સામાન્ય
ખેડૂત પરિવારમા જન્મેલા ડો. સિવને આસમાનમાં ભારતનો પરચમ લહેરાવ્યો
- પુલક ત્રિવેદી
વર્ષ ૨૦૧૦ના એપ્રિલ મહિનાની વાત છે. GSLV આકાશમાં ઉડતાની સાથે જ
ધરાશાયી થઈ ગયું. GSLVના ક્રાયોજનિક એન્જીનના
ટર્બોજેટ પમ્પમાં ખામી સર્જાતાં GSLV નિષ્ફળ ગયું.
વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરનાં ડો. કે. સિવનને બોલાવવામાં આવ્યા. ડો. સિવન
એરોનેટિક્સ એન્જિનિયરીંગના માહિર અને રીયુઝેબલ લોન્ચ વ્હિકલ ટેકનોલોજીના જાણકાર પણ
ખરા એ નફામાં. મિશન ડિઝાઈન અને સિમુલેશનમાં ડો. સિવનની માસ્ટરી કાબિલે તારીફ. ડો. સિવનને GSLV માટે તાબડતોબ બોલાવવામાં આવ્યા. ડો. સિવને GSLVની નિષ્ફળતાની તમામ
બાબતોનો ગહન અભ્યાસ કર્યો. અને આખરે GSLV-D5 સફળ રહ્યું. ડો.
સિવન લોન્ચ વ્હિકલની પાયાની જરૂરિયાત અને અગત્યના કોમ્પોનન્ટ એવા 6-D ટ્રેજેક્ટરી સિમુલેશન
સોફ્ટવેરના જનક કહેવાય છે.
વર્ષ ૨૦૧૮ની શરૂઆત ભારતે અવકાશી સંશોધન
ક્ષેત્રે દબદબાપૂર્ણ રીતે કરી. જાન્યુઆરી-૧૨, ૨૦૧૮ના રોજ ભારતીય અંતરીક્ષ સંસ્થા,
ઈસરોએ જબરજસ્ત હરણફાળ ભરીને ૩૧ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા. જેમાંથી ૩ ઉપગ્રહ
ભારતીય અને યુએસ સહિત સાત દેશના ૨૮ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. શ્રી હરિકોટા સતિષ ધવન
સ્પેસ સેન્ટરમાં ૧૨મી તારીખે શુક્રવારે સવારે બરાબર ૯.૨૮ કલાકે લાલ અને ગુલાબી
ધુમ્રસેરોના અવનવા મજેદાર આકારો આસમાનમાં દેખાયા. PSLV C-40 ૩૧ ઉપગ્રહોને લઈને ભારતની ભૂમિ ઉપરથી ગગનમાં
સફળતાપૂર્વક ચાલી નીકળ્યું.
PSLV C-40 રોકેટ લોન્ચરની
સફરમાં ભારતનો ૧૦૦મો ઉપગ્રહ કાર્ટોસેટ-૨ પણ છે. ૭૧૦ કિલોગ્રામ વજનવાળો કાર્ટોસેટ-૨
માર્ગ પરિવહન અને ગ્રામ વિકાસની દિશામાં ભારતને મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડશે. અગાઉ
ગયા વર્ષે ૨૦૧૭માં ફેબ્રુઆરી મહિનામાં ભારતના રોકેટ લોન્ચરે એક સાથે ૧૦૪ ઉપગ્રહ
ભ્રમણકક્ષામાં તરતાં મૂકીને ભારતીય અવકાશ સંસ્થા ઈસરોએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો
હતો. આવનારા ચાર વર્ષોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્ર સુધી પહોંચવાની યોજના ઉપર
ગહન સંશોધન કાર્યમાં ઈસરોના પ્રબુદ્ધ અને પરિશ્રમી વૈજ્ઞાનિકો લાગી ગયા છે. ભારતીય
અવકાશ સંશોધન સંસ્થા ૩૧ ઉપગ્રહોને સફળતાપૂર્વક તરતા મૂકવાની સાથે એક મોટી ઘટના એ
પણ બની કે, રોકેટ લોન્ચીંગ ટેકનોલોજીના ભીષ્મપિતામહ ડો. કે. સિવન અમેરિકા અને
રશિયા પછી વિશ્વની ત્રીજા નંબરની ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરોના ચેરમેનપદે
આરૂઢ થયા. ડો. સિવન ચેરમેન બનતાં માનસપટ ઉપર એક થ્રિલર ફિલ્મની જેમ ભારતીય
રોકેટીંગ ટેકનોલોજીના ઇતિહાસની એક પછી એક ફ્રેમ ફટાફટ પસાર થવા લાગી.
