Tuesday, 31 January 2017

આલોચના : અડચણ કે અવસર...

આલોચના : અડચણ કે અવસર...
       -   પુલક ત્રિવેદી

   એક જાણીતી ડિમ્ડ યુનિવર્સિટીના હોનહાર ખેલાડીની વાત છે. પ્રતિવર્ષ આ યુનિવર્સિટી કોલેજના આશાસ્પદ જાંબાઝ રમતવીરોને નવાજવા જાજરમાન કાર્યક્રમ યોજે. આ વર્ષે પણ પરંપરા અનુસાર કોલેજના ઓડિટોરિયમમાં ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આખુ ઓડિટોરિયમ વિદ્યાર્થીઓ અને નિમંત્રિતોથી ખીચોખીચ ભરેલું હતું.  કાર્યક્રમમાં સૌથી આકર્ષણરૂપ જાહેરાત હોય છે, ‘સ્પોર્ટસમેન ઓફ ધ યરના નામની ઘોષણા.
ઉદઘોષકે જ્યારે જણાવ્યું કે, હવે ગણમાન્ય મહાનુભાવસ્પોર્ટસમેન ઓફ ધ યરડિકલેર કરાશે અને કોલેજના એ જવામર્દ, લાડકા ખેલાડીને ટ્રોફી અને પુરસ્કાર આપશે. હોલમાં ‘પીનડ્રોપ સાયલંસ’ છવાઈ ગયું. સૌ કોઈના કાન એ ખુશનસીબ ખેલાડીનું નામ સાંભળવા બેતાબ હતા. અને મુખ્ય મહેમાને ઘોષણા કરી વિવેક રાવલ’. આખુ ઓડિટોરીયમ તાળીઓના ગડગડાટ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો.



