Monday, 23 October 2017

જેણે આજે આદતો બદલી છે તેની આવતી કાલ બદલાયેલી હશે...

જેણે આજે આદતો બદલી છે તેની આવતી કાલ બદલાયેલી હશે...
-પુલક ત્રિવેદી

બદલાવાની મજા હોય છે. ગઈકાલે જે હતા તેનાથી આજે જુદા જ હોવાનો અહેસાસ મોજ આપે છે. જે વ્યક્તિ પોતાના વિચારોને નથી બદલી શકતા એ જીવનમાં કશું જ બદલી શકતા નથી. વૈચારિક વિશ્વના ફલકને સતત અને નિરંતર બદલતા રહેવું પડે. વિચારોના ઘોડાપુરને નવતર મોડ આપીને બદલાવ લાવવો પડે.
        એ વાત પણ એટલી જ સાચી છે કે, બદલાવ લાવવા માટે અદબ પલાઠી વાળીને રાહ જોતાં બેસી ન રહેવાય. તમે બદલવા માટે રાહ જોતાં રહો એનાથી વધુ તેજ રફતારથી જીવનનો પ્રવાહ વહેતો જતો હોય છે. બદલાવા માટે એક એવા સંત, ફકીર, બાબા, ધર્મગુરુ, જ્ઞાની પંડીતની શોધમાં જો તમે હોવ અને તમને એમ લાગે કે ખરેખર તમારે તમારા જીવનને બદલવું છે, તો એક અદભુત વ્યક્તિત્વથી આજે જ તમારો પરિચય થવો જોઈએ. તમારે અત્યારે જ ઊભા થઈને તમારા ડ્રેસિંગ ટેબલના અરિસા સામે જઈને ઊભા રહી જવું જોઈએ અને સામે દેખાતા તમારા જીવનમાં બદલાવ લાવી શકે એવા જ્ઞાની વ્યક્તિને મળી લેવું જોઈએ. તમારા જીવનમા કોઈપણ વ્યક્તિ બદલાવ લાવી શકે એમ હોય તો એ વ્યક્તિ તમે સ્વયંમ જ  છો. આ શક્તિ માત્ર તમારા પોતાનામાં જ છે.



        વર્ષો પહેલાં આંધ્ર પ્રદેશથી મુંબઈ આવીને વસેલા એક પરિવારના બાળકની વાત યાદ આવે છે. કીંગ સર્કલ વિસ્તારની ઝુંપડપટ્ટીમાં મમ્મી પપ્પા સાથે રહેતો જોન બાળપણથી જ પ્રતિદિન કંઈક નવું કરવાની તમન્ના લઈને સવારે ઉઠતો. વરસાદના દિવસોમાં એની ઝૂંપડીમાં ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જતાં. આવા સમયે પણ જોન ઘરના વાસણો બે હાથમાં લઈ છતમાંથી ટપકતી પાણીની ધાર વાસણમાં લેવા માટે શરીરની જુદી જુદી મુદ્રાઓ બનાવી આનંદ કરતો.
બાળપણમાંથી યુવાનીના ઉંબરે પગ મુકતાં ૧૭ વર્ષના જોને સ્ટેન્ટપ કોમેડિયન તરીકે જુદા જુદા સ્ટેજ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. ૧૮ વર્ષનો થતાં એના પિતાજીએ જોનને હિન્દુસ્તાન લીવર કંપનીમાં નોકરી ઉપર રખાવી દીધો. ત્યાં પણ નાનકડા જોને હિન્દુસ્તાન લીવર કંપનીની જુદી જુદી ઈવેન્ટમાં સ્ટેન્ડપ કોમેડી કરવાનું ચાલુ રાખ્યું. જુદા જુદા કલાકારોનો અવાજ અને એકટીંગની નકલ નાનકડો જોન બખુબી કરી જાણતો. લોકો જોનની કલાને ખૂબ બિરદાવતાં. હિન્દુસ્તાન લીવરની છ વર્ષની કામગીરીની કારકિર્દીમાં આ છોકરાને સૌથી મોટી ઉપલબ્ધી એને હિંદુસ્તાન લીવર કંપનીના નામ ઉપરથી ‘ લીવર ‘ ઉપનામની મળી. અને ૨૪ વર્ષ પછી એની જીંદગીમા આ છોકરો ઉપનામથી મશહુર બન્યો. ‘જોન રાવ’ની જગ્યાએ ‘જોની લીવર’ તરીકે દેશ અને દુનિયામાં આ છોકરાએ કાઠુ કાઢ્યું. ૧૯૮૦માં જોની લીવરને ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો. પછી તો ૩૦૦થી વધારે ફિલ્મોમાં જોની લીવરે કામ કર્યું. શરૂઆતના દિવસોમાં એસ.ટી. બસ અને રેલ્વેના થર્ડ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતો, ઝુપડપટ્ટીમાં રહેતો ગરીબ જોન રાવ. વિમાનોમાં ઉડતો, આલીશાન બંગલામાં રહેતો, લોકોને ખૂબ હસાવતો ‘જોની લીવર’ બની ગયો.



