હાં, હું ભુલો કરું છું...
- પુલક ત્રિવેદી
મથાળુ જોઈને ચોંકી ગયાને...? મેં ખોટો નિર્ણય લીધો, અથવા મારી આ ભુલ થઈ ગઈ છે એવા
સ્વીકારમાં સૌથી વધારે સામર્થ્ય છે. ખોટા નિર્ણયો અને ભુલો એ તો જીવનનો સૌથી
મહત્વનો તબક્કો છે. શું
તમે કોઈ ભુલ જ ન કરો ? શું તમારા દરેક કાર્યો સો ટકા પરિણામલક્ષી જ હોય ? જો તમે આમ માનતા હોવ તો તમારૂ જીવન કોઈ
ખોટા માર્ગે પૂરપાટ ગતિએ હંકારાઈ રહ્યું છે એમ માનવાના
પૂરતા કારણો છે.
ભૂલો અને ખોટા નિર્ણયોનો સ્વીકાર અને આગળ
વધવાનો પડકાર એ જ તો જીવનનું સાચું સ્મિત છે. ખોટા પડવાનો ભય અને ભુલ થવાની ભીતીના
કારણે કોઈ જોખમ જ ન લેવાય અને પાછા વળી જવાય તો અનાથી મોટી દુર્બળતા અને
નિર્માલ્યતા બીજી કઈ હોઈ શકે ? જિંદગીને ‘હા’ કહેવાની તાકાત બરકરાર તો જ રહે જો
ભુલોનો ભય ન રહે. મલ્ટી
સ્પેશ્યાલિસ્ટ કોર્પોરેટ હોસ્પિટલના સીઈઓ મિત્રએ એકવાર કહ્યું કે, ‘ મારે ડોકટર બનવું હતું પણ એચ.એસ.સી.ના વર્ષે મેં ફિલ્મો અને વર્લ્ડ કપ
જોવામાં સમય બગાડ્યો એ મારી મોટી ભૂલ હતી. મને ૭૮ ટકા જ આવ્યા. પિતાજી ડોનેશન આપી મને મેડિકલમાં મોકલી
શકે એવી આર્થિક સ્થિતિ પણ ન હતી. આ ભુલના પરિણામે હું ડૉકટર તો ન બની શક્યો પણ તબીબી ક્ષેત્રે સેવા આપવાની
અદમ્ય ઇચ્છાને ફળીભૂત કરવા મેનેજમેન્ટનો અભ્યાસ કરાવતી પ્રતિષ્ઠિત આઈઆઈએમમાંથી એમ.બી.એ. કરીને વરિષ્ઠ ડૉકટરો સાથે બેસીને તબીબી
સેવાઓમાં વહીવટકર્તા તરીકેની કારકિર્દી બનાવી.
એક ભુલ-ખોટો નિર્ણય એક દ્વાર બંધ કરે અને બીજા અનેક
દ્વાર ખોલે છે. જીવનમાં
આગળ વધવાની તમન્ના અને વિચારના પાયામાં ભુલોના ભંડારો હોય છે. હંમેશા પોતાની ભૂલોને ‘અપડેટ’ થતા રહેવું પડે. ભુલની ભયંકરતા અને વિકરાળતા સામે મોં
વકાસીને પાછા વળવાનું મન થાય ને, તો એ આફતને સીધે સીધું આમંત્રણ છે.
જીવન તો ભુલભુલામણીઓનો બગીચો છે. આ વાતને દિલથી સમજી લેવી પડે પછી હાર-જીત ગૌણ બની જાય. જો કોઈ એમ કહેતો હોય કે, એણે જીવનમાં ભુલો જ કરી નથી તો એ માણસ
સદંતર ખોટો છે અથવા જો એ ખરેખર સાચો હોય તો એણે જીવનમાં કશું નવું કરવાનો અખતરો જ
નથી કર્યો.
મારા એક મિત્રએ એના ટેબલ ઉપર સરસ મજાનું સુત્ર
લેમિનેટ કરાવી નેઈમપ્લેટની જેમ મૂક્યો છે. ‘‘સોરી, બટ આઈ એમ નોટ પરફેક્ટ...’’ મતબલ, માફ કરશો હું સંપૂર્ણ નથી. હું ભુલો કરું છું. મારાથી ખોટા નિર્ણયો ક્યારેક લેવાઈ જાય
છે. હું
સંપૂર્ણ છું જ્યાં અપૂર્ણતા છે ત્યાં પૂર્ણતા પ્રતિ ગતિ હોય છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં ગતિ નથી, સ્થગિત છે. પૂર્ણતા સુધી પહોંચવા અપૂર્ણ હોવાનો
અહેસાસ અગત્યનો છે. અને
એ અહેસાસનો હૃદયપૂર્વકનો સ્વીકાર પૂર્ણતા તરફની દોડની શરૂઆત છે.
