Thursday, 11 January 2018

કોલંબીયામાં દિવાળીની જેમ દિવડા પ્રગટાવી નાતાલ ઉજવાય છે...

કોલંબીયામાં દિવાળીની જેમ દિવડા 
પ્રગટાવી નાતાલ ઉજવાય છે ...
-          પુલક ત્રિવેદી

૨૦૧૭નું વર્ષ ગયું. ૨૦૧૮ના આગમનને આજે બરાબર  આઠ દિવસ થયા. રોજ સુરજ ઊગે અને સવાર પડે. સુરજ આથમે ને સાંજ થાય. લોકો કહે છે, સવાર પડે પણ ખરેખર તો સવાર પડતી નથી સવાર ઉપડતી હોય છે. સવારે નવા તરોતાજા વિચારો અને ઉત્સાહ સાથે ઉપડવાનુ હોય. સૂર્યના કુમળા કિરણોમાં મસ્તીથી ઓગળવાનુ હોય. પ્રત્યેક સવાર એક નવુ જીવન જીવવા માટે ઇશ્વરે આપેલો વધુ એક મોકો.
નવા વર્ષે નવલાં સંકલ્પોમાં સંમિલીત થઈને જીવનના આનંદને વધુ વિસ્તાર આપવાનો હોય. જીવન તો જાસુદના ફૂલ જેવું હોવું જોઈએ. સુરજ ઊગે અને સોળે કળાએ જાસુદનુ ફુલ ખીલે એમ નવા વર્ષના સૂર્યોદય સાથે જીવન નવા મધુર સપનાઓ લઈને સાગમટું ઉપડવાનુ મન થાય એનુ નામ જ જીવનનો આનંદ. નવું વર્ષ એટલે નવી મંજીલ શોધી એ ભણી દોડવાનો અવસર. જેમ હિન્દુઓના નવા વર્ષને દીલમાલાની સાથે સત્કારાય એમ પ્રેમ અને શાંતિનો સંદેશ લઈને આવતા જીસસના જન્મદિન નાતાલ અને કેલેન્ડરના નવા વર્ષની ઉજવણીના વિવિધ સ્વરૂપો અને માન્યતા છે.
૨૦૧૭ વર્ષ પહેલા જેરુસલેમના બેથલહેમ નામના નાનકડા ગામમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. આ મહા માનવે પ્રેમ અને કરૂણાનો અર્થસભર સંદેશ વિશ્વને સમજાવ્યો. આ એ જ જેરુસલેમ કે જે હમણા હમણા ઈઝરાયેલ, અમેરિકા અને પેલેસ્ટાઇનના પ્રશ્નોના કારણે વિશ્વમાં હોટ ટોકીંગ પોઈન્ટ બની ગયો છે. જો કે એ આખો વિષય અલગ છે પણ જેરુસલેમનુ નામ આવ્યું એટલે આજનો આ બહુ ચર્ચિત વિષય યાદ આવ્યા વગર ન રહે. ખેર, બેક ટુ ધ પોઇન્ટ જેમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે કંસ સહિત દુષ્ટ તત્વો ભયભીત થઈ ગયા હતા એ જ પ્રમાણે જીસસનો જન્મ થતાં સમાજમાં ત્રાસ ફેલાવતા અને અનિષ્ટ તત્વો રીતસર ભતભીય થઈ ગયેલા. શેતાનિયત કરતા લોકોએ પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર લટકાવી દીધા પણ જીસસે તો એ સમયે ભગવાનને પ્રાથના કરી કે, ‘ પ્રભુ, આ લોકોને માફ કરજે કારણ કે એમને ખબર નથી પડતી કે એ લોકો શું કરી રહ્યાં છે...’ એ વાત સર્વ વિદીત છે.
