દિવાળી એટલે ‘ફેસ ટુ ફેસ’ મળીને
ભેટવાનુ અને સાથે બેસીને મઠીયા ખાવાનુ મજાનુ પર્વ...
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો, નોંધાવો કૈંક ફાળો !
તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વૈરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને અંદરથી અજવાળો,
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો
રંગોળીના રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને એક એક ક્ષણમાં સ્થાપો,
સફેદ રંગનો દિવસ દિલના પ્રિઝમમાંથી ગાળો !
અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દિવો, નોંધાવો કૈંક ફાળો !
જામનગરના કવિ મિત્ર મનોજ જોશી‘મન’ની દિવાળીની
ઉજવણીની શીખ આપતી મજાની રચનાવાંચતા જ દિવાળીના પર્વો જાનદાર બની જાય. હદયમાંથી
કંઇક સરસ સંકલ્પ કરવાના અબિલ ગુલાલ ઉડવા લાગે. તહેવારો પુષ્પ જેવા છે. ફુલ બનવા જઇ
રહેલી કળીનુ સૌદર્ય અનોખુ હોય છે. એ રીતે તહેવારનો ઇંતજાર ફુલ બનવા બેકરાર રૂપની
લાલીમાથી ભરપૂર કળી જેવો મોહક લાગે. તહેવારો એકધારા જીવનમાં નવી ઊર્જા સિંચવાનું
કાર્ય કરે છે. પરિવર્તન
અને બદલાવ ખુશી છે. પર્વો
એટલા માટે જ પ્રિય હોય છે. જીવનમાં આનંદ અને ઉલ્લાસનો પ્રાણવાયુ પર્વો છે. જાત-જાતના અને ભાત-ભાતના તહેવારો. દરેક તહેવારની શાન જુદી, ઉજવણીની સ્ટાઈલ જુદી, આનંદનો મિજાજ પણ જુદો. બધા તહેવારોમાં સૌથી શાનદાર અને જાનદાર
તહેવાર જો કોઈ હોય તો એ દિવાળી છે. બધા પર્વોમાં દિવાળીનો તહેવાર જ એક એવો તહેવાર
છે કે જેને અબાલવૃ્દ્ધ સૌ કોઈ આખુ વર્ષ રાહ જોઈને બેસે છે. જેના માટે આખુ વર્ષ રાહ જોઇ છે એ
દિવાળી આજથી બરાબર બે દિવસ પછી ઝગમગવાની છે. ગામેગામ અને શહેરોના પ્રત્યેક આંગણા
દીપમાલાથી ઝગારા મારવાના છે. આજે ધનતેરસનુ પર્વ... લક્ષ્મી માતાના પુજનનુ
મહાત્મ્ય. આમ તો ગઇ કાલ વાકબારસ મા સરસ્વતીની ઉપાસનાથી દીપાવલીના શાનદાર અને
જાનદાર તહેવારોના ઉમંગ ઘરે ઘરે પથરાવા લાગ્યો છે.
સંસ્કૃતમાં ‘દીપાવલી’નો અર્થ ‘શ્રેણીબદ્ધ દીવડાનો પ્રકાશ’ એમ થાય છે. ગુજરાતીમાં જેમ આપણે દિવાળી કે દિવાલી
કહીએ એમ બંગાળીમાં ‘દિપુલી’ કે ‘દિપાલી’ કહે છે. જ્યારે મરાઠીમાં ગુજરાતીની જેમ ‘દિવાળી’ કે ‘ડીપાબલી’, પંજાબીમાં ‘દીવલી’, ‘દિયરી’ નેપાળીમાં, ‘સ્વન્તિ’ કે ‘તિહાર’, બાલિનીસમાં ‘ગાલુનગન’ તામીલમાં ‘તીપાવલી’ તરીકે આ તહેવાર શાનથી ઉજવાય છે.
અંધકારથી ઉજાશ તરફ, અનિષ્ટથી ઈષ્ટ તરફ લઈ જતું આ પ્રકાશનું
પર્વની ભારત ઉપરાંત ફીજી, ગુયાના, મલેશિયા, મોરેશિયસ, આનચાન, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, સુરીના, ત્રીનીદાદ અને ટોબેગો દેશોમાં અધિકૃત જાહેર રજા હોય છે.
