Sunday, 19 September 2021

જો દંભી વ્યક્તિ દુર્ગુણી છે તો એમાં ફસાવાવાળો મહામુર્ખ છે

 


પોતાની જાત સાથે મળવાનો ખોફ હોય પણ પરમેશ્વરની વાતો બેખોફ કરતાં હોય એવા લોકો જગતમાં બહુ જોવા મળે છે. દંભ અને કેફને સતત નજર અંદાઝ કરીને રોફ મારતાં લોકો પોતાની જાતને મળતાં હંમેશા ગભરાતા હોય છે. દંભ એક એવો દુર્ગુણ છે કે જેના પરિણામે બીજી નવી દિશાના દરવાજા બંધ થઈ જતાં હોય છે. જે ખરેખર નથી તે બતાવવા માટે મથતાં લોકો જુદા જુદા વિષયો ઉપર  થોડો ઘણો અભ્યાસ કરીને પોતાની નિર્થક ચટાકેદાર વાતોની જાળમાં બીજાને આસાનીથી ફસાવી શકે છે. પ્રબુદ્ધો અને બુદ્ધિશાળી લોકો દંભી વ્યક્તિઓની આ માયાજાળને સમજીને એમની વાતોને શાંતચિત્તે બાયપાસ કરી શકે છે. પાખંડી લોકો સાથેની નાની અમથી નાદાની બહુ મોટી હાની પહોંચાડી શકે છે.


નાની અમથી સફળતા મનમાં હવા ભરવા માટેનું કારણ બની જતી હોય છે. આવા સંજોગોમાં વ્યક્તિ પોતાનો અસલી ચહેરો હંમેશાં વિસરી જતો હોય છે. એક શાયરે સરસ વાત કરી છે કે ‘ના ઇતરાઓ ઈતના બુલંદીઓ કો છુ કર, વક્ત કે સિકંદર પહેલે ભી કંઈ હુએ હૈ, જહાં હોતે થે કભી શહેનશાહ કે મહલ, દેખે હૈ વહીં આજ ઉનકે મકબરે બને હુએ...’ મીણબત્તી અને અગરબત્તી બન્ને અગ્નિના દ્યોતક છે. પરંતુ બન્નેમાં તાત્વિક ભેદ એટલો જ છે કે, મીણબત્તીને એના ઉજાશનો દંભ અને ઘમંડ છે એટલે એ નાની સરખી પવનની લહેરથી પણ બુજાઈ જાય છે. જ્યારે અગરબત્તી શાનથી સુગંધ પ્રસરાવે જાય છે.

એક ભાઈની રસપ્રદ કહાની છે. આ ભાઈ ઉત્તમ કોટીના વાચક. એમણે દુનિયાભરના મહાન લેખકોના વિવિધ વિષયો પરના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો હતો. આ ભાઈ પોતાની જાતને ખૂબ જ્ઞાની સમજે. બીજા બધાને એ તુચ્છ ગણે. એમના મનમાં સતત એવો કેફ રહેતો કે હું બધી જ બાબતો જાણું છું. એક વાર આ ભાઈ સમી સાંજે કુદરતી વાતાવરણમાં મોજ કરવા માટે નદી કિનારે ગયા. એમને નદીમાં સહેલ કરવાની ઇચ્છા થઈ. એમણે કિનારે ઊભેલી હોડીના નાવિકને  પૂછ્યું કે, ‘ભાઈ, તમે મને નદીની સહેલ કરાવી શકો ?’

નાવિકે કહ્યું ‘ચોક્કસ. એટલા માટે તો હું અહીં ઊભો છું સાહેબ ?’

આ ભાઈ તો નાવમાં બેસી ગયા. પાણીમાં થોડીક નાવ ચાલી એટલે આ ભાઈ નાવિકને પૂછ્યું, ‘તને વિજ્ઞાન વિશે ખ્યાલ છે ?

નાવિકે ભોળા ભાવે કહ્યું ‘ના સાહેબ મને બિલકુલ જ્ઞાન નથી.’

ભાઈએ કહ્યું, ‘ તો મિત્ર તે તારી અડધી જિંદગી ખરાબ કરી દીધી.’

વળી પાછું એમણે પૂછ્યું, ‘શું તને ભાષાનું જ્ઞાન છે ?’

નાવિકે ફરી ભોળા ભાવે કહ્યું, ‘ના સાહેબ.’

પેલા ભાઈએ પૂછ્યું ‘તને ઇતિહાસની ખબર છે ?’

નાવિકે કહ્યું ‘ના.’

પછી પેલા ભાઈએ નાવિકને કહ્યું, ‘ભાઇ, તારી તો આખી જિંદગી તે ખરાબ કરી નાખી.’ મનોમન આ ભાઈ વિચારવા લાગ્યાં કે આ નાવિક મહાસમુરખ છે. એણે એની આખી જિંદગી બગાડી નાખી.

એટલામાં નાવિકે પેલા સહેલાણીને પ્રશ્ન પૂછ્યો, ‘સાહેબ, તમને તરતાં આવડે છે ?’

