Monday, 19 October 2020

પતિ અને પિતા બન્ને વચ્ચે સામંજસ્યની કલા નારીને નારાયણી બનાવે છે

 



પ્રેમ, લાગણી અને આદરની હાટડીઓ નથી હોતી. પ્રેમ લાગણીઓના તંતુઓથી સચવાતો હોય છે. લાગણીમાં આદરનો ભાવ વણાયેલો હોય છે. પ્રેમ અને લાગણીનો અભાવ  હોય ત્યારે વ્યક્તિ લમણે હાથ મૂકીને પોતાના ભાગ્યને રડતો બેસે છે. જો દ્રષ્ટી હોય તો પ્રેમના ઝરણા ઘણા છે. પિતા, માતા, બહેન, ભાઈ, મિત્ર, સંતાનો, સગા આ બધામાં દીકરીનો પિતા માટેનો પ્રેમ અદભુત અને દિવ્યતાપૂર્ણ છે. દીકરી એટલે સવાઈ મા. પુત્રીને ‘મા’ થી અધિક ‘સવાઈ મા’ એટલે કહેવાઈ  છે કે, મા ઘડપણમાં પુત્રનો સહારો મળે એટલે કદાચ પ્રેમ કરતી હોય એવુ બની શકે પણ દીકરી બાપને કોઇ પણ અપેક્ષા કે કારણ વગર માત્ર પ્રેમ કરે છે. પેલી કહેવત છે ને કે, ‘મા વિના સૂનો સંસારએની સામે એમ કહી શકાય કે, ‘દીકરી વિના સંસારમાં અંધકાર.’ જીવનમાં નિસ્વાર્થ અને પારસ જેવો પ્રેમ પામવો હોય તો એક દીકરીના બાપ અવશ્ય બનવું પડે.



ઘણા સમય પહેલાંની એક લોકકથા યાદ આવે છે. લોક સાહિત્યકારોએ આ લોકકથાને અલગ અલગ સ્વરૂપે જ્યારે પ્રસ્તુત કરી છે, ત્યારે આંખોમાંથી ચોધાર અશ્રુધારાને લોકો રોકી શક્યા નથી. એક નગરમાં આધેડનું નિધન થયું. અંતિમ સંસ્કાર માટે એમને સ્મશાન લઈ ગયા. એ ત્રણ દીકરા અને એક દીકરીના પિતા હતા. સ્મશાનમાં મૃતદેહને ચિતા ઉપર બરાબર ગોઠવીને અગ્નિ આપવા માટે જ્યાં એમનો પુત્ર આગળ વધ્યો ત્યાં જ એકઠા થયેલા લોકોમાંથી એક પિસ્તાળીસ પચાસ વર્ષના પડછંદ કાયા ધરાવતા ભાઈ ઝડપથી આગળ આવ્યા અને બુમ પાડી, ‘...ઈ છોકરા, અગ્નિ આપતા પહેલાં ઊભો રહે. ચિતા ઉપર સુતેલા આ ભાઈએ મારી પાસેથી દસ લાખ ઉછીના લીધાં હતાં. મારા એ પૈસા અહીં ઊભેલા એમના સગા, દીકરાઓ કે મિત્રોમાંથી કોણ મને પાછા આપશે એ નક્કી કરો. પછી જ હું અગ્નિ સંસ્કાર કરવા દઈશ.’




આ સાંભળીને સ્મશાન આવેલા બધા તો હબક ખાઈ ગયા. મૃતાત્માના ત્રણેય દીકરા આઘાપાછા થવા લાગ્યા. સ્મશાનમાં સોંપો પડી ગયો. વાત ઘરે બેઠેલી મહિલાઓ સુધી પહોંચી. બધા ચિંતા કરવા લાગ્યા કે હવે શું થશે ? ઘરે બધી મહિલાઓ સાથે બેઠેલી મૃત્યુ પામેલા આધેડની દીકરી પળનો ય વિલંબ કર્યા વગર ઊભી થઈને સ્મશાન પહોંચી ગઈ. દીકરીએ પેલા પડછંદ દેખાતા ભાઈને બે હાથ જોડીને વિનંતી કરી, ‘કાકા, મારી પાસે આ ઘરેણા છે, એની કિંમત સાતેક લાખ થાય છે. એ તમે લઈ લો. બાકીના ત્રણ લાખ હું મારા ઘરે જઈને તરત તમને આપવા પાછી આવીશ. પિતાજીના દેહાંતના સમાચાર સાંભળ્યા એટલે કશુ લીધા કર્યા વગર જ સાસરેથી દોડી આવી છું. એટલે પાસે એટલી રકમ નથી. પણ મારા ઉપર વિશ્વાસ રાખી મારા પિતાના અગ્નિસંસ્કાર કરવા દો. આટલું કહી પર્સમાંથી ઘરેણાની પોટલી કાઢીને પેલા ભાઇ સામે ધરી. પછી એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.



પેલા ભાઈ દીકરીની નજીક આવીને પ્રેમથી એના માથે હાથ મૂકીને બોલ્યા, ‘બેટા, આ ઘરેણા સાચવીને મુકી દે. તારા પિતા તો એકદમ સજ્જન વ્યક્તિ હતા. એમણે મને દસ લાખ નથી આપવાના. ખરેખર તો મારા ધંધામાં ખોટ આવતા મેં એમની પાસેથી ૧૫ લાખ ઉછીના લીધા હતાં. મારે ૧૫ લાખ એમને પાછા આપવાના છે. તારા પિતાના અવસાનના સમાચાર મળ્યા એટલે હું ૧૫ લાખ લઈને તાબડતોબ અહીં સ્મશાન આવ્યો. મને મૂંઝવણ થઈ કે, આટલી મોટી રકમ કોને આપું ? કોણ એમના સાચા વારસ છે ? એટલે મેં આ કીમીયો કર્યો. હવે મને વિશ્વાસ થઈ ગયો છે દીકરી, તું જ એમની સાચી વારસદાર છે.એમ કહી રૂપિયા ૧૫ લાખ રોકડા દીકરીના હાથમાં મૂકીને સ્મશાનની બહાર આંખો લુછતા જતા રહ્યાં.