નાતાલની ઉજવણીની વાત બાઈબલની વાત વગર અધુરી લાગે. વિશ્વમાં બદલાવ લાવનારા ૧૦૦ પરિબળોમાં બાઈબલ અગ્રહરોળમાં મુકાયું છે. ‘‘હન્ડ્રેડ થીંગ્સ કેન ચેન્જ ધ વર્લ્ડમાં બાઈબલ સ્થાન ધરાવે છે. વિશ્વના ૪૦ જેટલા પવિત્ર લોકો દ્વારા લખાયેલું બાઇબલ જુનો કરાર અને નવો કરાર એમ બે ભાગમાં છે. સ્વયં પરમપિતાનો માણસ સાથેનો સંવાદ બાઇબલમાં છે. જુના કરારમાં ૩૯ અધ્યાય હિબ્રુ ભાષામાં પ્રસ્તુત થયા છે. જ્યારે નવા કરારના વિભાગમાં ૨૯ અધ્યાય મુળ ગ્રીક ભાષામાં આલેખાયા છે. નોંધનીય વાત એ છે કે બાઈબલનું વિશ્વની સૌથી વધુ ભાષામાં ભાષાંતર થયું છે અને આખા જગતમાં સૌથી વધુ વેચાતું પુસ્તક છે.
સાચા અર્થમાં આજે દુનિયા સમેટાઈને ગ્લોબલ વિલેજ બની ગઈ છે. આજે તો ઈદ હોય કે દિવાળી, નાતાલ હોય કે જન્માષ્ટમી, વૈશાખી હોય કે દુર્ગાષ્ટમી. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, બંગાળી, પંજાબી, બુદ્ધિષ્ટના તહેવારોમા નાત-જાતના ભેદભાવ વગર સેલિબ્રેશનનો મહિમા હોય છે.
નાતાલ અને ઈસુના નવા વર્ષના જશનની ઉજવણીની સ્ટાઈલ અલગ અલગ દેશ અને શહેરમાં નોખી રીતે થતી હોય છે. ઓસ્ટ્રેલિયામાં જાહેર માર્ગો ઉપર કેમ્પસ નામનો રાક્ષસ આંટા મારતો હોય છે એવું લોકો માને છે. આ રાક્ષસ બાળકોને લાકડી વડે ફટકારતો હોય ત્યારે બાળકોને સેન્ટ નિકોલસરાક્ષસથી બચાવે છે. નોર્વેમાં એક બીજાના ઘરેથી સાવરણી ઊઠાવી જઈને અનોખી રીતે નાતાલમાં નવું વર્ષ ઉજવતા હોય છે. આમ ઝાડુ ચોરવાની રીતને નોર્વેના લોકો શુભ સંકેત માને છે. જર્મનીમાં વળી ક્રિસમસ ટ્રીમાં ઘરના વડીલો રાત્રે પીકલ-અથાણાની નાની-નાની બોટલ છુપાવી દે છે. સવારે ઘરના બાળકો એ પીકલ બોટલ શોધી કાઢે એટલે એમને મનગમતી ભેટ-સોગાત આપવામાં આવે છે. કોલંબીયામાં દિવાળીની જેમ દિવડા પ્રગટાવીને ક્રિસમસની ખુશીઓ મનાવવાનો રીવાજ છે.
આ વર્ષે ૨૦૧૮માં વિશ્વના ૩૬ ટકા લોકોએ ક્રિસમસનો શાનદાર જશન મનાવ્યો. અમેરિકાની જાણીતી સંશોધન સંસ્થા ફલાઈટ એવરના એક અહેવાલ મુજબ આ વર્ષે ક્રિસમસની રજાઓમાં માત્ર અમેરિકાના ૧૦ કરોડ લોકો પ્રવાસ ઉપર નીકળી પડ્યા હતા. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પણ નાતાલની રજાઓ ગાળવા દર વર્ષે એમના પરિવાર સાથે પ્રવાસમાં નીકળી પડતા હોય છે. ભારતમાં ક્રિસમસ ઉજવણીના જશનનું એપીસેન્ટર ગોવા માનવામાં આવે છે.