પણ પછી થોડી જ ક્ષણોમાં ફરી હોલમાં શાંતિ પથરાઈ ગઈ અને પહોળી આંખે બધા જ આશ્ચર્યચકિત થઈ જોવા લાગ્યા. વિવેક એની જગા ઉપરથી ઊભો થઈને તેના ફેકલ્ટી લક્ષ્મણ રાજવીરસિંહ જ્યાં બેઠા હતા ત્યાં ગયો અને ખૂબ આદરથી તેણે લક્ષ્મણ રાજવીરસિંહને વંદન કર્યા. આશીર્વાદ લીધા. વિદ્યાર્થીઓ ફાટી આંખે આ દ્રશ્ય એટલા માટે જોઈ રહ્યા કે, આખું વર્ષ આ ફેકલ્ટી રાજવીરસિંહ સાહેબ વિવેકની પ્રત્યેક મેચ વખતે સખત આલોચના અને ઝાટકણી કાઢતા. વિવેકના વિક્રમજનક દેખાવમાં પણ રાજવીરસિંહ ટીપ્પણી કરવાનુ ચૂકતા નહીં. બીજા ખેલાડીઓને રાજવીર સર ઉપર ખૂબ ગુસ્સો આવતો કે વિવેકની આટલી સારી રમત હોવા છતાં રાજવીર સર વિવેકને કેમ ટોકતા જાય છે. પણ આજે જ્યારે વિવેકે પ્રતિષ્ઠીત એવોર્ડ મળતા રાજવીર સરને વંદન કર્યા ત્યારે હાજર રહેલા સૌ કોઇને આશ્ચર્ય થયું.
વિવેક તેની વિનીંગ સ્પીચમાં માત્ર એટલું જ બોલ્યો કે, ‘‘મારી પ્રત્યેક રમત વેળા મને રાજવીર સરની ટીપ્પણી હજુ વધુ સારી રમત માટે નવો લક્ષ્ય બનતી અને મને વધુ સારા દેખાવની લગની લાગતી. પરિણામે હું દિવસે દિવસે વધુને વધુ બહેતર ખેલાડી બનતો ગયો. એક દિવસ હું ભારતીય ક્રિકેટ ટીમમા સ્થાન પ્રાપ્ત કરીને મારા દેશનું નામ રોશન કરીશ. રાજવીર સર, યુ આર આફટર માય સકસેસ...’’
આલોચનામાં છે જીવન બદલવાની જબરજસ્ત તાકાત. જો એમ લાગે કે બીજાની ટીકા-ટીપ્પણી હાનિકારક છે તો સમજી લેજો કે, થોડો સમય તમારે બ્રેઈન સ્ટ્રોમીંગ માટે ફાળવવો જરૂરી છે. સામાન્ય રીતે કોઈને આલોચના ગમતી નથી, અને એના કારણો પણ હોઈ શકે. મોટા ભાગના માણસો આલોચનાને વિકાસ આડેનો અંતરાય માનીને અટકી જતા હોય છે. જ્યારે કેટલાક વિવેક જેવા મિત્રો આલોચનાને વિકાસ માટેના અવસરમાં પલટાવી નાખતા હોય છે.
હ્યુમન સાયકોલોજી એવી હોય છે કે, જ્યારે પણ કોઈ કામ કરવામાં આવે ત્યારે કાર્ય પૂર્ણ થતાં પહેલાં એના માટે લોકો શું વિચારશે ? મારા આ કાર્યથી ફલાણાભાઈ ટીકા તો નહીં કરેને ? વગેરે વગેરે વિચારોના વમળો, કાર્યને સર્વાંગ રીતે પરિપૂર્ણ કરવામાં મોટા વિઘ્ન ઊભાં કરતાં હોય છે. જો કે આલોચના અંગેના આ પ્રકારના નકારાત્મક વિચારોને મનમાં પ્રવેશની છૂટ જ ન આપવી જોઈએ. તમે કાર્ય કરશો તો આલોચકો પેદા થશે. અને જો કાર્યમાં સફળતા મળશે તો સો ટકા આલોચના થવાની જ છે. કાર્ય નહીં કરો તો પણ આલોચના થવાની છે. આલોચનાના ડરને મનમાંથી ફેંકી દેવો પડે. ઓશોએ સરસ સૂત્ર આપ્યું છે કે, ‘સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ...’ કોઈ શું કહેશે એ વિચારો કાઢી નાખીએ અને હૃદયના ઊંડાણમાંથી આવતા અવાજને અનુસરીને કાર્ય કરીએ તો મજા પડે.
જે લોકો તમારી વારંવાર ટીકા કરે છે કે આલોચના કરે છે એમને એનો કોઈ અંદાજ જ નથી કે તમે જે જગા ઉપર છો તે જગાએ પહોંચવા માટે તમે કેટલો પરિશ્રમ કર્યો છે. તમારી ક્ષમતા, મહેનત, કુરબાનીનો એમને કોઈ ખ્યાલ જ નથી હોતો. એ લોકો તો માત્ર તમારી સફળતા જોઈને વાત કરતા હોય છે. ખરેખર તો આવા આલોચકો મનોમન સ્વીકારતા હોય છે કે, એમના કરતાં તમે ઘણા આગળ છો. એટલે આવા આલોચકોને શુભેચ્છકો જ માનવા જોઈએ.
જ્યારે આલોચના થાય ત્યારે પોતાની જાતને સ્પષ્ટ કરવા માટે કુદી પડવાથી હંમેશા ઘર્ષણનો માહોલ ઊભો થાય છે. એક ભાઈ ઘણો બધો ખર્ચો કરીને આંગણાના બગીચામાં રંગબેરંગી ફુલોના નવા ઘણાબધા ઈમ્પોર્ટેડ પ્લાન્ટલાવીને રોપ્યા. એમના પડોશી મિત્રએ એમની ટીકા કરતાં કહ્યું આ ઈમ્પોર્ટેડ પ્લાંટના ફુલો માત્ર દેખાવના હોય એમાં સુવાસ ન હોય. ગુલાબ, મોગરા, સેવંતી જેવા છોડ જ સારા. બસ, ખલાસ. પેલા ભાઈ પડોશી મિત્ર ઉપર તાડુકી ઊઠ્યા. તમને ગાર્ડનીંગની કંઈ ગતાગમ નથી. તમને કોઈ સમજ નથી પડતી આ પ્લાંટની કિંમત શું છે. તમે તો કુવામાના દેડકા છો... વગેરે વગેરે. વાત ઝઘડામાં  પરિણમી. સો વાતની એક વાત આલોચના થાય ત્યારે તમારા કૃત્યને સારું અને સાચુ ઠેરવવા મથવામાં સાર નથી. ટીકા હંમેશા વધુ બહેતર બનવા માટેનો માર્ગ મોકળો બનાવે છે.
ટીકાઓની એક મજા એ પણ છે કે, તમને સતત અહેસાસ કરાવે છે કે, તમે સંપૂર્ણ નથી. અને એટલે જ એ તમારી પ્રતિભા હંમેશા જમીનથી જોડાયેલી રાખવામાં મદદરૂપ બને છે. આલોચનાના કારણે આત્મવિશ્વાસનું સમતોલન જળવાઈ રહે છે. સાથે સાથે સારા શ્રોતા બનવાનો સદગુણ પણ આમાંથી ખીલે છે.
આલોચનાને અવસરમાં પલટાવવા માટે ચાર સરળ માર્ગો છે. એક તો તમે જેને રોલ મોડેલમાનો છો એ વ્યક્તિ આ પ્રકારની આલોચના વખતે કેવી રીતે વર્ત્યા હતા તેનો અભ્યાસ કરવો જોઈએ અને એ પ્રમાણે આલોચનાનો મુકાલબો કરવાથી સારો માર્ગ પ્રાપ્ત થઈ શકે. બીજુ આલોચનાને આગળ વધવાના નવા માર્ગ તરીકે કેમ ન જોઈ શકાય ? ત્રીજુ આલોચનાથી દર્દ ચોક્કસ થાય પણ એ ટીપ્પણીથી વિકાસ માટે જરૂરી છે એ રીતે જોઈ શકાય. આલોચનાના સમયે સૌથી મહત્ત્વનો ચોથો માર્ગ છે એક ઊંડો શ્વાસ લઇને મનોમન વિચારો કે, તમે ફાઈટર છો... તમે કંઈક શીખી રહ્યા છો અને આગળ વધી રહ્યા છો.
અબ્રાહમ લિંકને આલોચના માટે સરસ વાત કરી હતી કે, જો કાર્યનું પરિણામ સારું હોય તો કોઈનીય આલોચનાની પરવા કરવાની જરૂર નથી અને જો અંતે પરિણામ યોગ્ય ન મળે તો દેવદૂતો વખાણે તો પણ કોઈ ફરક પડતો નથી. એ વાત તો અત્યંત સ્પષ્ટ છે કે, જે લોકો તમારી પાછળ તમારી આલોચના કરે છે એ તમારી હાજરીનું સન્માન કરે છે. હકારાત્મક આલોચના સાચો મિત્ર છે. ખોટા વખાણ તમારો ભયંકર મોટો દુશ્મન છે. જ્યાં સમજ ન પડે ત્યાં ક્યારેય આલોચના કરવાની મુર્ખામી ન કરવી. આવી સમજ વગરની ટીપ્પણીઓ હકારાત્મક બનીને રહી જાય છે. આલોચના આગળ આવવાનો અમૂલ્ય અવસર છે.

