‘સ્વીટ સિક્સટીન’ને સલામ, ‘સ્માર્ટ સેવન્ટિન’નુ સ્વાગત
પણ વર્તમાનનો વૈભવ સદાકાળ.
- પુલક ત્રિવેદી
સમયરૂપી હિમપર્વત ઉપરથી વર્ષ-૨૦૧૬ની હિમશીલા ઓગળીને
અનુભવનું પાણી બનીને ખળખળ વહેતી નદી
સ્વરૂપે ઘણું ઘણું નવું શીખવતી ગઈ. નવા ઉમંગ, નવો ઉત્સાહ અને નવા અરમાનોના આકાશ
સાથે ૨૦૧૭ની નવી નક્કોર હિમશીલાની ટોચ નજર સામે સ્પષ્ટ થઈ છે. ફરી પાછું એક નવું
વર્ષ આવ્યું. નવા સૂરજ સાથે, નવા સપનાં, નવી જવાબદારીઓ અને નવા સંઘર્ષના લાલ, પીળા
અને ગુલાબી કિરણો પ્રસરાવતું નવું વર્ષ બારણે દસ્તક દઈને પ્રવેશી ચૂક્યું છે. પસાર
થઇ ગયેલા ‘સ્વીટ સિક્સટીન‘ના અનુભવોને સલામ અને ધુમધડાકા સાથે આવેલા ‘સ્માર્ટ
સેવન્ટિન’નુ દિલથી સ્વાગત છે.
દરેક વ્યક્તિના જીવનનો દ્રષ્ટિકોણ
સ્વાભાવિક રીતે અલગ અલગ હોય. પોતાની અપેક્ષાઓ અનુસાર વ્યક્તિ નવા વર્ષમાં પોતાની
ભૂમિકા બાંધી આગળ વધવાનો રાજમાર્ગ સુનિશ્ચિત કરતો હોય છે. સમય અખંડ અને અનાદી છે.
સત્ય અને સનાતન હોવા ઉપરાંત સમય પૌરાણિક તથ્ય પણ છે. સમયના ત્રણ વિભાગ- ભૂત,
ભવિષ્ય અને વર્તમાન. વીતી ગયેલું વર્ષ ભૂતકાળ અને હથેળીમાં ઊભું છે એ ૨૦૧૭ વર્તમાન.
વર્તમાનમાં વહેતો વ્યક્તિ કેલેન્ડરના પાને ફરફરતાં દિવસોમાં મજબૂત સંકલ્પથી આવનારા
સમયની સામે સુસજ્જ બનીને હસતો અને ખેલતો સદાય તૈયાર હોય છે.
નવું એટલે આનંદ જ હોય. નવું એટલે તાજગી જ
હોય. નવું શુષ્ક હોય કે દિવેલીયું હોય, એવું કોણ વિચારે? નવા વર્ષની ‘કેલેન્ડરી’
ભાષા પણ અલગ અલગ રીતે ઊભરી આવેલી છે. ક્રિશ્ચિયન એરાનો ઉદય ઈ.સ. પૂર્વે સાતમી
સદીમાં થયો. જો કે, એક મત એવો પણ છે કે, વડવાઓએ આ કેલેન્ડરને ઈ.સ. પૂર્વે ૪૦૦મા
વૈચારિક રીતે ઘડવાનું નક્કી કર્યું હતું. ક્રિશ્ચિયન એરાનો ૭૫૦૯મું વર્ષ સપ્ટેમ્બર
૨૦૦૦માં શરૂ થયું. જ્યારે બાયઝેન્ટીંગ
કેલેન્ડરનું પ્રથમ વર્ષ ઈ.સ. પૂર્વે ૫૫૦૯ BCમાં શરૂ થયું હતું.
ઈથોપિયાનો ઈન્કારનેશન એરા કહેવાય. ઓગસ્ટ ૨૯, ૮AV ઝુલીયન કેલેન્ડર પ્રમાણે
આ એરા આકાર લઈ રહ્યો છે. આર્મેનિયન કેલેન્ડરનો સમય ૫૫૨AD છે. હિન્દુ કેલેન્ડર
કળીયુગથી શરૂ કર્યું હોવાનું કહેવાય છે. જેનો ઈ.સ. પૂર્વે ફેબ્રુઆરી ૧૮, ૩૧૦૨થી
આરંભ થયો છે. વિક્રમ સંવત ઈ.સ. પૂર્વે ૫૬-૫૭ બારમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું.
નવા વર્ષની ઉજવણી પણ અલગ અલગ પ્રદેશમાં
નોખી નોખી રીતે મઝાના અંદાજથી થતી હોય છે. અમેરિકનો નવા વર્ષનું સ્વાગત
ભાઈબંધો-દોસ્તારો સાથે પાર્ટી મનાવી મોટા અવાજે સંગીત વગાડી નૃત્ય કરીને ઉજવે છે.
