અફસોસના
બીજ વટવૃક્ષ બને
એ
પહેલા ચેતી જવુ પડે...
-
પુલક ત્રિવેદી
બ્રાઉની વેર. એક નિષ્ઠાવાન નર્સ કે જેણે વર્ષો સુધી પેલીએટીવ
કેર યુનિટમાં સેવા આપી. પેલીએટીવ કેર યુનિટ એટલે એવી જગ્યા કે જ્યાં દર્દી ‘લાસ્ટ
સ્ટેજ’માં હોય ત્યારે જ આવે. આ જ્ગ્યાએથી સામાન્ય રીતે બચવાનો કોઈ ચાન્સ જ ન હોય. અહી
જીવનના જે છેલ્લા થોડા ઘણાં દિવસો બાકી રહ્યાં હોય તે પસાર કરવાના હોય છે.
બ્રાઉનીએ જીવનના છેલ્લાં સ્ટેજમાં હોય એવા અસંખ્ય લોકોની સેવા કરી છે. બ્રાઉની
વેરને મોતની નજીક પહોંચેલા અને છેલ્લા શ્વાસો ગણી રહેલાં લોકોના જીવનમાંથી જે
જાણવા મળ્યું તે એણે ‘ધ ટોપ ફાઈવ રિગ્રેટ્સ ઓફ ડાઈંગ’ પુસ્તકમાં અદભૂત રીતે
વર્ણવ્યું.
મોતની નજીક હોય ત્યારે માણસની નજર સામે જીવન દરમિયાન કરેલા
તમામ કાર્યો એક ફિલ્મની જેમ ફટાફટ પસાર થતાં હોય છે. એવા તબક્કે એને ઘણી બાબતોનો
અફસોસ થતો હોય છે. મેં કદાચ આમ જિંદગી જીવી હોત તો ? અથવા મેં આમ વર્તણૂંક કરી એને
બદલે તેમ વર્તણૂંક કરી હોત તો વધુ સારુ થાત. એવા ઘણાં બધાં વિચારો જીવનના આખરી
પડાવ ઉપર આવતાં હોય છે. ઘણા બધા અફસોસ પૈકી મહત્વપૂર્ણ પાંચ અફસોસ બ્રાઉનીએ કોમન
તારવ્યા.
બ્રાઉનીના મતે મહદંશે લોકોને સૌથી મોટો અફસોસ એવો થતો હોય
છે કે, જિંદગી આખી બીજાના કહેવા પ્રમાણે જીવ્યા એના કરતાં હૃદયના અવાજ મુજબ જીવ્યા
હોત તો સારું થાત. એ વ્યવસાય ન કર્યો કે, જે કરવા માંગતા હતા. એ અભ્યાસ ન કર્યો કે
જે ગમતો હતો. મમ્મી-પપ્પા મોટા ભાઈ-બહેન કે અન્ય કોઈએ કીધું એ પ્રમાણે અભ્યાસ કર્યો
અને એમના કહેવા મુજબનો જ વ્યવસાય કરીને નિવૃત્ત પણ થયા. પણ એ ન કર્યું કે જેના
માટે એ જન્મ્યો છે.
લોકો પોતાના હૃદયની વાત નથી સ્વીકારી શકતાં કારણ કે, મન એમ
કહે છે કે, સોસાયટી શું વિચારશે ? લોકો શું સમજશે? મોટાભાગે એવું જ બનતું હોય છે
કે, મોટા ભાઈ-બહેનો ડોકટર, સ્પેસ સાયન્ટીસ્ટ, એન્જિનિયર બન્યા છે એટલે પરિવારની
પરંપરા મુજબ મારે પણ એ જ દિશામાં ચાલવું. મનમાં મ્યુઝીશિયન બનવાના અરમાન હોય,
ચિત્તમાં ચિત્રકાર બનવાની તમન્ના હોય, પણ એ બધું જ નેવે મૂકીને ડોકટર કે એન્જિયર
બનવાનું. અને પછી રોજ સવારે ઊઠીને જ્યારે કામ ઉપર જાવ ત્યારે કામ કરવાનો મનમાં
રાજીપો ન હોય. મજબૂરીથી પૈસા કમાવા માટે એ કામ કરવા જવાનું કે જે મનમાં બિલકુલ ન
રૂચતુ હોય !