જોની લીવરના લગ્ન થયાં અને એક સરસ મજાનો દિકરો પણ ઈશ્વરે જોની લીવરને પરિવારમાં આપ્યો. એના ચાર-પાંચ વર્ષના નાનકડા દીકરાના ગળામાં ટ્યુમરની ગાંઠ દેખાઈ. જોની લીવરે ડોકટરોનો સંપર્ક કર્યો ત્યારે ડોકટરોએ કહ્યું નાનકડી ગાંઠ છે, ચિંતા ન કરો, ૧૫-૨૦ મિનીટનું નાનકડું ઓપરેશન કરીને એ દૂર કરી દઈશું. પણ જ્યારે ઓપરેશન થિયેટરમાં એના દીકરાની સર્જરી શરૂ કરવામાં આવી ત્યારે ડોકટરોએ જોયું કે, ટ્યુમરની ગાંઠ નસોના જાળામાં ફસાયેલી હતી. ઓપરેશન કરતાં જો કોઈ પણ નસ ભુલથી પણ કપાઇ તો છોકરો પેરેલાઇઝ થઇ જાય. જીવનભર અપાહીજ બની જાય. ડોકટરોએ જોખમ ન લીધું અને બાળકને ટાંકા મારી  ઓપરેશન ન કર્યું.
થોડા દિવસો પછી એ ટ્યુમર ખૂબ મોટું થઈ ગયું. લીવર પરિવાર ઓપરેશન કરાવવાનું જોખમ લેવાનુ વિચાર શુધ્ધા નહોતા કરતા. જોની લીવર અને એનો પરિવાર વિદેશમાં જોનીના કોઈક કાર્યક્રમ સંબંધે ગયા ત્યારે રવિવારે ચર્ચમાં પ્રાર્થના દરમિયાન એક ભલા માણસે જોનીના દીકરાનુ ટ્યુમર જોઇને ન્યુયોર્કમાં કોઈક ડોકટરનું નામ આપ્યું અને કહ્યું ‘ તમારા દીકરાને ન્યુયોર્ક લઈ જાઓ. આ ડોકટર અવશ્ય એને સાજો કરી દેશે. ‘ પરંતુ જોની લીવરના મનમાં અગાઉ ડોકટરોએ કહેલી જિંદગીભરના અપાહીજપણાની વાત ચીસો પાડીને ઓપરેશન કરાવવાની ના પાડતી હતી. ચર્ચમાં ભગવાન આગળ પ્રાર્થના કરતાં જોની લીવરે માથુ નમાવીને ક્રાઈસ્ટને પૂછ્યું ‘ તારી શું મરજી છે...? ઓપરેશન કરાવું કે નહીં...? ‘ અને અંતરાત્મામાંથી અવાજ, ‘આવ્યો જા બેટા, ઓપરેશન કરાવ. હું તારી સાથે છું. ‘



જોને દીકરાનુ ન્યુયોર્કના તબીબ પાસે ઓપરેશન કરાવ્યું. સર્જરી કામિયાબ રહી. જોની લીવરે કે જે પ્રતિદિન દોઢથી બે બોટલ શરાબ, ચાર પાકીટ સીગરેટ પીતો, અન્યને અપશબ્દો બોલતો અને અપમાનિત કરવાની ચાર કુટેવો છોડવાનો સંકલ્પ કર્યો. જોની લીવરને આ વાત ખૂબ અઘરી અને કઠીન લાગી. જ્યારે પણ શરાબની અને સિગરેટની તલપ લાગે ત્યારે મુઠ્ઠીઓ વાળીને સતત મનમાં રટણ કરતો કે, ‘ હે ઈશ્વર મને બદલાવાની શક્તિ આપ. ‘ ધીમે ધીમે ચમત્કારનો અહેસાસ થવા લાગ્યો. હૃદયના ઉડાણમાંથી પરમેશ્વરની શક્તિના સંચારનો અનુભવ થવા લાગ્યો. જોનીના ટ્રાન્સફોર્મેશનની પ્રક્રીયા આરંભાઇ ચુકી હતી.  
‘જોન રાવ’થી ‘જોની લીવર’ની સફરમા આવેલા અનેક બદલાવથી ઉપર ઉઠેલા જીવનના અનેક શેડની મજબુત કહાની છે. હાસ્ય કલાકારના જીવનમાં આવેલા ભયંકર બવંડરોમા બદલાવના ટંકારથી જીવનની નવતર પ્રભાતનો આહલાદ દેખાય છે. એક જાણીતા બોલીવુડના કલાકારની આ વાત ઉપરથી એટલું સ્પષ્ટ સમજાય છે કે, બદલાવ લાવવા માટેની ઘટના કોઈપણ હોઈ શકે પણ બદલવા માટેની શક્તિ તો સ્વયં વ્યક્તિમાં જ રહેલી છે. જરૂર છે બદલાવા માટેની તૈયારીની અને નિષ્ઠાની.
જગ વિખ્યાત જાણીતા ચિંતક અને લેખક હેન્રી ડેવીડ થોરોના મતે વિશ્વની વસ્તુઓ અને તાસીર ક્યારેય બદલાતી નથી, બદલાવ તો આપણામાં આવતો હોય છે. જેણે પણ પોતાની આદતો બદલી છે તેની આવતી કાલ હંમેશા બદલાયેલી હોય છે. આવા વ્યકિની આવતીકાલ હમેશા જાગતી હોય છે. જેણે આદતો નથી બદલી એની માટે આવતી કાલ આવતી જ નથી. એની માટે ફક્ત આજ જ હોય છે. માણસ પોતે જેવું વિચાર છે એવું જ બનતું હોય છે. જે પોતાની જાતને કમજોર સમજે છે એ હંમેશા નબળો જ હોય છે. જે પોતાને તાકાતવાળો સમજે છે એ શક્તિશાળી જ હોય છે.

ધબકાર :
એ વ્યક્તિ સૌથી દુ:ખી હોય છે, જે બદલાવથી હંમેશા ડરતો હોય છે.

-       મિનોન મૈકલોલીન (જાણીતા અમેરિકન પત્રકાર અને લેખક)



No comments:

Post a Comment