જ્યારે બ્રિટીશરો લંડનમાં થેમ્સ નદીના કિનારે ભેગા મળીને મિત્રો અને સગાંવહાલાંઓની
સાથે રોશની જોતાં જોતાં અવનવી વાનગીઓ આરોગતાં અને શરાબ પાન કરતાં કરતાં નવા વર્ષને
આવકારે છે. બ્રિટીશરોમાં એવી પણ માન્યતા છે કે, એક નિગ્રો મધ્ય રાત્રિએ મુખ્ય
પ્રવેશ દ્વારથી બ્રેડ, વ્હિસકી, કોલસો લઇને પ્રવેશે અને ઘરની તાપણીમા કોલસો નાંખે.
બ્રેડ અને વ્હીસકી પરિવાર સાથે બેસીને આરોગે પછી હળવેકથી પાછલા દરવાજેથી જતો રહે.
બ્રિટીશરો આને ‘ગુડલક’ સમજે છે. ચીનમાં મિત્રો અને સગાં વહાલાંઓ મળીને પૈસા ભરેલું
લાલ પરબિડીયું એકબીજાને આપીને શુભેચ્છા પાઠવે છે. ચીનાઓ આને શુકન ગણે છે.
ડેનમાર્કના લોકો રાત્રે બરાબર ૧૨ વાગે ખુરશીમાં ઊભા રહીને એક લાંબો કૂદકો મારીને
નવા વર્ષને સત્કારવામાં શુભ સંકેત માને છે. સ્પેનમાં ૧૨ મહિનાની ૧૨ દ્રાક્ષ લઇ નવાવર્ષના
પ્રારંભે પ્રતિ કલાકે એક દ્રાક્ષ ખાવાનો રિવાજ છે. જે દ્રાક્ષ ખાટી નિકળે એ વર્ષ
સારૂ ન જવાની માન્યતા છે.
ભારત દેશમાં પણ જુદા જુદા પ્રદેશમાં નવા
વર્ષની ઉજવણી અલગ અલગ રીતે થતી હોય છે. પંજાબમાં વૈશાખી સ્વરૂપે નવું વર્ષ ઉજવાય
છે. આસામમાં રંગોળી બીહુ સ્વરૂપે, તામિલનાડુમાં પુથાન્ડુ તહેવારથી નવુ વર્ષ
સત્કારાય છે. બંગાળમાં નવા બર્ષા તો કેરળમાં વિષુ, આન્ધ્રમાં ઉગદી, મહારાષ્ટ્રમાં
ગુડી પડવો અને કાશ્મીરમાં નવરેત સ્વરૂપે નવું વર્ષ ઉજવાતું હોય છે.
પ્રત્યેક નવા વર્ષે નવા સંકલ્પોનો ઉત્સાહ હોય
છે. આવશ્યકતા એ છે કે સંકલ્પો જળવાય, સચવાય અને અમલ થાય. નવા સંકલ્પો સજાવી જરૂર લેવાય
પણ સચવાય નહીં એનો અમલ થાય નહીં તો એનો અર્થ નહીં. નવા વર્ષના એવા સંકલ્પો સજાવીએ કે
જે સચવાય અને ખરેખર અમલમાં મૂકી શકાય. કેટલાક સુચનો છે, વિચારીને સંકલ્પ કરી શકાય.
·
કોઈની પણ ‘હા’માં ખોટેખોટી ‘હા’ ન ભણવાનો સંકલ્પ કરીએ.
·
ક્ષમતા ન હોય ત્યાં વિનમ્રતાપૂર્વક ‘ના’ પાડવાનો સંકલ્પ
કરીએ.
·
પ્રતિદિન એક સુવિચાર પર ચિંતન કરવાનો સંકલ્પ કરીએ.
·
દરરોજ ઓછામાં ઓછી પોતાની એક ભૂલને અલગ તારવીએ.
·
રોજેરોજ સારા વિચારોવાળા ઓછામાં ઓછા બેથી ત્રણ પાના વાંચવાનો
અને રોજ કોઈપણ એક વિચાર ઉપર ઓછામાં ઓછું એક પાનું લખવાનો સંકલ્પ કરીએ.
·
નફરત ઓછી અને પ્રેમ વધારે કરવાનો સંકલ્પ કરીએ.
·
ઓછું બોલીને વધુ સાંભળવાનો સંકલ્પ કરીએ.
·
રોજ ૧૦થી ૩૦ મિનિટ ચાલવા જવાનો નિશ્ચય કરીએ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત રાખવાનુ ન ભુલીએ.
