂછ્યું, ‘માડી, હવે કેમ લાગે છે ? માડી હસતા હસતા બોલ્યા સાહેબ, બઉ હારુ લાગે છે. તમે તો દરદ હાબદુ ગુમ કરી દીધું.’ ડૉકટરે પ્રેમથી માડીનો હાથ પકડી કહ્યું, ‘માડી આશીર્વાદ આપો કે, તમારા જેવા બધાની સેવા કરવાની ઈશ્વર મને શક્તિ આપે.’ માડી હેતાળ હાથ ડૉકટરના માથે ફેરવી બોલ્યા, ‘સાહેબ, તમે તો અમારા ભગવાન સો. ઉપરવાળો તો જોયો નથ પણ તમો જ અમારા ઉપરવાળા સો.’



આ માજી એકાદ અઠવાડિયા પહેલા ગાયનેક પ્રોબ્લેમના ઓપરેશન માટે આ તબીબ પાસે આવ્યા હતા અને આજે એમની ફોલો અપ વિઝીટ હતી. માજી સાથે આવેલી એમની દીકરી આ ડૉકટરને મોટા બાપા સમજતી. આ તબીબને અહીં આવતા પ્રત્યેક પેશન્ટ ડૉકટર કરતા પોતાના પરિવારનો સદસ્ય વધારે સમજે છે. ડોક્ટરને એનો વિષેશ આનંદ છે. વયસ્કો સાથે એમના સંતાનની જેમ, ભુલકાઓ સાથે સ્નેહાળ વડીલની જેમ અને હમઉમ્ર સાથે ભાતૃભાવપૂર્વકના આ તબીબના વર્તાવ પાછળનું મૂળ તત્ત્વ એમનો નિજાનંદ છે.




સુંદર મઝાના પ્રાકૃતિક વાતાવરણમાં આવેલી આ હૉસ્પિટલનો આઠ દસ જણનો સ્ટાફ પણ આસપાસના ગામના લોકોનો જ છે. સ્ટાફમાં સેવા આપતા આ લોકો ભણ્યા નથી પણ ડૉકટરે છેલ્લા દસ બાર વર્ષોથી એમને સરસ તાલીમ આપી તૈયાર કર્યા છે. ઓપરેશનમાં તેમને આસીસ્ટન્ટ કરતા ત્રીસ પાંત્રીસ વર્ષના ભાઈ માંડ પાંચ ધોરણ પાસ છે. પણ ડૉકટર જે સાધન કે દવાનું નામ અંગ્રેજીમાં બોલે એ એક સેકંડમાં બિનચૂક લાવી દે છે. આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં દર્દીઓની શસ્ત્રક્રિયા વખતે ઝીણા સ્વરમાં મધુર ભજનો ચાલતા હોય છે. અહીંનું ઓપરેશન થિયેટર દવાખાના કરતા મંદિર જેવું વધુ લાગે છે.




મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે દૂર દૂરથી લોકો આ હૉસ્પિટલમાં આવે છે. એક ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલમાં જનરલ સર્જરી, ગાયનેક સર્જરી, યુરો સર્જરી જેવી શસ્ત્ર ક્રિયાઓ અત્યંત કિફાયતી ફીથી કરવામાં આવે છે. મોટા મોટા શહેરોમાં બે અઢી લાખના ખર્ચે થતી શસ્ત્રક્રિયાઓ આ હોસ્પિટલમાં તબીબો માત્ર વીસ પચીસ હજારમાં કરી આપે છે. અને પ્રેમ અને હૂંફ લટકામાં. મહુડી જતા વરસોડા ગામ પાસે કુદરતના સાનિધ્યમાં વૃંદાવનધામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલનું નામ પણ હૃદયમાં વસી જાય એવું છે. હૃદયકુંજ આરોગ્ય શિક્ષણ સંકુલ.




આ આખી વાતનો મુળ ઉદ્દેશ છે નિજાનંદની વાતને ઉઘાડ આપવાનો. વ્યક્તિની પ્રસંન્નતા બહારની ભૌતિક પરિસ્થિતિઓ નિર્ભર હોતી નથી. આનંદ તો માનસિક ચેતનાઓ ઉપરથી સ્ફૂરતો હોય છે. એક તબીબ અને એના પરિવારના બે તબીબ સદસ્યો અને ચાર પાંચ તબીબ મિત્રો સાથે મળી કેટલો મઝાનો નિજાનંદ કરી શકે છે એ અહીં જોવા મળે છે. વ્યક્તિની પાસે શું કામ છે, એ કોણ છે, ક્યાં છે અને કેવું સ્ટેટસ છે, એનાથી એ ખુશ કે નાખુશ નથી હોતો. પરંતુ વ્યક્તિ શેના વિશે શું વિચારે છે એના ઉપર એનો આનંદ અને દુઃખ અવલંબિત હોય છે.


શું કામ કરીએ છીએ, એ કામ કેવું છે, એને કેવી રીતે સમજીએ છીએ, જોઇએ છીએ અને કહીએ છીએ એ પાંચ બાબતો ઉપર આપણું મૂલ્યાંકન રહેતું હોય છે. જ્યારે નસીબમાં લીંબુ મળે તો તેને જોઈને દુઃખી થવા કરતાં એને નીચોવીને શરબત બનાવીને પીવાનો આનંદ કરવામાં સાચી સમજદારી છે.




જીવનમાં ઉદાસ થવાના અનેક પ્રસંગો બનતા હોય છે પણ અંદરથી કોઈ અર્થ એટલે કે સ્વ-અર્થ વગરની મોજ શોધી ખુશ રહેવાથી નિ:સંદેહપણે આનંદના નવા દ્વારા ખુલતા હોય છે. જે વ્યક્તિ પોતાની શરતો ઉપર જીવતો હોય એનાથી ખુશી માઈલો દૂર જતી રહેતી હોય છે. પરંતુ જે બીજાની ખુશીમાં પોતાની શરતો બદલીને જીવી શકે છે એને આનંદના ફુવારામાં ભીંજાવાની સહજ મોજ મળતી હોય છે. જિંદગીમાં નાની નાની ખુશીઓ જીવવાનો સહારો બની જતી હોય છે. અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પાછળ ભાગવાનો અર્થ નથી. અપેક્ષાઓ પ્રતિપળ બદલાયા કરતી હોય છે. નિજાનંદ તો અનુભૂતીની ભાષા છે. શબ્દો અને કથનમાં એની અભિવ્યક્તિ ન જ થઈ શકે. ‘નિજ એટલે પોતે અને આનંદ એટલે ખુશી. પોતાની અંદર રહેલો સહજ આનંદ અનુભવાય એટલે સાચો નિજાનંદ. એને પછી સહજાનંદ કહો કે પરમાનંદ કહો એ એક જ વાત છે.




 

ધબકાર :


‘તમે ઉંમર લાયક થઇ જાવ પણ હસવાનું નથી છૂટતું, પરંતુ જ્યારે હસવાનુ છોડી દેવાય ત્યારે ચોક્કસ વૃધ્ધ બની જવાય છે.’ – જ્યોર્જ બર્નાડ શૉ




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/oct2020/13102020-4.pdf