પેલા વ્યક્તિએ સહજતાથી કહ્યું, ‘ના ભાઈ, મને તરતાં નથી આવડતું.’

નાવિકે જવાબ આપ્યો, ‘તો સાહેબ, તમારું ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ભાષા વગેરે બધું જ જ્ઞાન નકામું સાબિત થશે. થોડાક આગળ નદીમાં બહુ મોટું વમળ સર્જાતું દેખાય છે. નાવ પાછી પણ વળી નહીં શકે અને મારાથી નાવ સંભાળી પણ નહીં શકાય.’ આટલું બોલી નાવિક નાવ છોડીને નદીમાં કૂદી પડ્યો. તરીને કિનારે પહોંચીને વમળમાં ગોથા ખાતી નાવને એ જોઇ રહ્યો.

આ સમગ્ર કાલ્પનીક વાતનું મૂળ તાત્પર્ય એ છે કે, મોટા ભાગે જેને આપણે જ્ઞાન સમજીએ છીએ એ ખરેખર જ્ઞાન નથી જાણકારી છે. જાણકારી કે માહિતીનો દંભ કે ઘમંડ કેટલે અંશે વાજબી છે ? અડધાથી વધારે જિંદગી માહિતી મેળવવામાં અને અભ્યાસ કરવામાં વિતાવીએ અને જો વિનમ્રતા સાથે બીજાને વિગતો વહેંચીને એમનામાં સામર્થ્ય ઊભું કરવાની વાત મનમાં ન ઉગે તો એનો અર્થ જ શું ? આખી જિંદગી વાંચી વાંચીને શિખ્યા શું ? બીજાને નીચા પાડવાનું જ જો મહત્વ હોય તો એવા વાંચન અને અભ્યાસનો કોઈ અર્થ સરતો નથી. દંભનો સીધો સંબંધ લોભ, લાલચ અને સ્વાર્થ સાથે હોય છે. પાખંડ કરવાવાળો અને એ પાખંડમાં ફસાવવાવાળો બંને સરખે ભાગે ગુનેગાર છે. બન્ને લોભી અને લાલચી છે. જો દંભી વ્યક્તિ દુર્ગુણી છે તો એમાં ફસાવાવાળો મહામુર્ખ છે.

આજની પેઢીના પાખંડ આગલી પેઢી માટે પરંપરા બની જતો હોય છે. એક વાત તો સ્પષ્ટ છે કે દંભી વ્યક્તિ ક્યારેય માસૂમ નથી હોતો. અ‘ને જે વ્યક્તિ માસૂમ હોય છે તે ક્યારેય દંભ નથી કરી શકતો. જગતભરના મહાન વિચારકોના ઉત્તમ વિચારો જાણી લઈએ પણ જ્યાં સુધી આંતરિક દંભનો દૂર્ગુણ નિર્મૂળ ન થાય ત્યાં સુધી ‘અજ્ઞાની’નું ટેગ ખસશે નહીં. અસત્ય, દંભ અને પાખંડની સૌથી મોટી પાઠશાળા પોતાનું ઘર છે. જે ઘરમાં દંભ વગરનું નિર્મળ વાતાવરણ હશે ત્યાં સહજ રીતે જ્ઞાન અને આનંદનો મહાસાગર જોવા મળશે.

નાના મોટા સૌ કોઈને જીવનમાં એવા લોકોનો અનુભવ થયો જ હોય છે કે, જે મોઢા ઉપર સારું બોલે અને ગેરહાજરીમાં કદ પ્રમાણે વેતરી નાખે. પીઠ પાછળ બુરાઇ કરે. આવા લોકો બહુ ખતરનાક પ્રકૃતિના હોય છે. આવા દંભી લોકોથી હંમેશાં સજાગ રહેવાની જરૂર છે. જ્યારે પણ મોં પર સારું બોલનારા પાખંડી લોકોનો સામનો કરવાનો થાય ત્યારે આવા લોકોને મોઢામોઢ અપમાનિત કરી નીચે પાડવાની વ્યર્થ કોશિષ ક્યારેય ન કરવી. આ પ્રકારના લોકોથી પોતાનો માર્ગ અલગ કરી લેવામાં જ શાણપણ છે.

દંભી લોકોની નજીક જવામાં આખરે દર્દ તો આપણે જ સહન કરવું પડે. દંભી લોકો માટે જેવા સાથે તેવા થવાની ફિલોસોફી રાખવાથી શત્રુઓની સંખ્યામાં જાણે અજાણે ઈજાફો થવાનો છે. એટલે બને ત્યાં સુધી કોઈના દંભના દુર્ગુણને જવાબ આપીને આપણે આપણી સારાઈ શા માટે છોડવી જોઈએ ? આપણી સારાઈ આપણી સચ્ચાઈ છે. જ્યારે દંભીને જવાબ આપીએ ત્યારે આપણે પણ એ દંભી જેવા દુષ્ટ અને  દુરાચારી બની જઈએ છીએ. સર્વસ્વિકૃત એક નિયમ છે કે, કોઈનું ખરાબ બોલી એની નિંદા કોઈના મોઢે કરવી નહીં. જો કોઈ તમારા મોઢે બીજા કોઈનું ખરાબ બોલતા હોય તો એની વાતોમાં આવીને અનુભવ વિના એ વ્યક્તિ માટે ક્યારેય ખરાબ અભિપ્રાય ક્યારેય બાંધવો નહીં. દંભી લોકોના વર્તન અને વાણીમાં આસમાન જમીનનુ અંતર હોય છે.