એમ કહેવાય છે કે, દીકરીને ઘડવામાં માતાનો સિંહફાળો હોય છે. પરંતુ બાપને સાચવવામાં, પિતાની પડખે ઊભા રહેવામાં દીકરી જેવો કોઈનો લાગણીસભર હેતાળ હાથ હોતો નથી. માની છત્રછાયા વગર દીકરી સૂની છે અને દીકરી વગર બાપ સૂનો છે. ઘણાખરા કિસ્સાઓમાં એવું પણ બને કે, સાસરે ગયેલી દીકરીને સાસરીયાઓની તદ્દન અલગ જીવન શૈલીને અપનાવવાની હોઈ પિયરીયાઓ અને પિતા માટે એની પાસે પર્યાપ્ત સમય ન પણ હોય. ઘણા કિસ્સાઓમાં સાસરીયાઓ અને પતિની વિચારશરણી પિતા, માતા, ભાઈ બહેન સાથે મેળ ન પણ ખાતી હોય. ઘણીવાર એવુ પણ બને કે, પતિ પ્રેમના ઓઠા તળે દીકરીને સ્માર્ટલી પિયરીયાઓથી દુર રાખવાના પ્રયત્નોમાં મશરૂફ પણ હોઇ શકે. આવા સંજોગોમાં પણ દીકરી બેલેન્સ રાખી હસતા મોંએ તમામ પરિસ્થિતિઓમાં હલ કાઢે છે. એટલે જ એને નારીમાંથી નારાયણીનું સ્થાન મળતુ હોય છે. જગતમાં બહુ ઓછા પરિવાર હશે કે જ્યાં દીકરીએ બાપને ઢાંક્યો નહીં હોય.



દીકરી પિતાનો શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે. માગણી વગરની લાગણીનું ઉત્તમ ઉદાહરણ પુત્રીપ્રેમ સિવાય બીજુ શું હોઈ શકે ? ચાલશે, ભાવશે, નભશે અને ફાવશે ચાર શબ્દો દીકરી માટે જીવન મંત્ર જેવા હોય છે. લગ્ન પહેલા પિતા સામે ચપ ચપ જવાબો આપતી, મમ્મીનું કહ્યું ન માની પોતાની મસ્તીમાં રહેતી, ભાઈને ભાળ્યો ન મૂકતી, બહેનો સાથે લમણા લેતી અને સોસાયટીમાં હાક મારતી ચાલી જતી દીકરી લગ્ન થતા એક જ રાતમાં ધીર ગંભીર અને પાકટ બની જતી હોય છે. વેવિશાળ પછી દીકરીના પ્રેમમાં અનેક ગણો વધારો આપોઆપ થઇ જતો હોય છે. લગ્ન પછી પિતા અને પિયરીયાઓની વાટ ભુલી જતી દીકરીઓના કિસ્સા હજારો લાખોમાં એકાદ બે જ હશે. ફોન ઉપર પિતાનો બદલાયેલો અવાજ સાંભળતા વેંત એક પળમાં જ પિતાની મૂંઝવણ પામી જાય એ દીકરી. દીકરીને એમનેમ બાપનું હૈયું નથી કહેવાતુ.

નોકરીમાં મોટા સાહેબ અને સાથીઓ, સેવકો ઉપર રૂઆબદાર બાપને આખી દુનિયામાં એની દીકરી જ સટાક દઈને કહી શકે કે, ‘તમે ચુપ થઈ જાવ.’ બહાર વાઘ બની બધાને ખખડાવતા બાપને દીકરી ખખડાવી નાખે ત્યારે પિતા ચુપ રહે છે. પિતાની આ ચુપ્પીમાં પણ અંતરનો આનંદ હોય છે. પુત્રીનું ખખડાવવું પિતા માટે પ્ર્મનું નજરાણું હોય છે. પ્રત્યેક યુવાન પુત્રી પિતાને બાળક સમજી ટપારવાની એની ફરજ સમજે છે. એ જ દીકરી જ્યારે બીજું કોઈ બાપ માટે એક આની પણ ઘસાતું બોલે ત્યારે એક શબ્દ પણ સાંખી નથી લેતી પછી એ સાસરઈયા હોય કે દુનિયાનો કોઇ પણ વ્યક્તિ હોય. એને મન તો એનો પિતા જ સર્વશ્રેષ્ઠ રીયલ હીરો છે.

એક મિત્રની પુત્રીએ મને એક વાર સરસ વાત કરી કે, ‘અંકલ, મારા પપ્પા ભગવાન તો નથી જ. ભગવાન સુખ અને દુઃખ બન્ને આપે છે, પણ મારા પપ્પા તો મને માત્ર સુખ આપે છે.’ જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ અને તકલીફો અનુભવાય ત્યારે હૃદયપૂર્વક દીકરી સાથે થોડો સમય બેસવાથી બરફાચ્છાદીત પહાડ ઉપર બેઠા હોય એવી શીતળતાનો અહેસાસ થયા વગર નથી રહેતો.

 

ધબકાર :

પતિ અને પિતા વચ્ચે સામંજસ્યની કલા નારીને નારાયણી બનાવે છે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/oct2020/20102020-4.pdf