Tuesday, 29 December 2020

યાચકની નહીં સ્વમાનીની પ્રાર્થના ઉપર પરમાત્માને પ્રેમ હોય

 



શ્વાસે શ્વાસે મરતો માણસ,

જીવવા માટે મરતો માણસ.

ઇશ્વરને છેતરવા કાયમ,
બે હાથે કરગરતો માણસ


                                                                             -     ડૉ. મુકેશ જોષી  

   

આજે ટેકનોલોજીનો યુગ છે. સેલફોન, ઈન્ટરનેટ, મોબાઈલ એપ દ્વારા વિશ્વના સિમાડા સંકોચાઈને આંગળીના ટેરવે નાચવા લાગ્યા છે. ટેકનોલોજીકલ ભૌતિક સુખ અને સવલતોની ભરમાળમાં બાળકોથી માંડીને યુવાનો અને વયસ્કોની આંતરિક શાંતિ ડહોળાતી ગઈ છે. આજે જગતનો પ્રત્યેક વ્યક્તિ કોઈક અગમ્ય ઉતાવળમાં હોય એમ લાગે છે. દરેક જણ સતત કામમાં પરોવાયેલો અને હંમેશા જલ્દીમાં લાગે છે. ફટાફટ અને સટાસટ ધસમસતી જિંદગીમાં ક્યારેય હૃદયમાં એવો ખ્યાલ આવે ખરો કે, ‘ખરેખર ચિત્તમાં આનંદ છે ખરો ? મનમાં પરમ શાંતિનો ઉજાશ દેખાય છે ખરો ?’


નિ:શબ્દ શાંતિ સુખની પરિભાષા છે. એની ભાળ મળી જાય પછી બધી ભૌતિક દોડાદોડ હાસ્યાસ્પદ લાગે. પણ આવી અનુપમ શાંતિ છે ક્યાં ? એનું સરળ સરનામુ છે પ્રાર્થના. પ્રાર્થના એટલે પ્ર + અર્થ + અન + . સંસ્કૃતમાં  પ્ર એટલે ઉત્તમ અને શ્રેષ્ઠ,અર્થ એટલે પ્રાપ્ત કરવાની અભિપ્સા,અનએટલે લેનાર-મેળવનાર. અને નારીજાતિનો પ્રત્યય છે, એટલા માટે જ પ્રાર્થનાને કેવીકહેવાય છે. પ્રાર્થનામાં અદભુત તાકાત છે. જ્યારે તકલીફોના મસમોટા પહાડ ઉપરથી પરમાત્મા ધક્કો મારે ત્યારે પ્રાર્થના આત્મવિશ્વાસનો શ્વાસ ભરી દેતી હોય છે. પ્રાર્થનામાં એવી શક્તિ હોય છે કે, આવા સમયે પરમાત્મા મને અવશ્ય ઝીલી લેશે અથવા તો મને પાંખો આપી ઉડતા શીખવી દેશે એવો વિશ્વાસ આપે છે.



પ્રાર્થના થતી નથી એ તો હોય છે. કવિ સુરેશભાઈ દલાલે એકવાર પ્રાર્થના વિષે સરસ વાત કરી હતી કે, ‘પુષ્પમાં રહેલી સોડમ એની પ્રાર્થના છે.’ જેમ કોઈ માછલીને જળમાં પુછવામાં આવે કે પાણી શું છે તો એ હસીને કહેશે કે, મારી આસપાસ જે દેખાય એ બધુ જ પાણી તો છે. પણ જ્યારે એને પકડીને કિનારાની રેતીમાં મુકવામાં આવે ત્યારે એનુ શરીર છટપટાવાઅ લાગશે. પાણી વગર એ વલખા મારવા લાગશે. ત્યારે એને ખ્યાલ આવશે કે, મારુ સમગ્ર અસ્તીત્વ જ જળ છે. પાણી છે તો એ છે. પાણી વગર એનું જીવન સમાપ્ત છે. પ્રાર્થનાનું પણ આવું જ છે. પ્રાર્થના વગરનું જીવન અર્થહીન-રસહિન છે. પ્રાર્થનાના સાચા અર્થની સાચી સમજ નહીં પડે ત્યાં સુધી દરેક પ્રાર્થના પોપટીયા સ્પીચથી વધુ કશું નહીં કહેવાય.

