Sunday, 1 July 2018

બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને મોટેથી હસી તો જુઓ, મજ્જા પડશે...


બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને મોટેથી હસી તો જુઓ, મજ્જા પડશે...


સતત દિવસો અને મહિનાઓ સુધી કાળઝાળ ગરમીમાં અવનીની તડપન સાથે ધગધગતી ધરાએ જાણે અંબર સાથે રીતસર કીટ્ટા કરી રીસામણા આદર્યા હોય એમ લાગે. ‘જા, તારી સાથે નહીં જ બોલુંએમ આકાશને કહીને અબોલા કર્યા હોય અને અચાનક ધરતી એનું મૌન છોડી અંબરને જ્યારે પૂછે કે, ‘શા હાલ છે તારા...? મઝામાં છે ને..?’ બસ... એ જ ઘડીની વાર હતી. આકાશની આંખો ભીની ધઈ જાય અને મનમૂકીને વરસી પડે અનરાધાર.



આકાશ અને ધરતીની પ્રેમ કહાનીનો સૌથી મોટો કોઈ પ્રેમસેતુ હોય તો તે વરસાદ છે. અંબર એનો માતબર પ્રેમ વરસાદના ટીપે ટીપામાં ભરી ભરીને ધરા ઉપર પ્રેમાળ સંદેશ મોકલે. ધરા પણ આકાશના અહલાદને હરિયાળા સ્મીતથી સજી ધજીને આવકારે. આકાશના વાદળની ઉત્કંઠા અને ધરતીની ઉર્મીઓનું ક્યારેય મિલન શક્ય નથી. એટલે જ એની ઉર્મીઓના વાહક બનતું એક માત્ર અદભુત પ્રતીક એટલે વરસાદ.
વરસાદની કોઈની સાથે ક્યારેય કોઈ સ્પર્ધા હોતી નથી. વર્ષા તો પોતે જ પોતાની આગવી શૈલીમાં દોડે છે. ભૂલેચૂકે પણ જો વરસાદને કોઈ એની ઇચ્છા પૂછે, તો કદાચ ફટાક દઈને એ જવાબ આપી દે કે, ‘કોઈ કરતાં સારા થવાની કે કોઈનાથી આગળ નીકળવાની મારી ઇચ્છા છે જ નહીં. મારી ઇચ્છા તો પહેલાં કરતાં વધુ બહેતર અને બેસુમાર વહાલ વરસાવવાની છે. ‘ વર્ષાની ચાલ ભભકાદાર અને મહેકદાર હોય છે. એના આગમન પહેલા વાયરો આમતેમ દોડા દોડ કરે છે. વીજળી બ્યુગલ વગાડી છડી પોકારે છે. ધરતી વ્હાલથી એને આગોશમાં લેવા બેતાબ હોય છે. એટલે જ તો વર્ષારાણી કહેવાય છે.
ધરતી સાથે આકાશના સંવાદથી મૌસમ એટલે વરસાદની મોસમ. મેઘધનુષી રંગો ભર્યું આકાશ અને હરીયાળી ખુશી વેરતી ધરાના પ્રણય નૃત્યમાં મનગમતા સાથીના સાથની બે પળ મળે તો એને કહેવાય જિંદગી. જેમ આગ અને તાપણીમાં ફરક છે, એમ વરસાદમાં પલળી જવું અને ભિંજાઈ જવામાં ફરક છે. સમયને પૂરે પૂરો માણવા સમયને ખોળે માથું મૂકી દેવું પડે. વરસાદ તો પ્રેમ અને ઉર્મીઓનો લખલૂટ ખજાનો છે. એ કોઈ સામાજિક બંધનોની આંટીઘુંટીમાં પરોવાયેલો વ્યવહાર નથી કે આટલા લીટર વરસ્યો એટલે એટલા પ્રમાણમાં મોજ અને આનંદ !