એક રસપ્રદ સર્વેક્ષણ મુજબ વિશ્વની કુલ ૭.૬૦ અબજની વસતીમાં ૨.૨૦ અબજ ક્રિશ્ચિયન છે. આ વર્ષે વિશ્વના ૧૬૦ દેશોમાં ક્રિસમસની ઉજવણી થઈ. ૨૦૧૮ની ક્રિસમસમાં જગતમાં ૨૭૫ લાખ કરોડનો અધધ વેપારનો થયો હોવાનો અંદાજ છે. નાતાલમાં યુરોપીય દેશોમાં બેસ્ટ ક્રિસમસ માર્કેટમાટે લોકો મતદાન કરતા હોય છે. આ વર્ષે ૧૦ દિવસ સુધી ૧૨૪ દેશના ૧,૮૮,૦૦૦ લોકોએ ઓનલાઈન વોટીંગ કર્યું. ક્રોએશિયાના જાગ્રેબ માર્કેટે મેદાન માર્યું. ૨૦૧૮માં જાગ્રેબને યુરોપીય દેશોમાં બેસ્ટ ક્રિસમસ માર્કેટ તરીકેનો ખિતાબ મળ્યો.
૨૦૧૮ની નાતાલની કેટલીક અવનવી વાત પણ જાણવા લાયક છે. આ વખતે ઈરાક-સિરીયા, ઈટાલી અને માઇક્રોનેશિયાના ટાપુ એમ ત્રણ સ્થ્ળોએ થયેલી નાતાલની ઉજવણીએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. ત્રણ-ત્રણ વર્ષ સુધી ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના સકંજામાં રહીને મુક્ત થયેલા ઈરાકમાં ૩૬ મહિના બાદ સડકો ઉપર આવીને લોકોએ મુક્તમને ક્રિસમસની ઉજવણી કરી. ઇટાલીના વેનીસની બોટ પરેડે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. બોટ પરેડમાંથી ઉપજતી રકમ ગરીબ બાળકોની રમત-ગમત માટે દાનમાં આપવામાં આવે છે. પેસેફિક મહાસાગરની વચ્ચોવચ આવેલા માઈક્રોનેશિયા ટાપુ ઉપર અમેરિકન એરફોર્સના જવાનો ક્રિસમસ ઉપર ભેટ-સોગાદોનો વરસાદ વરસાવે છે. છેક ૧૯૫૨થી યુએસ એરફોર્સ પ્રતિ ક્રિસમસ ઉપર ગીફ્ટ વરસાવી રહ્યું છે.
નવું વર્ષે અઢળક આનંદના ઓવારણા અદમ્ય ઉત્સાહનો થનગનાટ હોય. અને મેઘધનુષી રંગોનો ઝગમગાટ. નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં પ્રેમ અને સંવેદનાનો સમન્વય જોવા મળે. કવિ શૈલેષ પંડ્યા ભિનાશની મજાની બે પંક્તિ યાદ આવે છે.
આ તો થયું કે વાત એકાદી તરોતાજા કરું,
બે હાથ જોડીને અચાનક આપને રાજા કરું.`
ક્રિસમસ એટલે પ્રેમનો તહેવાર. ઇસુના નવા વર્ષે પ્રેમથી સામેવાળાને રાજા હોવાનો અહેસાસ કરાવે એવી ઉજવણીની મજા છે બોસ.