પ્રાર્થના તો અંતરમનની અદભુત તાકાત અને સ્વના સન્માનનું પારસમણી છે. લોકોએ પ્રાર્થનાનો અર્થ ખૂબ આછકલો કરી નાખ્યો છે. પ્રાર્થના એટલે માગણી, વિનવણી, ફરિયાદ, મુશ્કેલીના નિવારણ માટે યાચના આવો સ્વાર્થી અર્થ કરવામાં આવે છે. પરમાત્માને નિડર અને સ્વમાની વ્યક્તિઓ જ પ્યારા હોય છે. જે વ્યક્તિ ‘સ્વ’નું સન્માન જાણતો હોય એ ક્યારેય ભીખારીની જેમ યાચના કરવા બે હાથ ક્યારેય નહી જોડે. જો ઈશ્વર પણ સ્વયં પણ પ્રગટ થઈને કહે કે, ‘માંગ માંગ, માગે તે આપુંત્યારે ખુદ્દારીથી એમ કહેવાય કે,પ્રભુ આપવાની જ ઇચ્છા હોય તો એવું કાળજુ આપ કે, ક્યારેય કશું માગવા માટે યાચક ન બનુ.’


પ્રાર્થના તો હૃદયમાંથી નીકળતો પવિત્ર રણકાર છે. એને ભાષા, શબ્દો કે સ્થળ સાથે ક્યારેય સંબંધ નથી. પ્રાર્થના નિઃશબ્દ શુદ્ધ ભાવનો અંબાર છે. કવિ મિત્ર કિશોર જીકાદરાએ થોડા સમય પહેલાં વોટ્સએપ ઉપર સ્વામી વિવેકાનંદજીનો એમના શિષ્ય સાથેનો સરસ સંવાદ શેર કર્યો હતો એ યાદ આવે છે. એકવાર કોઈ શિષ્યએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું હતું કે, ‘તમને પ્રાર્થનામાંથી શું મળે છે ?’ ત્યારે સ્વામીજીએ કહ્યું હતું કે, ‘મને પ્રાર્થનામાંથી કશું જ મળતું નથી, પરંતુ હું પ્રાર્થનાથી ઘણું બધું ગુમાવું છું.’ સ્વામીનો જવાબ સાંભળી પેલા ભાઈ તો દિગ્મુઢ થઈ ગયા. એમણે ફરી પૂછ્યું, ‘તમે પ્રાર્થનાથી કશું જ મેળવતા નથી અને ગુમાવો છો ! તો એવું શું છે કે, તમે પ્રાર્થનાથી ગુમાવી રહ્યાં છો ?’ વિવેકાનંદે હસતા હસતા જવાબ આપ્યો. ‘પ્રાર્થનાથી હું ગુસ્સો, ઈર્ષા, આવેગો, અસલામતી, વ્યગ્રતા ગુમાવું છું.’ પ્રાર્થનાની આ જ સાચી સમજ છે. મોટા ભાગના લોકોની એવી પ્રબળ ગેરમાન્યતા હોય છે કે, ઉંમરલાયક થઇશુ પછી પરમાત્માના નામનું સ્મરણ કરીશું. પ્રાર્થના, પુજા, અર્ચના કરીશું. આ એક પલાયનવાદ અને નાદાનીયતથી ભરેલી વિચારધારા છે. મને તો એ જ સમજ નથી પડતી કે, પરમ સુખના સાચા ટ્રેકની સમજ છે તો પછી જીવનના છ-છ દાયકા સુધી રાહ શેની જોવાની ? શા માટે સમજ આવે ત્યારથી યુવાનીમાં જ પ્રાર્થનાની શરૂઆત ન થાય ? 