વરસાદ એટલે બાળપણને આમંત્રણ. આપણે અનનેસેસરીલી એવા મોટા થઈ ગયા છીએ કે, આપણે એ પણ ભૂલી ગયા છીએ કે, વર્ષો પહેલા બાળપણમાં વરસાદના પાણીમાં આપણા જહાજો ચાલતા. ક્યારેક ઘરના છાના ખૂણે એકલા અમસ્તા અમસ્તા બારીમાંથી વરસતા વરસાદને જોતા જોતા હોઠને મલકાવી તો જો જો. મન અને હૃદય ઉપર પરાણે રાખેલો મોટપનો જાડો ખદ્દડ પડદો હટાવીને બે હાથ પહોળા કરી વરસતા વરસાદમાં પલળીને વગર કારણે મોટે મોટેથી હસી તો જો જો. જીવનની આવી મસ્ત મૌલા જેવી ક્ષણો રૂમઝૂમ ઝાંઝરના ઝણકાર સાથે બારસાખે ઊભી હોય ત્યારે એને ભરપૂર માણી લેજો.
કેટલાક લોકોને આનંદની અદભુત મૌલાતના માલિક બનતા જ નથી ફાવતુ... સોરી નથી આવડતું. હજુ ગઈકાલ સુધી ગરમીથી ત્રસ્ત હતા. પાણી પાણી કરતા હતા. આજે વરસાદ વરસતા વરસાદની તકલીફોની ફરિયાદની વણઝાર વર્ણવા લાગે છે. આવા લોકો કોઇપણ વ્યક્તિ, ઘટના કે વાતનો આનંદપૂર્વક સ્વીકાર ના કરી શકવાના કારણે હંમેશા ત્રસ્ત રહે છે. આવા લોકો વ્યગ્રતાના વમળમાં ચકરાવે ચઢેલા જ રહે છે. એમનુ પાછુ એવુ પણ ખરું વરસાદનો ક્યારેય આનંદ નહીં, ના આવે તો વરસાદ નિષ્ઠુર અને બહુ વહાલથી અનરાધાર વરસે તો ખુબ ચોંટ્યો ચારે બાજુ પાણી પાણી થઇ ગયું જતો જ નથી... જીવનની મઝાની ક્ષણોને મુઠ્ઠીમાં બાંધી ન શકાય. મઝાની પળને તો વરસાદની માફક મનભરીને માણવાની હોય.
વરસતા વરસાદમાં કંઈકના દિલ ખીલી ઊઠે, મન મોર બનીને થનગનાટ કરવા માંડે. વરસાદ કોઈકના દિલમાં ફડકારો પણ પેસાડી દે કે, આજે ખાટલો ક્યાં ઢાળશે ? અને ઉંઘશે શી રીતે ? પણ એટિટ્યૂડ તો એવો હોવો જોઈએ કે, ભારે વરસાદને મુશ્કેલીઓથી બચવા ઝરમર વરસાદની પ્રાર્થના કરવા કરતા ધોધમાર વરસાદમાં સરસ રેઈનકોટ અને મોટા ઘેરાવાવાળી મજબૂત છત્રી માટે પ્રાર્થના કરવી જોઈએ.
સોશિયલ મીડિયાના મંજાયેલા કવિઓ તે વાદળો ગોરંભાવાનું શરૂ થાય અને પહેલો વરસાદ પડતાવેંત જ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટા વગેરે ઉપર કિલ્લોલથી કિકિયારીઓ પાડવા લાગે છે. વરસાદની સીઝન એવી છે કે એના માટે દરેક ભાષામાં કવિઓએ અઢળક વહાલ વરસાવ્યું છે.
વરસાદ ઉપર ખૂબ સુંદર મઝાની રચનાઓનો ખજાનો આપોઆપ હદયના કમાડ ખોલી રેલાવા માંડે છે. ‘‘આવરે વરસાદ, ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી અને કારેલાનું શાક... અને કવિ વિવેક મનહર ટેલરે રચેલું બાળપણમાં વરસાદની મોજ દફતર નાખી ભરાયેલાં પાણીમાં ધુબાકા, ચાલને ભેરું, વરસાદની મૌસમ છે ધરતી સાથે વરસાદના સંવાદની મોસમ છે...’ જેવા બાળગીતો બાળપણમાં લલકારી પાણીમાં છબછબીયા નથી કર્યા તો એને બાળપણ શું કહેવાય અને એની મસ્તીનો ખ્યાલ જ નથી.
