Tuesday, 4 May 2021

હવે તો આ ક્ષણના સમાચાર આગલી ક્ષણે ઇતિહાસ બની જાય છે

 



પ્રત્યેક શતાબ્દી તેના કોઈને કોઈ અદભુત આવિષ્કારના કારણે ઓળખાતી હોય છે. એ સમય ગાળામાં કંઈક એવું થયું હોય કે, જે માનવીય જીવન શૈલીની ઘરેડને એકદમ બદલીને સમાજમાં નવી ચેતના અને ઊર્જાનો આવિર્ભાવ થાય છે. એવી નવી વાત માનવ જીવનમાં આવે છે જેનાથી જગત અત્યાર સુધી અજાણ હોય. ૨૧મી સદીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગની સદી તરીકે ઓળખવામાં આવે છે.


વીસમી સદીના અંત સુધીમાં તો વિશ્વભરમાં સશક્ત મીડિયા માધ્યમોનો તીવ્રતાથી વિસ્તાર થતો જવા મળ્યો. આ વિષય લોક ચર્ચાનો પ્રમુખ મુદ્દો પણ બન્યો છે. મીડિયા માધ્યમોનો વિસ્તાર થવાથી એક એવુ પાસું ઉભરી આવ્યું કે પત્રકારત્ત્વ અને પત્રકારની સીમા રેખાઓ બદલાઇ ગઇ. આજે ૨૧મી સદીમાં મીડિયાની શક્તિ સામાન્ય નાગરિકના હાથમાં આવી ગઈ છે. આજના સમયમાં મીડિયાના બદલાતા જતા આયામોને જોઈને લાગે છે કે આ સમય એક જબરજસ્ત પરિવર્તન અને પ્રત્યાયન ક્રાંતિનો છે.


સંદેશો પ્રસારિત કે પહોંચાડવાના નવા માર્ગો અને માધ્યમો હાથવગા થતા જાય છે. ખૂબ ટૂંકાગાળામાં માધ્યમો આપણા જીવનના અભિન્ન અંગ બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આવું જ એક માધ્યમ છે. જેને આપણે સૌએ ખૂબ પ્રેમથી આપણાં જીવનનો અતુટ હિસ્સો બનાવી દીધું છે.


સોશિયલ મીડિયા માનવીય જીવનના અનેક પાસાઓ ઉપર પ્રભાવી રહે છે જેમ કે, રહેણી-કરણી, કાર્યક્ષેત્ર, મોજ-મસ્તી વગેરે. આ ઉપરાંત આપણી વ્યગ્રતા અને દુઃખની તથા સુખની લાગણીઓને પણ આ પ્લેટફોર્મ ઉપર આપણે તરત પ્રગટ કરી દઈએ છીએ. કેટલું અજીબો ગરીબ છે કે, જે વાત વ્યક્તિ પોતાના મિત્રો, સ્નેહીઓ, સગાંઓ સાથે નથી વહેંચી શકતો એ એફબીના અજાણ્યા મિત્રોને બેધડક કહી દે છે.


દુનિયામાં આજે બે પ્રકારની સમાજ રચનાનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. એક વર્ચ્યુઅલ સિવિલાઈઝેશન અને બીજો ફીઝીકલ સિવિલાઈઝેશન. ટૂંક સમયમાં વિશ્વની મોટાભાગની વસતી ઇન્ટરનેટથી કનેકટેડ હશે. આમ પણ ઇન્ટરનેટ એક એવું માધ્યમ છે. કે જે બધાને માટે સહજ પણ છે અને સર્વહિતાય પણ છે.

મેન્યુઅલ કૈસ્ટલ, કેલિફોર્નિયા યુનિવર્સિટિના ખાંસાહેબ પ્રોફેસર છે. સોશિયલ મીડિયા વિશે છણાવટ કરતાં કૈસ્ટલે નોંધે છે કે, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી થતો સંવાદ માસ કોમ્યુનિકેશનનથી માસ સેલ્ફ કોમ્યુનિકેશનછે. એનો અર્થ એ કે, આજના યુગમાં ૯૦ ટકા લોકો જનસંચારના નામે માત્ર સ્વપ્રચારનો જ કરે છે. યુઝરને એ પણ ખબર નથી હોતી કે, એના શબ્દો કે તસવીર કોના સુધી પહોંચે છે અને કોને એણે પહોંચાડવી છે ?


ફેસબુક, ટ્વિટર, ગુગલ પ્લસ, લિંક્ડઈન, માયસ્પેસ, પિંટરરેસ્ટ, ઓરકુટ જેવી નેટવર્કિંગ સાઈટ્સે દુનિયાને એક સૂત્રમાં બાંધીને રાખી છે. વર્ષ ૨૦૦૨માં ફ્રેન્ડસ્ટરથી ઈન્ટરનેટ આધારિત સોશિયલ નેટવર્કિંગની દિશા ખુલી હતી. એના થોડા સમય પછી માય સ્પેસઅને લિંક્ડઇનજેવી સાઈટ જોવા મળી. વર્ષ ૨૦૦૪માં ફેસબુકનું બાઅદબ આગમન થયું. આજે ફેસબુક સૌથી વધુ લોકપ્રિય પ્લેટફોર્મ છે.

સૌશિયલ સાઇટ્સ ઉપર સતત રહેનારા લોકોની દિવાનગીની કેટલીક આંકડાકીય વિગતો સમજવા જેવી છે. ફેસબુક ઉપર પ્રતિમાસ સરેરાશ ૪૦૫ મિનિટ, પિંટરરેસ્ટ ઉપર ૮૯ મિનિટ, ટ્વીટર ઉપર ૨૧ મિનિટ, લિંક્ડ ઇન ઉપર ૧૭ અને ગુગલ પ્લસ ઉપર ૩ મિનિટ વ્યતીત કરતા હોય છે.


ભારતમાં ફેસબુક અને ગુગલ પ્લસ, બ્રાઝીલમાં ગુગલ પ્લસ, ફ્રાન્સમાં સ્કાઈ રોડદક્ષિણ કોરિયામાં આઈ વર્લ્ડ, ચીનમાં ક્યૂ ક્યૂરશિયામાં વેકોનેટાકટેસાઈટ્સ પોપ્યુલર છે. પ્રત્યેક ક્ષણ એક નવા તાજા સમાચારો લઇને આવે છે. ઝડપ જીવનનો મંત્ર બની ગયો છે. હવે એ જમાનો ગયો કે, આજના સમાચાર આવતી કાલ માટે ઇતિહાસનું કામ કરશે. આજે તો ‘આ ક્ષણના સમાચાર આગલી ક્ષણ માટે ઇતિહાસ બની જાય છે. સંચાર એક કલા અને શાસ્ત્ર છે. કોઈપણ સંચાર માધ્યમ સારૂ કે ખરાબ નથી હોતું. એને સાચુ કે ખોટુ એના ઉપયોગ કરવાવાળા બનાવે છે. આ વાત સોશિયલ મીડિયાના ઉપયોગ માટે પણ એટલી જ સાચી છે.


ધબકાર :

સતત કનેક્ટ રહેવાની માનવીનો સ્વભાવ છે, સોશિયલ મીડિયા આટલુ પોપ્યુલર થવાના મુળમાં આ જ તો મજબુત કારણ છે.




https://gnr.betanetcdn.com/gnrsmc/epaper/21may/04052021-4.pdf