Sunday, 11 February 2018

દ્રઢ મનોબળથી ચિત્કારોને કચડીને ચમત્કારો સર્જતી છોકરીની કહાની


દ્રઢ મનોબળથી ચિત્કારોને કચડીને
ચમત્કારો સર્જતી છોકરીની કહાની


વિકલાંગ વિલ્માના જોરદાર અડગ આત્મવિશ્વાસની વાત છે. 1960ના દાયકામાં વિશ્વની સૌથી ફાસ્ટ દોડતી નારીની સત્ય ઘટનાની વાત છે. દક્ષિણ અમેરિકાના ખુબસુરત પ્રાંત ટેનેસીની રોમાંચિત કરી નાખે એવી આ વાત છે. બ્લાન્ચ અને ઇડી રૂડોલ્ફના અત્યંત સામાન્ય પરિવારમાં જુન તા. 23, 1940ના રોજ દીકરી અવતરી. અધુરે મહિને આવેલી આ દીકરીનુ નામ વિલ્મા. ગરીબની કસોટી પણ વધુ થતી હોય છે. બ્લાન્ચને અધુરે મહિને આવેલી વિલ્મા ચાર વર્ષની થઇ ત્યાં તો પોલિયોનો શિકાર બની. નાનકડી વિલ્માના પગમાંથી ચેતના ચાલી ગઇ. ડોક્ટરો છુટી પડ્યા અને કહ્યું, ‘આ છોકરી હવે ક્યારેય જમીન ઉપર ઘોડીઓના સહારા વગર ચાલી શકે એમ નથી.’ ચાર વર્ષનીનાનકડી વિકલાંગ વિલ્મા હવે કેલીપર્સના સહારે માંડ માંડ ચાલતી.
અડોશ પડોશના લોકો અને સગા સંબંધીઓ માતા બ્લાન્ચ અને વિલ્માને સહાનુભૂતીપૂર્વક જોતા. લોકોની સહાનુભુતી બ્લાન્ચને મંજુર ન હતી. એ હમેશા દીકરી વિલ્માને કહેતી કે, ‘બેટા તારામાં અખુટ શક્તિનો ભંડાર પડ્યો છે.’ માતાની આ વાત સાંભળી ઘોડીઓના સહારે ઉભેલી અને વિસ્મયજનક આંખોથી જોઇ રહેલી વિલ્મા કહેતી, ‘પણ મમ્મી, હું મારા પગ ઉપર ચાલી પણ નથી શકતી. હું શુ કરી શકીશ ?’ દીકરીના આ હદયદ્રાવક વેધક સવાલનો બ્લાન્ચ સરસ જવાબ આપતી. શિવાજીને ઉછેરતી જીજાબાઇની માફક એક ફાઇટરને છાજે એમ એ કહેતી કે, ‘બેટા, તું જે ધારીશ એ કરી શકીશ. આ સંસારમાં તારા માટે કશુ અશક્ય નથી.’ મમ્મીની આ વાત સાંભળી વિલ્મા ખુશીથી નાચી ઉઠતી.
એક દિવસની વાત છે. બ્લાન્ચ ઘરમા કામ કરતી હતી ત્યારે અચાનક નાનકડી વિલ્માએ પુછ્યું, ‘મમ્મા, હું દુનિયાની સૌથી ઝડપી રેસલર બની શકું ?’
જમીન ઉપર ઘોડીના સહારા વગર ઉભી પણ ન રહી શકતી વિલ્માને મમ્મીએ કહ્યું, ‘કેમ નહીં બેટા... ઇશ્વર ઉપર ભરોસો રાખજે. નિષ્ઠાપૂર્વક મહેનત કરીશ તો તું જે ધારીશ એ મેળવી શકીશ.’