એક મિત્રના દીકરાને વહીવટી સેવાઓમાં સર્વોચ્ચપદે બેસવાની
અને મેનેજમેન્ટ સાઈડમાં કામ કરવાની તમન્ના. મેડિકલમાં એડમિશન મળતું હતું એટલે
પરિવારે લેવડાવી દીધું. દીકરો ડોકટર થઈ પણ ગયો. પણ પછી તબીબી ક્ષેત્રનાઅનુસ્નાતક
કક્ષાનો અભ્યાસ છોડીને સનદી સેવાની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યો. આ એક
પ્રેરણાદાયી કિસ્સો કહી શકાય. દીકરાને જેમાં રસ હતો એ ક્ષેત્રમાં સવેળા વળી ગયો.
બાળક જ્યારે ઉમરલાયક થાય, જીવનના સાત-આઠ દાયકા પસાર કરે અને
એના અંતિમ પડાવ પર હોય ત્યારે સ્વાભાવિક છે કે, તમે પૃથ્વી પર ન જ હોવ, ત્યારે એના
વ્યવસાય અને અભ્યાસ માટે એ અફસોસ ન કરે અને મા-બાપને એના જીવન માટે ભરપુર દુઆઓ
આપે, એવું ત્યારે જ શક્ય બને કે જ્યારે એને મનગમતા વિષયને લઇને એ ભરપુર જીવન જીવ્યો
હોય. મા-બાપે એ માટે પ્રેરણા પૂરી પાડી, સહાયકની ભુમિકા ભજવી હોય.
બ્રાઉની બીજો એક મહત્ત્વનો અફસોસ એવો નોંધે છે કે, માણસ
અંતિમ તબક્કે એવું વિચારતો હોય છે કે, મેં જીવન દરમિયાન આટલી બધી મહેનત પૈસા કમાવા
માટે કેમ કરી. મેં મારા પરિવારને સમય જ ન આપ્યો. લોકોની વાહ વાહ મેળવવામાં
પરિવારની ખુશીને મેં શા માટે અવગણી.
એક ભાઈ શહેરના નાનામાં નાના કાર્યક્રમથી માંડીને મોટામાં
મોટા આયોજનમાં પણ પહોંચી જાય. એમને શહેરમાં બધા જ લોકો ઓળખે. એ વાતનું એમને
ખાસ્સું ગૌરવ પણ ખરું. વહેલી સવાર હોય કે મોડી રાત, બળબળતી બપોર હોય કે કડકડતી
ઠંડી. જ્યાં ચાર-પાંચ લોકો ભેગા થયા હોય ત્યાં પણ આ ભાઈ અવશ્ય પહોંચી જાય. પરિણામે
સ્વાભાવિક રીતે જ પરિવારમાં પૂરતો સમય ન આપી શક્તા. બાળક સાથે બગીચામાં રમવાનો કે
પત્ની સાથે ફળિયામાં હિંચકા પર બેસીને વાતો કરવાનો ક્વોલિટી ટાઈમ એ ભાઇ લોકોની વચ્ચે
જઇને ખોટી વાહવાહી લૂંટવામાં ખર્ચી નાખતા. કામ એટલું જ થવું જોઈએ કે જેટલી
જરૂરિયાત હોય. એનો અર્થ એવો પણ નથી કે, મહેનત ન કરવી જોઈએ. પુરુષાર્થની અને
પરિવારનું સામંજસ્ય પણ જળવાય તો જીવનના અંતિમ તબક્કે અફસોસને અવસર ન આવે.
બ્રાઉની નોંધે છે કે, અભિવ્યક્ત ન કરવાનો અફસોસ પણ માણસને
બહુ મોટો હોય છે. સમાજથી કે લોકોથી ડરીને પોતાની લાગણી જીવનભર પ્રદર્શિત થતી નથી
અને પરિણામે તેનો બહુ મોટો અફસોસ રહી જતો હોય છે. લાગણીની અભિવ્યક્તિ એટલે કોઈ
છોકરી કે છોકરા સામે પ્રેમનો એકરાર માત્ર નથી. ‘મા’ને હૃદયના ઊંડાણથી કહેવું કે, ‘
મમ્મી હું તને પ્રેમ કરું છું ’ કે, પપ્પાને ભેટીને એકરાર કરવો કે, ‘ હું જે કાંઈ
પણ છું એ તમારી બદોલત છું. યુઆર થ બેસ્ટ ફાધર... ‘ બહેનને કે ભાઈને હાથ પકડીને
કહેવું કે, ‘ ચિંતા ન કર હું તારી સાથે જ છું ‘ કે પછી લગ્નજીવનના વીસ-પચીસ વર્ષ
પછી પણ પત્નીને પ્રેમથી કહેવું કે, ‘ તું જ મારા જીવનમાં સર્વસ્વ છે. ‘ આ બધી અભિવ્યક્તિ
જીવનનો અંતિમ તબક્કો ભર્યો ભર્યો બનાવે છે.