ચાંદ, સિતારા કવિઓની કલ્પનાના આકાશમાંથી
માણસના મનની નક્કર વાસ્તવિકતા બનાવી દેનારા વિશ્વના દાદુ અવકાશ વૈજ્ઞાનિકોની
હરોળમાં ડો. કે. સિવનનું નામ બડા આદરથી લેવાય છે. એક જમાનો હતો કે જ્યારે CLC પ્રોજેક્ટ નાકામિયાબ થયો
ત્યારે આખા વિશ્વના દેશો ભારતની મજાક ઉડાવતાં હતાં. અને કહેતા હતાં કે અવકાશ
સંશોધન ક્ષેત્રે ભારત કશુ ઉકાળી શકે એમ જ નથી. લટકામાં ક્રાયોજેનિક એન્જિનની મદદથી
છોડાયેલા પ્રથમ પ્રયાસની નિષ્ફળતાએ યુએસ સહિત દુનિયાના ઘણાં દેશોએ ભારતને હ્યુમિલિએટ
કર્યું. પણ હારથી થાકીને પાછા વળે તો ડો. સિવન શેના? ડો. સિવન અને એમની તજજ્ઞ
અવકાશ વૈજ્ઞાનિકોની ટીમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ફરી પાછું કામ શરુ કરી દીધું.
બિલકુલ ભારતીય ઉપકરણો અને સ્વદેશી સરંજામથી નિર્માણ કરવામાં આવેલા ક્રાયોજેનિક
એન્જિનની મદદથી ભારતે GSLV સફળતાપૂર્વક
અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. દુનિયાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એક તબક્કે ભારતની રોકેટ
લોન્ચિંગ ટેકનોલોજીની ભરપૂર ટીકા કરતો દેશ અમેરિકા એના ઉપગ્રહો ભારતના લોન્ચિંગ
પેડથી તરતા મૂકવા માટે ભારત સાથે એગ્રિમેન્ટ કરવા તૈયાર થઈ ગયો. આ હતી ડો. સિવન
અને ભારતના અવકાશ વૈજ્ઞાનિકોની પ્રથમ ગૌરવપૂર્ણ જીત.
ક્રાયોજનિક એન્જિન એટલે સાદી ભાષામાં કહીએ તો ઉપગ્રહને
અવકાશમાં લઈ જતો લોન્ચિંગ રોકેટનો હિસ્સો. ઈન્ડિજિનિયસ ક્રાયોજનિક એન્જિનના
ક્ષેત્રે પાયાનું અને મજબૂત યોગદાન આપીને હિન્દુસ્તાનને અવકાશ વિજ્ઞાનમાં
અગ્રહરોળમાં ડો. સિવને મૂકી દીધું છે. તામિલનાડુના નગરકોઈલ પાસે આવેલા
વલ્લનકુમરાવિલાઈ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં સિવનનો જન્મ થયો.