ભૂલો થાય. ખોટા નિર્ણયો લેવાય. ક્યારેક પછડાટ ખાવી પડે. પણ સજ્જતા રાખવી જોઈએ. હાં, એક વાર થયેલી ભૂલ ફરી ફરી તો ન જ થાય. અને જો એમ થાય તો નિઃસંદેહપણે જાગૃતિનો
અભાવ છે. નવી
ભૂલો માટે હરહંમેશ તૈયાર રહેવું પડે. માણસ માત્ર ભૂલને પાત્ર. કવિ મિત્ર ભાવેશ ભટ્ટનો એક શેર મને બહુ
ગમે છે.
‘સદાય એક સમો થનગનાટ ના પણ હોય,
હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.’
કેટલી સરસ વાત કરી છે. જીવનમાં હંમેશા બધુ સમુસુથરું અને
સર્વગુણ સંપન્ન રીતે ન જ થાય. ક્યાંક કોઈ ભૂલ, પછડાટ કે ખોટો માર્ગ પણ પસંદ થઈ જાય. પણ આવશ્યકતા છે, આ ભુલની સમયસર સમજ પડે અને નવા માર્ગે
ચાલવાની નહીં,
દોડવાની સમજ પડે. ભુલોને
આમંત્રણ ન અપાય પણ ભુલને કારણે આવી પડેલી મુશ્કેલીને મહેફિલ પલટી નાખીએને એ જ તો
જીવનની ખરેખરી મોજ છે.
જીવનમાં કશુ સ્થાયી કે સ્થિર હોતું નથી. જિંદગી એટલે જ વિજય અને પરાજય, ચડતી અને પડતી, અંધકાર અને ઉજાશ. ખોટો નિર્ણય લેવાય તો ય ભલે એમાંથી
પદાર્થપાઠ લઈ વધુ વેગથી બીજા રસ્તે દોડશું
એવો વિશ્વાસ જોઈએ. ઊંચા
ઝાડની સૌથી ઊંચી ડાળી ઉપર બેઠેલા પક્ષીને જોરથી વહેતા પવનને કારણે ઝોલા ખાતી ડાળી
ઉપરથી પડી જવાનો ભય નથી. પંખીને પવન અને ડાળીના હલવાના ખોફ કરતાં તેની પાંખોની તાકાત ઉપર વધુ
ભરોસો હોય છે. ભૂલોથી
ભાંગી પડવાના ભય કરતાં ભૂલોમાંથી શીખ મેળવી બમણી તાકાતથી આગળ વધવાની સ્વયંની તાકાત
ઉપર વધુ વિશ્વાસ હોવો જોઈએ.
સામાન્ય રીતે લોકો ભૂલોને કારણે ઊભા થનાર
પ્રશ્નોથી ઝટ ગભરાઈ જતા હોય છે. એ લોકો જીવનમાં કોઈ પ્રશ્ન જ ઊભા ન થાય અને
જીવન સરળતાથી ચાલ્યા
કરે એવી આગોતરી વ્યવસ્થામાં જ સતત રચ્યા પચ્યા રહેતા હોય છે. આવા લોકો જોખમ ઉઠાવવાની હિંમત ખોઈ બેસે
છે.
જીવન તો વહેતી નદી જેવું છે એમાં તણખલા, માટી, રોડા વગેરે સાથે સાથે વહેતાં હોય. ભૂલો જે સમજે અને સ્વીકારે અને ઝડપથી
વહેતું હોય. ભુલો
જે સમજે અને સ્વીકારે એનો ઝડપથી આપોઆપ વિકાસ થાય. નવો આત્મવિશ્વાસ ઊભો થાય. ભૂલોના ભયથી મુક્ત થાય. વ્યક્તિ અંદરથી મજબુત બને. મનમાં ગજબની શાંતિ અનુભવે. ભૂલોથી ભયભીત બની હાંફળા-ફાંફળા બની અદ્ધર જીવે આમતેમ દોડાદોડ
કરવાની એની માનસિક અવસ્થા જ બદલાઈ જાય.
જીવનના લક્ષ્ય પ્રાપ્તિમાં થતી ભૂલોનો સત્કાર
થાય. પ્રગતિના
નવતર દ્વારનો આહલાદ મળે એવી મનઃસ્થિતિનું નિર્માણ એ ઉત્તમ અવસ્થા કહેવાય. પ્રગતિના રાજમાર્ગની પુષ્ઠભૂમિ ઉપર
મજબુત ડગના મંડાણ માટે તૈયાર થઇ જાવ... વટથી કહો, ‘ હાં હું ભુલો કરૂ છું. ‘
ધબકાર –
માણસ પોતાની ભુલને કારણે જેટલો દુઃખી
નથી થતો એના કરતાં થયેલી ભુલને વારંવાર વાગોળીને વધુ દુઃખી થાય છે.
000000000000



No comments:
Post a Comment