Tuesday, 13 April 2021

બાળક ઉપર ઉપદેશો નહીં ઉદાહરણરૂપ વર્તણૂંક અસર કરે છે...

 




ક્લાસ રૂમમાં બેઠેલા પ્રત્યેક ભુલકાઓના દિલમાં તેમની સામેથી બોલતા શિક્ષકની તસવીર ઉજાગર થતી હોય છે. આ છબી કેવી અને કેટલી ઉપસાવવામાં આવે છે તે શિક્ષક ઉપર નિર્ભર હોય છે. એક બાળકને ઘડીને સમાજને અર્પિત કરવાનું પવિત્ર કામ શિક્ષકનું હોય છે. સંસ્કાર વગર અપાયેલું અક્ષરજ્ઞાન કાગળના ફૂલો જેવું હોય છે. દેખાવ તો રૂપકડો લાગે પણ એમાં સુગંધ ન મળે. બાળકનું હૃદય કાચ જેવું સાફ હોય છે. એને ઉપદેશો નહીં ઉદાહરણ જોઈએ. શિક્ષકનું ઉદાહરણીય વર્તન એના કોમળ હૃદય ઉપર જડબેસલાક રીતે અંકીત થઈ જતું હોય છે.


ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાઓને અડીને આવેલા મોટી દેવરૂપેણ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક ઉત્પલભાઈના ઉદાહરણીય શિક્ષણ કાર્યની નોંધ લેવી પડે એમ છે. નાના એવા ગામમાં કામ કરતા આ શિક્ષકે મોટી વૈચારિક છલાંગ મારી છે. ઉત્પલભાઈએ એમની જમીનમાં ૫૦ હજાર જેટલા વૃક્ષો ઉછેર્યા છે. એમણે અઢી એકર જેટલા વિસ્તારમાં જાંબુ, બોર, જમરૂખ, ચેરી વગેરે ફળાઉ રોપા ઉછેર્યા છે. એમના ‘ફ્રુટ ગાર્ડન’નું જતન દાદ માગી લે એવું છે.

શાળાના બાળકોને સમયાંતરે ઉત્પલભાઈ એમના ફ્રુટ ગાર્ડનમાં લઈ જઈને છોડનું જતન કરવાનું પ્રત્યક્ષ શિક્ષણ આપે છે. વિદ્યાર્થીઓ ફ્રુટ ગાર્ડનમાં છોડની માવજત કરતા કરતા ફળ તોડીને મોજથી ખાય ત્યારે એને ખ્યાલ આવે છે કે, એક ફળ તૈયાર કરવામાં કેટલો પરિશ્રમ કરવો પડે છે. ઉત્પલભાઈના વિદ્યાર્થીઓ ફ્રુટ ગાર્ડનમાં ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. સરગવો જબરો ગુણકારી અને વધે પણ ખુબ ઝડપથી. આ શિક્ષકવીરે ગયા વર્ષે તેના ખેતરમાં સરગવાના હજારો બી રોપ્યા હતા. આજે એક વર્ષ બાદ તેમની વાડીમાં અસંખ્ય સરગવાના ઝાડ સરસ ડેવલપ થઇ ગયા છે. આસપાસના ગામના ૬૦ થી ૭૦ ટકા લોકો ઉત્પલભાઇની વાડીનો સરગવો ખાતા થઇ ગયા છે.

તાજેતરમાં ઉત્પલભાઈએ એમના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સરસ વિચાર અમલાં મૂક્યો છે. એમના એક મિત્ર પાસેથી ૨૦-૨૫ રૂપિયામાં ચંદનના રોપા એમણે ખરીદ્યા છે. એમના દરેક વિદ્યાર્થીને ઉત્પલભાઈ એક ચંદનનો રોપો આપે છે અને કહે છે, ‘આ ચંદનના રોપાને ઘરના આંગણાંમાં વાવીને બરાબર માવજત કરજો. તમે કોલેજમાં જશો ત્યારે આ છોડ તમને મોટર સાઈકલ અપાવશે.’ આની પાછળ એમનું લોજિક એ છે કે, ચંદનનો છોડ પાંચેક વર્ષમાં ખાસ્સો મોટો થઈ જતો હોય છે. ચંદનના છોડની ડાળીનો એક કિલોનો બજાર ભાવ આજે રૂ. ૧૮૦૦ જેટલો હોય છે. પ્રાથમિક શાળામાં ભણતો વિદ્યાર્થી પાંચ સાત વર્ષે જ્યારે કૉલેજમાં જવા માટે સજ્જ થાય ત્યારે આ ચંદનનું વૃક્ષ એની આર્થિક તાકાત બની શકે છે. એમની શાળાના બાળકો હોંશે હોંશે ચંદનના રોપાની સાર સંભાળ લઇને એને ઉછેરી રહ્યાં છે

