Tuesday, 23 February 2021

ટેડ સોરેનસેનના શબ્દોના શણગારે કેનેડીના ભાષણોને ચિરંજીવ બનાવ્યા


યાદ છે, દાયકાઓ પહેલાં બોલાયેલું એક વાક્ય, ‘માય ફેલો અમેરિકન્સ, ડુ નોટ આસ્ક વ્હોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વ્હોટ કેન યુ  ડુ ફોર યોર કન્ટ્રી...’ અર્થાત રાષ્ટ્ર તમારા માટે શું કરી શકે એમ ન પુછો, તમે રાષ્ટ્ર માટે શું કરી શકો છો એમ પુછો. પ્રખર વકતા અને લેખક અમેરિકન પ્રમુખ જહોન એફ. કેનેડીના આ શબ્દો છે. પ્રત્યેક રાજપુરુષો કે મહાન વકતાઓની પાછળ તેમના ભાષણોનું લેખન કરતાં શબ્દવીરોની એક મજબૂત ટીમ હોય છે. જહોન એફ કેનેડીના પ્રવચનો સમસ્ત વિશ્વમાં અત્યંત આદરપૂર્વક સ્થાન પામ્યા છે. કેનેડીના સ્પીચ રાઈટર તરીકે ટેડ સોરેનસેનને આજે પણ દુનિયા ભૂલી શકી નથી. સામાન્ય રીતે રાજપુરુષોના વિચારોને આત્મસાત કરીને તેનું યોગ્ય શબ્દઘડતર કરીને જ સ્પીચ રાઈટર ભાષણનો પ્રાથમિક મુસદ્દો રજૂ કરતાં હોય છે. વિચારને યોગ્ય શબ્દોની પસંદગીથી ઢાળવાની સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એમના શીરે હોય છે.



કાંઈપણ બોલતા પહેલાં હજારવાર વિચારીને બોલવું પણ બોલ્યા પછી વિચારવાનો કોઈ અર્થ નથી. શબ્દ જીભ દ્વારા બહાર નીકળે એટલે એ વાણી બને છે. વકતાની જીભ એના વિચારો અને પૃથક્કરણને અભિવ્યક્ત કરતા હોય છે. વિચક્ષણ રાજપુરુષોથી માંડીને બિઝનેસ ટાઈફુન્સના શબ્દો પથદર્શક બની જાય છે. મોહનદાસ કરમચંદ ગાંધીની ગાંધી બાપુ બનવા સુધીની સફરમાં એમના વિચારોને અભિવ્યક્ત કરતાં શબ્દોએ મોટો ભાગ ભજવ્યો છે. વાચક, વિચારક અને પ્રખર ચિંતક એવા લીંકન હોય કે પછી મેઘાવી વ્યક્તિત્વના માલિક જહોન એફ કેનેડી હોય, આઈન્સ્ટાઈન હોય કે એ.પી.જે. અબ્દુલકલામ હોય, અટલજી હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે બરાક ઓબામા હોય આ બધા જ મેઘાવી રાજપુરુષોની વાણીએ જનસમુદાયને ચોક્કસ દિશામાં પ્રેરિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ટેડ સોરેનસેનના લખાણોની વિશેષતા એ હતી કે, એમના વાક્યો ખૂબ ટૂંકા રહેતા. જેને પરિણામે વકતા તેને અસરકારક રીતે પ્રસ્તુત કરી શકતા. તેમણે લખેલી તમામ સ્પીચના શબ્દો ખૂબ સરળ અને સ્પષ્ટ છતાં ચોક્કસ રહેતાં. વિચારોનું ગાંભીર્ય અને તર્ક સુપેરે વ્યક્ત  કરી શકતા. વાક્યો, શબ્દસમૂહ અને ફકરાઓની ગુંથણી  સોરેનસેનની મજબૂત શક્તિ હતી. ક્યાં કેટલો અને કેવો વિરામ લેવો અને ક્યાં સડસડાટ ડાયલોગ બોલવો એનું ચિંતન સોરેનસેનના લખાણોમાં હંમેશા ઊભરી આવતું.