ધબકાર :
જશન ઉજવણીની સ્ટાઈલમાંથી સંસ્કાર સંસ્કૃતિ સ્વરૂપે ટપકે છે.

એક સમયની ગાઢ મિત્રતા આજે માત્ર સ્મિતના સંબંધો બનીને રહી ગઇ.

એક સમયની ગાઢ મિત્રતા આજે માત્ર સ્મિતના સંબંધો બનીને રહી ગઇ
-     પુલક ત્રિવેદી

વાત કરવી છે સ્વીકારના સત્કારની. બીજાની પ્રગતિથી હૃદયના ઊંડાણમાંથી આનંદ ઉભરે ત્યારે પંખીઓનો કલરવ જેવુ મધુર વાતાવરણ આપોઆપ સર્જાય. સામાન્ય રીતે આખુ જગત પોતાની સિદ્ધિ અને સ્વપ્રસશ્તિમાં જ ગળાડૂબ હોય છે. અન્યની સફળતાનું કોઈ સ્થાન હોતું નથી. દુનિયામાં હજારો-લાખો લોકો રોજ રોજ મૃત્યુ પામે છે એમનો શોક નથી થતો. પણ જ્યારે કોઈ નિકટના સ્વજન ચાલ્યા જાય ત્યારે વસમુ લાગે છે. પોતાની કે સ્વજનની સફળતાને અંતઃકરણથી સ્વીકાર કરીએ છીએ એમ જ પાડોશીની સિદ્ધિનો આનંદ કેમ ન થાય ? એની સફળતાનો સાચા હદયથી સ્વીકાર થવો જોઇએ. આજકાલ તો વોટ્સએપ, એફબી, ઇન્સ્ટા, યુટ્યુબ વગેરે એવા માધ્યમો છે કે, નાની અમથી વાતને પણ સ્વપ્રશસ્તિનુ પ્લેટફોર્મ બનાવવાનુ મોટુ સાધન બની ગયું છે. જોકે આ માધ્યમોમાં અન્યની સફળતાના સ્વીકારનો ટંકાર પણ હોય છે જો કે એનુ પ્રમાણ ઘણુ ઓછુ હોય છે.



બે મિત્રોના બાળકો એક જ સ્કૂલમા એક જ સ્ટાન્ડર્ડમા સાથે અભ્યાસ કરતા. બન્ને પરિવારો વચ્ચે ખૂબ સરસ બને. સપ્તાહમાં એકેય વાર ન મળ્યા હોય તો બન્ને પરિવારોને ચેન ન પડે. ફાઈનલ પરીક્ષામાં એક મિત્રના બાળકનુ પરિણામ ખુબ સરસ આવ્યું. આખા શહેરમાં આ બાળક પ્રથમ આવ્યું. બીજા મિત્રના બાળકનુ પરિણામ ઠીકઠાક આવ્યું. સારૂ પરિણામ લાવેલા મિત્રના બાળકે જેવો અભ્યાસ પૂરો કર્યો કે તરત સરસ પાત્ર મળતાં સંસાર પણ મંડાઈ ગયો.
બીજા મિત્રના પરિવારમાં આ મિત્રના બાળકની સફળતાઓના સ્વીકારની વાત તો દૂર પણ અન્ય અપ્રસ્તુત બાબતોના ઢગલા ઊભા કરી વર્ષો પુરાણી સૌહાર્દ અને સ્નેહની ગઠરીને પલીતો ચાંપી દેવાયો. બન્ને પરિવારોમાં ખટાશ વધતી ગઈ. એક સમયના એ ગાઢ સંબંધો આજે માત્ર દેખાવ પૂરતા સ્મિતના સંબંધો બનીને રહી ગયા.
બે મિત્રોની આ કહાનીના મૂળમાં અન્યની પ્રગતિના સ્વીકારનો સદંતર અભાવ છે. જ્યારે અન્યના વિકાસના આકાશમાં વિહરવાનો આનંદ ન આવે ત્યારે સમજી લેવું પડે આપણે આગળ વધવા માગતા નથી. આપણી માનસિકતા કુંઠિત થઈ ગઈ છે. મારૂ બાળક, મારી પત્ની, મારા પિતાજી વગેરે વગેરે પ્રત્યે પ્રેમ, લાગણી અને મહત્ત્વ હોય એ સમજી શકાય પણ બીજાની સિધ્ધી, પ્રસિધ્ધિ, વિકાસનો સ્વીકાર પણ હોવો જોઇએ. ઇર્ષ્યાની ઇયળ સંબંધોના લીલાછમ પાન કોતરી કાઢે છે.



