Wednesday, 5 April 2017

શું તમે સન્માન મેળવવા લાયક છો ખરા ?

શું તમે સન્માન મેળવવા લાયક
છો ખરા ?
                                -     પુલક ત્રિવેદી
જીવનમાં દરેક વ્યક્તિને સ્વીકારની અપેક્ષા હોય. કોઈક તેની પીઠ થાપડે એવી આશા હોય. દરેકને અભિવ્યક્ત થવું છે. અભિવ્યક્તિના મૂળમાં સંવેદના છે. ‘સંવેદના’ પારકાને પણ પોતાના બનાવી દે છે. ‘સંવેદના’ શબ્દમાં પણ મોટો હિસ્સો ‘વેદના’નો રહેલો છે. ‘વેદના’થી સંવેદના સુધીની સફર સુહાની હોય છે.



છોકરું સાયકલ ચલાવતા ચલાવતા પડી જાય, હાથ છોલાઈ જાય અને બળતરા થાય તેને વેદના કહેવાય. પણ, જો કોઈક અજાણ્યો છોકરો સાયકલ ચલાવતા ચલાવતા રસ્તા ઉપર પડે, છોલાય અને લોહી નીકળે. આ દ્રશ્ય જોઈ બીજા છોકરાને વેદના થાય, એની મદદે દોડી જાય, એના ઘા ઉપર ફૂંક મારે, મલમ લગાવે તેને ‘સંવેદના’ કહેવાય.
જ્યારે જ્યારે ચિત્તમાં કોઈકની સારી વાત ચોંટી જાય ત્યારે હૃદયના ઊંડાણમાંથી ‘મોજ’ આવે છે પણ એવી જ રીતે જ્યારે જ્યારે કોઈની તકલીફ કે મુશ્કેલી જોઈને ‘સોચ’ બદલાય અને હૃદયમાંથી ચિત્કાર નીકળે એ જ ‘સંવેદના’નું સુવાળુ અને રૂપકડું સ્વરૂપ છે.
સારા માર્ગદર્શક-લીડર વાતો કરવાથી બની જતા નથી. સંવેદના જેના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરાયેલી હોય એ આપો આપ સન્માન મેળવવા લાયક બની જતો હોય છે. આવા લોકો માર્ગદર્શકની ભૂમિકામાં આવી જતા હોય છે. એમને ઇચ્છા હોય કે ન હોય અન્ય માટે સંવેદનશીલ વ્યક્તિઓ પ્રેરણાસ્ત્રોત બની જતા હોય છે.
‘લીડર’ બની જવું આસાન નથી, પાંચ-પચીસ લોકોના સિનિયર અધિકારી બની જવાથી, ‘બોસ’ બની જવાથી ‘લીડર’ બનવાની ક્વોલિટી વિકસતી નથી. ‘બોસ’ને ખુરશીનું સન્માન મળ્તું હોય. ‘લીડર’ને હૃદયનું સન્માન મળે. ‘ઓર્ગેનાઈઝેશનલ હારારકી’ના કારણે મોટાભાગે ‘બોસ’ની વાતનો વિરોધ ન થતો હોય. ‘લીડર’ના પ્રત્યેક શબ્દો સરઆંખો ઉપર હોય. ‘બોસ’ સાથે દિલનું કનેકશન ‘ઝીરો’ હોય છે. ‘લીડર’ સાથે સંવેદનાસભર જોડાણ હોય છે.
જ્યારે કોઈપણ ક્ષેત્રમાં કોઈ ટીમના નવા લીડરનું આગમન થાય ત્યારે આ ટીમ લીડર માટે શરૂઆતનો થોડો સમય સૌથી અગત્યના હોય છે. લીડરની ‘સંવેદના’ને સતત પ્રતિપળ લોકો માપતા હોય છે. સંવેદનાનું માપ લેવા માટેની ફૂટપટ્ટીમાં વર્તણૂંકના આંકા હોય છે. રાતોરાત સ્વભાવ બદલીને સંવેદનાસભર વર્તન કરવું શક્ય નથી. સંવેદના તો સ્વભાવમાં હોય. ચહેરા પર ચહેરો ઓઢીને એકાદ સંવેદનાસભર વર્તનના ઢોંગને લોકો સુપેરે સમજી જતા હોય છે. સાચા અર્થમાં તો જ્ઞાન એ જ માનવીની સૌથી મોટી તાકાત અને બચાવ છે. જ્યારે ખૂબ વાંચન, મનન અને મંથનની પ્રક્રિયા થાય ત્યારે માહિતીના પૃથક્કરણ સાથે જ્ઞાનનો પિંડ બંધાય. અને જ્ઞાનનો પિંડ ‘સંવેદના’ના સથવારે સાથીઓમાં વહેંચાય ત્યારે સાથીઓ ‘બોસ’માં ‘લીડર’ના દર્શન કરે છે.