વલ્લનકુમરાવિલાઈની સરકારી પ્રાથમિક શાળામાં ડો. સિવને પ્રાથમિક શિક્ષણ લીધું. મદ્રાસની
ઈન્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિકલ એન્જિીનિયરિંગમાં ડો. સિવને બેચલર ડિગ્રી
મેળવી. બેંગલોરની આઈઆઈએસસીમાંથી અનુસ્નાતક થયા બાદ આઈઆઈટી, મુંબઈમાંથી એરોસ્પેસ
એન્જિનિયરીંગમાંથી પીએચડીની થયા. ડો. સિવન ધ ઈન્ડિયન નેશનલ એકેડેમી ઓફ
એન્જિનિયરીંગ, એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠીત સંસ્થાના ફેલો સદસ્ય
પણ છે. ડો. સિવન આજે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ઇસરોના નવા અધ્યક્ષ બન્યા છે
ત્યારે આપણા ગુજરાતી અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈની સહેજે યાદ આવી જાય.
એક્સપેરિમેન્ટ સેટેલાઈટ કોમ્યુનિકેશન, અર્થસ્ટેશન તેમજ ઈસરો દ્વારા ભારતીય અવકાશ
સંશોધનને ગુજરાતી વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈએ અદભુત ઉંચાઈ આપી હતી.
થોડા સમય પહેલાં ડો. સિવને એશિયાના દિગ્ગજ વૈજ્ઞાનિકોની
રિમોટ સેન્ટિંગના વિષય ઉપરની કોન્ફરન્સમાં રોકેટ લોન્ચિંગના સંશોધન સંદર્ભે તેમનું
પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું ત્યારે ઓડિટોરીયમમાં બેઠેલા એશિયાભરના વૈજ્ઞાનિકો
અચંબિત થઇ ગયા હતાં. એવું કહેવાય છે કે, પાંચ હજાર વર્ષ પહેલાં ચીનમાં કોઈએ
ગનપાવડર ભરીને કશુંક હવામાં છોડીને રોકેટ લોન્ચિંગની શરૂઆત કરી. ફટાકડા તરીકે શુભ
પ્રસંગોએ ઉપયોગમાં લેવામાં આવતું. ભારતમાં રોકેટ ટેકનોલોજીની શરૂઆત ૧૭૯૨થી થઈ એમ
કહેવાય. ભારતીય શાશક ટીપુ સુલતાને ૧૭૯૨માં ગનપાવડર ભરીને એક છેડે તલવાર મૂકીને બે
કિલોમીટરની રેન્જ સુધી જઈ શકે એવા મારક રોકેટ બનાવ્યા. શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં આ
રોકેટનો ટીપુએ ઉપયોગ કર્યો. ટીપુ સુલતાન શ્રીરંગપટ્ટનમનું યુદ્ધ જીતી પણ ગયા. આજે
આ ટેકનિકને ‘ન્યુક્લિયર પે રોડ’ તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટીશ કર્નલ વિલિયમ
કોંગ્રિવ ટીપુની આ ટેકનિક બ્રિટન લઈ ગયા. તેમાં થોડાઘણા ફેરફાર કરી ૧૮૦૭ના કોપન
હેગન વોરમાં આ રોકેટનો ભરપુર ઉપયોગ કર્યો. આ રોકેટ કહેવાયું ‘કોંગ્રિવ રોકેટ’. પણ
મૂળતઃ ‘કોંગ્રિવ રોકેટ’ એટલે ટીપુની રોકેટ ટેકનોલોજી. પછી ૧૯૬૨ સુધી એટલે કે ૧૭૦ વર્ષો સુધી ભારતના અવકાશ
સંશોધન કે રોકેટ લોન્ચિંગ ક્ષેત્રે કોઈ ખાસ પ્રગતિ ન થઈ. અને ૧૯૬૨ પછી ભારતમાં
અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે જબરજસ્ત પ્રગતિ થઈ. એસએલવી-૩, જીએસલેવી, ચંદ્રયાન-૧,
માર્શ વગેરે જેવા અવકાશ મિશનના સફળ કાર્યક્રમો ભારતની ઝોળીમાં છે. ૨૦૧૭માં ૧૦૪
ઉપગ્રહ અવકાશમાં તરતાં મૂકીને દુનિયાભરમાં અવકાશ સંશોધન ક્ષેત્રે હિન્દુસ્તાનનો
પરચમ સૌથી ઉપર લહેરાવા લાગ્યો.