સામાન્ય રીતે આપણે આપણી કે આપણા પરિવારની નાની વાતને પણ ખૂબ હવા ભરીને ફુલાવીએ છીએ. બીજાએ ખરેખર મેળવેલી મોટી સફળતાને નજર અંદાજ કરવામાં સૌથી મોટું નુકસાન તો આપણું જ છે. આપણા સંબંધોની ઈલેસ્ટીસીટીખલાસ થઈ જાય છે. સંબંધોનું લચીલાપણું ત્યારે ઓછું થઈ જાય છે કે જ્યારે સ્વીકારના સત્કારનું તત્ત્વ નામશેષ થઈ જાતું હોય છે.
સંબંધોની સરીતામાં સ્વીકારના સત્યશીલ હલેસાથી જીવનમાં સુગંધ પ્રસરે છે. એક નવો જન્મ મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, મામા, કાકા, માસી, ફોઇ... જેવા  કેટલાય નવા સંબંધો એક જ પળમાં સર્જી કાઢે છે. સપ્તપદીના સાત પગલાં સાસુમા, સસરાજી, દીયર, જેઠ, મામાજી, કાકાજી... વગેરે જેવા નવા સંબંધોની હજારો કળીને ખીલવે છે. સંબંધનો ઉઘાડ અનેક રીતે થાય પણ સંબંધની ઈમારત તો બીજાની સફળતાના સ્વીકારના પાયા ઉપર જ મજબુતીપૂર્વક રચાય છે. સ્વીકારના સત્કારની સમજ કેળવાય પછી સંબંધમાં પરમતત્ત્વનો અનુભવ થયા વગર નથી રહેતો.



આપણે અન્યની ઊંચી ઉડાનને જોઈને રાજી થતા શીખવું જોઈએ. આપણે બીજાની લાકડી નાની કરવામાં કે અવગણવામાં સદાય રચ્યા પચ્યા રહીએ છીએ. સરવાળે આ પ્રકારની માનસિકતા અન્યને આગળ વધતા રોકી શકાતી નથી પણ તમારું વિશ્વ પ્રતિ સેકંડે સિમિત બનાવે છે.
કોઈની પણ વાતને નાનીકેવી રીતે બનાવી દેવામાં આવે એની અદભુત કલા આપણે કેળવી લેતા હોઈએ છીએ. આ કલા એટલી સહજ હોય છે કે એની માટે કોઈ પ્રશિક્ષણ શિબિરમાં પણ જવાની જરૂર નથી પડતી. નિંદાખોરીથી નીચા પડવાની કુટિલ માનસિકતા છોડવાની પધ્ધતિ આપણે પોતે જ સંશોધિત કરવી પડે. એમાંથી મુક્ત થવા સજાગ પ્રયત્નો કરવા પડે. કોઈના સારા માર્કસ, સારું લખાણ, સારી કવિતા, સારુ ઘર, સારા કપડાં કશું પણ સારું હોય તો એનો સ્વીકાર કરતા આનંદ થવો જોઈએ.
જીવનમાં બધું જ આપણું ધાર્યું થતું નથી. આસપાસ-ચોપાસ સેંકડો હજારો લોકોના વિકાસનો ઉજાશ ફેલાયેલો હોય છે. બીજાના વિકાસના આ પ્રકાશને પામવા માટે તૈયારી હોવી જોઈએ. કોઈના સદગુણ અને સફળતાનો સહજતાથી સ્વીકાર કરી એને અપનાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરવો જોઈએ.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, કોઈની સફળતાથી આપણે સતત દુઃખી થયા કરતા હોઈએ છીએ. એકવાર એક વક્તાએ એક સરસ જોકકહી. ઓડિયન્સ એમની આ જોક ઉપર ખૂબ હસ્યું. વક્તાએ ફરી એ જ જોક કહી લોકોને પહેલીવારની જેમ મોજ ન આવી. વકતાએ ફરી ત્રીજી વાર એજ જોકકહી. લોકો બિલકુલ ન હસ્યા બલ્કે એમના ચહેરા ઉપર કંટાળો વર્તાવા લાગ્યો. ત્યારે વકતાએ સરસ વાત કરી કે, એકની એક હસીખુશીની વાતથી વારંવાર ખુશ થઈ હસી શકાતું નથી તો બીજાની સફળતાને કારણે સતત, વારંવાર એકની એક વાતથી દુઃખી થવાની ક્યાં જરૂર છે ? બીજાની ઊંચી ઉડાનને માણો. એની પાંખના સૌંદર્યને સમજવાની કોશિષ કરો. કહેવાય છે ને કે, ‘જેલેસી ઈઝ જસ્ટ અ લેક ઓફ કોન્ફિડન્સ.’ હવે જ્યારે કોઈની સફળતા જુઓ તો એનો સાચા હૃદયથી સત્કાર કરવા તત્પર રહેવાની તૈયારી રાખજો.