સામાન્ય રીતે દશેરાના તહેવાર બાદ અઢારમાં દિવસે
ધનતેરસથી દિવાળીના તહેવારો શરૂ થાય છે. દિવાળીના તહેવારને પર્વોનો મહારાજા એટલે પણ
કહેવાય છે કે, એક
સાથે વિવિધ તહેવારો ઝૂમખું લઇને દિવાળી આવે છે. વાકબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ. પ્રત્યેક તહેવારનો મહિમા અલગ, ઉજવણીની ભાત જુદી. સરસ્વતી માતાની પુજાથી વાકબારસની ઉજવણી
થાય તો લક્ષ્મી માતાના પુજનથી ધનતેરસ મનાવાય. અનિષ્ટને દૂર કરવા માટે કાળી ચૌદસ. કાળી ચૌદસ નરક ચતુર્દશી તરીકે પણ ઓળખાય
છે. આ
દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કરી લોકોને એના ત્રાસથી લોકો મુક્ત
કર્યા હતા. આ
તહેવારમાં શક્તિ મેળવવા મહાકાળી માતાના ભાવપૂર્વક પૂજન- અર્ચનથી કરવામા આવતું હોય
છે. શ્રૃષ્ટિના
સર્જનહાર વિષ્ણુ ભગવાનની સ્તુતિ સાથે દિવાળી. વૈશ્ણવો ચોપડાપૂજનથી આખા વર્ષનું
સરવૈયાની મેળવણી કરે છે. બીજી રીતે એમ પણ કહેવાય કે, આ દિવસે આખા વર્ષ દરમિયાન કરેલા કર્મોના
લેખા જોખા કરી અત્મમંથન કરઈને દિવાળીનું પર્વ ઉજવવાનુ હોય. મંદિરો અને શિવાલયોની ઝાલર અને
ઘંટારવના મંગળ નાદ સાથે નવા વર્ષની ઉજવણીનો શુભ દિવસ એટલે નૂતન વર્ષ. ભાઈ-બહેનના પ્રેમની ઉજવણીનો તહેવાર ભાઇ-બીજ. આ દિવસે યમનાજીએ તેમના ભાઇ યમરાજાને
ઘરે બોલાવી હેતપૂર્વક જામાડ્યા હતાં. આ દિવસ સત્વશીલ દ્રષ્ટીની પ્રેરણા આપે છે. પ્રત્યેક પુરૂષ સમાજની દરેક નારીમાં બહેનના અને દરેક મહિલા પ્રત્યેક
પુરૂષમાં તેના ભાઇના દર્શન કરવાની દ્રષ્ટી ખિલવવાની આ દિવસ પ્રેરણા આપે છે. આટલા બધા વિવિધ શેડથી દીપાવલીના પર્વો સ્વભાવિક
રીતે જ અનોખા બની જતા હોય છે.
પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, ઉનાળાની બળબળતી ગરમી બાદ કાર્તિક
મહિનામાં દિવાળીના તહેવારોની હિન્દુ ધર્મના લોકો આનંદથી ઉજવણી કરતા હોય છે. ભારતનાં કેટલાક રાજ્યોમાં હિન્દુઓ
દિવાળીને યમ અને નચિકેતાના સંવાદ સાથે સાંકળે છે. તેમની માન્યતા અનુસાર જે રાત્રિએ નચિકેતાએ
યમ સાથે જીવન અને મૃત્યુ અંગેના ગુઢ રહસ્યો અંગે વાર્તાલાપ કર્યો અને નચિકેતાને
જીવનના રહસ્યોના જ્ઞાનનો પ્રકાશ આ દિવસે સાંપડ્યો એ દિવસ એટલે દિવાળી. અજ્ઞાનના
અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફના પ્રયાણનો પ્રસંગ દિવાળી તરીકે ઉજવાય છે. કઠોપનિષદમાં પ્રથમ સહસ્ત્રાબ્દીમાં
આલેખાયેલી નચિકેતાની જ્ઞાનની આ વાતને દિવાળીની રાત્રિ સાથે સાંકળવામાં આવે છે.
સાતમી સદીમાં સંસ્કૃત નાટક ‘નગનંદ’માં રાજા હર્ષે ‘દીપપ્રતિપદુત્સવ’ તરીકે દીપાવલીનો ઉલ્લેખ કર્યો છે. દીપ એટલે પ્રકાશ, પ્રદિપદ એટલે પ્રથમ દિવસ અને ઉત્સવો
એટલે તહેવાર. જ્યાં
દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં અને નવા વરદાનની ભેટ આપવામાં આવી એ રાત્રિ એવો
ઉલ્લેખ આ નાટકમાં જોવા મળે છે. આ ઉપરાંત નવમી સદીમાં રાજશેખરાની કાવ્ય
મિમાંસામાં દીપાવલીનો ‘દીપમાલિકા’ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. એમાં એમ પણ જણાવાયું છે કે, આ દિવસે ઘરો રંગબેરંગી કલરથી રંગવામાં
આવે છે અને તેલના દીવા કરી ઘરો, શેરીઓ અને બજારોને શણગારવામાં આવે છે. પ્રસિદ્ધ પર્શિયન ઇતિહાસકાર અને
પ્રવાસી અલબિરુનીએ ૧૧મી સદીમાં નોંધ્યું છે કે, કાર્તિક માસમાં નવો ચંદ્રમાં સોળે કળાએ
આકાશમાં દેખાય તે પૂર્વે હિંદુઓ દિવાળીની રાત્રિની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરતા
હોય છે.
