Wednesday, 16 November 2016

મિત્રતા એટલે વિશ્વાસનો શ્વાસ અને મનની મોટી ‘હાશ’

મિત્રતા એટલે વિશ્વાસનો શ્વાસ અને મનની મોટી ‘હાશ’
                                      -પુલક ત્રિવેદી
ધ થ્રી મસ્કેટીયર્સ, ટ્વેન્ટી યર્સ આફટર જેવી અદભુત રચનાઓના સર્જક ફ્રાન્સના એલેકઝાન્ડર ડુમાએ મિત્ર અને મિત્રતા માટે સરસ વાત કરી છે. ડુમા લખે છે કે, ‘Friendship consists forget what one gives and remember what one receive’ અર્થાત મૈત્રીમાં આપણે કરેલું અને આપણે આપેલું યાદ રાખવાનું ન હોય, શું પ્રાપ્ત થયું એનું જ ધ્યાન રાખવાનું રહે. એલેકઝાન્ડર ડુમા એટલે યાદ આવી ગયા કે, ઓકટોબર તા. ૧૬, ૨૦૧૬ની એ રવિવારની ઊષા નગરમાં મિત્ર અને મિત્રતાની ભાવસભર સુગંધ પ્રસરાવતી ઉગી. ભાઇ સંજય થોરાતના પ્રથમ પુસ્તક ‘હેલો ફ્રેન્ડસ’નું અનોખી શૈલીમાં વિમોચન થયું. પાટનગરના લોકપ્રિય અખબારમાં આવતી કટાર ‘હેલ્લો ફ્રેન્ડસ’નું મજાનું પુસ્તક સ્વરૂપે સંકલિત થયેલું પ્રસ્તુતિકરણ થયું. ગાંધીનગર સમાચાર દૈનિકના તંત્રી, લેખક, વાચક, વિચારક અને વકતા શ્રી કૃષ્ણકાંતભાઈ જહાએ ઘણા મિત્રોને અભિવ્યક્તિ માટે રાજમાર્ગ પૂરો પાડ્યો છે. ભાઇ સંજય એ રાજમાર્ગ ઉપર ચાલીને... સોરી દોડીને તેના પ્રથમ પુસ્તકની મંઝીલ સુધી પહોંચ્યા છે. કવિ, સાહિત્યકાર, ચિંતક એવા શ્રી ભાગ્યેશભાઈ જહાએ મિત્ર અને મૈત્રીની પરિભાષાને તેમની આગવી શૈલીમાં અદભુત રીતે ઉજાગર કરી. પુસ્તક ‘હેલો ફ્રેન્ડસ’ને ભાગ્યેશભાઇએ મસ્ત ઉઘાડ આપ્યો. જાણીતા કટાર લેખક ભવેન કચ્છીએ ‘તાલી મિત્ર, પ્યાલી મિત્ર અને ખાલી મિત્ર‘ના વિચારને વિસ્તૃત ઉદાહરણો સાથે મૂક્યો. રેડીયો મિર્ચીની RJ મેઘા અને કવિ કનૈયાલાલે પણ મિત્રતાના આકાશમાં શબ્દોથી મજાના રંગો પૂર્યા.
       આખી આ વાતમાં કેન્દ્રવર્તી વિચાર ‘મિત્ર અને મિત્રતા’ છે. મિત્ર અને મિત્રતા એક એવો સરસ વિષય છે કે, આદી અનાદી કાળથી આ વિષય ઉપર ઘણુ લખાય છે, વંચાય છે, જોવાય છે... પણ ખરેખર તો આ વિષય સદાકાળ ‘પોપ્યુલર’ એટલે છે કે એ હદય વાટે થઇને રોમે રોમમાં અનુભવાય છે. જીવનમાં બધા સંબંધો ઇશ્વર નક્કી કરીને આત્માને પૃથ્વી પર મોકલે છે. પહેલો શ્વાસ લેતાની સાથે જ ઈશ્વરદત્ત લોહીના સંબંધોના ઉપહાર માનવીને આપોઆપ મળી જાય છે. મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-મામી વગેરે. આખા જીવનમાં એકમાત્ર સંબંધ એવો હોય છે જે માણસ પોતે નક્કી કરે છે. અને એ છે ‘દોસ્તી’નો સંબંધ.
       મિત્ર અને મિત્રતા એવા બે શબ્દો છે કે જે, સંબંધોનો સુખદ સરવાળો સર્જે છે. અહમને ઓગાળી એકબીજામાં ભળવાની મોજ એટલે મિત્રતા. મૈત્રી તો જંગલ જેવી ગાઢ હોય. પ્રગાઢ હોય. ત્યાં વૈચારિક દંગલને કોઈ સ્થાન નથી. મિત્રતામાં હંમેશા આહલાદ હોય. વિશ્વાસનો શ્વાસ હોય. મનની ‘હાશ’ હોય. મિત્રતા કદાચ પ્રેમમાં પરિણમે, પણ મિત્રતામાં હંમેશા પ્રેમથી છલોછલ ભરેલી જ હોય.
       એક શહેરમાં બે યુવાનો જીવ સટોસટના ખેલ કરી પૈસા કમાવાનું કામ કરે. શહેરના જુદા જુદા લત્તે ફરીને ખેલ કરી ગુજરાન ચલાવે. એમના ખેલમાં વૈવિધ્ય પણ જબરૂ. એમનો એક ખેલ એવો હતો કે, એક યુવાન આંખે પાટા બાંધી ૨૫-૩૦ ફૂટ દૂર ઊભેલા બીજા યુવાનના માથે મૂકેલો ટેનીસ બોલ તીરથી વિંધી નાખે. આસપાસ એકત્રિત ભીડનો જીવ એ પ્રસંગે અદ્ધર થઈ જાય. આ ખેલ હંમેશા હીટ રહેતો. એકવાર ખેલ જોવાવાળી ભીડમાંથી એક જણે આંખે પાટા બાંધેલા યુવકને જઈને પૂછ્યું ‘ભાઈ, તને તો આંખે કાળી પટ્ટી છે... કશું દેખાતું નથી. તારો હાથ થોડોઘણો આઘોપાછો થાય તો પેલાને આંખમાં કે શરીરમાં તીર ઘુસી જાય. શક્ય છે કે એ આંધળો થઇ જાય કે પછી એનો જીવ પણ ગુમાવે... આ વધારે પડતો ભરોસો નથી લાગતો ?’
આ સાંભળીને પેલા યુવાને સરસ જવાબ આપ્યો. ‘અરે ભાઈ, એ મારો મિત્ર છે... મને એની હજાર ગણી ચિંતા છે.  મારી જાત કરતાં તેના ઉપર મને વધુ વિશ્વાસ છે. જે દિવસે મારો હાથ સહેજ પણ ધ્રુજશેને એ દિવસ મારા જીવનનો અંતિમ દિવસ હશે.’