ધબકાર :
તમે આલોચના સહન કરી નથી શકતા તો તમને કોઈની આલોચના કરવાનો અધિકાર નથી.

000000000000000000



Tuesday, 24 January 2017

ખુદથી જ ખુલે ખુશીઓના ખજાનાના દ્વાર...

ખુદથી જ ખુલે 
ખુશીઓના ખજાનાના દ્વાર ...
       -         પુલક ત્રિવેદી

દરેક માણસને ખુશ રહેવું છે. ખુશ રહેવાનો દરેકનો દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે. જીવનમાં શું જોઈએ ? એકદમ કોપી બુક સ્ટાઈલની પરફેક્ટ જિંદગી કે પછી ખુશહાલ હેપ્પી મોડ ઉપરની જિંદગી ? જિંદગી પરફેક્ટ નહી પણ ખુશ હોવી જોઇએ. જીવનમાં આનંદ અને ઉત્સાહના ફુવારા ઉડવા જોઈએ. ખુશી બધુ સમુસુથરું હોય એ નથી. ખુશી તો પરફેક્શનની પેલે પાર જોવાની શક્તિમાં છે.

એક ભાઈ હંમેશા રોદણાં જ રોતા રહે કે પેલા પાસે મારાથી મોટો બંગલો છે, એની પાસે વૈભવી કાર છે, તેનો દીકરો પણ ખૂબ કમાય છે વગેરે વગેરે. મારી પાસે તો નાની ગાડી છે, થ્રી બીએચકેનો ફ્લેટ છે. મને ઈશ્વરે હંમેશા અન્યાય જ કર્યો છે. એમનો જીવનનો દ્રષ્ટિકોણ જ કોઈની સરખામણીમાં સુખ શોધવાનો છે. જ્યારે સરખામણીના બધા દ્વાર ચપોચપ બંધ થાય ત્યાર પછી જ ખુશીઓના ખજાનાનો દ્વારા ખુલતો હોય છે. આવી નિરાર્થક સરખામણીથી ખુશી તો મળે નહીં ઉપરથી નકારાત્મકતાના જાળા સર્જાતા જાય. નકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓથી દૂર રહેવું હિતકારી રહે છે. નકારાત્મકતા હળવેથી પાછલા બારણામાંથી સરખામણીને પ્રવેશ આપી દે છે.
શું ગુમાવ્યું એના કરતાં શું મેળવ્યું એના ઉપર ધ્યાન રહે તો ખુશી મળે. ઘણા લોકો મોટી સફળતામાં પણ ખુશ નથી થઈ શકતા. જ્યારે કેટલાક લોકોને નાની અમથી વાતમાં પણ આસમાન જેટલી ખુશી મળી જતી હોય છે. જીવનનો પ્રત્યેક દિવસ અનેક નવીખુશીઅનેક નવા અરમાનસાથે ઉગે છે. આપણી ખુશીની પસંદગી આપણે પોતે કરવાની હોય છે. ખુશીની પસંદગીના પેરામીટર સ્વયં નક્કી કરવા જોઈએ. દુઃખી થવાના કારણો કરતાં ખુશ રહેવાના કારણોને તપાસતા રહેવું પડે. ખુશી કોઈ સંબંધોથી નથી શરૂ થતી કે કોઈ નોકરીમાં પ્રગતિ કે સત્તામાંથી તે નથી જન્મ લેતી. ખુશી નાણાંમાંથી નથી આવતી કે સવલતોના વૈભવમાંથી તે પેદા નથી થતી. ખુશી મનની મોજમાંથી અને હૃદયની હુંફમાંથી પ્રગટતી હોય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના સલામતી સ્ટાફના એક અધિકારીએ બ્રહ્મવિહારી સ્વામીને સરસ વાત કરી. એની વિડીયો ક્લીપ વાયરલ થઇ છે. આ અધિકારીને એક પ્રાઈવેટ એરલાઈન્સે ઊંચા પગારની પાયલોટની જોબ ઓફર કરી. કલામ સાહેબના પ્રેમ અને સદભાવના કારણે આ અધિકારીને કલામ સાહેબને આ વાત કહેવાની હિંમત નહોતી ચાલતી કે, મારે રાષ્ટ્રપતિભવનની આ નોકરી છોડી પાયલોટની બીજી નોકરી કરવી છે. કલામ સાહેબને આ વાતની ખબર પડી. તેમણે આ અધિકારીને બોલાવીને ખૂબ સાહજિકતાથી કહ્યું મારે પણ રાષ્ટ્રપતિભવન છોડવું છે. અને હું ઇચ્છુ છું કે, જ્યારે હું રાષ્ટ્રપતિભવન છોડું અને પ્રાઈવેટ એરલાઈન્સના વિમાનમાં બેસું ત્યારે એ વિમાનના પાયલોટ તમે હોવ. પેલો અધિકારી એક મિનિટમાં જ હળવો ફુલ થઈને ખુશ ખુશાલ ગયો. બીજાના મુખ ઉપર ખુશીના નિમિત્ત બનવામાં કેટલો મોટો આનંદનો ખજાનો મળતો હોય છે એનુ આ એક જબરજસ્ત ઉદાહરણ છે.  અન્યને આનંદ આપવાના માર્ગે ખુશીઓની શીતળ લહેરોનો અનુભવ થતો હોય છે. સૌથી મોટી ખુશી બીજાને આપણા દ્વારા મળતી શાતા અને આનંદમાં આપણી ખુશીઓનો સાચો અર્થ મળતો હોય છે. જ્યારે કોઈના મોઢા ઉપર આવેલા સ્મિત અને આનંદનું કારણ તમે બન્યા હોવ એનાથી રૂપકડી કોઇ ક્ષણ હોતી નથી.