હરિન્દ્રભાઈ દવે વરસાદની ઉર્મીઓને કંઇક આ રીતે ઢાળે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ, એક તરણુ ખીલ્યું ‘ને તમે યાદ આવ્યાં...’’ ભગવતીકુમાર શર્માની રચનામાં વરસાદની સોડમ ક6ઇક ઓર જ છે , ‘હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને ત્રીજો વરસાદ એવું કાંઈ નહીં, હવે માટીની ગંધ અને ભીનો સંબંધ મઘમઘતો સાથ, એવું કાંઈ નહીં...’ કવિ હર્ષ બ્રહ્મભટ્ટ વર્ષાની મહેકને, ‘આભમાં જ્યાં વાદળો ઘેરાય છે, માટીને મન ફુટ ફુટ થાય છે, મહેંક વરસાદી લઈને આ પવન લોહીમાં સીધો પ્રવેશી જાય છે...’ કહીની પોંખે છે. તો વરસાદની આગવી છડી પોકારતા કવિ નીતિન વડગામા મઝાની રચનામાં કહે છે કે, ‘ભીના પવરણે આવ્યો અવસર, મેઘ-મુબારક, ભિંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક, છાંટો પડતા એક સામટાં મ્હોરી ઊઠ્યાં, ડેલી, આંગણ ને આખું ઘર મુબારક...’
કવિ મુકેશ જોષીએ વરસાદના ઓવારણા એમ કહીને લીધા કે, ‘લીલાછમ પાંદડાએ મલકતા મલકતા, માંડેલી  અચરજની વાટ, ધરતીને સીમમાં જોઈ એકલી, ને એને બાઝી પડ્યો વરસાદ...’ રમેશ પારેખની ઓલ ટાઇમ હીટ રઇન લાઇન, ‘અહીં આપણ બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને ભીંજવે વરસાદ...’ યાદ આવ્યા વગર કેમ રહે ?આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, ગાલો પર લજ્જાની લાલી ફૂટવાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે...’ શબ્દો સાથે કવિ તુષાર શુક્લ વરસાદને આવકાર આપે છે.
પાંખો પ્રસરાવી મજ્જાથી તાતા થૈયા કરતા મોરલાઓ જુઓ... કેટલો આનંદ છે એના રોમેરોમમા ! પાંખો ફેલાવી સફેદ ચાદર પાથરી વરસાદના પ્રત્યેક ટીપાને ઝીલવા તૈયાર બગલાઓની પંગતને જુઓ... કેટલો ઉત્સાહ છે એની આંખોમાં ! વરસાદરૂપી નવાગંતુકને પોંખવા સાગરમાં ઘેલી થઈને દોડા દોડી કરતી માછલીઓ અને રાતના ખુશનુમા વાતાવરણમાં ટમટમતા દિવડા સમાન આગીયા સહિત પ્રકૃતિના કણ કણમાં નવચેતનાનો સંચાર વર્ષારાણીની સવારીને બાઅદબ આવકાર આપે છે. વરસાદની મૌસમમાં હૃદયના કોઈ છાના ખૂણે ઉછરી રહેલી ઊર્મીઓને ખુલ્લા આકાશમાં મુક્ત મને ફરફરાવવાનો અવસર કહેવાય. આ અવસર પ્રતિ વર્ષ આવે. ઉમર, કમર કે આજુ, બાજુ વિચારવા કરતા ધુબાકા મારીને એને માણી લેવો પડે. શ્રાવણ-ભાદરવામાં પાણીમાં ગુલઝાર સાહેબનું છઈ છપાક છઈ ગાઇને ઝુમી લેવુ પડે.


ધબકાર :
હળવેથી ઘરડા થવું એટલે, વરસાદની મૌસમમાં પ્રિય પાત્ર સાથે ભિંજાવાના બદલે ભજીયા યાદ આવે એ.





No comments:

Post a Comment