આ શિક્ષકના પ્રકૃતિપ્રેમનો ઇતિહાસ રસપ્રદ છે. ઉત્પલભાઈને બાળપણથી જ વૃક્ષો અને જંગલો પ્રત્યે લગાવ થવાના મૂળમાં એમના પિતા ભરતભાઈ છે. પિતા બાળ ઉત્પલને રોપાઓ ઉછેરવા અને માવજત કરવા હંમેશા સાથે લઈ જતા. શરૂ શરૂમાં એમને કંટાળો આવતો. પછી તો યુવાનીના ઉંબરે પગ મુકતા સુધીમાં ભાઇ ઉત્પલને જંગલ, વૃક્ષો, પહાડો, નદીઓ, પશુ, પંખી વગેરે સાથે સખત લગાવ થઇ ગયો. દોઢ બે દાયકા પહેલાં એક દિવસ ઉત્પલભાઈ એમના મિત્ર સાથે નર્મદા જિલ્લા પાસેના સાતપૂડાના જંગલોમાં ટ્રેકીંગમાં ગયા ત્યારે એમની નજર પુવલો પર પડી. મુસળીને આદિવાસી વિસ્તારમાં પુવલો કહે છે. જંગલમાં પુવલો કુદરતી રીતે જ વિપુલ પ્રમાણમાં ઉગતી હોય છે. આદિવાસી બાંધવો પુવલાની ભાજી ટેસથી ખાય છે. ઉત્પલભાઈએ પાંચ-સાત મુસળીના છોડ મુળ સાથે ઉખાડીને પોતાની થેલીમાં મૂકી દીધા. ઘરે આવી કુંડામાં એ રોપી દીધા. પરંતુ થોડા દિવસોમાં આ છોડ મુરઝાઈ ગયા. આ જોઈને એ ખૂબ વ્યક્થિત થઈ ગયા. એમનો આ પ્રથમ પ્રયોગ નિષ્ફળ નીવડ્યો પણ અહીંથી એમની પ્રકૃતિ પ્રેમની યાત્રા સડસડાટ ચાલી.

ઉત્પલભાઈના વૃક્ષો અને પ્રકૃતિ પ્રેમના કારણે દુર્લભ પંખીઓની સંખ્યા પણ કિલ્લોલ કરતી વધી રહી છે. એમણે  યુ-ટ્યુબ ઉપર જાપાનના મિયાવાકી વૈજ્ઞાનિકના સંશોધન અહેવાલ દ્વારા જાણ્યું કે કુદરતી રીતે જંગલો બનતા ૨૦૦થી ૩૦૦ વર્ષો લાગતા હોય છે પરંતુ સિસ્ટેમેટિક એપ્રોચથી વ્યક્તિ ત્રણથી પાંચ વર્ષમાં ગાઢ જંગલનું નિર્માણ કરી શકે છે. એમણે આ મિયાવાકી સંશોધનના આધારે જ અઢી એકર વિસ્તારમાં પ્રગાઢ જંગલ ઊભું કરવાનું બીડું ઝડપ્યું છે. મુળ સ્વભાવે શિક્ષક અને એમાં ભળી પ્રકૃતિના લગાવની વૈચારિકશક્તિ. પછી તો પુછવુ જ શું, આ શિક્ષકે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર એકલા હાથે નંદનવન ખડુ કરવાની દિશામાં પગરણ માંડ્યા છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અનુભવ શિક્ષણના પદાર્થપાઠ પણ શિખવતા જાય છે.

