Thursday, 11 January 2018

એક સમયની ગાઢ મિત્રતા આજે માત્ર સ્મિતના સંબંધો બનીને રહી ગઇ.

એક સમયની ગાઢ મિત્રતા આજે માત્ર સ્મિતના સંબંધો બનીને રહી ગઇ
-     પુલક ત્રિવેદી

વાત કરવી છે સ્વીકારના સત્કારની. બીજાની પ્રગતિથી હૃદયના ઊંડાણમાંથી આનંદ ઉભરે ત્યારે પંખીઓનો કલરવ જેવુ મધુર વાતાવરણ આપોઆપ સર્જાય. સામાન્ય રીતે આખુ જગત પોતાની સિદ્ધિ અને સ્વપ્રસશ્તિમાં જ ગળાડૂબ હોય છે. અન્યની સફળતાનું કોઈ સ્થાન હોતું નથી. દુનિયામાં હજારો-લાખો લોકો રોજ રોજ મૃત્યુ પામે છે એમનો શોક નથી થતો. પણ જ્યારે કોઈ નિકટના સ્વજન ચાલ્યા જાય ત્યારે વસમુ લાગે છે. પોતાની કે સ્વજનની સફળતાને અંતઃકરણથી સ્વીકાર કરીએ છીએ એમ જ પાડોશીની સિદ્ધિનો આનંદ કેમ ન થાય ? એની સફળતાનો સાચા હદયથી સ્વીકાર થવો જોઇએ. આજકાલ તો વોટ્સએપ, એફબી, ઇન્સ્ટા, યુટ્યુબ વગેરે એવા માધ્યમો છે કે, નાની અમથી વાતને પણ સ્વપ્રશસ્તિનુ પ્લેટફોર્મ બનાવવાનુ મોટુ સાધન બની ગયું છે. જોકે આ માધ્યમોમાં અન્યની સફળતાના સ્વીકારનો ટંકાર પણ હોય છે જો કે એનુ પ્રમાણ ઘણુ ઓછુ હોય છે.



બે મિત્રોના બાળકો એક જ સ્કૂલમા એક જ સ્ટાન્ડર્ડમા સાથે અભ્યાસ કરતા. બન્ને પરિવારો વચ્ચે ખૂબ સરસ બને. સપ્તાહમાં એકેય વાર ન મળ્યા હોય તો બન્ને પરિવારોને ચેન ન પડે. ફાઈનલ પરીક્ષામાં એક મિત્રના બાળકનુ પરિણામ ખુબ સરસ આવ્યું. આખા શહેરમાં આ બાળક પ્રથમ આવ્યું. બીજા મિત્રના બાળકનુ પરિણામ ઠીકઠાક આવ્યું. સારૂ પરિણામ લાવેલા મિત્રના બાળકે જેવો અભ્યાસ પૂરો કર્યો કે તરત સરસ પાત્ર મળતાં સંસાર પણ મંડાઈ ગયો.
બીજા મિત્રના પરિવારમાં આ મિત્રના બાળકની સફળતાઓના સ્વીકારની વાત તો દૂર પણ અન્ય અપ્રસ્તુત બાબતોના ઢગલા ઊભા કરી વર્ષો પુરાણી સૌહાર્દ અને સ્નેહની ગઠરીને પલીતો ચાંપી દેવાયો. બન્ને પરિવારોમાં ખટાશ વધતી ગઈ. એક સમયના એ ગાઢ સંબંધો આજે માત્ર દેખાવ પૂરતા સ્મિતના સંબંધો બનીને રહી ગયા.
બે મિત્રોની આ કહાનીના મૂળમાં અન્યની પ્રગતિના સ્વીકારનો સદંતર અભાવ છે. જ્યારે અન્યના વિકાસના આકાશમાં વિહરવાનો આનંદ ન આવે ત્યારે સમજી લેવું પડે આપણે આગળ વધવા માગતા નથી. આપણી માનસિકતા કુંઠિત થઈ ગઈ છે. મારૂ બાળક, મારી પત્ની, મારા પિતાજી વગેરે વગેરે પ્રત્યે પ્રેમ, લાગણી અને મહત્ત્વ હોય એ સમજી શકાય પણ બીજાની સિધ્ધી, પ્રસિધ્ધિ, વિકાસનો સ્વીકાર પણ હોવો જોઇએ. ઇર્ષ્યાની ઇયળ સંબંધોના લીલાછમ પાન કોતરી કાઢે છે.