અંતિમ તબક્કે અભિવ્યક્તિની ખામી ન લાગે એ જ સૌથી અગત્યની
બાબત છે. બ્રાઉની મિત્રતાના સંદર્ભમાં નોંધે છે કે, પૈસા કમાવાની લ્હાયમાં માણસો એટલા
બધા વ્યસ્ત થઈ જતાં હોય છે કે, જીવનના સૌથી ‘ પ્રાઈમ ટાઈમ ‘માં પડખે ઊભા રહેલાં
દોસ્તોની મસ્તીને ભૂલી જતાં હોય છે. એવાં મિત્ર કે જે સદાય પડખે ઊભા રહ્યા છે.
સત્તા, પૈસા અને પ્રતિષ્ઠા આ ત્રણ માટેના જંગમાં દોસ્તી અને દોસ્ત બહુ પાછળ છુટી
જાય છે. પરિણામે જ્યારે ગણતરીના શ્વાસો જ જીવનમાં બચ્યા હોય ત્યારે આ અફસોસ બહુ
મોટું સ્વરૂપ ધારણ કરીને આંખ સામે તરવરતો હોય છે.
છેલ્લે બ્રાઉની ખૂબ સરસ લખે છે કે, મહદઅંશે અંતિમ સમયે
માણસો સૌથી વધુ અફસોસ એવો કરતાં હોય છે કે, જો મેં મારી જાતને ખુશ રહેવા દીધી હોત
અને ખોટા દુઃખના ખ્યાલોમાં ન રાચ્યો હોત તો સારું થાત. અને આમ પણ આપણી ખુશી આપણે
સ્વયં શોધવાની હોય છે. કોઇ વ્યક્તિ બહારથી
ખુશી આપી ન શકે. ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સરસ
મજાનું પેકેટ આપે અને કહે કે, ‘ લો સાહેબ, આ બે કિલોગ્રામ ખુશી... મોજ કરો... ‘
ખુશી તો હૃદયના ઉંડાણમાંથી આવે. કલ્પના કરો કે તમે એક પર્વતારોહક છો અને એક પર્વત
ચઢતાં તમને ૮થી ૧૦ કલાક લાગે છે પણ તળેટી ઉપરથી તમને હેલિકોપ્ટરમાં બેસાડીને પાંચ
જ મિનિટમાં પહાડની ચોટી પર પહોંચાડી દેવામાં આવે તો ખુશી મળશે ? ખુશી પહાડની ટોચ ઉપર કે તળેટીમાં કોઈ લક્ષ્ય
વગર ફરવામાં નથી. સાચી ખુશી તો પર્વતારોહકને તળેટીથી ટોચ સુધી પહોંચવાના અનુભવમાં મળતી
હોય છે. સપનુ પુરૂ કરવાના પ્રયત્નોની ક્ષણોમાં ખુશી સમાયેલી છે. સપનું સાકાર થાય એ
પહેલાં સપના તરફ લઇ જતી ક્ષણોમાં સાચો આનંદ હોય છે. કોઈ સપનું ના હોય તો સપનું
જુઓ. સપનું જોઈ સપનું સાકાર થાય એ ક્ષણ સુધી દોડતાં દોડતાં જે આનંદ મળે એને પકડી
લો. સોણલુ સાચુ પડે એ માટે કરાતા પ્રયત્નોની પળોને પામવાનો પ્રયાસ કરવો જોઈએ.
આસમાનમાં સપનાઓ ન શોધાય. સપનાઓ જોવા માટે જમીન જોઈએ. બધું જ
મળી જાય તો જીવનમાંથી ખુશી ગાયબ થઈ જાય. જીવવા માટે કોઇને કોઇ અધુરપ જોઈએ, જીવનમા
કોઇ કમી જોઈએ, કોઇ ખોટ હોવી જોઈએ. અધુરપને પુરી કરવામા જ જીવનની મધુરપ સમાયેલી છે.
ભારે જહેમતથી એક એક પાંખડીઓ ખુલે... અને એક ફૂલ ખીલે... પછી પવનની પીઠ ઉપર સવાર
થઇને સુવાસ પ્રસરે... આ કુદરતની અદભૂત મુસ્કાન નથી તો બીજુ શુ છે ? જમીન સાથે ભારે
સંઘર્ષ કરીને, જમીન ચીરીને એક નાનકડા બીજનુ છોડ બનીને ઊગવું એ ઈશ્વરની ખુશી છે.
ધબકાર : ખુશ થવાના
ઇરાદાથી કામ કરવામાં આવે તો ક્યારેય ખુશ નહીં થવાય. ખુશ થઈને કામ કરવામાં આવે તો
ખુશી અને સફળતા બન્ને મળશે.



No comments:
Post a Comment