ધબકાર : દંભી દુર્જનો સજ્જનો સાથે વેર બાંધવાનું કદાપી ચૂક્યા નથી અને ચૂકશે નહીં.




ગુગલ ગુરૂ ઉપર ગુજરાતીમાં ‘ચંદ્રકાંત બક્ષી’ લખો એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં એક લાખ ઓપ્શન ખુલે


 

મારી સાથે દુશ્મની કરવાની લાલાઈત  પુરુષોની કમી નથી. વિશેષતઃ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા ઉપર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વના નથી. મારા માટે મહત્વના શબ્દો છે. ‘દિલ ફાડીને !


આવી ખુમારી અને મારફાડ ભાષા ગુજરાતી ભડવીર લેખક, ચિંતક, વિચારક અને વકતા ચંદ્રકાંત કેશવલાલ બક્ષીની જ હોય. બક્ષીબાબુના નામે વિશ્વમાં પ્રસિદ્ધ એવા આ લેખક વિશે હકીકત તો એ છે કે, આજે ગુગલ ઉપર ગુજરાતીમાં માત્ર બે શબ્દ ચંદ્રકાંત બક્ષીલખો એટલે  સેકંડના ૬૦મા ભાગમાં ૧ લાખ ૨૦ હજાર સાઈટ્સના ઓપ્શન  ગુગલ ગુરૂ આપી દે છે. કોઈપણ લેખક કે સાહિત્યકારને ઈર્ષ્યા આવે એવી આ વાત છે. બક્ષીબાબુના નામથી આગળ વધીને એમનુ સર્જનપેરાલીસીસ કૃતિગુગલ ઉપર લખવામાં આવે તો ૪૦ હજાર ઉપરાંત સાઈટ્સના એડ્રેસ મળે છે. બક્ષીબાબુના ૯૦મા હેપ્પીવાલા બર્થ-ડે આ મહિનાની ૨૦ ઓગસ્ટે ગયો.

આજની તારીખમાં ખુબ વંચાતા જય વસાવડાએ બક્ષીબાબુને જન્મદિને ટ્રીબ્યુટ આપતા FB પોસ્ટમાં લખ્યું કે, ‘બક્ષી એટલે બક્ષી. એ ગરૂડ બાકી બધા પક્ષી. નંબર વન એન્ડ ઓનલી. એન ઈન્સ્પિરેશન ફોર હોલ જેનરેશન...’ પાલનપુરની શેરીઓમાં બાળ બક્ષીની પાપા પગલીઓ પડી. ત્યારનું કલકત્તા આજનું કોલકતામાં બક્ષીની યુવાની આળસ મરડીને બેઠી થઈ અને મુંબઈમાં ઢળતી યુવાની બાદ અમદાવાદના આંગણે જીવનનો આખરી પડાવ એમણે પસાર કર્યો. પણ આ તમામ દોરમાં બક્ષીબાબુનો દમામ તો રાજાશાહીનો જ ! એમા તસુભાર પણ ફરક જોવા ન મળે. આમ તો સેવા નિવૃત્ત સરકારી અફસર છે પણ મને સર્જક મિત્ર કહેવું વધુ ગમે છે એવા રમેશ ઠક્કરે બક્ષીબાબુ માટે હમણા લખ્યું છે કે, એમની કૃતિ લીલી નસોમાં પાનખરનો નાયક એના પૈતૃક ઘર શોધે છે. ગજબનું સંવેદન આલેખાયું છે. ચંદ્રકાંત બક્ષીના ઘરની મુલાકાત એ પણ એક સાંજની મુલાકાતથી કમ નથી.’


બક્ષીબાબુના લખાણમાં હંમેશા મોર્ડન ટચ અને તાજગીસભર શબ્દોની સુવાસ લાગે. એમના લખાણમાં ગુજરાતી, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજીનું અદભુત સંમિશ્રણ જોવા મળે. બક્ષીના તેજાબી શબ્દો અને તીક્ષ્ણ વિચારોએ એમને હંમેશ વિવાદમાં રાખ્યા છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીરભાઈ ચૌધરીએ મિસીંગ બક્ષીના પાના નં. ૧૭૯ બક્ષીબાબુના વિવાદોને લઈને લખે છે કે, ‘વાંચકોને કદાચ વિવાદાસ્પદ લેખકોમાં વધુ રસ પડતો હશે.’ આમ જોવા જઈએ તો બક્ષી મુળતઃ વિવાદાસ્પદ સ્વભાવ ધરાવતા હોય એમ લાગે. સમગ્ર મામલો થાળે પડી ગયો હોય. કોઈ પ્રશ્ન ન હોય અને શાંત વાતાવરણમાં પણ બક્ષી આસાનીથી વિવાદને તર્કબદ્ધ રીતે વહેતો કરવાની ક્ષમતા ધરાવતા.