ખુશી એ તો એક સફર છે. એ કોઈ અંતિમ પડાવ કે લક્ષ્ય નથી. જીવનની પ્રત્યેક પળના પૈડા ફરતા જાય અને એમાંથી નવા અનુભવો મળતા જાય. પોતાની દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણથી ખુશી મળે અને એનાથી જ જીવન ભર્યુ ભર્યુ બને છે. હારેલાનું સ્મિત પ્રતિસ્પર્ધકની જીતનારના વિજયની કિંમત કોડીની કરી નાખે છે. હારમાં પણ આનંદ અને ખુશ રહેવાનું હુનર આવડી જાય તો પછી માત્ર જીત જ છે.
મન-હૃદયના ઉંડાણમાંથી નિષ્પન થતો આનંદ અજબની ચેતના આપતો હોય છે. ગીત ગાવ તો એવી રીતે મુક્ત મને ગાવ કે કોઈ તમને સાંભળતું જ નથી. આંખો મીંચીને ગાવ પછી જુઓ આ ગીતમાં કેવા મઝાના લય અને સુર મળે છે. નૃત્ય કરો તો એવી રીતે કરો કે તમને કોઈ જોતું નથી, ક્યારે તરછોડાવાના નથી એમ સમજપૂર્વક પ્રકૃતિના તમામ પાસાને પ્રેમ કરો. ખુશીના આ બધા સરળ માર્ગો ઉપર ચાલી તો જુઓ ! પૃથ્વી જ સ્વર્ગ છે એમ સમજીને જીવવામાં મોજ છે.
સમરાંગણ કે રમતમાં હારેલો ફરી પાછો ક્યારેક વિજયી બની શકે પરંતુ પોતાના મનથી હારેલો, મનમાં દુઃખોના પહાડ ઊભા કરીને જીવનારો ક્યારેય ખુશ રહી શકતો નથી. જીવનમાં ખુશ રહેવાના બે આસાન માર્ગો છે જે ગમે છે એ કામ કરો અથવા પાસે છે એને ગમતું કરો. ખુશી મેળવવા ફાંફા મારનાર કરતા ખુશીઓ વહેંચનાર સદાય ખુશ હોય છે. બગીચામાં ઉગતા પ્રત્યેક ફુલોની અલગ અલગ તાસીર હોય છે, ભિન્ન ભિન્ન સુગંધ હોય છે. ફુલનું સૌંદર્ય અને સુગંધ એની આગવી ઓળખ છે. દરેકનો ખીલવાનો અને હસવાનો આગવો અંદાજ હોય છે. ગુલાબ કોઈ દિવસ મોગરાની સુવાસની સાથે સરખામણી ક્યાં કરે છે ? કે પછે ચંપો ક્યા ચમેલીની સુવાસથી જલે છે? એટલે જ બગીચાના તમામ પુષ્પો સદાય ખુશ અને આનંદીત લાગતા હોય છે. ભગવતીકુમાર શર્માએ એક મખમલી શેરમાં પુષ્પના પમરાટની ખુશીને મસ્ત રીતે ઉજાગર કરી છે લ્યો, વરસાદ આવ્યો અચાનક મળસ્કે, સુગંધોનું ઉઘડ્યું છે પુસ્તક મળસ્કે.’
જે અંતઃકરણપૂર્વક ગમતું હોય એ કામ કરવામાં હૃદયમાંથી ઉત્સાહ થતો હોય છે. ગમતું કામ કરતાં હૃદયના ઉંડાણમાંથી સારું લાગે. કહેવાય છે ને કે, જો તમારો શોખ જ તમારો પ્રોફેશન હોય તો તમને કોઈ દિવસ કામ ઉપર જાવ છો એવું ફીલ જ નહીં થાય. તમને કામ કરતા મોજ વધુ લાગશે અને કાર્યને ચાર છંદ લાગશે એ નફામાં. ખુશી મેળવવા માટે હરહંમેશ એક બાળકની જેમ જિજ્ઞાસુ બનવુ જોઈએ.
બાળકને કોઈપણ નવી બાબત માટે પ્રશ્નો પુછી પુછીને જાણકારી મેળવવાનો આનંદ હોય છે. મોટપણ આપણામાના બાળકના સદગુણોને છીનવી લે છે. જિજ્ઞાસાવૃત્તિને સદાય જીવંત રાખવી જોઇએ. સદાય નવા નવા પ્રશ્નોની હારમાળા લઇને માહિતી મેળવવાની મોજ કરવી જોઇએ. ખુશ રહેવાની એક ચાવી સંબંધો પણ છે. મિત્રો, સગા, દાંપત્ય જીવન પ્રત્યેક વિભાગ માટે પૂરતો સમય ફાળવીને અમૂલ્ય આનંદ મેળવવાનો હોય છે. સંબંધ સાચવવા અને તેમાંથી ખુશી મેળવવા માટે સંબંધના છોડને પ્રેસ, સમય, ધ્યાન અને દરકારનું ખાતર પાણી નીરતા રહેવું પડે. જીમમાં જઈને વ્યાયામ, મોર્નિંગ વોક, યોગ દ્વારા શરીર સાચવવું જરૂરી છે પણ એથીય વધુ જરૂરી છે ખુશ રહીને શરીરને તરોતાજા રાખવાની. સો વાતની એક વાત ખુદથી જ ખુલે છે ખુશીઓના ખજાનાના દ્વાર.