ધબકાર :

ચાલને, આજથી જ એક નવી કોશિષ કરીએ, કોઇના વિશે બોલવા કરતાં, કોઇએ મેળવેલી સિધ્ધિનો સત્કાર કરીએ. (વોટ્સએપમાં મળેલા મેસેજમાં નજીવા ફેરફાર સાથે)

શું તમે જાણો છો આ ‘ આઇકોનિક ‘ લોકોએ અધવચ્ચેથી ભણવાનુ છોડી દીધું હતું...

શું તમે જાણો છો આ ‘ આઇકોનિક ‘ લોકોએ અધવચ્ચેથી ભણવાનુ છોડી દીધું હતું...
-          પુલક ત્રિવેદી
હાર્વર્ડ યુનિવર્સિટીના એક યુવાન વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવવાની ધુનમાં એનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો. આ યુવાને ૧૩ વર્ષની ઉંમરથી જ મોટા મોટા સોફ્ટવેર બનાવવાનું શરૂ કરી દીધું હતું. સીઆટલ, વોશિંગ્ટનમાં વકિલાત કરતાં વિલીયમ અને મેરી મેક્સવેલનું આ સંતાન એ બીજું કોઈ નહીં પણ માઈક્રોસોફ્ટ કંપનીના સહસ્થાપક અને યુએસના બીઝનેસ ટાયફૂન બીલ ગેટ્સ. હાર્વર્ડનો અભ્યાસ અધવચ્ચેથી મૂકી દેનારા બીલનું આજે ફોર્બસની અબજોપતિની યાદીમાં નામ છે. ઓકટોબર ૨૦૧૭ના આંકડા મુજબ માઈક્રોસોફ્ટની નેટ વેલ્યુ ૮૯.૯ બિલિયન યુએસ ડોલર છે.