લીડર ‘સંવેદના’થી છલોછલ ચોક્કસ ભરેલો હોવો જોઇએ. જે ખોટું છે, જ્યાં પરિણામની પ્રાપ્તિ નથી, જેનો માર્ગ અવળો છે ત્યાં સ્પષ્ટતા સાથે ધ્યાન દોરાય. અન્યના સ્વાભિમાન જળવાય અને સન્માન સાચવીને સાચો માર્ગ પ્રદર્શિત થાય ત્યારે સન્માન પ્રાપ્ત થાય. જ્યારે અન્યની કોઈ ભૂલ થાય ત્યારે એની પડખે ઊભા રહી તેની સાથે હસતા હસતા, પ્રેમપૂર્વક ચાલીને ભૂલ સુધારે એ જ ખરો ‘લીડર’. આમ તો જે વ્યક્તિ હંમેશ કંઇક શીખવાની ખેવના સાથે જીવન જીવતો હોય છે. પ્રત્યેક કાર્યમાંથી કંઈકને કંઈક નવું પ્રાપ્ત કરતો હોય છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક પણ કહેતા કે, ‘‘હું જ્ઞાન સાગરના તટે છીપલાં વીણતો બાળક છું.’’
ઘણા સંવેદનહીન લોકોની ફીતરત એવી હોય છે કે, સામેવાળાનું મો બંધ કરાવી દે. એના વિચાર અભિવ્યક્ત જ ન થવા દે. એની વાત જ ન સાંભળે. ‘હું તારો ‘બોસ’ એટલે હું કહું એ જ સાચું’. એવી માનસિકતા માર્ગદર્શકની ક્યારેય ન હોય. આવા લોકોને ક્યારેય સન્માન ન મળે. માર્ગદર્શક-લીડર હંમેશા અન્યની વિચારધારાને સન્માનપૂર્વક શાંતિથી સાંભળે. એમાં પોતાના અનુભવ અને માહિતીને જોડે. પછી એનું પૃથક્કરણ કરી નિર્ણય લેતો હોય છે. અન્યનું મોં બંધ કરાવવા કરતા, એ વ્યક્તિ ખુલ્લા દિલે વાત કરે અને એના વિચારો જાણવા મળે એવું સૌહાર્દપૂર્ણ વાતાવરણ નિર્માણ કરે એ માર્ગદર્શક.
લીડર અન્ય ઉપર જવાબદારી નાખવાને બદલે સ્વયં પોતાના ખભા ઉપર જવાબદારી લેતો હોય છે. મહત્વના અને અગત્યના કાર્યમાં ટીમ મેમ્બરના માથે જવાબદારી ફેંકવાની મનોવૃત્તિ ‘બોસ’ની પ્રતિભાને ઝાંખી પાડી દે છે. એક મલ્ટીનેશનલ કંપનીના ઉચ્ચ અધિકારીએ વિદેશી ડેલીગેશન સાથે અગત્યના ડીલમાં ટીમ મેમ્બરના નામે દસ્તાવેજો તૈયાર કરાવ્યા. વિદેશી કંપનીના વરિષ્ઠ અધિકારીઓના મનમાં આ કંપની અને તેના ઓર્ગેનાઈઝેશનની છાપ તો ઝંખવાઈ અને સાથી ટીમ મેમ્બર્સના દિલમાં પણ ‘બોસ’ના બેજવાબદારીપૂર્વકના વર્તનની નકારાત્મક અસર પડી.
લીડર અનુભવ અને વાંચનના આધારે પ્રત્યેક પરિસ્થિતિને ઉચિત ઉદાહરણોથી સુલજાવે. જ્યારે પણ વિપરિત પરિસ્થિતિ આવે ત્યારે લીડર ભૂતકાળના અનુભવોના પટારામાંથી યથાયોગ્ય પાના-પક્કડ નીકાળી મુશ્કેલીમાંથી માર્ગ આપે. બધાની સાથે જ્ઞાનપૂર્વક હસતા-ખેલતા આગળ વધે ત્યારે આસપાસના સૌ કોઈનું મસ્તક આદરથી ‘લીડર’ સામે ઝૂકે.
એકવાર એક સંસ્થાના અધિકારી તેમના બોસને એક કામમાં આવેલી મુશ્કેલી અને એના હલને લઈને વાત કરવા ગયા. બોસે એ અધિકારીની વાત સાંભળી ન સાંભળી અને તાડૂકી ઊઠ્યા. ‘આમ કરો, તેમ કરો. આની પાસે જાવ, તેની પાસે જાવ... તમને કશી ખબર જ નથી પડતી... હું કહુ એમ જ કરો... વગેરે વગેરે.’ પેલો અધિકારી બિચારો મુશ્કેલીનો સચોટ ઉપાય લઈને માત્ર બોસને જાણ કરવા આવ્યો હતો. બોસના ‘બોસીઝમ’ સામે મુશ્કેલીનો હલ એ અધિકારી ‘બોસ’ સામે બોલી જ ન શક્યો. પરિણામે જે કાર્ય આસાનીથી પૂરું થવાનું હતું તેમાં બિનજરૂરી ઘણો વધારે સમય ગયો અને ‘સંવેદનહીનતા’નું તત્વ સંબંધો તોડતું રહ્યું એ નફામાં.