બક્ષીબાબુની બીજી એક અવિસ્મરણીય લાક્ષણિકતા ફાઈટીંગ સ્પીરીટની છે. હાર એમણે ક્યારેય માની નથી. એમ લાગે કે, માર મંજૂર પણ હાર કદી મંજૂર નહીં એમનું સુત્ર અને મંત્ર હોવો જોઈએ. બક્ષીબાબુએ ૨૬ જેટલી નવલકથા લખી છે. ૫૮ વર્ષ પહેલાં વર્ષ ૧૯૬૩માં આકારનવલકથાથી બક્ષીબાબુ ફેમસ થયા. જો કે બક્ષી સ્વયં સ્વીકારે છે કે નવલકથા કરતાં નવલિકાએ એમને વધારે નેમ અને ફેમ આપી છે.

જ્યારે એમને એક કાર્યક્રમમાં વકતા તરીકે નિમંત્રિત કર્યા ત્યારે આ લખનારને બક્ષીબાબુના તેવરનો પ્રત્યક્ષ પરિચય પહેલ વહેલો ત્યારે થયો. એક વાત તો નક્કી હતી વક્તવ્ય તો બક્ષીબાબુનું જ રાખવું છે. એટલે સમય સુનિશ્ચિત કરી એમને મિત્ર દાવે નિમંત્રિત કરી દીધી. બક્ષીબાબુએ એમના આગવા અંદાજમાં દોઢ કલાક ધુંઆધાર વક્તવ્ય આપ્યું. પછી જ્યારે વિદાય વેળા આવી ત્યારે એમનો આભાર માની પુરસ્કારનું કવર એમના હાથમાં મૂક્યું. બક્ષીબાબુએ પાંચ માણસની હાજરીમાં પૂછ્યું કેટલા છે ?મેં કહ્યું આટલા છે.’ બક્ષીબાબુએ કવર પાછુ આપતા કહ્યું, ‘મારા એક કલાકના વક્તવ્યની કિંમત આટલી લઉં છું. મિત્ર તરીકે એમને એમ કલાકો વાતો કરીશું પણ મારી કિંમત હું જ બગાડું એ કેમ ચાલે ?’

આવી એમની ખુમારી. એક તરફ આવા એટિટ્યૂડને સલામ મારવાની ઇચ્છા થાય અને બીજી બાજુ બજેટ ખોરવાય એની ચિંતા પણ થાય. ખેર પ્રસંગ હેમખેમ પૂરો થયો અને મૈત્રી પણ જળવાઈ રહી એનો આનંદ. એમના પુસ્તકો એક ઉપર એક મૂકવામાં આવે તો પાંચ ફુટ જેટલી હાઈટના બક્ષીબાબુના કદ કરતાં એ ઢગલો ઊંચો થઈ જાય. સંદેશ દૈનિકમાં પિકનીક’, ગુજરાત સમાચારમાં વાતાયનઅને સ્પીડ બ્રેકર’, જન્મભૂમિ પ્રવાસીમાં સિમ્પોઝિપમ, સમકાલિન, સમભાવ, અભિયાન, દિવ્યભાસ્કર જેવા અખબારો અને મેગેઝીનના પાને બક્ષીબાબુની કોલમોની લોકો આતુરતાથી રાહ જોતા. ઇતિહાસ, જ્ઞાન-વિજ્ઞાન, પત્રકારત્વ, રમતગમત, યુવાનો માટે સપ્રેમ શ્રેણી, ચાણક્ય ગ્રંથમાળા, વાતાયન, નમસ્કાર, રાજકારણ, પ્રવાસ જેવા અનેક વિષયો ઉપર બક્ષીબાબુએ ખેડાણ કર્યું છે.

ચિંતક, લેખક, પ્રોફેસર, એફબી મિત્ર ડૉ. માસુંગ દોસ્ત એમની એક પોસ્ટમાં બક્ષીબાબુ માટે લખે છે કે, પાલનપુરના વિદ્યા મંદિરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૧ મા જ્ઞાન સત્રમાં સંસ્થાના વડા શિરીષ મોદીએ કહ્યું કે, ‘ગાંધીજી પછી ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લખનારા ચંદ્રકાંત બક્ષી હતા.’ જો કે ડૉ. માસુંગ સ્પષ્ટતા કરતા લખે છે કે, આ અંગેના કોઈ ચોક્કસ અને નક્કર આધારા પુરાવા ઉપલબ્ધ નથી.