રોકેટ લોન્ચિંગ સાયન્સ અને સ્પેસ રીસર્ચ સાયન્સના
કેન્દ્રમાં જનસામાન્યની સુખાકારી હોય છે. બ્રહ્માંડના તથ્યો જાણવા, સંદેશા
વ્યવહારમાં ઝડપ, હવામાનની પૂર્વ આગાહી અને પૃથ્વીના નાનામાં નાના વિસ્તારોનું
સુયોગ્ય નિરીક્ષણ અને પૃથક્કરણ. જનતા સાથે જોડાયેલી આ ચાર મહત્વની બાબતો અવકાશ
સંશોધન વિજ્ઞાનના પાયામાં છે. ભારતના દિર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ
મોદીએઅ કહ્યું હતું કે, ‘ ધેર શુડ નો સ્પેસ બિટવીન કોમનમેન એન્ડ સ્પેસ ટેકનોલોજી ’
અર્થાત્ અવકાશ સંશોધનનો જનસામાન્યના લાભ માટે મહત્તમ ઉપયોગ થાય. આમજનતા અને અવકાશ
વિજ્ઞાન વચ્ચે કોઈ અંતર ન રહે એ સ્પેસ ટેકનોલોજીનો સાચો ઉપયોગ છે. બીજા અર્થમાં
કહીએ તો સ્પેસ ટેકનોલોજી વગર આધુનિક જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
સામાન્ય માનવીને કોસ્ટ ઈફેક્ટીવ રીતે અવકાશ વિજ્ઞાનના
સંશોધનોનો લાભ મળે એ સૂત્રને ડો. સિવન અને તેમની તજજ્ઞ ટીમે ચરિતાર્થ કરવાની
દિશામાં નક્કર પગલાં લીધાં છે. ડો. સિવન, ડો. વિક્રમ સારાભાઈ, ડો. એપીજે કલામ જેવા
અવકાશ વૈજ્ઞાનિકોના શોધ કાર્યોને લીધે આજે ભારતનો પ્રત્યેક નાગરિક ઘરે બેઠાં ટીવી,
એફએમ રેડિયો, ટેલિફોન વગેરે દ્વારા ઝડપથી માહિતીનું આદાનપ્રદાન કરી રહ્યો છે.
વાવાઝોડું, સુનામી, ધરતીકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો સામે સજ્જતા કેળવવા માટે
આ વૈજ્ઞાનિકોએ ખૂબ મોટું કાર્ય કર્યું છે.
જ્યારે એક
લોન્ચિંગ રોકેટ નિષ્ફળ ગયું ત્યારે મોં વકાસીને હિન્દુસ્તાન બેસી રહ્યું હોત તો
આજે એક સાથે ૧૦૪ ઉપગ્રહ છોડીને આખી દુનિયામાં ભારતનો ડંકો ન વાગતો હોત. એક હારથી પાછા
હટવાના બદલે ડો. સિવન જેવા વૈજ્ઞાનિકોએ એ હારમાંથી પદાર્થપાઠ શીખીને વિશ્વને
અચંબિત કરી દેતી સફળતા મેળવી. સલામ છે ડો. સિવનના સંશોધનોને, સલામ છે ડો. સિવન
જેવા તજજ્ઞ અવકાશ વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમને. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા
બાળક સિવન પાસે હારમાંથી પદાર્થપાઠ શીખીને એને જીતમાં પલટાવવાની અદભુત કલા છે.
કહેવાય છેને કે, નિર્બળ મનના માનવીને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ
નડતો નથી.
ધબકાર –
હારમાંથી
શીખનારા સાગરમાં પથ્થરો નાખી પૂલ બનાવી દે છે.
No comments:
Post a Comment