પેલી કહેવત છે ને કે, ‘કુવામાં હોય તો હવાડામાં આવે’ એ સાચુ પણ ખરેખર તો એમ કહેવું જોઈએ કે, ‘જેવું કુવામાં હોય એવું જ હવાડામાં આવે’. એટલે સીધી વાત કે જો શિક્ષકનું વર્તન અનુકરણીય હશે તો વિદ્યાર્થી અવશ્ય સાચા અર્થમાં જીવનના પદાર્થપાઠ મેળવી શકશે. ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજી કહેતા કે, જ્ઞાન તો દોરો પરોવેલી સોય જેવું હોય છે. દોરો પરોવેલી સોય કદી ખોવાતી નથી એમ જ્ઞાન પરોવેલી જિંદગીથી સંસારમાં ભુલા નથી પડાતું. જાગૃત શિક્ષક બાળકની જિંદગીમાં જ્ઞાન પરોવવાનું કાર્ય કરે છે અને પછી એ જીવનમાં ક્યરેય ખોવાતો નથી. જગતમાં કેળવણી જેવો બીજો કોઈ ઉત્તમ વ્યવસાય છે જ નહીં.

બાળક દીપકની જ્યોત છે. એને પ્રજ્વલિત કરવાનું ઉમદા કાર્ય શિક્ષકના શીરે હોય છે. શિક્ષક બાળકને પ્રેરિત કરવા માટેનું ચાલક બળ હોવો જોઈએ. એક આદર્શ શિક્ષક જીવનભર શીખતો હોય છે. જેટલું એ વધુ શીખશે એટલુ એના વિદ્યાર્થીઓને એ વધુ સારી રીતે પ્રેરિત કરી શકશે. ગાંધીનગરની ચેમ્પ્સ એકેડેમીના ડાયરેકટર કેવલ ત્રિવેદીએ કહે છે કે, ‘હું વિદ્યાર્થીઓને કોઈ દિવસ શીખવતો નથી, હું તો એવા સંજોગોનું નિર્માણ કરું છું કે, તે સંજોગોમાંથી જ વિદ્યાર્થી અઢળક પ્રાપ્ત કરી શકે.’ કેળવણી બાળકોમાં રહેલી શક્તિઓને સાચી દિશા આપે છે. વૈચારિક પરિપકવતા વગર શીખવું એ નિરર્થક ખાડો ખોદવાના પરિશ્રમથી વધુ કંઈ નથી. સ્વવિવેક વિનાના વિચાર વિનાશક છે. જીવનની તમામ સારી નરસી પરિસ્થિતિઓમાં અડગ ઊભા રહેવાનું બળ શિક્ષણ છે. શિક્ષકોમાં પુસ્તકીયા જ્ઞાન કરતાં ક્યાંય વધુ એમની ઉદાહરણીય વર્તણૂંકમાંથી શિક્ષણનો નિચોડ ટપકતો હોય છે.


ધબકાર : ‘ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે, જેના વડે આત્માને, પોતાની જાતને, ઇશ્વરને અને સત્યને ઓળખી શકાય’ – ગાંધીજી





https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21april/13042021-4.pdf

સો વાતની એક વાત, વ્યક્તિ જીવનપર્યંત સાજોનરવો રહેવો જોઇએ

આપણી પોતાની કહેવાય એવી એક બાબત આપણું શરીર આપણી પાસે છે. લાગણી, મોહ, પ્રેમ, ક્રોધ વગેરે જેવી શરીર સાથે જોડાયેલી અનેક બાબતો પણ આપણી પોતાની જાગીર જ તો છે. આની સાથે સાથે શરીરને વળગેલા રોગો પણ ખરાસ્તો. શરીર બોલતુ હોય છે. શરીરના સ્વરની સમજણ હોવી જોઈએ. માત્ર મોં જ નહીં શરીરના પ્રત્યેક અંગો બોલતા હોય છે. આખે આખું શરીર કંઇક કહેતુ હોય છે. આપણા જીવનનો સંપૂર્ણ આધાર અને સૂત્રધાર આપણું શરીર છે. જીવનને આંનદમયી, ઉલ્લાસમયી અને ઉમંગથી ભર્યું રાખવું હોય તો સૌથી પહેલા શરીરનું સન્માન કરતા શીખવું પડશે.


શરીર એટલે હાથ, પગ, હૃદય, ફેફસા વગેરે અવયવો માત્ર નહીં, શરીર સાથે મન પણ જોડાયેલું છે. બન્નેની એક બીજા ઉપર સાપેક્ષ અસરો હોય છે. શરીરનો મન ઉપર અને મનનો શરીર ઉપર સીધો પ્રભાવ હોય છે. એની સાનુકૂળ કે પ્રતિકૂળ અસરો હોય છે. વ્યક્તિ ક્યારેય પોતાના માટે એક મિનિટ વિચારતો જ નથી. પોતાની જાતને વિગતે સમજવાની કોશિષ કરતો નથી. આપણે બધા સપાટી ઉપર જીવવા ટેવાયેલા છીએ.