સફળ થવા માટે મોટી ડિગ્રીઓની જ જરૂર હોય છે એવું નથી. એવા ઘણા લોકો છે કે, જેમણે અભ્યાસમાં કોઈ મોટી સિદ્ધી મેળવી નથી છતાં પણ સફળતાની ખૂબ ઊંચાઈ પર પહોંચ્યા છે. ડોકટર, એન્જિનિયર, એમબીએ, સાયન્ટીસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટંટ એવા કોઈ અભ્યાસક્રમના છોગા વગર પણ સફળ થઇ શકાય છે. જો કે, એનો અર્થ એવો પણ નથી થતો કે, સફળ બનવા માટે અભ્યાસ પાછળ સમય ન બગાડવો જોઇએ. પણ એક વાત ચોક્કસ છે કે, અભ્યાસની મોટી ડિગ્રીઓ ન હોય તો પણ સફળ બની આગળ વધી શકાય. લક્ષ્ય નિર્ધારણની પહેલી આવશ્યકતા અને પછી લક્ષ્ય સુધી પહોંચવા માટે નિષ્ઠાપૂર્વકની મહેનત ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. ઘણા લોકોના મનમાં એવી પાક્કી માન્યતા હોય છે કે, અભ્યાસ વગર આગળ આવી શકાશે જ નહીં. કંઈક બનવા માટે પરિશ્રમ અને આગળ વધવાની તમન્ના રાખવાની હિંમત હોવી જોઈએ. દુનિયાને એપલ અને આઈફોનની નવતર પરિભાષા આપનાર સ્ટીવ જોબ્સે એનો કોલેજનો અભ્યાસ અધૂરો મૂકીને ૧૯૭૫માં એપલ કંપની સ્થાપી. એવું જ એક બીજું મજબુત ઉદાહરણ ડેલ કમ્પ્યુટરના સ્થાપક માઈકલ ડેલનું છે. માઈકલે ૧૯ વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ છોડી દીધો. માઇકલને ૧૯૯૨માં વિશ્વનો સૌથી યુવાન સીઈઓ જાહેર કરવામાં આવ્યો. આજે ડેલ કંપની વિશ્વની અગ્રણી કમ્પ્યુટર બનાવવાવાળી કંપની તરીકે જાણીતી છે.
એક વખત જીવનમાં આગળ વધવા માટેનો જે રાહ નક્કી કર્યો હોય એના ઉપર મક્કમતાપૂર્વક ચાલવવાવાળા શિખરે પહોંચતા હોય છે. ૨૦૦૪માં હાર્વર્ડ યુનવર્સિટીનો અભ્યાસ પડતો મૂકીને માર્ક ઝુકબરર્ગે ફેસબુકની સ્થાપના કરી. વિશ્વને સોશ્યલ મિડીયાની નવી દિશા આપનારા આ યુવાનની ગણના આજે વિશ્વના ટોચના અમીરોમાં થાય છે. ફેસબુક આજે વિશ્વના અબજો લોકોની પ્રથમ પસંદગીની વેબસાઈટ છે.
યુનિવર્સિટી ઓફ હૉસ્ટનમાંથી ૨૦૦૪માં ભણવાનું છોડીને એક લબરમુછીયા જવાને એક તગડું સોફ્ટવેર બનાવ્યું અને આજે આ સોફ્ટવેર વર્ડપ્રેસના નામથી ઓળખાય છે. મેથ્યુ મુલેનવેગ નામના ૨૦ વર્ષના આ યુવાને વર્ડપ્રેસ જેવું સોફ્ટવેર બનાવી પ્રોગ્રામની દુનિયામાં નોકરી મેળવવા પ્રયાસો કર્યા પણ નોકરી ન મળવાને કારણે વર્ડપ્રેસ સોફ્ટવેર વધારે ઊંડાણપૂર્વક કામ કર્યું આજે ઈન્ટરનેટ ઉપર સૌથી વધારે વેબ સાઈટ્સ વર્ડપ્રેસની મદદથી જ બનાવવામાં આવે છે. સાચી લગન અને મકકમતાપૂર્વક આગળ વધવાનો નિશ્ચય માણસને ક્યારેય નાસીપાસ નથી કરતો.