સો વાતની એક વાત એ છે કે, બક્ષીનો ડાઈહાર્ડચાહક વર્ગ છે. કોઈ ફિલ્મી સિતારા કે સુપરસ્ટારની જેમ ગુજરાતના આ શેરદિલ લેખકના લાખો ફેન ફોલોઅર્સછે. આજે પણ બક્ષીના વિચારો અને ગદ્યાંશો વોટ્સએપ અને ફેસબુક વોલ ઉપર એમના વિશાળ ફેન ફોલોઅર્સ રોજે રોજ મૂકતા આનંદ અને ગૌરવ અનુભવે છે. બક્ષી અને ઓશોમાં એક સમાનતા છે. બંને મેઘાવી યાદશક્તિ ધરાવતા અને બન્ને તેમના વિચારો બેબાક રીતે ધારદાર શૈલીમાં પ્રસ્તુત કરતા ક્યારેય ન ખચકાતા. આ લખનારા સહિત અનેક લોકો બક્ષીબાબુ અને ઓશોને તેમના આદર્શ માનતા હશે. એમની પાસેથી ઘણું શીખ્યા અને શીખતા હશે. બક્ષીબાબુ જેવા ચિંતક, લેખક, વકતા ગુજરાતની આગવી ઓળખ છે. વર્ષ ૨૦૦૬માં હાર્ટએટેક આવતા બક્ષીબાબુ દુનિયાને અલવીદા કહીને ચાલી નીકળ્યા.

છેલ્લે એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે બક્ષી બાબુએ અનેક અવનવા શબ્દો ગુજરાતી ભાષાને આપ્યા છે. સુરતના લેબ ટેકનિશિયન મોલિકા દેરાસરીએ બક્ષીબાબુના પુસ્તકોનો અભ્યાસ કરીને પાંચ હજારથી વધુ નવા શબ્દો તારવ્યા છે. શ્રીમતી દેરાસરી નોંધે છે કે, ભયંકર પ્રેમ, દિલફાડીને વગેરે શબ્દો બક્ષીબાબુએ આપ્યા છે. શ્રીમતી દેરાસરીનું આ અંગેનું પુસ્તક ‘‘શ્રી ચંદ્રકાંત બક્ષી શબ્દોનો રોમાંસ’’ ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઇ રહ્યું છે એવા સમાચાર મળે છે. કેટ્લાય બક્ષીલવર્સ ફેસબુક પેજ અને વેબસાઈટ ઉપર બક્ષીબાબુને જીવંત રાખી રહ્યાં છે. ‘એની વેયઝ... બક્ષીબાબુ, યુ વીલ બી ઓલવેયઝ લીવ ઇન ધ હાર્ટ્સ ઓફ ગુજરાતીસ...


ધબકાર :

લખવું એ રોટી પકવવા જેવી, ચુંબન કરવા જેવી, તરવા જેવી, ઘોડેસવારી કરવા જેવી, રડવા જેવી જ ક્રિયા છે. એમાં ઉસ્તાદની જરૂર નથી. એમાં તમારે સ્વયં બળવું પડે છે, અને સ્વયં ડૂબવું પડે છે.   ચંદ્રકાંત બક્ષી

 


https://cdngs.betanetcdn.com/gnrsmc/epaper/21august/24082021-4.pdf

Sunday, 22 August 2021

ઑગષ્ટના આરંભે ગુજરાતે જોયું જન સેવાના મહાયજ્ઞનુ નવ દિવસનુ ઐતિહાસિક અનુષ્ઠાન



 ૧૬,૦૦૦ ઉપરાંત કાર્યક્રમોમાં ૪૮,૫૬,૦૦૦ ઉપરાંત નાગરિકોને

વિવિધ યોજના અન્વયે રૂ. ૧૩,૦૦૦ કરોડના વિકાસ કાર્યોનો મળ્યો લાભ


आओ फिर से दिया जलाएँ

भरी दुपहरी में अँधियारा

सूरज परछाई से हारा

अंतरतम का नेह निचोडें-

बुझी हुई बाती सुलगाएँ

आओ फिर से दिया जलाएँ


ચિંતક, વિચારક, કવિ અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી બાજપેયીજીના આ શબ્દો ઑગષ્ટ મહિનાના આગાઝના પ્રથમ નવ દિવસ દરમિયાન કાનમાં સતત ગુંજતા રહ્યાં. ૧લી ઓગસ્ટથી ૯મી ઓગસ્ટ નવ દિવસ ગુજરાતમાં જનસેવા અને વિકાસના મહાયજ્ઞનું અદભુત અનુષ્ઠાન જોવા મળ્યું. ગુજરાતની નવરાત્રી ભક્તિ અને શક્તિની આરાધના માટે વિશ્વ સમસ્તમાં ઓળખાતી હોય છે. બરાબર એ જ રીતે ૧લી થી ૯મી ઓગસ્ટ નવ દિવસ ગુજરાતે જનસેવા અને વિકાસની અદભુત આરાધના કરી ઇતિહાસ રચ્યો છે. માત્ર નવ દિવસના સમયગાળામાં ૧૬ હજાર ઉપરાંત જનહીતલક્ષી કાર્યક્રમો યોજાયાં. ૪૮ લાખ ૫૬ હજાર ઉપરાંત નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ લોકોપયોગી યોજનાના લાભ મળ્યાં. આ નવ દિવસ દરમિયાન વિવિધ યોજના અન્વયે રૂ. ૧૩ હજાર કરોડની રકમનો લાભ રાજ્યના જનસામાન્યને મળ્યો. આ નાની સુની ઘટના નથી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું છે કે, નવ દિવસના સમયગાળામાં આટલા મોટા ફલક ઉપર ગુજરાતના ખૂણે ખૂણામાં વિકાસની આહલેક જાગી હોય. કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણપણે ધ્યાન રાખીને સમગ્ર રાજ્યમાં મેયરથી માંડીને મુખ્યમંત્રીશ્રી સુધીના પદાધિકારીશ્રીઓએ લોકો વચ્ચે જઈને છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે કરેલી જનસેવાની આરાધનાને જનજન સુધી પહોંચાડી.