મિત્રતાના ચાર પરિમાણો હોય છે. જેમાં વાત અને અભિપ્રાય-પરામર્શની શાતા, સંબંધોની સુવાસ, અનુકૂલનની તરલતા અને એકબીજાના સુખ-દુઃખની સંવેદનાનો સમાવેશ થાય છે.
મિત્રતામાં સૌથી પહેલું તત્ત્વ હોય પ્રેમ અને લાગણીનું. તમામ સંબંધોમાં મૈત્રીના સંબંધમાં જ નિસ્વાર્થ પ્રેમ અને ઊર્જા અનુભવાય. આ પૃથ્વી ઉપરના તમામ જીવોને પોતપોતાનો અલગ અલગ પરિધ હોય છે. જે પરિધમાં અલગ અલગ સ્થાન ઉપર રહેલા સંબંધોના પીક્સલ એક મેકને જોડાઈને જીવનનું ચક્ર બનાવે છે. જીવનચક્રમાં જ્યાં જ્યાં ભાઈબંધુઓના પીક્સલ જોડાય ત્યાં લાગણી અને પ્રેમનું ચાલકબળ – ઈંધણ સ્વરૂપે હોય છે. એ જીવનને તેજ રફતાર આપે.
ક્યારેક કોઈક સ્થળે કોઈ ભૂલ પણ થાય અને આ ભૂલને ભયાનક સ્વરૂપ મળી જાય એને ખાળવા સમય, શક્તિ અને નાણાંનો અઢળક ખર્ચ પણ થાય. પરંતુ જ્યારે કોઈપણ નાની કે મોટી ભૂલ થઇ ગયા બાદ એનો લેશ માત્ર કચવાટ કે ખચકાટ ન થાય અને થયેલી ભૂલના ચૂકાદાનો કોઈ ભય ન હોય, માત્ર સ્મિત હોય, એ સ્થળ એટલે મિત્રનો ચહેરો. ભુલ માટે દર્દ આપતા લીસોટા નહીં પણ જમાનાએ આપેલા દર્દ ઉપર રુઝ લાવતા અક્સિર મલમનુ નામ મૈત્રી.
લાગણીઓને એનલાઈઝ કરવા માટે ઈશ્વરે આપેલી અને માનવીએ વિકસાવેલી અદભુત શક્તિ એટલે મૈત્રી. પ્રેમ, ઉષ્મા, ક્રોધ વગેરે લાગણીઓનો મિત્ર પાસે યોગ્ય માર્ગ હોય છે. એક બૌધ તત્વચિંતકે સરસ વાત કરી છે કે, ‘માનવીય લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે મૈત્રી જેવો માર્ગ ન હોત તો વિશ્વના મોટાભાગના માણસો પાગલ હોત.’ એકબીજાનો સાથ અને એકબીજા સાથેનો આનંદ અને એકબીજા ઉપર વિશ્વાસ મિત્રતાનો સાચો શ્વાસ છે. મૈત્રી એક જ યોનીમાં હોય એ જરૂરી નથી. પ્રાણી, પક્ષી, મનુષ્ય કોઈપણ બે આત્માનો વિશ્વાસ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઐશ્વરીય આનંદ આપી શકે. સંવેદના અને સચ્ચાઈ મિત્રતાના બે અણમોલ અંશો છે. લોહી એકને નીકળે અને આંસુ બીજાની આંખમાંથી ટપકે એ જ મિત્રતાની સંવેદનાની સચ્ચાઈ છે. મિત્રની આંખમાં સચ્ચાઈ અને અચ્છાઈ દુનિયાભરનું સુખ સાગમટું લાવી દે છે.
જીવનના વિવિધ સંબંધોનું સૌંદર્ય જરૂર હોય, પરંતુ મિત્રતાનું અલૌકિક સૌંદર્ય જીવનમાં અજબનું માધુર્ય લાવે છે. એકલતા જીવનનો મોટો અભિશાપ છે. એકલતાના વમળોને તોડીને મૈત્રીના સાગરમાં મસ્તીથી મહાલવાનું એટલું સરળ પણ નથી. ૧૮મી સદીમાં અમેરિકાના બોસ્ટનમાં જન્મેલા હેનરી બ્રુક્સ એડમ્સના લખાણોમાં મિત્ર અને મિત્રતાની સુવાસ હંમેશા ટપકતી રહે છે. હેનરીએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘બે અલગ અલગ લક્ષ્ય સાથે જીવાતી જિંદગીમાં પણ એક વિચારધારા સાથે વહેતા હોય એવો એક વ્યક્તિ મળે તો પણ જીવન ધન્ય છે, એવા બે વ્યક્તિ મળે તો વધારે છે, ત્રણ આવા પાત્રો મળવા અસંભવ છે.’
સારા મિત્ર બનવા માટે પહેલા તો સારા માણસ બનવું પડે. બીજા કોઈ લોહીના સંબંધના કારણે મૈત્રી જ્યારે જ્યારે દાવ પર લાગી છે ત્યારે એ મૈત્રી નથી. ત્યારે તો મિત્રતાનું માત્ર નામ હોય છે. મિત્રતાના પવિત્ર સંબંધનો આંચળો ઓઢી સ્વાર્થ એનુ કામ કરતો હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો એ માત્ર દંભ અને દેખાવ છે.
મિત્રતામાં નાણાં, સમય અને શક્તિ આ ત્રણ બાબતો નગણ્ય હોય. રૂપિયા પૈસાની ગણતરી અને સમય-શક્તિનો વપરાશ કેટલો થયો એ વાતને મૈત્રીમાં કોઈ સ્થાન જ ન હોય. લોહીની સગાઈના સંબંધ તો આપણા હાથમાં ક્યાં હોય છે? પણ મિત્ર તો આપણે જાતે નક્કી કરીએ છીએ. એમાં ગણતરીઓ શે પાલવે?
મિત્રો તો જન્મે છે બનાવાતા નથી. જીવનમાં સુખનું સાચું સરનામું મિત્રોની લીલી વાડી છે. મિત્રોની સોડમથી મઘમઘતી જિંદગી જીવનને અર્થપૂર્ણ બનાવે છે. ગમે એવી મુશ્કેલીના મસમોટા પહાડોમાં મૈત્રીનું ઝરણું પરમ શીતળતા આપે છે. મૈત્રી એક આનંદ છે, અહેસાસ છે, મિત્ર એ શક્તિનો સ્ત્રોત છે... મૈત્રી આનંદનું મજબૂત આવરણ છે...
ધબકાર :
ધન્ય જીવનની અનુભૂતિનો થયો રે સાક્ષાત્કાર,  મૈત્રી ભાવથી ઝળાહળા આ હૃદયનો ધબકાર
-          જયદીપ કાજી