શાસ્ત્ર કહે છે કે, ‘શરીર ખલુ ધર્મ સાધના.’ પ્રબુદ્ધો હંમેશા કહેતા હોય છે, પહેલું સુખ તે જાતે નર્યા. ટૂંકમાં સુખની ઇમારતનો મુખ્ય દરવાજો વ્યક્તિનું પોતાનું શરીર છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું રાજ હોય છે. સ્વાસ્થ્યનું સાચું મૂલ્ય તેની ગેરહાજરી હોય ત્યારે જ વરતાય. સ્વાસ્થ્યને અંગ્રેજીમાં હેલ્થ કહે છે. મૂળ તો હેલ્થ શબ્દ જર્મન અને એન્ગ્લો સેકશન શબ્દ હેલઉપરથી આવ્યો છે. હેલનો અર્થ હોલીનેસથાય છે. હોલીનેસ એટલે સમગ્ર, સ્વસ્થ અને પવિત્ર. જાણીતા ગ્રીક વૈદરાજ ગેલને લખ્યું છે કે, સ્વાસ્થ્ય ઉપર સ્વસ્થતા અવલંબીત છે. આ ત્યારે જ શક્ય બને કે, જ્યારે શરીરના ગરમ, ઠંડા, સૂકા અને ભીના અંગના વિવિધ તત્વો વચ્ચે સુયોગ્ય સમતોલન જળવાય.


વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને છેક વર્ષ ૧૯૪૬માં પ્રસ્તુત કરાયેલા એક પ્રવચન અહેવાલમાં સ્પષ્ટ કર્યું હતું કે, સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક ક્ષેમકુશળતાની સંપૂર્ણ અવસ્થા. આનો અર્થ એટલો કે ફક્ત રોગોની હાજરી કે દુર્બળતા એટલે અસ્વસ્થતા એમ ન થાય. સ્વસ્થ આરોગ્યની પરિભાષામાં નિરોગીપણા ઉપરાંત શરીરની ક્ષેમકુશળતા મહત્વની છે. આરોગ્ય ક્ષેમકુશળ રહે એ માટે કેટલીક અગત્યની બાબતો નજરઅંદાજ કરવા જેવી નથી જ નથી. એમાં જીભ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્યની શરીરમાં જીભના બે મુખ્ય કર્તવ્યો છે. એક તો મનમાં ઉદભવેલા સારા વિચારોને ઔચિત્યપૂર્ણ રીતે શબ્દ સ્વરૂપે અભિવ્યક્ત કરવાનું અને બીજુ સ્વાદને પારખવાનું. બીજુ કાર્ય હંમેશા મોહમાયાના બાહુપાશમાં જકડીને સ્વાસ્થ્યને ન પૂરી શકાય એવી રીતે ક્ષતિગ્રસ્ત કરી નાખે છે.


સ્લાઈસ બ્રેડ, પીત્ઝા, પાસ્તા, મોમોઝ, ફ્રેન્ચ રોલ્સ, નુડલ્સ, જલેબી, ગુલાબ જાંબુ વગેરે મોંમા પાણી જરૂર લાવે. જીભનો તલસાટ ચોક્કસ અનુભવાય. પણ આ બધી વાનગીઓના બેઈઝમાં મેંદાનો લોટ હોય છે. મેંદાના લોટને વ્હાઈટ ફ્લોર, રિફાઈન્ડ ફલોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર પણ કહે છે. ઘઉંના પ્રોસેસિંગ બાદ એમાંથી ફાઈબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ અને મેન્ગેનીઝ નીકળી જતા જે કચરો વધે એમાં કેમિકલ બ્લીચ મેળવીને સફેદ દૂધ જેવા બારીક લોટને મેંદો કહે છે. સામાન્ય રીતે કોઈપણ ખોરાક શરીરમાં ૨૪ કલાકમાં પચે છે જ્યારે મેંદાના લોટની બનાવટની વાનગીઓને પચતા લગભગ ૬૫થી ૭૦ કલાકનો સમય લાગે છે. મેંદો સ્મુથ અને ચીકણો હોવાથી આંતરડામાં ચોંટી જાય છે અને કબજિયાત સહિત અનેક બિમારીઓનું ઘર બનાવે છે. હિટલરે બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધકેદીઓને સળંગ છ માસ સુધી માત્ર મેંદો ખવડાવીને વગર શસ્ત્રોએ મારી નાખ્યા હતા એ વાત ક્યાં અજાણી છે.


