Thursday, 11 January 2018

સકારાત્મક વિચારો માટેનું પ્લેટફોર્મ આપણું મન છે...

સકારાત્મક વિચારો માટેનું
પ્લેટફોર્મ આપણું મન છે...
-          પુલક ત્રિવેદી
શૈલેષ અને દિશા સાંજના પાંચ સાડા પાંચના અરસામાં એક સંબંધીને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા ઘરેથી સ્કૂટર પર નીકળ્યા. બન્ને જણા જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે વાતાવરણ ખુશનુમા હતું. જો કે ડિસેમ્બરનો મહિનો હતો એટલે ઠંડીની મોસમ તો હતી જ. ઘરથી એકાદ કલાકના અંતરે પ્રસંગનું સ્થળ હતું. અડધા કલાક સ્કૂટર ડ્રાઈવ કર્યા પછી અચાનક ઠંડીની માત્રા વધવા લાગી અને થોડીક જ મિનિટોમાં ઠંડીનો પારો ગગડીને ખુબ નીચે આવી ગયો. આવી કડકડતી ઠંડીમાં સ્કૂટર પર શૈલેષ અને દિશા રીતસર ધ્રુજવા લાગ્યા.
પુસ્કરે દિશાને સ્કૂટર ચલાવતાં કહ્યું, ‘ દિશા રોજ કરતાં આજે ઠંડી બહુ ઓછી છે. ‘
‘ દાંત કકડાવતી દિશાએ જવાબ આપ્યો. ‘હા પુસ્કર, ઠંડી ખરેખર બહુ ઓછી છે.’
વળી પાછું પુસ્કરે કિધું, ‘ ગઈકાલે તો આ સમયે ખૂબ ટાઢ હતી. આજે કમ્પેરીટીવલી ઘણી જ ઓછી ઠંડી છે. ‘ દિશાએ જવાબ આપ્યો, ‘ હા ખરી વાત છે. ગઇ કાલે સાંજે હું દૂધ લેવા માટે ઘરની બહાર પણ નીકળી નહોતી શકતી. એના કરતાં આજે તો ખૂબ ઠંડી ઓછી છે. '