સંવેદનસભર વર્તન એ વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ છે. રૂપિયા પૈસા તો ચોર-સ્મગલર કે વેશ્યાઓ પાસે પણ હોય છે. વ્યક્તિ જ્યારે કોઈ કામ કોઈના માટે સારી રીતે કરે છે, ત્યારે હંમેશા ‘ફીલ ગુડ’ સ્થિતિમાં હોય છે. એને હૃદયના ઊંડાણમાંથી આનંદ થતો હોય છે. જ્યારે જ્યારે બીજાને માટે સારું કરીએ ત્યારે આપણને હૃદયથી અને મનથી એમ લાગે કે, હું આનંદમાં છું, હું આસમાનમાં છું. સંવેદનશીલ વર્તન બોસીઝમ મીટાવીને લીડર-માર્ગદર્શક બનાવે છે. સાચા અભિપ્રાય વગર ‘હા’ માં ‘હા’ મિલાવે જાય અને પ્રસંશા થાય ત્યારે ચોક્કસ સમજી લેવું પડે કે આ ખાલી વ્યક્ત થતો રાજીપો માત્ર છે. ચિંતક બ્રોડ હર્સ્ટ કહે છે કે, ‘સાચી લાયકાત વગર થતી વાહવાહી એ માત્ર ને માત્ર વરખ ચડાવીને કરાતી મશ્કરી માત્ર છે.’ સ્વયં જાતને પુચતા રહેવું પડે કે, શું ખરેખર સન્માન મેળવવા લાયક છું ? લીડર બનીને માર્ગદર્શન કરી રહ્યો છું કે માત્ર ‘બોસીઝમ’ના ‘ઇઝમ’ને જ પોષી રહ્યો છું.

ધબકાર :

સંવેદનાસભર વર્તન એ કલા છે પણ ‘સંવેદનશીલતા’ સતત જાળવી રાખવી એ મોટી સાધના છે.


No comments:

Post a Comment