સામાન્ય રીતે આપણે આપણી કે આપણા પરિવારની નાની વાતને પણ ખૂબ હવા ભરીને ફુલાવીએ છીએ. બીજાએ ખરેખર મેળવેલી મોટી સફળતાને નજર અંદાજ કરવામાં સૌથી મોટું નુકસાન તો આપણું જ છે. આપણા સંબંધોની ઈલેસ્ટીસીટીખલાસ થઈ જાય છે. સંબંધોનું લચીલાપણું ત્યારે ઓછું થઈ જાય છે કે જ્યારે સ્વીકારના સત્કારનું તત્ત્વ નામશેષ થઈ જાતું હોય છે.
સંબંધોની સરીતામાં સ્વીકારના સત્યશીલ હલેસાથી જીવનમાં સુગંધ પ્રસરે છે. એક નવો જન્મ મમ્મી, પપ્પા, ભાઇ, બહેન, મામા, કાકા, માસી, ફોઇ... જેવા  કેટલાય નવા સંબંધો એક જ પળમાં સર્જી કાઢે છે. સપ્તપદીના સાત પગલાં સાસુમા, સસરાજી, દીયર, જેઠ, મામાજી, કાકાજી... વગેરે જેવા નવા સંબંધોની હજારો કળીને ખીલવે છે. સંબંધનો ઉઘાડ અનેક રીતે થાય પણ સંબંધની ઈમારત તો બીજાની સફળતાના સ્વીકારના પાયા ઉપર જ મજબુતીપૂર્વક રચાય છે. સ્વીકારના સત્કારની સમજ કેળવાય પછી સંબંધમાં પરમતત્ત્વનો અનુભવ થયા વગર નથી રહેતો.



આપણે અન્યની ઊંચી ઉડાનને જોઈને રાજી થતા શીખવું જોઈએ. આપણે બીજાની લાકડી નાની કરવામાં કે અવગણવામાં સદાય રચ્યા પચ્યા રહીએ છીએ. સરવાળે આ પ્રકારની માનસિકતા અન્યને આગળ વધતા રોકી શકાતી નથી પણ તમારું વિશ્વ પ્રતિ સેકંડે સિમિત બનાવે છે.
કોઈની પણ વાતને નાનીકેવી રીતે બનાવી દેવામાં આવે એની અદભુત કલા આપણે કેળવી લેતા હોઈએ છીએ. આ કલા એટલી સહજ હોય છે કે એની માટે કોઈ પ્રશિક્ષણ શિબિરમાં પણ જવાની જરૂર નથી પડતી. નિંદાખોરીથી નીચા પડવાની કુટિલ માનસિકતા છોડવાની પધ્ધતિ આપણે પોતે જ સંશોધિત કરવી પડે. એમાંથી મુક્ત થવા સજાગ પ્રયત્નો કરવા પડે. કોઈના સારા માર્કસ, સારું લખાણ, સારી કવિતા, સારુ ઘર, સારા કપડાં કશું પણ સારું હોય તો એનો સ્વીકાર કરતા આનંદ થવો જોઈએ.
જીવનમાં બધું જ આપણું ધાર્યું થતું નથી. આસપાસ-ચોપાસ સેંકડો હજારો લોકોના વિકાસનો ઉજાશ ફેલાયેલો હોય છે. બીજાના વિકાસના આ પ્રકાશને પામવા માટે તૈયારી હોવી જોઈએ. કોઈના સદગુણ અને સફળતાનો સહજતાથી સ્વીકાર કરી એને અપનાવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરવો જોઈએ.
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, કોઈની સફળતાથી આપણે સતત દુઃખી થયા કરતા હોઈએ છીએ. એકવાર એક વક્તાએ એક સરસ જોકકહી. ઓડિયન્સ એમની આ જોક ઉપર ખૂબ હસ્યું. વક્તાએ ફરી એ જ જોક કહી લોકોને પહેલીવારની જેમ મોજ ન આવી. વકતાએ ફરી ત્રીજી વાર એજ જોકકહી. લોકો બિલકુલ ન હસ્યા બલ્કે એમના ચહેરા ઉપર કંટાળો વર્તાવા લાગ્યો. ત્યારે વકતાએ સરસ વાત કરી કે, એકની એક હસીખુશીની વાતથી વારંવાર ખુશ થઈ હસી શકાતું નથી તો બીજાની સફળતાને કારણે સતત, વારંવાર એકની એક વાતથી દુઃખી થવાની ક્યાં જરૂર છે ? બીજાની ઊંચી ઉડાનને માણો. એની પાંખના સૌંદર્યને સમજવાની કોશિષ કરો. કહેવાય છે ને કે, ‘જેલેસી ઈઝ જસ્ટ અ લેક ઓફ કોન્ફિડન્સ.’ હવે જ્યારે કોઈની સફળતા જુઓ તો એનો સાચા હૃદયથી સત્કાર કરવા તત્પર રહેવાની તૈયારી રાખજો.

ધબકાર :

ચાલને, આજથી જ એક નવી કોશિષ કરીએ, કોઇના વિશે બોલવા કરતાં, કોઇએ મેળવેલી સિધ્ધિનો સત્કાર કરીએ. (વોટ્સએપમાં મળેલા મેસેજમાં નજીવા ફેરફાર સાથે)

No comments:

Post a Comment