ધબકાર
થયેલી ભુલના દુ:ખ કરતાં વધુ મોટી ભુલ તો એ છે કે, દુઃખને મનમાં પ્રવેશવાની તક આપવામાં આવે છે.

Tuesday, 17 January 2017

જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી...

જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી...
                            -    પુલક ત્રિવેદી


જીવનમાં સંઘર્ષ હોવો જોઈએ. ઘર્ષણ થવું જોઈએ. મુશ્કેલીઓ આવવી જોઈએ અને આપત્તિઓ દેખાવી જોઈએ. દરેકના જીવનમાં સંઘર્ષ હોય જ છે. સંઘર્ષ વગરના જીવનમાં કોઈ રસ કસ નથી. સંઘર્ષ વિના જિવન શુષ્ક અને બિહામણું લાગે છે. રશિયાના એક મશહુર સર્કસની વાત યાદ આવે છે. આ સર્કસના ચાર સિંહનો ખેલ ખુબ વખણાતો. સર્કસના આ સિંહો દર્શકોનાઆકર્ષણનું મૂખ્ય કેન્દ્ર રહેતા. સિંહોના ખેલના માલિકને ખૂબ નફો રળી આપતાં. સમય બદલાતો ગયો અને લોકો મનોરંજન માટે સર્કસના બદલે ફિલ્મો, નાટકો અને અન્ય બાબતોમાંથી મનોરંજન મેળવવા લાગ્યાં. પરિણામે આ રશિયન સર્કસમાં દિનપ્રતિદિન દર્શકો-લોકો ઘટવા લાગ્યા. સર્કસના કલાકારો અને જાનવરોની નિભાવણી માટે સર્કસના માલિકને પૈસાની તકલીફ પડવા લાગી. સર્કસના માલિક પાસે સિંહોને ભોજન આપવાના પૈસા નહોતાં. આર્થિક મુશ્કેલીને પરિણામે સર્કસના માલિકે નિર્ણય લીધો કે, મારે હવે આ ચાર સિંહને જંગલમાં છોડી દેવા જોઈએ. એક દિવસ સર્કસના માલિકે આ ચાર સિંહને વાનમાં બેસાડી જંગલમાં લઇ ગયો. ખૂબ ભારે હૃદયે આ ચારેય સિંહને એણે જંગલમાં છોડી મૂક્યા.


એકાદ સપ્તાહ પછી સર્કસના આ ચારેય સિંહોને જંગલમાં રખડતાં કૂતરાઓએ ફાડી ખાધાના સમાચાર આવ્યા. સર્કસના આ ચારેય સિંહો મહેનત-પરિશ્રમ વગર ખાવા ટેવાયેલા હતા. શિકારના સંઘર્ષ વગર મળી જતાં ભોજનને પરિણામે આ સિંહો સંઘર્ષ કરવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા હતાં. અને બીજી બાજુ જીવનમાં ખોરાક માટે સતત સંઘર્ષ કરતાં કૂતરાઓ શિકાર કરવાનું હુનર શીખી ગયાં હતાં. સિંહ કે જે શિકાર કરવા ટેવાયેલો છે, એ સંઘર્ષના અભાવે કૂતરાઓનો શિકાર બની ગયો.  આખી વાતના મૂળમાં સંઘર્ષની શક્તિ છે. આમ જોઈએ તો જીવન જ એક મજાનો સંઘર્ષ છે. નેપોલિયન બોનાપાટ સમરાંગણમાં હંમેશા એના સૈનિકોને સંઘર્ષની શક્તિનો પદાર્થપાઠ સમજાવતો. એ કહેતો કે, ખરી તાકાત અને સાચો વિકાસ સંઘર્ષ અને અવિરત પ્રયત્નોમાંથી જ પેદા થાય છે.
        જ્યાં સંઘર્ષ નથી ત્યાં આનંદ નથી. સંઘર્ષથી થયેલા વિકાસનું પરિણામ એ પ્રાપ્તિ છે. સફળતા અને પ્રાપ્તિમાં ભેદ છે. પ્રાપ્તિનો થયેલો સ્વીકાર એ સફળતા છે. જ્યાં સંઘર્ષ હોય ત્યાં વિકાસના પરિણામ હોય. ત્યાં જ પ્રાપ્તિ હોય. અને જ્યાં પ્રાપ્તિ છે ત્યાં જ સાચી ખુશી છે. અંગ્રેજી આલ્ફાબેટમાં ‘ડી’ પછી ‘ઈ’ આવે છે. ત્રણ ‘ડી’ના પાયા ઉપર એક ‘ઈ’ની શાનદાર સવારી હોય છે. સ્વપ્નો સાકાર કરવા માટે ડીટરમિનેશન, ડેડિકેશન, ડિસીપ્લીનના ત્રણ ‘ડી’ ઉપર એફર્ટ(સંઘર્ષ)નો શાનદાર અને જાનદાર ‘ઈ’ આવે. ખૂબ સ્વપ્ન જોવા. ખુલ્લી આંખે સ્વપ્ન જોવા. પણ યાદ રહે સ્વપ્ન સાકાર કરવા માટે શક્તિ સંઘર્ષમાંથી જ જન્મ લેતી હોય છે. ખુશીના એક પ્રદેશમાંથી આનંદના વધુ મોટા બીજા પ્રદેશમાં પ્રવેશ કરવો હોય તો, પીડાદાયક સંઘર્ષના માર્ગે જ ચાલવાનું હોય છે. દુનિયાભરના સફળ થયેલા લોકોનો વિકાસ તેમના કાર્યો ઉપર આધારિત હોય છે. શારીરિક કે બૌદ્ધિક વિકાસ સંઘર્ષમાંથી જ પ્રગટે છે. સંઘર્ષ એટલે કાર્ય.
માણસની સૌથી મોટી વિડંબણા એ છે કે, તે હંમેશા સુખ અને સવલત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંઘર્ષની સુવાસને ક્યારેય સમજતો નથી. વ્યક્તિ જ્યારે સંઘર્ષ ઉપર ‘ફોકસ’ કરે ત્યારે સંભાવનાઓ અને શક્યતાઓના સમંદરની લહેરો દેખાય છે. પ્રત્યેક વ્યક્તિનો સાચો સાથી એેણે કરેલો સંઘર્ષ છે. એક ભાઇ ફરિયાદ કરતાં હંમેશા કહેતાં કે, ભગવાન મારી મુશ્કેલીઓ જોતો જ નથી. રોજ એક નવી સમસ્યા સવારના સુરજના પ્રથમ કિરણની સાથે મારા જીવનમાં પ્રવેશતી હોય છે. આ ભાઇને સંઘર્ષની શક્તિની સાચી સમજ નથી. ખરેખર તો ઈશ્વર આપણા સંઘર્ષને ખૂબ બારીકાઈથી જોતો હોય છે. સંઘર્ષ દરમિયાન આપણી ક્ષમતાવર્ધનની પ્રક્રિયાને એ ખૂબ નજીકથી પામતો હોય છે. ઈશ્વર સાથે સંવાદ કરતાં રહેવું જોઈએ. જેથી સંઘર્ષમાં એનું માર્ગદર્શન દેખાય, સંભળાય અને અનુભવાય. એક વાત સમજી લેવી જોઈએ કે, ભયાનક અને કદરૂપા દિવસને સૌંદર્યવાન અને આહલાદક બનાવવાની શક્તિ આપણા સંઘર્ષમાં સમાયેલી છે. સંઘર્ષમાંથી તપીને બહાર આવેલું સોનું વિકાસ માર્ગે જીવનની ગાડીને પૂરપાડ દોડાવે છે.