આજે ગુજરાત ચાર અક્ષરનો શબ્દ વિકાસનો પર્યાય બની ગયો છે. આ બિરુદ ગુજરાતને એમને એમ નથી મળ્યું. છેલ્લા બે અઢી દાયકાથી ગુજરાતે વિકાસનો રીતસરનો મહાયજ્ઞ આરંભ્યો છે. ગુજરાતના પનોતાપુત્ર અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાના મજબૂત પાયા નાખી આપ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ બનાવેલા ઉત્તમ ગુજરાતને હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતરાજ્યને ઉત્તમથી સર્વોતમ ભણીલઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.

શ્રી નરેન્દ્રભાઈ મોદી કહેતા હોય છે કે, ‘સમાજની સેવા કરવાનો અવસર ઋણ ચૂકવવાનો અમૂલ્ય મોકો આપે છે, એટલે જ્યારે પણ સમાજ સેવાની તક મળે ત્યારે સત્યનિષ્ઠાથી એ તકને ઝડપી લેવી જોઈએ.’ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી સંવદનશીલતાપૂર્વક સંપૂર્ણ પારદર્શકતાથી જનહીતલક્ષી નિર્ણાયકતાએ ગુજરાતમાં પ્રગતિશીલતાની પરાકાષ્ઠા સર્જાઇ રહી છે તેની ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સૌ કોઈ ગુજરાતી બાંધવોને પ્રતીતિ થઈ છે. છેલ્લા પાંચ વર્ષની ગુજરાતની વિકાસયાત્રાને જોઈને આજે ગુજરાતના ખૂણેખૂણામાં વસતો અદનો નાગરિક પણ હૃદયપૂર્વક એમ કહે છે કે, ‘આ સરકાર આપણી સરકાર છે’. પાંચ વર્ષનો સમયગાળો નાનો સમયગાળો ન કહેવાય. પાંચ વર્ષના અંતે શું કાર્ય થયાં તેનું સરવૈયું અને કેવા કાર્યો કરવાના છે તેનો રોડમેપ નક્કી કરવાનો સમય છે. અઢી દાયકાથી પણ વધુ સમય સુધી ગુજરાતની જનતાએ વિકાસલક્ષી રાજનીતિ અને પારદર્શક નિર્ણાયકતાને મનભરીને આશીર્વાદ આપ્યા છે.

કિસાનો માટે કિસાન સૂર્યોદય યોજનાથી માંડીને સાતપગલાં ખેડૂત કલ્યાણના જેવી યોજનાઓથી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના કિસાનોનું આર્થિક સશક્તિકરણ થઈ રહ્યું છે. ૨૨ લાખ કિસાનો પાસેથી ૧૯ હજાર કરોડના ૪૧ લાખ મેટ્રીક ટન કરતાં પણ વધારે ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરીને ગુજરાતે ઐતિહાસિક કાર્ય કર્યું છે. અલગ અલગ યોજનાઓ અન્વયે રાજ્યના ખેડૂતોને છેલ્લા ત્રણ જ વર્ષમાં રૂ. ૯૯ હજાર કરોડ ઉપરાંતની રકમ આ સરકારે આર્થિક સહાય સ્વરૂપે આપી છે. કોરોના મહામારી હોય કે, અતિવૃષ્ટિનો માર હોય, તાઉતે જેવું મહાવિનાશક વાવાઝોડું હોય કે અનાવૃષ્ટિ હોય, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા પાંચ વર્ષમાં તમામ આફતો સામે કુનેહપૂર્વક જીક ઝીલી છે અને ગુજરાતને તેમાંથી સાંગોપાંગ બહાર કાઢ્યું છે.


ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, આદિવાસીઓ સૌ કોઈને હૃદયપૂર્વક અનુભૂતિ થઈ રહી છે કે અમારો ખરેખર વિકાસ થઈ રહ્યો છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અને ૭૬ જેટલી યુનિવર્સિટીઓ સાથે આજે ગુજરાત શિક્ષણનું હબ બન્યું છે. સ્ટુડન્ટ સ્ટા્ટ અપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ સ્થાને છે જે પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. યુવા શક્તિના સામર્થ્યને સુપેરે સમજીને છેલ્લા પાંચ વર્ષમાં ૧૭ લાખ જેટલાં યુવાનોને રોજગાર સ્વરોજગારના અવસરો પ્રાપ્ત થયા છે. ૨ લાખ જેટલાં યુવાનોને સરકારી નોકરી મળી છે. ગુજરાત છેલ્લા ૧ દશકથી પણ વધારે સમયગાળાથી રોજગાર વિનીમય કચેરી દ્વારા અપાતી રોજગારીમાં રાષ્ટ્રભરમાં અગ્રસ્થાને છે. નારી શક્તિનો સન્માન કરીને ૧૦ હજાર મહિલા સ્વસહાય જૂથોની રચના કરીને તેમનું આર્થિક સશક્તિકરણ આ સરકાર કરી રહી છે. શાંતિ સલામતી અને સુરક્ષા સાથે ગુજરાતના વિકાસ માટેની આ સરકારની પ્રતિબદ્ધતા સૌકોઈ પીછાણી રહ્યા છે. આતંકવાદીઓને ગુજસીટોક કાયદાના અમલથી, ભૂમાફિયાઓને લેન્ડગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટથી અને અસામાજિકતત્વોને ગુન્ડા એક્ટ પસાર કરીને ગુજરાતની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરવામાં આવી છે. દીકરીઓને આડે માર્ગે જતાં અટકાવતો લવ જેહાદનો કાયદો આ સરકારે હિંમતપૂર્વક ઘડ્યો છે.

નવ દિવસ વિષેશ નામ સાથે ઉજવાયા. જ્ઞાનશક્તિ દિવસે પાંચ વર્ષ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના સૂત્ર ઉપર રાજ્યભરમાં કુલ ૨૫૩ કાર્યક્રમો યોજાયાં. લગભગ ૫૦ હજાર જેટલાં લોકોએ આ દિવસે રાજ્યભરમાં થયેલાં વિવિધ કાર્યક્રમોમાં કોવિડ પ્રોટોકોલ અનુસરતા હાજરી આપીને ગૌરવ અનુભવ્યું હતું. જ્ઞાનશક્તિ દિવસે ૧૪૧૫૯ જેટલાં ખાતમુહૂર્ત અને લોકાર્પણો થયાં હતાં. મોરબીમાં વાણિજ્ય સ્નાતકનો અભ્યાસ કરતી દીકરી ઈશાની ઠાકરે કહ્યું કે, MYSY સ્કોલરશીપ મળતાં હવે ભણીગણીને આગળ વધવાનું મારું સ્વપ્ન અવશ્ય સાકાર થશે. પંડિત દિનદયાલજીએ આપેલા એકાત્મ માનવવાદના સિદ્ધાંતને સમગ્ર પ્રશાસનને સંવેદનાસભર બનાવ્યું છે. ઓગસ્ટ તા. , ૨૦૨૧ના સંવેદના દિવસે એક જ દિવસમાં ૮ લાખ ૨૩ હજારથી પણ વધુ નાગરિકોની રજૂઆતોનો 'ઓન ધ સ્પોટ’ નિકાલ કરવામાં આવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ દિવસે મળેલી રજૂઆતો પૈકી ૯૯.૬૩ ટકા રજૂઆતોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ આવ્યો હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે બીજી ઓગસ્ટ એટલે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ. ગુજરાતના ખૂણે ખૂણામાં શ્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ અને સૌજન્યશીલ રાજપુરુષ તરીકે જાણીતા છે. એમણે સંવેદના દિવસે રાજ્યની ગંગાસ્વરૂપા બહેનોના પુનઃસ્થાપન માટે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાની જાહેરાત કરી.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગસ્ટ તા. , ૨૦૨૧ અન્નોત્સવના દિવસે રાજ્યના ૭૧ લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી વિના મૂલ્યે રાશન આપવાના સેવા યજ્ઞનો ઉગતા સુરજના પ્રદેશ દાહોદથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. વિકાસની રાહ પર નારી શક્તિને જોડવાનું અને નારી શક્તિના સામર્થ્યનો સદઉપયોગ કરવાનું ગુજરાત સુપેરે જાણે છે. ઓગસ્ટ તા. , ૨૦૨૧ના રોજ ગુજરાતમાં નારી સશક્તિકરણનો દિવસ રહ્યો. ગુજરાતની નારી હવે અબળા નહીં પણ ઊર્જાવાન તેજસ્વીતાનું પ્રતિક છે. ૧૦૯ જેટલાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આ દિવસે રાજ્યભરમાં યોજાયા.