કેનેડીના સમયગાળા દરમિયાન સામાન્ય રીતે ૨૦ થી ૩૦ મિનિટની સ્પીચ રહેતી. મોટા ભાગે આ બધા ભાષણો ટૂંકા હતા પરંતુ ચોટદાર રહેતા. રાષ્ટ્રપતિ કેનેડી સોરેનસેનને તેમની ઈન્ટેલેકચ્યુઅલ બ્લડ બેન્ક તરીકે ઓળખાવતા. પુલીત્ઝર પ્રાઈઝ વિજેતા કેનેડીના પુસ્તક પ્રોફાઈલ ઈન કરેજમાં પણ સોરેનસેને સિંહફાળો આપ્યો છે. કેનેડીના વર્ષ ૧૯૬૨માં લખાયેલા પુસ્તક વી ચુઝ ટુ ગો ટુ ધ મુન તરીકે ખૂબ વખણાયેલા ભાષણનો પ્રારંભિક મુસદ્દો પણ સોરેનસેનની કલમે જ અવતર્યો હતો.

ટેડ ઉપર અબ્રાહમ લિંકનના વિચારોનો ખાસ્સો પ્રભાવ હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે જહોન એફ. કેનેડી આરુઢ થયા ત્યારે તેમણે સોરેનસેનને કહ્યું હતું કે, ૨૦મી સદી અગાઉના લિંકનના તમામ ભાષણોનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે. જ્યારે સોરેનસેને લિંકનના ભાષણોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને લાગ્યું કે, લિંકન એક સંવેદનશીલ, જાનદાર અને શાનદાર લેખક હતા. સોરેનસેન માનતા હતા કે જો અબ્રાહમ લિંકન રાજકીય ક્ષેત્રે ન હોત તો કદાચ બહુ મોટા ગજાના લેખક હોત.

કેનેડીના સમયગાળા દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ભાષણકાર અને સલાહકાર તરીકે સોરેનસેન લાઈમલાઈટમાં રહ્યા હતા. ક્યુબામાં સોવિેયેત અણુમિસાઈલ્સ વિશે કે પછી કોલ્ડવોર સંદર્ભે, વિશ્વ શાંતિ અંગે કે પછી એશિયન કન્ટ્રીઝ અંગે, રાજકીય એકતા, દેશાભિમાન અને કર્મના સિદ્ધાંતો અંગે કેનેડીના વિચારોને ટેડ સોરેનસેને સુયોગ્ય શબ્દથી સજાવીને કેનેડીને પ્રસ્તુત કર્યા છે. પછી કેનેડીએ એની ધારદાર શૈલીમાં રજુ કર્યા.

ક્રિશ્ચન એ. સોરેનસેનના પરિવારમાં ૧૮૯૦માં નેબ્રાસ્કામાં ટેડ સોરેનસેનનો જન્મ થયો હતો. ટેડના પિતા ક્રિશ્ચન સોરેનસેન ડેનિશ અમેરિકન હતા અને માતા રશિયન યહુદી વંશના હતા. તેમના નાના ભાઈ ફીલીપ પાછળથી નેબ્રાસ્કાના લેફટનન્ટ ગવર્નર બન્યા હતા. નેબ્રાસ્કાની લિંકન યુનિવર્સિટીમાં ટેડે કાયદા સ્નાતક તરીકેની ડિગ્રી મેળવી હતી. ટેડ સોરેનસેનના વૈવાહિક જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા. વર્ષ ૧૯૪૯માં કેમિલા પાલ્મર સાથે એમણે સહજીવનની શરૂઆત કરી. કેમિલાએ એરિક, સ્ટીવન અને ફીલીપ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. કેમિલા સાથેનું દામ્પત્યજીવન બહુ લાંબું ન ચાલ્યું અને તે છૂટાછેડામાં પરિણમ્યું ત્યારબાદ તેણે સારા અલબેરી સાથે લગ્ન કર્યા. તે પણ લાંબો સમય ન ચાલ્યા. અંતે તેણે ગીલિયન માર્ટીન સાથે લગ્ન કર્યા અને તે જીવ્યા ત્યાં સુધી ગીલિયન સાથે રહ્યા. ગીલિયને જુલિયટ દીકરી ટેડને આપી.