હમણા એક ભાઇએ બહુ સરસ વાત કરી કે, મે ઘણા પૈસા કમાઇ લીધા છે. હવે મારે મારા સીનિયર અધિકારીઓના હુકમો અને કડકાઇ સહન કરીને કે એમની સાથે સંઘર્ષમાં ઉતરવાની અને નોકરી કરવાની બિલકુલ જરૂર જ નથી. પણ મારે સતત ઘડાતા રહેવું છે. અપમાનોના રસ્તે સન્માન મેળવવું છે. મારે સંઘર્ષ કરતા રહીને સુવાસ મેળવવી છે એટલે નોકરી છોડવી નથી. જીવન ઘડાય છે સંઘર્ષના હથોડાના મારથી. વ્યક્તિએ સંઘર્ષ વખતે સતર્કતાથી સામી છાતીએ મુકાબલો કરવાનું શીખવાનું છે. સંઘર્ષ વખતે પીઠ બતાવીને પલાયનવાદ કરનારનું જીવન વરવું અને દયાજનક હોય છે. સાચી મઝા તો ત્યારે આવે કે જ્યારે સંઘર્ષ આપણા જીવનની પહેચાન બને. છોડ ઉપર ખીલતા પ્રત્યેક ફૂલના મૂળ ધુળમાં છે. ખૂબ જ મહેનત અને સંઘર્ષથી પ્રત્યેક કળી ખીલીને હસીન અને રંગીન ફૂલ બને છે. સુવાસ પ્રસરાવતા પહેલાં એણે જબરજસ્ત સંઘર્ષ ખેલીને ફૂલ બનવાનુ હોય છે. સંઘર્ષનું સન્માન થવું જોઈએ કારણ કે, તેમાંથી જ વિકાસની તાકાત સ્ફૂરવાની છે. સંઘર્ષ વગર મળેલી સવલતો સુખ નથી આપતી. સુખ તો સંઘર્ષના સાથીયામાંથી જ ટપકતુ ઐશ્વરીય અમૃત હોય છે.

ધબકાર :
“ સંઘર્ષ વિનાના હુંફાળા અને પ્રકાશિત માર્ગો ઉપર હંમેશા ચાલતા રહીશું તો ક્યારેય લક્ષ્ય સુધી પહોંચી નહીં શકાય. “ – પોલો કોહેલો


000000000000000000000



Tuesday, 10 January 2017

વિચારહીન વ્યક્તિનો ભાગ્ય પણ સાથ છોડી દે છે



વિચારહીન વ્યક્તિનો ભાગ્ય પણ સાથ છોડી દે છે
                                   -પુલક ત્રિવેદી