દીપાવલી અને નૂતનવર્ષનું સૌથી આકર્ષક પાસુ જો
કોઈ હોય તો શુભેચ્છાની આપ-લે છે. બીજા વ્યક્તિ માટે આવનારા દિવસોની મંગલમયી
શુભકામનાઓ સંબંધોને વધુ મહેકાવે છે. આજથી બે અઢી દાયકા પૂર્વે કલાત્મક દિવાળી કાર્ડ
અને તેમાં અલંકારિક ભાષામાં લખાયેલા શુભેચ્છા સંદેશ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી. દિવાળી કાર્ડ આનંદપૂર્વક જોવાતા.
રસપૂર્વક એનો સંગ્રહ થતો. મિત્રો અને સગાઓને એ બતાવવામાં મોજ પડતી. મોબાઈલ અને
નેટના ટેકનોલોજીકલ પરિવર્તને આજે શુભેચ્છા અભિવ્યક્તિની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન
લાવી દીધું છે. દિવાળી
કાર્ડની વાત તો આજે ૧૦-૧૫ વર્ષના બાળક માટે અજાયબ વાત બની જાય. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટા વગેરેએ શુભેચ્છા સંદેશના
સ્વરૂપનો ધરમૂળમાંથી ફેરફાર કરી દીધો છે.
દીપાવલીનો એક આનંદ મજેદાર વાનગીઓની લહેરથી
લીજ્જત માણવાનો પણ છે. મઠીયા દિવાળીનો રાજા છે. દિવાળીના દિવસોમાં ઘુઘરા, ચોળાફળી, મોહનથાળ, કાજુકતરી, અંજીર રોલ, પૌંઆનો ચેવડો વગેરે વાનગીઓ સ્વર્ગ
લોકની પરીઓ જેવી લાગતી. જો કે, હવે આમા પણ નવા જમાનાની હવા લાગી ગઈ છે. રેડીમેડ ફરસાણ, મીઠાઈનો ટ્રેન્ડ વધતો જાય છે. વળી પચાસ ટકા લોકો તો ઘરને તાળા મારી
પાંચ દિવસ ફરવા નીકળી જાય છે. નવી તરાહનો સ્વીકાર અને સત્કાર જરૂર પણ
સાથોસાથ પરંપરાનો હાર્દ સચવાય તો ઉત્સવના આનંદની નવી ફ્લેવર વધુ મજેદાર બને. ઘરને તાળા મારીને બહારગામ ફરવાની મજા
ચોક્કસ હોય પરંતુ નવા વર્ષે એક બીજાને મળી ‘હગ’ કરી શુભેચ્છા પાઠવવાનો આનંદ અનોખો જ હોય. એ તો જ્યારે મિત્રોને, સગાને, બાળકોને વહાલથી ભેટો ત્યારે જ ખબર પડે. આ દિવાળીમાં એટલો સંકલ્પ કરીએ કે બધા જ
મિત્રો અને સબંધીઓને ફોન દ્વારા કે ફેસબુક - વોટ્સએપ ઉપર ચોક્કસ શુભકામના સંદેશ પાઠવીશુ
જ અને સાથે એ પણ રીઝોલ્યુશન લેવાનુ ન ચુકાય કે, જેટલાને ફેસબુક – વેટ્સએપ ઉપર
‘હેપ્પી ન્યુ યર‘ના મેસેજ કર્યા હોય એમને ‘ફેસ ટુ ફેસ’ મળી ભેટીને શુભકામના
પાઠવવાની છે... એમની સાથે બેસી મિઠાઇ, મઠીયા, ઘુઘરા, સેવ ખાવાની છે... બધા
તહેવારોની મોજ અને મસ્તી હોય છે પણ દિવાળીનો દમામ અને મિજાજ કંઈક ઓર હોય છે.
ધબકાર :
દીપકની જ્યોતને કોઈ પાક્કા ઠેકાણા કે સરનામાની ક્યાં જરૂર હોય
છે, એ તો જ્યાં રાખો ત્યાં અજવાળું અજવાળુ.



No comments:
Post a Comment