ભારતની આઈટી કંપની વિપ્રોના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીએ ૨૧ વર્ષની ઉંમરે આગળ ભણવાનું મૂકી દીધું હતું. એસલ ગ્રુપના માલિક અને દેશમાં ઝી ટીવીને સેટેલાઈટ ટીવીના રૂપમાં સૌથી પહેલાં લોંચ કરનારા સુભાષચંદ્રા ક્યારેય કોલેજના પગથિયા ચડ્યાં નથી પણ હિન્દુસ્તાનના મોટાગજાના ઉદ્યોગપતિઓમાં એમનું નામ શાનથી લેવાય છે. વિશ્વમાં ‘ક્રિકેટીંગ ગોડ’ તરીકે જે વ્યક્તિને પૂજવામાં આવે છે એવા સચિન તેંડુલકર માત્ર ૧૦મું ધોરણ ભણેલા છે. જો કે ક્રિકેટમાં સખત પરિશ્રમના નિશ્ચયના કારણે સચિન તેંડુલકરે ૧૦મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. એવી જ એક સ્પોર્ટ્સ પર્સનાલિટી મેરીકોમ છે કે જેણે, સ્કૂલમાંથી અભ્યાસ છોડીને બોક્સીંગમાં પોતાની કેરિયર બનાવવાનો નિર્ણય લીધો અને આજે ભારતની અગ્રણી મહિલા બોક્સરોમાં મેરીકોમનુ નામ ગૌરવપૂર્વક લેવાય છે. મિસ્ટર પર્સફેક્ટનીસ્ટ તરીકે બોલીવુડનું જાણીતું નામ આમીરખાન બહુ મોટો સફળ કલાકાર છે. એણે પણ ધોરણ ૧૨ પછી અભ્યાસ છોડીને એકટીંગની કેરિયર વિકસાવી.
શિક્ષણ જીવનનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી અંગ છે. દરેક વ્યક્તિએ શિક્ષિત - દિક્ષિત બનવું જ જોઈએ. આમ છતાં એ વાત એટલી જ મહત્વની છે કે, શાળા અને કોલેજોની ચાર દિવાલોમાં ભણાવવામાં આવતા પુસ્તકોના સહારે જ વ્યક્તિ આગળ વધી શકતી હોય છે એવું પણ નથી હોતું. જરા હટકે વાત કરીએ તો કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોય એ વ્યક્તિ ખરેખર તો ફાયદામાં રહે છે. એન્જિનિયરીંગનો અભ્યાસ કરનાર તબીબનું કામ કરી શકે ? મેડિકલમાં અભ્યાસ કરનાર મકાનો બનાવી શકે ? ઈલેટ્રિકલ એન્જિનિયરીંગ ભણેલો મેનેજમેન્ટનું કામ ના કરે. પણ જેની પાસે કોઈ ડિગ્રી જ નથી એ દુનિયાનું કોઈપણ કામ કરી શકે. એના માટે કોઈ ક્ષેત્ર સિમિત રહેતું નથી. જે ગમે તે ક્ષેત્રના ખુલા આકાશમાં પાંખો ફફડાવીને આવા વ્યક્તિઓ ખૂબ ઊંચે સુધી ઊડી શકતા હોય છે. કોઈ એક ક્ષેત્રને પકડીને જીવનને એની આસપાસ ગુંથતાં રહેવાની ચીલાચાલુ પદ્ધતિ છોડીને ખુલા ગગનમાં ખૂબ ઊંચે સુધી ઉડવાની માનસિકતા કેળવવી પડે. અભ્યાસ મહત્વનો જરૂર પણ, અભ્યાસ કરતાં પણ વધારે જરૂર છે, દ્રઢ નિશ્ચય અને પરિશ્રમના પ્રસવેદની. આગળ વધવા માટે અભ્યાસ વગર કદાચ ચાલી શકે પણ સંકલ્પ અને મહેનત વગર નહીં ચાલે.
સફળ થવા માટે માત્ર પુસ્તકીયા અક્ષરજ્ઞાન કરતાં  ક્યાંય વધારે મહેનતનુ ઝનૂન અને આગળ વધવાની ભૂખ હોવી જોઈએ. કોઈપણ લક્ષ્ય અસંભવ નથી હોતુ. પ્રત્યેક વ્યક્તિ ધીરૂભાઈ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, બીલ ગેટ્સ કે પછી અબ્દુલ કલામ જેવા મહારથી બનવાની ક્ષમતા ધરાવતાં જ હોય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને એક સરખી ક્ષમતા આપેલી છે. પોતાની ક્ષમતાને સમજવાની જરૂર છે.


ધબકાર – શૈક્ષણિક અભ્યાસ સ્પર્ધા નથી, વિકાસની યાત્રા છે.