     ઈજિપ્તની બે બાબત વિશ્વ પ્રસિદ્ધ. એક તો વિશ્વની મહાન અજાયબી પિરામીડ અને બીજું ડૉ. તાહા હુસૈનનું સાહિત્ય. ડૉ. તાહા હુસૈન ઈજિપ્તનું એક એવું નામ કે જેણે ઈજિપ્તને વિશ્વમાં અલગ પહેચાન આપી. હુસૈન સૌથી પહેલા એવા ઈજિપ્શીયન હતા કે જેમણે ફ્રાન્સમાંથી માસ્ટર્સ અને પી.એચ.ડી.ની બન્ને ઉપાધિઓ હાંસલ કરી. ડો. તાહા હુસૈનના લખાણો અને રચનાઓમાં ઈજિપ્તની સંસ્કૃતિ અને ઇસ્લામના સંદેશને અસરકારક રીતે સ્થાન આપવામાં આવ્યું છે. તેમની ધારદાર શૈલીના કારણે તેમને ક્યારેક રોષનો ભોગ પણ બનવું પડ્યું. પણ, આજે ડૉ. તાહા હુસૈનની સામાજિક ચેતનાસભર રચનાઓ કે લખાણોની વાત કરવી નથી. આજે તો સામાન્ય પરિવારના બાળક તાહા કેવી રીતે એક વિચારથી જીવન પલટાવીને વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ ડૉ. તાહા હુસૈન બન્યા એની વાત માંડીને કરવી છે.
ઈજિપ્તમાં પણ ઘણાને ન ખબર હોય એવા નાનકડા ગામ લ્ઝબેટ અલ કીલોમાં ડૉ. તાહા હુસૈનનો જન્મ થયો. સાવ સામાન્ય પરિવારના ૧૩ સંતાનો પૈકીનું હુસૈન સાતમું સંતાન. એક અણઘડ તબીબની સારવારની તાહા હુસૈનને બહુ મોટી કિંમત ચૂકવવી પડી. માત્ર ત્રણ જ વર્ષની ઉંમરે હુસૈને દ્રષ્ટી ગુમાવી અને અંધ બની ગયા. આના પરિણામ હુસૈનની જિંદગી અત્યંત કપરી અને મુશ્કેલ બની ગઈ. નાની-નાની બાબતોમાં બાળક હુસૈનને લોકોના હડસેલા સહેવા પડતા. એ અત્યંત વ્યગ્ર બની જતાં. એમને જીવન ખૂબ દુષ્કર લાગતું. હુસૈન સતત એમ વિચારતા કે, મને જીવવાનો કોઈ હક્ક નથી હું આ ધરતી ઉપર બોજારૂપ છું.

દિવસે દિવસે બાળ હુસૈન જેમ જેમ વયસ્ક બનતા ગયા એમ એમનો જીવન પ્રતિ આખો દ્રષ્ટિકોણ જ વિચિત્ર થઈ ગયો. એમને એમ જ લાગ્યા કરતું કે હું જીવનમાં કશું હાંસલ કરી શકીશ નહીં. મારે સ્વેચ્છાએ જીવન સમાપ્ત કરી દેવું જોઈએ. મારી બધી મુશ્કેલીઓ અને વિડંબણાઓનું એક માત્ર સમાધાન મારા જીવનનો અંત છે. એવા વિચારો હુસૈનના મનમાં દિનપ્રતિદિન વધુ ને વધુ દ્રઢતા હાંસલ કરવા લાગ્યા.
હુસૈને જીવન છોડવાના સંકલ્પ સાથે એક દિવસ તેના જીવનનો અંત આણવા માટે મુકરર કર્યો. હુસૈન આત્મહત્યા કરવા ચાલી નીકળ્યા. માર્ગમાં હુસૈનને એક ભલા વિચારક અને ચિંતક એવા ઓલીયા ફકીરની મુલાકાત થઈ. આ ઓલીયા ફકીરે જીવનના અલગ અલગ ઉજ્વળ પાસાઓની અંધ બાળક હુસૈનને ખૂબ સરસ વિચારપ્રેરક વાતો કરી. બે આંખે ન જોઈ શકતા બાળ હુસૈનને આ ફકીરની વાતમાં જીવનના સાત રંગોનું મેઘધનુષી ચિત્ર ખડું થયું. ફકીર બાબાના જિંદગી પ્રત્યેના મેઘધનુષી રંગો મન મસ્તિષ્કમાં ભરીને મરવા માટે નીકળેલો હુસૈન મનભરીને જીવન માણવાના મક્કમ ઈરાદે પાછો વળ્યો. પાછો વળેલો એ બાળક તાહા ઈજિપ્તના મહાન વિચારક ડૉ. તાહા હુસૈન બનવાના વિચાર બીજને સંજોરીને આવ્યો હતો.
દ્રષ્ટી ન હોવાના કારણે જીવન બોજારૂપ લાગતુ હોવાથી એનો અંત કરવા નીકળેલો બાળક ઈજિપ્તની શાન બન્યો. એક ભર્યા ભર્યા મજબૂત વિચારે ઈજિપ્તના આસમાન ઉપર ડૉ. તાહા હુસૈન નામનો સોનેરી તારલો સજાવ્યો. ‘અલ-અય્યામ’ (ધ ડેયઝ) નામની ડૉ. તાહા હુસૈનની આત્મકથા દુનિયાભરના લોકોને મોટીવેશનઆપી રહી છે. તેમની આત્મકથા અંગ્રેજીમાં એન ઈજિપ્શીયન ચાઈલ્ડહુડના નામે ૧૯૩૨માં પ્રસિદ્ધ થઈ. પછી તો ડૉ. તાહા હુસૈન ૧૯૫૦માં શિક્ષણ મંત્રી પણ બન્યા. એ જમાનામાં આ મંત્રાલયમિનિસ્ટરી ઑફ નોલેજકહેવાતુ. ‘સૌને શિક્ષણ અને શિક્ષણનો અધિકારનું સુત્ર ડૉ. હુસૈને ઈજિપ્તમાં પ્રચલિત કર્યું હતું. એ કહેતા કે શિક્ષણ એ પાણી અને હવાની જેમ પ્રત્યેક માનવીએ મેળવવાનો અધિકાર છે. પછી તો આ બે આંખે જોઇ ન શકતા હુસૈને જે ગતીએ પ્રગતિ કરી કે, પાછુ વળીને જોયુ જ નથી. ઘણા અખબારોમાં એમણે તંત્રીપદ પણ શોભાવ્યું. ઈજિપ્ત અને વિશ્વની ગણમાન્ય સાયંટીફિક એકેડેમિક સંસ્થાઓના એ સભ્ય રહી ચૂક્યા છે.
ઈજિપ્તના ડૉ. તાહા હુસૈનની આખી આ વાતનો નિચોડ જિંદગીની જીતના મૂળમાં મજબૂત વિચારની ચિનગારી છે. ગમે એવી કપરી અને ખરાબ પરિસ્થિતિમાં પણ એક ઊર્ધ્વગામી વિચાર જીવનનું ડાયમેન્શનજ બદલી નાખે છે. જીવનમાં ક્યાં કશું ચિરસ્થાયી હોય છે. જીવન તો ખળખળ વહેતા ઝરણા જેવું છે. નદી બનવાના મજબૂત વિચાર સાથે વહેતુ ઝરણું હકારાત્મકતાનું મઝાનું પ્રતીક છે. ચડતી અને પડતી તો આવે. પણ પડતી વેળા થથરીને અંત સમજવામાં શાણપણ નથી. જીવનમાં કોણ સંઘર્ષ નથી કરતો હોતો ? બધા જ એક યા બીજી મુશ્કેલી સામે બાથ ભીડતા જ હોય છે. કોઈને શારીરિક તો કોઈને આર્થિક, કોઈને માનસિક તો કોઈને સામાજિક પ્રશ્નો હોય છે. પ્રશ્નોની હારમાળા ક્યાં અટકે છે?  પ્રશ્નો અને વિડંબણાઓને ૩૬૦ ડિગ્રીએ ફેરવીને હકારાત્મક વિચારોની જડીબુટ્ટી સુંઘવી પડે.