મમ્મીના આ શબ્દોએ વિલ્માના જીવનમાં જાદુઇ અસર કરી. આ શબ્દો વિલ્માના મનમાં સતત ઘુમરાતા રહેતા. એનુ મનપંખી પાંખો પ્રસરાવી ખુલ્લા આકાશમાં ઉડવા લાગતુ. વિલ્મા નવ વર્ષની થઇ ત્યારે પગમા લગાવેલા સળીયાનો ટેકો જેને ’બ્રેસ’ કહેવાય છે એને જીદ કરીને કઢાવી નાખ્યા. ઘોડી અને બ્રેસ વગર વિલ્માને જમીન ઉપર ચાલવામાં પારાવાર મુશ્કેલી પડતી. એ અનેકવાર પડતી અને આખડતી. ઘવાતી એના પગ છોલાતા. ઉઝરડામાંથી લોહીની ટશરો ફુટતી. પણ ‘તું ધારીશ એ કરી શકીશ...’ મમ્મ્મીના આ શબ્દો એનામાં ફરી સાહસ ભરી દેતા. એ હિંમત હાર્યા વગર ફરી ઉભી થઇ જતી. બે વર્ષમાં તો વિલ્મા ઘોડીના સહારા વગર ચાલતી થઇ ગઇ. વિલ્માને ઘોડી વગર ચાલતા જોઇને પડોશીઓ અને મિત્રો આશ્ચર્યચકિત થઇ ગયા. એમને ક્યા ખબર હતી કે, અડગ મનોબળવાળી આ છોકરી ભવિષ્યમાં દુનિયા આખી માટે પ્રેરણામૂર્તિ બનવાની છે.
‘વિશ્વની સૌથી તેજ દોડવીર’ બનવાના પોતાના સપના ભણી તેર વર્ષની ઉંમરે વિલ્માએ પહેલું ડગલુ માંડ્યું. એક દોડની સ્પર્ધામાં એણે હોંશભેર ભાગ લીધો. આ સ્પર્ધામાં વિલ્મા સૌથી છેલ્લી આવી. આ છોકરી એના લક્ષ્ય ઉપર ચટ્ટાનની જેમ અડગ રહી. એક પછી એક અનેક સ્પર્ધામાં વિલ્મા ભાગ લેતી. હારતી ગઇ પણ એણે કોશીષ ન છોડી. એનો આત્મવિશ્વાસ પ્રત્યેક હાર સાથે વધુ દ્રઢીભૂત બનતો. ઉજાશના પથદર્શન માટે લાખો નિરાશાઓના મોટા ખંડમાં ક્યાંક ટમટમતુ આશાનુ નાનુ અમથુ કોડીયુ કાફી હોય છે. વિલ્મા આખરે એક રેસમાં પ્રથમ આવી. એની ખુશીઓનો પાર ન રહ્યો.
હવે વિલ્મા જીવનનો દોઢ દાયકો પૂરો કરી ચુકી હતી. પંદરમાં વર્ષે વિલ્માએ પ્રતિષ્ઠિત ટેનેસી રાજ્ય વિદ્યાલયમાં એડમિશન લીધું. મહેનત કરનારાના માર્ગમાં મુશ્કેલી જરૂર હોય પણ હાથ પકડવા મસિહા પણ મૌજુદ હોય છે. ટેનેસી રાજ્ય વિદ્યાલયમાં વિલ્માનો ભેટો ટ્રેક એન્ડ ફિલડના મંજાયેલા કોચ ટેમ્પલ સાથે થઇ ગયો. બસ, પછી તો પુછવુ જ શું. વિલ્માએ એના દિલમા ધરબાયેલી ‘દુનિયાની સૌથી તેજ રેસલર’ બનવાની ઇચ્છા કોચ ટેમ્પલને કહી. ટેમ્પલ સરને આ છોકરીનો ગજબનો આત્મવિશ્વાસ ગમ્યો. એમણે વિલ્માને વૈશ્વિક ફલક ઉપર લઇ જવા માટે મહેનત શરૂ કરી. ટેમ્પલ સરની દોરવણી હેઠળ વિલ્મા ટ્રેક ઉપર પરસેવો પાણીની જેમ વહેવડાવી નિષ્ઠાપૂર્વક મહેનત કરવા લાગી. ટેમ્પલ સર અને વિલ્માની મહેનત ફળી. ઑલંપિક્સમા ભાગ લેવા જતી અમેરિકાની ‘ટ્રેક એન્ડ ફિલ્ડ’ ટીમમાં વિલ્માનો સમાવેશ થયો.
1960મા ઇટાલીના રોમમાં રમાયેલી ઑલંપિક્સમા વિલ્માએ ડંકો વગાડી દીધો. 200 મીટર, 300 મીટર અને 400 મીટર રીલે રેસ એમ ત્રણ-ત્રણ ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં વિલ્માએ ગોલ્ડ મેડલ જીત્યા. અમેરિકાના ઇતિહાસમાં આ પહેલા એક જ ઑલંપિક્સમાં કોઇ મહિલા ખેલાડીએ ત્રણ ગોલ્ડ નહોતા મેળવ્યા. વિલ્માની આ સિધ્ધીએ એને વિશ્વની સૌથી તેજ દોડતી મહીલા તરીકે નવાજી.