પ્રાર્થના મન અને હૃદયનું સંગીત છે. આત્માના ગીતનો આલાપ છે. પ્રાર્થના માટે સૌથી પહેલા આંતરિક આનંદની શરત છે. જેમાં સૌથી ઓછામાં ઓછા શબ્દો હોય અને માંગણીઓ શુન્ય હોય એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. મહાત્મા ગાંધી પ્રાર્થનાના ડાયહાર્ડ પ્રેમી હતા. એ કહેતા કે, ‘પ્રાર્થના પશ્ચાતાપની ઉત્તમ નિશાની છે. એ આપણા વધુ શુદ્ધ અને વધુ સારા બનવાની ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે.’ વ્યક્તિના આંતરિક શુદ્ધિના ઉભરાને પ્રાર્થના સ્વરૂપે બહાર આવવાનો અવસર સાંપડે છે. મારા ઉપર કોઈ તકલીફો જ ન આવે, મુશ્કેલીઓ મારાથી જોજનો દૂર રહે એવી પ્રાર્થના યાચકોની હોય. સ્વમાની અને ખુદ્દાર માણસની પ્રાર્થનામાં તો તકલીફો અને મુશ્કેલીઓને આવવું હોય તો આવે એના મક્કમ મુકાબલાની તાકાત મળે એવી વાત હોય.



પ્રાર્થના નિ:સહાય અને નિર્બળ વ્યક્તિની પોકાર બિલકુલ નથી. પ્રાર્થના શક્તિશાળી અને સ્વાભિમાની વ્યક્તિનું ઘરેણું છે. ગ્રીકના એક જાણીતા ફિઝીશીયન હેપોકટે જગતના એવા પ્રથમ તબીબ હતા કે, જેણે પુરવાર કરી બતાવ્યું કે, માનવ શરીરમાં ખરાબી વિષમ દ્રવ્યોથી થાય છે. આ માટે કોઈ સ્પેસીફિક અંગ માત્ર નહીં આખે આખા શરીરનો ઉપચાર કરવો જોઇએ. પ્રાર્થના એક એવી અકસીર દવા છે જે શરીર અને મન બન્નેને સ્વાસ્થ્ય આપે છે. કેલીફોર્નિયાના હૃદય રોગના સર્જન ડૉ. રાન્ડોલ્ફ બિર્ડે પ્રાર્થનાના હિલીંગ પાવર ઉપર સરસ પ્રયોગો કર્યા અને એના પ્રભાવક તારણો સામે આવ્યા. ડૉ. રેન્ડોલ્ફના મતે જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એમના માટે અન્ય દર્દીઓ કરતા એન્ટીબોડીની પાંચ ગણી ઓછી આવશ્યકતા જણાઈ હતી. આવા દર્દીઓને ન્યુમોનિયા અને હાર્ટ ફેઈલ્યોરની સંભાવના ત્રણ ગણી ઓછી જણાઈ હતી. ડૉ. રેન્ડોલ્ફ કહે છે કે, જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી એમને વેન્ટીલેટરના સહારાની જરૂરત જ નહોતી પડી. પ્રાર્થનાનો સંબંધ ડાયરેક્ટ હૃદય સાથે છે. જીભ સાથે નથી. પ્રાર્થના એ વ્યક્તિની ભગવાન સાથેની એપોઈન્ટમેન્ટ છે. પ્રાર્થના સમય, ભાષા, ધર્મ કે સંપ્રદાયના બંધનોથી મુક્ત હોવી જોઈએ.

પ્રાર્થના વ્યક્તિની શ્રદ્ધાનું બળ છે. અવિશ્વાસ અને માંગણીઓની યાદી પ્રાર્થનાનું પોત પાતળું પાડી દે છે. જો સુખના સમયમાં પ્રાર્થના નથી થતી તો દુ:ખના સમયમાં પણ પ્રાર્થના ના જ કરો. આપણા બધાની સમસ્યા જ એ છે કે, આપણે પ્રાર્થનાને છેલ્લા ઉપાય તરીકે જોઈએ છીએ. વાસ્તવમાં પ્રાર્થના સૌથી પહેલું ચરણ છે. ઈબાદત, બંદગી, નામ સ્મરણ, મંત્રોચ્ચાર, હવન વગેરે પ્રાર્થના માટેના નામ અલગ અલગ હોઈ શકે પણ મૂળ વાત તો આંતરિક આનંદ સાથે પરમાત્મા સાથે બેસવાની જ હોય છે. ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’ કાકા કાલેલકરના આ ચાર શબ્દોમાં પ્રાર્થનાનો નિચોડ છે.

 

ધબકાર : મોટા ભાગના લોકો પ્રાર્થનાના આચળામાં ભીખ માગતા હોય છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/dec2020/29122020-4.pdf