·
પ્રતિદિન ઓછામાં ઓછી ૧૦થી ૨૦ મિનિટ એકાંતમાં બેસી સ્વને
સમજવાનો પ્રયત્ન કરીએ.
·
દરરોજ સાત કલાક સુવાનો સંકલ્પ કરીએ.
·
જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના
ગુણો છે જીવનમાં એને બરકરાર રાખવા સજાગ પ્રયત્ન કરતા રહીએ
·
રોજે રોજ નવી રમતો રમવાનુ શિખતા નાનમ ન અનુભવીએ, રમત રમતા
શિખીએ અને રમતા રહીએ.
·
ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચવાનો નિશ્ચય
કરીએ.
·
જેણે આટલુ સરસ જીવન આપ્યું છે એનો રોજ આભાર માનીએ અને પ્રાર્થના
માટે સમય ફાળવીએ.
·
રોજ ૭૦થી વધારે ઉંમરના અને સાતથી ઓછી ઉંમરના લોકો સાથે થોડો
સમય ગાળીએ. દરરોજ શક્ય ન હોય તો સપ્તાહમાં એકવાર.
·
ખુબ સપના જુઓ પણ જાગતાં સપનાં જુઓ.
·
પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ (છોડ)માં
ઊગેલી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપવાનો નિશ્ચય કરીએ.
·
દિવસમા ઓછામાં ઓછો દસ ગ્લાસ પાણી પીવાનો નિયમ બનાવીએ.
·
દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવવાનો
સંકલ્પ કરીએ.
·
ચર્ચા / નિંદા / કુથલી ન કરવાનો નિશ્ચય કરીએ.
·
ભૂતકાળ ભૂલી જવાનુ રાખીએ વર્તમાનનો આનંદ લેવાનુ રાખીએ.
·
રાજાની જેમ સવારનો નાસ્તો કરીએ, રાજકુમારની જેમ બપોરનું
ભોજન લઇએ અને રાત્રે જમવાનુ ભિખારી જેટલું રાખીએ.
·
મનમાં સમજી લઇએ કે, પ્રત્યેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લેવાનુ રાખીએ.
·
સરખામણી અળખામણી છે એ પોપટીયુ જ્ઞાન રાખવાના બદલે જ્ઞાનને
સાચા અર્થમાં અમલમાં મુકીએ અને સરખામણી કરવાનું છોડીએ.
·
આપણા સુખનું કારણ ફક્ત આપણે જ છીએ એટલે આપણી જાતને સર્વાધિક
પ્રેમ કરતા શીખીએ.
·
સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. બીજા લોકો તમારા માટે શું
વિચારશે એવા વિચારો છોડો.
·
ઉત્તમ હજી આવવાનું બાકી છે, ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો
મારી આવવાની ટેકનિક અજમાવીએ.
·
કારણ વગરનાં સવાલો ક્યારેય ના પૂછીએ.
·
શંકાશીલ બનવા કરતા વિશ્વાસ રાખતા શીખીએ.
બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, એ ભૂત, ભવિષ્ય અને વર્તમાન
એમ સમયના ત્રણ સ્વરૂપ છે. પ્રત્યેક ઉંમરનું અલગ સૌંદર્ય હોય છે. દરેક અવસ્થાનો અલગ
અંદાજ હોય છે. બાળપણમાં ભોળપણ, યુવાનીમાં થનગનાટ અને વૃદ્ધાવસ્થામાં અનુભવની તાકાત
હોય છે. પસાર થતો પ્રત્યેક દિવસ થોકબંધ
અનુભવનું ભાથુ બાંધી આપે છે. સાચું પૂછો તો આ અનુભવના ભાથાથી જ વર્તમાન ઘડાય છે.
સમય બદલાતો જાય છે કે, માણસ બદલાય છે ? આ પ્રશ્ન ‘પહેલા મરઘી કે પહેલા ઈંડુ ?’ની
જેમ સદાકાળથી ઉકેલની રાહ જોતો બેઠો છે. આજની ઘડી જ રળીયામણી છે. વર્તમાન એ જ
જીવનનું વિરાટ સ્વરૂપ છે. ભૂતકાળની મુશ્કેલીઓ અને ભવિષ્યની ચિંતાને કોઈ સ્થાન ન
હોય. વર્તમાનનો વૈભવ સદાકાળ હોય. ‘એની વેયઝ, વેલકમ સ્માર્ટ સેવન્ટિન’
ધબકાર –
આવતીકાલ
એ ૩૬૫ પાનાની તદ્દન કોરી ચોપડીનું પહેલું પાનું છે, સરસ મઝાના કાર્યોના લખાણથી
તેની શરૂઆત કરીએ.
000000000000000



No comments:
Post a Comment