ટેડ સોરેનસેને ધ કેનેડી લેગસી, વોચમેન ઈન ધ નાઈટ, ડિસીશન : જહોન કેનેડી એન્ડ ધ ક્યુબન મિસાઈલ ક્રાઈસીસ, વાય આઈ એમ ધ ડેમોક્રેટ જેવા રસપ્રદ પુસ્તકો લખ્યા છે. રાષ્ટ્રપતિ જહોન એફ કેનેડી  સાથેની તેમની નીકટતા અને વ્યક્તિગત સંબંધોની ઉષ્માને કારણે કેનેડીના વિચાર વિશ્વને સોરેનસેને અત્યંત તાર્કિક રીતે શબ્દોમાં ઉતાર્યું હતું. સોરેનસેનની એક વિશેષતા એ પણ હતી કે એ હંમેશા પ્રેક્ષક સમુહની કક્ષા મુજબ વિચારો વણી લેવાનું રાખતા. આ ઉપરાંત ટેડ હંમેશા સમયોચિત અને પ્રાસંગિકતાને ધ્યાનમાં રાખીને વિચારોની ગુંથણી કરતાં. કોઈપણ કાર્યક્રમના ભાષણનો મુસદ્દો તૈયાર કરીને જ્યારે ટેડ કેનેડી સાથે ચર્ચા કરતાં ત્યારે હંમેશા વૈકલ્પિક વિચારોની સૂચિ હાથવગી જ રાખતાં. આને પરિણામે વકતાની મનઃસ્થિતિને શબ્દોમાં સુપેરે પ્રસ્તુત કરી શકાતી.

આમ તો સ્પીચ રાઈટરની ભૂમિકા સુયોગ્ય કહાનીની ગુંથણી કરીને લોકો સામે મૂકવાની હોય છે. અલબત્ત જે પણ કહાની કહેવામાં આવે એના પાયામાં મૂળભૂત વિચાર તો વકતાનો જ હોય છે. પૃથક્કરણ પણ વકતાની વિચારશરણી મુજબ રાખવાનું હોય. જ્યારે પણ સ્પીચ રાઈટર સ્પીચનું માળખું તૈયાર કરે ત્યારે કેન્દ્રસ્થાને વકતાની જ વિચારશરણી હોય એ બીલકુલ સ્વાભાવિક છે. વકતાની છબી ઉજાગર કરવા માટે રજૂ કરાતાં શબ્દોની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવતી હોવાથી સ્પીચ રાઈટરની ભૂમિકા અગત્યની બની જતી હોય છે. બોલવા ખાતર બોલવું એ એક વાત છે અને શ્રોતાઓના મન અને હૃદયમાં ઉતરવું એ બીજી વાત છે. સ્પીચ રાઈટર ગમે એટલા સારા શબ્દો અને તર્ક સાથે વાતને રજૂ કરે પરંતુ વકતા દ્વારા થતાં પ્રસ્તુતિકરણનું પાસું સૌથી અગત્યનું છે. વાંચેલું, લખેલું, અનુભવેલું, જોયેલું, સાંભળેલુ જ્યારે વૈચારિક રીતે યોગ્ય રીતે પૃથ્થકરણ સાથે રજૂ કરવામાં આવે છે ત્યારે તે એક નવતર વિચારધારા સ્વરૂપે જનમાનસમાં આરોપીત થઈ જાય છે.

 

ધબકાર :

શબ્દો એ વિચારોનો શણગાર છે.