આમ વાતો કરતાં કરતાં પુસ્કરને દિશા ૧૫-૨૦ મિનિટમાં પ્રસંગના સ્થળે પહોંચી ગયા. જેવા પ્રસંગના સ્થળે પહોંચ્યાં કે તરત જ બન્ને જણાએ ઝડપથી જ્યાં કેમ્પ ફાયર હતો ત્યાં ૨૦ મિનિટ સુધી બેસીને ગરમાટો લીધો અને પછી બન્ને જણાંને પ્રસંગમાં મહાલવાનો મુડ આવ્યો.
મન માણસને ઈશ્વરે આપેલું એક અણમોલ શસ્ત્ર છે. એનો ‘એન્ડલેસ પાવર’ છે. માણસના મનમાં અસીમ સંભાવનાઓ પડેલી છે. સીઝનની સૌથી વધુ ભયંકર ઠંડી કોઈપણ ગરમ કપડાં વગર અને એ પણ સ્કૂટર પર જતી વખતે શૈલેષે માનવીમાં પડેલી શક્તિના દ્વાર મનની તાકાતની ચાવીથી ખોલ્યા. સ્કૂટર સાઈડ પર મૂકીને ટેક્સી કે બીજા કોઈ વાહનમાં બેસીને ઘરે પાછા જવાને બદલે આ યુગલે મનની તાકાતનો ઉપયોગ કર્યો.
દરેક ઘટનામાં સાનુકુળ તત્વ શોધવા મનને કેળવવું પડે. સામાન્ય રીતે આપણે એવા જ હોઈએ છીએ જેવું આપણે વિચરતાં હોઈએ છીએ. જ્યારે હકારાત્મક વિચારોની તાકાતનો અનુભવ થાય ત્યારે નકારાત્મકતાનું કોઈ સ્થાન રહેતું નથી. વિચારોના ઊંડાણની અને વ્યાપની સમજ પડવા માંડે પછી ગમે તેવી મુશ્કેલીની વેલોસિટી તદ્દન ઓછી થઈ જાય. એકવાર મનની વૈચારિક તાકાતની સમજ પડે અને એનો સુયોગ્ય ઉપયોગ થાય પછી જીત નક્કી હોય છે. હકારાત્મક વિચારો એ મનની સાચી શક્તિ છે. જ્યારથી હકારાત્મક વિચારો દ્વારા મનની શક્તિનો ઉપયોગ થવા માંડે ત્યારથી જીવનમાં બદલાવ આવવા લાગે. બુધ્ધ કહે છે કે, આપણું જીવન એ આપણાં મનનું સર્જન છે. મનને એવું કેમ ન કેળવી શકાય કે, ‘ મારુ વ્યક્તિત્વ શાનદાર અને જાનદાર છે. હું ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માર્ગ શોધીને આગળ વધીશ. ‘
એક ભાઈનો અવાજ ખૂબ સરસ, પરંતુ જાહેરમાં માઈક ઉપરથી એમણે કોઈવાર પ્રસ્તુતિકરણ કર્યું નહોતું. એમને મનોમન જાહેરમાં ગાવાનો એક અજાણ્યો ભય સતત રહ્યા કરે. એકવાર એમની ઓફિસના ગેધરીંગમાં ૧૦૦-૨૦૦ મિત્રોની હાજરીમાં એમના અવાજથી પરિચિત એવા એક સાથી કર્મચારીએ એમની જાણ બહાર એમને ગીત ગાવા માટે ફ્લોર ઉપર બોલાવ્યા. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિમાં એક મિનિટ માટે તો આ ભાઈના શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું. જબરજસ્ત અસમંજસભરી સ્થિતિમાં ફ્લોર ઉપર ગયા. અને થોડીક સેકંડો માટે બોલ્યા ચાલ્યા વગર શુન્યમનસ્ક ઊભા રહ્યા. પણ મન મક્કમ કરીને હૃદયના ઊંડાણમાંથી એમણે એમના અસ્તિત્વને એવો જવાબ આપ્યો કે, ‘ હું ઉત્તમ કલાકાર છું. હું ખૂબ શાનદાર ગીત રજૂ કરીશ.’ થોડીક સેકંડો પછી એ ભાઇએ કિશોરકુમારનું જુમરૂ ફિલ્મનુ જાણીતુ ટાઇટલ ગીત રજૂ કર્યું. ત્યાં ઉપસ્થિત રહેલા ગેધરીંગે ખુરશીમાંથી ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આ ભાઇને સ્ટેન્ડીંગ ઓવીએશન આપ્યું. અસ્તિત્વની ઉજવણી માટેના સજાગ મનના સકારાત્મક વિચારો ‘ નિષ્ફળતાનું જીવનમાં કોઈ સ્થાન નથી ’ એવો અહેસાસ કરાવે છે.
મનની વિવિધ સાત પ્રકારની કક્ષા હોય છે. જેમાં સૌથી નકારાત્મક કક્ષા એવી હોય છે કે, જ્યારે અંદરથી એવો જવાબ આવે કે ‘આ કાર્ય હું નહીં કરું.’ જે પણ વ્યક્તિ કાર્યના આરંભ કરતાં પહેલાં નકારાત્મક વલણથી એમ કહે કે આ ‘હું નહીં કરું’ એ સૌથી ખરાબ મનઃસ્થિતિની ગવાહી આપે છે. આનાથી પણ વધારે ગંભીર બાબત એ છે કે, જ્યારે વ્યક્તિ મનોમન એમ વિચારે કે ‘આ હું નહીં કરી શકું.’ આ પ્રકારની મનઃસ્થિતિ નકારાત્મક મન:સ્થિતિ કરતાં પણ વધારે ગંભીર એટલા માટે કહી શકાય કે, આવી અવસ્થામાં વ્યક્તિને પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. આનાથી લગોલગ બીજી એક એવી પણ અવસ્થા છે કે જેમાં મન એવું વિચારવા લાગે કે, ‘હું આ કેવી રીતે કરીશ ?’ આ પરિસ્થિતિમાં થોડીક સારી નિશાની એ પણ છે કે, કામ કરવા માટે ઇચ્છાશક્તિ દેખાય છે. સારી મનઃસ્થિતિ એ છે કે, મનમાં વિચાર આવે કે, ‘હું આ કામ કરવાની કોશિષ કરીશ’. જ્યારે મન એમ કહે કે, ‘ હું આ કરી શકીશ ‘ એ ઊર્ધ્વગામી અવસ્થા છે. એનાથી પણ વધુ સારી અવસ્થા એ છે કે, ‘ આ હું કરીને જ રહીશ. ‘ છેલ્લી અને સૌથી મન અને હૃદયને તૃપ્ત કરી દેતી અવસ્થા એ છે કે અંદરથી એવો જવાબ આવે કે, ‘મેં આ કામ કરી લીધું.‘ આ સાત પગલાંનું આત્મચિંતન વ્યક્તિએ જીવનમાં રંગો ભરી દે છે.
        સકારાત્મક વિચારો વિનાની જિંદગી ખોખલી હોય છે. અશાંત અને દિશા વિહિન જિંદગીના અંધકારમાં સકારાત્મક વિચારોની શક્તિનું આશાનું કિરણ પ્રકાશ ફેલાવે છે. બે હાથ પહોળા કરીને જીવનને મોજથી માણવાનુ સ્મિત જ જીવનનુ ઉમંગભર્યુ સંગીત હોય છે. વિચારો મનુષ્યની પોતાની ઉપજ હોય છે. અને એટલા માટે જ મનુષ્યે સ્વયં જ નક્કી કરવું પડે કે, સકારાત્મક વિચારો સાથે સફળ બનવું છે કે, નકારાત્મક વિચારોના સથવારે નિર્બળ બનવું છે.
        હકારાત્મક વિચારોના પાયામાં આશા અને વિશ્વાસ હોય છે. નકારાત્મક વિચારોની નકારાત્મકતા સકારાત્મક વિચારોની શક્તિથી પરાસ્ત થાય. સકારાત્મક વિચારો માટેનું પ્લેટફોર્મ મન છે. મન નિયંત્રણમાં રહેવુ જોઇએ. જ્યારે મન ઉપરથી નિયંત્રણ ગુમાવીએ છીએ ત્યારે પાયલોટ વિનાના પ્લેનની જેમ દૂર્ઘટનાગ્રસ્ત થવાનુ નક્કી છે.

ધબકાર :

મન તમારૂ છે, એને સકારાત્મક વિચારોથી એને સોનુ બનાવવુ છે કે નકારાત્મક વિચારોથી લોઢુ એ તમારે નક્કી કરવાનુ છે.

No comments:

Post a Comment