૫ ઓગસ્ટ ૨૦૨૧ કિસાન સન્માન દિવસ ગુજરાતના ખેડૂતો માટે એક સોનેરી કિરણ સાથે ઊગ્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સરહદી જિલ્લા કચ્છની ધરતી ઉપરથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વધુ ૧૪૦૦ ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પહોંચાડતાં જણાવ્યું કે, ગુજરાતના કિસાનોના બાવડામાં અદભુત તાકાત રહેલી છે. તેને પાણી, બિયારણ અને વીજળી મળે તો તેમના પરિશ્રમ પ્રસવેદથી ધરતીમાંથી સોનું પાકી શકે એવી એમની ક્ષમતા છે. ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને એવી પરિકલ્પના સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના યુવાનોના સામર્થ્યને સુપેરે યોગ્ય દીશા આપી છે. સૂરતમાં રોજગાર દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ દિવસે ૬૨ હજાર જેટલાં યુવાનોને નિમણૂંક પત્રો આપીને ગુજરાતમાં એક નવી કેડી કંડારવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી એવા અનુબંધમપોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનો ડિજિટલી શુભારંભ કરાવ્યો હતો.

વર્ષ ૨૦૧૬ની ઓગસ્ટ તા. ૭નો એ યશસ્વી દિવસ યાદ આવે છે કે, જ્યારે ગુજરાતની જનતાની સેવા કરવા માટે શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં હતાં અને તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી નીતિનભાઈ પટેલે શપથ લીધાં હતાં. ગુજરાતના વિકાસ માટે આ બે કર્મઠ નેતાઓએ સાશનધુરા સંભાળ્યાના ઑગષ્ટ ૭, ૨૦૨૧ના રોજ  પાંચ વર્ષ પૂરા થયાં ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરીને પાંચ વર્ષ સૌના સાથથી સોના વિકાસના બની રહ્યાં. ઓગસ્ટ તા. ૭ના રોજ વિકાસ દિવસના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની પ્રજાના જનસુખાકારી માટેના રૂ. ,૪૩૫ કરોડથી વધુ રકમના ૭૭,૪૫૦ જનહીતલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે ૧૬૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી પણ વર્ચ્યુ્અલી ઉપસ્થિતિ રહ્યા હતા. રાજ્યના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન અને ખાતમુહુર્ત કરતાં અમિતભાઈ શાહે કહ્યું કે, દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ સમયે આરંભેલી વિકાસયાત્રા અને જનકલ્યાણની પરંપરાને આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અભિનંદનના અધિકારી છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ પ્રસંગે ગુજરાતની વતનપ્રેમયોજના લોન્ચ કરી હતી.

જનસેવા યજ્ઞ અનુષ્ઠાનના નવમો દિવસ અંબાજીથી ઉંમરગાવ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રીએ નર્મદા જિલ્લાના રાજપીપળાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાના રૂ. ૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ, લોકાર્પણ અને ખાત મૂહૂર્ત કરાવ્યા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ. એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અંદાજે રૂ. ૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ. ૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

આધુનિક ગુજરાત, દિવ્ય અને ભવ્ય ગુજરાત, શિક્ષિત અને દિક્ષીત ગુજરાત જોવાની પ્રત્યેક ગુજરાતીની હૃદયપૂર્વકની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. ગુજરાતની વિકાસયાત્રાને જોઈને આજે પ્રત્યેક ગુજરાતીને સંતોષ થઈ રહ્યો છે કે, તેમણે જોયેલાં ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના શમણાં બિલકુલ સાચી રીતે સાકાર થઈ રહ્યા છે. મેટ્રો ટ્રેન અને બુલેટ ટ્રેને ગુજરાતની નવતર પહેચાન ઊભી કરી છે. BRTS, રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ આધુનિક ગુજરાતની છબી ઊજાગર કરે છે. ભાવનગરનું વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ, કચ્છનું રીન્યુએબલ એનર્જી પાર્ક, વિશ્વ સમસ્તનું ધ્યાન ખેંચી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમા સ્કાયલાઈન બિલ્ડિંગની મંજુરી મળતાં હવે ગુજરાતના શહેરો દુબઈ અને સિંગાપોર જેવા શાનદાર બનવાના છે. ગીફ્ટ સિટી, મેડીસિટી, ધોલેરા સ્માર્ટ સિટી, ડાયનોસોr ફોસિલ પાર્ક, શીવરાપુર બ્લુ બીચ, નડાબેટ સીમા દર્શન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભવ્ય ગુજરાતના મોડેલ બનીને ઊભરી આવ્યા છે. ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ શહેર અને હવે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજના નકશામાં આવતાં દેશ વિદેશના સહેલાણીઓનું ગુજરાત ફસ્ટ ચોઈસ ઓફ ડેસ્ટીનેશન બન્યું છે.

છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે ૧૭૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનુ નક્કર અમલીકરણ કરી બતાવ્યું છે. ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વંચિતો, વનબંધુઓ સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો ટીમ ગુજરાતના પરિણામલક્ષી નિર્ણયોને કારણે શક્ય બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં સંકલ્પથી સિદ્ધિની જનજનને પ્રતીતિ થઈ છે. આજે પ્રત્યેક ગુજરાતી હૃદયના ઊંડાણથી સ્વીકારી રહ્યો છે કે, પાંચ વર્ષ આપણી સરકારના છે... આ પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના બની રહ્યાં છે...