આ ઉપરાંત નવા સાયંટિફિક રિસર્ચમાં ઘઉંને પણ ભોજનમાંથી બાકાત કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવી છે. જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ વિલિયમ ડેવિસે એમના તબીબી અનુભવોના આધારે વ્હીટ બેલી નામનું પુસ્તક લખ્યું છે. ન્યુયોર્કના બેસ્ટ સેલર આ પુસ્તકમાં ડેવિસ લખે છે કે, ‘તમારા ભોજનમાંથી ઘઉંને બાકાત કરશો તો એ તમારી તંદુરસ્તી સુધારવામાં રામબાણ ઈલાજ ગણાશે.’ એ કહે છે કે ઘઉંના કારણે લોહીમાં સુગર લેવલ ઝડપથી વધે છે. માત્ર બે રોટલીમાં મીઠાઈના એક ટૂકડા જેટલી શુગર હોય છે. આ ઉપરાંત ઘઉંમાં ગ્લાયડીન નામના તત્વથી ભુખ વધારે લાગે છે. પરિણામે વધારે ખાવાની આદત પડી જાય છે. અને પછી મેદસ્વીતા, બ્લ્ડ પ્રેશર, ડાયાબિટીસ, અર્થરાઇટીસ વગેરે બિમારીઓ પાચલા બારણે પ્રવેશે છે.


તો પ્રશ્ન એ થાય છે કે, મેંદો અને ઘઉં ભોજનમાં ન લેવાય તો ખાવું શું ? આ માટે સીધો જવાબ છે, બાજરી, જુવાર, જવ, સોજી, રાજગરો, રાગી વગેરે ધાન બેસ્ટ ઓપશન છે. ડેઈલી રૂટીનમાં આ ધાન અજમાવવાનું શરૂ કરી દેવા જેવું છે. આની સાથે સાથે ભોજનનો સમય સુનિશ્ચિત કરી લેવો જોઈએ. રંગબેરંગી શાકભાજી અને ફળોનું ભોજનમાં નિયમિત રીતે સ્થાન હોવું જોઈએ. યાદ રહે કે, સવારનો નાસ્તો અત્યંત મહત્વનો છે. આખી રાત દરમિયાન શરીરમાં કોઈ પોષણ જતું ન હોવાથી સવારના પહોરમાં લેવાતો નાસ્તો શરીરને ઊર્જા આપવાનું પાયાનું કાર્ય કરે છે.

શરીરમાં ડાયરેક્ટ શુગર અને સોલ્ટ નાખવી એટલે ઝેર લેવા બરાબર છે. શક્ય બને ત્યાં સુધી સલાડ કે શાકમાં ઉપરથી મીઠું કે ખાંડ લેવાની ભુલ ક્યારેય ન કરવી જોઈએ. ભોજન પછી ઓછામાં ઓછું ૪૫ મિનિટ પછી હુંફાળું પાણી પીવાની આદત પાડવી જોઈએ. ભોજન વેળા ક્યારેય પાણી ન પીવું જોઈએ. ભોજનના એક કલાક બાદ હુંફાળુ પાણી અમૃત સમાન કાર્ય કરે છે. આપણા આયુર્વેદાચાર્યો હંમેશા કહેતા હોય છે કે, જ્યારે પાણીની જરૂરીયાત લાગે ત્યારે હુંફાળુ પાણી જ પીવાનું રાખવું જોઈએ. આના કારણે શરીરની ડાયજેશન સીસ્ટમ અપ ટુ ડેટ રહે છે.


સ્ફુર્તી અને તંદુરસ્તી જીવનને જીવવાલાયક બનાવે છે. પરંતુ સ્ફૂર્તિ માટે શરીરમાં અપાતા ઈનપુટ્સ એટલે કે આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા રહે છે. જીભની જીદને વશ થવાનું છોડવામાં નહીં આવે તો તેના દુષ્પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. સો વાતની એક વાત એ છે કે, અંતે તો વ્યક્તિ જીવનપર્યંત સાજોનરવો રહે.


ધબકાર : યુવાનીમાં શરીર પ્રતિ દુર્લક્ષ સેવી વ્યસ્ત જીવન જીવ્યા બાદ જતી ઉંમરે મહેનતથી ભેગા કરેલા પૈસા ફેંકવાનો વારો આવે છે.



https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21april/06042021-4.pdf