એક મજબૂત વિચાર જીવનને સફળતાના લક્ષ્યભણી પૂરપાટ દોડાવા માટેનું ઈંધણનું કામ કરતો હોય છે. બ્રિટીશ તત્વચિંતક સર જ્હોન હરગ્રેવે સરસ વાત કરી છે કે, જ્યારે આપણી પાસે આત્મવિશ્વાસથી ભર્યો ભર્યો મજાનો એક વિચાર હોય તો આપણે ખૂબ મોજ અને મસ્તીથી જીવી શકીએ છીએ, અને જ્યારે આપણે મોજ અને મસ્તીથી જીવતા હોઈએ ત્યારે આપણે એમેઝીંગ’ (અદભૂત) કામ કરતા હોઈએ છીએ. એ સાચું છે કે, જીવનમાં મોજ માટે મહત્વનો  હોય છે આત્મવિશ્વાસ. પણ આત્મવિશ્વાસ માટેની માનસિક સજ્જતા કેળવાય મજબૂત વૈચારિક શક્તિથી. આત્મવિશ્વાસને વધારવાનું શસ્ત્ર છે, હકારાત્મકતાથી ભરપુર વિચાર. નાની-નાની વાતમાં સુનિશ્ચિત કરેલા વૈચારિક લક્ષ્ય મોટા પરિણામોના સર્જનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે.
એક વિચારથી બનતા આત્મવિશ્વાસના બળથી જ મનોબળ મજબૂત બને છે. મજબૂત ઈરાદાવાળા માર્ગ ઉપર જ્યારે ચાલીએ ત્યારે કંટકોની પરવા કરવી ન પાલવે. જીવન માત્ર જીવાય એ કેમ ચાલે, જીવન તો ઉજવાવુ જોઇએ. જીવનમાં પ્રતિદિન ઉત્સવનો ઉત્સાહ હોવો જોઇએ. કંઇક નવુ કરવાનો ઉમંગ હોવો જોઇએ. આનંદીત વ્યક્તિ સાથે આખી દુનિયા આનંદ કરે પણ સોગીયા વ્યક્તિનો સાથ કોઇ ન આપે. વૈચારિક સંપદા હોય તો કાર્યની શરૂઆત પહેલા જ વિજયનો અડધો રસ્તો કપાઇ ગયો એમ સમજવુ. જીવનમાં જીત માટેના બે જ માર્ગ છે. મચી પડવું પડે એ વિચાર પાછળ કે, જે હકારાત્મકતાનું ઉજ્જવળ આકાશ ઉડવા માટે આપે. ભૂલી જવો પડે એ વિચાર કે, જે નકારાત્મકતાના જાળા સર્જતો હોય. જાણીતા સર્જક અને ચિંતક બેન્જામીન ફ્રેંકલીન કહેતા કે, જેની પાસે સારા વિચારોનું ધૈર્ય છે એ સફળતા પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિની આજ એના વિચારોનું પરિણામ છે. જ્યાં વિચારોનો શુન્યાવકાશ હોય અને વિચારોનું ઘનઘોર અંધારું હોય ત્યાં બહારથી નવો બીજો અજવાળાનો ઉજાશ ક્યાંથી આવે? ૨૧મી સદીના મહાન લેખક વિલીયમ સેક્સપીયરે લખ્યું છે કે, મન તો સફેદ કાપડ જેવું છે, જે રંગમાં ઝબોળો એ રંગ ચડી જાય. હકારાત્મક અને ઊર્ધ્વગામી વિચારોના રંગમાં મનના સફેદ કાપડને ડુબાડી જીવનને હસીન-રંગીન બનાવવાની કળા આત્મસાત કરવાની મોજ હોય. એમાં પ્રયાસની ક્યાં જરૂર છે, એ તો આપો આપ થાય. હકારાત્મક વિચારહીન વ્યક્તિનો ભાગ્ય પણ સાથ છોડી દેતું હોય છે.

ધબકાર
ઉત્તમ વિચાર અને મહાન લોકો ક્યારેય નથી મરતા.

00000000000000000