જે છોકરી બાળપણમાં ધરતી ઉપર ધોડીના સહારા વગર ડગલુ પણ માંડી નહોતી શકતી એ છોકરીએ આઇકોનિક ઇમેજ ઉભી કરી ચમત્કાર સર્જ્યો. દ્રઢ મનોબળ અને નિષ્ઠાપૂર્વકની મહેનતથી વિશ્વની ‘ફસ્ટેસ્ટ રેસલર’ બની એક સમયે વિકલાંગ કહેવાતી વિલ્મા. જીવનમાં એક સપનુ એવુ હોવુ જોઇએ કે જે સુવા ન દે. મહેચ્છાઓના મોરપિચ્છ સાથે અડગ નિષ્ઠાનુ બળ ચિત્કારોને ચમત્કારોમાં ફેરવી નાખે છે. સ્વયંનુ મુલ્ય સમજવા માટે પોતાના માનસિક માપદંડો તૈયાર રાખવા પડે. મનમાં વિશ્વાસનો શ્વાસ ભરવો જોઇએ. પોતાની જાત સાથે સંવાદ કરીને કહેવુ જોઇએ કે, દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હું સ્વયં છું. ઇતિહાસ રચવાની ક્ષમતા ઇશ્વરે સૌ કોઇને આપી છે. તમે ઇતિહાસ વાંચવા માટે નહીં ઇતિહાસ રચવા આવ્યા છો એવો પાક્કો અહેસાસ થવો જોઇએ. અદભૂત કરી શકવાની તમારી ઐશ્વરીય શક્તિ સમજી એને બહાર લાવવાની છે.
માણસ જન્મે એટલે એના જન્મનો સત્કાર થાય છે, પણ પોતાની શક્તિઓને ઉજાગર કરી એના સ્વીકાર માટે જીવનપર્યંત સજાગ રહેવુ પડે. માત્ર શ્વાસ ચાલે એટલે જીવન જીવય છે એમ સંતોષ માની લેવાય તો એ ભુલ છે. જાણીતા લેખક અને ચિંતક હિતેન આનંદપરાએ લખેલી ‘શ્વાસને સાર્થક કરવાની પ્રક્રીયાને જીંદગી કહેવાય’ એ વાત યાદ આવે છે. જેમ વર્ષાના આગમન ટાણે મોરલો પીંછા ખોલી મન મુકીને નૃત્ય કરે એમ દ્રઢ મનોબળ સાથે મહેનતના પીંછા ખોલી પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ રાખી સફળાતાની સુવાસ ફેલાવવા માટે મન મુકીને થનગનાટ થવો જોઇએ. કોઇ એકાદી અડચણ કે ઘટના આપણને ડગાવી કે અટકાવી શું શકે ? જ્યારે પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ હોય ત્યારે પોતાના વ્યક્તિત્વના પાના ઉપર ગમે ત્યારે પાડેલો અક્ષર ક્યારેય એળે જતો નથી. હા, ક્યારેક સમયના આવરણથી ઝાખો જરૂર લાગે પણ જ્યારે ઉગી નિકળે એ વખતે અદભૂત ઉજળો લાગે. સ્વયંમાં સંતાઇને પડેલી શક્તિઓની સુગંધ નિશ્ચય અને મહેનતથી રૂપાંતરીત થઇને સમાજને સુવાસિત કરી દે છે.


ધબકાર :
દ્રઢ મનોબળ અને મહત્વાકાંક્ષા વગરનો યુવાન પણ વૃધ્ધ બનવાની રાહ જોઇને બેઠો હોય છે.   


  


No comments:

Post a Comment