 મિત્રતામાં હંમેશા પ્રેમથી છલોછલ ભરેલી જ હોય...

મિત્ર અને મિત્રતા એક એવો સરસ વિષય છે કે, આદી અનાદી કાળથી આ વિષય ઉપર ઘણુ લખાતુ રહ્યું છે, વંચાતુ રહ્યું છે, જોવાતુ રહ્યું છે... છતાં આ વિષય હંમેશા તરો તાજા હોય છે. આ વિષયની સદાકાળથી ‘પોપ્યુલારીટી’ એટલે છે કે, એ હદય વાટે થઇને શરીરના રોમે રોમમાં અનુભવાય છે. મૈત્રી તો જંગલ જેવી ગાઢ હોય. પ્રગાઢ હોય. ત્યાં વૈચારિક દંગલને કોઈ સ્થાન જ નથી. મિત્રતામાં હંમેશા આહલાદ હોય. એમાં વિશ્વાસનો શ્વાસ હોય. મનની ‘હાશ’ હોય. મિત્રતા કદાચ પ્રેમમાં પરિણમે, પણ મિત્રતા હંમેશા પ્રેમથી છલોછલ ભરેલી જ હોય. અને કદાચ એટલે વિશ્વના કોઇ પણ વિષય કરતાં આ વિષય આપણા હદયની ખુબ નિકટ હોય છે... ખરૂને...?


No comments:

Post a Comment